Quotes –

(આજે FBના અનુભવની વાતો …….. )

FB મિત્રો વારંવાર, કેટલાક તો સતત વિવિધ પ્રકારના ક્વોટ્સ મુકે છે. હું પણ ક્યારેક મને જે ખુબ ગમ્યુ હોય તે મુકું છું.

એની અસર શું ?

ટાઈમપાસ ? અન્યને એવા વાક્યોથી પ્રોત્સાહન, માર્ગદર્શન પુરું પાડવું ? પ્રેરણા આપવી ? અન્યના જ્ઞાનમાં વધારો કરવો ?

અને માની લો કે આવું બધું ધારીને ક્વોટ કે પોસ્ટર મુકાણૂં, તો તેની કોઈ અસર નિપજે છે ?

આપણે શા માટે આવા ક્વોટ્સ કે પોસ્ટર મુકીએ છીએ ? બીજાને ‘મફત સલાહ’ આપવાનો આનંદ મળે છે એટલે ?

સરકાર અને ઘણી સંસ્થાઓ અહીતહી બધે ‘ધુમ્રપાન કરવું નહી’ લખે છે. તેની અસર થાય છે ? સીગરેટના બોક્ષ પર ‘ચેતવણી’ લખાય છે પણ કોઈ વાંચે છે ? (ધુમ્રપાન કાબુમાં આવ્યું હોય તો ‘દંડ’ કરવાની જોગવાય ને કારણે છે.)

મને કોઈ એક વાક્યની અસરની વાર્તા નાનપણમાં સાંભળેલી તે યાદ આવે છે –

જુના જમાનામાં એક ચુસ્ત ચોર, નાસ્તિક ચોર હતો. તે કોઈ ધર્મધ્યાનમાં માને નહીં. કોઈ મંદીરમાં દેવદર્શને જાય નહીં, કથાવાર્તા સાંભળે નહી. હવે બન્યું એવું કે ચોમાસાની એક રાતે ચોરી કરવા નીકળ્યો. એક ઘરમાં કોઈ કથાવાર્તા ચાલતી હતી. ચોરે તો એ સંભળાય નહીં એ માટે કાનમાં આંગળી ભરાવી દીધા હજી એ ઘર પાસેથી પસાર થતો હતો ત્યાં પગમાં કાંટો વાગ્યો. કાંટો કાઢવા એક કાનમાંથી એક આંગળી હટાવવી પડી અને કાનમાં શબ્દો પડ્યા – ‘દેવને પડછાયો હોતો નથી’ એ તો કાંટો કાઢી આગળ વધી ગયો. ગામમાં તો ક્યાંય મેળ ન પડ્યો પણ ગામને છેડે એક મંદીર હતું ત્યાં પહોંચ્યો. એને થયું કે ભગવાનની મુર્તિને ઘરેણાં તો ચડાવેલા જ હશે, એ ચોરી લઊં તો આજનો ફેરો સફળ થઈ જાય. એણે તો મંદીરના દરવાજાના નકુચા કાઢી દરવાજો ખોલ્યો. ત્યાં તો મુર્તિ પાછળથી અવાજ આવ્યો, ‘માગ ! માગ ! શું જોઈએ છે ?’ ચોર પહેલા ગભરાયો, પણ હિંમત કરી બોલ્યો, ‘જે હોય તે સામે આવો’ મુર્તિ પાછળથી પિતાંબર પહેરેલ ભગવાન ઉભા થયા. ચોરે જોયું તો દિવાના પ્રકાશમાં માણસ જેવા જ ભગવાન દેખાયા, પણ દિવાલ પર તેનો પડછાયો પણા દેખાયો. ચોરને થયું કથાકાર તો ‘દેવને પડછાયો ન હોય’ તેમ કહેતા હતા. આને તો પડછાયો છે, માટે આ ભગવાન ન હોય શકે. પણ તો ય ગુંચવાણો અને ભાગ્યો. ત્યાંથી તો બચ્યો, પણ મનમાં ગુંચવણ તો ચાલુ જ રહી. તેની ખરાઈ કરવા વેશપલટો કરી સવારમાં મંદીરના પગથીયે બેસી ગયો. મંદીરમાં ચર્ચા ચાલી રહી હતી. ‘આજ તો મોડે સુધી પુજા હોવાથી ચાર પાંચ પુજારી મંદીરમાં જ રોકાણા હતા. ચોર આવ્યો ત્યારે તેને પકડવા ભગવાન બનવાનું નાટક કર્યું હતું પણ તે ભાગી ગયો. ચોરને થયું ‘દેવને પડછાયો નથી હોતો’ એટલું સાંભળીને મારો બચાવ થયો તો હું આખી કથાવાર્તા સાંભળું તો કેટલો ફાયદો થાય. એણે મંદીરમાં જઈ કબુલાત કરી લીધી અને હવેથી ચોરી નહી કરવા અને સારા માણસ બનવાનો ઇરાદો રજુ કર્યો.

આમ એક વાક્યમાં તેનું જીવન બદલાયું, પણ હંમેશા એવું બને ? આવો તો વાલીયા લુટારા જેવો એકલદોકલ કિસ્સો બને.

આપણે જો ક્વોટ્સની અસર નીપજાવવી હોય તો બીજો એક રસ્તો સુજે છે –

આપણે આવા ક્વોટ્સને પ્રશ્ન માં બદલી નાખીએ તો ?

જેમકે – ‘ધુમ્રપાન કરવું નહી’ કે ‘ધ્રુમપાન સ્વાસ્થ્યને હાનીકારક છે’ એવું લખવાને બદલે – ‘તમને કેન્સર થાય તો ?’ અહીં કદાચ તે પોતાની જાતની કલ્પના કરે તો કંઈક અસર નીપજે.

‘નો હોર્ન’ ના બદલે ‘તમે બિમાર પડો અને રાત્રે બાર વાગ્યે શેરીમાં તીવ્ર રીવર્સ હોર્નનો અવાજ સંભળાય તો ?’ ‘રોડ પર જતા હો અને પાછળથી કોઈ જોરથી હોર્ન મારે અને તમે થાંભલા સાથે ભટકાય જાઓ તો ?

આવું કંઈક વિચારશું કે ‘ટાઈમપાસ’ કરતા રહીશું ?

શરીરને પ્રેમ કરો…

 

hero-30day-beach-body-challenge1

શરીર નાશવંત છે …. આત્મા અમર છે …. શરીરથી મોહમાયા વધે છે  … શરીર સુખદુઃખનું કારણ છે…..

આવું બધું જ આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, ઉપદેશમાં મેળવીએ છીએ. પણ…

કેટલીક અગત્યની વાત કોઈ કહેતું નથી…

આ શરીર એક ‘સાધન’ છે. પછી તે મોક્ષ મેળવવાનું હોય કે આત્માનું નિવાસસ્થાન કે પછી ‘… જીના હી પડેગા…’ જેવું હોય, પણ શરીર છે તો આ જગતમાં આપણું અસ્તિત્વ છે. આત્મા ક્યાંય નજરે પડતો નથી. લોકોનો-સમાજનો વ્યવહાર આ શરીર સાથે છે. શરીર છે તો સંબંધો છે. શરીર છે તો જીવવાનું વજુદ છે. શરીર છે તો જીવન છે.. આ ભાગંમભાગ, મારામારી, એકબીજાને ઉખેડી નાખવાની વાત… બધુ જ છે. શરીર છે તો પ્રેમનું અસ્તિત્વ છે. પ્રેમિકા કે પત્ની આત્માને નિહાળતી નથી, શરીરને જુએ છે અને પ્રેમ કરે છે. શરીર છે તો મા-બાપ, બાળકો, સગાસંબંધીઓ, મિત્રો છે. પ્રેમ, કરુણા, વાત્સલ્ય, ક્રોધ, ધૃણા, ધિક્કાર, ગુસ્સો, અહમ જેવી લાગણીઓ છે. કોઈ આત્માપ્રેમી કહી શકે કે આત્મા, શરીર દ્વારા આ લાગણીઓ ‘વ્યક્ત’ કરે છે….. આમ આત્માને પણ શરીરની જરુર છે.

માટે જ શરીરને પ્રેમ કરો. એ એક સાધન છે. પ્રત્યેક કારીગર પોતાના સાધનને અપટુડેટ રાખે છે કારણ કે ‘જીવાઈ’નો પ્રશ્ન છે. આપણે પણ ‘શરીર’ના સાધનને અપટુડેટ રાખવું ઘટે કારણ કે ‘જીવન’ નો પ્રશ્ન છે.

કેરીયરની ભાગદોડમાં આ શરીરને ભુલી જવાય છે. પૈસા ભેગા કરવામાં પૈસા વાપરનારા ‘શરીર’ને ભુલી જઈએ છીએ. ખુબ પૈસા હશે પણ વ્હીલચેરમાં બેસવાનું આવશે તો ભેગા કરેલા પૈસાનું શું ? ખુબ ‘સંપર્કો’ નો અહમ પોષી લઈએ, પણ શરીર, પથારીમાં હોય તો ‘સંપર્કો’ શું કામ આવશે ? ‘ઉંચ્ચુ નામ’ કે ‘મોટુ માથું’ શું કામ આવશે ?

‘ભુલો ભલે બીજુ બધું, પણ શરીરને ભુલશો નહી’

સવારમાં ઉઠી પથારીમાં જ અનયુઝવલ સ્ટ્રેચીગ કરી લેજો, ગમે તે ખોરાક પેટમાં નાખતા પહેલા શરીરને પુછજો… ‘તને આ અનુકુળ આવશે ?’. શરીર પોતાની પસંદ-નાપસંદ તુરત જણાવતું હોય છે તો તેના પર ધ્યાન આપજો. ‘Rat Race’ માં શરીર જ્યારે અણાગમો વ્યક્ત કરે તો પુરુ ધ્યાન આપજો…..

બાકી તો ભાઈ, શરીર તમારું છે, બીજા કોઈ શું કહે …..

સત્યની મથામણ –

(૨૦૧૨માં ‘નિરવે પુછ્યું – સત્ય’ ની પોસ્ટ લખી હતી. હમણાં ફરી તેનું રીવીઝન થયું અને સત્ય એટલે શું સમજવાની મથામણ ફરી શરુ થઈ. એ વખતે કંઈક આવી વાત લખી – “સત્યને પારદર્શિતા સાથે સીધો સંબંધ છે. પારદર્શિતા સુક્ષ્મતાથી જ આવી શકે. સુક્ષ્મતાનો અહેસાસ થઈ શકે, વર્ણન નહીં.” – અને એ વખતે બે મહાનુભવોના લખાણોની ટીકાત્મક ટીપણી લખી નાખી – જે ન થવું જોઈએ, ક્ષમાપ્રાર્થી છું – પણ મુળ વાત, ‘સત્ય’ ને સમજવાનો પુરો પ્રયત્ન થયો નહીં.)

શરુઆત, ‘સત્ય’ શબ્દનો અર્થ જાણવાથી કરીએ તો, ભગવત ગોમંડલમાં તો બે-અઢી પાનાના વિસ્તારમાં ‘સત્ય’ને સમજાવ્યું છે. ૨૯ જેટલા અર્થ આપ્યા છે. ‘આત્મા’, ‘પરમાત્મા’ જેવા અર્થ પણ છે. ગાંધીજીનો સંદર્ભ આપી એ પણ જણાવ્યું છે કે સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં અનુભવ્યું નથી. સત્યમય થવાને સારું ‘અહિંસા’ એ જ એક માર્ગ છે,  સત્યનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશક્ય છે. (ગાંધીજીના મતે અહિંસા મહત્વની છે આથી સત્યને અહિંસા સાથે વણી લીધું, પણ મુળ શ્લોક – “अहिंसा परमोधर्मः धर्महिंसा तदैव चः । – અહિંસા મનુષ્યનો પરમ ધર્મ છે, પણ ધર્મની રક્ષા કરવા હિંસા કરવી એથી પણ શ્રેષ્ઠ છે.) ગાંધીજીના મતે સત્ય જ સર્વોપરી છે, સત્યમાં અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય આદિનો સમાવેશ થઈ જાય છે. હવે આ શબ્દોના અર્થમાં જઈએ તો તે જીવન જીવવાના ‘નિયમો’ નું પ્રતિનિધીત્વ કરે છે. એટલે કે સમાજમાં જીવન જીવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડે. એ નિયમોના દાયરામાં જીવન જીવીએ તો ‘સત્ય’, દાયરામાંથી બહાર જઈએ તો ‘અસત્ય’. આ શબ્દોના અર્થ પ્રત્યેક વ્યક્તિ, સમાજ પોતાની રીતે કરે. ‘અહિંસા’નો અર્થ શાકાહારી માટે અલગ અને માંસાહારી માટે અલગ હોય, ‘બ્રહ્મચર્ય’નો અર્થ ગૃહસ્થ માટે અલગ અને સંન્યાસી માટે અલગ હોય. આ નિયમો સમાજે ઘડેલા છે અને દરેક સમાજ/વ્યક્તિની માન્યતા, લાગણીઓના આધારે ઘડાયેલા છે. આમ ‘સત્ય’ એ માનવીઓની માન્યતા, પુર્વગ્રહો, લાગણીઓના આધારે ઘડાયેલું છે એમ સમજવું પડે.

મનુષ્યનો સ્વભાવ રહ્યો છે કે સમાજ દ્વારાનિર્ધારીત વિધાનોને સત્ય માનવું. નિર્ધારીત વિધાનો ક્યાંથી આવ્યા તે જાણવાની કોશીષ કરીએ તો એવું કહી શકાય કે જ્યારે માણસ એકલો મટી સમુહમાં રહેવાનો પ્રયત્ન કરે ત્યારે કોઈ ચોક્કસ નિયમ રહે તો, સમુહ જળવાય રહે અને સમુહમાં રહેવાનું પણ માનવીની મુળભુતજરુરીયાતમાંથી ઉદભવ્યું. નિયમો એટલેસત્યએવું માબાપ દ્વારા, સમાજ દ્વારા, શિક્ષણ દ્વારા બાળકના નાનપણથી ઠોકી બેસાડવામાં આવ્યું. નિયમની બહાર તેઅસત્ય’, એવું સ્વીકારાયું. ગાંધીજી જેવા કોઈકે નિયમો તોડી, ખરેખરસત્યશું ? તે સમજવા પ્રયોગો કર્યા. આજની પેઢી પણ આવા પ્રયોગો કરે છે અનેસત્યએટલે શું સમજવાનો પ્રયત્ન કરે છે. પણ બધાના ઉછેરનું વાતાવરણ અલગ અલગ હોવાથી કોઈ એક સત્ય મળતું નથી. વાસ્તવિક શું છે તે સમજાતું નથી.

તો શું સત્ય યુનીકહોવું જોઈએ ? (‘સત્ય’ના અન્ય અર્થમાં ‘પરમાત્મા’ પણ છે.) તેની કોઈ જોડ હોય ? તો સત્યનો વિરોધાર્થઅસત્યપણ હોય. આવાયુનીકસત્યની શોધ કરવાની મથામણ કરીએ તો કહી શકીએ ક્ષણ યુનીક છે. વર્તમાન યુનીક છે, વહી જાય તો ભુતકાળ બની જાય અને જે ક્ષણ આવવાની છે તે ભવિષ્યકાળ છે. પણ, જો વિજ્ઞાનને વચ્ચે લાવીએ તોસમયગતિના સંદર્ભમાં સાપેક્ષ ગણાય. કોઈ ચોક્કસક્ષણ સ્થિર વ્યક્તિ માટેસત્યપણ, ગતિમાં રહેલી વ્યક્તિ માટે તો એ ક્ષણ પણ સ્થિર થઈ જાય. (http://www.physicsoftheuniverse.com/topics_relativity_special.html). એને તો વર્તમાન સ્થિર થઈ જાય, ભુતકાળ કે ભવિષ્યકાળ આવે નહી. તો ગતિમાં રહેલા મનુષ્યનુંસત્યશું ? આમ સત્ય ને યુનીક માનવાનો છેદ ઉડી જાય.

એક વિચાર એવો પણ આવે કે જન્મ અને મૃત્યુ સત્ય છે. કારણ કે બંને અદ્વિતિય છે. એક વ્યક્તિ જન્મ કે મૃત્યુ એક વખત આવે. જન્મની પ્રક્રિયા જોઈએ તો સ્ત્રીપુરુષના બીજ એકરુપ બને ત્યારે નવો જીવ જન્મ ધારણ કરે. પણ વિજ્ઞાને તો હવે તેમાં પણ ફેરફારો કરવા માંડ્યા છે. જીનેટીક એન્જીનીયરીંગના કારણે હવે એવા કૃત્રિમ જીન્સ તૈયાર થયા છે આપમેળે પોતે વિભાજીત થઈ જીવન આગળ વધારે છે. http://www.bbc.com/news/10132762. કૃત્રિમ હૃદય માનવીના જીવન ટકાવી રાખે છે, મૃત્યુ પણ લંબાઈ ગયું છે. આમ આધ્યાત્મશાસ્ત્રનાચેતનાશબ્દની મજબુતી પાંગળી થતી જાય છે.

ખરેખર તો સત્યને સમજવાની મથામણ એ સત્યના એક અર્થ – ‘સાચું’ થી થઈ. સાચું-ખોટું આપણે જ ઉભી કરેલી માયાજાળ છે. સત્યની શોધમાં નીકળેલા ભલભલાં એમાં જ ગોથાં ખાઈ ગયા. આ ‘સત્ય’ છે એમ કહેનાર વ્યક્તિ સ્વયં પોતાના વિચારોથી દોરવાયેલી છે. મારું perception એ મારું છે, તમારું કંઈ અલગ હોય શકે. દરેકના ‘સત્ય’ અલગ હોય.

આ બધી મથામણમાંથી બહાર નીકળવાના માર્ગ માટે –

‘સત્ય’ અંગે શ્રી કૃષ્ણમુર્તિના વિચારો મને ખુબ ગમ્યા. તેઓ કહે છે, ચિત્તની વૃત્તિમુક્ત જાગૃત અવસ્થામાં, સત્યનો પ્રકાશ ચિત્તમાં સહજ રીતે પ્રગટે છે. તેઓ ઉદાહરણ આપતા કહે છે તમે તમારા ઓરડાની બારીઓ ખોલી શકો છો, પરંતુ વાયુને અંદર આવવા માટે તેના પર દબાણ મુકી શકતા નથી. પરંતુ બારીઓ ખોલવાથી વાયુ આપમેળે અંદર આવે છે. તેમ તમે જાગૃત અવસ્થા દ્વારા તમારા ચિત્તને સત્ય પ્રત્યે ખુલ્લું રાખી શકો છો, પણ સત્યને પ્રગટવા માટે તેના પર દબાણ મુકી શકતા નથી.

તેઓ કહે છે – When you are open it comes. જ્યારે તમે ખુલ્લા હો છો ત્યારે તે આવે છે,  આપણે સત્ય પર કોઈ ક્રિયા કરી શકીએ નહી, પરંતુ આપણે સત્યને આપણી ચેતનામાં પ્રગટવા માટે આપણાં ચિત્તને ખુલ્લું મુકી શકીએ. Don’t operate upon truth, let truth operate upon you.  સત્ય પર કોઈ ક્રિયા ન કરો, સત્યને તમારામાં પ્રગટવા દો.

આમ સત્યની ખોજ કરવાની જરુર નથી. એ આપમેળે તમારા ચિત્તમાં પ્રગટ થશે… શરત એ છે કે … તમે તમારા ચિત્તને ખુલ્લુ મુકી દો.

આપણે જે ‘સત્ય’ને ઓળખીએ છીએ તે સમાજે-સમુહે ઘડેલા નિતીનિયમો છે, આપણે તેને અનુસરવાનું છે. આપણી માન્યતાઓ, પૂર્વગ્રહો, લાગણીઓ વગેરેથી બંધાયેલા નિયમો એટલે આપણું ‘સત્ય’. જો આ બધું આપણા ચિત્તમાંથી દુર કરી, ચિત્તને ખુલ્લુ મુકીએ તો ‘સત્ય’ આપોઆપ પ્રગટે.

 

 

હમ રાજ, હમ ખયાલ, હમ નજર

હમ રાજ, હમ ખયાલ તો હો, હમ નજર બનો….

તય હોગ જીંદગીકા સફર, હમ સફર બનો….

1968 ની ફીલ્મ ‘કિસ્મત’નું આ ગીત, પતિ-પત્નીના સંબંધોની સુક્ષ્મતા ઉજાગર કરતું હોય તેવું નથી લાગતું ?

‘હમ ખયાલ’ હોય તો યુવક-યુવતી એકબીજાને પસંદ કરે, લગ્ન થાય પછી ‘હમ રાજ’ બને …… જો દાંપત્ય સાચા અર્થમાં નિભાવાતું હોય તો ! બાકી તો લીવ-ઇન-રીલેશનશીપ હોય  …. પછીનો મુદ્દો ‘હમસફર’ બનવાની વાત. અહીં એક મુખ્ય શરત આવી ગઈ અને એ ‘હમ નજર’ બનવાની વાત.

પતિ/પત્ની જે નિહાળે તે જ પત્ની/પતિ નિહાળે તો જીવનમાં ફાટફુટનો સવાલ જ ઉભો ન થાય.

મુશ્કેલી અહીં જ છે. કોઈ પણ મુદ્દો પતિ જે ‘નજરે’ નિહાળતો હોય, જ્યારે પત્ની પોતાની ‘નજરે’ નિહાળતી હોય, આવું જ ઉલટું પણ હોય. બંનેના વિચારો જુદી જુદી દિશામાં વહેંચાય જાય અને ‘કુતરું ખેંચે ગામ ભણી અને શિયાળ ખેંચે સીમ ભણી’ જેવું થાય.

‘હું વિચારું છું એ સાચું છે’ બંનેના દ્રષ્ટિકોણ અલગ થઈ જાય અને મતભેદ શરુ થાય. મતભેદ શરુ થાય એટલે દાંપત્યમાં નાનકડી તિરાડ પડે. પછી તો આ તિરાડ મોટી કરવામાં અહમ, માન્યતા, લાગણીના ‘માપ’ (લાગણીના કોઈ માપ ન હોય એ તો અસીમ છે, પણ આપણે સીમા બાંધી દઈ છીએ…. તમે તો મારા કરતાં તમારા સગાને વધારે પ્રેમ કરો છો….. આ વધ-ઘટ મનુષ્યની દેન છે) આવા મુદ્દાઓ દાંપત્યજીવનમાં ઉછળવા માંડે અને તિરાડ મોટી થવા માંડે, વિખવાદ વધે અને પછી દાંપત્ય જીવનનું ગાડું રગશીયા ગાડાની જેમ ખેંચાવા લાગે અને પરાણે જીવન જીવાતું જાય.

અહી ફક્ત ‘હમ નજર’ બનવાની જ વાત છે. સામેવાળાનો દ્રષ્ટિકોણ સમજવાની વાત છે.

શ્રી ધુમકેતુજીના વાક્ય પ્રમાણે ‘મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અરધુ જગત શાત થઈ જાય’. અહી પતિ-પત્નીની જ વાત છે. પતિ જો પત્નીનો ‘હમનજર’ બને તો પત્ની સો ટકા શાંત થઈ જાય. એવું જ સામે પક્ષે. જો આમ બને તો પછી તિરાડનો સવાલ જ નથી, બંને સાચા અર્થમાં ‘હમસફર’ બની જાય. જીંદગીની સફર ‘તય’ થઈ જાય.

હમસફર બનવું કોને ના ગમે ?

પણ પહેલાં ‘હમનજર’ બનવું પડે.

આ ગીત માણાવા જેવું પણ ખરું……….

 

Movie : Kismat (1968)
Singer : Asha Bhosle
Cast : Biswajeet & Babita Kapoor

 

પાદચિન્હ –

11996911_466594503510651_2833138824781281900_n

શરુઆત એક સરસ મજાની કવિતાથી…..

(હમણાં સામાન્ય, સીધી સાદી પોસ્ટ લખવામાં મારી પણ આવી જ પરિસ્થિતી છે. કેમ ? સમજાતું નથી.)

 નહીં તો વહી જઇશ હું…

મન થાય છે કવિતા લખવાનું

ઘણું  મન થાય છે કવિતા લખવાનું

હવે તો લોકો પણ કહેતા થઇ ગયા છે

’ચાલુ રાખજે શબ્દોને સાધવાનું’

પણ હમણાંથી કોઇ પ્રાસ નથી મળતા

છંદ તો શું, કડીઓના જોડકણાં પણ નથી જડતાં

વિચારોના વાવડ લાવે એવા કલ્પનાના કાસદ પણ નથી મળતા

ખરે જ કવિતાના ખોવાયા છે હા,

પ્રેરણા, હાર્દ અને લાવણ્ય સઘળાં

જુઓને, કર્તવ્યોના કાટમાળ વચ્ચેથી

મનોવિહારના મોકળા મારગ નથી મળતા

અને એટલે જ તો આજકાલ

કાગળ ઉપર કલમના કોઇ પાદચિન્હ પણ નથી મળતા

આમ છતાંય, આમ છતાંય હું આશાવાદી છું કે

એકદા ખુદ કવિતા મને ઢંઢોળતા કહી દેશે કે

‘લખી લે, લખી લે મુજને,

પળ જ નહીં ચુકતી

નહીં તો વહી જઇશ હું …મુનિરા અમી 

આજે પાદચિન્હની વાત કરવી છે. સવારમાં મોર્નીંગ વોકમાં જતી વખતે ભીના ભીના વોક-વે પર બુટના સરસ નિશાન જોયા… એક સરખા અંતરે… સરસ ડીઝાઈનમાં. મેં પણ પાછા વળીને જોયું … મારે પણ એવાજ સરસ નિશાન. વોક-વે એક રાઊન્ડ પુરો કરી, બીજા રાઊન્ડમાં મારા બુટના નિશાન – પાદચિન્હ – શોધવા પ્રયત્ન કર્યો. પણ અફસોસ… ક્યાંક ઝાંખા… ક્યાંક કપાયેલા, ભુસાયેલા.. જોયા અને મન ચિરાઈ ગયું. અરેરે…. કેવું સરસ દ્રષ્ય હતું … વેરવિખર થઈ ગયું…

મન વિચારે ચડ્યું. આ ખાલી ‘સરસ’ દ્રશ્યનો અફસોસ છે ? કે પછી ‘મારા’ પગલા ‘ભુસાઈ’ ગયા તેનો અફસોસ છે ? મારી નિશાનીઓ ‘ભુસી નાખી’ તેની ખિન્નતા છે ?

મને લાગે છે આવું બધા જ માનવીના મનમાં છે. નાનપણમાં માબાપ બાળકને પગલી પાડતા શીખવે, કેમ ખાવું-પીવું, કેમ અન્ય સાથે વ્યવહાર કરવો એ શીખવે. પણ એ શીખ કેવી ? માબાપને પોતાને ગમતી હોય તેવી. જો બાળક ચીલો ચાતરે તો માબાપને ગુસ્સો આવી જાય. મોટા થતાં પણ માબાપ ઇચ્છે કે પુત્ર/પુત્રી પોતે ‘ચીંધેલા’ રસ્તે ચાલે. પોતે પાડેલા પગલાની નિશાનીમાં જ પુત્ર કે પુત્રીના પગલા પડવા જોઈએ. જો એમ ન થાય તો પોતાના પગલાની નિશાનીઓ ભુસાઈ જાય, વેરવિખેર થઈ જાય.

બસ… મારા પગલાંની નિશાની ભુસાવી ન જોઈએ.

નહીતર મને દિલમાં ચચરે, છોકરો આડી લાઈને ચડી ગયો છે એવું લાગે, આજની ભાષામાં ‘જનરેશન ગેપ’ ઉભી થઈ જાય.

અહી નીચેનું સુંદર વાક્ય મનમાં કોતરી લેવું જરુરી છે –

“When you do more than you learn, you have distinctive notable footprint on earth”

  • Ernest Agyemang Yeboah

આપણા પગલાંની નિશાનીની ચિંતા કર્યા વગર બાળકોને આ શીખવવું જરુરી નથી લાગતું ?

 

ઘરવાપસી –

જુઓ તમને ‘ધર્માંતરણ’ની યાદ આવી ને ? જો કે મારે બીજી વાત કરવી છે પણ તમારા મગજમાં આવ્યું છે તો પહેલાં તેનો થોડો વિસ્તાર કરી લઈએ.

થોડા સમય પહેલાં સમાચાર પત્રોમાં ધર્માંતરણનો મુદ્દો ખુબ ચગ્યો, રાજકારણીઓ અને મીડીયાએ કાગારોળ મચાવી, પણ પછી શું થયું ? તેનો કોઈ અતોપતો નથી.

300 dpi SW Parra color illustration of many hands connecting together puzzle pieces, each with a different religious symbol. The Fresno Bee 2009 religious tolerance illustration interfaith diversity symbol symbols puzzle pieces hands working together team global belief god cross om shanti islam judaism; krtfeatures features; krtnational national; krtreligion religion; krtworld world; krt; mctillustration; belief; faith; values value; REL; 12000000; 12002000; 12006000; 2009; krt2009; parra fr contributed coddington mct mct2009 2009

(With thanks from http://penumbramag.com/)

પણ, આ મુદ્દો દરેકે વિચારવા જેવો તો છે જ.

‘ધર્મ એટલે શું ?’ એ વિચારવાનો સમય (?) મળતો નથી. કારણમાં તો યુવાનીમાં કેરીયર અને નિવૃતિમાં સ્વાસ્થ્ય નડતરરુપ છે. ( અને નિવૃતિમાં જે છે તે સ્વીકારી લેવાની વૃતિ અને ‘માથાકુટ’ (?) માં ન પડવાની વૃતિના કારણે ‘ધર્મ’ સમજ્યા સિવાય વિદાયવેળા આવી જાય છે.)

મને માથાકુટ કરવાની ઇચ્છા થઈ અને મેં ઇન્ટરનેટ પર થોડા ખાંખાખોળા કર્યા તેમાંથી જે ગમ્યું અને મારા વિચારો સાથે મેળ ખાતું હોય તે, પણ તમારા વિચારો જાણવા અહીં મુક્યું.

ધર્મ એટલે શું? એ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાની-મહાત્માઓ કહે છે કે, (ક્યાંક વાંચેલું)

ધર્મ એટલે અંતરની શાંતિ,

ધર્મ એટલે દુઃખમાંથી બચવાનો ઉપાય,

ધર્મ એટલે જીવનનું ચાલક બળ,

ધર્મ એટલે આત્માની ઉન્નતિનો માર્ગ,

ધર્મ એટલે પ્રેમ અને જ્ઞાનને જોડનારી કડી,

ધર્મ એટલે મનુષ્યમાં દેવત્વ લાવનારું તત્ત્વ,

ધર્મ એટલે માણસોની કસોટી કરવાનું સાધન,

ધર્મ એટલે મનુષ્યને ઉન્નતિના માર્ગમાં ઊડવાની પાંખો અને

ધર્મ એટલે કુદરતની બાજુમાં રહીને કામ કરવું તે,

એટલું જ નહીં પણ જીવ ઈશ્વરની નજીક જઈ શકે એવા માર્ગને ધર્મ કહે છે.

વીકીપેડીયા મુજબ – ઈ.સ. ૧૯૯૫માં સર્વોચ્ચ ન્યાયાલયે આપેલાં એક ચુકાદાનાં ભાગ રૂપે મુખ્ય ન્યાયાધિશ શ્રી. પી.બી. ગજેન્દ્રગડકરે કહ્યું હતું કે:

“જ્યારે આપણે હિંદુ ધર્મ વિષે વિચારીએ છીએ ત્યારે તેને વ્યાખ્યા આપવી કે તેને પુરતા પ્રમાણમાં વર્ણવો અસંભવ નહીં તો મુશ્કેલ તો થઈ જ પડે છે. દુનિયાનાં અન્ય ધર્મોથી ભિન્ન, હિંદુ ધર્મ કોઈ એકજ પેગંબર હોવાનો દાવો નથી કરતો; કોઈ એકજ ભગવાનને નથી પૂજતો; કોઈ એકજ સિધ્ધાંતનું અનુકરણ નથી કરતો; કોઈ એકજ તત્વજ્ઞાનીક વિભાવનામાં નથી માનતો; કોઈ એકજ જુથની ધાર્મિક રૂઢિઓ અને રિવાજો નથી પાળતો; આમ જોઈતો કોઈપણ પંથના ધર્મની સંકુચિત પરંપરાગત લાક્ષિકતાઓમાં નથી સમાતો. તેનું વ્યાપક વર્ણન માત્ર એક જીવનશૈલી તરીકે કરી શકાય.”

શરુઆતમાં વર્ણાવેલા ‘ધર્મ એટલે ….’ ના સર્વ મુદ્દાઓને ગણત્રીમાં લઈએ તો સ્પષ્ટ થઈ જાય કે ધર્મ એ જીવન જીવવાની શૈલી છે.

ગ્લોબલ ગુજરાત ન્યુઝમાં ચંદ્રીકાબેનનો સરસ આર્ટીકલ વાંચવા મળ્યો –

પ્રત્યેક વસ્તુનો પોતાનો ધર્મ હોય છે. તેના આ ધર્મની બાદબાકી થઇ જાય, તો તે વસ્તુનું વસ્તુત્વ જ નષ્ટ થઇ જાય. આપણે એ જાણીએ છીએ, કે અગ્નિનાં બે ધર્મ છે–દાહકત્વ અને પ્રકાશકત્વ. અગ્નિમાંથી આ મૂળભૂત ધર્મની ઉપેક્ષા કરીએ તો અગ્નિ રહે જ નહી. તે માત્ર લાકડું કે કોલસો જ હોય. આ મૂળભૂત ધર્મ, બહારથી આવતો નથી, પણ જે તે વસ્તુમાં ઓતપ્રોત હોય છે; તેને સહજ કે સ્વાભાવિક ધર્મ કહેવાય. તે દૂર કરી જ ન શકાય.

એક રીતે, ધર્મ તો આપણા અસ્તિત્વનો આધાર કે નિયમ, જે કોન્ફયૂશિસે કહ્યું છે કે, ‘આપણે જેને આપણા અસ્તિત્વને નિયમ માનીએ છીએ, તે જ ઇશ્વરીય કાનૂન છે. આને જ નૈતિક કાનૂન કહે છે. આ નૈતિક કાનૂન જયારે પ્રથામાં ઢળે છે, ત્યારે તે ‘ધર્મ’ બને છે.”

ગાંધીજીના ‘હિન્દુ ધર્મનું હાર્દ’ એ પુસ્તકના સંપાદક અને ચિંતક શ્રી વિશ્વાસ ખેર, તેના સંપાદકીયમાં નોંધે છે કે, ‘ધર્મ તરીકે ઓળખાતા નૈતિક કાનૂનમાંથી, આપણે જીવનભર, એકેય વાર, છટકી શકતા નથી. જેમાંથી છટકી જવાય, તે નૈતિક કાનૂન હોઇ ન શકે. આ કારણે જ નિતીમાન કે ધાર્મિક વ્યક્તિ પોતાના વિચાર અને આચાર પર સતત નજર રાખે છે. તે જાણે છે કે, જીવનમાં, અન્ય સર્વ છોડી શકાય પણ ધર્મ-ચ્યુતિ ન કરાય, ધર્મથી વિમુખ ન જ થવાય. આ ધર્મ જ જીવનનો આધાર છે. જે આપણને ધારણ કરે કે ટકાવે, તે ધર્મ. મનુષ્યને ‘મનુષ્ય’ તરીકેની ઓળખ આપે અને તે સ્વરૂપે તેને સ્થિરતા આપે તે છે ધર્મ.

‘આપણી બે અલ્પતાઓ ની પોસ્ટમાં મેં નૈતિકતાના સંદર્ભમાં થોડી વિચારણા કરી હતી –

માનવીનું જીવન પ્રકૃતિના આધારે છે. દરેક પ્રદેશનું પ્રાકૃતિક વાતાવરણ અલગ અલગ છે આથી એના નૈતિકતાના નિયમો પણ અલગ અલગ હોય એટલે ધર્મો પણ અલગ અલગ અસ્તિત્વમાં આવે ને !

નૈતિક સિધ્ધાંતો/નિયમોની સમજણ આપતા સ્વામી વિવેકાનંદના વિચારો

શ્રી અતુલ જાનીના બ્લોગ પર વાંચ્યા –

સ્વામીજીએ ‘વેદ’ નો પરિચય આપતા કહ્યું “’વેદ’ એટલે જુદા જુદા સમયે, જુદી જુદી વ્યક્તિઓએ શોધેલા આધ્યાત્મિક નિયમોનો કિમતી સંગ્રહ. જેવી રીતે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ પહેલાં પણ એ નિયમ અસ્તિત્વમાં હતો અને સર્વ માનવજાત એ ગુરુત્વાકર્ષણના નિયમને ભુલી જશે તો પણ અસ્તિત્વમાં રહેવાનો છે તેવી જ રીતે આધ્યાત્મિક વિશ્વને શાસનમાં રાખતા નિયમો વિષે સમજવાનું છે.”

આમ આપણું અસ્તિત્વ જ ‘ધર્મ’ છે.

હિંદુધર્મ બે ભાગમાં વહેંચાયેલો છે – ધાર્મિક વિધીઓ અને આધ્યાત્મ તત્વ. આધ્યાત્મ તત્વનો વિચાર ખાસ કરીને સાધુઓ કરતા હતા. આજે વહેવારિક જગતમાં ‘ધાર્મિક વિધીઓ’ ને ધર્મનું નામ આપી દીધું છે. એમાં જેને રસ નથી તે ‘નાસ્તિક’. પણ નાસ્તિક એ ‘ધાર્મિક નથી’ એમ કહી શકાય નહી.

ધાર્મિક વિધીવિધાનોના મુળમાં વીકીપેડીયાની ‘હિદુ ધર્મ’ની લિન્ક વાંચવા મળી –

ગુજરાતી વીકીપેડીયામાં હિંદુધર્મની ચર્ચામાં લખે છે –

“રામાનુજ, મધ્વાચાર્ય તથા ચૈતન્ય મહાપ્રભુ જેવા આચાર્યોની મહેનતથી હિંદુ ધર્મમાં ધરખમ ફેરફારો થયાં અને ભક્તિ યોગનાં અનુયાયીઓ, અમુક સદીઓ પહેલાં આદી શંકરાચાર્ય એ વર્ણવેલા ‘બ્રહ્મ’ની તાત્વિક વિભાવનાથી વિખુટા પડીને રામ અને કૃષ્ણ જેવા તાદ્રશ્ય અવતારોની ભાવાત્મક તથા લાગણીમય ભક્તિમાં રત થયા.”

આનો સ્પષ્ટ અર્થ એ થાય કે ‘ભક્તિમાર્ગ’ની શરુઆતથી મુળ ધર્મથી ફંટાઈને ક્રિયાકાંડ અને ધાર્મિક વિધીવિધાનોની શરુઆત થઈ. એમાંથી આજના ‘સંત-મહાત્માઓ’ અસ્તિત્વમાં આવ્યા, અને ધર્મ એ ‘ધંધો’ બની ગયો.

જ્યારે પણ કોઈ ક્રિયા ‘ritual’ બની જાય ત્યારે તેનું મુળ તત્વ વીસરી જવાય છે. તમે ઘણી વખત જોયું હશે, બાઈક પર સ્પીડમાં જતો યુવાન કોઈ મંદીર પાસેથી પસાર થાય ત્યારે ક્યાં તો હોર્ન મારે, ક્યાં તો માથે અને છાતીએ હાથ લગાડી માથુ નમાવે. આમાં ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાનું પ્રદર્શન લાગે, પણ ખરેખર તો એ ફક્ત ‘ritual’ થી વધુ કશું નથી હોતું. તેના મનમાં કુટીલ વિચારોનું ચક્ર ચાલુ જ હોય.

આવું આપણી ધર્મ અને ધાર્મિક માન્યતાઓનું છે. મંદીરે જવાનું બુઢ્ઢા થયા પછી જ હોય, યુવાનીમાં ભગવાનની કોઈ જરુર નથી, જે છે તે આપણે જ છીએ. ‘હું કરું’ એ સિવાય કશું નથી. આમ આપણે જીવનશૈલી અને ધર્મને અલગ કરી દીધા છે.

પાતંજલીના યોગસુત્રોમાં જીવનશૈલીની સુપેરે સમજ આપેલી જ છે. યોગના પ્રથમ બે ચરણો – યમ. નિયમ – એ જીવનશૈલીનું માર્ગદર્શન જ છે. પાંચ ‘યમ’ – સત્ય, અહીંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – જે વ્યક્તિએ પોતે સમાજના સંદર્ભમાં પાળવાના નૈતિક નિયમો છે. જ્યારે ‘નિયમ’ – શુદ્ધિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપૂજન – એ વ્યક્તિએ ‘સ્વ’ માટે પાળવાના નૈતિક નિયમો છે. આમ ‘યમ, નિયમ’ જીવનશૈલી ઘડવાનો આધાર છે.

………. અને ગાંધીજીના અગીયાર વ્રતો કેમ ભુલાય –

સત્ય , અહિંસા , ચોરી ના કરવી , વણજોતું ના સંઘરવું….
બ્રહ્મચર્ય ને જાતે મહેનત , કોઈ અડે ના અભડાવું…..
અભય, સ્વદેશી, સ્વાદ જ તજવો , સર્વ ધર્મ સરખા ગણવા….
આ અગિયાર મહાવ્રત સમજી, નમ્રપણે દ્રઢ આચરવા……

આ બધી ભેજાફોડીનું તારણ કાઢવું હોય તો –

પ્રત્યેક વ્યક્તિએ પ્રકૃતિના આધારે જીવન જીવવા માટેના નૈતિક નિયમો નક્કી કરી ‘સ્વધર્મ’નું નિર્માણ કરવું અને હિંદુ, મુસ્લિમ, શીખ વગેરે બાબતો ભુલી જઈ ‘સ્વધર્મ’નું પાલન કરવું.

અંતે….

સમીર દરજીના બ્લોગ પરથી કેટલાક સામાજીક પાપોની વાત –

(૧) સિદ્રાંત વિહોણી રાજનીતિ

(૨) શ્રમવિહીન સંપત્તિ 

(૩) નીતિવિહીન વ્યાપાર

(૪) ચારિત્ર-વિહીન શિક્ષણ

(૫) વિવેકવિહીન આનંદ

(૬) માનવતા વિહીન વિશ્રામ 

(૭) ત્યાગવિહીન પૂજા

ધર્મને સમજવાની મથામણમાં મારે ‘ઘરવાપસી’ની વાત કહેવાની રહી ગઈ (છેલ્લા ત્રણ-ચાર મહીના બ્લોગ પરની હાજરીની અનિયમિતતાનું કારણ) – આ ઘરવાપસી એટલે સુરતથી ગાંધીનગર પરત થયો, જ્યાં મેં સંસારની શરુઆત કરી અને જીંદગીના સ્ટ્રગલ અને સુખના ચાલીસ વર્ષો વિતાવ્યા હતા.

હવે …. સુખે ભજશુ  શ્રીગોપાળ……

લાઈફ મેનેજમેન્ટ – ૨

અગાઊની પોસ્ટ લાઈફમેનેજમેન્ટ-૧ માં રીસોર્સીસને ટ્રાન્સફોર્મ કરવાની વાત તો કરી., પણ આ રીસોર્સીસ શું છે ? અને તેનું ટ્રાન્સફોર્મેશન કેવી રીતે કરવાનું ?  શેમાં કરવાનું છે ?

આ બાબતો જાણવા માટે આપણે જન્મદિવસે, નવા વર્ષની, લગ્ન સમયે,… અપાતી શુભેચ્છાઓને યાદ કરીએ, એમાંથી વારંવાર ઉપયોગમાં લેવાતા શબ્દો અલગ કરીએ તો રીસોર્સીસનું શેમાં ટ્રન્સફોર્મેશન કરવાનું છે એ સ્પષ્ટ થાય – સુખ, સમૃધ્ધિ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય, ની શુભેચ્છાઓ મુખ્યત્વે હોય. આનો સાદો અર્થ એ કે જીવનમાં જો કંઈ ‘મેનેજ’ કરવાનું હોય તો એ સુખ, સમૃધ્ધિ અને સ્વાસ્થ્ય છે. પણ ફરી સવાલ એ આવે કે આ પરિબળોનું પરિમાણ શું ? કેટલું સુખ ? કેટલી સમૃધ્ધિ ?. એમાં પણ સુખ, શાંતિ, સમૃધ્ધિ, સ્વાસ્થ્યની વ્યાખ્યા દરેક વ્યક્તિએ અલગ હોય. કોઈને બગીચાની કોઈ એક ખુણાની બેન્ચ પર એકાન્તમાં બેસવાથી ‘શાંતિ’ મળતી હોય, તો કોઈને ડીસ્કોથેકમાં ધમાલીયા સંગીતમાં ઉછળકુદ કરવાથી શાંતિ મળતી હોય. કોઈને પરફેક્ટ ફીટનેશ જોઈએ, તો કોઈ કહેશે ‘અત્યારે તો ખાઈ-પી લો, પછી ગોળીઓ ખાઈ લેશું. કોઈ રોટી-કપડા-મકાન મળી જાય એટલે સમૃધ્ધિના ઓડકાર ખાઈ લે, તો કોઈ મોટા મોટા બંગલાઓમાં પણ સંતોષ ન મળે.

એક કોરીયન બ્લોગરે ‘The Church in the Workplace’ પુસ્તકનો સંદર્ભ આપી, સમૃધ્ધિના ચાર પાસાની સરસ સમજુતી આપી છે –

  1. Material prosperity

સામાન્ય રીતે જમીન-મકાન-નાણાની વિપુલતા એ સમૃધ્ધિની નિશાની ગણાય છે. આનું મેઝરમેન્ટ પણ કરી શકાય અને રીસોર્સીસમાં આપણું જ્ઞાન, બુધ્ધી, આવડત, નાણા વગેરેને ઉપયોગમાં લઈ આર્થિક ઉપાર્જન કરી શકાય. આપણી સંસ્કૃતિના ચાર પુરુષાર્થમાંથી ‘અર્થ’ નો સંદર્ભ અહીં મળે.

  1. Spiritual prosperity

આ ખુબ અસંદિગ્ધ શબ્દ છે. દરેકે દરેક માટે તેની વ્યાખ્યા બદલાય. કોઈ રોજ મંદીરે જઈને પોતાને ધાર્મિક માનતો હોય. વધુ પુજા-પાઠ એટલે વધારે ધાર્મિક. કોઈ ફક્ત ઇશ્વર જેવું કંઈક છે એમ માની શાંતિ અનુભવતો હોય. આ બધી અવઢવમાં, આસ્તિક કે નાસ્તિક પોતાને જીવનમાં શું કરવાનું છે એ જાણતો હોય, આંતરિક શંતિ અનુભવતો હોય તે Spiritual રીતે સમૃધ્ધ છે એમ કહી શકાય.

  1. Physical prosperity

શારિરીક સ્વાસ્થ્ય – તંદુરસ્તીની સમૃધ્ધિ, મારી દ્રષ્ટિએ જીવનમાં ખુબ અગત્યની છે. કારણ કે એ હોય તો તમે અન્ય સમૃધ્ધિઓ પ્રાપ્ત કરવા સક્ષમ બનો.

  1. Social prosperity

સંબંધોની સૃષ્ટિ એ તો જીવનની મહામુલી સમૃધ્ધિ છે. એનો વિકાસ પ્રેમ અને લાગણી, કોઈના માટે કરી છુટવાની તમન્નાથી થાય છે. FB પર મિત્રોની સંખ્યા કે બ્લોગ ફોલોઅર્સની સંખ્યા, રસ્તે જતા બંધાતા હાય-હલ્લોના સંબંધોનો સમાવેશ આ સમૃધ્ધિમાં ન કરશો, કારણ કે એ આભાસી છે. જ્યાં શબ્દોનું કે બાહ્યાચારનું મહત્વનું નથી એવા સંબંધો એ સંબંધોની સમૃધ્ધિ છે.

જો આપણે ખરેખર સુખી થવું હોય ઉપરના ચારે પાસાઓને ધ્યાનમાં રાખવા પડે અને ચારેયને બેલેન્સમાં રાખવા પડે. Material prosperity હોય, ખુબ પૈસાદાર, પણ Physical prosperity  ન હોય તો પૈસાનું કોઈ મહત્વનું નથી. એ વ્યક્તિ ગમે તેટલો ‘અમીર’ હોય તોયે ‘ગરીબ’ જ કહેવાય.

અહીં પીટર ડ્રકર ની મેનેજમેન્ટ એક અન્ય વ્યાખ્યા યાદ કરીએ –

‘What you can measure, you can manage’

Quote_Peter-Drucker-on-Management_US-10

જો તમે સમૃધ્ધિને માપી શકો તો તમે લાઈફનું મેનેજમેન્ટ કરી શકો.

આપણો મુળ સવાલ ફરી એ જ આવે કે સમૃધ્ધિને માપવી કેમ ?

તમે મહીને રુ. ૫૦,૦૦૦ ની આવકને નાણાકીય સમૃધ્ધિ ગણો તો, તમે નાણાકીય સમૃધ્ધિ માપી શકો. જો રુ. ૨૫,૦૦૦ની આવક કરી શકો તો તમે કહી શકો કે તમે ૫૦ % નાણાકીય સમૃધ્ધ છો.  એવું પણ બને કે મહીને રુ. ૫૦,૦૦૦ ની આવકે પહોંચો ત્યારે તમારી નાણાકીય સમૃધ્ધિની લીમીટ બદલાય જાય, હવે રુ. ૧,૦૦,૦૦૦ પર આવી જાઓ. આવું જ બીજી સમૃધ્ધિઓમાં પણ બની શકે ને ? થોડા વધુ વિચારશો તો તારણ એવું નીકળે કે –

લાઈફ મેનેજમેન્ટના કોઈ સિધ્ધાંતો હોય શકે નહી. જે કરવાનું છે તે વ્યક્તિએ પોતે જ કરવાનું છે. પોતે જ જીવનમાં શું કરવાનું છે ? કેવી રીતે કરવાનું છે ? તે નક્કી કરવાનું છે. પોતે કોઈ રોલ મોડેલ પસંદ નક્કી કરેલ હોય તો તેના જીવનમાંથી કે અન્યના અનુભવોને આધારે આંખ-કાન-મગજ-હૃદય ખુલ્લા રાખી માર્ગદર્શન મેળવતા રહેવું પડે.

સરળ જીવન જીવવા માટેની Tips હોય શકે પણ કોઈ ચોક્કસ સિધ્ધાંત કે પધ્ધતિ હોય શકે નહી.

ગુગલ મહારાજના શરણે જઈ આવી Tips મેળવી લેવી… પોતાના જીવન માટે સમજી લેવી (ભાર પૂર્વક વાંચો.. સમજી લેવી.. ) તો અન્ય કોઈ ગુરુ કે ટ્રેઈનરના શરણે જવાની જરુર નહીં પડે.

અગાઊ મેં – મેનેજમેન્ટ એટલે શું – વિષે વિગતથી લખ્યું છે. તદઊપરાંત અન્ય મિત્રો સાથે વેબગુર્જરી પર –  ‘મેનેજમેન્ટન સિધ્ધાંતો’  તથા ‘રોજબરોજના જીવનમાં મેનેજમેન્ટના સિધ્ધાંતો’ માં પણ કેટલાક વિષયો આવરી લઈ ચર્ચા કરેલ છે.

 

લાઈફ મેનેજમેન્ટ –

‘નાના, આ બ્.ર…ર..મા વેષ્નુ….માહેશ … કોણ છે ? What they do ..? Why they are God ? what is ‘GOD’ ?

આજે ૬૮ વર્ષે મને જેના જવાબ નથી મળ્યા તેવા સવાલોની ઝડી લંડન સ્થિત, પાંચ વર્ષની મારી દોહીત્રીએ વરસાવી. હવે બાળકોના સવાલોના જવાબ આપવા જ પડે (એવું માનસશાસ્ત્રીઓ કહી ગયા છે… J ) આથી મેં પણ જવાબ આપી દીધો – બ્રહ્મા – વિષ્ણુ – મહેશ એ Creator, Manager and Destroyer છે. બ્રહ્મા આ world create કરે, વિષ્ણુ તેને manage કરે અને મહેશ તેને destroy કરે. પણ પછી તો હાલત વધારે ખરાબ થઈ ગઈ, God માં તો બહુ ગોથા ખાધા.. પણ જવા દો ! આજે તો આ જવાબોમાંથી વિષ્ણુવાળી વાત યાદ કરીએ.

આપણા જીવનમાં પણ, આપણા જીવનનું creation આપણા હાથમાં નથી, destroy- મૃત્યુ આપણા હાથમાં નથી, પણ management આપણા હાથમાં છે. આમ વિષ્ણુનો રોલ આપણા હાથમાં છે. (અહીં ‘अहं ब्रह्मास्मि’ ન સમજવું !). ‘કેટલું’ જીવ્યા તે નહીં પણ ‘કેવું’ જીવ્યા તે મહત્વનું છે. જેમણે વિષ્ણુનો રોલ બરાબર ભજવ્યો તેઓને destroy ની બહું ચિંતા હોતી નથી…. નહીતર … ‘હવે તો ઉપરવાળો દોરી ખેંચી તો સારું’ એ શબ્દો સાથે ઘડપણ વિતાવવાનું થાય.

આમ તો ‘મેનેજમેન્ટ’ શબ્દ વાંચીએ એટલે ઉદ્યોગ, ઓફીસ, કારોબાર વગેરે યાદ આવે, આપણા જીવનનો સંદર્ભ ઓછો યાદ આવે. હવે તો મોર્ડન ગુરુઓ અને ટ્રેઈનરોએ ‘લાઈફ મેનેજમેન્ટ’ હાથવગો કરી દીધો છે અને એ બહાને કમાણી પણ થાય છે.

જીવનમાં શું ‘મેનેજ’ કરી શકાય ?

આપણા પુરાણો એ જીવનના ચાર પુરુષાર્થ ગણાવ્યા છે – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ

આ શબ્દોની સમજુતી વ્યક્તિદીઠ જોવા મળે છે, દરેક પોતાની રીતે સમજાવે છે. કેટલાક ધર્મને મોક્ષ સાથે જોડી દ છે, ‘અર્થ’ને ‘કામ’ના રીસોર્સ તરીકે ગણાવે છે તો કોઈ ધર્મ ને જીવનધર્મ તરીકે સમજાવે છે. આ બધી સમજુતીઓને મારીમચડી ‘લાઈફ મેનેજમેન્ટ’ માં ફીટ કરવાનું યોગ્ય નથી. આથી લાઈફ મેનેજમેન્ટને જરા મોર્ડન ભાષામાં સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.

life-quotes-

Fredmund Malik એ સાદી વ્યાખ્યા આપી દીધી – “the transformation of resources into utility.”

તમારી પાસે જે છે તેને ‘ઉપયોગીતા’ માં બદલો. જો કે થોડું આગળ પણ વધવું જોઈએ – જે નથી તે મેળવવા, તમારામાં જે ‘જ્ઞાન’ છે તેનો ઉપયોગ કરી પ્રાપ્ત કરો. આ વાક્ય સીધું પુખ્ત ઉંમરનાને જ લાગું પડે એવું નથી. બાળકોથી પણ એની શરુઆત થઈ જાય. કોઈ હાથમાંથી રમકડું ઝુંટવી લે તો, ભલે બોલતા ન આવડતું હોય, પણ ચીસાચીસ કરવાથી પરત મળી જ જશે એવું જ્ઞાન છ મહીનાનું બાળક પણ ઉપયોગમાં લે છે. દુધ અને અન્ય જરુરીઆતો પ્રાપ્ત કરવા સાંકેતીક ભાષાનું જ્ઞાન બાળકો અનુભવથી મેળવી જ લે છે.

આમ જીવન જીવવા માટેનું ‘મેનેજમેન્ટ’ જન્મીએ ત્યારથી જ શરુ થઈ જાય અને આખા જીવન દરમ્યાન ચાલતું રહે. નાનપણમાં જરુરીયાતો ‘પુરી’ કરવા, મોટા થતાં ‘ટકાવી’ રાખવા  અને બુઢા થતાં ‘ટકી’ રહેવા માટે મેનેજમેન્ટ કરતા રહેવુ પડે છે. નાનપણમાં મિત્રો બનાવવા અને મોટા થતાં સંબંધો ટકાવી રાખવા FB પર કચરા જેવા સ્ટેટસ પર ‘Like’ કરવું પડે અને કોલેજમાં બહેનપણીને ‘ટ્રીટ’ આપવી પડે અને બુઢા થતાં કુટુંબના સ્ભ્યોને સહન કરવા પડે છે.

મને લાગે છે કે આમાં વધારે ઉંડી ડુબકી મારવી પડે તેમ છે…… કોમેન્ટસ દ્વારા ઓક્સીજન પુરો પાડજો… અને નવા ‘ચશ્મા’ પણ પહેરાવજો આથી નવી દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કરું…. અને તમારો આભાર માનું…

 

ભુતકાળનો ભવિષ્યકાળ –

થોડા સમય પહેલાં સ્ટ્રેસ અંગેની ચાર-પાંચ પોસ્ટ લખી હતી, તેમાં સ્ટ્રેસને ફીજીયોલોજીની દ્રષ્ટિએ સમજવા પ્રયત્ન કર્યો હતો…. શારીરિક નફા-નુકસાનની વાત પણ જાણી, પણ હમણા સ્ટ્રેસ્સ્નું એક નવું પરિબળ ધ્યાનમાં આવ્યું – ‘ભુતકાળનો ભવિષ્યકાળ’. માનવ મન ખુબ વિચિત્ર છે, કલ્પનાના ઘોડા એકવાર છુટે પછી ક્યા પ્રદેશમાં લઈ જાય એ નક્કી હોતું નથી. જોઈએ ! એક પ્રસંગ ….

નવી નવી લક્ઝરી કાર… વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે… ખુલી સડક …. સ્પીડનો કાંટો ક્યારે ૧૪૦ વટાવી જાય એ ધ્યાનમાં પણ ન રહે. ફાસ્ટ ટ્રેક પર આગળ જતી ઇનોવાએ એની આગળ ધીમી સ્પીડમાં જતી કારને રોંગ સાઈડ ઓવરટેક કરવા મીડલ ટ્રેકમાં લીધી, નજર તો ઈનોવાની ડેકી પર ચોટી હતી આથી પાછળ પાછળ ગાડી મીડલ ટ્રેકમા લેવાણી અને અચાનક ગાડીની નીચે કંઈક અથડાયું હોય તેવો ઝાટકો લાગ્યો. સ્પીડ કન્ટ્રોલ કરતાં કરતાં ગાડી સાઈડ કરી ત્યાં તો પાછળની એક ગાડીએ ઓવરટેક કરી જાણ કરી કે ‘ડીઝલ લીક થાય છે.’ ગાડી ઉભી રાખી જોયું તો ડીઝલ ટેન્ક તુટી હતી અને ક્રેન્કને પણ નુકશાન થયું હતું. હાઈવે પર ખટારાવાળાએ બેદરકારીથી મુકેલ અણીદાર પથ્થરે ડીઝલ ટેન્કને નુકશાન પહોંચાડ્યું હતું. પછી તો હેલ્પ લાઈનને ફોન અને કાર ટોઈંગ અને આણંદમાં ચાર દિવસનું અણધાર્યું રોકાણ. પપ્પા-મમ્મીને ફોન … સબ સલામતનો સંદેશ…. પણ મમ્મીની કલ્પનાના ઘોડા છુટ્યા…. શું થયું હશે ? બાળકો ખોટું તો નહી કહેતા હોય. ?… વોટ્સએપ પર બધાના સબ સલામતના ફોટા જોયા… તો પણ…..

ગાડી પલટી મારી ગઈ હોત તો ? બીજી કાર સાથે ભટકાઈ ગઈ હોત તો ? સારું થયુ બધા બચી ગયા નહીંતર… ભગવાને જ રાખ્યા….ધીમે ધીમે મમ્મી ‘ભુતકાળમાં બનેલા પ્રસંગના ભવિષ્યકાળ’ના તરંગોમાં ખોવાય જાય, સ્ટ્રેસ હોરમોન કોર્ટિસોલ પ્રમાણ લોહીમાં વધતું જાય, હૃદયના ધબકારા વધે… આંખમા આંસું તગતગવા માંડે…

લો બોલો ! હવે જે પ્રસંગ બની ગયો છે, સબસલામત છે.. છતાં જો ‘આવું થયું હોત તો ?’ નો ભવિષ્યકાળ, સ્ટ્રેસ વધારવાનું કારણ બને.

મોટાભાગના લોકોનો આ અનુભવ છે. ભુતકાળમાં બનેલા પ્રસંગોને યાદ કરી, એ બની ગયેલા પ્રસંગમાં ‘આમ બન્યું હોત તો’ એવા ભવિષ્યની કલ્પના કરીને સ્ટ્રેસ ઉભું કરતા હોય છે.

જે બની ગયું છે તેને યાદ કરી, જેનો ભવિષ્યકાળ આવવાનો નથી એવી કલ્પનાઓને કોઈ અર્થ ?

ચેતો ! ભુતકાળના ભવિષ્યની કલ્પનાઓમાં ખોવાયને સ્ટ્રેસ વધારવાનું કોઈ કારણ નથી.

તમે અક્કલવાળા છો ?

સવારે ઉઠીને તમે હાથના દર્શન કરી –

કરાગ્રે વસતે લક્ષ્મી, …. બોલી, ધાર્મિક મંત્રનું ઉચ્ચારણ કરી, હાથના અગ્ર ભાગમાં લક્ષ્મીનો વાસ છે (હાથ વડે કામ કરીને લક્ષ્મી પ્રાપ્ત કરો છો.. (નોંધી લો – ફક્ત બુધ્ધી વડે જ લક્ષ્મી પ્રાપ્ત ન થાય… કોઈક કામ તો કરવું જ પડે), હાથના મુળમાં સરસ્વતી – જ્ઞાનનો વાસ છે અને હાથની મધ્યમાં ગોવિંદ – આખું જગત રહેલું છે, (કર લો દુનીયા મુઠ્ઠીમેં), આ જગતમાં તમારે જે કંઈ કરવાનું છે, સિધ્ધી પ્રાપ્ત કરવાની છે એ તમારા હાથમાં જ છે એવી ભાવના દ્રઢ કરવા તમે હાથના દર્શન કરતા હો તો બુધ્ધીશાળી નથી…. કારણ કે બુધ્ધીશાળી માણસો આવી ધાર્મિક (?) વાત નથી કરતા. આઈ ક્યુમાં ‘ભાવના’ નું કોઈ સ્થાન નથી.

પથારીમાંથી જમીન પર પગ મુકતી વખતે તમે પૃથ્વીને ‘માતા’ ગણી ‘પાદ સ્પર્શ ક્ષમસ્વમે’ – પગના સ્પર્શની ક્ષમા માગી ‘કૃતઘ્નતા’ વ્યક્ત કરો (અને મનમાં આવી ભાવના દ્રઢ કરો – પેલું અંગ્રેજીવાળુ ‘thanks’ નહીં) તો પણ તમે બુધ્ધીશાળી નથી. કારણ કે ‘કૃતઘ્નતા’ નું પણ આઈ ક્યુમાં કોઈ સ્થાન નથી.

તમને લાગશે કે બુધ્ધીશાળી હોવાના ભ્રમમાં હું તમને અક્કલવગરના કહી રહ્યો છું પણ મિત્રો આ તો હમણાં ‘કુરુક્ષેત્ર’ બ્લોગ પર ‘એક અહેવાલ’ને ટાંકીને સમાચાર લખાયા કે ‘ધાર્મિક માણસો બુધ્ધિશાળી હોતા નથી’ (મે અમસ્તા ‘સંદર્ભ’ પુછ્યો તો ગુગલ મહારાજને પુછવાની સલાહ મળી.) હવે હું, ‘આ જગતમાં કોઈ સર્વોપરી સંચાલક બળ છે’ એવું માનું છું, મંદીરે કે કથાવાર્તામાં જતો નથી, પણ ‘કંઈક’ છે એવું તો ચોક્કસ માનું જ છું અને પાછો ‘બુધ્ધીશાળી’નો વહેમ રાખું છું આથી આ વહેમનું કાંઈક કરવા ગુગલ મહારાજના શરણે જવું જ પડ્યું અને હાથમાં આવ્યો – Professor Miron Zuckerman નો એક સ્ટડી (‘The Relation Between Intelligence and Religiosity: A Meta-Analysis and Some Proposed Explanations’), એમણે ધાર્મિકતા (religiosity) સાથે બુધ્ધી (intelligence) ને જોડવાનો પ્રયત્ન કરતા ૬૩ અભ્યાસોમાંથી ૫૩ અભ્યાસોમાં એવું તારણ કાઢ્યુ કે “a reliable negative relation between intelligence and religiosity” – જો તમે ધાર્મિક છો તો તમારામાં ઓછી અક્કલ છે, નાસ્તિક માણસો વધુ બુધ્ધીશાળી હોય છે.

સાલું મગજ ચકરાવે ચડી ગયું. મારી જાણમાં જે લોકો આ દુનીયાને અવિસ્મરણીય વિચારધારાઓ આપી ગયા, કાર્યો કરી ગયા તેઓના જ્ઞાનની (બુધ્ધી નહીં) ઉંચાઈને આંબવાનું આપણે સપનું પણ ન જોઈ શકીએ એવા માણસોએ પણ ‘સુપર પાવર’ નો સ્વીકાર કર્યો જ છે, આજે પણ મીલીયોનર-બીલીયોનર વ્યક્તિઓ પણ આ ‘સુપરપાવર’ નો સ્વીકાર કરે જ છે. તો સવાલ એ છે કે આ ’૫૩ અભ્યાસો’ કોના પર થયા ? આમ જનતા પર ? આમ જનતામાં પણ ઉચ્ચ મધ્યમવર્ગના માણસો પણ ક્યારેક તો મંદીરે માથું ટેકવવા જાય જ છે, અને મધ્યમ વર્ગ અને ગરીબ પ્રજાને પેટનો ખાડો પુરવા કરવી પડતી મહેનતમાં ભગવાનને ભજવાનો સમય જ નથી, આ બધા અક્કલ વગરના ?

Professor Miron Zuckerman ના ‘અભ્યાસ’નો પણ અભ્યાસ કરવો પડે તેવું લાગ્યું.

આ અહેવાલના તારણમાં કહેવાયું છે કે રીસર્ચ પેપર્સના તારણોમાં એક સામાન્ય મુદ્દો એ છે કે  ‘ધાર્મિક માન્યતાઓ તર્કસંગત નથી, તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી, આથી તેનો કોઈ ટેસ્ટ થઈ શકે નહી તેથી બુધ્ધીશાળી વ્યક્તિને આકર્ષતી નથી’ (“Most extant explanations (of a negative relation) share one central theme —the premise that religious beliefs are irrational, not anchored in science, not testable and, therefore, unappealing to intelligent people who ‘know better’.”) અહીં ‘anchore’ શબ્દ બહુ રસદાયક છે. તોફાનમાં નાવ આઘીપાછી ન થઈ જાય તેથી દરીયામાં ‘લંગર’ નખાય છે. શ્રધ્ધાળુ માનવીઓ પણ જીવનના ઝંઝાવાતોમાં ટકી રહેવા ઇશ્વર પરની ‘શ્રધ્ધા’નું લંગર નાખે છે – હરિ ! તું કર તે ખરી. બુધ્ધીશાળીઓને આવા લંગરની જરુર જણાતી નથી કારણ કે તેમને તેમની બુધ્ધી પર વિશ્વાસ હોય છે.

આ તારણોની ટીકા સ્વરુપે એવું પણ લખાયું છે કે આ સંશોધનોમાં ફક્ત ‘analytical intelligence’ ને ધ્યાનમાં લેવામાં આવેલ છે. તાજેતરમાં શોધવામાં આવેલા ‘creative and emotional intelligence’ ને ધ્યાનમાં લેવામાં આવેલા નથી.

સૌ પ્રથમ તો Intelligence ને સમજવાનો પ્રયત્ન કર્યો.

stock-photo-intelligence-symbol-conceptual-design-creative-thinking-icon-isolated-on-white-background-126523163

 

Intelligence – બુધ્ધીની વ્યાખ્યા – વીકીપેડીયા પ્રમાણે – Intelligence is a property of the mind that encompasses many related abilities, such as the capacities to reason, to plan, to solve problems, to think abstractly, to comprehend ideas, to use language, and to learn. In some cases, intelligence may include traits such as creativity, personality, character, knowledge, or wisdom. However, some psychologists prefer not to include these traits in the definition of intelligence. આમાં જુઓ તો સર્જનાત્મકતા, જ્ઞાન, ડહાપણ વગેરેનો સમાવેશ પુર્ણપણે કરાયો નથી. તેનું પણ કારણ છે આ શબ્દોને ટેસ્ટ કરી ‘આંકડા’ઓમાં માપી શકાય તેમ નથી અને તેથી ‘IQ’ ટેસ્ટ કરી શકાય તેમ નથી.

અને ધાર્મિકતા –

How-would-you-rate-your-religiosity

 

Religiosity is defined as involvement in some (or all) facets of religion, which includes belief in the supernatural, offering gifts to this supernatural, and performing rituals affirming their beliefs. Other signs of religiosity were measured using surveys, church attendance, and membership in religious organizations. અહીં મને લાગે છે કે ધાર્મિકતાના બે ભાગ કરવા પડે તેમ છે – એક તમે કંઈક ‘સુપરનેચરલ’ છે એવું માનો છો અને બીજું આ માન્યતાના ટેકામાં તમે મંદીરે દર્શન કરવા જાઓ છો કે વીધીવિધાન કરો/કરાવો છો. હું માનું છું કે સુપરનેચરલને માનવામાં વાંધો નથી, પણ ધાર્મિક ક્રિયાઓ કરવી એ ‘અંધશ્રધ્ધા’ની ગણત્રીમાં આવે. સર્વેમાં પણ ‘ચર્ચ એટેન્ડસ’ને ગણત્રીમાં લેવામાં આવી છે.

આમ intelligence માં તાર્કિકતા અને વિશ્લેષણની ક્ષમતાનું મહત્વ વધારે છે, જ્યારે ધાર્મિકતામાં લાગણી, વિશ્વાસનું મહત્વ વધારે છે.

જો કે Zuckerman એ તકેદારી વિષે પણ લખ્યું છે – આ અહેવાલમાં ગણત્રીમાં લેવાયેલ સંશોધનોના 87 % પાર્ટીશીપન્ટ અમેરીકા, કેનેડા અને યુકે ના રહેવાસીઓ હતા અને વધુમાં અંગ્રેજીમાં પ્રકાશીત થયેલ રીસર્ચ પેપર્સને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આથી પુર્વના દેશો અંગે આ બાબતમાં કશું કહી શકાય નહીં.

આવા સંશોધનોની સામે મને સુરતના હીરાઉદ્યોગના સાહસિકોની વર્તણુકો ખુબ આશ્ચર્ય ઉપજાવે છે. અબજોપતિ ઉદ્યોગસાહસિકો તેના કારીગરોને બોનસમાં કાર અને ફ્લેટ્સની લાણી કરી શકે છે અને સામે પક્ષે ભાગવત સપ્તાહ બેસાડવા માટે કરોડો રુપિયા પણ ખર્ચી શકે છે. અહીં ક્રીએટીવીટી અને લાગણીને ધ્યાનમાં લેતી ‘emotional intelligence’ નું મહત્વ વધારે છે. જો કે ‘દેખાડો’ કરવાની વૃતિ પણ છે છતાં એમના કાર્યો નજર અંદાજ કરી ન શકાય.

સંશોધક Gregory S. Paul એ ખુબ સરસ તારણ આપ્યું છે. તેણે ઇકોનોમીક ડેવલોપમેન્ટ સાથે ધાર્મિકતાનું અનુસંધાન કર્યું છે. એમનું કહેવું છે કે જો માનવીને નાણાકીય સ્થિરતા અને સમૃધ્ધિ તથા આરોગ્યની ખાત્રી મળતી હોય તો તેનો ઇશ્વર પરનો રસ ઓછો થઈ જાય છે. જે આપણા સૌનો અનુભવ પણ છે. આપણો મધ્યમ અને ગરીબવર્ગ વધારે ધાર્મિક છે એનું કારણ પણ આ જ હોય તેમ નથી લાગતું ?

ઘણા ધાર્મિક પ્રસંગો, રુટીન લાઈફમાંથી થોડો સમય બહાર નીકળવા અને લોકોને હળવા-મળવા માટે જ ઉજવાતા હોય છે. આમાં ધાર્મિકતા હોતી નથી.

અને ખુબ જ રસદાયક વાત – યેલ યુનીવર્સીટીના સાયકોલોજી વિભાગના સંશોધક મેથ્યુ ફીસરે કહ્યું – ઇન્ટરનેટ એટલો શક્તિશાળી માહોલ પુરો પાડે છે જ્યાં કોઈપણ વ્યક્તિ ગમે તે પ્રશ્ન લખી ને માહિતી મેળવી શકે છે. આ કારણે યુઝર પોતે જેટલો હોશીંયાર છે તેના કરતાં વધુ ચતુર હોવાનો અહેસાસ કરે છે. (મને પણ મારા બુધ્ધીશાળી હોવાના વહેમનું કારણ મળી ગયું….. :-))

અગત્યની લિન્ક્સ –

http://arstechnica.com/science/2013/08/new-meta-analysis-checks-the-correlation-between-intelligence-and-faith/

http://www.independent.co.uk/news/science/religious-people-are-less-intelligent-than-atheists-according-to-analysis-of-scores-of-scientific-studies-stretching-back-over-decades-8758046.html

http://en.wikipedia.org/wiki/Religiosity_and_intelligence