નહીં સુધરેંગે –

‘હમ નહીં સુધરેંગે’

હમણાં ગોવિંદભાઈ એ આજના નેતાઓ અને ચુંટણીની વાત લખી. અને તેમાં પ્રજ્ઞાબેનની ‘હમ નહીં સુધરેંગે’ની કોમેન્ટ પણ આવી. આજ દિવસે બ્રહ્માકુમારી શિવાનીની ‘BK Shivani – Harmony in Relations – Personality Development’ ની યુ ટ્યુબ વિડીયો પણ જોઈ. સંબંધોમાં થતી મુશ્કેલીઓમાંથી નીકળવાની ખુબ સરસ વાત કરી. બીજા પોતાની રીતે જ જીવવાના છે મારે મારી રીતે જીવવાનું છે. Let’s stop thinking about the world. આપણે હંમેશા બીજાનું જ વિચારીએ છીએ, બીજાને બદલવાના જ પ્રયત્નમાં હોઈએ છે.  આપણે હંમેશા આપણા સંબંધોને બગાડવાના કારણોમાં Ego, lack of understanding, lack of Trust, Honesty, Inferiority or superiority complex, … દેખાય છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ શબ્દો ક્યાંથી આવ્યા ? દરેક શબ્દો બોલતી વખતે આપણા મગજમાં કોઈ વ્યક્તિનું ચિત્ર હોય છે. એ આપણં ચિત્ર તો હોતું જ નથી, બીજાનું જ હોય છે. આમ હંમેશા આપણે બીજાને સુધારવામાં જ માનીએ છીએ. પહેલા વાક્યમાં પણ ‘હમ’ શબ્દ આવ્યો, ‘હું’ નહી. આ વિષયને વધુ સમજવા જેવો છે, આજે બસ આટલું જ……

જુની પોસ્ટ પણ રીફર કરવા જેવી ખરી –

દ્રષ્ટિકોણ –

તમે કેવી રીતે જુઓ છો –

મને મારામાં રસ નથી –

સમય હોય તો જુઓ –

સંબંધમાં અભિવ્યક્તિની સુક્ષ્મતા –

સંબંધમાં અભિવ્યક્તિની સુક્ષ્મતા –

તારીખ ૩ ની પોસ્ટની હીમશીલા મિત્રોને ભારી પડી હોય તેમ લાગે છે. પ્રતિભાવો તેમાં દબાય ગયેલા લાગે છે. કન્સેપ્ટ નવો છે, પચવામાં ભારે હશે, પણ ખુબ કામનો છે. જો સમજી શકાય તો સંબંધો આવતી કડવાશ, રુકાવટ, અવગણના વગેરે બાબતો સમજી શકાશે.

ઘણી વખત આપણે બે વ્યક્તિ વચ્ચેની સુક્ષ્મ વર્તણુકના વહેવારોને જોઈ શકતા નથી અથવા ધ્યાન આપતા નથી એથી ઘણું ગુમાવીએ છીએ. સંબંધમાં રહેલા તાણાવાણાની મજબુતાઈ ગુમાવીએ છીએ, અંતે ‘સંબંધમાં મજા નથી’ એવું માની લઈ સંબંધ ગુમાવીએ છીએ.

સાદુ ઉદાહરણ સમજીએ.

father-daughter holding hands

આજે મોર્નીંગવોક પર ગયો ત્યારે વર્ષો પહેલાનો એક પ્રસંગ યાદ આવી ગયો. દસેક વર્ષ પહેલાં ગાંધીનગરમાં મોર્નીંગ વોકમાં મારી નાની દીકરી સાથે હતી. વાતો કરતા કરતા અમે રોડની સાઈડમાં ચાલતા હતા. થોડી વારે બાજુમાંથી એક બસ પસાર થઈ. હું રોડ સાઈડ હતો, પુત્રી ફુટપાથ તરફ હતી. તેણે ચાલતા ચલાતા સાઈડ બદલી, હવે તે રોડ સાઈડ આવી ગઈ. ચાલતા ચાલતા ફરી વાતોમાં ખોવાય ગયા. ક્યારે સાઈડ બદલાઈ ગઈ તેનું અમને ધ્યાન ન રહ્યું. અચાનક તેણે ફરી સાઈડ બદલી. આ ચેન્જ મારા ધ્યાનમાં આવ્યો, મેં તુરંત પુછ્યું , ‘કેમ ?’

‘કંઈ નહીં’ કહી તેણે વાત ટાળી, મારી સમજણમાં તો આવી ગયુ હતું,

છતાંપણ મેં જાણવા આગ્રહ રાખ્યો ત્યારે કહ્યું –

‘આ સાઈડમાંથી વાહનો પસાર થાય છે ને એટલે.’

બસ ! હું મુંગો થઈ ગયો. મન, પુત્રીના પ્રેમને સમજવામાં ખોવાય ગયું. પિતાને પ્રોટેકશન મળે એવી માનસિક ગણત્રીએ તેણે સાઈડ બદલી. આ તેના પિતૃપ્રેમની સુક્ષ્મ અભિવ્યક્તિ ગણાય. મારા મનમાં આની નોંધ થવી જ જોઈએ, જે પિતા-પુત્રીના પ્રેમના તાણાવાણાને મજબુત કરે.

અન્ય સાથે થતા વહેવારોની આપણી કે સામેવાળાની વર્તણુંકનું સુક્ષ્મ અવલોકન થાય ત્યારે સંબંધોની આવી સુક્ષ્મતા ઉજાગર થાય છે.

તમેય એકાદ દિવસ આવા સુક્ષ્મ વહેવારોની નોંધ કરવાનું નક્કી કરો. કદાચ સંબંધના અવ્યક્ત પાસાઓ ઉજાગર થશે.

(ફોટો – http://www.tracyscamp.com/AboutUs/FatherDaughter/tabid/99/Default.aspx – સાભાર)

ખોડંગાતા સંબંધો – ૨

અગાઊના લેખમાં મિસકન્સેપ્શનની વાત કરી પણ મુળ કારણો શોધવાના બાકી રહ્યા. મિત્રોએ ઘણા સુચક પ્રતિભાવો પણ આપ્યા.

મને લાગે છે કે આ વાત છેક બાળપણથી શરુ થાય છે. નાનું બાળક ઉમરના વિકાસની સાથે સાથે મનનો પણ સાચી ખોટી વાતો અને સમજણ સાથે વિકાસ કરે છે. (સ્કુલની સમજણ તો જુદી છે) કુટુંબીજનોના વ્યવહારો જોતાં જોતાં પોતાની સમજણ સાથે જે જુએ છે તેને સ્વીકૃતિ આપે છે. ‘આમ જ થાય’ એવી ‘માન્યતા’ઓ મનમાં દ્રઢ કરે છે. આ ‘સમજણ’, ‘ગેરસમજણ’ પણ હોય ને માન્યતા ‘ગેરમાન્યતા’ પણ હોય. જીદગી દોડમાં વ્યસ્ત હોવાને કારણે માબાપ બાળકોને સાચી સમજણ કે સાચી માન્યતા શીખવવા સમય કાઢી શકતા નથી અને વડીલો ક્યાં તો ગેરહાજર (જુની નવી પેઢીના કોન્ફ્લીક્ટમાં) હોય છે અથવા તો પોતાના વિચારોમાં બાંધછોડ કરી શકતા નથી અને નવા જમાનાને અનુરુપ નવી સમજ કે માન્યતા બાળકોને શીખવી શકતા નથી. બાળકો મોટા થયા પછી જે નાનપણમાં શીખ્યા તે કેરી ફોરવર્ડ થાય છે. યુવા મિત્રોની, આજના યુગને અનુરુપ, બાળકેળવણીની જવાબદારી છે. એવું ન કહેતા કે આ ડોહાઓને ‘સલાહો’ આપવા સિવાય કોઈ ધંધો નથી)

Feel the fragrance of friendship

Feel the fragrance of friendship

આ ગેરમાન્યતાઓ અને ગેરસમજણ સંબંધોમાં અપેક્ષાઓને જન્મ આપે છે. સાસુ માને છે કે વહુએ સાડી પહેરવી, એથી ‘અપેક્ષા’ હોય કે ‘વહુ સાડી પહેરે’. હવે જો વહુ ‘સાડી’ ન પહેરે તો સાસુનો ‘અહમ’ ઘવાય અને વિખવાદ શરુ થાય અને બેઉ પક્ષો સબળા હોય તો બંને વચ્ચે સંબંધ રહે, પણ ‘ખોડંગાતો’ સંબંધ. આ તો સમજવા પુરતું ઉદાહરણ છે, બાકી સૌએ પોતપોતાની ‘ટોપી’ પહેરી લેવી. 🙂 )

આમ ગેરમાન્યતા અને ગેરસમજણમાંથી – અપેક્ષા,

અપેક્ષામાંથી અહમ અને

અહમમાંથી ખોડંગાતો સંબંધ.

જોકે આટલું પુરતું નથી. બીજા પણ કેટલાક પરિબળો એમાં ભાગ ભજવે છે. (જો કે એ બધાના મુળ તો ઉપરની વાતમાં આવી જ જાય છે.)

સંબંધોનું Labeling – આપણે આપણા મનમાં દરેક સંબંધને ઓળખવા માટે ‘ચિત્રો’ દોરી રાખ્યા છે. હું તમને કહું કે મનજીભાઈ ‘વકીલ’ છે. તમારું મન, મનજીભાઈને જોયા વગર જ એક ચિત્ર રજુ કરે – કાળો કોટ, વાતોડીયો, દલીલબાજ, ખોટું બોલવામાં ક્ષોભ ન રાખે વગેરે વગેરે. પિતાનો ‘પુત્ર’ સાથેનો સંબંધ. પુત્રનું લેબલ લાગે એટલે પિતાના મનમાં ‘પુત્ર’ તરીકેનું ચિત્ર દોરાય જાય (જે તેણે બાળપણમાં કુટુંબજનોની મદદથી મનમાં દોરેલું હોય). તેણે આમ જ કરવું ,આમ જ રહેવું… વગેરે આવી જાય. સમજુ બાપ હોય તો પુત્રના મનમાં રહેલા જુના ચિત્રમાં નવા રંગ પુરે નહીંતર બ્લેક એન્ડ વાઈટ  ચાલુ રહે, અને સાથે માથાકુટ પણ…..

જો સીક્સર જેવી કોમેન્ટ આવી – ‘સંબંધ હોય એટલે લેબલ હોય જ, બધે કંઈ થોડું ‘પ્યારકો પ્યાર હી રહને દો…’ હોય.”

Yes. પણ ભારતની પેટ્રોલ કમ્પનીઓ છાસવારે પેટ્રોલના કેમ અપડેટ કરે છે અને પ્રોફીટ મૅળવે છે ? તમે પણ ‘લેબલો’ને  અપડેટ કરીને સંબંધનો ફાયદો મેળાવોને !

બીજું સંબંધોમાં Negligence – સંબંધોમાં ઢીલા થવામાં બીજુ કારણ આ અવગણના પણ હોય શકે. તમે ભાવભીનો સંબંધ રાખ્યો હોય પણ સામે પક્ષે તેની અવગણના થતી રહે તો તમે ક્યાં સુધી સંબંધમાં જીવંતતા (liveness) રાખી શકો, પછી તમે પણ ઢીલાશ મુકી દો.

ત્રીજો મુદ્દો સ્વાર્થનો હોય શકે. ઘણા લોકોના સંબંધમાં સ્વાર્થનું તત્વ વધારે હોય. જો બેઉ પક્ષે સરખું જ સ્વાર્થનું તત્વ હોય તો વાંધો ન આવે. (કારણ કે આવા સંબંધો વ્યાપારી સંબંધ જેવા જ હોય) પણ એક પક્ષે ‘સ્વાર્થ’ દેખાય તો સામાપક્ષ તરફથી સંબંધ કહેવા પુરતો રહી જાય.

જતુ નહી કરવાની વૃત્તિ, પોતાની સરસાઈ સ્થાપિત કરવાની વૃત્તિ, સ્ટેટસ વગેરે ‘અહમ’ના અંતર્ગત મુદ્દાઓ પણ સંબંધોને લંગડા બનાવી દે છે.

આ તો ખોડંગાતા સંબંધોના મુળમાં, મારી નજરમાં આવેલા મુદ્દાઓ લખ્યા, વણજોયા તમારા તરફથી……

મૈત્રીની વ્યાખ્યા તમે પણ અહીં માણી લો.

Picture –  with thanks from –

http://lyricssentimentsandme.wordpress.com/2013/03/15/friends/

“FRIENDSHIP is the highest form of LOVE on earth.”

Enjoy friendship (as we are … 🙂 )

ખોડંગાતા સંબંધો –

હમણા એક મિત્ર સાથે મારે ત્યાં શરુ કરેલું કામ પુરુ કરવા માટે વાત થઈ અને જવાબ –

‘શું કરું જોશીભાઈ, કારીગરની માથાકુટ છે. દિવાળી વખતે લગન કરવા રજાઓ પાડતો હતો અને હવે છુટાછેડા લેવા માટે રજાઓ પાડે છે.’

બોલો ! હજુ તો નામ-સરનામાની જ જાણકારી મળી હશે, ઓળખવાનું તો બાકી હશે ત્યાં, બે મહીનામાં કેસ છુટાછેડા સુધી પહોંચી ગયો. આ સંબંધ કેવો ? કેવી રીતે બંધાયો ? મેં વધારે વિગતો મેળવી.

કારીગરે લગ્નની ઉંમર વટાવી દીધી હતી. શરુઆત રાજ્યની બહાર કામ કરતો એથી સંબંધ થતો ન હતો. નોકરી છોડી ગુજરાતમાં આવ્યો, પણ શહેરમાં ઘર ન હતું એથી ગોઠવાતુ ન હતું, એનું સેટીંગ કર્યું. એના જેવી જ ઉમર વટાવી ચુકેલ કન્યા મળી, પણ પિતા-ભાઈ ન હોવાને કારણે નોકરી કરી મા અને એક બહેનનું પુરુ કરતી કન્યા મળી. હવે વિચારો બેઉ પક્ષે કેટલા એડજસ્ટમેન્ટ કરવાના થાય ? યુવાનના અભણ માબાપ સાથે યુવતીએ ગોઠવાવાનું, બહેન અને મા તરફ્ની જવાબદારી મનમાં રહે તેથી તે તરફ પણ ખેંચાવાનું, નોકરી નહીં કરવાની એથી બહારના વાતાવરણનો સંપર્ક તુટી જાય. યુવકને પણ તેના માબાપની જવાબદારી, એથી એણે પણ તેમનું સાચવવાનું. આવા સમયે તો વડીલોની જવાબદારી વધી જાય. પણ વડીલોની દલીલ કેવી ? અમારે સમાજમાં રહેવાનું કે નહી ?

વડીલોની મોટામાંમોટી ગેરસમજ (Misconception) શું ? સમાજના નિયમો. પણ નિયમો અને કાયદા વચ્ચેનો ભેદ વડીલો ભુલી જાય છે. નિયમો એટલે વ્યક્તિએ કોઈક પરિસ્થિતિમાં શું કરવું હિતાવહ છે એનું સામાન્ય તારણ, માર્ગદર્શન છે, જ્યારે કાયદો એ પથ્થરની લકીરની જેમ – જે નિયમ છે તેનું ઉલ્લંઘન ન કરી શકાય, જો કરવામાં આવે તો શિક્ષા થાય, એવો જડ છે. નિયમ ફ્લેક્સીબલ છે. એમાં બાંધછોડ શક્ય છે અને જરુર જણાય ત્યાં કરવી પણ જોઈએ. સમાજના ‘નિયમો’ને વડીલોએ સમાજના ‘કાયદા’ બનાવી દીધા છે, અને તેથી જ પ્રશ્નો ઉભા થાય છે.

અમારા ઘરના વહુવારુ નોકરી કરે ? સમાજમાં અમારી ઇજ્જતનું શું ?

અરે ! પણ પહેલાના જમાનામાં સ્ત્રીઓ નોકરી ન કરતી કારણ કે ઘરની જવાબદારી અને કામમાંથી જ તેને સમય મળતો ન હતો અને આજે મળતી લક્ઝરી પણ ત્યારે ઉપલબ્ધ ન હતી. આથી ખર્ચ પણ ન હતો. આજે રસોઈ માટે સમય બચાવતા સાધનો મળે છે આથી સમય પણ બચે છે અને શક્તિ પણ. સામાન્ય લક્ઝરી મેળવવાનો ખર્ચ પણ વધ્યો છે તો આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓ નોકરી કરે તો ખોટું શું ?

ખોડંગાતા સંબંધોમાં મુખ્ય કારણ ‘ગેરસમજ’ (Misconception) છે.

(આ તો ત્વરીત પ્રતિભાવ છે. ખોડંગાતા સંબંધોની પિષ્ટપેષણ તો બાકી 🙂 )

સંબંધોમાં સ્પામ ફીલ્ટર –

ઇન્ટરનેટથી સુપરિચિત મિત્રોને સ્પામ ફિલ્ટર માટે વધુ જણાવવાની જરુર ન હોય. દરેકના મેઈલબોક્ષમાં સ્પામ ફોલ્ડર હોય જ, મેઈલ સર્વીસ સીસ્ટમને જો કોઈ મેઈલ વાંધાજનક લાગે તો સીધો જ સ્પામ ફોલ્ડરમાં ડાયવર્ટ કરી દે છે. કેટલાક જરુરી અને અગત્યના મેઈલ પણ સ્પામ ફોલ્ડરમાં જતા રહે છે. આપણા મનની સિક્યોરીટી સિસ્ટમ પણ કેટલાક સંબંધોને સ્પામ જાહેર કરી દે છે, જે કદાચ સારા પણ હોય. આપણે જો આ મનની સિક્યોરીટી સિસ્ટમની જાણકારી મેળવીએ તો કદાચ સંબંધોની સારપ માણી શકીએ.

સંબંધોની માયાજાળને સમજવામાં ઇન્ટરનેટની માયાજાળની સમજણ ઉપયોગી નીવડે તેમ છે.

આધુનિક વિજ્ઞાનની, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની દેન ગજબની છે. કોમ્પ્યુટર ઓન કરી ઇન્ટરનેટ જોડો એટલે જગતના કેટલાય કોમ્પ્યુટર સાથે જોડાઈ જાઓ. જગતના અસંખ્ય જાણ્યા-અજાણ્યા, ઇન્ટરનેટથી જોડાયેલા, વ્યક્તિઓ સાથે સંબંધ બંધાય જાય. આ સંબંધ પણ કેવો ? ઇન્ટરનેટ ઓન – સંબંધ બંધાય અને સ્વિચ ઓફ થાય અને સંબંધનો પણ અંત.

ગઈકાલની પોસ્ટમાં જોયેલા અપેક્ષાઓના સંબંધનું પણ આવું જ ! અપેક્ષાઓ જાગી – સંબંધની સ્વીચ ઓન, અપેક્ષાઓની સંતુષ્ટિ – સંબંધ પુરો. (જેમ કે આપણા વ્યવસાયિક સંબંધો)

પ્રેમસંબંધમાં પરિવર્તિત થઈ શકે એવા સંબંધોનું અકાળ અવસાન થઈ જાય છે. ઇન્ટરનેટ જોડાણ બંધ થતા અસ્ત થતો સંબંધ આપણા દિલ દિમાગને તકલીફ આપતો નથી, પણ જીવનના તુટતા સંબંધો તકલીફ કરાવે છે.

શા માટે ?

network copy

અ બાબત સમજવા માટે ઇન્ટરનેટનું માળખું ઉપયોગી થાય તેમ છે. તમે જ્યારે ઇન્ટરનેટનું જોડાણ કરો ત્યારે તમારું કોમ્પ્યુટર એક સર્વર સાથે જોડાય, આ સર્વર બીજા કેટલાક સર્વરો સાથે જોડાયેલું હોય અને બીજા સર્વરો અન્ય કોમ્પ્યુટરો સાથે જોડાયેલા હોય આમ તમારુ કોમ્પ્યુટર બીજા અસંખ્ય કોમ્પ્ય્ટરો સાથે જોડાય જાય. ધારો કે A-B-C-D-E જોડાયેલા છે. હવે A – D, C સાથે પણ સ્વતંત્ર રીતે જોડાયું હોય અને એજ રીતે D અને B, E અને B પણ જોડાયેલ હોય. અહી A અને D સંબંધ છે તો વળી D સ્વતંત્ર રીતે B સાથે પણ સંબંધ ધરાવે છે. ઘરમાં દાદા પુત્ર સાથે સંબંધમાં છે, તો વળી દાદા પૌત્ર સાથે પણ સીધા સંબંધમાં છે. આમ દાદા પુત્ર, પુત્રવધુ, પૌત્ર કે પૌત્રી બધા એકબીજા કોઈ લીન્ક દ્વારા પણ જોડાયેલ છે તેમજ સીધા સંબંધો પણ ધરાવે છે. જાણે ભગવાને બનાવેલા ‘માનવ’ કોમ્પ્યુટરો એકબીજા સાથે ‘સંબંધો’ના ઇન્ટરનેટથી જોડાયેલા છે.

આ તો સંબંધોને સમજવા ઇન્ટરનેટની આડવાત થઈ ગઈ પણ એમાં અંદર ઉતરીએ તો સંબંધોનું રહસ્ય પણ હાથમાં આવે તેમ છે. ઇન્ટરનેટ પર જોડાયેલા અસંખ્ય કોમ્પ્યુટરમાંથી પોતે, ઓફલાઈન થનારને અન્ય કોમ્પ્યુટરો સાથે સંબંધ તુટ્યાનું દુઃખ નથી. ફેસબુક પરથી ઓફ થનારને મિત્રોથી જુદા થયાનું દુઃખ નથી. (લગ્ન સુધી પહોંચનારા પંખીઓની વાત નથી થતી J ) ફેસબુક પર આપણી ફ્રેન્ડશીપ કોઈ નકારે કે આપણે કોઈને બ્લોક કરી દઈએ તો કોઈ તકલીફ થતી નથી.

તમે આવું કેમ, એ ક્યારેય વિચાર્યું ?

કારણ કે તમે એનું ‘અલગ’ (સ્વતંત્ર) અસ્તિત્વ સ્વીકાર્યું છે.

કોઈપણ વ્યક્તિ ફેઈસબુકના પોતાના પેઈજ પર જે લખવું હોય તે લખે, બ્લોગ પર જે લખવું હોય તે લખે આપણને કોઈ વાંધો નથી (કોઈવાર મનમાં ઉકળી જઈએ (આપણી નાદાનીથી) પણ સંબંધો તુટવાથી થતી તકલીફ જેવી તકલીફ થતી નથી). મુળ વાત સામેવાળાની ‘સ્વતંત્રતા’ સ્વીકારવાની છે. ફેસબુકનો ફ્રેન્ડ કે બ્લોગર મારાથી ‘અલગ’ છે ‘સ્વતંત્ર’ છે માટે કપાતો સંબંધ આપણને તકલીફ પહોંચાડતો નથી. પણ આ જ વાત આપણે જીવનમાં બંધાતા સંબંધો માટે સ્વીકારતા નથી. સામેવાળીને વ્યક્તિને પણ પોતાના વિચારો/વર્તન હોય શકે, એટલી વાત જો આપણે સ્વીકારી લઈએ તો સંબંધોમાં બાંધછોડ શક્ય બને.

આ ‘અલગતાનો અસ્વીકાર’ એ સંબંધો માટેનું આપણા મનમાં રહેલું સ્પામ ફીલ્ટર છે. આ ફીલ્ટર સારા સંબંધોમાં પણ જો આપણી ધારણા મુજબના વિચાર કે વર્તન થતા ન જુએ તો તેને સ્પામ ફોલ્ડરમાં ડાયવર્ટ કરી દે છે.

સંબંધોને સ્પામ જાહેર કરતું બીજું ફીલ્ટર છે ‘માન્યતા’. આ માન્યતાઓ એટલે જ્યારે આપણે મોટા થતાં હોઈએ (આપણું સામાજીકરણ થતું હોય) ત્યારે મળતા વિવિધ સંદેશાઓ દ્વારા મળે છે. નાનપણથી આપણે જોતા આવીએ છીએ કે વડીલો જેમ કહે તેમ કરવું, આજ્ઞાંકિત રહેવું, વડીલોની ઇચ્છા મુજબ વર્તન કરવું. બાળકો વડીલોના વચન અને વર્તનનો ભેદ નોંધી લેતા હોય છે પણ આજ્ઞાંકિત રહેવાની માન્યતાની ગોળી પીધી હોવાથી મોટા થતાં પોતાના બાળકોને પણ પિતા બાળકને ‘વિવેક’ની ગોળી પાવાને બદલે ‘આજ્ઞાંકિત’ની જ ગોળી પાય છે. જો ગોળી પીવાનો ઇન્કાર કરે તો સંબંધમાં તિરાડ. સ્ત્રીઓ અલ્પ બુધ્ધિની હોય, લગ્નસંબંધો જ્ઞાતિમાં જ હોવા જોઈએ, જ્ઞાતિ/સમાજની મર્યાદાઓ ઓળંગી ન શકાય, આવી અનેક માન્યતાઓ આપણા મનમાં ભરી પડી છે. જે સારા સંબંધો બાંધવા કે ટકાવવામાં અવરોધ ઉભા કરે છે. લગ્નસંબંધની જ્ઞાતિબહારની સારામાં સારી ઓફર આવી માન્યતાઓના કારણે સ્પામમાં ડાયવર્ટ થઈ જાય છે.

આવું જ એક ફિલ્ટર ‘પૂર્વગ્રહો’નું છે. છગનભાઈએ પોતાની સમજણ પ્રમાણે માહિતી આપી ‘મગનભાઈથી ચેતજો’ પછી મગનભાઈ આપણા ભલાની વાત કરે તો પણ મગજમાં ફ્લેશ થાય ‘ ચેતજો, એમાં એનો કોઈ સ્વાર્થ હશે’. આમ અપણે સંબંધને સંકોરી લઈએ છીએ. મેં એવા પણ તુટેલા સંબંધો જોયા છે કે જ્યાં મિત્રની નામ-રાશી પોતાની રાશી સાથે મેચીંગ નથી (રાશીનો પુર્વગ્રહ).

મારા ધ્યાનમાં એક વધુ ફીલ્ટર ‘કુટેવ’નું છે. મારા એક મિત્રને વાતવાતમાં સામેવાળાને ઉતારી પાડવાની, પોતાની મોટાઈ દેખાડવાની (કુ)ટેવ છે. આમ એમનું દિલ સાફ છે. જેને ઉતારી પાડ્યો હોય તે જો કોઈ મુશ્કેલીમાં આવે તો કંઈપણ વિચાર્યા વગર દોડી જાય, છતાં પણ સામેવાળો તો સંબંધ સંયમિત રાખે.

મહદ અંશે સંબંધો ‘સ્પામ’ નથી હોતા. આપણે ફક્ત આપણા મનમાં ‘સ્વશ્રધ્ધા’નું એન્ટીવાયરસ લોડ કરવાનું છે. તમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકશો એવી શ્રધ્ધાનું મનમાં આરોપણ કરી દો, સંબંધો સુધરી જશે. અન્યના અલગ અસ્તિત્વનો સ્વીકાર કરશો ત્યાં જ અડધી બાજી જીતી જશો. બાકીના ફિલ્ટરો દુર કરવા તો સામાન્ય બાબત છે. પ્રયત્ન કરી જુઓને !

તમે સંબંધોને નજીકથી નિહાળ્યા છે ?

બ્લોગજગતના પ્રવેશને એક વર્ષ પુરુ થવામાં છે. આ તબક્કે મારા ચારેક લખાણો અક્ષરનાદ પર મુકાયેલા છે, એ બધાને રીપીટ કરવાની ઇચ્છા છે. ( સાચું કારણ મારા મિત્રોના પ્રતિભાવોની ઈચ્છા ! મને સુધરવાની તક મળે ને !)

 

આજે અક્ષરનાદ પર અપલોડ થયેલા મારા પ્રથમ લેખનું રીપીટેશન –

 

તમે સંબંધોને નજીકથી નિહાળ્યા છે ?

ગુગલમાં Relation શબ્દ લખી ક્લિક કરી જુઓ. સંબંધની જાતજાતની વ્યાખ્યાઓ અને ભાતભાતના પ્રકારો જોવા – વાંચવા મળશે. એવુંય બને કે તમે ગુંચવાઈ જાઓ કે શું વાંચવુ, શું સમજવું ? છોડો ! આ બધુ, આપણે ફક્ત માનવીય સંબંધો, આપણા રોજીંદા જીવનમાં ઉદય પામતા અને અસ્ત થતા, ભરતી ઓટમાંથી પસાર થતા સંબંધોનીજ વાત કરવી છે. માનવ જીવનના સામાજીક ચક્રને ચલાવવા માટે સંબંધો જરુરી છે. નાના જીવોનું જીવનચક્ર કુદરતી રીતે જ અવિરત ચાલતું રહે છે કારણ કે ત્યાં સમાજ નથી, સમુહ છે અને ખાસ તો પ્રકૃતિગત જરુરીયાતો તથા સામાન્ય લાગણી સિવાય કોઈ અપેક્ષાઓ નથી.

મનુષ્યના જીવનચક્ર અને સંબંધોને આ રીતે જોઈએ –

જીવનનો ઉદય – સ્ત્રીપુરુષનો મર્યાદામાં રહીને બંધાયેલા સંબંધ (પતિ-પત્ની)નું પરીણામ

જીવનની વૃધ્ધિ – માબાપ અને બાળકનો સંબંધ (મા, બાપ, પુત્ર, પુત્રી)

જીવનનો વિકાસ – કુંટુંબના સભ્યોનો સંબંધ (ભાઈ, બહેન, કાકા, કાકી, દાદા, દાદી, અને સમાજના અન્ય સભ્યો સાથે સંબંધ, મિત્રો અને સગાસંબંધીઓ વગેરે)

અને જીવનના અંત પહેલા જીવનચક્રને ચાલુ રાખવા ફરી પતિ-પત્નીનો સંબંધો અસ્તિત્વમાં આવે અને ચક્ર સદા ફરતુ રહે છે.

આમ જીવનચક્રની ગતિશીલતા અને સાતત્ય જાળવવા સંબંધોનું અસ્તિત્વ અનિવાર્ય છે.

આપણે સૌએ અનુભવ્યું છે કે સંબંધોમાં પણ માનવજીવનની માફક ઉદય, મધ્યાન્હ અને અસ્ત આવતા રહે છે, પણ વ્યવસાયિક સંબંધો સિવાયના સામાજીક સંબંધો ઘણીવાર અસ્ત પામતા દિલમાં દુઃખની લાગણી છોડતા જાય છે. ગુસ્સો, નિરાશા, હતાશા, એકલતા, ઇર્ષ્યા જેવી નકારાત્મક લાગણીઓ ઉભી કરતા જાય છે. આવું થવાનું કારણ તમે ક્યારેય વિચાર્યું છે ?

મારું માનવું છે કે આમ થવાનું કારણ સંબંધોના મૂળને – ઉદભવના કારણને આપણે જાણતા નથી અથવા નજર અંદાજ કરીએ છીએ.

એક રોજીંદો પિતા પુત્ર વચ્ચેનો સામાન્ય પ્રસંગ જોઈએ. (આ દાખલો એકદમ સુસંગત ન કહેવાય પણ સમજુતિ માટે ચાલી જાય, એવું હોય તો બુધ્ધી થૉડીવાર બાજુમાં મુકજો)

આખા દિવસની સતત મહેનત, દોડધામ, માનસિક તાણમાંથી પસાર થયેલો પિતા જ્યારે સાંજે ઘેર પાછો ફરે ત્યારે ઘરમાં નાનું બાળક કિલ્લોલતું હોય તેની સાથે બાળક બનીને તે બાળરમતમાં ગુંથાય જાય. આપણે એને ‘પિતૃપ્રેમ’નું નામ આપી દીધું. બીજે દિવસે સવારે એ જ પિતા ઓફીસે જવા તૈયાર થતો હોય, મોડું થઈ ગયું  હોય અને પિતૃપ્રેમની ભ્રાંતિમાં લપેટાયેલું બાળક પિતાને વળગવા દોડે ત્યારે પિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે.

આવું કેમ ?

જવાબમાં આ જ પ્રસંગને ફરી સમજવાનો પ્રયત્ન કરીએ. થાકી ગયેલા અને માનસિક રીતે ત્રસ્ત પિતાને તે પરિસ્થિતિમાંથી મુક્ત થવું હતું, બાળસહજ પ્રવૃત્તિ કરીને હળવા થવું હતુ, એમ કહોને કે એમ કરવું તેની ‘જરુરીયાત’ હતી. આ જરુરીયાતને આપણે પિતૃપ્રેમનું નામ આપી દીધું. જરુરીયાત સંતોષાઈ ગઈ અને પિતૃપ્રેમ ઓગળી ગયો. મોટાભાગના માબાપો સંતાનો સાથે આવી જરુરીયાતો અને અપેક્ષાઓથી જોડાયેલા છે. વૃધ્ધાવસ્થામાં મારો ટેકો બનશે કે નામ ઉજાળશે એવી ઇચ્છાઓ અને અપેક્ષાઓથી બંધાયેલો આ સંબંધ વિપરીત પરીણામ આપે ત્યારે દુઃખ પહોંચાડે જ. નાનું બાળક પણ પોતાની જરુરીયાત સંતોષવા જાતજાતના નુસખાઓ અજમાવતું હોય છે. તો આવી પરિસ્થિતિમાં પિતાપુત્રના સંબંધનો પાયો શું ?

જ્યારે આપણે ‘ઘર’ જેવા સંબંધોનો અસ્ત જોવા માંડીએ ત્યારે ખુંચે છે, પણ એ વિચારતા નથી કે આ ઘર જેવા સંબંધ બંધયો તે વખતે શી પરિસ્થિતિ હતી ? નવી ઓળખાણ થઈ અને મનમાં ઝબકારો થયો કે આ કામનો માણસ છે. આવા સંબંધોમાં ભરતીના મોજા આવવા લાગે છે. પણ જ્યારે કામનો લાગતો માણસ કામ ન આવી ત્યારે એ જ સંબંધમાં ઓટ આવવા માંડે છે – સંબંધના અસ્તનો આરંભ થાય છે. જ્યારે આ સંબંધના અંતે દિલમાં દુઃખ્યુ ત્યારે આપણે એ ન વિચાર્યું કે મારા સંબંધની ઇમારતનો પાયો જ જરુરીયાત કે અપેક્ષા હતી. જો મેં એવી કોઈ અપેક્ષા વગર જ સંબંધ બાંધ્યો હોત તો તેનો અસ્ત થવાથી દુઃખ થવાનો પ્રશ્ન જ ઉભો ન થાત. સામેવાળી વ્યક્તિને પણ આવો જ પ્રશ્ન થાય, તેને પણ લાગે કે પહેલાં તો બહુ રાખતા હતા, હવે શું થયું ? હકીકતમાં તેણે પણ નવો સંબંધ બંધાય ત્યારે વિચારી લેવું જોઈએ કે આ નવો સંબંધ અપેક્ષાઓના પાયા પર તો નથી ને ? જો એવું લાગે તો સંબંધોમાં ભરતી આવે તે પહેલા સ્પષ્ટતાઓ કરી લેવી જોઈએ જેથી સંબંધોની અચાનક જ ભરતી ન આવે અને ઓટ આવવાનો પ્રશ્ન જ ઉભો ન થાય.

જુની પેઢી અને નવી પેઢીના ક્લેશમાં આ સંબંધોની ‘સમજણ’ જ રહેલી છે. નવી પેઢી ના સંબંધો જરુરીયાત કે અપેક્ષા પર રચાયેલા છે અને તેની બેઊ પક્ષોને ‘જાણકારી’ છે જ. આથી જ તેઓને સંબંધોમાં ભરતી ઓટ, ઉદય-અસ્તના પ્રશ્નો નડતા નથી.

શોધી કાઢો કે તમારા કેટલા સંબંધો આમ જરુરીયાતના પાયા પર રચાયેલા છે ? ફક્ત નજર સુક્ષ્મ બનાવવી પડશે.

બસ ! તો સંબંધોના પરિણામે ઉદભવેલી કડવાશને દુર કરવા સંબંધની ઇમારતના પાયાને પારખી લો અને સ્વીકારી લો કે સર્વ અપેક્ષા અને જરુરીયાત હંમેશા સંતોષાતી નથી અને તેનો અંત પણ નથી. આવા જરુરીયાતના પાયા પર બંધાયેલા સંબંધોનો, આપણી લાગણી સાથેનો છેડો ફાડી નાખો. બાકી રહી જશે નિર્મળ અને પ્રેમાળ સંબંધો અને મન શાંત થઈ જશે એ નફામાં !

 

સરખામણી ?

સરખામણી ?

“થાય સરખામણી તો ઉતરતા છીએ,

એ છતાં આબરુ અમે દિપાવી દીધી,

એમના મહેલને રોશની આપવા,

ઝુંપડી પણ અમારી ઝલાવી દીધી.”

આપણે આવા આસિકાના મુડમાં નથી જવું, આ તો આજની પોસ્ટ લખતા આ ગઝલ યાદ આવી ગઈ.

મૂળ વાત એમ છે કે ગઈ કાલે એક ચેનલ પર પર સીરીયલ જોતાં જોતાં એક સંવાદ યાદ રહી ગયો. દીકરી એની માને કહે છે – “તું હંમેશા મારામાં પૂર્વી (બહેનનું નામ)ને શોધે છે, મારા મિત્રો ભલે હાઈફાઈ રહ્યા પણ એ બધા ‘મને’ ઓળખે છે. મારું પણ અસ્તિત્વ છે.”

(જો કે ચેનલોની સીરીયલોના પ્રોડ્યુસરો વ્યુઅરને ઉલ્લુ સમજીને જ સીરીયલો બનાવે છે, પણ આપણે તો ચેનલનું ભાડુ આપીએ છીએ. થીમ, વાર્તા કે ફોટોગ્રાફીમાં કંઈ ન મળે તો સંવાદોમાં તો કંઈક શોધવું પડે ને !)

અહીં દીકરી, મા પર કટાક્ષ કરે છે કે હું મારી બહેન કરતાં અલગ છું, મારા મિત્રોમાં મારી એક અલગ ઓળખાણ છે, મારું નામ છે, મારું અસ્તિત્વ છે. વાત સાચી છે. જો કુદરતે બે માણસોને એક સરખા નથી બનાવ્યા તો પછી સરખામણી શા માટે ? ટીવીના મ્યુઝીક/ડાન્સના લાઈવ શો માં પણ બે ગાયકો કે ડાન્સરો વચ્ચે સરખામણી કરવામાં આવે છે, માર્ક આપવામાં આવે છે. શા માટે ? જજને ગમ્યું એટલે ? જજે પોતાના કેટલાક ધારાધોરણો બનાવ્યા છે તે માપદંડની સાથે ગાયેલા ગીતને સરખાવતાં ફરક જણાય છે એટલે ? જો સંગીતના ધોરણો પ્રમાણે જ માર્કીંગ કરવામાં આવે તો બધા જજના માર્કસ સરખા જ આવવા જોઈએ. પણ એવું નથી બનતું, એનો અર્થ એ થાય કે પ્રત્યેક વ્યક્તિ પોતે પોતાના ધોરણો (Standards) નક્કી કરે છે. ટીવી જોતી વખતે હું પણ મારા ધોરણો નક્કી કરું છું અને આ જજે બરાબર માર્કસ આપ્યા અને બીજાએ ખોટા માર્કસ આપ્યા એવી સરખામણી કરું છું. મેં જે ધારણા કરી એ પ્રમાણે જે જજ માર્કસ આપે એ યોગ્ય અને બીજો અયોગ્ય ? ખરેખર કોણ સાચો ? ગીતના કલાકારની પોતાની ઓરીજીનાલીટી ન હોય ? કુદરતે બક્ષેલ આ ઓરીજીનાલીટીની સરખામણી કરનાર આપણે કોણ ?

કે પછી મારી ધારણાઓની સ્વીકૃતિ થાય એવી ‘અપેક્ષા’ રાખી કે ‘આગ્રહ’ રાખ્યો એ ખોટું ?

મને લાગે છે ‘સરખામણી’ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિની પોતાની ‘અપેક્ષા’ઓની અવગણના અન્ય દ્વારા થાય. મ્યુઝીક શોના જજ, ગાયક પાસેથી એવી અપેક્ષા રાખે કે આ ગીત તેણે આ રીતે ગાવું જોઈએ. તે ‘સંગીતના માપદંડ’ને બદલે પોતાના ‘અપેક્ષાઓના માપદંડ’ સાથે ગાનારની સરખામણી કરે અને તે પ્રમાણે માર્કીંગ કરે, અને તેથી બીજા જજ કરતાં જુદો પડે. આ જ પ્રમાણે ગાયકે પણ વિચારવાનું રહે કે જે તે જજે આપેલા માર્ક તે તેની જજની પોતાની અપેક્ષા પ્રમાણેના છે, આથી મારે કંઈ મારી ઓરીજીનાલીટી છોડી ન શકાય, પણ ખુલ્લુ મન રાખી, અન્યની અપેક્ષાઓને જાણી મારામાં સુધારો જરુર થઈ શકે. સામે પક્ષે પ્રત્યેક માર્ક આપનારે પણ જે તે ગાયકની ગાયકીની ખૂબીઓની કદર કરી પછી જ પોતાનું મંતવ્ય આપવું જોઈએ.

આ તો મ્યુઝીકના શોની વાત કરી, પણ આપણા ઘરમાં પણ માબાપ જો પોતાના બાળકો વચ્ચે સરખામણી કરે તો તેમાંથી કોઈક બાળકને નુકશાન થવા સંભવ છે. દરેક બાળકની પોતાની આગવી ઓળખ છે તે જાળવી માબાપે પ્રત્યેકની સાથે વ્યવહાર કરવો જોઈએ. ટીવી સીરીયલની મમ્મીએ એક દિકરીની સરખામણી બીજી સાથે ન કરવી જોઈએ. બન્નેને પોતપોતાની ખાસીયત છે, મા તરફથી બન્ને દીકરીઓને સરખી જ ટ્રીટમેન્ટ મળવી જોઈએ. સાસુઓએ પણ વહુઓની સરખામણી એકબીજી સાથે ન કરવી જોઈએ. (ઝી ટીવીવાળા સાસુવહુની સીરીયલો પણ આપે છે !!!!)

In short, મારું વર્તન પ્રત્યેક સાથે, અન્યની સાથે સરખામણીમાં નહી પણ વ્યક્તિગત રીતે હોવું જોઈએ અને એ પણ અન્યને તકલીફરુપ ન થવું જોઈએ. બેફામ સાહેબે ગઝલમાં આગળ પર કહ્યું છે –

‘કોઈ અમને નડ્યા તો ઉભા રહી ગયા,

પણ ઉભા રહી અમે કોઈને ન નડ્યા’

વાંચતા વાંચતા કંટાળો આવ્યો ને ! એમાંય કોઈ મફત સલાહ આપે ત્યારે તો ખાસ !

વાંધો નહી ! નીચે ક્લીક કરો

ચાલો સાથે મળીને ગઝલ માણીએ !

નવાઈ લાગી !

નવાઈ લાગી !

ખરેખર નવાઈ લાગી !

મારા પર કોમેન્ટસની પસ્તાળ ન પડી.

મને હતું કે ‘ટેવ પાડો’ ના જવાબમાં કોઈક તો કહેશે કે તમે ગુટકાની ટેવ સાથે પ્રેમની પવિત્રતાને સરખાવો છો ? પણ યુવા મિત્રોને પણ ગમ્યું અને સહમતિ આપી. આભાર ! અને એનું સીધું તારણ એ કે વાચકો સાથે મારુ ટ્યુનીંગ થયેલ છે. બાકી ! મેં ખરેખર પાગલ ગુટકાપ્રેમીઓને જોયા છે, મોંમાં કોળીયો ન ભરી શકાતો હોય, એટલા જડબા સંકોચાઈ ગયા હોય તો પણ ‘માવો’ છુટતો ન હોય. મિત્રો પ્રેમમાં પણ આવું જ પાગલપન જોઈએ. એમાં ખોવાય જાઓ તો જ મોતી મળે. આદત ખરાબ પણ હોય શકે પણ અહીં તેને પોઝીટીવ ફોર્મમાં જ લેવામાં આવી છે. હિરણ્યભાઈએ ધીમેથી સ્ટ્રાઈકર માર્યું છે – અનુરાગ હોવો જોઈએ, આસક્તિ નહી – અનુરાગ એ પ્રેમાસક્તિ જ છે.

આજે થોડી વધારે મજાક –

પતિ-પત્નીના સંબંધોના ખાંખાખોળા કરતાં કરતાં કે ફેઈસબુક પરથી એક ફોટોગ્રાફ મળ્યો હતો તે ચીપકાવ્યો છે. સંવાદો લગ્ન પહેલા ઉપરથી નીચેની તરફ વાંચવા અને લગ્ન પછી નીચેથી ઉપર તરફ વાંચવા.

(સોર્સ યાદ નથી આથી અપલોડ કરનાર અનામીનો આભાર !)

 

આવું  પશ્ચિમના દેશોમાં જ બને હોં ! આપણે ત્યાં પતિવ્રતા અને પત્ની વ્રતા !

ટેવ પાડો –

ટેવ પાડો –

શેની ?

ગુટકાની ?

ગુટકાની ટેવ પાડો તો છાપાવાળા લખે ‘ગુટકાપ્રેમી’

પત્નીની ટેવ પાડો તો ………… પત્નીપ્રેમી !

પતિની ટેવ પાડો તો ………….પતિપ્રેમી !

કેટલું સાદુ ગણિત.

મારી પત્નીને પ્રેમ કરું છું એમ કહ્યા કે કર્યા વગર પત્નીપ્રેમી ! એકદમ સરળ !

ખરેખર તો આજે પત્નીઓ દ્વારા એનકાઊન્ટર પછી યુવામિત્રોને પત્ની ‘પહેલા પાળ બાંધવા’ માટે ટીપ્સ આપવી હતી. પણ સીનીયર સીટીઝન ફર્સ્ટના નાતે આજે તેમની વાત અને આજનો યુવાન આવતી કાલનો ………… છે એથી એણે પણ આ વાત ગાંઠે બાંધી લેવી.

દરેક સીનીયર સીટીજન (પુરુષ) ને સવાલ – જો પત્ની અઠવાડીયું પિયર જાય, (જોકે પિયર જવા જેવું રહ્યું ન હોય, કારણ કે યુવાનીના મિત્રો પણ હવે તો આઘાપાછા થઈ ગયા હોય, છતાંય જાય એમ ધારીએ …) સવારની ચા નો કપ, વાંચવાના ચશ્મા, નાસ્તા વખતે ચોકઠું ગોતી આપવું, બીપીની દવા યાદ કરવી.. અને આવું તો ઘણુંય.. કોણ કરે ? (પુત્ર – પ્રૌત્રાદિકની સહાય લેવાની મનાઈ છે !)

ગુટકાનું જવા દ્યો, પણ ચા પીવાની ટેવ હોય તો ચા પીધા વગર કરન્ટ લાગે છે ? પત્ની પણ પિયર જાય તો સવારમાં ચા, ચશ્મા… વગર કરન્ટ લાગે છે ? પત્નીની ‘ટેવ’ પડી ગઈ છે કે નહીં ? મહીલા વાંચકોએ (અલીખીત “સીનીયર સીટીઝન” વાંચી લેવું ….)  પણ બહુ ખુશ થયા વગર આવી જ પરિસ્થિતિ વિચારી લેવી. ગોઠણના ટચાકા બોલતા હોય ત્યારે બુઢ્ઢો જ પાણી ભરી આપે છે. શ્વાસ ફુલી જાય ત્યારે એ જ દવાનો પમ્પ શોધી લાવે છે. પુત્રવધુ ખખડાવતી હોય ત્યારે ઢાલ બનીને એ જ ઉભો રહે છે. આમ પતિની ‘ટેવ’ પડી જ ગઈ હોય છે.

મુળ મુદ્દો ‘ટેવ’ નો છે. પતિ કે પત્નીની ટેવ પાડો. પ્રેમ તેની પાછળ ખેંચાઈને આવી જશે. પ્રેમ કરવાની ‘મહેનત’ નહીં કરવી પડે, આપોઆપ થશે.

ભુમિતિના પ્રમેયની જેમ – ‘ટેવ પાડો, પ્રેમ થશે.’ ઈતિ સિધ્ધમ…

………….

મિત્રો ! આ ફક્ત મજાક નથી !

પત્નીઓ દ્વારા એનકાઊન્ટર –

પત્નીઓ દ્વારા એનકાઊન્ટર –

સવારમાં છાપાનું પાનું ખુલે અને ‘લે ! પતિ અને સાસુ-સાસરાએ ભેગા થઈને વહુને સળગાવી દીધી !’ મોટેથી સમાચાર વંચાય અને સાથે સાથે ચાની ચુસ્કી લેવાય. દિલમાં ક્યાં દુઃખે છે ? સંવેદનાઓ જ સળગી ગઈ છે ને ! આ તો હમણા નજીકના સર્કલમાંથી આનાથી ઉલટા સમાચાર આવ્યા ‘વહુએ પતિ, સાસુ-સસરા સામે હેરેસમેન્ટની ફરીયાદ કરી કે વહુએ  ઘરના અન્ય સભ્યને મારવા લીધા’ પત્નીએ સાસરા પક્ષનું એનકાઉન્ટર કર્યું ત્યારે આ લખવાનું ‘ઉગ્યું’

એક આડવાત કહી નાખવાની લાલચ રોકી શકાય તેમ નથી. ઉપરનો પેરેગ્રાફ ઝીણી નજરે વાંચો તો બે શબ્દો ‘નજીકના સર્કલ’ નજરે પડશે. છાપાના સમાચાર ‘બહારનું સર્કલ’ છે એથી મનને અસર નથી કરતા પણ આ તો ‘નજીક’ ની વાત છે. માણસ કુદરતથી કેટલો વિરુધ્ધ જઈ રહ્યો છે તેનો પુરાવો આવા શબ્દો આપે છે. વિજ્ઞાનીઓ કહે છે કે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે જ્યારે માણસ વિસ્તરવાને બદલે સંકોચાઈ રહ્યો છે. વ્યક્તિ ધીમે ધીમે પોતાનું સર્કલ ‘નાનુ’ કરતો જાય છે અને તેને ‘વિકાસ’ નામ આપે છે.

સ્ત્રી પરણીને, એરેન્જ મેરેજ દ્વારા કે લવમેરેજ દ્વારા, સાસરે આવે ત્યારે એની લાઈફસ્ટાઈલ કેટલી બદલાય એનો વિચાર જે તે સ્ત્રીએ કે પુરુષે ક્યારેય કર્યો છે ? સવારમાં ઉઠવાની ટેવથી માંડીને સાંજે સુવાના સમય અને સ્ટાઈલ સહીત બધું જ બદલાય જાય. પછી આવે ‘એડજસ્ટમેન્ટ’.કેટલાક પત્નીએ કરવાના, કેટલાક પતિએ કરવાના. જો આંકડાકીય સરખામણી કરો તો પત્નીએ કરવાના એડજસ્ટમેન્ટની સંખ્યા વધી જાય, કારણ….., સમાજનું નિયત બંધારણ, પતિનો અને કુંટુંબના વડીલોનો અહમ, સ્ત્રીની સહનશીલતા અને જતું કરવાની (ચાલ્યા કરે….) વૃત્તિ, કોઈક કિસ્સામાં સ્ત્રીની મજબુરી.

હવે સવાલ આવ્યો આપણી મૂળ વાતનો – પત્નીએ ફરીયાદ દાખલ કરી. પત્નીએ ‘એનકાઊન્ટર’નો પ્રયત્ન શા માટે કર્યો ?

પત્ની ઉપર જણાવેલા એડજસ્ટમેન્ટ ન કરી શકી એટલે ?

કે પતિનું કુટુંબ એડજસ્ટમેન્ટ ન કરી શક્યું કે ન સ્વીકારી શક્યું એટલે ?

(આ ચર્ચામાં આપણે Social મુદ્દાઓ – દહેજ, વાંકડો, વગેરે તેમજ Biological મુદ્દાઓને બાકાત રાખશું, Psycological મુદ્દાઓમાં પણ અગાઉના મુદ્દાઓને કારણે મન પર નિપજતી અસરોને સ્પર્શ નહી કરીએ. એ બધી ચર્ચા કરીએ તો ‘પોસ્ટ’ નહીં પણ ‘પુસ્તક’ બને.)

એક તર્ક એવો લગાવી શકાય કે સંબંધની શરુઆતમાં જ ક્યાંક ક્ષતિ હોય છે. પતિ-પત્નીના સંબંધની શરુઆત એરેન્જ હોય, લવમેરેજ હોય કે પશ્ચિમી ડેટીંગ હોય, પણ બન્ને પાત્રો પોતે ‘જે નથી’ તે સ્વરુપે ‘બેસ્ટ રીપ્રેઝન્ટેબલ ફોર્મ’ માં આમને-સામને ઉપસ્થિત થાય છે. એના કારણે જો સંબંધ બંધાય તો તેની સાથે કેટલીક અપેક્ષાઓ પણ બંધાય. પણ સંબંધ બંધાયા પછી જ્યારે વાસ્તવિકતા સ્પષ્ટ થાય ત્યારે લીમીટમાં કેટલીક બાંધછોડ પણ થાય, પણ જો બાંધછોડ લીમીટ બહારની હોય તો ‘સારાપણા’ નો પરપોટો ફુટી જાય, જેમ હવા ભરેલા ફુગામાં એક નાનુ છિદ્ર પડે તો તેમાંથી ધીમે ધીમે હવા નીકળી જાય છે. પછી ધીમે મનદુઃખ વધે અને એકવાર મતભેદનો જન્મ થાય પછી નાની વાતો પણ પોતાના વિરુધ્ધની જ લાગવા માંડે. આના ઉપાયમાં મતભેદને ઉગતો જ ડામવો પડે. તો જ વિશ્વાસનું વાતાવરણ સ્થપાય અને પરિસ્થિતિ વણસે નહી. બીજા ઉપાયમાં બન્ને પાર્ટી જે ‘એડજસ્ટમેન્ટ’ કરે છે તેની જાણકારી સ્પષ્ટ કરી લે એ જરુરી છે. જેમકે પત્નીને પિયરમાં મોડા ઉઠવાની ટેવ હતી પણ સાસરે વહેલાં ઉઠવાનું છે તો તે તેનું ‘એડજસ્ટમેન્ટ’ છે, અને આ વાત બધાના મનમાં સ્પષ્ટ હોય તો, કોઈ દિવસ પત્ની મોડી ઉઠે તો પહાડ ન તૂટી પડવો જોઈએ. પત્ની પક્ષે પણ માફીના સ્વરમાં ‘અર..ર..ર, આજે તો બહુ મોડુ થઈ ગયુ’ એવું બોલાય તો, શક્ય છે વહાલનો વરસાદ પણ વરસી જાય.

આ તર્ક સાથે પુર્ણપણે સંમત થવાય તેમ લાગતું નથી, કારણ કે લગ્ન પછીના કેટલાક વર્ષો બાદ જ્યારે પતિ-પત્ની વચ્ચે કે કુટુંબમાં તિરાડ પડે ત્યારે સવાલ ઉઠે કે આટલા વર્ષોના ‘એડજસ્ટમેન્ટ’ પછી હવે આ તિરાડ ક્યાંથી ? આમાં તો માનવ મનની વિચિત્રતા જ કારણભૂત બનતી હશે. વિજ્ઞાને એવું તો સિધ્ધ કરેલ છે કે આપણું વર્તન અને વિચાર એ બન્ને એકબીજા પર અસર કરે છે. જેવા તમારા વિચાર તેવું તમારું આચરણ. વિચારો પર પરિસ્થિતિની અસર પડે છે. જો પરિસ્થિતિને સમજીએ તો વિચાર સમજાય, જો વિચાર સમજાય તો વર્તનમાં સમજણપૂર્વક ફેરફાર કરી શકાય. (આમ તો આ બે-ત્રણ લીટીનું લખાણ થયું પણ વિચારવાનું કામ મોટું છે, વિચારશો તો કદાચ ‘આદર્શ’ નહી લાગે પણ ‘વાસ્તવિક’ લાગશે. બાકી તો હરિ ઈચ્છા…. નહીં, … તમારી ઇચ્છા !)