પર્સનાલીટીના પરિમાણો –

અગાઊ આપણે પર્સનાલીટી કેવી રીતે ઘડાય તેનો થોડોક વિચાર કર્યો, પણ આપણે એકાદ-બે દેખીતા ગુણધર્મના આધારે વ્યક્તિને અતડો, વાતોડીયો, શો-મેન, ઘમંડી વગેરે જેવા ઉપનામોથી નવાજી દઈએ એ ખોટું ગણાય. વ્યક્તિની વર્તણુકમાં વારંવાર દેખાતા હોય તેવા લક્ષણો પર્સનાલીટીનો નિર્દેશ કરે છે અને એ વર્તણુક, પરિસ્થિતી આધારીત ન હોવી જોઈ એ પણ એક શરત છે. સ્મશાન વૈરાગ્યમાં દુઃખી વ્યક્તિ અતડો લાગી શકે પણ તે સમાજના અન્ય વહેવારોમાં બોલકો પણ હોય શકે. આમ વ્યક્તિની પર્સનાલીટી ખરેખર કેવી છે તે જાણવું હોય તો, ઇન્ટરનેટ પર ‘Big Five’ નું નામ ધુમ મચાવે છે એમ કહી શકાય. જરાક તેની ઝલક જોઈએ –

‘બીગ ફાઈવ’માં પર્સનાલીટીના લક્ષણોમાં પાંચ પરિમાણો જોવાની વાત છે. આ પાંચ પરિમાણોના શુધ્ધ ગુજરાતીમાં લખવામાં ભદ્રંભદ્ર જેવું થાય તેમ છે, આથી અંગ્રેજીમાં ચલાવીએ –

૧. Extraversion (sometimes called Surgency). The broad dimension of Extraversion encompasses such more specific traits as talkative, energetic, and assertive. – અહીં વ્યક્તિ ઉત્સાહી, પોઝીટીવ વિચારસરણી ધરાવતો અને વાતોડીયો હોય. એની સામેનો છેડો નિરુત્સાહી (સોગીયા મોઢાવાળો), દરેક બાબતમાં નકારાત્મક વિચારસરણી (કોઈ તબીયતના સમાચાર પુછવા પ્રેમથી ફોન કરે તોયે વિચારે- નક્કી કંઈક ગરજ લાગે છે), દસવાર વાત કરવાનો પ્રયત્ન કરો તો પણ, હા…, હું…., ના … થી આગળ ન વધે. આ બે છેડાઓની વચ્ચે દરેક વ્યક્તિ ક્યાંકને ક્યાંક ગોઠવાયેલી છે.

૨. Agreeableness. Includes traits like sympathetic, kind, and affectionate. માયાળુ, ભલા, બીજાનું વધારે વિચારવાવાળા માણસો.

૩. Conscientiousness. Includes traits like organized, thorough, and planful. સંપુર્ણ સ્પષ્ટ વિચારસરણી, આયોજનબધ્ધ કાર્ય, ચોક્કસાઈવાળી વ્યક્તિઓ.

૪. Neuroticism (sometimes reversed and called Emotional Stability). Includes traits like tense, moody, and anxious. દિવાનગી, ચિંતા, તણાવની સ્થિતિમાં જીવતી વ્યક્તિઓ

૫.  Openness to Experience (sometimes called Intellect or Intellect/Imagination). Includes traits like having wide interests, and being imaginative and insightful. ખુલ્લા દિલની વ્યક્તિઓ, નિખાલસ, સર્જનાત્મકતા, ‘જે છે તે’ સ્વીકારનારી વ્યક્તિઓ.

દરેક પરિમાણોમાં કેટલાક ગુણધર્મોનો સમાવેશ થાય છે પણ દરેક ગુણ દરેક વ્યક્તિને લાગુ પડે તેવું ચોક્કસ નથી. જેમકે હકારાત્મક વિચારસરણી ધરાવનાર ‘વાચાળ’ ન પણ હોય, તે શાંત, પણ મજબુત હોય.

big5 copy

આ દરેક પરિમાણોના બીજા અંતિમ (છેડા) પર આ લક્ષણોની વિરુધ્ધના લક્ષણો છે. દરેક વ્યક્તિ આ બે છેડાઓની વચ્ચે ક્યાંક ગોઠવાયેલી હોય છે (ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે).

આ પાંચ પરિમાણો પ્રયોગોના આધારે વર્ગીકૃત થયેલા છે આથી વિવિધ દેશોમાં, જાતિઓમાં ફરક આવી શકે. આ તો આપણી સામાન્ય સમજમાં પર્સનાલીટીની ઓળખ મળી શકે એ માટે ચર્ચા કરી છે. ખાસ તો આપણે વ્યક્તિને તેની અમુક વર્તણુકના આધારે જે લેબલો લગાડીએ છીએ તે યોગ્ય નથી. સંબંધોમાં બંધાવામાં ઉભી થતી મુશ્કેલીઓ, સંબંધોમાં તિરાડો, વિખવાદો એ બધા આ પર્સનાલીટીના ક્લેશના કારણે છે. ઘણીવખત, જે ખરેખર ભવિષ્યમાં મજબુત બની શકે તેવા  બંધાતા નવા સંબંધો આ પર્સનાલીટીના ખોટા તારણોથી બંધાતા નથી. એ જ રીતે તુટી જતા સંબંધો પણ ‘એ છે જ એવો’ એવી ધારણાઓના કારણે તુટી જાય છે. એક ટુંકી મુલાકાતમાં પર્સનાલીટીનો ક્યાસ કાઢી ન શકાય. વ્યક્તિને ઓળખવા વધુ મુલાકાતો જરુરી છે. ઉદાહરણ તરીકે મારા એક મિત્ર કાઠીયાવાડના પટેલ છે. ખુબ મહેનતુ છે અને અભણ છતાં પહેલવૃતિ અને મહેનતના આધારે પૈસાપાત્ર છે. હવે જો એ ગ્રુપમા બેઠા હોય તો રંગમાં આવી જાય અને શક્ય છે તું-તા થી વાત કરે, એ વખતે લાગે કે માન જળવાતું નથી – અવિવેકી લાગે, પણ એકલા બેઠા હોઈએ અને જે માનપુર્વક વાત કરે ત્યારે લાગે કે કેટલા વિવેકી છે, અને એમાંય આપણે જો કોઈ ભીંસમાં આવીએ  ત્યારે ખડપગે મિત્રતા નિભાવે. નાનો હતો ત્યારે બાપુજીની સાથે એમની ઓફીસે જતો ત્યારે માછીમારોનો આવો જ અનુભવ થયો છે – ‘સાહેબ, તું હવે કે’દી અમારે ગામ આવવાનો છો’ એક તો ‘સાહેબ’ અને પાછો ‘તું’. પહેલી મુલાકાતમાં તોછડાઈ લાગે, પણ પછી લાગણીનો અનુભવ થાય.

આમ ‘પહેલી નજરે પ્રેમ’ શંકાસ્પદ વાક્ય છે, એમ પહેલી મુલાકાતે ‘પર્સનાલીટી’ નું તારણ ન કાઢવું.

પર્સનાલીટીના નેટભ્રમણ દરમ્યાન સાહુજીના બ્લોગ પર એક સરસ અને સરળ ટેબલ જોવા મળ્યુ –

SIXTEEN PRIMARY PERSONALITY TRAITS :

 1. Reserved vs Outgoing
 2. Less intelligent vs More intelligent
 3. Affected by feeling vs Emotionally stable
 4. Submissive vs Dominant
 5. Serious vs Happy to Lucky
 6. Expedient vs Conscientious
 7. Timid vs Venturesome
 8. Tough-minded vs Sensitive
 9. Trusting vs Suspicious
 10. Practical vs Imaginative
 11. Forthright vs Shrewd
 12. Self-assured vs Apprehansive
 13. Conservative vs Experimenting
 14. Group dependant vs Self-sufficient
 15. Uncontrolled vs Controlled
 16. Relaxed vs Tense

પર્સનાલીટી –

Personality

‘અપને અસ્તિત્વકો ટિકાનેકે લીએ હમ અપના વ્યક્તિત્વ ખો દેતે હે’

આ શબ્દો છે સ્વામી રામદેવજીના. તેમણે તેમના ‘સ્વાભિમાન અભિયાન’ અંતર્ગત કોઈ સભામાં ઉચ્ચારેલા. એમનો સંદર્ભ ગમે તે હશે….  પણ ‘વ્યક્તિત્વ’ (personality)ના સંદર્ભમાં ખુબ અગત્યના લાગે છે. ‘અસ્તિત્વ’ અને ‘વ્યક્તિત્વ’ને સમજવા થોડી મથામણ કરી અને થોડીક સમજણ મળી.

આપણા બે અસ્તિત્વ છે એમ કહી શકાય – શારીરીક અને માનસિક.

વધુ સમજીએ તો, ‘કોમા’માં પડેલા દરદીનું ‘શારીરીક’ અસ્તિત્વ છે, માનસિક નથી. મગજ (brain) ભલે જીવતું હોય પણ તેની કોઈ પ્રતિક્રિયા નથી. એ જ રીતે અધ્યાત્મના માર્ગે ખુબ આગળ વધી ચુકેલા સિધ્ધ પુરુષે સાક્ષીભાવથી પોતાના શારીરીક અસ્તિત્વને માનસિક અસ્તિત્વથી અલગ કરી દીધેલ હોય છે. એનાથી પણ સરળ સમજીએ તો,  વ્યક્તિ શારીરીક અસ્તિત્વ ગુમાવ્યા પછી પણ માનસિક અસ્તિત્વથી જીવીત રહે છે. મહાન લેખકો ‘અક્ષરદેહે’ સજીવ છે જ્યારે ગાંધીજી જેવી વ્યક્તિઓ ‘વિચારધારા’ સ્વરુપે જીવીત છે.

જો અસ્તિત્વને વ્યક્તિત્વ સાથે જોડવું હોય તો વ્યક્તિત્વને વધારે સમજવું પડે. (પર્સનાલીટી શબ્દ વ્યવહારમાં વધુ વપરાતો શબ્દ છે)

માનસશાસ્ત્રીઓએ પર્સનાલીટીની વિવિધ વ્યાખ્યાઓ કરી છે અને પર્સનાલીટીના ઉદગમ પર પણ ચર્ચા કરી છે.  ભગવત ગોમંડલના જણાવ્યા પ્રામાણે ‘વ્યક્તિ’ અને ‘સમષ્ટિ’ વેદાંત પરિભાષાના શબ્દો છે. ‘હું’ એવા પ્રકારના અભિમાનવાળા સર્વ જીવો, પોતાના સ્વરૂપ સાથે તાદાત્મ્ય સંબંધે જોડાયેલા છે, એમ પોતાનું જીવોની સાથેનું એકત્વ સત્યનારાયણ ઈશ્વર સર્વજ્ઞ હોવાથી જાણે છે માટે તે ઈશ્વર જ સમષ્ટિરૂપ છે. અલ્પજ્ઞ જીવો તેમ જાણી શકતા નથી માટે તેઓ વ્યષ્ટિ કહેવાય છે. વેદાંતમાં પારિભાષિક અર્થ આ પ્રમાણે છે, તે ઉપરથી અનેકમાંથી હરકોઈ એક તે ‘વ્યક્તિ’, અનેકનો એક સમુદાય તે ‘સમષ્ટિ’, આવો અર્થ રૂઢ થઈ ગયો છે અને તેના પરથી વ્યક્તિત્વ – ખાસ લક્ષણ; વ્યક્તિનો વિશેષ ગુણ; શબ્દ મળે.

અંગ્રેજીમાં લેટીન શબ્દ ‘persona’ જે નાટકમાં મોઢા પર લગાવવામાં આવતા મુખવટા માટે વપરાતો તેના પરથી personality શબ્દ આવ્યો. પર્સનાલીટીની સાદી વ્યાખ્યા કરીએ તો કોઈ પણ વ્યક્તિ, તેના અંગત વિચારો, લાગણીઓ, વર્તનની વિશિષ્ટતાઓના કારણે અન્યથી અલગ પડે છે અને આ ‘અલગતા’ એ જે તે વ્યક્તિની ‘પર્સનાલીટી’ છે.

પહેલાં તો આ અલગતા – પર્સનાલીટી ઘડનારા પરીબળો જોઈએ તો –

આનુવંશિકતા –

વ્યક્તિનો દેખાવ – રુડો રુપાળો કે કદરુપો તે મુળભુત રીતે માબાપના જીન્સ નક્કી કરે. (ફેઈસબુક પર ‘સેલ્ફી’ને વધુ લાઈક મળતી હોય તો વહેમમાં ન આવી જવું, મનમાંને મનમાં મા-બાપનો આભાર માનવો) ફક્ત દેખાવ જ નહીં, માબાપના જીન્સ બીજું ઘણુંબધુ વ્યક્તિને ઘડતરમાં આપે છે. જીન્સની વાત કરી છે તો મગજની પણ વાત કરી લઈએ. મગજના ધારણાઓ અને પ્રોસેસીંગ કરતા વિભાગોનો વિકાસ થયેલો હોય તો પણ વ્યક્તિની ‘સ્માર્ટનેસ’ વધી જાય.  એ જ રીતે હોરમોન્સ છોડતી ગ્રંથીઓની અસર પણ પસનાલીટી પર પડતી હોય છે જેમકે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધારે દ્રવીત થતો હોય તો વ્યક્તિની સામાજીકતા (sociability), લાગણીસભરતા (affectivity), એગ્રેસીવનેસ, સેક્સ્યુઆલીટી વગેરે વધારે છે. (Sigmund Freud ની પર્સનાલીટી ડેવલોપમેન્ટની થીયરી વાંચતા એક અગત્યની વાત નજરે પડી. પર્સનાલીટી ડેવલોપમેન્ટના વિવિધ સ્ટેજમાંથી ત્રીજા સ્ટેજ – Phallic stage – માં જણાવ્યું છે કે બાળકના ૩ થી ૬ વર્ષના વિકાસ દરમ્યાન તે ઓપોઝીટ સેક્સમાં રસ લે છે, આ દરમ્યાન પુત્રીને તેના પિતામાં રસ પડે છે અને એ સમયે જો તેની લાગણીઓ દબાય તો એ પોતાની જાતને સમાજમાં ઉતરતી કક્ષાની સ્વીકારે છે (accept inherent ‘inferiority’ in society). સ્ત્રી સશક્તિકરણની આંદોલનો ચલાવવા પડે છે તેના મુળ અહીં તો નહી હોય ? પિતાએ પુત્રીના બાળપણના ૩ થી ૬ વર્ષના ગાળા દરમ્યાન વધારે કાળજી રાખવી જોઈએ એવું કહી શકાય ?

વાતાવરણ –

બીજું બાળપણના વિકાસ દરમ્યાન બાળકની આસપાસનું વાતાવરણ, માબાપ અને અન્યનું બાળક પ્રત્યેનું વર્તન, નાનપણમાં તેને આપવામાં આવતી સુચનાઓ, શિક્ષા, શિસ્તના નિયમો આ બધુ જ તેના વ્યક્તિત્વને ઘડવા માટે જવાબદાર છે.

પરિસ્થિતી –

ઉપરના બંને પરીબળોને અતિક્રમીને એવું કહી શકાય કે પરિસ્થિતી માનવીની પર્સનાલીટીને ઘડવા કે બદલવામાં મહત્વનું પરિબળ બની શકે. ગમે તેવો ઉંછાછળો અને બેદરકાર પુત્ર, જો પિતાની છાયા અચાનક હટી જાય તો એક જવાબદાર પુત્રમાં બદલાય શકે છે. પતિ-પત્નીમાંથી એકની વિદાય થતાં બીજું પાત્ર પણ પોતાની પર્સનાલીટી બદલાવે છે.

પર્સનાલીટીની આ વાતો તો ઠીક, પણ વ્યવહારમાં આપણે પર્સનાલીટીને બહુ સામાન્ય સ્તરે જોઈએ છીએ, વાતમાંને વાતમાં આપણે શરમાળ, અતડો, દંભી, ક્રોધી, ભોળો વગેરે શબ્દોથી આપણી આસપાસના લોકોને નવાજીએ છીએ. ખરેખર તો આ શબ્દો પર્સનાલીટીની ઓળખ માટે પુરતા નથી. મહદ અંશે આવા ગુણધર્મો વ્યક્તિના કોઈ પરિસ્થિતીમાં કરેલા વ્યવહાર પર આધારીત હોય છે. કોઈ છોકરીને મુરતીયો જોવા આવે એટલે પ્રથમ મીટીંગમાં શરમાય જ, એમાં નવું નથી, પણ એ એની પર્સનાલીટી નથી. કોઈ કારણસર માનસીક રીતે ત્રસ્ત વ્યક્તિ એવા સમયે ‘અતડો’ લાગે એ સ્વભાવિક છે.

ઇન્ટરનેટ પરથી મળેલું ખુબ સુંદર ક્વોટ - આભાર સાથે

ઇન્ટરનેટ પરથી મળેલું ખુબ સુંદર ક્વોટ – આભાર સાથે

પર્સનાલીટીનાય પ્રકારો છે… પણ ફરી કોઈવાર….

આ પોસ્ટનું પહેલુ વાક્ય ફરી યાદ કરી લઈએ તો આપણે ‘અસ્તિત્વ’ ટકાવી રાખવા આપણા ‘વ્યક્તિત્વ’ને ભુલી જઈએ છીએ, જે યોગ્ય લાગતું નથી. વ્યક્તિત્વ ‘સ્વ’ સાથે જોડાયેલું છે, અને ‘સ્વ’ને ભુલી જઈએ તો બાકી શું રહે ?……

થાક – જીવનનો ?

 

” ‘બેફામ’ તોય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી”
– બરકત વિરાણી ‘બેફામ’

“આ ઉપરવાળો હવે દોરી ખેંચી લે તો સારું” આરામ ફરમાવી રહેલા કોઈ વૃધ્ધના શબ્દો…

“બસ ! હવે બહુ દોડ્યા… ક્યાંક ઝંપવુ પડશે” નોકરીનું ઠેકાણું ન પડવાથી માનસિક રીતે ત્રસ્ત થયેલા યુવાનના શબ્દો….

“ઝપીને બેસવા તો દો !” બાળકોના કલબલાટથી કંટાળી ગયેલી ગૃહિણીના શબ્દો….

થાક… થાક… થાક અને થાક……

6CBC0-fatigue

થાક બંને પ્રકારના લાગે – શારિરીક અને માનસિક.

શારિરીક થાક તો સતત કામ કરવાથી લાગ્યો હોય, અથવા તો ડાયાબીટીશ જેવા દર્દોના કારણે અનુભવાતો હોય, એ તો થોડો સમય આરામ કરવાથી ઉતરી જાય, પણ માનસિક થાકનું નક્કી નહી. તમે આરામ કરો, પણ પહેલાં જે પ્રવૃત્તિ કરતા હતા તે પ્રવૃત્તિ ‘આરામ’માં બદલાણી, આથી થાક ઉતરી ગયાનો આભાસ થાય પણ ઉતરે નહીં. ફરી જો એ જ કામમાં પ્રવૃત થાઓ તો ટૂંકા સમયમાં થાકી જાઓ. માનસિક થાકના લક્ષણો જાણવા હોય તો – અનિદ્રા, બેદરકારી, બેધ્યાનપણું વગેરે ગણાવી શકાય. પણ ઉપરના વાક્યોમાં થાકના આવા કોઈ લક્ષણો નથી. આ તો લાગણીનો એક ઉભરો છે. ખરેખર ભગવાન આવીને કોઈ પણ વૃધ્ધને કહે ‘ચાલો, સમય થઈ ગયો છે’ તો તે તરત પોતાના શબ્દો પાછા ખેંચી લે. ‘ઝપવા દેશો’ એવી કચ કચ કરતી પત્નીને પ્રેમાળ પાત્ર આવીને ચા બનાવવાનું કહે તો તેનો થાક અદ્રશ્ય થઈ જાય અને તરત ઉભી થઈ જાય.

ખરેખર તો આવા વાક્યો વ્યક્તિની ‘અપેક્ષા’ મુજબનો પ્રત્યુત્તર, શરીર કે મન તરફથી ન મળ્યો હોય ત્યારે ઉભરી આવે છે. માની લઈએ કે વૃધ્ધે કોઈ ‘અપેક્ષા’ રાખી હોય અને તેમાં નિરાશા મળે તો તે તરત થાકનો અનુભવ કરે. મોર્નીંગ વોકમાં કોઈ સીનીયર સીટીઝનની બાજુમાંથી પોની ટેઈલ ઉછાળતી યુવતી, યુવાનીના જોશમાં આગળ નીકળી જાય અને સીનીયર સીટીઝનને કદમ મિલાવવાની તાકાત હોય નહીં. પછી બાંકડા પર મિત્રો પાસે બેસીને, વોકીંગ કરતી મહિલાઓના ‘ક્વીન’, ફ્લાઈંગ રાની’ ‘લોકલ’, ‘મેમુ’ જેવા ઉપનામ ઉચ્ચારી આનંદ મેળવે. પણ જો તમે તેની તબીયતના સમાચાર પુછો તો કહે ‘ બસ,  ઉપરવાળો દોરી ખેંચી લે તેની રાહ છે’. હકીકતમાં તો પેલી પોનીટેઈલની સાથે કદમ ન મિલાવી શકવાનો ગમ બોલતો હોય.

બાઈબલની એક કહેવતનો સંદર્ભ વાંચવા જેવો છે –

The Bible also says: “Expectation postponed is making the heart sick.” (Proverbs 13:12) Eager anticipation of something good fills us with joy, but if it is not soon realized, we may feel a depressing sense of letdown.

(http://wol.jw.org/en/wol/d/r1/lp-e/2008165)

આમ બીજી રીતે વિચારીએ તો શરુઆતમાં લખેલા વાક્યોમાં દેખાતો થાક ‘Expectation Fatigue’ છે.

આમ જુઓ તો મહદ અંશે આપણી ‘અપેક્ષાઓ’ જ નરસા પરિણામો તરફ દોરી જાય છે.

થાક જેવી સામાન્ય બાબતોમાં પણ ‘અપેક્ષા’ નો ફાળો છે.

જો અપેક્ષાઓ નાથી શકાય તો જીવનમાં થાક ન લાગે. તમને એવું લાગે છે ?

I don’t care

I don’t care ….

‘સંબંધોના સથવારે’ ચાલીએ છીએ ત્યારે એવું કહેવાની ઇચ્છા ન જ થાય કે – ‘તમે બ્લોગની વિઝીટે આવ્યા પણ, I don’t care’ ઘણા મિત્રો બ્લોગની વીઝીટે આવ્યા, પણ તેમની સાથે સંવાદ થઈ શક્યો નહી.– હમણાં વિદેશથી આવેલી પુત્રી અને પૌત્રી સાથે સમય પસાર થઈ ગયો. વિદેશમાં ચાલતી સારવારમાંના ‘I don’t care’ ને જાણ્યું, જ્યાં ‘માણસ’ની પણ મશીનની જેમ ગણના થતી સાંભળી દુઃખ થયું. ‘તમારા પુર્જા બગડી ગયા છે ? સારું ! ડોક્ટરની એપોઈન્ટમેન્ટ લઈ લો, જ્યારે ટર્ન આવે ત્યારે આવજો, ત્યાં સુધી પેઈનકીલર ખાઓ અને રાહ જુઓ.’ (આપણે જેમ ગાડી ગેરેજમાં લઈ જઈએ અને મીકેનીક કહે તેમ ‘વાર લાગશે, મુકી જાઓ’)

હશે ! પણ આ પ્રસંગે ‘I don’t care’ ના મુળમાં જવા પ્રેર્યો.

પહેલા તો કેટલાક ક્વોટ્સ જોયા –

If you remember me, then I don’t care if everyone forgets – શરતી પ્રેમની રજુઆત…. તું યાદ રાખે તો પ્રેમ સાચો, નહીંતર ‘તું નહી ઔર સહી’

I don’t care what people say about me, I know who I am and I don’t have to prove anything to anyone. અહમની ટોચ પર બીરાજીને … બસ ! ‘હું’ જ ‘હું’ !

આના જેવા જ વધુ …

I don’t care if anyone does not like me. I was not born in this world to entertain everyone

I don’t care what you think

I don’t care what people think or say about me

સુરતીઓને ગમે તેવું વાક્ય –

I don’t care about money. I really don’t care. I do what I want to do.

વરસતા વરસાદમાં, રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા હોય ત્યારે પણ પચીસ રુપીયાના કાંદા ભજીયા ખાવા દસ લાખની ગાડી પાણીમાં ચલાવવાની જ.

કેટલાક ગમે તેવા વાક્યો –

I don’t care if you put me down, I am just gonna keep getting back up and keep on fighting to survive – ફાઈટીંગ સ્પીરીટ… પડીને પણ ઉભા થઈ જવું.

સફળતાની સીડીનું પ્રથમ પગથીયું –

If you don’t care about what people think….you already passed first step of success… 

મને વધુ ગમ્યું હોય તેવું વાક્ય –

137-I-don-t-care-quote

આ બધા વાક્યો તપાસીએ તો એક મહત્વનું તારણ એ નીકળે વ્યક્તિ જ્યારે વિચારે, વર્તે ત્યારે તેનામાં ‘Sense of proportion’ હોવી જોઈએ. ખુબ નજીકના સંબંધો સિવાય સામેવાળાને કેટલું, ક્યારે, કેવી રીતે મહત્વ આપવું તેની ગણત્રી કરવી જોઈએ. બધી જગ્યાએ સામેવાળાને ‘I don’t care’ ની લાગણી ઉભી થાય એવું વર્તન, સંબંધોને પુર્ણવિરામ તરફ લઈ જાય છે. તમે તેની Care નથી કરતા તેવો સંદેશો આપતું વર્તન કેવું હોય તે પણ જાણી લો – સામેવાળો વાત કરતો હોય ત્યારે તેની સાથે eye contact ન હોય, તમે તમારી અન્ય પ્રવૃતિ ચાલુ રાખો, તમે ધ્યાનથી સાંભળતા નથી, પુછાયેલા પ્રશ્નનો જવાબ આપવામાં વિલંબ કરો છો, વાત સાંભળતા સાંભળતા અન્ય સાથે વાત કરવા માંડો, અધુરી વાત ‘સાંભળો’ (ન સમજાય ત્યાં તુરત ચોખવટ કરો નહી), અદબ વાળી સાંભળતા હો અને વારંવાર eye contact છોડી દો, …. આ બધા જ વર્તન સામેવાળાને તમારો ‘I don’t care’ નો સંદેશો આપે છે. (ફેઈસબુક પર મિત્રો કેટલી care કરેછે તે જાણી લો … એક મિત્ર એક પુસ્તકનું નામ લખી વિનંતિ મુકી કે કોઈને જાણમાં હોય જણાવજો… તો ૫૦-૬૦ મિત્રોએ આ સંદેશાને Like કર્યું બોલો… 😉 🙂 :-)..)

ફાઈટીંગ સ્પીરીટમાં પણ શત્રુની શક્તિઓની ગણત્રી હોવી જ જોઈએ. ભાગવું પડે તો ભાગવામાં નાનપ ન રાખવી. ‘રણછોડ’ અમથું થવાય !

મોટીવેશન ગુરુઓ ભણાવે તેમાં અન્ય શું વિચારે તેનું ધ્યાન રાખ્યા સિવાય સફળતાનું પ્રથમ પગથીયું ચડી શકાય તે સાચું પણ બીજું પગથીયું ચડતા પહેલાં અન્યના વિચારોની ગણત્રીઓ મુકવી જ પડે.

ખાસ તો નાણાકીય બાબતોમાં તો ‘I don’t care’ ચાલે જ નહીં. Money is great power… તો શક્તિ વિચારીને જ વાપરવી પડે. આજે નાણાની care ન કરી તો, ભવિષ્યમાં નાણા આપણી care ન કરે.

તમે જો અન્યની care નથી કરતા તો બીજાઓને તમારી ક્યાં પડી છે ! એ પણ એટલું જ સાચું છે.

Traffic Control –

‘તારી મા…..#***#*#*#, …..હમણાં… ઠોકી દેત ! #***#*#*#, તારો બાપ…, ગાડી દેખાતી નથી, વાહન ચલાવતા ન આવડતું હોય શું મા … #***#*#*#…. ગાડી લઈને નીકળી પડો છે……… આ જમાદારો ય …#***#*#*#… પૈસા ઉઘરાવવામાં પડ્યા છે…….

BUN270213STP2_t460

સુરતી મિત્રો #***#*#*# ની જગ્યાઓ પુરી લેશે, પણ આ સુરતી સરસ્વતી એક મિત્ર સાથે કારમાં જતાં એક જંકશન પર એક બાઈકવાળાએ ‘કટ’ મારીને બાઈક ભગાવી ત્યારે બાજુમાં બેસીને સાંભળી.

અમે શાંતિથી મિત્રના વ્યાપારિક પ્રશ્નો અંગે ચર્ચા કરતા જતા હતા, ત્યાં આ ‘કટ’ લાગી અને બધું વિખેરાય ગયું. ‘સાલો….. મગજ ખરાબ કરી ગયો….’ મિત્ર શાંત થઈ ગયા

આ બધુ સામાન્ય છે, આગળ જતાં ફ્લાયઓવર પર ઓછા ટ્રાફીકમાં પણ કારમાં શાંતિ જ રહી અને મારું મન વિચારે ચડી ગયું.

વિદ્યાર્થી પરીક્ષાનું પેપર હાથમાં લઈ ક્યાં ભુલ કરી? શું કરી શકાત ? હવે પછીના પેપર/પરીક્ષામાં કેવી રીતે લખવું તેના અંકોડા મેળવી રહ્યો હોય અને પપ્પા ‘કટ’ મારે, ‘હવે શું પેપર પકડીને બેઠા છો, વાંચવાનું કીધું ત્યારે વાંચ્યુ નહીં.’…. બસ બધું વિખેરાઈ ગયું, થયેલી ભુલની વિશ્લેષણ પ્રકિ્યા અટકી ગઈ, ભવિષ્યનું પ્લાનીંગ ભુંસાય ગયું અને શરું થયું – ક્યાં કોઈ દી’ શાંતિથી વાંચવા દો છો ? વાંચવા બેઠા નથી કામ સોંપ્યુ નથી ! ચોપડીઓ પણ પસંદગીની આવતી નથી, બીજાના પપ્પાઓના દાખલા લો છોકરાને કેવી રીતે ભણાવે છે ?’….. બસ…. ભુલની વાત, નવી રીત શોધવાની વાત, ભવિષ્ય બધું આડે પાટે ચડી ગયું.

વીકીપેડીયાના રોડ ટ્રાફીક કન્ટ્રોલના પેરેગ્રાફનો નવો અવતાર જુઓ –

Traffic control is an indoor (outdoors) occupation, night or day for long hours in all weathers, and is considered a dangerous occupation due to the high risk of being wander (struck) by passing thoughts (vehicles). Aims and decisions (Safety equipment) is vitally important. Stress and Deprassion (Fatigue) is a big issue, as tired brain (TC’s) may forget to watch their though process (traffic), or may inadvertently turn their “Stop bats” to the “Slow” position. Many beliefs, prejudices, principles (drivers) are annoyed by the disruption to their route, and some are sufficiently conflicting/confronting (antisocial) as to aim at brain (traffic controllers). Irresponsibility (Other drivers) simply don’t pay enough attention to the road, often from using their instructions by others (mobile (cell-) phones), or because they are tired from a night shift at work.

મુળ પેરેગ્રાફમાં માનસિક શબ્દોને ફીટ કરવા પ્રયત્ન કર્યો છે.

રોડ ટ્રાફીક જેવું જ આપણા મગજનું છે. રોડ પર જતા વાહનોની લંગારની જેમ વિચારોનો અવિરત પ્રવાહ મગજમાં ચાલતો રહે છે. ટ્રાફીક કન્ટ્રોલરની જેમ આપણું જાગૃત મગજ આ વિચારોનું નિયમન કરતું રહે છે. ક્યાંક ખોટું થતું લાગે તો સિગ્નલ આપતું રહે છે. આ સિગ્નલ માનવા, ન માનવાનું યુધ્ધ પણ, જુના વિચારો, માન્યતાઓ, સિધ્ધાંતો. પુર્વગ્રહોના કારણે ચાલતું રહે છે. અર્ધજાગૃત મન ટ્રાફીક કેમેરાની જેમ રોડ પર જે જઈ રહ્યું છે તેનું રેકોર્ડીંગ કરતું રહે છે. (ભવિષ્યમાં જરુર પડે ત્યારે મેમરી ચીપમાંથી પ્રોસેસીંગ માટે ડેટા પુરો પાડે છે.)

નક્કી તમારે કરવાનું છે કે તમારા ટ્રાફીક કન્ટ્રોલરને ડે એન્ડ નાઈટ ડ્યુટી કરાવવી છે ? કે વીકએન્ડની મજા કરાવવી છે ? કે ડેઈલી મેડીટેશન દ્વારા રજા આપવી છે કે કેમ ?

યાદ રાખજો, તમારો ટ્રાફીક કન્ટ્રોલર તાજોમાજો રહેશે તો ‘રોડ ટ્રાફીક’ યોગ્ય રીતે ગતિમાં રહેશે…

સફળતા – કોની દ્રષ્ટિએ ?

ગઈકાલે શ્રી વિપુલભાઈએ મુકેલ શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય નો એક વીડિયો જોયો. કોઈ સ્કુલમાં એમનું સંબોધન સક્સેસ ના સંદર્ભમાં હતું. તેમણે સવાલ ઉઠાવ્યો – ‘સક્સેસ, પણ કોની દ્રષ્ટિએ’, લોકો કહે છે આ શિખર પર છે, પણ આ શિખર કોણ નક્કી કરે તે મહત્વનો સવાલ છે’

હા ! ખરેખર મહત્વનો સવાલ છે. મારા માટે તમે નક્કી કરો એ કેવું ?

સફળ માનવી જ્યારે સફળતાના શિખરે (?) પહોંચે ત્યારે એ શિખર, કોણે નક્કી કર્યું કે ‘આ શિખર છે’

What-is-success

(With thanks – http://www.anandanpillai.com/what-does-success-mean-to-you-and-me/)

આ સફળતા પણ સાપેક્ષ છે. હું જેને સફળતા માનું તે અન્ય માટે અસફળતા પણ હોય શકે. ‘મોટીવેશનલ ટ્રેઈનરો’ સામાન્ય રીતે જ્યારે પણ સફળતાની વાત કરે ત્યારે સામાજીક રીતે સફળ થયેલા મહાનુભાવોના ઉદાહરણો આપે. આ વિડીયો ક્લીપમાં પણ ગાંધીજીના સત્યની વાત કરી – ગાંધીજી કહે કે મેં ચોરી કરી – તો તાળીઓ પડે અને તમે ઘરમાં કહો કે મેં પોકેટ મની માટે પૈસા લીધા તો તમાચો પડે.

હવે સવાલ એ છે કે ગાંધીજીએ જ્યારે ચોરી કરી હતી ત્યારે પિતાને સાચું કહ્યું હોત તો ? તાળીઓ પડી હોત કે તમાચો ?

સમાજે જ્યારે તેમને ‘મહાત્મા’ તરીકે સ્વીકૃતિ આપી ત્યારે તેમના સત્યને બિરદાવ્યું.

અહીં ‘સમાજે’ અને ‘સ્વીકૃતિ’ શબ્દ મહત્વના છે.

તમને લાગે છે કે અહીં ‘દ્રષ્ટિકોણ’ નક્કી થાય છે ? સફળતા અને નિષ્ફળતાનો આંક સમાજ નક્કી કરે છે. ‘હું સત્ય બોલું છું’ એ મારો જીવનનો સંતોષ છે, આનંદ છે.

ગાંધીજીના જ વિચારો જુઓને !

mahatmagandhi105593

હું હંમેશા પ્રામાણિકતાને વળગી રહ્યો છું, સત્યને વળગી રહ્યો છું જેના કારણે ઓફીસમાં ઘણી પનીસમેન્ટ પણ મળી, ૨૩ વર્ષની નોકરીમાં ૧૧ વર્ષ કુટુંબથી દુર, એવા સમયે રહ્યો કે જ્યારે કુટુંબને મારી ખુબ જરુર હતી. આ શક્ય ક્યારે બન્યું ? જ્યારે મારા પત્ની પણ નોકરી કરતા હતા અને ઘરખર્ચ ચિંતા ન હતી. જો કુટુંબની સર્વ જવાબદારીઓ મારા પર જ હોત તો મારે બાંધછોડ કરવી પડી હોત કે નહીં ? (મારી સફળતા માટે મારા કુટુંબનો ભોગ લઈ શકાય ?) હું મારા જીવનથી સંતોષ પામ્યો, આંતરીક પ્રસન્નતા મળી પણ એમાં કુટુંબ દ્વારા અપાયેલ ભોગ પણ સામેલ છે.

મારી પ્રસન્નતાનો માપદંડ હું નક્કી કરું છું પણ સમાજમાં મારી સફળતા કે નિષ્ફળતાના માપદંડ સમાજ નક્કી કરે છે. હું સફળતાના શીખર પર છું એમ ન કહી શકાય, પણ મેં નક્કી કરેલું મેળવતા મને સંતોષ મળ્યો, પ્રસન્નતા મળી એમ કહી શકાય. વિદ્યાર્થીની ‘સફળતા’, અભ્યાસક્રમ માટે નક્કી કરવામાં આવેલા ગુણ પરથી થાય, વિદ્યાર્થીએ પોતે સંતોષકારક લખ્યું તેના પર નહીં. આમ સામાજિક સફળતા કે નિષ્ફળતાના માપદંડ સમાજ નક્કી કરે, હું ફક્ત મારો ‘આત્મસંતોષ’ નક્કી કરી શકું.

વર્તમાનપત્રનો ‘સફળ’ કોલમીસ્ટ વાંચકોની ‘નાડ’ પકડીને લખે, એને લખવાનો ‘આત્મસંતોષ’ મેળવવો છે કે કેમ તે પ્રશ્ન છે. કદાચ એવું બને કે તેમના ‘આત્મસંતોષ’નો માપદંડ ‘વાંચકોની સંખ્યા’ હોય. મારા જેવા બ્લોગર પોતાના ‘આત્મસંતોષ’ માટે લખે, કોઈ વાંચે કે ન વાંચે તેનાથી કોઈ ફરક ન પડે.

ખરેખર તો ‘Achievement’ અને ‘Success’ વચ્ચે ભેદ રેખા દોરી લેવી જોઈએ.

અંગ્રેજી ડીક્શનરીઓ પ્રમાણે જોઈએ તો –

Achievement – a result gained by effort, a great or heroic deed,

Success – the fact of getting or achieving wealth, respect or fame, a performance or achievement that is marked by success, as by the attainment of honour

આ તર્ક પ્રમાણે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે પ્રથમ પ્રયત્ન Achievement નો આવે, પછી તે અભ્યાસમાં હોય કે કેરીયરમાં. Achievement ના અંતે ‘આત્મસંતોષ’ આવે.

કેરીયરમાં દાખલ થયા પછી success ના પ્રયત્ન શરુ થાય. Success નો વિચાર આવે ત્યારે સમાજનો વિચાર આવવો જોઈએ કારણ કે તેના માપદંડ સમાજના છે. ફક્ત આત્મસંતોષ કે પોતાની પ્રસન્નતા માટે કરેલા કાર્યોથી સફળતા ન પણ મળે. ગાંધીજી કે ભગતસિંહ જેવા કેટલાય અનામી શહીદો થઈ ગયા હશે, જેમણે પોતાના ‘આત્મસંતોષ’ માટે શહાદત વહોરી હશે.

નક્કી તમારે કરવાનું છે કે –

You want to achieve……

Or

You want to succeed…….

 

Poor Me –

માનવીની લાગણી અને શ્રદ્ધા સાથે ખેલાતો ખતરનાક ખેલ.

‘બેન, ત્રણ દિવસથી કંઈ ખાધું નથી, કાંઈક આપો’ એક હટ્ટોકટ્ટો માણસ ભીખ માગતો નજરે પડે.

‘હજુ સુધી બોણી થઈ નથી, બોણી કરાવો’ મેઈન રોડ ફરતો શાકભાજીવાળો બોલે.

‘મારા પત્ની તો કેટલાય વર્ષથી વ્હીલચેર પર છે, મારે જ બધુ સંભાળવું પડે છે.’ બોસ નવી દાખલ થયેલી પર્સનલ સેક્રેટરીને કહે. (આગળની સ્ટોરી લખવાની જરુર ખરી ?)

આવા જાત જાતના સંવાદો સાંભળવા મળે છે, જેમાં પ્રચ્છન્ન સુર હોય છે –

Poor_me

‘હું બિચારો છું, મને મદદ કરો’

આ એક લાઈફ ગેઈમ છે ને આપણે સૌ જાણેઅજાણે રમતા હોઈએ છીએ. કોઈની પાસે કામ કઢાવવાનું હોય, કોઈ લાભ લેવાનો હોય, જવાબદારીમાંથી છટકવું હોય, જોખમ ન લેવું હોય આવા તો કેટલાય પ્રસંગોએ આ રમત રમાતી હોય છે. ‘હું તો એક ચાયવાલો હતો’ કે ‘હું અમેઠીની વહુ છું’ કે ‘મારા પિતા શહીદ થયા છે’ (ગર્ભિત અર્થ – હું બાપ વગરની છું…) વગેરે ઉચ્ચારણો અન્યની લાગણીને પંપાળીને પોતાનું કામ કઢાવવાના પ્રયત્નરુપ છે. મુળ કેનેડાના માનસશાસ્ત્રી Dr. Eric Berne એ માનવીય સંબધો અને વર્તણુકનો અભ્યાસ કરી આવી ઘણી રમતો વર્ણવી છે. (Games People Play)

માનવી પોતે પણ પોતાની જાત સાથે આવી રમત રમતો હોય છે. કોઈ અઘરું જણાતું કામ કરવાનું આવે ત્યારે મનમાં ને મનમાં ‘મારા જેવાથી આ કામ ક્યાંથી થાય – Poor me’ ધારી કામ હાથ પર લેવાનું માંડી વાળે છે. (આનો થોડો પરીચય ‘સ્વની ખણખોદ’ માં થયેલો છે)

તમને નથી લાગતું કે આ માનસશાસ્ત્રીય રમતોનો અભ્યાસ કર્યો હોય તો જીંદગી કેટલી સરળ બની જાય ?

 

પાવર મોટીવેશન –

આજે જ્યારે કુદરતની સાથે સાથે રાજકારણની ગરમી ટોચ પર છે ત્યારે રાજકારણીઓના એક ગુણ – Motive તપાસવાની ઇચ્છા થઈ – Power Motivation

માનવીના જીવનના જીવવાના વિવિધ પ્રેરક બળો હોય છે. કેટલાકને સંપુર્ણ ધ્યેય આધારીત હોય, કેટલાકને લાગણી આધારીત હોય, કોઈને વળી માન્યતા આધારીત હોય. આ બધામાં, ગઈ સદીમાં મનોવૈજ્ઞાનિકોએ ત્રણ મુખ્ય પ્રેરક બળો પર વધારે ભાર મુક્યો – Achievement -સિદ્ધિ કે પ્રાપ્તિ, Power – સત્તા, સામર્થ્ય, પ્રભાવ, વર્ચસ્વ, અને Affiliation – સંબંધ, જોડાણ, સહબદ્ધતા (ગુજરાતીમાં આપણે ‘લાગણી’ ના સંદર્ભમાં પણ વાપરીએ છીએ.)

Motivation

Achievement –

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાર્યને વળગી પુર્ણ કરવામાં, ઊત્કૃષ્ટ બનાવવામાં મચી પડેલો હોય. જેમ આજનો યુવાન પોતાની કેરીયર, ધ્યેયને પ્રાપ્ત કરવા અન્ય બાબતોને ગૌણ ગણે છે અને એક જ દિશામાં પોતાનું સમગ્ર અસ્તિત્વ એમાં જ ઓગાળી દે છે.

B 5050

Power –

આવી વ્યક્તિ અન્યને કન્ટ્રોલમાં લેવાનો/રાખવાના પ્રયત્નમાં હોય છે. આ કન્ટ્રોલ એ પોલીસની જેમ દંડા શાહીનો ન પણ હોય, માનવીની લાગણીઓનો ઉપયોગ કરી કાબુમાં રાખવાના પ્રયત્ન કરે છે, જેમ સાધુ મહાત્માઓ લોકોની ધાર્મિક લાગણીનો ઉપયોગ કે રાજકારણીઓ તેમની સામાજીક સંવેદનાઓનો ઉપયોગ કરી તેમના પર વર્ચસ્વ સ્થાપિત કરે છે.

follow

Affiliation –

આ પ્રકારના પ્રેરકબળ ધરાવતા લોકો અન્ય લોકો સાથે હળવા-મળવાનું, અન્ય લોકો પોતાને પસંદ કરે એવા પ્રયત્નમાં લાગેલા રહે છે.

ડેવીડ વિન્ટર એ અમેરિકાના પ્રમુખોની મોટીવેશન પ્રોફાઈલ્સના અભ્યાસ કર્યા અને તેના આધારે જે તે પ્રમુખ ભવિષ્યમાં કઈ રીતે કાર્ય કરશે તેની આગાહી કરવાનો પ્રયત્ન કર્યો. એ માટે તેણે પ્રમુખોના વક્તવ્યોનો આધાર લીધો. અભ્યાસના આધારે કી ફેક્ટર તરીકે Power motivation ઉપસી આવ્યું. (ભારતના રાજકારણીઓનો પણ અભ્યાસ કરવા જેવો ખરો !)

Achievement motivation નો પાયો Need for Achievement છે, જેમાં વ્યક્તિ ઉચ્ચ મુલ્યોની પસંદગી કરે છે, સિદ્ધાંતોને વળગી રહેવા પ્રયત્ન કરે છે, કાર્યોમાં ઉચ્ચ ગુણવત્તાનો આગ્રહ રાખે છે, હરીફાઈમાં આગળ રહેવાનો આગ્રહ હોય છે. ઉદ્યોગ સાહસિકો માટે આ ગુણ-Need ખુબ જરુરી છે. જો કે સામાજીક ક્ષેત્રમાં રહેલી વ્યક્તિઓને આ Need માટે સમાધાન કરવું પડે છે, જેના કારણે તેઓની કાર્યક્ષમતા પણ ઘટે છે અને જે લોકો સમાધાન નથી કરી શકતા તેઓ સામાજીક ક્ષેત્રમાંથી દુર ફેંકાય જાય છે.

સામે પક્ષે ખુબ ઉચ્ચ સ્તરની Power need ધરાવતી વ્યક્તિ પોતાના શબ્દો માટે ઝગડા સુધી પહોંચી જાય છે. (આમ જ થવું જોઈએ…). સારા-નરસા અંગેની સભાનતા રહેતી નથી. બીજાને પોતાના કાબુમાં કરવા કાવાદાવાઓ કરી શકે છે.

લીડર બનવા માટે Power motivation  જરુરી છે, પણ એ વ્યક્તિમાં Achievement need પણ હોવી જરુરી છે.

આ ચુટણીમાં આપણને Achievement need સહીતનો Power motivated નેતા મળે તો ઈશ્વરકૃપા, નહીંતર કરોડોના ચુટણી ખર્ચ પછી હતા ત્યાંના ત્યાં………….

નહીં સુધરેંગે –

‘હમ નહીં સુધરેંગે’

હમણાં ગોવિંદભાઈ એ આજના નેતાઓ અને ચુંટણીની વાત લખી. અને તેમાં પ્રજ્ઞાબેનની ‘હમ નહીં સુધરેંગે’ની કોમેન્ટ પણ આવી. આજ દિવસે બ્રહ્માકુમારી શિવાનીની ‘BK Shivani – Harmony in Relations – Personality Development’ ની યુ ટ્યુબ વિડીયો પણ જોઈ. સંબંધોમાં થતી મુશ્કેલીઓમાંથી નીકળવાની ખુબ સરસ વાત કરી. બીજા પોતાની રીતે જ જીવવાના છે મારે મારી રીતે જીવવાનું છે. Let’s stop thinking about the world. આપણે હંમેશા બીજાનું જ વિચારીએ છીએ, બીજાને બદલવાના જ પ્રયત્નમાં હોઈએ છે.  આપણે હંમેશા આપણા સંબંધોને બગાડવાના કારણોમાં Ego, lack of understanding, lack of Trust, Honesty, Inferiority or superiority complex, … દેખાય છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ શબ્દો ક્યાંથી આવ્યા ? દરેક શબ્દો બોલતી વખતે આપણા મગજમાં કોઈ વ્યક્તિનું ચિત્ર હોય છે. એ આપણં ચિત્ર તો હોતું જ નથી, બીજાનું જ હોય છે. આમ હંમેશા આપણે બીજાને સુધારવામાં જ માનીએ છીએ. પહેલા વાક્યમાં પણ ‘હમ’ શબ્દ આવ્યો, ‘હું’ નહી. આ વિષયને વધુ સમજવા જેવો છે, આજે બસ આટલું જ……

જુની પોસ્ટ પણ રીફર કરવા જેવી ખરી –

દ્રષ્ટિકોણ –

તમે કેવી રીતે જુઓ છો –

મને મારામાં રસ નથી –

સમય હોય તો જુઓ –

સારું શું – જ્ઞાન કે અનુભુતિ ?

એક જાણીતી રમુજ – એક યુવાન ડોક્ટર પત્ની પસંદગી માટે કન્યા જોવા જાય. સરસ મજાની નાજુક નમણી કન્યાને જોયા પછી અભિપ્રાય પુછતા જણાવે કે આને એનીમીક ઇફેક્ટ છે, વહેલી તકે હીમોગ્લોબીન ચેક કરાવવું જરુરી છે. આ થઈ જ્ઞાનની અસર. કન્યાની સુંદરતાની અનુભુતિ કરવાને બદલે દાક્તરી જ્ઞાનને કારણે દિશા ફંટાઈ ગઈ. (સારું થયું કે આદમ અને ઇવને જ્ઞાન ન હતું નહીંતર ???????????)

Clipart-Man-Book-Huge-Reading-Knowledge

આ તો મજાક થઈ પણ હકીકત એ જ છે કે જ્યારે વ્યક્તિ જે તે વિષયનું ‘વધારે’ પડતું જ્ઞાન ધરાવતો હોય ત્યારે તે વિષયના આનંદની અનુભુતિ કરી શકતો નથી. લીંબુ સરબત પીતો કેમીસ્ટ પેટની ટાઠક અનુભવવાને બદલે સાઈટ્રીક એસીડ અને સુગરની અસરોના વિચારમાં હોય. દરિયા કિનારે બેસીને દરીયાની વિશાળતા અને કિનારા પર ઉઠતી દરેક મોજાની અવનવી આકૃત્તિ અને મોજાઓના સંગીતમાં ખોવાય જવાને બદલે, દરિયાકિનારે ફરવા આવેલો હવામાનશાસ્ત્રી પવનની દિશા, હવામાં ભેજની ગણત્રીમાં ખોવાયેલો રહે છે.

એવું લાગે છે કે જ્ઞાન આપણા વિચારો અને લાગણીને directional બનાવી દે છે. આનંદની અનુભુતિ તો ત્યારે થાય જ્યારે વિચારો અને લાગણીઓ સ્વતંત્ર વિહાર કરતી હોય. આનંદની લહેરખી આવવાનો પ્રયત્ન કરે કે તુરત જ જ્ઞાન તેને દિશા પકડાવી દે, ‘એમાં શું ? વિજ્ઞાનના નિયમ મુજબ આમ જ થાય.’

જ્ઞાન જરુરી છે એવું પણ લાગે છે.

મારી પણ એક ખામી નજરે ચડે છે – કોઈ મુદ્દો મનમાં ઉઠે તો તેનું ડીસેક્શન કરવાની ટેવ. ગયા વર્ષે મેં એક પોસ્ટ લખેલી ‘લાગણી – એક અવરોધ’.  પણ એમ લાગે છે કે  આનંદના પ્રવાહમાં તણાઈ જવાનો અનુભવ કરવો જોઈએ, પરીણામ જે આવે તે. પણ તણાવાની ક્ષણોમાં તો આનંદ થયો ને !

મનમાં ખેંચાતાણી ચાલે  – શું સારું, જ્ઞાન કે અનુભુતિ ?

એક જવાબ તો એવો સુઝે છે કે ‘અનુભુતિથી મેળવેલું જ્ઞાન ચડિયાતું.’

તમારા મનમાં કંઈ છે ?……….

જતાં જતાં ……..

હમણાં નેટ પર ફરતાં ફરતાં ‘પ્રયાસ’ની મુલાકાતે જઈ જડ્યો અને ‘સંસ્કારનો વારસો’ નો શ્રીમતિ સુધામુર્તિ દ્વારા વર્ણવાયેલો કિસ્સો વાંચ્યો. (જોકે વાંચ્યા પછી યાદ આવી ગયું કે આ બ્લોગ પર તો ઘણી વાર આવ્યો છું. આ કિસ્સો વાંચવા જેવો તો ખરો. પણ સન્માનનીય સુધામુર્તિના છેલ્લા વાક્યને સુધારવું પડે તેમ લાગ્યું –

મુળ વાક્ય – “આ ઘટના પછી હું સમજી છું કે, આગલી પેઢી તરફથી પછીની પેઢીને દુર્ગુણો કે રોગ વારસાગત મળતા હોય તો ભલે, પણ સંસ્કારનો વારસો તો નથી જ મળતો.”

હકીકતમાં તો રોગ પ્રાકૃતિક રીતે વારસામાં મળી શકે પણ સારા કે નબળા સંસ્કારનો વારસો તો માબાપે આપવો પડે. નાનપણ પોતાના બાળકને કઈ દિશામાં લઈ જવાનું છે તે માબાપે નક્કી કરવું પડે. જુના જમાનામાં ચીનમાં નાનકડી બાળાના પગમાં નાના જોડા પહેરાવી દેવામાં આવતા જેથી મોટા થતાં યુવતીના પગ નાની બાળકી જેવા જ રહેતા. જેવું શરીરનું એવું જ બાળકના મનનું છે. તમે જે દિશામાં વાળો તે દિશામાં વળી જાય.

આ તો યુવાન માબાપોએ વિચારવાનું રહ્યું….