મારી રામાયણ –
જો જો વાંચવાનું બંધ ન કરતા, કારણ કે આ પોસ્ટમાં મારી રામાયણ નથી પણ ખરેખર રામની રામાયણ જ છે, પણ મારી દ્રષ્ટિએ. હમણાં મેં એક પુસ્તિકા મંગાવી ‘मेरी गीता’. લેખકનું એવું કહેવું છે કે ભાગવત ગીતા કંઈ શ્રી કૃષ્ણ એ કહેલી ‘ગીતા’ છે ? એ તો જેમણે મહાભારત લખ્યું તેમના વિચારો ન હોય શકે ? મને આ વાતમાં તથ્ય લાગ્યું, કારણ કે મેં બે ત્રણ અનુવાદો વાંચવાનો પ્રયત્ન કર્યો, તેમાં એવો જ અનુભવ થયો. એક શ્લોકના અનુવાદમાં એક અનુવાદક ‘વિ’ ઉપસર્ગનો અનુવાદ ‘વિરોધ’ તરીકે કરે જ્યારે બીજો એ જ શબ્દનો અનુવાદ ‘વિશિષ્ટ’ કરે. હવે સાચો કોણ ? આમ મને પણ લાગ્યું કે મારે રામાયણ વિષે કંઈ લખવું હોય તો ‘મારી રામાયણ’ જ લખવું જોઈએ. જો કે આપાણે બાલકાંડથી શરુ નથી કરવું, ફક્ત રામના લંકા વિજયની વાત કરવી છે. તો ……
ભુતકાળમાં અયોધ્યા નગરીમાં રામ નામના રાજા થઈ ગયા. બહુ શક્તિશાળી રાજા હતા. એ જ સમયમાં લંકામાં રાવણ નામનો રાજા રાજ કરતો હતો. રાવણ એક ઋષી અને એક દૈત્ય કુંવરીનું સંતાન હતો. (એ વખતે આંતરજ્ઞાતીય લગ્નોનો કોઈ છોછ હતો નહીં.) આમ રાવણ બ્રાહ્મણ કુળનો પરંતુ રાક્ષસોનો રાજા બન્યો. રાવણ ખુબ જ્ઞાની હતો સાથેસાથ મહત્વકાંક્ષી પણ હતો. તેણે શંકરની ખુબ સેવા કરી, પ્રાર્થના કરી, આથી શંકરે પ્રસન્ન થઈ તેને ઘણું જ્ઞાન અને તાકાત આપી. તેને ચાર વેદ અને છ પુરાણોનું જ્ઞાન આપ્યું (લોકોએ તેને આથી દસ મસ્તકનો જ્ઞાની સ્વીકારી દસ માથાવાળો કહ્યો.) તાકાતને કારણે રાવણનો અહંમ ખુબ વધી ગયો. અહંમને કારણે તેણે શંકરના સ્થાન કૈલાસને ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ એ તો એના ગુરુનું સ્થાન હતું તેથી ગુરુએ થોડો ચમકારો દેખાડી તેનો અહંમ તોડ્યો. પણ લંકામાં રાક્ષસો તેનાથી ખુબ ડરતા. તેણે રાજ્યના વિસ્તાર માટે દક્ષિણ ભારતમાં તેના સૈનિકો મોકલવાનું શરુ કર્યું. રાવણથી દુર જઈ સેનાપતિઓ ગેલમાં અવી ગયા અને નિર્દોષ પ્રજાને હેરાન કરવા લાગ્યા. રાવણને ગુપ્તચરો દ્વારા માહિતી મળી ગઈ પણ સેનાપતિઓ દુર હોવાથી તેના પરનો કંન્ટ્રોલ ગુમાવ્યો. રાવણને નિર્દોષ પ્રજા પરના અત્યાચારો ગમ્યા નહીં અને પોતે લંકા છોડી શકે તેમ હતો નહીં કારણ કે તેનો નાનો ભાઈ રાજગાદી માટે કાવાદાવા કરતો હતો. આથી તેણે ભારતના કોઈ શક્તિશાળી રાજાની સહાય લેવાનું વિચાર્યું. તપાસ કરતા જાણવા મળ્યું કે અયોધ્યાનો રાજા રામ, તેના સેનાપતિઓ અને સૈનિકોને પાઠ ભણાવી શકે તેમ છે. તેણે એક આખો પ્લાન બનાવ્યો અને રામ સાથે હોટલાઈન પર વાત કરી. પ્લાન મુજબ રાવણ સીતાને કીડનેપ કરે અને રામ તેને છોડાવવા લંકા સુધી જાય. માર્ગમાં આવતા રાવણના સેનાપતિઓને પાઠ ભણાવતા આવે. નાશ કરતા આવે.
રામને સીતાની સેફ્ટી માટે ચિંતા થઈ આથી તેણે સીતાનું ક્લોન બનાવ્યું અને રાવણ આ ક્લોન સીતાનું કીડનેપ કરે એવું વિચાર્યું. મૂળ સીતાને ક્યાંક સલામત સ્થળે રાખવા માટે તેણે અગ્નિને બોલાવ્યા. મુળ સીતા તેને સોંપી અને કહ્યું કે રાવણનું કાર્ય પુર્ણ થયા પછી હું તમને ક્લોન સીતા આપીશ, તમે તેનો નાશ કરી મૂળ સીતા મને પરત આપજો, જેથી સમાજમાં ઉહાપોહ ન થાય.
પ્લાન મુજબ રામ, રાક્ષસ સેનાપતિઓનો નાશ કરતા કરતા લંકા પહોંચ્યા. રાવણના ભાઈ વિભિષણે જોયું કે રામ ખુબ બળવાન છે જો તેનો સાથ મળી જાય તો લંકાનું રાજ્ય મળી જાય આથી રામભક્તિનો આધાર લઈ રામની છાવણીમાં એન્ટ્રી મારી લીધી.પછી તો, રાવણ સાથે યુધ્ધ થયું, કારણ કે યુધ્ધમાં પરાજય વગર સીતાને પાછી સોંપે તો રાવણની નાલેશી થાય. યુધ્ધમાં રાવણના ‘જ્ઞાનરુપી મસ્તકોનો નાશ થવા લાગ્યો, પણ એક મસ્તક કપાય તો બીજું મસ્તક ગોઠવાય જાય. (અંગ પ્રત્યારોપણ). વિભિષણે રામને ટીપ આપી દીધી કે રાવણને મારવો હોય તો તેને ડુંટીમાં બાણ મારવું. રાવણના મસ્તકો કપાતાં તેને લાગ્યું કે મારું કુળ નાશ પામ્યું છે તો હવે સરન્ડર કરવા કરતાં મરી જવું. વિભિષણની ટીપથી રાવણ મરાયો, રામને ક્લોન સીતા પાછી મળી અને વિભિષણને લંકાનું રાજ્ય મળ્યું. રામે ક્લોન સીતાનો અગ્નિપ્રવેશ કરાવ્યો અને અગાઉ નક્કી થયા મુજબ અગ્નિએ ક્લોન સીતાનો નાશ કરી, મુળ સીતા રામને પરત કરી. ખાધુ પીધું ને રાજ કર્યું. અસ્તુ…
આ રામાયણ મેં આપણા રેશનાલીસ્ટ મિત્રોને ધ્યાનમાં રાખી લખી. જો આપણી પૌરાણિક કથાઓને આ રીતે સમજીએ તો કદાચ પૌરાણિક પાત્રોને પ્રતિકાત્મક સમજી, તેમાંથી મળતા જીવનપાઠ સમજવાનું સહેલું પડે.
તમે ટીવી જોતા હો તો ‘EPIC’ ચેનલ જોજો. તેના પર ‘દેવલોક વીથ દેવદત્ત પટ્ટનાયક’ જોજો. તેણે આપણી કથાઓને આ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેના પુસ્તકો પણ મળે છે. (http://devdutt.com/category/books)
શું આ સૃષ્ટિમાં બધુંજ ” દૃષ્ટિ-સાપેક્ષ ” નથી ?
LikeLike
હા, આશા રાખું કે આપે ફક્ત ‘દ્રષ્ટિ’ની વાત નહિં કરી હોય. ધારણા જેમાં માનવીની સંવેદના, લાગણી,અનુભવ, અનુભુતિ, તર્ક સર્વનો સમાવેશ થયો હોય. મારી ધારણા એ ફક્ત મારી જ છે, અન્ય આ જ મુદ્દાઓ અન્ય ‘દ્રષ્ટિ’ થી પણ નિહાળતા હોય. આભાર.
LikeLike