‘બિચારો’ (?) યુવાન –

યુવાન ‘બિચારો’ છે જ નહી,

સાહિત્યકારશ્રી ઝવેરચંદ મેઘાણી કહી ગયા છે –

“ઘટમાં ઘોડા થનગને અને આતમ વિઝે પાંખ,
એ અણદિઠેલ ભોમ પર યૌવન માંડે આંખ”

youth1

પણ આજના યુવાનોની ‘ચિંતા’ઓની ‘ચિંતા’ કરીએ તો, ખરેખર લાગે કે યુવાન ‘બિચારો’ છે.

અંગ્રેજી ડીક્શનરી Youth ની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે –

Youth is also defined as “the appearance, freshness, vigor, spirit, etc., characteristic of one who is young”.

ઉંમરને ધ્યાનમાં રાખીને પણ વ્યાખ્યા થાય તો ૧૬ વર્ષ થી ૨૪ વર્ષ અને આપણી બોલીમા કહીએ તો ૧૫ થી ૩૫ વર્ષ સુધીની વ્યક્તિ. અંગ્રેજી વ્યાખ્યા ધ્યાનમાં લઈએ તો ઘણા વૃધ્ધો પણ ‘યુવાન’ માં આવી જાય. (appearance સિવાય)

આજે યુવાન ‘અણદિઠેલ ભોમ પર’ આંખ માંડી શકતો નથી. એનું એક કારણ એવું હોય શકે, એની પાસે એ ‘આંખ’ નથી – દ્રષ્ટિ નથી. દિશા શુન્યતા છે. એમ કેમ છે ? ચિંતાનો વિષય છે. માનવીની કુલ ઉમરનો આ ભાગ એવો છે કે તે સમયમાં વ્યક્તિએ પોતાની જાતને જીવન સાથે લડવા માટે તૈયાર કરવાની હોય છે. વીકીપેડીયા તેને ‘Self Concept’ કહે છે. આ Self Concept તૈયાર કરવામાં માબાપ તરફથી બાળપણમાં મળેલા સંસ્કાર, સામાજીક સર્કલ – મિત્રો/સગા-સંબંધીઓ, જીવન પધ્ધતિ (life style), Culature વગેરે, અસર કરે છે. સુ.શ્રી આરતી પરીખના બ્લોગ પર એક સરસ કાવ્ય પંક્તિ વાંચવા મળેલી –

“જીંદગી ! મને નહોતી ખબર કે તું છે ગણીત,

એક પદ ખોટું તો આખો દાખલો ખોટો !”

આમ Self Concept એ જીંદગીના દાખલાનું એક પદ છે, જો એ ખોટું હોય તો જીંદગીનો દાખલો જ ખોટો ગણાય. મહદ અંશ આવું જ બને છે. આપણે સૌ ખોટા દાખલા ગણી જીવન પુરું કરીએ છીએ. કદાચ જતી જીંદગીએ ધ્યાનમાં આવે કે જીંદગીનો દાખલો ખોટો ગણાયો છે તો બહુ મોડું થયું હોય છે, સમય પુરો થઈ ગયો હોય છે, જવાબવહી આપી ચાલતા થવાનું હોય છે.

યુવાનોએ ….  અને યુવાનોની ….. Self Concept તૈયાર કરવાની ‘ચિંતા’ કરવી જરુરી છે.

સૌ પ્રથમની ‘ચિંતા’ એ છે કે જે મા-બાપ બાળપણમાં ધ્યાન રાખે છે, માર્ગદર્શન આપે છે, તે હવે, ‘તું હવે મોટો થઈ ગયો છે’ એ શબ્દો અને વિચાર સાથે પોતાનું ધ્યાન બીજે ફેરવે છે. ‘સંસ્કાર’ના શિક્ષણની મોટી સ્કુલમાંથી (ઘર) તેને એલ.સી. પકડાવી દેવાય છે. આજની નવી સ્કુલો તેની ‘સ્કીલ’ વધારવાનો પ્રયત્ન માત્ર કરે છે. સંસ્કાર શું છે એ કદાચ સ્કુલોના માહિતીપત્રમાં છપાયેલ ‘શબ્દ’ રહી ગયો છે. સ્કુલ/કોલેજમાં જવાથી સામાજીક ક્ષેત્ર વિસ્તરે છે, નવા સંબંધો વિકસે છે, પણ આ સંબંધો શું છે ? કેવા છે ? કેવા હોવા જોઈએ ? કેવી રીતે જાળવવા ? કોની સાથે રાખવા ? આ બધાનું માર્ગદર્શન માબાપ પાસેથી અપેક્ષીત છે. પણ એમણે તો મોં ફેરવી લીધું છે અને યુવાન ગુંચવાય છે. નવી જવાબદારીઓ આવી પડે છે. એ કેમ નિભાવવી તેની સમજણ તેની પાસે નથી. સંબંધોમાં જે હુંફ હોવી જોઈએ તે યુવાનો કેળવી શકતા નથી અને તેઓ ઉપરછલ્લા અને કામચલાઉ સંબંધો બાંધે છે, જે મોટે ભાગે ‘લેતી-દેતી’ના વ્યવહાર જેવા હોય છે. કામ પુરું, સંબંધ પુરો. આવા સંબંધોવાળી વ્યક્તિઓ મહત્વની સામાજીક જવાબદારીઓ – જેવી કે લગ્ન સંબંધો બાંધવા/સુપેરે ટકાવવા, જાળવવામાં નિષ્ફળ નિવડે છે.

અભ્યાસ કરાવનાર સ્કુલોની ચિંતા તો કરી પણ ‘અભ્યાસક્રમો’ પણ ઓછા ચિંતાજનક નથી. સ્કુલો બાળાકોને/યુવાનોને ઇલેક્ટ્રોનીક રમકડા તો હાથમાં પકડાવી છે અને તેને કેમ ઓપરેટ કરવા તેની ટેકનીકલ માહિતી આપી, પોતાની જવાબદારી પુરી એમ માને છે. આ રમકડાઓના યોગ્ય ઉપયોગ માટે કોઈ જ્ઞાન અપાતું નથી. માબાપ યુવાનોની જીદ સામે સ્માર્ટ ફોન લઈ આપે છે પણ તે યુવાનને ઇન્ટરનેટનો કઈ રીતે સાચો અને ક્રિએટીવ ઉપયોગ કરવો તે શીખવાડતા નથી. સારામાં સારી અંગ્રેજી સ્કુલો વિદેશી સ્કુલોના અભ્યાસક્રમો અને તેની ટેક્સ્ટ બુકો ભણાવી બાળકોને આપણા સમાજથી સંસ્કારથી દુર કરે છે. અહીં માબાપોની પણ ભુલ થાય છે. વિદેશના મોહમાં બાળકને વિદેશી કલ્ચરથી પરિચય કરાવે છે અને ભવિષ્યમાં આ દેશમાં રહીને આખી જીંદગી ‘એડજસ્ટ’ થઈ શક્તો નથી. અહીં વિદેશી કલ્ચરની ટીકા નથી પણ માનવશરીર જે વાતાવરણમાં રહે છે તેની સાથે તે એડજસ્ટ થયેલું હોય છે, હવે માનસિક રીતે તેને અલગ વાતાવરણમાં જીવાડવાનો પ્રયત્ન કરીએ તો મુ્શ્કેલી પડે તે સ્વભાવિક છે. ઠંડા પ્રદેશની વાનગીઓ તમે ગરમ પ્રદેશમાં ખાઓ તો શરીરના પાચનતંત્રમાં મુશ્કેલી આવે એ દેખીતું છે.

અભ્યાસક્રમોની ડીઝાઈન પણ એવી હોય કે જેમાં પ્રયોગો કરવાનો અવકાશ રહેતો નથી. બાળકો કે યુવાનોની સર્જનાત્મકતાને ઓછો અવકાશ રહે છે અને તેના માટે પ્રોત્સાહન પણ નથી. બે-પાંચ વીરલા મળે ત્યારે તેનું સન્માન કરી આપણે સંતોષ માનીએ છીએ.

અભ્યાસ પુર્ણ કર્યા પછી ‘કેરીયર’ પસંદગીમાં મહદ અંશે ઘેંટાઓના ટોળા જેવું હોય છે. અભ્યાસની વિવિધ શાખાઓના એડમીશનના ટ્રેન્ડ જુઓ તો જણાશે કે પ્રતિવર્ષ બદલાતા રહે છે. કોઈ વખત એક શાખામાં વધારે તો બીજા વર્ષે બીજી શાખામાં વધારે. આ કારણોસર અભ્યાસની પુર્ણાહુતી બાદ વિદ્યાર્થીનો જથ્થો બહાર આવે તે એક શાખાનો જ હોય આથી કેરીયરમાં બીનજરુરી હરીફાઈ ઉભી થઈ જાય. મને-કમને સ્વીકારેલી નોકરીમાં શું ભલીવાર આવે અને એ યુવાનનું જીવન પણ ભલીવાર વગર પસાર થઈ જાય.

સરકાર, ઉદ્યોગોમાં રુપકડા નામ સાથે HRD Department હોય છે. એમાં મહદ અંશે બીઝનેશ રીલેટેડ તાલીમ અપાય છે. જે તે વ્યક્તિની જીવન પધ્ધતિ સુધારવામાં એનો ફાળો ઓછો હોય છે.

યુવાનોની આવી તો ઘણી ‘ચિંતા’ઓ છે.

તમે પણ થોડો પ્રકાશ પાડો……. (તો યુવાનોને નીચેના ચિત્ર જેવું ભવિષ્ય મળે)youth2

યે તેરા ઘર …..

નવા વર્ષની શુભેચ્છાઓ….

ધરતીનો છેડો ઘર તો વર્ષોથી સાંભળતા આવીએ છીએ, અને ખરેખર ક્યાંયથી પણ પાછા ઘેર પહોંચીએ ત્યારે ‘હાશ’ થાય છે એ પણ હકીકત છે. દરેકની મનસા પણ ‘પોતાનું’ ઘર બનાવવાની હોય છે. યુવાનોને સલાહ પણ છે કે ચાલીસી વટાવ્યા પહેલાં પોતાના ઘરની વ્યવસ્થા વિચારી લેવી.

પણ આજે House ની નહીં ‘Home’ ની વાત કરવી છે. આજે સ્વ. ફારુકશેખને અંજલી આપતાં ‘સાથ સાથ’ જોયું.

ફીલ્મની શરુઆત ખુબ ‘ટચી’ રહી. એક યુવાનની દુનીયા સાથે લડવાની, પોતાના વિચારો પર કાયમ રહેવાની ખુમારી જોઈ ખુ્બ આનંદ થયો. આજે વડીલો પણ યુવાનોને આ જ સલાહ આપતા હોય છે અને તે પણ એવું કહીને કે ‘અમે તો અમારું ધાર્યું ન કરી શક્યા, પણ તમે તો કરી શકો તેમ છો’

મને પણ આવી સલાહ આપવાનું મન થઈ જાય. (મફતમાં આપવાનું સૌને ગમે છે… મને પણ..) પણ મારા જીવનની ફ્લેશબેકમાં જતાં લાગે છે કે મેં પણ આવા જ સપના સેવ્યા હતા, પણ જ્યારે પ્રેકટીકલ થવની વાત આવે ત્યારે સપના, ‘સપનામાં’ જ રહી જાય, બાંધછોડ કરવી પડે છે એ પણ હકીકત છે. ન કરીએ ત્યારે ઘણું સહન પણ કરવાનું આવે છે, જે મેં નોકરી દરમ્યાન અનુભવ્યું પણ છે. વડીલો એમ પણ સલાહ આપે કે ‘જમાના સાથે ઉભા રહેવાની તાકાત કેળવવી જોઈએ, પોતાની જરુરીયાતો ઘટાડવી જોઈએ’ પણ કઈ જરુરીયાત ઘટાડવી એનું કોઈ માર્ગદર્શન કરે છે ? જરુરી એવા ફોન કોલ કરો તો પણ મહીનાના ૬૦૦-૭૦૦ રુપીયા મોબાઈલ બીલ આવે, દુનીયા સાથે જોડાયેલ રહેવા છાપા વાંચીએ તો મહીને ૧૦૦-૨૦૦ રુપીયાનું બીલ આવે, ઇન્ટરનેટ વાપરો ૬૦૦-૭૦૦ રુપીયા એના જોડો, નોકરી કરવા જવાના ટ્રાન્સપોર્ટેશનના ૧૫૦૦-૨૦૦૦ હજાર જોડો…. કઈ જરુરીયાત ઘટાડવી ? દુનીયા સાથે નાતો છોડવો ?

દાદા ભગવાનનો એક મુદ્દો યાદ આવે છે… ‘એડજસ્ટ એવરીવ્હેર’. આપણે તેનો અર્થ એ કરવાનો રહે કે ‘હું જ્યાં કામ કરૂં છું એ વાતાવરણને ‘એડજસ્ટ’ થવાનું’. દાદા ભગવાન પણ વેપાર કરતાં કરતાં પોતાનો ધર્મ નીભાવતા હતા. ધર્મ વિષે આજે એક સરસ વાક્ય સાંભળ્યું – ધર્મની વ્યાખ્યા સાર્વજનીક ન કરી શકાય, દરેકને પોતાનો ધર્મ હોય છે, હોવો જોઈએ.’

આપણે પણ આપણો ‘ધર્મ’ નક્કી કરી લેવો જોઈએ અને જ્યાં પણ ‘એડજસ્ટ’ થવાનું આવે ત્યાં આપણા નક્કી કરેલા ધર્મની મર્યાદામાં રહી ને એડજસ્ટ થવાનું રહે. આ મર્યાદા બહારનું કામ નકારવું જોઈએ. શક્ય છે સહન કરવાનું આવે પણ આપના મનને-આત્માને ધર્મ અનુસર્યાનો આનંદ તો પ્રાપ્ત થાય છે એ વાસ્તવિક છે અને જીવન જીવવાનું બળ મળે છે. ‘એડજસ્ટ’ થયાનો સમય પસાર થયા બાદ પણ ‘પોતાનું’ જીવન જીવ્યાનો આનંદ રહે છે.

વર્ષો પહેલાં શ્રી પી.જી. માવલંકરના સફળ ઉદ્યોગપતિ ભાઈના (નામ ભુલી ગયો છું… સોરી !) ભારતમાં ઉદ્યોગ સ્થાપનાના અનુભવોના અંગ્રેજી પુસ્તકના ગુજરાતીકરણના પ્રકાશનની જવાબદારી નિભાવી હતી ત્યારે તેમના અનુભવો ખરેખર પ્રેરણાદાયી લાગ્યા. પરદેશથી આવી તેમણે જ્યારે અમદાવાદમાં ઉદ્યોગ સ્થાપ્યો ત્યારે એમની પ્રોડક્ટના ભાવ ભારતના બજારભાવ કરતા ખુબ નીચા હતા, પણ તેમણે પોતાની પડતર કીંમત પર ચોક્કસ નફો (ફીક્સ્ડ પ્રોફીટ) લઈને પ્રોડક્ટ વેંચવાનું નક્કી કરેલું, ભલે બજાર ભાવ વધુ હોય અને એ પ્રમાણે વધારાનો નફો પણ મફતમાં મળતો હોય. તેમની પ્રોડક્ટ બજાર કરતા સસ્તી મળતી, લોકો શંકા પણ કરતા કે, કંઈ ક્વોલીટીમાં તો ઘાલમેલ નહી હોય ને ? પણ ધીમે ધીમે લોકોને વાસ્તવીકતા સમજાણી અને ધંધાનો ખુબ વિકાસ થયો. તેમણે પોતાનો ‘ફીક્સ્ડ પ્રોફીટ’ લેવાનો ધર્મ નીભાવ્યો અને સફળતા મેળવી. આમ જો આપણે આપણો ‘ધર્મ’, બાઊન્ડરીઓ નક્કી કરી જીવીએ તો જીવન જીવવાનો આનંદ અને સફળતા (ભલે વહેલામોડી..) જરુરથી મળે છે.

આ મફત સલાહમાં તથ્ય લાગે છે ?

યુવાનોને ફરી સલાહ – ચાલીશ વર્ષ સુધીમાં ‘Home’ બનાવજો, ‘House’ નહીં, અને વધારે અગત્યનું એ કે તેને જાળવી રાખજો, નહીંતર ‘સાથ સાથ’ની હીરોઈન જેમ તમારી ‘દીપ્તી નવલ’ ઘર છોડવા મજબુર ન બની જાય….

સુખ-સગવડ ?

સુખ-સગવડ ?

અગાઊની પોસ્ટમાં ‘સ્વદેશી’ને યાદ કર્યું, દેશપ્રેમ અને નિષ્ઠાની વાત કરી.

પણ દેશપ્રેમને સમજવામાં શ્રી દાવડા સાહેબની એક કવિતા એક સંકેત આપી જાય છે –

છોડો વતનની ખોખલી વાતો,

જ્યાં સુખ છે, સગવડ છે, ત્યાં વતન છે.

બીજુ વાક્ય – જ્યાં સુખ છે, સગવડ છે, ત્યાં વતન છે. – ઘણું કહી જાય છે.

શું માનવી સુખ-સગવડની વ્યાખ્યા બદલતો રહે છે ?

સુખ-સગવડ એ માનવીના મનને પ્રફુલ્લિત રાખવા માટે છે ?…. કે……

શરીરને કોઈ તકલીફ ન થાય એ માટે છે ?

સામાન્ય રીતે તન-મન-ધનની સંયુક્ત વાત પણ કરવામાં આવે છે.

ધનની અત્યાધિકતાથી તનને સુખ આપી શકાય છે તેમ જ મનને સુખ સગવડ પણ પહોંચાડી શકાય છે. સ્ટ્રેસની પરિસ્થિતિમાથી છુટવા પ્રકૃતિના ખોળે જવું હોય તો કે સારું મ્યુઝીક સાંભળવા કે બીજી કોઈ મનગમતી પ્રવૃતિ કરવા ધનની આવશ્યકતા છે જ, તો પછી જ્યાં ‘ધન’ છે ત્યાં સુખ-સગવડ આવે જ.

પણ ‘ધન’ જ્યારે ‘પૈસા’ સુધી જ સીમિત થઈ જાય, ત્યારે સુખ-સગવડનો અર્થ મહદ અંશે શરીરની સુખાકારી માટે જ રહે. વર્ષો પહેલાં એક ટુચકો સાંભળેલો –

એક ગરીબ માણસ ગરીબીથી કંટાળી આપઘાત કરવાનો પ્રયત્ન કરવા જાય છે. ત્યાં એક માણસ તેને મળે છે, પુછે છે – ‘કેમ ! ભાઈ શા માટે આપઘાત કરવો છે ? – હું બહુ ગરીબ છું, મારી પાસે એક પણ પૈસો નથી. – એક કામ કર, આ તારો એક હાથ મને આપી દે, હું તને એક લાખ આપીશ – અરે ! એમ કંઈ હાથ થોડો કાપી નંખાય ? – તો તારો એક પગ આપી દે બે લાખ આપીશ – મારે કંઈ લંગડા નથી થવું – આવી રીતે સામેવાળાએ જુદા અંગોના ભાવ લગાવ્યા, પણ ગરીબ એકેય વાતમાં તૈયાર ન થયો. માણસે સમજાવ્યું કે – ભાઈ તારી પાસે અમુલ્ય શરીર છે પછી તું ‘ગરીબ’ કેવી રીતે કહેવાય ?

હવે કહો – ‘ધન’ એટલે શું પૈસા ?

આથી ગરબડ ક્યાંક ‘સુખ-સગવડ’ ની વ્યાખ્યામાં છે, એવું લાગે છે.

બીજો મુદ્દો સુખ-સગવડની વ્યાખ્યા કેમ બદલાય છે ? એ છે. અવિકસિત દેશોના લોકોને વિકસિત દેશોના સુખ સગવડ જોઈએ છે જ્યારે વિકસીત દેશોના લોકો શાંતિ મેળવવા ભારત જેવા દેશોમાં ભટકે છે. શું છે આ સુખ-સગવડની વ્યાખ્યા ? શું લોકો એક પ્રકારના સુખ-સગવડથી ‘ઉબાઈ’ જાય છે ?

આ વાત સગડ શોધતાં શોધતાં – બાળપણ સુધી પહોંચી જવાયું.

નાના બાળકને એક રમકડું આપો. થોડીવાર રમીને ફેંકી દેશે અને નવા રમકડાની શોધમાં લાગી જશે.

મોટાઓનું પણ આવું નથી ? એક પ્રકારના સુખ-સગવડથી ‘ઉબાઈ’ જઈને નવા પ્રકારના સુખ સગવડની શોધમાં નથી લાગી જતો ?

માનવીય લાગણીઓને અવગણી સ્વતંત્રતા ભોગવ્યા પછી હૃદયના છાના ખુણે ‘હુંફ’ની તલપ નથી લાગતી ? એવી જ રીતે સંયુક્ત કુટુંબમાં રહ્યા પછી ‘સ્વતંત્રતા’ની ખેવના રહે જ છે.

આપણી દરેક ઇચ્છાઓ-અપેક્ષાઓને ચકાસી જુઓ, ક્યાંકને ક્યાંક તેની વિરોધી ઇચ્છા-અપેક્ષા અજાગૃત અવસ્થામાં રહે્લી હોય છે, જે થોડા સમય પછી જાગૃત થાય છે. બાળકની રમકડા પ્રત્યે લાગણી થોડી ક્ષણોમાં બદલાય છે, જ્યારે માનવીને પેઢીઓ લાગી શકે. સવાલ સમયગાળાનો છે.

ટુંકમાં માનવી સુખ-સગવડની વ્યાખ્યા બદલતો રહે છે.

એના મુળીયા માનવીની જન્મજાત સહજ લાગણી ‘કુતુહલ’ માં છુપાયેલા છે.

‘કુતુહલ’ તો નાવીન્યસભર છે…… ફરી ક્યારેક…..

ખાલી બરણી –

જુન ૨૧, ૨૦૧૩ ના મેં એક પોસ્ટ લખી હતી – ‘જીવન સુત્ર’

જીવન સુત્રના સંદર્ભમાં એક ખુબ સરસ ઉદાહરણ સાંભળવા/વાંચવા મળ્યુ. સ્ટોરીનો સાર હું મારા શબ્દોમાં લખી નાખું, અંતમાં તમે મુળ વીડીયો ક્લીપ જોઈ લેજો.

એક ફીલોસોફીના પ્રોફેસરે ક્લાસમાં એક પ્રયોગ કર્યો –

golf_balls

એક બરણી વિદ્યાર્થી સમક્ષ મુકી, તેમાં મોટા મોટા પથ્થર ભર્યા, પછી વિદ્યાર્થીઓને પુછ્યું – બરણી ભરાય ગઈ ?

બધાએ એકી અવાજે કહ્યું, ‘હા’

ત્યારબાદ પ્રોફેસરે નાના નાના કાંકરા લીધા અને બરણીમાં ઠાલવ્યા અને બરણી થોડી હલાવી, નાના કાંકરાઓ મોટા પથ્થરો વચ્ચેની જગ્યામાં ગોઠવાય ગયા. ફરી પુછ્યું – બરણી ભરાઈ ગઈ ?

બધાએ સરખો જ ઉત્તર આપ્યો, ‘હા’

ફરી પ્રોફેસરે બરણી ધીમે ધીમે હલાવતા હલાવતા તેમાં રેતી નાખવાનું શરુ કર્યું. રેતી સરકીને મોટા અને નાના કાંકરાઓની વચ્ચે ગોઠવાતી ગઈ. ફરી પુછ્યું, ‘હવે બરણી ચોક્કસ ભરાઈ ગઈ’

બધાએ કહ્યું ‘ હા, એકદમ પેક થઈ ગઈ’

not_full

અંતમાં પ્રોફેસરે બે મગમાં કોફી લીધી અને બરણીમાં નાખી, કોફી પણ તેમાં સમાઈ ગઈ.

આપણી જીંદગી આ બરણી જેવી છે. મોટા કાંકરાઓ એ જીવનની અગત્યની બાબતો દર્શાવે છે જેમકે – તમારું કુંટુંબ, બાળકો, સ્વાસ્થ્ય, વગેરે. આ બધું જીવનભર આપણી સાથે જ રહે છે. તમને જીવન ભર્યું ભર્યું લાગે છે. નાના નાના કાંકરાઓ જીવનની સામાન્ય બાબતો છે જેમાં આપણે ઉલઝી રહીએ છીએ અને મોટા કાંકરાઓને ભુલી જઈએ છીએ, જેનું જીવનમાં ખરેખર મહત્વ છે. રેતી તો ખરેખર ફાલતુ બાબતો છે. હવે જો આપણે આ ફાલતુ વાતોની રેતી વડે પહેલાથી જ જીવન ભરી દઈએ તો મુળ મોટા કાંકરાઓ – કુંટુંબ, બા્ળકો વગેરે – ની જીવનમાં જગ્યા જ રહેતી નથી. સુંદર જીવન જીવવા માટે ‘અગ્રતાક્રમ’ નક્કી કરવો પડે, બરણીમાં પહેલાં શું ભરવું છે, રેતી કે કાંકરા ? આ અગ્રતાક્રમ માટે ‘જીવન સુત્ર’ જાણવાની જરુર છે. જો મેં મારું જીવનસુત્ર નક્કી કરેલું હોય તો પહેલાં શું કરવું તે આપોઆપ નક્કી થઈ જાય છે. મારે ક્યાં જવાનું છે ? કેવી રીતે જવાનું છે ? આ બધી બાબતોની જાણકારી હોય તો, પહેલાં શું કરવાનું તે આપોઆપ નક્કી થઈ જાય.

અંતે એક નટખટ વિદ્યાર્થીએ પુછી જ નાખ્યું – ‘પ્રોફેસર સાહેબ, કોફીનું શું ? એ શું છે ?’

પ્રોફેસરે હસતાં હસતાં કહ્યું – ‘જીવન ભલે ગમે તેટલું ભરેલું હોય, પણ મિત્રો સાથે કોફી તો પી શકાય જ. 🙂

બસ ! હવે થોડો સમય કાઢીને નીચેની લિન્ક પર જરુરથી જતા રહો.

http://www.dailymotion.com/video/xdzo8a_philosophy-professor-inspiring-stor_school

તમે કેવી રીતે જુઓ છો ?

થોડા સમય પહેલાં ટીવી પર  હિન્દીમાં એક સંવાદ સાંભળ્યો –

“તુમને ઉસકે પાસ જો નહીં વો દેખા હે, ઉસકે પાસ જો હે વહ નહી દેખા !”

આપણે બધા આ જ કરીએ છીએ.

ખુબ ચવાઈ ગયેલું ઉદાહરણ – પાણી ભરેલા ગ્લાસનું –

અડધો ભરેલો ગ્લાસ બે રીતે જોઈ શકાય – ‘અડધો ખાલી છે’ અને ‘અડધો ભરેલો છે’

glass-of-water2

અડધો ખાલી છે – વાળા ‘ઉસકે પાસ નહી હે’ એ જુએ છે અને –

અડધો ભરેલો છે – વાળા ‘ઉસકે પાસ જો હે’ એ જુએ છે.

અંગ્રેજી ગુરુઓ પ્રમાણે – Positive Thinking and Negative thinking.

‘તમે કેવી રીતે જુઓ છો ?’ પોતાની જાતને જરા પુછી જુઓ ને ?

ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગોના સંદર્ભમાં એક છાપાનું કટીંગ ફેઈસબુક પર જોવા મળ્યું – ‘આશ્રમમાં પ્રેમલીલાઓ ચાલતી હતી. આશ્રમની સ્ત્રીઓમાં સાથે સુવાની હોડ લાગતી હતી.’

મારો લખનાર માટે એક જ સવાલ – કોલેજકાળની બહેનપણીની વાત તમે કેટલાને કરી ? જો તમારામાં એક મિત્રતા કબુલ કરવાની હિંમત નથી તો જે માણસ પોતાની અંતરંગ વાતો કહેવાની હિંમત દાખવે છે, એ હિંમતને તો સલામ કરો. તેણે કરેલા અસંખ્ય કાર્યોમાંથી આ એક જ મુદો શા માટે ઉઠાવો છો ? કેટલાક મિત્રો અભિવ્યક્તિની સ્વાતંત્રતાની દલીલ કરશે. મારો કોઈ વિરોધ નથી પણ વિવેક જેવી કોઈ ચીજ છે કે નહી ? ગુજરાતીમાં સામાન્ય રીતે ‘પ્રેમલીલાઓ’ શબ્દ કેવા સંજોગોમાં વપરાય છે ? કોઈપણ સંશોધનોમાં હંમેશા કશુંક વિવાદાસ્પદ હોય છે. મેડીકલ ફીલ્ડમાં દવાઓના સંશોધનો માટે કેટલાય સસલાઓ અને દેડકાઓ મારવામાં આવે છે એના માટે તો ‘કત્લેઆમ’ શબ્દ જ વાપરવો પડે ને ?

હમણા મેં વેબગુર્જરી પર એક લેખ લખ્યો, ( જે ચોક્કસપણે ગુજરાતીભાષા પર તો ન જ હતો,) આ લેખ ‘મેનેજમેન્ટ’ના સંદર્ભમાં હતો અને એમાં પ્રથમથી જ સ્પષ્ટતા છે કે આ વિષયમાં ગુજરાતી જ નહીં પણ અંગ્રેજી શબ્દો પણ વપરાશે કારણ કે આ લેખકોનો, ઉદેશ ‘મેનેજમેન્ટ’ના સિધ્ધાંતોને અજાણપણે ઉપયોગમાં લેતા લોકો માટે,  તેઓ જે સિધ્ધાંતો ઉપયોગમાં લે છે, તેનો પરિચય મેળવી પોતાના કાર્યો વધારે અસરકારક બનાવી શકે એ છે. આ ઉદેશની સિધ્ધિ તો ‘લોકબોલી’માં લખાય તો જ મેળવી શકાય. પણ ઘણા વાંચકોને શબ્દો અને શબ્દોના અર્થમાં રસ પડ્યો અને ક્યા શબ્દો ઉપયોગમાં લેવા જોઈએ તેની ચર્ચા મુળ વિષય કરતા વધારે કરી. (હશે ! પોતપોતાના રસનો વિષય છે.)

શ્રી કાંતિ ભટ્ટની કોલમ ‘આસપાસ’ મને ફાલતુ લાગે છે પણ ‘ચેતનાની ક્ષણે’નો પ્રસંશક છું. એટલે મારું તારણ તેમના માટે હકારાત્મક જ છે. મેં  ‘નેગેટીવીટી – પ્રસિધ્ધિની સીડી ?’ માં મારા વિચારો રજુ કરેલા છે. (સંબંધોના સંદર્ભમાં દ્રષ્ટિકોણ પર નજર નાખવા જેવી ખરી)

આ બધી ચર્ચાનો સાર એક જ નીકળે છે – આપણે મહદ અંશે ‘નકારાત્મક’ વિચારીએ છીએ, વર્તન કરીએ છીએ. આપણને ટપાકા ગણવામાં રસ છે રોટલા ખાવાને ઓછું મહત્વ આપીએ છીએ.

આ માનસિકતા મુળ શોધવા છેક બાળાપણ સુધી જવું પડે તેમ મને લાગે છે.

જાત જાતના કેટલાય રમકડાથી રમતું બાળક જ્યારે બીજાના હાથમાં બીજુ રમકડું જુએ તો તે જ મેળાવવા કાગારોળ કરી મુકે છે. પોતાની આસપાસ પડેલા રમકડાના ઢગલાને અવગણે છે. પોતાની પાસે જે  ‘છે’ તે નહીં, પણ ‘નથી’ તેની ધમાલ કરે છે. મોટા થતાં વિદ્યાર્થીને ૯૦ % આવે તે નહી પણા ૯૯ % ન આવ્યા તેનું દુઃખ છે અને માબાપ પણ જે આવ્યા છે તે નહી, પણ વધુ ન આવ્યાનું ગીત ગાય છે. આમ બાળપણમાં પડેલા ‘નથી જોવાના’ સંસ્કારને મજબુત કરે છે. શ્રધ્ધાળુઓ મોઢેથી ભગવાને જે ‘આપ્યું’ તેમાં સંતોષ માનવાની વાતો કરે છે, પણ એના કરતાં ‘અભાવ’ના ગીત વધારે ગાય છે અને પાછા ભગવાન પાસે ભીખારીની જેમ ઉભા રહી જાય છે. અત્યારે શ્રાવણ છે ને ! મહાદેવજી ભક્તોની ભીડમાં મુંજાય છે.

ટુંકમાં ‘અભાવ’માં, અડધા ખાલી ગ્લાસને જોવાની, આપણને ‘ટેવ’ પડી ગઈ છે.

સુટેવ હોત ચાલી જાત, પણ આ તો ‘કુટેવ’ છે, સુધારવી જ રહી.

મારા પ્રશ્નો…

અગાઊની પોસ્ટ ‘ભગવાન છે ?’ માં તો ડેવીડભાઈની વાર્તા લખી, પણ મારા પણ કેટલાક પ્રશ્નો છે જેના જવાબ મને વિજ્ઞાનમાં કે તર્કમાં મળતા નથી. આથી હું પણ ગુંચવાઊં છું.

વિજ્ઞાન માટે એક સાદો સવાલ – સરખી ગોળાઈની બે ભુંગળીઓ બાજુ બાજુમાં રાખી સામેથી હવા ખેંચવામાં આવે તો શું થાય ? જવાબ – બેઉં ભુગળીમાંથી સરખા વેગથી હવા પસાર થાય.

હવે મનુષ્યના નાકના બે નસ્કોરા બાજુ બાજુમાં હોય છે છતાં આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે બે માંથી એક નસ્કોરામાંથી શ્વાસ ફેફસામાં જાય છે. થોડા સમય પછી શ્વાસ બદલાય છે અને બીજા નસ્કોરામાંથી અંદર જાય છે, ફરી થોડા સમય સુધી બંને નસ્કોરામાંથી શ્વાસ ચાલે છે. આમ થોડા થોડા સમયે શ્વાસ બદલાતો રહે છે. (યોગની ભાષામાં આને સુર્યનાડી, ચંદ્રનાડી અને સુશુમ્ણાનાડી એમ પણ કહેવાય છે.) અહીં વિજ્ઞાનનો નિયમ કેમ લાગુ પડતો નથી ? વિજ્ઞાન સિવાય બીજું કયું તત્વ કામ કરે છે ? પ્રકૃતિ કરે છે, તો તે કયા નિયમના આધારે આમ કરે છે ?

બીજો એક મુદો એ છે કે માનવીમાં ‘લાગણીના બંધન’ (Emotional Bonding) કઈ રીતે કાર્ય કરે છે ? ફીલ્મોમાં ઘણીવાર જોઈએ છીએ કે પ્રિયજનને કંઈ થાય તો એની સાથે લાગણીથી જોડાયેલાને તરત બેચેની લાગે, દીકરાને કંઈ થાય તો માના દિલમાં ઝટકો વાગે, બહુ વર્ષો પહેલા વાંચેલું કે રશીયન વૈજ્ઞાનીકોએ સસલી અને તેના બચ્ચા પર પ્રયોગ કર્યો હતો, સસલીને તેના બચ્ચાથી ખુબ દુર રાખી અને તેના મગજમાં ઉત્પન્ન થતા ઇલેક્ટ્રીકલ ફેરફારોની નોંધ માટેના ઉપકરણો લગાડ્યા, જ્યારે તેના બચ્ચાઓને મારી નાખવામાં અવતા હતા ત્યારે સસલીના બ્રેઈનમાં ઇલેકટ્રીકલ પલ્સમાં ફેરફાર થતા હતા. પ્રયોગ થયો, સાબિતિ મળી પણ એની સમજુતી ન આપી શકાઈ. એ જ રીતે ટ્વીન્સમાં એકને જે લાગણી થાય કે એ જ સમયે બીજાને તેવીજ લાગણી અનુભવાય છે. વિજ્ઞાને આને અતિન્દ્રિય બોધ (extrasensory perception – ESP) કહ્યું છે પણ તેની કોઈ સમજુતી આપી નથી.

આવા કેટલાક મુદ્દાઓ છે જે વિજ્ઞાન દ્વારા સમજાવી શકાતા નથી.

આમ કોઈ ‘સુપ્રીમ’ હાજર છે, જેને આપણે જાણતા નથી, પણ ‘છે’ તે તો સ્વીકારવું રહ્યું.

જીવનના સત્યના કેટલાક ક્વોટસ માટે ‘સંવેદનાના સથવારે’ પર ચક્કર મારી લેજો.

સંવેદનાની સાથે…..

જીવન જીવીએ …

સંવેદનાઓને સથવારે….

આ  છે એક નવા બ્લોગનું સરનામું………..

જીવનમુલ્યોને સમજવા ‘સંબંધોના સથવારે’ મુસાફરી કરતાં કરતાં એવું લાગ્યું કે મનુષ્યને મનને ‘સમજવા’માં લગાવવા પડતા ‘તર્ક’ થી ‘મન/બુધ્ધી’ને તો આનંદ આવે છે, સમજણ સ્વીકારવાથી જીવન સરળ પણ બને છે.

પણ…

હૃદય તરસ્યું રહે છે. કેટલાક મિત્રોના કવિતાઓના બ્લોગ, વાર્તાઓના બ્લોગની મુલાકાત લેતી વખતે ….. કોઈ કોઈ સંવેદના જગાવનારી કૃતિ વાંચતા વાંચતા આંખો ભીની થઈ જાય છે, હૃદય ભરાય જાય છે અને મોટામાં મોટો ફાયદો શરીરના સંવેદનાની જાણકારી આપનારા અંગો, તે ક્ષણ પુરતું પોતાનું રોજીદું કાર્ય પણ ભુલી જાય છે, વિચારશુન્યતા આવી જાય છે. આવી ક્ષણ શાસ્ત્રોમાં લખેલી ‘સમાધી’ ની ક્ષણ જ હશે  ને ?

ધ્યાન પધ્ધતિ દ્વારા તો આવી ક્ષણો મળી શકતી હશે પણ, લાં….બા સમય સુધીનું આવું વાંચન, હૃદયને ભરેલું રાખે તો તો… સમાધી જ લાગી જાય ને ! (અહી પાછો ‘તર્ક’ આવ્યો.)

આ જ મુદ્દો નવા બ્લોગની રચનાનું કારણ બન્યો.

વધારે અગત્યનું એ છે કે એ બ્લોગ મિત્રોની મદદથી જ જીવંત રહેવાનો છે.

ફેઈસબુક પર આવતા કેટલાક પોસ્ટરો ખુબ હૃદય સ્પર્શી હોય છે, આવા પોસ્ટર્સ મુકવાનો ઇરાદો છે, કેટલીક ટુંકી વાર્તાઓ, કવિતાઓ, વીડીયો, મ્યુઝીક ફાઈલ્સ અને એવું બધું…. જ …. જે હૃદયને ઝંઝોળી નાખે. થોડીક મુશ્કેલી એ છે કે ફેઈસબુકનો અનુભવ નથી. મફતીયું ખાતું તો ખોલ્યું છે, http://www.facebook.com/jitu48

પણ ‘ઓપરેશન’માં મુશ્કેલી. પણ એ તો મિત્રોની સહાયથી શીખી જવાશે.

બ્લોગના સાજ-શણગાર તો કરવા છે પણ આજે તો ‘રીડ ગુજરાતી’ની એક ઇ-બુક “તારે જમીન પર” (ભાગ ૪) માંથી વાંચેલી અને પ્રેમની પરાકાષ્ઠા દર્શાવતી કૃતિને રાહ જોવડાવવાનું ન ગમ્યું અને રજુ કરી જ દીધી.

તો થોડો વધુ સમય ફાળવી વીઝીટ કરી જ લો અને આંખો ભીની થઈ કે નહી તેનો એકરાર પણ કરી લો… –

સંવેદનાની સાથે …

તમારો પ્રતિભાવ કહેશે કે યોગ્ય થયું કે નહીં ?

વધુમાં બીજા સમાચાર પણ છે …

મિત્રો, ઊપર હેડરના  ‘મેનુ’ માં ઉમેરાયેલું નવું ‘પેઈજ’ જોવાનું ચુકી ગયા – “મારા મિત્રો…”

ત્યાં પ્રતિભાવ તો ખરા, પણ સુધારાય સુચવવાના છે.

 

કટ ઓફ …..

કટ ઓફ …..

નિજદોષ દર્શન પોસ્ટમાં મારી મુંઝવણ વ્યક્ત કર્યા પછી પ્રતિભાવોમાં સીનીયર સીનીઝન મિત્રોની વિદ્વતાપૂર્ણ કોમેન્ટસથી ખુબ આનંદ થયો. વિચારોનું ‘ક્લિન્સીંગ’ થયું. દ્રષ્ટિભેદ જાણવા મળ્યો. ઘણું ઘણું જાણવા મળ્યું, પણ….પણ… જેમને ઉદ્દેશીને પોસ્ટ લખાણી તે યુવામિત્રો દુર રહ્યા. ‘લાઈક’ ના બટન પર ક્લીક કરી ચાલતા થયા અથવા વિષય જોઈ, આપણા માટે ‘અછુત’ વિષય છે એમ માની, ફક્ત નજર નાખી ચાલતા થયા.

જુની પેઢી અને નવી પેઢીની વિચારસરણી અલગ છે ? વિષયો અલગ છે ? આવા વિષયોમાં રસ નથી ? આ વિષયોનું વિચારવું જરુરી નથી ? ‘સમય’ નથી કે આવા વિષયોમાં વિચાર કરવાનો હાલ ‘સમય’ નથી ? (બુઢ્ઢા થયા પછી જોઈશું ?) કે પછી સીનીયર સીટીઝનોને આપણા બ્લોગમાં રસ નથી માટે આપણે પણ ક્યાં ઉંડા ઉતરવું એવી ભાવના છે ? (હું પણ ઘણા યુવાનોના બ્લોગને ફોલો કરું છું, કોઈવાર મગજની બતી થઈ જાય તો કોમેન્ટ પણ ફટકારી દઊં છું, પણ જોઊં છું તો ખરો.)

મારા લખવા પાછળનો હેતુ યુવાન માનસને સમજવાનો છે. અમે સીનીયર સીટીઝનો તો ‘પ્રોગ્રમ્ડ માઈન્ડ’ સાથે જીવીએ છીએ, શક્ય થાય ત્યાં બદલાવા પણ પ્રયત્ન કરીએ છીએ. લીમીટેશન્સ છે. પણ પ્રયત્ન જરુર છે.

મને લાગે છે કે જીવનમાં આપણે પહેલેથી જ સામાજીક જીવન અને આધ્યાત્મિક જીવન એવા ભાગ પાડીને ચાલીએ,  ધર્મ અને વિજ્ઞાનને અલગ કરીને જીવીએ, ધર્મ અને વહેવારને અલગ તારવીએ, દેશ, જાતિઓ, ધર્મ, સામાજીક સ્ટેટસ બધામાં એક ‘કટ ઓફ’ મુકીને જીવીએ છીએ. બસ મારે આ ‘કટ ઓફ’ને સમજવું છે, શા માટે ‘કટ ઓફ’ ?

માનવી જન્મે છે એક જ પ્રકારના શરીર સાથે, ધીમે ધીમે શરીરના અવયવોનો વિકાસ થાય. જો સામાન્ય પ્રાણી હોત તો કુદરતી રીતે અમુક રીતે જ વિકાસ પામ્યો હોત, પણ કુદરતની કૃપા છે કે તેણે માનવી ‘મગજ’ આપ્યું છે અને એ પણ એવી વ્યવસ્થા સાથે કે માનવી ધારે તેટલો તેનો વિકાસ કરી શકે, છતાં પણ આપણે એનો વિકાસ ‘જીવન’ને સમજવા માટે કેમ કરતા નથી ?

જગતની કુલ ‘શોધખોળો’નો આંક માંડી તેમાંથી વૈજ્ઞાનિક શોધખોળોની સંખ્યા (જે માનવીના શરીરને ધ્યાનમાં રાખીને થઈ હોય) અને ‘જીવન મુલ્યો’ (Human Values) સમજવાનો  પ્રયત્ન થયો હોય એવી શોધખોળ સંખ્યામાં તફાવત કેટલો ? આપણે જીવનના મુલ્યો સમજવા અને સમજાવવાનું કામ વૈજ્ઞાનિકોને બદલે ધર્મગુરુઓને સોંપી દીધું છે. જેમણે પોતાનું વર્ચસ્વ જાળવવા ભગવાન અને મનુષ્યને દુર રાખ્યા. મગજમાં ફીટ કરી દીધું કે ‘ગુરુ વિના જ્ઞાન નહીં’ (અધ્યાર રાખ્યું કે ‘પહેલા હું અને પછી ભગવાન’) એટલે સુધી માનવીઓ ભગવાનને ભુલી ગુરુઓમાં મગ્ન થઈ ગયા. ‘ગુરુ-ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય ?’ એમાં પણ ગુરુ પ્રથમ થઈ ગયા. હવે આવા ‘ગુરુ’ સહજતાથી મળતા નથી. શોધવામાં સમય કાઢવો પડે, જે સામાજીક જવાબદારીમાંથી મુક્ત હોય તે કાઢી શકે  એટલે આ કાર્ય સીનીયર સીટીઝનોએ સ્વીકાર્યું. પણ એમને તો કોઈ રોજબરોજની જવાબદારી હતી નહી એથી સહજ માનવ જીવનથી આધ્યાત્મ અલગ છે એવી દ્રષ્ટી કેળવી લીધી અને યુવાનોને એ ભાષામાં સમજાવવાનું શરુ કર્યું. પોતે જે સમજ્યા તે યુવાનોને સમજાવવામાં મારી દ્રષ્ટીએ નિષ્ફળ ગયા.

અધ્યાત્મ એટલે ‘ભગવાન’ની ચર્ચા કે આત્મા-પરમાત્માની ચર્ચા, સામાન્ય જીવનવ્યવહાર સાથે તેને ભેળવી ન શકાય, એવો સંકુચિત અર્થ થઈ ગયો અને ‘ભગવાન’ વચ્ચે આવ્યો એથી ‘કુદરત’ ભુલાઈ ગઈ. મહદ અંશે બધાનો અનુભવ હશે જ કે આપણે જેટલા કુદરતની નજીક રહીએ તેટલા જીવનમાં પ્રશ્નો ઓછા થાય છે.  માનવી, ‘માનવી’ની જેટલો નજીક રહે તેટલો વધારે સુખી.

યુવાનોની મુખ્ય દલીલ એ જ હોય છે એવો સમય જ ક્યાં છે ? મારો અનુભવ લખી નાખું તો – મને જીવન વિષે વધારે વાંચવા-સમજવાનો સમય મળ્યો હોય તો ઉંમરના ૩૨ થી ૪૦ વર્ષના ગાળામાં જ મળ્યો. એ વખતની નોકરી એવી હતી કે વધુમાં વધુ સમય મુસાફરીમાં જતો. પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ ઓછો એથી બસની મુસાફરી કરવાની આવે, બસમાં ખુબ સમય જાય, એનાં કરતાંય બસની રાહ જોવામાં બસસ્ટેન્ડ પર વધુ સમય જાય. આ સમયે લોકો સાથેના સંવાદો વધ્યા, મનુષ્યોને જોવા-જાણવાની તક મળી, જ્યારે કોઈ ન હોય ત્યારે જાત સાથે સમય ગાળવાનું થયું, નજર સમક્ષ ભજવાય રહેલા પ્રસંગોમાં ‘હું’ હોઊ તો શું થાય એ વિચારવાની તક મળી, આમ ‘હું’ સાથે પણ સમય ગાળવાનું થયું.

આજના સમયમાં યુવાનોની પરિસ્થિતિ બદલાઈ નથી. ફક્ત ‘હું’ માં ઉંડા ઉતરવાનો અભાવ ઉભરી આવ્યો છે. ટ્રાવેલીંગમાં મોબાઈલમાં મેસેજીસ સર્વીસમાં મિત્રો સાથે શેર કરવાનું ચાલે છે. ઘણા સુંદર  ‘ક્વોટ્સ’ની આપ-લે થાય છે પણ તે તત્ક્ષણ પુરતા જ રહે છે તેને ‘હું’ સાથે જોડતા નથી. ‘એવું તો વાંચવું સારું લાગે, જીવનમાં ઉતારવું કઠીન છે’ એવી સ્વીકૃતિ આવી છે.

પણ… આ તો મારી ધારણાઓ છે. હું એવું ઇચ્છું કે યુવાન મિત્રો આ વિષે કંઈક કહે. યુવામિત્રોને લાગે કે આ મુદ્દો વિચારવા યોગ્ય છે તો એનો પ્રચાર પ્રસાર કરે – નિજદોષ દર્શન અને આજની પોસ્ટ રીબ્લોગ કરે, કોપી કરે, ફેઈસબુક પર શેર કરે.. જે કરવું હોય તે … પણ મને આ વિચારોના પ્રતિભાવોમાં રસ છે. જો પ્રતિભાવો મળશે તો એનું વિશ્લેષણ સાથે મળીને કરશું અને કોઈક માર્ગ શોધવાનો પ્રયત્ન કરશું…..

સહકારની અપેક્ષા તો રાખું ને … ?

Start each day like it’s your birthday –

હમણા હમણા બ્લોગ રીડરમાં મિત્રોના જન્મદિવસોની ઉજવળીની આનંદની લહેરો ચાલી.

નાનપણમાં જન્મદિવસે વડીલોના આશિર્વાદ લેવાનું શીખવવામાં આવ્યું હતું. આશિર્વાદની તો સમજણ ન હોય, પણ વાંકાં વળી વડીલોને પગે લાગતા, કંઈક મળવાની અપેક્ષાએ જ તો ! મનમાં થોડાક મોટા થયાનો આનંદ હોય કારણ કે ‘પાવર’ માં વધારો થતો હોય, કોઈ કાર્ય કરવાની ઇચ્છા હોય, પણ તેમાં ‘તું હજી નાનો છે’ એમ કહી બ્રેક લાગતી, હવે તે થઈ શકશે – ‘હવે હું મોટો છું, મને ના કેમ પાડો’.

(માબાપ ‘નાનો’ છો કહી ‘હક’ કાપવાની વાત કરે છે પણ, ‘કાંઈ થાય તો તારી જવાબદારી તારી’ એવું પણ કહેતા હોય અને કાર્યના પરિણામો પણ ભોગવવા દે તો કદાચ ‘હક્ક’ અને ‘જવાબદારી’ બંનેની સમજણ બાળક નાનપણથી જ કેળવતું જાય. મોટા થતા જવાબદારીમાંથી છટકવાના પ્રશ્નો ઓછા થાય.)

હું ઘણીવાર એવું પણ વિચારું કે જન્મદિવસને દિવસે તો શોક મનાવવો જોઈએ. કારણ કે આ સુંદર જગતમાં રહેવાનું એક વર્ષ ઓછું થયું. પણ આનંદ થાય છે કારણ કે એવું પણ થાયને કે ‘ચાલો, આ ‘ઝંઝાળ’માં રહેવાનું એક વર્ષ ઓછું થયું.’

Start each day like it’s your birthday

ગઈકાલે એક કેલેન્ડર પર આ વાક્ય વાંચ્યું. ડોઢા થઈને મને આ વાક્યમાં સુધારો કરવાની ઇચ્છા પણ થઈ –

‘Start each day like it’s your first birthday’

B_day

બસ આનંદ જ આનંદ ! માના ખોળામાં પડ્યા પડ્યા માનો હુફાળો હાથ અનુભવવાનો, અન્ય લોકોની પ્રેમાળ ગોદમાં આળોટવાનું, કલરફુલ કપડા પહેરવાના, નવા નવા રંગો દેખાય, નવાનવા ચહેરા દેખાય, નવી ઓળખાણ થાય. કોઈ ન ગમે તો તરત રોઈને વિરોધ પ્રદર્શિત કરી દેવાનો, ક્રીસ્ટલ જેવું પારદર્શક મન, આનંદ, સુખ-દુઃખ, ગમો-અણગમો તરત વ્યક્ત, સામેની વ્યક્તિ શું વિચારશે એની ચિંતા જ નહીં, કોઈ પુર્વગ્રહ નહી. અપેક્ષા નહી. આનંદ હી આનંદ….

આપણી રોજની સવાર પ્રથમ જન્મદિવસની હોય તો ?

ભુતકાળના કોઈ લેખાજોખાં જ નહી. સારું-ખરાબની માથાકુટ જ નહીં. પુર્વગ્રહો, માન્યતાઓ, સિધ્ધાંતોની કોઈ તકરાર નહીં. અને પ્રથમ જન્મદિવસે આપણું ભવિષ્ય ‘મા’ના હાથમાં તેમ આજે ‘કુદરત’ના હાથમાં મુકી દઈએ તો કેવું ?

પાર્ટી આપવાની વાત નહી પણ લેવાની જ વાત.

આજે તો પાર્ટી આપવાની, કોણ આવ્યું કોણ ન આવ્યું, કોણે ગીફ્ટ આપી, કેટલી આપી, જમણની ડીશનો ખર્ચ કેટલો થયો એવી ગણત્રીઓ, એટલું જ નહી પણ ચાલુ પાર્ટીએ જ ‘મુખવટો’ પહેરી આનંદ લેતા લોકોના લેખાજોખાં લેતા લેતા આવતા વર્ષની પાર્ટીનું, સંબંધોનું પણ આયોજન થાય.

આજે લખવાનો વિચાર તો ‘first birthday’ ના આનંદ પર હતો પણ સાહિત્ય સાથે બારમો ચંદ્રમા, આથી વાસ્તવિક જીવનના તર્કમાં મન ગુંચવાયેલું રહ્યું.

કદાચ આ ‘તાર્કીક’ જીવન જ આપણને ‘સાત્વિક’ જીવનથી દુર રાખે છે.

કોઈ સાહિત્યિક મિત્ર ‘હેપી બર્થડે’ નો આનંદ હી આનંદ લખે તો સારું ….

સંબંધમાં અભિવ્યક્તિની સુક્ષ્મતા –

સંબંધમાં અભિવ્યક્તિની સુક્ષ્મતા –

તારીખ ૩ ની પોસ્ટની હીમશીલા મિત્રોને ભારી પડી હોય તેમ લાગે છે. પ્રતિભાવો તેમાં દબાય ગયેલા લાગે છે. કન્સેપ્ટ નવો છે, પચવામાં ભારે હશે, પણ ખુબ કામનો છે. જો સમજી શકાય તો સંબંધો આવતી કડવાશ, રુકાવટ, અવગણના વગેરે બાબતો સમજી શકાશે.

ઘણી વખત આપણે બે વ્યક્તિ વચ્ચેની સુક્ષ્મ વર્તણુકના વહેવારોને જોઈ શકતા નથી અથવા ધ્યાન આપતા નથી એથી ઘણું ગુમાવીએ છીએ. સંબંધમાં રહેલા તાણાવાણાની મજબુતાઈ ગુમાવીએ છીએ, અંતે ‘સંબંધમાં મજા નથી’ એવું માની લઈ સંબંધ ગુમાવીએ છીએ.

સાદુ ઉદાહરણ સમજીએ.

father-daughter holding hands

આજે મોર્નીંગવોક પર ગયો ત્યારે વર્ષો પહેલાનો એક પ્રસંગ યાદ આવી ગયો. દસેક વર્ષ પહેલાં ગાંધીનગરમાં મોર્નીંગ વોકમાં મારી નાની દીકરી સાથે હતી. વાતો કરતા કરતા અમે રોડની સાઈડમાં ચાલતા હતા. થોડી વારે બાજુમાંથી એક બસ પસાર થઈ. હું રોડ સાઈડ હતો, પુત્રી ફુટપાથ તરફ હતી. તેણે ચાલતા ચલાતા સાઈડ બદલી, હવે તે રોડ સાઈડ આવી ગઈ. ચાલતા ચાલતા ફરી વાતોમાં ખોવાય ગયા. ક્યારે સાઈડ બદલાઈ ગઈ તેનું અમને ધ્યાન ન રહ્યું. અચાનક તેણે ફરી સાઈડ બદલી. આ ચેન્જ મારા ધ્યાનમાં આવ્યો, મેં તુરંત પુછ્યું , ‘કેમ ?’

‘કંઈ નહીં’ કહી તેણે વાત ટાળી, મારી સમજણમાં તો આવી ગયુ હતું,

છતાંપણ મેં જાણવા આગ્રહ રાખ્યો ત્યારે કહ્યું –

‘આ સાઈડમાંથી વાહનો પસાર થાય છે ને એટલે.’

બસ ! હું મુંગો થઈ ગયો. મન, પુત્રીના પ્રેમને સમજવામાં ખોવાય ગયું. પિતાને પ્રોટેકશન મળે એવી માનસિક ગણત્રીએ તેણે સાઈડ બદલી. આ તેના પિતૃપ્રેમની સુક્ષ્મ અભિવ્યક્તિ ગણાય. મારા મનમાં આની નોંધ થવી જ જોઈએ, જે પિતા-પુત્રીના પ્રેમના તાણાવાણાને મજબુત કરે.

અન્ય સાથે થતા વહેવારોની આપણી કે સામેવાળાની વર્તણુંકનું સુક્ષ્મ અવલોકન થાય ત્યારે સંબંધોની આવી સુક્ષ્મતા ઉજાગર થાય છે.

તમેય એકાદ દિવસ આવા સુક્ષ્મ વહેવારોની નોંધ કરવાનું નક્કી કરો. કદાચ સંબંધના અવ્યક્ત પાસાઓ ઉજાગર થશે.

(ફોટો – http://www.tracyscamp.com/AboutUs/FatherDaughter/tabid/99/Default.aspx – સાભાર)