નિજ દોષ દર્શન, પણ યુવાનોનું શું ? –

જૈન ધર્મ, દાદા ભગવાન દ્વારા જેના પર વધુ ભાર મુકવામાં આવ્યો છે તે પ્રતિક્રમણ.

સાદી પ્રક્રીયામાં વ્યક્તિએ પ્રતિક્રમણ દ્વારા નિજ દોષ દર્શન કરવાનું હોય છે. એવું પણ સાંભળ્યું કે મહાવીરના સમકક્ષ પહોંચવા માટે રોજના સો પ્રતિક્રમણ કરવા જોઈએ.

meditation-6

(Image taken from – http://casnocha.com/2012/08/reflections-and-impressions-from-a-10-day-meditation-course.html/meditation-6 – with thanks)

આ બધુ સમજવામાં એટલી તકલીફ પડે છે કે આ બધુ યુવાનો કરી શકે ?

જેમની પર ઘરની જવાબદારી છે, આવક-જાવકના બે છેડા ભેગા કરવાના છે, માંડ માંડ નોકરી કરે છે કે સામાન્ય રોજગાર ચલાવે છે, લક્ઝરી નહી પણ જીવનજરુરીયાત પુરી કરવાના ફાંફાં પડતા હોય એવા માણસો ‘નિજદોષદર્શન’ કરી શકે ?

ઓફીસમાંથી જવા-આવવાના માટે રિક્ષાનું ભાડું મળે છે, પણ એ પૈસા બચાવી શકાય તો સાંજના શાકભાજીનો મેળ પડતો હોય એ વ્યક્તિ નિજદોષ દર્શનમાં  ક્યો દોષ જોઈ શકે ? શું એ ઓફીસની નિયત રકમ અન્ય ખર્ચમાં વાપરે છે એ ખોટું છે ? અહીં દલીલ થાય કે તેને ઓફીસમાંથી પૈસા મળી ગયા આથી હવે તે તેના થઈ ગયા, હેતુફેર માટે વપરાયા તેમાં ગુનો નથી. શું શાસ્ત્રીય રીતે ગુનો નથી ? આવા તો અસંખ્ય દાખલા છે.

સવાલ એ આવે છે કે સામાન્ય માણસ જે રોજીરોટી માટે આખો દિવસ મહેનત કરતો હોય, માન-અપમાન સહેતો હોય અને સાંજે સામયિક કરવા બેસે ત્યારે પણ તેણે પોતાના જ દોષ જોવાના ? શું દરેક કાર્યો માટે પોતે જ જવાબદાર છે એવું સ્વીકારવું ? કુટુંબનું ભરણપોષણ એ તેની સામાજીક જવાબદારી નથી ?

વાલીયા લુટારાની વાર્તામાં, એને કહેવામાં આવે કે જા તારા ઘરના સૌને પુછી આવ કે આ ચોરી-ચપાટીના પાપમાં તે સૌ ભાગીદાર છે ? જવાબ ગમે તે હોય પણ વાલીયો જો ‘મારું’ કુટુંબ સમજી એની જવાબદારી ઉઠાવવાની મહેનત કરે તો ખોટું શું છે ?

જો બધા જ ‘મારું-તારું’ છોડી સાધુ બને તો સંસારચક્ર કેમ ચાલી શકે ?

આ બધા કરતાં એક વધારે અગત્યનો મુદ્દો એ આવે કે જો વ્યક્તિ એવું વિચાર્યા કરે ‘જે કંઈ કરું છું એમાં મારો જ દોષ છે’ તો કામ કરવાનું મોટીવેશન જ તૂટી જાય. કામ કરી જ ન શકે.

ઓફીસમાં વ્યક્તિએ ઓફીસ નિયમ અનુસાર જ કાર્ય કર્યુ હોય પણ તે બોસની ‘અપેક્ષા’ મુજબ ન હોય અને કર્મચારીને ઓફીસમેમો મળે તો એ કર્મચારીનો દોષ છે ? મારા અનુભવની જ વાત છે. ‘ફક્ત’ બોસની અપેક્ષાઓ મુજબ કામ ન કરવાની ‘સજા’માં ૨૩ વર્ષની નોકરી દરમ્યાન ૧૧ વર્ષ  કુંટુંબથી દુર રહેવાનું થયું અને અંતે કામ કરવની પ્રેરણા જ ખતમ થઈ ગઈ. અંતે મને ખુબ ગમતુ કાર્ય છોડી વહેલો રીટાયર થઈ ગયો. હવે, હું મારો શું દોષ શોધું કે સ્વીકારું ?

આ તો પ્રોફેશનની વાત થઈ, પણ ઘરમાં પણ સંબંધોનો શું ? પિતા-માતા, પત્ની-બાળકો સાથે સમાજના ઘડેલા સામાન્ય નિયમો પ્રમાણે વર્તન થતું હોય, પણ તેમાં તેમની ‘અપેક્ષા’ઓ ભળવાની જ છે. અને જો આ અપેક્ષાઓ વ્યક્તિ સંતોષી ન શકે તો તે ક્યા ‘દોષ’નું નિરિક્ષણ કરે ?

મને લાગે છે કે ‘નિજદોષ દર્શન’ થી મોટામાં મોટો અવરોધ આવતો તે – ‘વ્યક્તિમાં પોતાના માટે ‘હીનતા’ ની ભાવના ઉત્પન્ન થાય’. મંદીરોમાં ભક્તો જેમ ગરીબડા થઈને માગે કે ‘હે ભગવાન ! હું તો આધારહીન છું તું બચાવી શકે તો બચાવ’

‘ગરજ હોય તો આવ ગોતવા, હું શીદ આવું હાથ હરિ !’ ની ખુમારી જતી રહે.

(વધુ સંદર્ભ – https://bestbonding.wordpress.com/2012/07/22/god-2/)

શું આપણે સૌએ દીનહીન થઈને જીવવાનું છે ?

‘નિજ દોષ દર્શન’ ના બદલે માનવી ‘નિજ દર્શન’ કરે તો શું ?

રોજ પોતે કરેલા કાર્યોને પોતાની ‘સમજણ’ પ્રમાણે મુલવી જુએ, કોઈ જગ્યાએ કન્ફ્યુઝન લાગે તો તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરે. એટલું ચોક્કસ કે તેણે પોતાની ‘સમજણ’ કેળવવી પડે, તેમાં ‘તટસ્થ’ બનવું પડે. તટસ્થ થયા બાદ ‘દોષ’ દેખાય તો જરુરથી સ્વીકારવો જોઈએ, ભુલ કબુલ કરવી જોઈએ.

તમને ક્યું દર્શન કરવાનું ગમશે ? – ‘નિજદોષ દર્શન’ કે ‘નિજ દર્શન’ ?

18 comments on “નિજ દોષ દર્શન, પણ યુવાનોનું શું ? –

 1. મારા મગજમાં ચાલતી દ્વિધાઓ તમે અભિવ્યક્ત કરી!
  કદાચ મધ્યમ માર્ગ કામમાં લાગે. કશાનો અતિરેક નહીં. બીજાના જ ( ભાર સાથે ) દોષો જોવાની વૃત્તિ બને તેટલી ઓછી કરવી. બાકી ‘ બધા માટે હું જ જવાબદાર છું.’ એ વીતરાગી મહાત્મા જ કરી શકે – એમ મારું માનવું છે.

  અને બધા વીતરાગી મહાત્મા બની જશે – તો સંસાર ચાલશે શી રીતે? !!

  Like

  • jagdish48 says:

   બહુ દિવસોની દ્વિધાને અંતે આ લખાયું છે.
   મારી અભિવ્યક્તિને હુંફ આપવા બદલ આભાર.

   Like

  • Sharad Shah says:

   પ્રિય સુરેશભાઈ,
   પ્રેમ.
   જેને આપણે સંસાર કહીએ છીએ તે શું છે? સંસાર ક્યાં બહાર દેખાય છે? શું બહાર આ આચ્છાદિત વૃક્ષો, વનરાઈઓ, સરિતાઓ, ગિરિમાળાઓ, પક્ષીઓ, પશુઓ, માનવો કે અન્ય જડ-ચેતન શૃષ્ટિમાં સંસાર દેખાય છે? સંસાર આપણા ચાર સગાસંબધી,મિત્રો કે ઓળખિતા પારખીતા પુરતો મર્યાદિત છે? સંસાર શું છે?
   આપણને એ ખબર નથી. પણ સંસાર કેમ ચાલશે તેની ફિકર છે. આપણા આવાં પરોપકારી લાગતાં વચનો અસલમાં ચાલાક મનની ચાલ સિવાય કાંઈ હોતું નથી. સાધના કે બુધ્ધના વચનો મનના મૃત્યુ ભણી લઈ જશે. એટલે ચાલાક મન સંસાર, સમાજ જેવા શબ્દો ની ઈજાદ કરી નાંખે છે.
   બુધ્ધ પુરુષો જે સંસારની વાત કરે છે તે કોઈ બહારના સંસારની વાત નથી. આપણી ભિતર જે મનની માયાજાળ છે તેને તેઓ સંસાર કહે છે. અને જેટલાં માથા તેટલાં સંસાર છે. ભિતરના મનની માયાજાળમાં આનંદ આવતો હોય તેમના માટે બુધ્ધના વચનો નથી. પરંતુ જેમને દેખાય છે કે સંસાર દુઃખ છે તેમના માટે જ બુધ્ધના વચનો છે.
   શેષ શુભ.
   પ્રભુશ્રીના આશિષ.
   શરદ.

   Like

 2. pragnaju says:

  બીજાના નાના ગુણ મોટા કરીને જોવા અને પોતાના દોષ મોટા કરીને જોવા.

  परगुणपरमाणूम् पर्वतीकृत्य नित्यम् । –

  આનો સત્ય સાથે મેળ કેવી રીતે બેસે ?
  સંતનો ઉતર મળ્યો,” આ તો સ્કેલ છે.
  નકશામાં બે ઈંચને આપણે પચાસ માઈલ ગણીએ છીએ, એવું જ આ છે.

  Like

  • jagdish48 says:

   વિજ્ઞાનના બીજા બધા નિયમો લોકો યાદ રાખે છે, પણ સાદો નિયમ ભુલી જાય છે –
   આંખની નજીક હોય તે મોટું દેખાય. (પણ આપણા જ દોષ નાના જોઈએ છીએ)
   વિજ્ઞાન અને ધર્મને સગવડીયા બનાવ્યા છે.
   હશે, આપણે તો જીવો અને જીવવા દો !

   Like

 3. Vijay Shah says:

  નિજ દોષ દર્શન કે નિજ દર્શન એ અનેકાંતવાદ તરફ જવાની કેળવણી છે. જે મોહ માયા ને શિથિલ કરે છે.
  મોહમાયા સંસારને વધારે છે અને તેથી જન્મ મરણ નું ચક્ર કદી અટકતુ નથી.. આત્મા તરીકે જેઓ આ ૮૪ લાખ યોની ભવાંતરણ થી થાક્યા હોય તેઓ માટે જ આવી મોક્ષગમન તરફ જતી કેડીઓ છે.. અને તેઓ એવુ કદી નથી વિચારતા કે સંસાર શી રીતે ચાલશે? તેઓ હીન નથી બનતા. તેઓ “વીર” બને છે કારણ કે તે સમજે છે હલકા થશો તો જ ઉર્ધ્વ ગમન છે અને તે કઠીન છે પણ દુર્લભ નથી.જ્ઞાની કહે છે સાચી દિશામાં લીધેલ પહેલું પગથીયું મંઝીલથી તમને એક પગથીયું નજીક લઇ જાય છે. માટેજ વાંચન મનન અને મુક્તિની ઝંખનાની દિશાએ જવા “મારુ” ને બદલે “તારુ” કહી ત્યાગની કેડીએ જે ચઢે તે “વિતરાગ” બનવાની દિશા તરફ પહેલુ કદમ આગળ વધ્યો કહેવાય.
  “મન” નામનો રોગ હમેશા “ભવિષ્ય”ના ભયો બતાવી બતાવીને દ્વિધા જન્માવ્યા જ કરે છે.
  હું “અલ્પમતિ” સ્વિકારવાથી અભિમાન છુટે અને પ્રભુ હું રિધ્ધિ સિધ્ધિ નો નહીં પણ “ભવાંતરનાં પુનઃરપિ જનની શરણં” નામના રોગથી મુક્ત થવા માંગુ છુ તેવું ઈચ્છવું તે “પ્રતિ ક્રમણ “છે
  સાહીઠની ઉપર જ્યારે લાગે કે જેટલુ જીવ્યા છે તેટલુ નથી જીવવાના ત્યારે વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમની પ્રથા આજ કારણે શ્રેષ્ઠ છે જ્યાં મોહ ક્ષીણ થાય અને આત્માનાં ઉધ્ધારની વાત પ્રબળ બને. યુવાજનો આ વાત નહી સમજે.. સમજાવવાનો પ્રયત્ન પણ અર્થહીન કારણ કે તેમને માટે મૃત્યુ હજી દુર છે.
  સંસાર તો અનાદી અનંત કાળ થી ચાલે છે અને ચાલતો રહેશે પણ આપણા આ અજર અને અમર આત્માને સાચી ભાષામાં Rest in Peace ( RIP) ત્યારે જ મળે જ્યારે તે ભવરોગમાં થી મુક્ત બને. માટે જ કહેવાય છે ” પરથી ખસ અને સ્વમાં વસ”

  અસ્તુ.

  Like

  • jagdish48 says:

   “પરથી ખસ અને સ્વમાં વસ”
   એ સંપુર્ણ સત્ય છે જ. મને એક જ પ્રશ્ન મુંજવે છે કે યુવાનો, જો ‘હું જ દોષી’ માનવા માંડે તો કામ કરવાનું તેમનું જોમ નબળું પડે. અને તેથી જ મને લાગે છે કે જો યુવાનો ‘નિજ દર્શન’ થી શરુ કરે તો કદાચ ભવિષ્યમાં ‘નિજદોષ દર્શન’ તરફ પ્રયાણ કરી શકશે.
   અભિમાન છોડવા ‘અલ્પમતિ’ સ્વીકારવા કરતાં ઓપન માઈન્ડ રાખી નવું સ્વીકારવાની તૈયારી રાખે તો એ કદાચ વધારે અસરકારક બનશે.
   આજના યુવાનો હવે ‘શ્રધ્ધા’ માં રસ લેતા થયા છે. આવી વાતોમાં રસ દર્શાવે પણ ખરા.
   જોઈએ ! આપણે તો પ્રયત્ન કરીએ !
   આભાર

   Like

 4. સહુ પ્રથમ તો જ્ઞાન લેનારા ઓછા હોય છે. તેમાંથી યે પ્રતિક્રમણ કરનારા ઓછા હોય છે. તેથી સંસાર અટકી જશે તેવી ચિંતા તો કોઈએ કરવી જ નહીં.

  નીજ દોષ દર્શન અને નીજ દર્શન બંનેની આવશ્યકતા છે. બીજા સાથે વ્યવહારમાં ક્યાં ભુલ થઈ તે જોવા માટે સહુ પ્રથમ તો નીજ દર્શન કરવું જોઈએ. દોષ દેખાય તો દૂર કરવાનો પ્રયાસ કરી શકાય નહીં તો નીજ દર્શનનો આનંદ એટલો છે કે પછી સ્વના કે અન્યના કોઈ દોષ નહીં દેખાય.

  ટુંકમાં નીજ દોષ દર્શન માટે કે નીજ દર્શન માટે પણ દરેકે સ્વ સાથે બેસવું જરુરી હોય છે.

  યુવાન વયે જાત સાથે જીવવાની ટેવ પાડી હોય તો મોટપણે તે અભ્યાસ વધારે દૃઢ થઈ શકે. બાકી મોટા ભાગનાના પાકા ઘડે કાંઠા ચડતા હોતા નથી. તેથી સ્વ-મૂલ્યાંકનની ટેવ તો નાનપણથી પાડવી જોઈએ.

  Like

 5. jagdish48 says:

  ‘ સ્વ-મૂલ્યાંકનની ટેવ તો નાનપણથી પાડવી જોઈએ.’
  ખુબ જ સાચું.
  નિજ દર્શન થશે એટલે નિજદોષ દર્શન થશે જ.

  Like

 6. Vipul Desai says:

  બધા પ્રોબ્લેમોનું મૂળ માનવીનું મન છે. મન ને ઊંધેથી વાંચો તો નમ થાય. જયારે તમે કોઈપણ વસ્તુમાં નમો એટલે તમારામાં રહેલું અહંત્વ અને અભિમાન ઓછું થાય. જ્યારે નિજદર્શન કરો ત્યારે તમે તમારામાં રહેલા દોષને ફરીવાર રીપીટ નહી થાય એવો પ્રયત્ન કરો એટલે લાંબેગાળે નીજદોષ રહેવાની કોઈ શક્યતા જ નથી. વાંચીએ લખીએ ત્યારે બધું ખુબ જ સારું લાગે પરંતુ બધું અમલમાં મુકવાની જ તકલીફ છે. એટલે નિજદર્શન કરીને જો નિજના દોષોને દુર ન કરી શકાય તો નીજદર્શન કરવાનો કોઈ મતલબ ખરો? એ તો રોજ મંદિરે જનારા મંદિરનું પગથીયું જેવી ઉતર્યા કે બધી જાતના પાપો કરવા મંડી પડે એવું છે.
  યુવાન હોય કે વૃદ્ધ, જગદીશભાઈએ કહ્યું તેમ જો સ્વ-મૂલ્યાંકનની ટેવ નાનપણથી પાડવી જોઈએ. મને તો ઘણીવાર આવી બધી ચર્ચાઓ વાંચું છું ત્યારે લાગે છે કે એમાંથી એક ટકો પણ અમલમાં મુકાય તો આવા સવાલો ઉભા થાય ખરા?

  Like

  • jagdish48 says:

   સમજણ વગર કાર્ય કરતા રહેવાથી મન અને શરીર ‘ટેવાય’ જાય. જેમ ધાર્મિક ક્રિયાઓ એક ‘રીચ્યુઅલ’ બની ગઈ છે. વાહન પર પસાર થતી વ્યક્તિઓ મંદીર પાસેથી પસાર થાય એટલે કપાળે/આંખે હાથ ફેરવે, આ વખતે મનમાં બીજા જ વિચાર ચાલતા હોય છે. હવે આવી રીતે ‘નિજ દર્શન’ કરીએ તો પણ વ્યર્થ જ છે ને !
   આભાર, વિપુલભાઈ.

   Like

 7. Sharad Shah says:

  પ્રિય જગદીશભાઈ,
  પ્રેમ.
  આપના બ્લોગ પર પ્રથમવાર આવી રહ્યો છું. આપનો બ્લોગ અનેકો માટે માર્ગદર્શક બને અને પ્રેમ અને આનંદ વહેંચતાં વહેંચતા આપ પણ દિનપ્રતિ દિન પ્રેમ અને આનંદથી ભરાઓ તેવી શુભેચ્છા.
  અહીં જે મુંઝવણ તમે અનુભવી રહ્યા છો તેવી મુંઝવણ અન્ય મિત્રોની પણ છે જ કદાચ તેઓ વ્યક્ત નથી કરી શકતા. મારી સમજ મુજબ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું સમજાય તો ઠીક અને ન સમજાય તો કોઈ સતગુરુની શરણે જજો યોગ્ય સમયે સમજાઈ જશે.
  પ્રબુધ્ધ લોકોના વચનો આપણને ન સમજાવાનુ કારણ છે કે એ લોકો જે સ્થાનેથી (ઊંચાઈ એથી) વાત કરે છે તે સ્થાને આપણે નથી તેથી તેમની વાતો આપણી પકડમાં આવતી નથી. બીજી ભાષામાં કહુંતો આપણું માંઈન્ડ એટલું બધું પ્રોગ્રામ્ડ (જાતજાતના પ્રોગ્રામથી ગ્રસિત (over programed) છે કે આપણને સીધી સાદી વાત સમજાતી નથી.એક ઉદાહરણથી સમજાવું કદાચ મારી વાત પકડાય. જેમકે હું એક શબ્દ કહું છું………. “ગુલાબ” …………………………………………………………………………………………………………………………………………………………………………
  આ શબ્દ સાંભળતાં,સાંભળનાર દરેક વ્યક્તિની અંદર તેનુ પ્રોગ્રામ્ડ મન જે રીતે પ્રોગ્રમ્ડ થયેલું છે તે મુજબ જુદી જુદી પ્રક્રિયા શરુ કરશે. અને એશોશિએટેડ થીંકીંગ પ્રોસેસ શરુ થશે.જેમકે મારા મનનો પ્રોગ્રમ કહે કે “ગુલાબનુ ફુલ સુંદર છે” એટલે મારી આંખ ગુલાબના ફુલમાં સુંદરતા શોધશે. વળી મનનો સ્વભાવ છે કમ્પેરીઝન એટલે મારું મન તુરંત કમ્પેરીઝન શરુ કરશે. અને વિચારશે કે, “અરે! મૈસુરના વૃંદાવન ગાર્ડનમાં એક કાળું ગુલાબ જોયું હતુ તે ગજબનુ સુંદર હતું, આ તો કાંઈ નથી.” અને શરુ થશે એક પછી એક અશોશિયેટેડ થિંકીંગ પ્રોસેસ અને હું ગુલાબનુ અસ્તિત્વ એની તાજગી એનું અદ્ભુત સૌંદર્ય જે અત્યારે આ ક્ષણે છે તે ચુકી જઈશ.(દરેક વાચક આ અનુભવી જુએ તો મારી વાત સમજવી સરળ થશે.)
  આટલી પૃષ્ટભુમિ કદાચ આખી સમજવામાં મદદરુપ થાય.
  સતગુરુઓના વચનો કોઈ પ્રોગ્રામ્ડ માંઈન્ડની પેદાશ નથી અને આપણું માઈન્ડ પ્રોગ્રામ્ડ છે જે અસલ વાત પકડી નથી શકતું અને આપણને રવાડે ચઢાવે છે.
  અહી દાદાભગવાન કે ભગવાન મહાવીર જે પ્રતિક્રમણની વાત કરે છે તેને અને જૈનો જે પ્રતિક્રમણ કરે છે તેને નહવા નીચોવાનો પણ સંબંધ નથી. દાદાભગવાન જે નિજદોષદર્ષનની વાત કરે છે તે દરેક વાતમાં આપણો દોષ જોવાની વાત નથી.
  હું સમજું છું કે રોજબરોજ આપણે પાંચેય જ્ઞાનેન્દ્રિયોથી (આંખ, નાક, કાન, સ્પર્શ, જીભ) દ્વારા અનેક પ્રકારનો કચરો જાણે અજાણ્યે આપણા મનમાં ભેગો કરીએ છીએ પણ તે કચરો કદી સાફ કરતાંજ નથી અને તેની દુર્ગંધથી પરેશાન છીએ પણ ખબર નથી પડતી કે જીવનમાં આ દુર્ગંધ ક્યાંથી ઉઠે છે અને આપણે હંમેશા બીજાને તે માટે દોષિ ઠરાવીએ છીએ કે પત્ની કર્કશ મળી છે એટલે આ દુર્ગંધ જીવનમાં છે કે પછી બોસ કે દિકરો કે અન્ય કોઈને આપણે સદા દોષી ઠરાવતા હોઈએ છીએ. પ્રતિક્રમણ એ અર્થમાં નીજદોષ દર્શન છે. અથવા બીજી ભાષામાં કહુંતો મનનો કચરો સાફ કરવાની પ્રક્રિયા છે. ક્લિન્સીંગ પ્રોસેસ.
  આપણે આપણું ઘર કે શરીર (એકદિ’ મુકીને જતા રહીશું) સાફ રાખવા માટે તો શ્રમ કરીએ છીએ પણ મન જે જન્મો જન્મ આપણી સાથે આવવાનુ ચે તેની સફાઈની કોઈ દરકાર નથી કરતા. મને લાગે છે કે મનને ચોખ્ખું રાખવું ઉમ્મરના બાધ વગર દરેક માટે જરુરી છે. યુવાનોનુ મન કદાચ ઓછું કચરાગ્રસ્ત છે અને તેમને સફાઈમા આપણી સરખામણીમાં ઓછો શ્રમ કરવો પડે. ઘરડું મન વધુ કચરાગ્રસ્ત છે અને જડ પણ. એટલે તેના માટે પ્રતિક્રમણ થોડું મુશ્કેલ છે. પણ અતિ આવશ્યક છે.
  શેષ શુભ.
  પ્રભુશ્રીના આશિષ.
  શરદ

  Like

  • jagdish48 says:

   શરદભાઈ,
   આવકાર અને આભાર.
   આપ જે ક્લીન્સીંગ પ્રોસેસની વાત કરો છો એ કદાચ મારી સમજણ પ્રમાણે –
   ‘નિજ દોષ દર્શન’ ના બદલે માનવી ‘નિજ દર્શન’ કરે તો શું ?
   રોજ પોતે કરેલા કાર્યોને પોતાની ‘સમજણ’ પ્રમાણે મુલવી જુએ, કોઈ જગ્યાએ કન્ફ્યુઝન લાગે તો તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરે. એટલું ચોક્કસ કે તેણે પોતાની ‘સમજણ’ કેળવવી પડે, તેમાં ‘તટસ્થ’ બનવું પડે. તટસ્થ થયા બાદ ‘દોષ’ દેખાય તો જરુરથી સ્વીકારવો જોઈએ, ભુલ કબુલ કરવી જોઈએ….
   હોય શકે.
   એક વધારાની વાત કરી શકાય – Programmed Mind – એ કદાચ આપણા સામાજીકરણની પેદાશ હોય શકે. “યુવાનોનું મન ઓછું કચરાગ્રસ્ત છે” એ બાબત આ વાતની પુર્તિ છે.
   પણ – Universal Conscience – વિષે વધુ વિચારવું જરુરી લાગે છે.

   Like

   • Sharad Shah says:

    મારી સમજ મુજબ નીજ દોષ દર્શન અને નીજ દર્શનમાં જે ભેદ છે તે એ છે કે જ્યાં સુધી દોષ દુર નથી થતા ત્યાંસુધી નીજ દર્શન સંભવ નથી બનતું. જેમ સૂર્યની ઉપસ્થિતિ હોય તેમ છત્તા જો ઘનઘોર વાદળોથી તે ઢંકાયેલો હોય તો સુર્યદર્શન શક્ય નથી. બસ આમ જ આપણું જે નીજ સ્વરુપ છે તે ભલે પરમાત્માનો અંશ હોય છત્તાં દોષોથી ઘેરાયેલો હોવાથી નીજ દર્શન શક્ય નથી બનતું. એથી એમ કહી શકાય કે નીજ દોષ દર્શન એ અધ્યાત્મ ની યાત્રાનુ પ્રથમ ચરણ છે અને નીજ દર્શન તે અંતિમ ચરણ છે.

    Like

   • Sharad Shah says:

    બીજું આપ કહો છો કે આપણે કરેલા કાર્યોની મુલવણી તટસ્થ ભાવે કરવી તે નીજ દર્શન છે. આ એક પ્રોફેશનલની ભાષા છે અને તમે અને હું આખી જીંદગિ આજ ભાષા બોલતા રહ્યા છીએ એટલે અધ્યાત્મની ભાષા સમજવી આપણા માટે અને આપણા જેવાં અનેકો માટે મુશ્કેલ બને તે સ્વાભાવિક છે.પ્રોફેશનની કે વહેવારની ભાષામાં નફો-નુકશાન, ફાયદા-ગેરફાયદા, પ્રગતિ-અધોગતિ, સફળતા-નિષ્ફળતા અને બીજા અનેક શબ્દોના જે અર્થ છે તે અર્થ અધ્યાત્મની ભાષામાં જુદા છે.એટલે અધ્યાત્મ પ્રોગ્રામ્ડ માઈન્ડથી સમજવું મુશ્કેલ છે.
    મારી વાત એક ઉદાહરણથી સમજાઊં કદાચ પકડાય. જેમકે દિવસ દરમ્યાનની આપણી સામાન્ય દિન ચર્યા ઉપરાંત હું સવારે મંદિર દર્શન કરવા જાઊં, મંદિર પાસે બેઠેલા બેચાર ભિખારીને પાંચ પચ્ચીસ રુપિયા દાન કરું, સંધ્યા પૂજા કરું, રાત્રી ધ્યાન કરું અને પછી રાત્રે જ્યારે નીજ દર્શન કરવા બેસું ત્યારે મારું પ્રોગ્રામ્ડ માઈન્ડ કહેશે કે મંદિર દર્શન, દાન, પૂજા, ધ્યાન વગેરે ખુબ સારા કામ કર્યા ફક્ત એક જ ખરાબ કામ થયું તે મેં મારા સબોર્ડિનેટને કામમાં વેઠ ઉતારવાને કારણે ધમકાવ્યો. આ છે આપણું વહેવારિક વિશ્લેષણ. અને આ વિશ્લેષણ સાથે સો ટકા આપણા જેવાં વહેવારિક લોકો સહમત થશે. કારણકે આપણા બધાનું માઈન્ડ કેટલીક મૂળભુત બાબતો માટે સરખું પ્રોગ્રામ્ડ છે. જેમ કે દાન કરવું કે પૂજા-પ્રાર્થના કરવી કે ધ્યાન કરવું તે સારી બાબત છે કે પુણ્યનુ કામ છે.
    અધ્યાત્મમાં એવું નથી. અધ્યાત્મ કહે છે તમે શું કરો છો તે અગત્યનુ નથી, પણ કેવી રીતે કરો છો તે વધારે અગત્યનુ છે. તમે દાન પણ કરો અને ૦.૦૦૦૦૦૦૦૧% પણ જો મેં દાન કર્યું તેવો ભાવ મનમા ઉત્પન થયો તો જે દાન પુણ્ય બની શકતું હતું તે જ દાન પાપ બની જાય છે. તમે મંદિર જાઓ તે અગત્યનુ નથી પણ કેવા આશયથી જાઓ છો તે વધુ અગત્યનુ છે. મંદિરમાં જઈ ધાર્મિક દેખાવા માંગો છો, માંગણીઓ કરવા જાઑ છો, સમાજમાં ઉંચા દેખાવા જાઑ છો, બીજા ભક્ત અને ભક્તાણીઓને જોવા જાઑ છો કે જે વગર લાયકાતે પરમાત્માએ તમને બેસુમાર આપ્યું છે તે માટે તેનો આભાર માનવા જાઑ છો? મંદિરે જતાં ભક્તો ભાગ્યે જ કોઈ ભક્ત હશે જે પરમાત્માનો આભાર માનવા જાય છે. બાકી મોટાભાગના લોકોના આશય દોષ યુક્ત જ હોય છે. અને આ દોષ જે મનમાં ઘર કરી ગયેલાં છે તે દેખાય તો જીવનમાં એક ક્રાંતિની શરુઆત થાય છે. અધ્યાત્મ કહે છે કરવું એટલે કે કર્તાભાવ હોવો એ જ પાપ છે અને અકર્તાભાવ પુણ્ય છે. જે કાઈ કરો તે પૂરા પ્રેમથી કરો અને અકર્તાભાવે કરો અને પરિણામની આશા ન રાખો. પણ આપણું પ્રોફેશનલ માઈન્ડ કહેશે કે આ તો બધી અગમ વાણી અને નવરા બેઠા નખ્ખોદ વાળવા બેઠેલાની વાતો છે આપણે તો જીવનમાં સફળ થવું છે ધન, સત્તા, પ્રતિષ્ઠા કમાવાની છે. આ લોકોની વાતો સાંભળીએ તો ન ઘરના રહીએ ન ઘાટના. આપણે તો આઘા રહેવું જ સારું. અને પછી આપણે શરુ કરીએ છીએ જાતજાતની છટકબારીઓ અને દલીલો અને આપણે પાછા હતા ત્યાંને ત્યાં નર્કભરી દુનિયામાં. નર્કમાં જીવવાનુ ફાવી ગયું હોય તો કાંઈ ખોટું નથી. પણ પછી પાછા બુમાબુમ કરીએ છીએ અને આ નર્કની પીડાઓ માટે અન્યને દોષી ઠેરાવીએ છીએ. જેથી હું દોષી બનતો બચી જાઊં. કેટલાક ચાલાક મને તો દોષારોપણનો સરળ ઈલાજ શોઢી કાઢ્યો છે કે દોષ સદા સમાજનો કાઢવો, તુંરત આપણી વાત સાથે સહમતી દર્શાવતા હજારો લોકો આપણા જેવાં મળી આવશે અને તુંરત પુરતી રાહત થઈ જશે. બળતા ઘા પર થોડી ઠંડક. બસ આમ ઘા પર થોડી ઠંડક કરતાં કરતાં જીવન વીતી જાય છે અને ઘા નો ક્યારેય ઈલાજ શક્ય નથી બનતો. અધ્યાત્મ છે ઘા ને જડમુળથી નાબુદ કરવાની ચિકિત્સા. આપણી દશા હાડકું ચાવતા કુતરા જેવી હોય છે. હાડકાંમાં કી રસ નથી હોતો પણ હાડકું ચાવતાં ચાવતાં દાંત અને પેઢાં ઘવાતાં તેમાંથી જે લોહી નીકળે ચે તેને કુતરાને થાય ચે કે હાડકાનો સ્વાદ છે અને તે હાડાકું ચાવતો રહે ચે અને આપણે પણ આ બધી ચર્ચાઓ કર્યા પછી હાડકું ચાવવાના જ છીએ. રસ જે ઝરે છે તે કેમ મુકાય, ભલે તે મારા જા લોહીનો હોય.

    Like

 8. Sharad Shah says:

  With some correction and elaboration.
  પ્રિય જગદીશભાઈ,
  પ્રેમ.
  આપના બ્લોગ પર પ્રથમવાર આવી રહ્યો છું. આપનો બ્લોગ અનેકો માટે માર્ગદર્શક બને અને પ્રેમ અને આનંદ વહેંચતાં વહેંચતા આપ પણ દિનપ્રતિ દિન પ્રેમ અને આનંદથી ભરાઓ તેવી શુભેચ્છા.
  અહીં જે મુંઝવણ તમે અનુભવી રહ્યા છો તેવી મુંઝવણ અન્ય મિત્રોની પણ છે જ કદાચ તેઓ વ્યક્ત નથી કરી શકતા. મારી સમજ મુજબ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું સમજાય તો ઠીક અને ન સમજાય તો કોઈ સતગુરુની શરણે જજો યોગ્ય સમયે સમજાઈ જશે.
  પ્રબુધ્ધ લોકોના વચનો આપણને ન સમજાવાનુ કારણ છે કે એ લોકો જે સ્થાનેથી (ઊંચાઈ એથી) વાત કરે છે તે સ્થાને આપણે નથી તેથી તેમની વાતો આપણી પકડમાં આવતી નથી. બીજી ભાષામાં કહુંતો આપણું માંઈન્ડ એટલું બધું પ્રોગ્રામ્ડ (જાતજાતના પ્રોગ્રામથી ગ્રસિત) છે કે આપણને સીધી સાદી વાત સમજાતી નથી.એક ઉદાહરણથી સમજાવું કદાચ મારી વાત પકડાય. જેમકે હું એક શબ્દ કહું છું………. “ગુલાબ” …………………………………………………………………………………………………………………………………………………………………………
  આ શબ્દ સાંભળતાં,સાંભળનાર દરેક વ્યક્તિની અંદર તેનુ પ્રોગ્રામ્ડ મન જે રીતે પ્રોગ્રમ્ડ થયેલું છે તે મુજબ જુદી જુદી પ્રક્રિયા શરુ કરશે. અને એશોશિએટેડ થીંકીંગ પ્રોસેસ શરુ થશે.જેમકે મારા મનનો પ્રોગ્રમ કહે કે “ગુલાબનુ ફુલ સુંદર છે” એટલે મારી આંખ ગુલાબના ફુલમાં સુંદરતા શોધશે. વળી મનનો સ્વભાવ છે કમ્પેરીઝન એટલે મારું મન તુરંત કમ્પેરીઝન શરુ કરશે. અને વિચારશે કે, “અરે! મૈસુરના વૃંદાવન ગાર્ડનમાં એક કાળું ગુલાબ જોયું હતુ તે ગજબનુ સુંદર હતું, આ તો કાંઈ નથી.” અને શરુ થશે એક પછી એક અશોશિયેટેડ થિંકીંગ પ્રોસેસ અને હું ગુલાબનુ અસ્તિત્વ એની તાજગી એનું અદ્ભુત સૌંદર્ય જે અત્યારે આ ક્ષણે છે તે ચુકી જઈશ.(દરેક વાચક આ અનુભવી જુએ તો મારી વાત સમજવી સરળ થશે.)
  આટલી પૃષ્ટભુમિ કદાચ આખી વાત સમજવામાં મદદરુપ થાય.
  સતગુરુઓના વચનો કોઈ પ્રોગ્રામ્ડ માંઈન્ડની પેદાશ નથી અને આપણું માઈન્ડ પ્રોગ્રામ્ડ છે જે અસલ વાત પકડી નથી શકતું અને આપણને રવાડે ચઢાવે છે.
  અહી દાદાભગવાન કે ભગવાન મહાવીર જે પ્રતિક્રમણની વાત કરે છે તેને અને જૈનો જે પ્રતિક્રમણ કરે છે તેને નહવા નીચોવાનો પણ સંબંધ નથી. દાદાભગવાન જે નિજદોષ દર્શનની વાત કરે છે તે દરેક વાતમાં આપણો દોષ જોવાની વાત નથી. આપણી અંદર ઉદ્ભવતા નકારાત્મક ભાવો જેવાં કે કામ,ક્રોધ, ઈર્ષા,ખીજ, લોભ, મદ, મત્સર, વગેરે વગેરે ક્યાંથી ઊઠે છે? તેના મૂળ સ્રોત ક્યાં છે? તે જોવાની વાત છે. એકવાર તેના ઉદ્ભવાના કારણો દેખાશે, તેમાંથી જન્મતી પીડાઓ દેખાશે, તો સમજાશે કે મારી પીડાઓનો કારક હું જ છું કોઈ અન્ય નહી. અને જ્યારે આ દેખાશે ત્યારે એ પણ દેખાશે કે સુધારની જરુરિયાત મને વધુ છે અન્ય કરતાં અને તે બોધ, જીવનમાં એક ક્રાંતિ લાવી શકે છે.

  હું સમજું છું કે રોજબરોજ આપણે પાંચેય જ્ઞાનેન્દ્રિયોથી (આંખ, નાક, કાન, સ્પર્શ, જીભ) દ્વારા અનેક પ્રકારનો કચરો જાણે અજાણ્યે આપણા મનમાં ભેગો કરીએ છીએ પણ તે કચરો કદી સાફ કરતાંજ નથી અને તેની દુર્ગંધથી પરેશાન છીએ પણ ખબર નથી પડતી કે જીવનમાં આ દુર્ગંધ ક્યાંથી ઉઠે છે અને આપણે હંમેશા બીજાને તે માટે દોષી ઠરાવીએ છીએ કે પત્ની કર્કશ મળી છે એટલે આ દુર્ગંધ જીવનમાં છે કે પછી બોસ કે દિકરો કે અન્ય કોઈને આપણે સદા દોષી ઠરાવતા હોઈએ છીએ. પ્રતિક્રમણ એ અર્થમાં નીજદોષ દર્શન છે. અથવા બીજી ભાષામાં કહુંતો મનનો કચરો સાફ કરવાની પ્રક્રિયા છે. ક્લિન્સીંગ પ્રોસેસ.
  આપણે આપણું ઘર કે શરીર (એકદિ’ મુકીને જતા રહીશું) સાફ રાખવા માટે તો શ્રમ કરીએ છીએ પણ મન જે જન્મો જન્મ આપણી સાથે આવવાનુ છે તેની સફાઈની કોઈ દરકાર નથી કરતા. મને લાગે છે કે મનને ચોખ્ખું રાખવું ઉમ્મરના બાધ વગર દરેક માટે જરુરી છે. યુવાનોનુ મન કદાચ ઓછું કચરાગ્રસ્ત છે અને તેમને સફાઈમા આપણી સરખામણીમાં ઓછો શ્રમ કરવો પડે. ઘરડું મન વધુ કચરાગ્રસ્ત છે અને જડ પણ. એટલે તેના માટે પ્રતિક્રમણ થોડું મુશ્કેલ છે. પણ અતિ આવશ્યક છે.
  શેષ શુભ.
  પ્રભુશ્રીના આશિષ.
  શરદ

  Like

 9. સૌ પહેલા તો દોષ જાણતા પહેલા કર્મ કરવું આવશ્યક છે ..એની દિશા ,સમય અને એના વિષે જ્ઞાન હોવું પણ આવશ્યક છે ..પછી કર્મ કર્યા બાદ જો નિષ્ફળતા મળે તો પહેલા સંજોગો ,પછી આપણા પ્રયત્નોની કચાશ વિષે સભાન થવું ઘટે ….એક જ કર્મ જુદી જુદી સ્થિતિ માં જુદી જુદી અસર ઉપજાવે છે ..
  ઉદાહરણ : લાફો મારવો …કોઈ દાદાગીરી કરે અને લાફો મારે તો તે ખોટું …પણ કોઈ પુત્ર ચોરી કરે કે ખોટું કામ કરે ત્યારે એને શિક્ષક કે માં બાપ શિક્ષાત્મક લાફો મારે તે સાચું કર્મ ….
  નિજ દર્શન માં પોતાની ખૂબી પણ જોવી ઘટે ..પોતે શું સારી રીતે કરી શકે એ જાણવું પડે …જે કાર્ય કરીએ તે કાર્ય કરવા માટે મૂળભૂત નિયમો ,જ્ઞાન હોવાની આવશ્યકતા પણ જોઈએ …એક કડિયો ભણેલ ના હોય પણ સિમેન્ટ રેતી પાણી નું મિશ્રણ જાણે એ જરૂરી ….અને તમે અજ્ઞાને કોઈનું જોઇને કામ કરવા જાવ પોતાનાં આવક ,જ્ઞાન બધાને અવગણો તો નિષ્ફળતા મળે જ …પણ ત્યાં વિચારો ..ખૂબી જાણશો તો ખામી પણ આપોઆપ દેખાશે …નિજ દોષદર્શન કરીને એમાં થી સ્થિતિ ને સુધારવી એ વધુ આવશ્યક છે ….
  પોતાની જાત સાથે ઓળખ રાખવી જ પડે ..અને ઘણી વાર જો જરૂર ના હોય તો પોતાના દરેક કર્મને મુલવવાની જરૂર પણ નથી …નોકરી પરથી ટ્યુશન કરવા જતા માણસ ને પૈસાની જરૂર છે પણ જેને ટ્યુશન આપે છે એને સચોટ જ્ઞાન આપવાની ક્ષમતા પોતાની છે કે નહિ ..પોતાના પ્રયત્નો થી વિદ્યાર્થીના દેખાવ માં પ્રગતિ થઇ કે નહીં ?? અને એમાં વધારે પ્રગતિ માટે શું કરી શકાય એ વિચારવું તો પડે જ …..અને આ પ્રયત્નો તેજસ્વી અને નબળા વિદ્યાર્થી માટે અલગ અલગ હોવા ઘટે ….
  લેખ ખુબ સારો છે …ચિંતન અને મનન માટે આખો દિવસ નહીં પણ રાત્રે સુતા પહેલા ઓશિકા પર માત્ર ખુલ્લી આંખે દસ મિનીટ વિચારવું પણ કાફી છે ..
  વિવિધ વાચકો દ્વારા કરાયેલી ચર્ચા પણ રસપ્રદ છે …

  Like

 10. bharodiya says:

  મને લાગે છે કે ‘નિજદોષ દર્શન’ થી મોટામાં મોટો અવરોધ આવતો તે – ‘વ્યક્તિમાં પોતાના માટે ‘હીનતા’ ની ભાવના ઉત્પન્ન થાય’. મંદીરોમાં ભક્તો જેમ ગરીબડા થઈને માગે કે ‘હે ભગવાન ! હું તો આધારહીન છું તું બચાવી શકે તો બચાવ’
  ‘ગરજ હોય તો આવ ગોતવા, હું શીદ આવું હાથ હરિ !’ ની ખુમારી જતી રહે.—————–
  આ વાત જ સાચી, જગદિશભાઈ.
  બાકી તો “મો સમ કૌન કુટિલ ખલ કામી” જેવી વાતો. મનને તોડવાની વાતો છે. માનસિક રીતે માણસને ભાંગીને ભુક્કો બોલાવી દે.

  જે ખલ, જે કુટિલ કે કામી હોય એને માટે બરાબર છે એ આવુ કબૂલી પસ્તાવો કરે. પણ નિર્દોષ શું કામ કરે ?

  તેજ જ્યોત ધીમી પાડી ઓલવી નાખવાની રમત.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s