‘બિચારો’ (?) યુવાન –

યુવાન ‘બિચારો’ છે જ નહી,

સાહિત્યકારશ્રી ઝવેરચંદ મેઘાણી કહી ગયા છે –

“ઘટમાં ઘોડા થનગને અને આતમ વિઝે પાંખ,
એ અણદિઠેલ ભોમ પર યૌવન માંડે આંખ”

youth1

પણ આજના યુવાનોની ‘ચિંતા’ઓની ‘ચિંતા’ કરીએ તો, ખરેખર લાગે કે યુવાન ‘બિચારો’ છે.

અંગ્રેજી ડીક્શનરી Youth ની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે –

Youth is also defined as “the appearance, freshness, vigor, spirit, etc., characteristic of one who is young”.

ઉંમરને ધ્યાનમાં રાખીને પણ વ્યાખ્યા થાય તો ૧૬ વર્ષ થી ૨૪ વર્ષ અને આપણી બોલીમા કહીએ તો ૧૫ થી ૩૫ વર્ષ સુધીની વ્યક્તિ. અંગ્રેજી વ્યાખ્યા ધ્યાનમાં લઈએ તો ઘણા વૃધ્ધો પણ ‘યુવાન’ માં આવી જાય. (appearance સિવાય)

આજે યુવાન ‘અણદિઠેલ ભોમ પર’ આંખ માંડી શકતો નથી. એનું એક કારણ એવું હોય શકે, એની પાસે એ ‘આંખ’ નથી – દ્રષ્ટિ નથી. દિશા શુન્યતા છે. એમ કેમ છે ? ચિંતાનો વિષય છે. માનવીની કુલ ઉમરનો આ ભાગ એવો છે કે તે સમયમાં વ્યક્તિએ પોતાની જાતને જીવન સાથે લડવા માટે તૈયાર કરવાની હોય છે. વીકીપેડીયા તેને ‘Self Concept’ કહે છે. આ Self Concept તૈયાર કરવામાં માબાપ તરફથી બાળપણમાં મળેલા સંસ્કાર, સામાજીક સર્કલ – મિત્રો/સગા-સંબંધીઓ, જીવન પધ્ધતિ (life style), Culature વગેરે, અસર કરે છે. સુ.શ્રી આરતી પરીખના બ્લોગ પર એક સરસ કાવ્ય પંક્તિ વાંચવા મળેલી –

“જીંદગી ! મને નહોતી ખબર કે તું છે ગણીત,

એક પદ ખોટું તો આખો દાખલો ખોટો !”

આમ Self Concept એ જીંદગીના દાખલાનું એક પદ છે, જો એ ખોટું હોય તો જીંદગીનો દાખલો જ ખોટો ગણાય. મહદ અંશ આવું જ બને છે. આપણે સૌ ખોટા દાખલા ગણી જીવન પુરું કરીએ છીએ. કદાચ જતી જીંદગીએ ધ્યાનમાં આવે કે જીંદગીનો દાખલો ખોટો ગણાયો છે તો બહુ મોડું થયું હોય છે, સમય પુરો થઈ ગયો હોય છે, જવાબવહી આપી ચાલતા થવાનું હોય છે.

યુવાનોએ ….  અને યુવાનોની ….. Self Concept તૈયાર કરવાની ‘ચિંતા’ કરવી જરુરી છે.

સૌ પ્રથમની ‘ચિંતા’ એ છે કે જે મા-બાપ બાળપણમાં ધ્યાન રાખે છે, માર્ગદર્શન આપે છે, તે હવે, ‘તું હવે મોટો થઈ ગયો છે’ એ શબ્દો અને વિચાર સાથે પોતાનું ધ્યાન બીજે ફેરવે છે. ‘સંસ્કાર’ના શિક્ષણની મોટી સ્કુલમાંથી (ઘર) તેને એલ.સી. પકડાવી દેવાય છે. આજની નવી સ્કુલો તેની ‘સ્કીલ’ વધારવાનો પ્રયત્ન માત્ર કરે છે. સંસ્કાર શું છે એ કદાચ સ્કુલોના માહિતીપત્રમાં છપાયેલ ‘શબ્દ’ રહી ગયો છે. સ્કુલ/કોલેજમાં જવાથી સામાજીક ક્ષેત્ર વિસ્તરે છે, નવા સંબંધો વિકસે છે, પણ આ સંબંધો શું છે ? કેવા છે ? કેવા હોવા જોઈએ ? કેવી રીતે જાળવવા ? કોની સાથે રાખવા ? આ બધાનું માર્ગદર્શન માબાપ પાસેથી અપેક્ષીત છે. પણ એમણે તો મોં ફેરવી લીધું છે અને યુવાન ગુંચવાય છે. નવી જવાબદારીઓ આવી પડે છે. એ કેમ નિભાવવી તેની સમજણ તેની પાસે નથી. સંબંધોમાં જે હુંફ હોવી જોઈએ તે યુવાનો કેળવી શકતા નથી અને તેઓ ઉપરછલ્લા અને કામચલાઉ સંબંધો બાંધે છે, જે મોટે ભાગે ‘લેતી-દેતી’ના વ્યવહાર જેવા હોય છે. કામ પુરું, સંબંધ પુરો. આવા સંબંધોવાળી વ્યક્તિઓ મહત્વની સામાજીક જવાબદારીઓ – જેવી કે લગ્ન સંબંધો બાંધવા/સુપેરે ટકાવવા, જાળવવામાં નિષ્ફળ નિવડે છે.

અભ્યાસ કરાવનાર સ્કુલોની ચિંતા તો કરી પણ ‘અભ્યાસક્રમો’ પણ ઓછા ચિંતાજનક નથી. સ્કુલો બાળાકોને/યુવાનોને ઇલેક્ટ્રોનીક રમકડા તો હાથમાં પકડાવી છે અને તેને કેમ ઓપરેટ કરવા તેની ટેકનીકલ માહિતી આપી, પોતાની જવાબદારી પુરી એમ માને છે. આ રમકડાઓના યોગ્ય ઉપયોગ માટે કોઈ જ્ઞાન અપાતું નથી. માબાપ યુવાનોની જીદ સામે સ્માર્ટ ફોન લઈ આપે છે પણ તે યુવાનને ઇન્ટરનેટનો કઈ રીતે સાચો અને ક્રિએટીવ ઉપયોગ કરવો તે શીખવાડતા નથી. સારામાં સારી અંગ્રેજી સ્કુલો વિદેશી સ્કુલોના અભ્યાસક્રમો અને તેની ટેક્સ્ટ બુકો ભણાવી બાળકોને આપણા સમાજથી સંસ્કારથી દુર કરે છે. અહીં માબાપોની પણ ભુલ થાય છે. વિદેશના મોહમાં બાળકને વિદેશી કલ્ચરથી પરિચય કરાવે છે અને ભવિષ્યમાં આ દેશમાં રહીને આખી જીંદગી ‘એડજસ્ટ’ થઈ શક્તો નથી. અહીં વિદેશી કલ્ચરની ટીકા નથી પણ માનવશરીર જે વાતાવરણમાં રહે છે તેની સાથે તે એડજસ્ટ થયેલું હોય છે, હવે માનસિક રીતે તેને અલગ વાતાવરણમાં જીવાડવાનો પ્રયત્ન કરીએ તો મુ્શ્કેલી પડે તે સ્વભાવિક છે. ઠંડા પ્રદેશની વાનગીઓ તમે ગરમ પ્રદેશમાં ખાઓ તો શરીરના પાચનતંત્રમાં મુશ્કેલી આવે એ દેખીતું છે.

અભ્યાસક્રમોની ડીઝાઈન પણ એવી હોય કે જેમાં પ્રયોગો કરવાનો અવકાશ રહેતો નથી. બાળકો કે યુવાનોની સર્જનાત્મકતાને ઓછો અવકાશ રહે છે અને તેના માટે પ્રોત્સાહન પણ નથી. બે-પાંચ વીરલા મળે ત્યારે તેનું સન્માન કરી આપણે સંતોષ માનીએ છીએ.

અભ્યાસ પુર્ણ કર્યા પછી ‘કેરીયર’ પસંદગીમાં મહદ અંશે ઘેંટાઓના ટોળા જેવું હોય છે. અભ્યાસની વિવિધ શાખાઓના એડમીશનના ટ્રેન્ડ જુઓ તો જણાશે કે પ્રતિવર્ષ બદલાતા રહે છે. કોઈ વખત એક શાખામાં વધારે તો બીજા વર્ષે બીજી શાખામાં વધારે. આ કારણોસર અભ્યાસની પુર્ણાહુતી બાદ વિદ્યાર્થીનો જથ્થો બહાર આવે તે એક શાખાનો જ હોય આથી કેરીયરમાં બીનજરુરી હરીફાઈ ઉભી થઈ જાય. મને-કમને સ્વીકારેલી નોકરીમાં શું ભલીવાર આવે અને એ યુવાનનું જીવન પણ ભલીવાર વગર પસાર થઈ જાય.

સરકાર, ઉદ્યોગોમાં રુપકડા નામ સાથે HRD Department હોય છે. એમાં મહદ અંશે બીઝનેશ રીલેટેડ તાલીમ અપાય છે. જે તે વ્યક્તિની જીવન પધ્ધતિ સુધારવામાં એનો ફાળો ઓછો હોય છે.

યુવાનોની આવી તો ઘણી ‘ચિંતા’ઓ છે.

તમે પણ થોડો પ્રકાશ પાડો……. (તો યુવાનોને નીચેના ચિત્ર જેવું ભવિષ્ય મળે)youth2

2 comments on “‘બિચારો’ (?) યુવાન –

  1. ASHOK M VAISHNAV કહે છે:

    આપણાથી પહેલી પેઢીને આપણી ચિંતા હતી, આપણને હવે પછીની પેઢીની ચંતા થાય છે, પછીને પેઢીને તે પછીની પેઢીમાટે concerns હશે.
    આજની પેઢી ત્રીજે કે ચોથે વર્ષે તો નોકરી બદલી જ નાખે, આપણે દસ પંદર વર્ષ પણ આરામથી કાઢતાં અને આપણી પહેલા તો પડ્યું પાનું નીભાવતા – નોકરીમાં.
    ‘અમારા સમયમાં એક શેર ઘી તો આટલા પૈસામાં મળતું’ – તે સમયે આવક પણ આંગળીને વેઢે ગણી શકાય તેટલી જ હતી ને!
    મજાની વાત તો એ છે કે દરેક સમયે દરેક સમ્સ્યાનો ઉકેલ તો મળી જ રહે છે. તે કેટલી હદે સ્વીકાર્ય રહે છે કે નથી રહેતો તે ભલેને અલગથી ચર્ચાનો વિષય રહ્યો હોય!
    આ ચિત્ર જ આવનારી સમસ્યાઓની ઉપર પગ મૂકીને ઉપાયો તરફ નજર કરતાં રહેવાનું સૂચવે છે એમ મને તો જણાયું………
    તમારા જેવી જ લાગણીઓ મને પણ થાય અને પછી ઉપર જણાવ્યું તેમ વિચારીને ટાઢક મેળવી લઉં છું.

    Like

    • jagdish48 કહે છે:

      આભાર અશોકભાઈ, આજની યુવાન પેઢીને એમન પછીની પેઢીની ચિંતા હશે પણ જીવનની ખેંચતાણમાં તેને સંભાળી શકતી નથી. એક બીજો હકારાત્મક તર્ક લગાડી લગાડી શકાય – કદાચ નવી પેઢી પોતાની રીતે સ્ટ્રગલ કરી મોટી થશે તો વધારે મજબુત બનશે. આજની કે ગઈકાલની સંસ્કૃતિ ભુલી જઈને પોતાનો નવો ચિલ્લો પાડશે.

      Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s