મનની ખીંતી –

આજે ગુજરાત લેક્સીકોન સાઈટ મુકેલી ‘સન્ડે મહેફીલ’ના એક અંકમાંથી લીધેલી એક નાનકડી વાત –

મનની ખીંટી –

khiti

અમારા ઘરમાં રીપેરકામ માટે એક સુથારને બોલાવેલો. એના કામના પહેલા દીવસની આ વાત છે. કામ પર આવતાં રસ્તામાં ટાયર પંક્ચર થયું એમાં એનો એક કલાક બગડ્યો. કામ શરુ કર્યા પછી અધવચ્ચે એની ઇલેક્ટ્રીક કરવત બગડી ગઈ. દિવસ પુરો થયા પછી ઘરે પાછા જતી વખતે એની નાની ટ્રક ચાલી નહીં.

હું એને મારી ગાડીમાં એના ઘરે મુકવા ગયો. રસ્તામાં એ એક પણ શબ્દ બોલ્યો નહીં. અમે એના ઘરે પહોંચ્યા ત્યારે એણે કહ્યું – “ઘરમાં થોડીવાર આવો ને ! મારા પત્ની અને બાળાકોને તમને મળીને આનંદ થશે.”

ઘરમાં દાખલ થતાં પહેલાં નાના ઝાડ પાસે એ રોકાયો. બંને હાથ એણે ઝાડ પર મુક્યા. બારણામાં દાખલ થતી વખતે મેં એનામાં અજબનો ફેરફાર થતો જોયો. એના થાકેલા ચહેરા પર સ્મીત ફરી વળ્યું. એના બે બાળકોને એ વહાલથી ભેટ્યો અને પત્નીને પણ ચુમી આપી.

plant_at_front

મને એ કાર સુધી મુકવા આવ્યો. અમે પેલા ઝાડ પાસેથી પસાર થયા ત્યારે મારું કુતુહલ હું રોકી શક્યો નહીં. મેં એને પુછ્યું – “ઘરમાં દાખલ થતાં પહેલાં તમે ઝાડને શા માટે અડ્યા ?”

“અરે ! હા, આ ઝાડ તો મારા મનની ખીંટીં છે. હું કામે જાઊં ત્યાં કોઈને કોઈ તકલીફ તો આવવાની; પણ એક વાત તો નક્કી કે ઘરે મારા બાળકો અને મારી પત્નીને એની સાથે શી લેવાદેવા ? એટલે જ્યારે સાંજે કામ પરથી ઘરે પાછો આવું છું ત્યારે તકલીફો આ ઝાડ પર લટકાવી ઘરમાં દાખલ થાઊં છું. સવારે કામ પર જતાં આ ઝાડ પરથી તકલીફો પાછી લઈ લઊં છું. પણ નવાઈની વાત તો એ છે કે રાતે મુ્કેલી તકલીફોમાંથી ઘણી્ખરી સવારે ત્યાં હોતી નથી.”

 

કુટુંબ સાથે ખુબ મજાથી જીવવાની સરસ મજાની શીખ !

યાદશક્તિની ટેકનીકોમાં પણ આવી ખીંતીની વાત સંભળેલી. આ બધુ વાંચવામાં ખુબ સારું લાગે છે. હૃદય ગદગદીત થઈ જાય. પણ …. પણ …. ખરેખર આવું બની શકે ?

મહદ અંશે તો એવું કહેવાય છે કે તમે તમારી સારી-નરસી લાગણીઓને અન્ય સાથે વહેંચો તો ફ્રેશ થઈ જવાશે. આ જ સિધ્ધાંત પર તો ઇન્ટરનેટની સોસીયલ સાઈટ્સ ચાલે છે, એવું નથી લાગતું ?

ઉપરની વાતમાં ‘તકલીફ’ શબ્દ ઉપયોગમાં લીધો છે તો આપણે એવું કહી શકીએ કે આપણને કામ કરવામાં પડેલી  તકલીફોનો બોજ ઘરના માણસોને આપવાની જરુર નથી, કે જણાવવાની પણ જરુર નથી.

પણ કામ દરમ્યાન આપણે અનુભવેલી લાગણીઓ કુટુંબ સાથે શેર ન કરી શકાય ? અનુભવેલી સારી લાગણીઓ શેર કરવાથી તેમને આનંદ થાય અને નરસી લાગણીઓમાં આપણને તેઓનો ટેકો મળે.

બસ ! એટલી જ સાવચેતી રાખવાની રહે કે, કઈ લાગણી કોની સાથે શેર કરવાની. બધી જ વાત બધાને કહેવાની જરુર નથી. એ જ પ્રમાણે લાગણી શેર કરવાનો સમય જોવો પડે.

અહી તો તકલીફ અને લાગણીઓની વાત કરી પણ ‘પ્રશ્નો’ નું શું ?

એક જવાબદાર અધિકારી ઓફીસના અગત્યના પ્રશ્નો ઝાડની ખીંતી પર લટકાવી શકે ખરો ? કારખાનાનો માલીક ઘેર આવી, કારખાનામાં ચાલતી પ્રોસેસના પ્રશ્નોમાંથી મુક્ત રહી શકે ખરો ?

પ્રથમ નજરે તો શક્ય લાગતું નથી. ઘરની વ્યક્તિઓને પોતાની તકલીફોથી દુર રાખી શકાય… એ શક્ય છે.

પણ વ્યક્તિ પોતે અગત્યના પ્રશ્નોથી દુર રહી શકે ?

જો કે creative problem solving process માં તો એવું કહેવાયું છે – તમે તમારા પ્રશ્નોને થોડા સમય માટે ભુલી જાઓ. તમારું જાગૃત મન ભલે પ્રશ્નને ભુલી જાય પણ અર્ધજાગૃત મન તેના પર કામ કરતું રહે છે, અને અચાનક જે તે પ્રશ્નના નિરાકરણનો ઝબકારો તમારા જા્ગૃત મનમાં કરે છે. આ સાચુ પણ છે તમે પણ ક્યારેક અનુભવ્યું હશે. એક ઉદાહરણ જોઈએ તો – ધારો કે રસ્તા પર જતા તમને કોઈ વ્યક્તિ મળી જાય, ઘણા સમય બાદ મળી હોય, તમને કદાચ એનું નામ એ સમયે યાદ ન આવે, છતાં તમે તેની સાથે વ્યવસ્થિત રીતે હાય-હે્લ્લો કરો અને છુટા પડો. આગળ વધતાં તમારું મન અન્ય બાબતમાં પરોવાય ગયું હોય. અને થોડે આગળ જતાં મનમાં પેલી વ્યક્તિના ‘નામ’નો ઝબકારો થાય છે. હકીકતમાં તો તમારું જાગૃત મન અન્ય વિચારો પરોવાય જાય પણ, તમે નામ યાદ કરવા કરેલી મથામણ અર્ધ-જાગૃત મનમાં ચાલુ રહે છે અને પાછળથી નામ યાદ આવે છે.

આમ પ્રશ્નોને ભુલી જવા્થી પણ ફાયદો જ છે.

અંતે એટલું તો સાચું ‘ખીંતી’ જરુરી છે એ પછી તક્લીફો લટકાવવાની હોય, લાગણીઓ લટકાવવાની હોય કે પછી પ્રશ્નો લટકાવવાની હોય.

એટલે તો આંગણામાં તુલસીનું કુંડુ રાખવાનું કહ્યું છે. …….. શું ક્યો છો ?  🙂

(ચિત્રો ઇન્ટનેટ પરથી સાભાર)

યે તેરા ઘર …..

નવા વર્ષની શુભેચ્છાઓ….

ધરતીનો છેડો ઘર તો વર્ષોથી સાંભળતા આવીએ છીએ, અને ખરેખર ક્યાંયથી પણ પાછા ઘેર પહોંચીએ ત્યારે ‘હાશ’ થાય છે એ પણ હકીકત છે. દરેકની મનસા પણ ‘પોતાનું’ ઘર બનાવવાની હોય છે. યુવાનોને સલાહ પણ છે કે ચાલીસી વટાવ્યા પહેલાં પોતાના ઘરની વ્યવસ્થા વિચારી લેવી.

પણ આજે House ની નહીં ‘Home’ ની વાત કરવી છે. આજે સ્વ. ફારુકશેખને અંજલી આપતાં ‘સાથ સાથ’ જોયું.

ફીલ્મની શરુઆત ખુબ ‘ટચી’ રહી. એક યુવાનની દુનીયા સાથે લડવાની, પોતાના વિચારો પર કાયમ રહેવાની ખુમારી જોઈ ખુ્બ આનંદ થયો. આજે વડીલો પણ યુવાનોને આ જ સલાહ આપતા હોય છે અને તે પણ એવું કહીને કે ‘અમે તો અમારું ધાર્યું ન કરી શક્યા, પણ તમે તો કરી શકો તેમ છો’

મને પણ આવી સલાહ આપવાનું મન થઈ જાય. (મફતમાં આપવાનું સૌને ગમે છે… મને પણ..) પણ મારા જીવનની ફ્લેશબેકમાં જતાં લાગે છે કે મેં પણ આવા જ સપના સેવ્યા હતા, પણ જ્યારે પ્રેકટીકલ થવની વાત આવે ત્યારે સપના, ‘સપનામાં’ જ રહી જાય, બાંધછોડ કરવી પડે છે એ પણ હકીકત છે. ન કરીએ ત્યારે ઘણું સહન પણ કરવાનું આવે છે, જે મેં નોકરી દરમ્યાન અનુભવ્યું પણ છે. વડીલો એમ પણ સલાહ આપે કે ‘જમાના સાથે ઉભા રહેવાની તાકાત કેળવવી જોઈએ, પોતાની જરુરીયાતો ઘટાડવી જોઈએ’ પણ કઈ જરુરીયાત ઘટાડવી એનું કોઈ માર્ગદર્શન કરે છે ? જરુરી એવા ફોન કોલ કરો તો પણ મહીનાના ૬૦૦-૭૦૦ રુપીયા મોબાઈલ બીલ આવે, દુનીયા સાથે જોડાયેલ રહેવા છાપા વાંચીએ તો મહીને ૧૦૦-૨૦૦ રુપીયાનું બીલ આવે, ઇન્ટરનેટ વાપરો ૬૦૦-૭૦૦ રુપીયા એના જોડો, નોકરી કરવા જવાના ટ્રાન્સપોર્ટેશનના ૧૫૦૦-૨૦૦૦ હજાર જોડો…. કઈ જરુરીયાત ઘટાડવી ? દુનીયા સાથે નાતો છોડવો ?

દાદા ભગવાનનો એક મુદ્દો યાદ આવે છે… ‘એડજસ્ટ એવરીવ્હેર’. આપણે તેનો અર્થ એ કરવાનો રહે કે ‘હું જ્યાં કામ કરૂં છું એ વાતાવરણને ‘એડજસ્ટ’ થવાનું’. દાદા ભગવાન પણ વેપાર કરતાં કરતાં પોતાનો ધર્મ નીભાવતા હતા. ધર્મ વિષે આજે એક સરસ વાક્ય સાંભળ્યું – ધર્મની વ્યાખ્યા સાર્વજનીક ન કરી શકાય, દરેકને પોતાનો ધર્મ હોય છે, હોવો જોઈએ.’

આપણે પણ આપણો ‘ધર્મ’ નક્કી કરી લેવો જોઈએ અને જ્યાં પણ ‘એડજસ્ટ’ થવાનું આવે ત્યાં આપણા નક્કી કરેલા ધર્મની મર્યાદામાં રહી ને એડજસ્ટ થવાનું રહે. આ મર્યાદા બહારનું કામ નકારવું જોઈએ. શક્ય છે સહન કરવાનું આવે પણ આપના મનને-આત્માને ધર્મ અનુસર્યાનો આનંદ તો પ્રાપ્ત થાય છે એ વાસ્તવિક છે અને જીવન જીવવાનું બળ મળે છે. ‘એડજસ્ટ’ થયાનો સમય પસાર થયા બાદ પણ ‘પોતાનું’ જીવન જીવ્યાનો આનંદ રહે છે.

વર્ષો પહેલાં શ્રી પી.જી. માવલંકરના સફળ ઉદ્યોગપતિ ભાઈના (નામ ભુલી ગયો છું… સોરી !) ભારતમાં ઉદ્યોગ સ્થાપનાના અનુભવોના અંગ્રેજી પુસ્તકના ગુજરાતીકરણના પ્રકાશનની જવાબદારી નિભાવી હતી ત્યારે તેમના અનુભવો ખરેખર પ્રેરણાદાયી લાગ્યા. પરદેશથી આવી તેમણે જ્યારે અમદાવાદમાં ઉદ્યોગ સ્થાપ્યો ત્યારે એમની પ્રોડક્ટના ભાવ ભારતના બજારભાવ કરતા ખુબ નીચા હતા, પણ તેમણે પોતાની પડતર કીંમત પર ચોક્કસ નફો (ફીક્સ્ડ પ્રોફીટ) લઈને પ્રોડક્ટ વેંચવાનું નક્કી કરેલું, ભલે બજાર ભાવ વધુ હોય અને એ પ્રમાણે વધારાનો નફો પણ મફતમાં મળતો હોય. તેમની પ્રોડક્ટ બજાર કરતા સસ્તી મળતી, લોકો શંકા પણ કરતા કે, કંઈ ક્વોલીટીમાં તો ઘાલમેલ નહી હોય ને ? પણ ધીમે ધીમે લોકોને વાસ્તવીકતા સમજાણી અને ધંધાનો ખુબ વિકાસ થયો. તેમણે પોતાનો ‘ફીક્સ્ડ પ્રોફીટ’ લેવાનો ધર્મ નીભાવ્યો અને સફળતા મેળવી. આમ જો આપણે આપણો ‘ધર્મ’, બાઊન્ડરીઓ નક્કી કરી જીવીએ તો જીવન જીવવાનો આનંદ અને સફળતા (ભલે વહેલામોડી..) જરુરથી મળે છે.

આ મફત સલાહમાં તથ્ય લાગે છે ?

યુવાનોને ફરી સલાહ – ચાલીશ વર્ષ સુધીમાં ‘Home’ બનાવજો, ‘House’ નહીં, અને વધારે અગત્યનું એ કે તેને જાળવી રાખજો, નહીંતર ‘સાથ સાથ’ની હીરોઈન જેમ તમારી ‘દીપ્તી નવલ’ ઘર છોડવા મજબુર ન બની જાય….

સંવેદનાની સાથે…..

જીવન જીવીએ …

સંવેદનાઓને સથવારે….

આ  છે એક નવા બ્લોગનું સરનામું………..

જીવનમુલ્યોને સમજવા ‘સંબંધોના સથવારે’ મુસાફરી કરતાં કરતાં એવું લાગ્યું કે મનુષ્યને મનને ‘સમજવા’માં લગાવવા પડતા ‘તર્ક’ થી ‘મન/બુધ્ધી’ને તો આનંદ આવે છે, સમજણ સ્વીકારવાથી જીવન સરળ પણ બને છે.

પણ…

હૃદય તરસ્યું રહે છે. કેટલાક મિત્રોના કવિતાઓના બ્લોગ, વાર્તાઓના બ્લોગની મુલાકાત લેતી વખતે ….. કોઈ કોઈ સંવેદના જગાવનારી કૃતિ વાંચતા વાંચતા આંખો ભીની થઈ જાય છે, હૃદય ભરાય જાય છે અને મોટામાં મોટો ફાયદો શરીરના સંવેદનાની જાણકારી આપનારા અંગો, તે ક્ષણ પુરતું પોતાનું રોજીદું કાર્ય પણ ભુલી જાય છે, વિચારશુન્યતા આવી જાય છે. આવી ક્ષણ શાસ્ત્રોમાં લખેલી ‘સમાધી’ ની ક્ષણ જ હશે  ને ?

ધ્યાન પધ્ધતિ દ્વારા તો આવી ક્ષણો મળી શકતી હશે પણ, લાં….બા સમય સુધીનું આવું વાંચન, હૃદયને ભરેલું રાખે તો તો… સમાધી જ લાગી જાય ને ! (અહી પાછો ‘તર્ક’ આવ્યો.)

આ જ મુદ્દો નવા બ્લોગની રચનાનું કારણ બન્યો.

વધારે અગત્યનું એ છે કે એ બ્લોગ મિત્રોની મદદથી જ જીવંત રહેવાનો છે.

ફેઈસબુક પર આવતા કેટલાક પોસ્ટરો ખુબ હૃદય સ્પર્શી હોય છે, આવા પોસ્ટર્સ મુકવાનો ઇરાદો છે, કેટલીક ટુંકી વાર્તાઓ, કવિતાઓ, વીડીયો, મ્યુઝીક ફાઈલ્સ અને એવું બધું…. જ …. જે હૃદયને ઝંઝોળી નાખે. થોડીક મુશ્કેલી એ છે કે ફેઈસબુકનો અનુભવ નથી. મફતીયું ખાતું તો ખોલ્યું છે, http://www.facebook.com/jitu48

પણ ‘ઓપરેશન’માં મુશ્કેલી. પણ એ તો મિત્રોની સહાયથી શીખી જવાશે.

બ્લોગના સાજ-શણગાર તો કરવા છે પણ આજે તો ‘રીડ ગુજરાતી’ની એક ઇ-બુક “તારે જમીન પર” (ભાગ ૪) માંથી વાંચેલી અને પ્રેમની પરાકાષ્ઠા દર્શાવતી કૃતિને રાહ જોવડાવવાનું ન ગમ્યું અને રજુ કરી જ દીધી.

તો થોડો વધુ સમય ફાળવી વીઝીટ કરી જ લો અને આંખો ભીની થઈ કે નહી તેનો એકરાર પણ કરી લો… –

સંવેદનાની સાથે …

તમારો પ્રતિભાવ કહેશે કે યોગ્ય થયું કે નહીં ?

વધુમાં બીજા સમાચાર પણ છે …

મિત્રો, ઊપર હેડરના  ‘મેનુ’ માં ઉમેરાયેલું નવું ‘પેઈજ’ જોવાનું ચુકી ગયા – “મારા મિત્રો…”

ત્યાં પ્રતિભાવ તો ખરા, પણ સુધારાય સુચવવાના છે.

 

સંબંધમાં અભિવ્યક્તિની સુક્ષ્મતા –

સંબંધમાં અભિવ્યક્તિની સુક્ષ્મતા –

તારીખ ૩ ની પોસ્ટની હીમશીલા મિત્રોને ભારી પડી હોય તેમ લાગે છે. પ્રતિભાવો તેમાં દબાય ગયેલા લાગે છે. કન્સેપ્ટ નવો છે, પચવામાં ભારે હશે, પણ ખુબ કામનો છે. જો સમજી શકાય તો સંબંધો આવતી કડવાશ, રુકાવટ, અવગણના વગેરે બાબતો સમજી શકાશે.

ઘણી વખત આપણે બે વ્યક્તિ વચ્ચેની સુક્ષ્મ વર્તણુકના વહેવારોને જોઈ શકતા નથી અથવા ધ્યાન આપતા નથી એથી ઘણું ગુમાવીએ છીએ. સંબંધમાં રહેલા તાણાવાણાની મજબુતાઈ ગુમાવીએ છીએ, અંતે ‘સંબંધમાં મજા નથી’ એવું માની લઈ સંબંધ ગુમાવીએ છીએ.

સાદુ ઉદાહરણ સમજીએ.

father-daughter holding hands

આજે મોર્નીંગવોક પર ગયો ત્યારે વર્ષો પહેલાનો એક પ્રસંગ યાદ આવી ગયો. દસેક વર્ષ પહેલાં ગાંધીનગરમાં મોર્નીંગ વોકમાં મારી નાની દીકરી સાથે હતી. વાતો કરતા કરતા અમે રોડની સાઈડમાં ચાલતા હતા. થોડી વારે બાજુમાંથી એક બસ પસાર થઈ. હું રોડ સાઈડ હતો, પુત્રી ફુટપાથ તરફ હતી. તેણે ચાલતા ચલાતા સાઈડ બદલી, હવે તે રોડ સાઈડ આવી ગઈ. ચાલતા ચાલતા ફરી વાતોમાં ખોવાય ગયા. ક્યારે સાઈડ બદલાઈ ગઈ તેનું અમને ધ્યાન ન રહ્યું. અચાનક તેણે ફરી સાઈડ બદલી. આ ચેન્જ મારા ધ્યાનમાં આવ્યો, મેં તુરંત પુછ્યું , ‘કેમ ?’

‘કંઈ નહીં’ કહી તેણે વાત ટાળી, મારી સમજણમાં તો આવી ગયુ હતું,

છતાંપણ મેં જાણવા આગ્રહ રાખ્યો ત્યારે કહ્યું –

‘આ સાઈડમાંથી વાહનો પસાર થાય છે ને એટલે.’

બસ ! હું મુંગો થઈ ગયો. મન, પુત્રીના પ્રેમને સમજવામાં ખોવાય ગયું. પિતાને પ્રોટેકશન મળે એવી માનસિક ગણત્રીએ તેણે સાઈડ બદલી. આ તેના પિતૃપ્રેમની સુક્ષ્મ અભિવ્યક્તિ ગણાય. મારા મનમાં આની નોંધ થવી જ જોઈએ, જે પિતા-પુત્રીના પ્રેમના તાણાવાણાને મજબુત કરે.

અન્ય સાથે થતા વહેવારોની આપણી કે સામેવાળાની વર્તણુંકનું સુક્ષ્મ અવલોકન થાય ત્યારે સંબંધોની આવી સુક્ષ્મતા ઉજાગર થાય છે.

તમેય એકાદ દિવસ આવા સુક્ષ્મ વહેવારોની નોંધ કરવાનું નક્કી કરો. કદાચ સંબંધના અવ્યક્ત પાસાઓ ઉજાગર થશે.

(ફોટો – http://www.tracyscamp.com/AboutUs/FatherDaughter/tabid/99/Default.aspx – સાભાર)

સંબંધનો ‘આઈસબર્ગ’ –

‘ફર્યો ચરે અને બાંધ્યો ભુખે મરે’

આવું જ મારી સાથે થયું. મગજની ‘ટ્રાન્સ’ અવસ્થાને સમજવા ઈન્ટરનેટમાં રજળપાટ કરતો હતો. એમાં એક વ્યાખ્યા મળી જેમાં ‘આઈસબર્ગ’નો ઉલ્લેખ થયો હતો. તેમાંથી આઈસબર્ગની ઇમેજ સર્ચમાંથી એક સરસ વેબસાઈટ પર જતો રહ્યો. એમાં મેનેજમેન્ટ અને વર્કર વચ્ચેના સંબંધ પરની ચર્ચા હતી. મને લાગ્યું કે આ તો આપણા રોજબરોજના સંબંધોને સમજવામાં ખુબ ઉપયોગી થાય તેમ છે. મારી સમજણની ઝલક વાંચી તમે પણ કંઈક કહી નાખજો.

તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા અન્ય સાથે દેખાતા સંબંધ કરતાં ‘ન દેખાતા’ સંબંધ વધારે હોય છે. એકદમ ‘આઈસબર્ગ’ની જેમ. દરિયામાં બરફની શીલાના ટોચકા કરતા લગભગ દસ ગણી શીલા પાણીમાં રહેલી હોય છે. (એટલે જ ‘શીલા’ને કોઈ સમજી શકતું નથી ! 😉 ) ભલાભલા તેની ખરેખરી સાઈઝનો અંદાજ બાંધી શકતા નથી. ટાઈટેનીક જેવી સ્ટીમર બિચારી પાણીમાં ડુબી ગઈ, તો આપણું શું ગજુ ?

iceberg model

આપણે પણ સંબંધના ઢંકાયેલા ભાગને જોઈ શકતા નથી અને એના કારણે સંબંધોમાં કડવાશ ભરી બેસીએ છીએ. વધુ સમજવા એક ઉદાહરણ જ લઈએ –

પિતાપુત્રનો સંબંધમાં દેખીતો ભાગ – સમાજના શિખવાડેલા મુદ્દાઓ મુજબ. પિતાએ પુત્રને નાનપણથી મોટો કરી ‘ઠેકાણે’ (નોકરી તેમજ લગ્ન સંબંધી પણ..) પાડવો જોઈએ. પુત્રએ પિતાના ઘડપણનો ટેકો બનવું જોઈએ. પિતાની પુત્ર માટેની લાગણીઓ, માન/અપમાન, અપેક્ષાઓ, જવાબદારીઓ, જરુરીયાતોના કેટલાક મુદ્દાઓ દેખીતા એટલે કે સમાજ દ્વારા નિયત કરેલા છે તે સૌ જાણે છે. એ જ રીતે પુત્રની પિતા માટેની લાગણીઓ, માન/અપમાન, અપેક્ષાઓ, જવાબદારીઓ, જરુરીયાતોના કેટલાક મુદ્દાઓ દેખીતા એટલે કે સમાજ દ્વારા નિયત કરેલા છે તે સૌ જાણે છે.

પણ આપણે બાળકમાંથી મોટા થતાં થતાં જે કંઈ શીખીએ છીએ તેમાંથી કેટલીક બાબતો/ વિચારો, પોતાની રીતે ઘડીએ છીએ અને મગજમાં સંઘરીએ છીએ. આ વિચારો કદાચ સમાજમાં પ્રવર્તતા વિચારોથી વધારાના પણ હોય શકે, અલગ પણ હોય શકે, પણ આપણા ખુદના બનાવેલા છે એથી એ પ્રમાણે આપણું વર્તન તો થવાનું જ, ભલે તે સમાજ દ્વારા અપેક્ષિત ન પણ હોય. આ બધા જીણા જીણા વિચારો એટલા બધા છે કે તે આઈસબર્ગનો પાણીમાંનો હિસ્સો બનાવે છે, જે લગભગ દેખીતા હિસ્સા કરતા દસગણો મોટો છે.

સામાન્ય દાખલો ‘અપેક્ષાઓ’ નો જ લઈએ.

આગળ જોયું તેમ પુત્રની પિતા પાસેથી અપેક્ષા એટલી છે તે નાનપણથી તેને મોટો કરી પગભર બનાવે, જે સમાજ દ્વારા નિયત કરેલી છે. પરંતુ નાનપણથી ‘હેલીકોપ્ટરીંગ પેરેન્ટીંગ’થી (નાનપણથી માબાપ દ્વારા સતત રક્ષાભર્યા માહોલમાં) બાળક મોટું થયું હોય, તો તેઓ મોટા થાય પછી પણ માબાપનો સહારો શોધતા હોય છે. બીજી તરફ પિતા પોતાની જવાબદારી પુરી થઈ ગઈ એમ માની પુત્ર મોટો થયા પછી પોતાના જીવનમાં મસ્ત બની જાય. આઈસબર્ગના પાણીની અંદરના ભાગમાં પિતાના પક્ષે કોઈ જવાબદારી કે અપેક્ષા રહેતી નથી.

icebergBW

આમ, જોઈએ  દેખીતી રીતે તો પુત્રની અપેક્ષા પુર્ણ થઈ ગઈ છે (આઈસબર્ગની ટોચનો ભાગ), પણ તેના મનમાં હજુ પણ માબાપની રક્ષાની અપેક્ષા રહેલી જ છે (આઈસબર્ગનો પાણીની અંદર રહેલો ભાગ). તે સતત પિતાનો ટેકો ઇચ્છે છે. હવે આ અપેક્ષાઓ સંતોષાય નહી આથી તેના મનમાં સતત, ‘પિતા મારું ધ્યાન રાખતા નથી’ એવી કડવાશ ઘુંટાતી રહે છે.

આવું તો ઘણી બાબતોમાં બને છે. આપણી જાણ બહાર, અજાગૃત મનમાં અપેક્ષાઓ, ઇચ્છાઓ અધુરી રહેતી હોય છે એની સીધી અસર સંબંધ પર પડતી હોય છે.

આ આઈસબર્ગને, સુર્ય પૃથ્વીની સતત નિગરાની કરતો રહે તેમ સતત નિગરાનીમાં રાખી, તપારો આપી પીગળાવીએ તો સંબંધોમાં પાણીની પારદર્શકતા આવે.

બાકીના સુધારાવધારા તમારા માટે ……

મેં જે સંદર્ભ જોયેલો તે પણ વાંચવા જેવો છે તેમાં ‘psychological contracting’ ની વાત છે. એ પણ રસદાયક છે. ફરી ક્યારેક તેને સમજવાનો પ્રયત્ન કરશું.

સંદર્ભ – http://www.businessball.com

સંબંધોમાં સમજણની ઉલઝન –

‘કેમ છો ?’

‘બસ ચાલે છે.’

ઠંડો શુષ્ક પ્રતિભાવ, પછીનો સંવાદ પણ પ્રેટ્રોલ વગરની ગાડીને ધક્કા મારતા મારતા ચલાવતા હોય તેમ નિરસતાપૂર્વક આગળ વધે. આવા પ્રતિભાવના શારીરિક, માનસિક કે અન્ય ઘણા કારણો હોય શકે. એમાનું એક કારાણ પ્રશ્ન પુછનાર સાથેનો આપણો સંબંધ પણ હોય શકે. ઉષ્માભર્યા અને નિરસ સંબંધોની જાણકારી સ્પષ્ટ કરી તેની વચ્ચે આછીપાતળી ભેદરેખા દોરી લીધી હોય તો સંબંધોના કારણે આપણા વ્યવહારો પર પડતી અસરથી મુક્ત રહી શકીએ. જો કે આપણી જરુરીયાતો/અપેક્ષાઓ આધારિત અને અપેક્ષારહીત પ્રેમ સંબંધ વચ્ચે સ્પષ્ટ ભેદ પાડવો શક્ય નથી. અપેક્ષાઓના સંબંધમાં આવતી પ્રેમસંબંધની ક્ષણો અને પ્રેમસંબંધમાં આવતી અપેક્ષાઓની ક્ષણોના તાણાવાણામાં (warp and weft) આપણું મન ગુંચવાતુ રહે છે.

આ સંબંધના તાણાવાણાને આપણે આ રીતે સમજીએ –

warp_weft

કાપડ (જીવન) બનાવવાની (જીવવાની) શાળ પર જે તાણા લાગેલા છે તેમાં શુષ્ક અને સફેદ ધાગા (અપેક્ષા) અને રંગીન અને રેશમી ધાગા (પ્રેમ) મિશ્રિત હોય છે, જ્યારે સંબંધનો વાણો આ બધા ધાગામાંથી પસાર થઈને કાપડ (જીવન) બનાવે છે. સંબંધમાં કયા ધાગા તમે વાપરો છો એ સ્પષ્ટ સમજી લો તો અપેક્ષાના સંબંધ અને પ્રેમ સંબંધને સમજવાની ગુંચવણ નહી રહે.

કુદરતે તમને કપાસ આપી દીધો છે કાપડ કેવું વણવું એ તમારા પર છે.

શુધ્ધ અપેક્ષાઓના સંબંધો તો આપણા વ્યવસાયિક સંબંધો છે. (જો કે આપણે તેમાં પ્રેમસંબંધની ભેળસેળ કરવાનો પ્રયત્ન કરી દુઃખી થઈએ છીએ. ‘આંખની શરમ પણ ન રાખી’ એવી ફરીયાદો કરતા રહીએ છીએ.) શુધ્ધ પ્રેમ સંબંધ, સામાન્ય માનવી માટે શક્ય નથી – જવલ્લે જ જોવા મળે. આપણે તો જીવન, અપેક્ષા અને પ્રેમના અંતિમ છેડાઓની વચ્ચે રહીને જ પસાર કરવાનું છે. પ્રેક્ટીકલ બનવું પડશે. જો મનને સંબંધોની સમજણ માટે ગુંચવણમાં રાખશું તો તેની સીધી અસર આપણા વ્યવહારો પર પડશે. આમ દુષ્ચક્ર ચાલતુ રહેશે.

સંબંધોમાં થતા વ્યવહારોમાં અપેક્ષિત પરિણામો ન આવે ત્યારે મને જ્યારે દિલમાં દુઃખે ત્યારે હું નાનપણમાં સાંભળેલી એક વાર્તાનો સહારો લઈને મન શાંત કરું છું. કદાચ તમને પણ એ ઉપયોગી થાય. વાર્તા કંઈક આમ છે –

એક નાનાસુના રજવાડાના ગામધણીએ દશેરાની શોભાયાત્રામાં પહેરવા માટે વિશિષ્ટ રંગનો સાફો રંગવા ગામના રંગારાને હુકમ કર્યો અને સાથે સાથે તાકીદ પણ કરી જો જે ભુલ ન થાય, ગામમાં બીજા કોઈને ન હોય એવો સાફો રંગવાનો છે. રંગારાએ તો બીજા દિવસે અનોખા રંગનો સાફો દરબારની સામે હાજર કર્યો. દરબાર તો દશેરાની શોભાયાત્રામાં વાજતે ગાજતે ઘોડેસવાર થયા. ગામની પ્રજા પર ગર્વભરી નજર ફેરવતા ફેરવતા, લોકોની ‘ઘણી ખમ્મા બાપુને’ ને સ્વીકારતા જઈ રહ્યા હતા. એક શેરીના છેડે બાપુની નજર થંભી ગઈ. એક યુવાનના માથા પર પોતે પહેરેલા સાફાના રંગનો પણ કંઈક અલગ જ પ્રકારની ચમક ધરાવતો સાફો જોયો. બાપુએ તુરત જ પેલા રંગારા અને યુવકને જેલમાં નાખવાનો અને બીજા દિવસે દરબારમાં હાજર કરવા હુકમ કર્યો.

પોતાનાથી વધારે સારો સાફો બીજા માટે રંગનાર રંગારા અને એ સાફો પહેરનાર યુવક – બંનેને પોતાના હુકમનો અનાદર કરવા માટે આકરી સજા કરવાનો બાપુએ નિર્ણય લીધો. રંગારાએ બાપુને અરજ કરી – ‘બાપુ, મારી દિકરી મારા કરતા વધારે સારુ રંગકામ કરે છે, આથી આપનો સાફો એણે જ રંગ્યો છે. આપ એને બોલાવો તો સાચી વાત જાણવા મળશે.’

રંગારાની દિકરીને દરબારમાં હાજર કરવામાં આવી. એકજ રંગના બે સરખા સાફામાંથી પેલા યુવાનનો સાફો વધારે ચમકીલો લાગે છે તેની ચોખવટ કરવા બાપુએ ફરમાન કર્યું. રંગારાની દિકરીએ નિડર થઈને જવાબ આપ્યો – ‘ બાપુ આપનો સાફો રંગતી વખતે મને તેમાંથી મળનારી મજુરી – સરપાવનો વિચાર આવતો હતો, પણ આ યુવકને હું પ્રેમ કરું છું, તેનો સાફો રંગવામાં રંગ સાથે મારા પ્રેમનો રંગ પણ ભળેલો છે. એ મારા મનનો માણીગર છે એટલે જ એનો સાફો વધારે ચમકીલો છે.’

બાપુએ પણ પ્રેમની કદર કરી અને બધાને છોડી મુક્યા. કેટલાક મિત્રો એવી દલીલ પણ કરશે જ કે “યુવતિને પણ યુવાનનો પ્રેમ મેળવવા ‘અપેક્ષા’ હતી એથી એણે સારુ કામ કર્યું.” પણ મિત્રો ! અપેક્ષાના માપદંડ હોય છે, તેને પરિણામોમાં માપી શકાય છે, પણ પ્રેમના માપદંડ કયા ? પ્રેમને કઈ રીતે માપીશું ? મારા મતે તો તે એક અનુભુતિ છે જે શબ્દોથી કે અન્ય કોઈ પણ રીતે કદી પૂર્ણપણે વર્ણવી ન શકાય. વેલેન્ટાઈન ડે ના દિવસે લાલ ગુલાબના ફુલથી કરેલું પ્રેમપ્રદર્શન એ કદાચ પ્રેમ સંબંધની શરુઆતનો માપદંડ હોઈ શકે પણ પ્રેમની અનુભુતિ તો તેનાથી અલગ વસ્તુ જ છે.

આપણે કોઈપણ સંબંધને અપેક્ષા કે પ્રેમમાં વિભાજીત નહીં કરી શકીએ પણ એટલું તો જરુર કરી શકીએ કે કોઈ પણ સંબંધમાં પ્રેમના ધાગાઓની સંખ્યા વધારીને જીવનને ઉષ્માભર્યું બનાવીએ. આમ કરવામાં તમને દેખીતું નુકસાન લાગશે, જતું કરવું પડશે, અહમ ઘવાશે પણ પરિણમ તો સારું જ આવશે.

(ઉપરનું ચિત્ર એક બ્લોગરની પોસ્ટમાંથી સાભાર લીધેલ છે

http://scelfleah.blogspot.in/2010_06_01_archive.html)

તમે સંબંધોને નજીકથી નિહાળ્યા છે ?

બ્લોગજગતના પ્રવેશને એક વર્ષ પુરુ થવામાં છે. આ તબક્કે મારા ચારેક લખાણો અક્ષરનાદ પર મુકાયેલા છે, એ બધાને રીપીટ કરવાની ઇચ્છા છે. ( સાચું કારણ મારા મિત્રોના પ્રતિભાવોની ઈચ્છા ! મને સુધરવાની તક મળે ને !)

 

આજે અક્ષરનાદ પર અપલોડ થયેલા મારા પ્રથમ લેખનું રીપીટેશન –

 

તમે સંબંધોને નજીકથી નિહાળ્યા છે ?

ગુગલમાં Relation શબ્દ લખી ક્લિક કરી જુઓ. સંબંધની જાતજાતની વ્યાખ્યાઓ અને ભાતભાતના પ્રકારો જોવા – વાંચવા મળશે. એવુંય બને કે તમે ગુંચવાઈ જાઓ કે શું વાંચવુ, શું સમજવું ? છોડો ! આ બધુ, આપણે ફક્ત માનવીય સંબંધો, આપણા રોજીંદા જીવનમાં ઉદય પામતા અને અસ્ત થતા, ભરતી ઓટમાંથી પસાર થતા સંબંધોનીજ વાત કરવી છે. માનવ જીવનના સામાજીક ચક્રને ચલાવવા માટે સંબંધો જરુરી છે. નાના જીવોનું જીવનચક્ર કુદરતી રીતે જ અવિરત ચાલતું રહે છે કારણ કે ત્યાં સમાજ નથી, સમુહ છે અને ખાસ તો પ્રકૃતિગત જરુરીયાતો તથા સામાન્ય લાગણી સિવાય કોઈ અપેક્ષાઓ નથી.

મનુષ્યના જીવનચક્ર અને સંબંધોને આ રીતે જોઈએ –

જીવનનો ઉદય – સ્ત્રીપુરુષનો મર્યાદામાં રહીને બંધાયેલા સંબંધ (પતિ-પત્ની)નું પરીણામ

જીવનની વૃધ્ધિ – માબાપ અને બાળકનો સંબંધ (મા, બાપ, પુત્ર, પુત્રી)

જીવનનો વિકાસ – કુંટુંબના સભ્યોનો સંબંધ (ભાઈ, બહેન, કાકા, કાકી, દાદા, દાદી, અને સમાજના અન્ય સભ્યો સાથે સંબંધ, મિત્રો અને સગાસંબંધીઓ વગેરે)

અને જીવનના અંત પહેલા જીવનચક્રને ચાલુ રાખવા ફરી પતિ-પત્નીનો સંબંધો અસ્તિત્વમાં આવે અને ચક્ર સદા ફરતુ રહે છે.

આમ જીવનચક્રની ગતિશીલતા અને સાતત્ય જાળવવા સંબંધોનું અસ્તિત્વ અનિવાર્ય છે.

આપણે સૌએ અનુભવ્યું છે કે સંબંધોમાં પણ માનવજીવનની માફક ઉદય, મધ્યાન્હ અને અસ્ત આવતા રહે છે, પણ વ્યવસાયિક સંબંધો સિવાયના સામાજીક સંબંધો ઘણીવાર અસ્ત પામતા દિલમાં દુઃખની લાગણી છોડતા જાય છે. ગુસ્સો, નિરાશા, હતાશા, એકલતા, ઇર્ષ્યા જેવી નકારાત્મક લાગણીઓ ઉભી કરતા જાય છે. આવું થવાનું કારણ તમે ક્યારેય વિચાર્યું છે ?

મારું માનવું છે કે આમ થવાનું કારણ સંબંધોના મૂળને – ઉદભવના કારણને આપણે જાણતા નથી અથવા નજર અંદાજ કરીએ છીએ.

એક રોજીંદો પિતા પુત્ર વચ્ચેનો સામાન્ય પ્રસંગ જોઈએ. (આ દાખલો એકદમ સુસંગત ન કહેવાય પણ સમજુતિ માટે ચાલી જાય, એવું હોય તો બુધ્ધી થૉડીવાર બાજુમાં મુકજો)

આખા દિવસની સતત મહેનત, દોડધામ, માનસિક તાણમાંથી પસાર થયેલો પિતા જ્યારે સાંજે ઘેર પાછો ફરે ત્યારે ઘરમાં નાનું બાળક કિલ્લોલતું હોય તેની સાથે બાળક બનીને તે બાળરમતમાં ગુંથાય જાય. આપણે એને ‘પિતૃપ્રેમ’નું નામ આપી દીધું. બીજે દિવસે સવારે એ જ પિતા ઓફીસે જવા તૈયાર થતો હોય, મોડું થઈ ગયું  હોય અને પિતૃપ્રેમની ભ્રાંતિમાં લપેટાયેલું બાળક પિતાને વળગવા દોડે ત્યારે પિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે.

આવું કેમ ?

જવાબમાં આ જ પ્રસંગને ફરી સમજવાનો પ્રયત્ન કરીએ. થાકી ગયેલા અને માનસિક રીતે ત્રસ્ત પિતાને તે પરિસ્થિતિમાંથી મુક્ત થવું હતું, બાળસહજ પ્રવૃત્તિ કરીને હળવા થવું હતુ, એમ કહોને કે એમ કરવું તેની ‘જરુરીયાત’ હતી. આ જરુરીયાતને આપણે પિતૃપ્રેમનું નામ આપી દીધું. જરુરીયાત સંતોષાઈ ગઈ અને પિતૃપ્રેમ ઓગળી ગયો. મોટાભાગના માબાપો સંતાનો સાથે આવી જરુરીયાતો અને અપેક્ષાઓથી જોડાયેલા છે. વૃધ્ધાવસ્થામાં મારો ટેકો બનશે કે નામ ઉજાળશે એવી ઇચ્છાઓ અને અપેક્ષાઓથી બંધાયેલો આ સંબંધ વિપરીત પરીણામ આપે ત્યારે દુઃખ પહોંચાડે જ. નાનું બાળક પણ પોતાની જરુરીયાત સંતોષવા જાતજાતના નુસખાઓ અજમાવતું હોય છે. તો આવી પરિસ્થિતિમાં પિતાપુત્રના સંબંધનો પાયો શું ?

જ્યારે આપણે ‘ઘર’ જેવા સંબંધોનો અસ્ત જોવા માંડીએ ત્યારે ખુંચે છે, પણ એ વિચારતા નથી કે આ ઘર જેવા સંબંધ બંધયો તે વખતે શી પરિસ્થિતિ હતી ? નવી ઓળખાણ થઈ અને મનમાં ઝબકારો થયો કે આ કામનો માણસ છે. આવા સંબંધોમાં ભરતીના મોજા આવવા લાગે છે. પણ જ્યારે કામનો લાગતો માણસ કામ ન આવી ત્યારે એ જ સંબંધમાં ઓટ આવવા માંડે છે – સંબંધના અસ્તનો આરંભ થાય છે. જ્યારે આ સંબંધના અંતે દિલમાં દુઃખ્યુ ત્યારે આપણે એ ન વિચાર્યું કે મારા સંબંધની ઇમારતનો પાયો જ જરુરીયાત કે અપેક્ષા હતી. જો મેં એવી કોઈ અપેક્ષા વગર જ સંબંધ બાંધ્યો હોત તો તેનો અસ્ત થવાથી દુઃખ થવાનો પ્રશ્ન જ ઉભો ન થાત. સામેવાળી વ્યક્તિને પણ આવો જ પ્રશ્ન થાય, તેને પણ લાગે કે પહેલાં તો બહુ રાખતા હતા, હવે શું થયું ? હકીકતમાં તેણે પણ નવો સંબંધ બંધાય ત્યારે વિચારી લેવું જોઈએ કે આ નવો સંબંધ અપેક્ષાઓના પાયા પર તો નથી ને ? જો એવું લાગે તો સંબંધોમાં ભરતી આવે તે પહેલા સ્પષ્ટતાઓ કરી લેવી જોઈએ જેથી સંબંધોની અચાનક જ ભરતી ન આવે અને ઓટ આવવાનો પ્રશ્ન જ ઉભો ન થાય.

જુની પેઢી અને નવી પેઢીના ક્લેશમાં આ સંબંધોની ‘સમજણ’ જ રહેલી છે. નવી પેઢી ના સંબંધો જરુરીયાત કે અપેક્ષા પર રચાયેલા છે અને તેની બેઊ પક્ષોને ‘જાણકારી’ છે જ. આથી જ તેઓને સંબંધોમાં ભરતી ઓટ, ઉદય-અસ્તના પ્રશ્નો નડતા નથી.

શોધી કાઢો કે તમારા કેટલા સંબંધો આમ જરુરીયાતના પાયા પર રચાયેલા છે ? ફક્ત નજર સુક્ષ્મ બનાવવી પડશે.

બસ ! તો સંબંધોના પરિણામે ઉદભવેલી કડવાશને દુર કરવા સંબંધની ઇમારતના પાયાને પારખી લો અને સ્વીકારી લો કે સર્વ અપેક્ષા અને જરુરીયાત હંમેશા સંતોષાતી નથી અને તેનો અંત પણ નથી. આવા જરુરીયાતના પાયા પર બંધાયેલા સંબંધોનો, આપણી લાગણી સાથેનો છેડો ફાડી નાખો. બાકી રહી જશે નિર્મળ અને પ્રેમાળ સંબંધો અને મન શાંત થઈ જશે એ નફામાં !

 

પતિ-પત્ની નજીક આવો – ૫

પતિ-પત્ની નજીક આવો – ૫

જોહરી વિન્ડોનો ઉપયોગ કેમ કરવો તેનો એક નાનકડો ટેસ્ટ કરી જોઈએ.

નીચે વ્યક્તિના ગુણ દર્શાવતા દશ શબ્દો લખ્યા છે, એમાંથી, તમારુ સ્વ-નિરીક્ષણ કરી જે તમને લાગુ પડૅ છે તેની સામે ‘હા’ અને તમને લાગુ ન પડતા હોય તેની સામે ‘ના’ લખો

લાગણીશીલ

આશાવાદી

ત્વરીત નિર્ણય લેનાર

ઇર્ષાળુ

પરીશ્રમી

સ્વાર્થી

વિનમ્ર

સમયપાલનનો આગ્રહી

વાચાળ

મદદરુપ થનાર

હવે આ જ શબ્દો એક અલગ કાગળ પર લખી, તમારા મિત્ર/પતિ/પત્ની ને આપો. તેને જણાવો કે તે તમારા માટે શું ધારે છે. એનૅ પણ ‘હા’ કે ‘ના’ લખવા જણાવો. જેમકે પહેલો શબ્દ ‘લાગણીશીલ’. હવે તમારા પાર્ટનર લાગતું હોય કે તમે લાગણીશીલ છો, તો તેણે આ શબ્દ સામે ‘હા’ લખવું, જો એમ ન લાગતું હોય તો ‘ના’ લખવું. એવી રીતે દરેક શબ્દની સામે તેનૅ તમારા વિશેનો અભિપ્રાય આપવાનો છે. આમ એક કાગળમાં તમારે પોતાના વિશે અભિપ્રાય આપવાનો છે અને બીજા કાગળ પર તમારા પાર્ટનરે તમારા વિશે અભિપ્રાય આપવાનો છે. અભિપ્રાય આપવાની બાબતમાં બન્નેઍ તટસ્થ રહેવાનું છે. પોતાની જાતને કે અન્યને સારુ લગાડવાનો પ્રયત્ન કરવાનો નથી. હવે બન્નેના જવાબો સરખાવો. કોઈકની સામે બન્નેઍ ‘હા’ લખી હશે, કોઈક જગ્યાએ, એકે ‘હા’ અને બીજાએ ‘ના’ લખી હશે, અને કોઈક જગ્યાએ બન્નેઍ ‘ના’ લખી હશે.

આમાં તમે તારણ શું કાઢશો ?

  • જ્યાં બન્નેઍ ‘હા’ લખી છે તે તમારો ‘Open’ એરીયા છે.
  • જ્યાં બન્નેઍ ‘ના’ લખી છે તે તમારો ‘Open’ એરીયા છે અથવા ‘Unknown’ એરીયા છે.
  • જ્યાં એકે ‘હા’ અને બીજાઍ ‘ના’ લખી છે તે તમારો ક્યાં તો ‘Blind’ અથવા ‘Closed’ એરીયા છે.

જ્યાં Open છે ત્યાં બધું બરાબર છે. સંબંધો સરળ છે. જ્યાં Blind છે ત્યાં તમારે યોગ્ય ફીડબેક લઈ તમારામાં સુધારો લાવવાનો છે, જ્યાં closed એરીયા છે ત્યાં તમારે નિર્ણય લેવાનો છે કે કોની સામે કેટલા અને ક્યારે ખુલ્લા પડવું અને સંબંધો જાળવવા. આમ Self discloser  અને  Feedback  દ્વારા  તમે તમારા સંબંધો વધારે મજ્બુત અને સરળ બનાવી શકો.

(મિત્રો, ઉપરોક્ત લખાણ, શક્ય તેટલું સરળ અને સમજુતિભર્યું લખવાનો પ્રયત્ન કરેલ છે. છતાં કોઈ અસ્પષ્ટતા માટે કોમેન્ટસ તેમજ મેઈલ કોન્ટેક્ટસ આવકાર્ય છે.)

૧ જુન પછી ફરી મળીએ. ત્યાંસુધી આવજો !

પતિ-પત્ની નજીક આવો – ૪

પતિ-પત્ની નજીક આવો – ૪

(ગઈકાલે કોમ્પુટરની કૃપાથી (?) કોઈ પોસ્ટ ન લખી શકાઈ. So…r..r.y)

આપણે વાત કરવાની હતી ‘જોહરી વિન્ડો’ નો આપણા સંબંધોમાં ઉપયોગ કેમ કરવો તેની. જોહરી વિન્ડોનો બધો ખેલ  Self Discloser અને Feedback પર આધારીત છે. તમે તમારી જાતને અન્યની સામે ખુલ્લી કરો (‘પારદર્શિતા શું છે’ – વાંચો) અને તેના બદલમાં સામેવાળાનું ( કે પત્નીનું) મંતવ્ય જાણો. (Feedback નો ગુજરાતી પર્યાય ધ્યાનમાં આવે તો જણાવશો)

જોહરી વિન્ડોનું ડાબી બાજુનું ઉપરનું ખાનું ધ્યાનમાં લઈએ તો પતિની કેટલીક બાબતો પતિ-પત્ની બન્ને જાણે છે અને તેના લીધે જીવન વ્યવહાર સરળાતાથી ચાલે છે. બન્ને માટે આવી જાણીતી બાબતોમાં  સંબંધો smooth છે. આના પરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે પતિનો open area વધારે હોય તો સંબંધ વધારે smooth રહે છે. પત્નીને પણ આ જ બાબત લાગુ પડે. પ્રત્યેક વ્યક્તિને પોતાની અંગત જોહરી વિન્ડો હોય, એટલે સંબંધો સુધારવા દરેક વ્યક્તિએ પોતાની જોહરી વિન્ડો સુધારવી પડે. હવે જો મારે મારી જોહરી વિન્ડોનો ઑપન એરીયા વધારવો હોય તો બે દિશામાં પ્રયત્ન કરી શકાય –

Blind એરીયા ઘટાડીને અને

Closed  એરીયા ઘટાડીને

Image

Blind એરીયા ઘટાડવા માટે નો માર્ગ – જેની ખબર નથી તે  સંકોચ  વગર  અન્યને  પુછવું,  અહી ‘હું કોણ’ મનમાં ન રાખવું, તેમજ  અન્યને આપણા વિશે ‘મંતવ્ય’ (Feedback) આપવા માટે  પ્રેરવા. આ બન્ને ક્રિયા આપણા blind ને ઘટાડે છે.

Closed એરીયા ઘટાડાવા માટે જાતને અન્ય સામે ખુલ્લી (Self Discloser) પાડવી. જેમ Blind એરીયા ઘટાડવામાં આપણો ‘અહંમ’ (હું કોણ) નડે, તેમ અહીં ‘જો જાતને ખુલ્લી પાડીશ તો કોઈ લાભ લઈ જશે’ એવી આશંકા નડતરરુપ થાય છે. પણ મિત્રો ! આપણા મનમાં સ્વાભિમાન (અહંકારનું યોગ્ય પ્રમાણ) અને Self Discloser નું કોઈક પ્રમાણ નિશ્ચિત થયેલું હોય છે. આપણે તેને યોગ્ય રીતે નક્કી કરવાનું છે અને જે ‘પરિસ્થિતિ’ આધારીત છે. અંતે આપણે સામેવાળી ‘વ્યક્તિ’ અને ‘પરિસ્થિતિ’ ને આધારિત જોહરી વિન્ડોની ડીઝાઈન બનાવવી પડે. કઈ પરિસ્થિતિમાં કેટલું અને કોની સામે ખુલ્લા પડવું એ આપણે નક્કી કરવાનું છે.

દુનિયામાં પ્રત્યેક વ્યક્તિ અલગ છે, પરિસ્થિતિ અલગ અલગ હોય એટલે કોઈ ઉદાહરણ આપવા એ વ્યર્થ છે. જેમ કે એક ઉદાહરણ લઈએ (‘હેવી’ ઉદાહરણ જ લઈએ, એટલે પરચુરણ આપોઆપ સમજાય) – પતિએ પત્નીને કોલેજકાળની ગર્લફ્રેન્ડની વાત કે પત્નીએ કોલેજકાળના બોયફ્રેન્ડની વાત અરસપરસ કરી self dicloser અપનાવવું કે કેમ ? અહીં પતિ કે પત્નીનો સ્વભાવ, ઉમર, ઘરનો માહોલ, બન્ને વચ્ચેના રેગ્યુલર સંબંધો, આ discloser ની જરુર, એવી ઘણી બાબતોને ધ્યાનમાં લેવી પડે. ફક્ત જોહરી વિન્ડોની જાણકારી મેળવી મેદાનમા કુદી ન પડાય. પણ તેની સમજણ હોય, concept તરીકે જાણતા હોઈએ તો ધીમે ધીમે અનુભવે, સંબંધો સુધારવામાં કામ લાગે. પણ એટલું તો સાચું જ છે કે ‘Open’ એરીયા જેટલો વધુ એટલા સંબંધો વધુ સારા.

આ દિશામાં પગલા ભરવા હોય તો કેવી રીતે આગળ વધવું એ હવે પછી …

પતિ-પત્ની નજીક આવો – ૩

પતિ-પત્ની નજીક આવો – ૩

મનની બારીની કલ્પના કદાચ વિચિત્ર લાગે, પણ આપણું શરીર જેમ આંખો દ્વારા ભૌતિક દુનિયા સાથે જોડાયેલું છે તેમ મનને પણ અન્યના મન સાથે જોડવા ‘કંઈક’ જોઈએ, અને આ ‘કંઈક’ એ આપણી ‘મનની બારી’ છે એમ કલ્પના કરી લો. અહીં તમે અને અન્ય (સામેની વ્યક્તિ), જેમકે ‘હું’ અને ‘તમે’, બન્ને એકબીજાની સામસામે અલગ અલગ રુમમાં (અલગ અલગ મન સાથે) છીએ. બન્નેને એકબીજા વિશે જાણવું હોય તો રુમની દિવાલમાં ખુલ્લી જગ્યા – ‘બારી’ જોઈએ, જેમ તમને કુદરતનો નજારો જોવા બેડરુમની બારીની જરુર છે  બસ એજ રીતે. તો બે વ્યક્તિને એકબીજા વિશે જાણવું હોય તો બન્નેના મનમાં પણ ખુલ્લી જગ્યા – ‘બારી’ જોઈએ. જોહરી વિન્ડો આવી જ બારીની સમજૂતિ આપે છે.

હવે આ વિન્ડો આજના જમાનાની સ્લાઈડીંગ ડોરવાળી નથી, પણ જુની ડિઝાઈનની ચાર સ્ક્વેરવાળી છે. (જુઓ ચિત્ર). વિન્ડોને સમજવા તમારે ગણિતને પણ યાદ કરવું પડશે. નાનપણમાં આપણે ગ્રાફ દોરતા ત્યારે ‘x’ અને ‘y’, axis દોરી બન્ને axis પર જુદા જુદા પરિબળો મૂકતા, અહીં આપણે ‘હું’ અને ‘અન્ય’, કે પતિ-પત્નીની જ વાત કરવી હોય તો ‘પતિ’ અને ‘પત્ની’ ને મૂકી શકાય.

 

ચિત્રમાં આપણે ‘x’ ના સ્થાને ‘પતિ’ અને ‘y’ ના સ્થાને ‘પત્ની’ મૂકીએ. (ચિત્રમાં ટેક્સ્ટ લખવાનું ગુજરાતીમાં ન ફાવ્યું, આથી અંગ્રેજીમાં લખેલ છે). હવે આપણે ‘ઓપન’ ના ચોકઠાને ધ્યાનમાં લઈએ તો કેટલીક બાબતો પતિ જાણે છે અને એ જ બાબતો પત્ની પણ જાણે છે. દા.ત. પતિને કારેલાનું શાક ભાવતું નથી, એ બાબત બન્ને જાણે (open) છે, ઘરમાં કારેલા બનતા જ નથી અને જમતી વખતે વાસણ ખખડતા નથી. આજે પતિને ઓફીસમાં ખૂબ કામ હોય છે, લંચટાઈમ મળ્યો નથી, સાંજે પતિ મહાશય માથું દુઃખવાની ફરીયાદ સાથે ઘરે આવે છે. પત્ની સાંજની ચા સાથે નાસ્તો પણ હાજર કરી દે છે, કારણ કે પતિનું ઓફીસમાંથી પરત આવેલું લંચ બોક્સ ભરેલું જોતા તેને તરત જ ખ્યાલ આવે છે કે માથુ ભુખના લીધે દુઃખે છે, પતિ મહાશયને એ જાણ નથી (blind) કે માથુ શેના લીધે દુઃખે છે. સાંજે પતિ ઓફીસેથી આવી, પત્નીને બેગ આપતાં કહે ‘આમાંથી ફાઈલો જરા કબાટમાં મૂકી દે ને’ પત્ની બેગ ખોલે અને ફાઈલોના બદલે પત્ની માટેનું સુંદર ગીફ્ટપેક હોય, જે બાબત પતિ જાણે છે, પણ પત્ની અજાણ (closed) છે. કેટલીક બાબત એવી પણ હોય કે જેનાથી બન્ને અજાણ (unknown) હોય છે.

સરળતા ખાતર આપણે ભૌતિક બાબતોને ધ્યાનમાં લઈને જોહરી વિન્ડો સમજવાનો પ્રયાસ કર્યો, પણ ખરેખર તો આ વિન્ડોને આપણી લાગણીઓ, સ્વભાવ, હેતુ, વર્તણુંક વગેરેના સંદર્ભને ધ્યાનમાં લઈએ તો સામેવાળી વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરી શકીએ, આપણા સંબંધો સરળ બનાવી શકીએ. જીવન મધુરુ બને. આવો ! આપણે એ રીતે પણ સમજવા પ્રયત્ન કરીએ.

નવપરિણીત દંપતિનું ઉદાહરણ લઈએ.

પતિ શેર બજારનું કામકાજ કરે છે. સવારમાં ઉઠીને સૌ પ્રથમ પેપરમાં શેરબજારના ભાવ જાણવાની તેમને ટેવ, ચા-પાણી પણ પછી. જો સવારમાં તેમને પેપર હાથમાં ન આવે તો તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય. આ બાબતની જાણ તેમના કુટુંબીજનો પણ જાણે, રોજ છાપુ સવારમાં તેમના તકીયે મુકાય જાય અને કોઈનીય સવાર ન બગડે. આ open એરીયાની વાત થઈ.

આ ભાઈ ઘોડે ચડ્યા, શરુઆતના દિવસોમાં તો શેર બજાર સુકાઈ ગયું હતું, પણ થોડા દિવસ પછીની વાત છે. પત્ની સવારમાં વહેલી ઉઠી મસ્ત ચા બનાવી, પતિ મહાશયને ઉઠાડવા ચાની ટ્રે સાથે પહોંચી અને સાંભળ્યુ –

“શું સવાર સવારમાં તમારા થોબડા જોવાના છે, છાપું ક્યાં છે, છાપું લાવો ને.”

જો કે વાક્યોના તીર છુટ્યા પછી પતિ મહાશય સમજી ગયા કે કાચુ કપાણું. પત્ની ઘરમાં નવી છે, હજુ સુધી તો પ્રેમની જ વાતો થઈ છે, બીચારીને શેર બજાર અને છાપાના સંયોગની જાણ ક્યાંથી હોય, પતિના ગુસ્સાની લાગણી કે બરાડા પાડવાની વર્તણૂકની જાણ ક્યાંથી હોય. પત્ની માટે તો એ વિસ્તાર ‘close’ છે. પછી તો રીસામણા-મનામણા ચાલ્યા, સમાધાન થયું અને પત્નીને પણ જાણ થઈ કે ભાઈને સવારમાં મારા સુંદર ચહેરા કરતાં કેરોસીનની વાસવાળા છાપામાં વધારે રસ છે. હવે, બન્ને માટે સવાર, છાપું, ગુસ્સો, વર્તણૂક, ‘open’ થઈ ગયું અને બીજા દિવસે ટ્રે માં ચા સાથે છાપું પણ મૂકાયું અને સવાર સુધરી.

થોડો સમય વધારે પસાર થયો, પત્ની પતિના સ્વભાવથી થોડી વધુ પરિચિત થઈ અને એક રહસ્ય શોધી કાઢ્યું કે પતિ મહાશય ‘ફુલણશી’ છે. એક સાંજે એક દાવ ખેલાયો. પતિ મહાશય ઓફીસે પરત ફરતાં, સાંજે ચા-નાસ્તા સાથે સ્વાગત થયું. અને –

‘આજે તો મીના (પત્નીની બહેનપણી) આવી હતી. કહેતી હતી કે તું તો બહુ સુખી થઈ ગઈ, તારો વર તો તને હથેળીમાં રાખે છે. ….’

અને પતિ મહાશય ફુલાઈને હવામાં ઉડવા લાગ્યા, ધીમેથી પ્રસ્તાવ આવ્યો –

‘ તમે થાકી ગયા ન હો તો પીક્ચરમાં જઈએ’

‘અરે હોય ! ચાલ ચાલ તૈયાર થઈ જા, નીકળીએ’

ફુલણશી અવસ્થામાં ઓફીસનો થાક, આખર તારીખની કડકી બધું જ ભૂલાઈ ગયું અને પત્નીએ પતિના ‘blind’ નો લાભ લઈ લીધો.

તાજા તાજા લગ્ન અને પીક્ચરની પ્રપોઝલ એટલે તૈયાર પણ વ્યવસ્થિત થવું પડે, બન્નેને ગમતી સાડી જ પહેરવી પડે, પણ વારંવાર પહેરવાથી થોડી ચોળાયેલી પણ છે. હવે શું કરવું ? સાડી પ્રેસ કરવા ધોબી પાસે જઈ શકાય એટલો તો સમય પણ નથી. લગ્નની ભેટ-સોગાદોમાં ઈસ્ત્રી પણ મળેલ છે પણ ઉપયોગ કરતાં કોઈને આવડતું નથી. પણ અત્યારે સમય ઓછો છે, પતિને વિચાર આવ્યો કે લાવને સાડી પ્રેસ કરવાનો પ્રયત્ન કરી જોઊં. પ્રયત્ન થયો અને સાડી સરસ રીતે પ્રેસ થઈ. પીક્ચરનો પ્રોજેક્ટ સફળ થયો. અહીં સાડી પ્રેસ કરવાની પ્રક્રિયાથી પતિ અને પત્ની બન્ને અજાણ હતા. સમયની અરજન્સીનું ‘એક્સીડન્ટ’ થયું અને ‘unknown’ એરીયા ઉજાગર થયો.

આમ, આપણા મનની લાગણી, હેતુ, વર્તણૂક વગેરે અંગેની જાણકારીના સંદર્ભમાં જોહરી વિન્ડોના ચાર વિસ્તાર –

  1. Open – સામસામેની બન્ને વ્યક્તિને એકબીજાની મનની લાગણી, હેતુ, વર્તણૂક વગેરે અંગેની જાણકારી છે.
  2. Close – એક વ્યક્તિ પોતે પોતાના મનની લાગણી, હેતુ, વર્તણૂક વગેરે અંગેની જાણકારી ધરાવે છે પણ સામેવાળી વ્યક્તિ જાણતી નથી
  3. Blind – એક વ્યક્તિ પોતે પોતાના મનની લાગણી, હેતુ, વર્તણૂક વગેરે અંગેની જાણકારી ધરાવતી નથી પણ સામેવાળી વ્યક્તિ જાણે છે.
  4. Unknown – બન્ને વ્યક્તિ આમાંનું કશું જાણતી નથી.

મનની બારીની જાણકારી તો મેળવી પણ એનો ઉપયોગ કેમ કરવો ?

આગળ ઉપર જોઈએ …..

(Johari Window is named after the first names of its inventors, Joseph Luft and Harry Ingham. It is a communication window for giving and receiving information. It is one of the most useful models describing the process of human interaction.)