જુઓ ‘મનરંગી’ની નજરે –

જુઓ સુશ્રી મૌલીકા દેરાસરી મારા બ્લોગને વેબગુર્જરી પર કઈ રીતે વર્ણવે છે …

(http://webgurjari.in/2013/06/19/blogparichay-10/)

– મૌલિકા દેરાસરી

સંબંધ…..

આમ જોઈએ તો સાવ સરળ અને સામાન્ય શબ્દ…

પણ એટલી જ અસામાન્ય છે આ શબ્દની સમજ.

એની વ્યાખ્યા શું?

આમ તો જેટલાં માથાં એટલી વ્યાખ્યા નીકળે કારણ કે આપણી એ તકલીફ છે, દરેક વાતને આપણી સમજ પ્રમાણે એક આવરણ ચડાવી દેવાની. પછી આખી જિંદગી એ આવરણમાંથી નીકળે એ બીજા.

શા માટે દરેક વાતને વ્યાખ્યાઓના વાડામાં બાંધી દેવી?

કોઈ પણ રીતે બંધાયા વગર સંબંધની એક સહજ સમજણના પ્રવાહમાં વહેવું હોય તો આ બ્લૉગ એ પ્રવાહમાં હળવાશથી એક ધક્કો મારી શકે છે. પછી એમાં તરવું, ડૂબવું, છબછબિયાં કરવાં કે એમાંથી મોતી વીણીને આપણી સમજણમાં પરોવવાં એ આપણા જ હાથમાં છે.

અહીં બે ભિન્ન ભિન્ન વિચારો વચ્ચે કોઈ જ જાતની મમત નથી, બલકે બેય વિચારોની મૂલવણી કરીને સમજ કેળવવાની વાત છે.

અહીં નવી પેઢી અને જૂની પેઢીના સામા છેડાના વિચારો વચ્ચેનું કોઈ યુદ્ધ નથી પણ આવા વિચારો કેમ ઉદ્ભવે છે અને એને નાથવા બેય પેઢી શું શું કરી શકે એનું મનોમંથન છે.

પતિ અને પત્નીના સંબંધને એક સાવ સામાન્ય વહેવારને બદલે જિંદગીના કાયમી તહેવાર તરીકે કઈ રીતે જોઈ શકીએ એની એક સહજ પરિકલ્પના છે અહીં.

ધારો કે ‘હું’ અને ‘તમે’, બન્ને એકબીજાની સામસામે અલગ અલગ રૂમમાં (અલગ અલગ મન સાથે) છે. બન્નેને એકબીજા વિશે જાણવું હોય તો રૂમની દિવાલમાં ખુલ્લી જગ્યા – ‘બારી’ જોઈએ. બસ એ જ રીતે બે વ્યક્તિને એકબીજા વિશે જાણવું હોય તો બન્નેના મનમાં પણ ખુલ્લી જગ્યા – ‘બારી’ જોઈએ. જોહરી વિન્ડોના ઉદાહરણ સાથે અહીં પતિ અને પત્નીના સંબંધને મજબૂત બનાવવાની અદ્ભુત સમજણ આપી છે.

ઇન્ટરનેટના આગમન પછી હવે સંબંધોય સીધા સ્પામ ફોલ્ડરમાં જગ્યા લેવા લાગ્યા છે. હજુ તો બંધાવાની શરૂઆત થાય ત્યાં જ ફિલ્ટરેશન ચાલુ થઈ જાય.

જેમ ઇન્ટરનેટ માટેની સ્વિચ ઑન-ઑફ થાય એમ જ અને એટલા જ ઝડપી સંબંધો પણ ઑન થતાંની સાથે જ ઑફ થવાની તૈયારીમાં હોય છે.

પૂર્વગ્રહો, અપેક્ષાઓ, માન્યતાઓ કે પછી કુટેવો જેવાં ફિલ્ટરો જ સંબંધને સ્પામ ફોલ્ડરમાં હડસેલી દેવા માટે કાફી છે. આવા સ્પામ્સ ને જિંદગીમાંથી કઈ રીતે કાયમ માટે દૂર કરી શકાય એની બહુ હળવાશથી સમજ આપે છે આ બ્લૉગ.

માણસની ચિત્ર-વિચિત્ર વર્તણૂક, વિચારોનું બંધિયારપણું, માન્યતાઓની કચકચાવીને બાંધેલી વાડ,

કારણ વિનાનાં જુઠ્ઠાણાંઓની ભરમાર, પારદર્શિતાનો અભાવ – આ બધી અતિ મહત્ત્વની વાતો સંબંધોને કઈ રીતે ધીરે ધીરે છોલી નાખે છે અને એને કઈ રીતે સભાનપણે દૂર રાખવી એની નિખાલસ ચર્ચા છે અહીં.

સંવેદનાઓને, સંબંધોને, જીવનમૂલ્યોને બરકરાર રાખવા માટેની અઢળક ચાવીઓ અહીં વિખરાયેલી પડી છે, જેને શોધીને તમારી જિંદગીનું બંધ પડેલું, કાટ ખાઈ ગયેલું કે પછી બગડી ગયેલું કોઈ તાળું ખોલી શકો છો. જો જરાક સરખી ય ઇચ્છા હોય તો…!!

સંબંધોને સથવારે

‘સ્વ’ની ખોજમાં આ બ્લૉગસ્વામીએ જાત સાથે ઘણાં ખાંખાંખોળાં કર્યાં છે અને એમાંથી નિપજેલા અર્કને અહીં ટપકાવ્યો પણ છે, કે જેથી આપણા જેવાં કોઈની દૃષ્ટિ પડી જાય અને જો પરખ હોય તો આપણી સમજની સૃષ્ટિ પણ સુધરી જાય.

સંબંધોને એક નવો જ દૃષ્ટિકોણ આપનાર એવા આ બ્લૉગના સ્વામી અર્થાત ડૉ. જગદીશ જોષી, જેઓ સાયન્સમાં માસ્ટર ડીગ્રી ધરાવે છે અને જેમણે ફિઝિકલ કેમેસ્ટ્રીમાં ડૉક્ટરેટ કર્યુ છે.

બડી નવાઈની વાત છે ને આ તો….

અણુ-પરમાણુ અને રસાયણો સાથે જેનો પાલો પડ્યો હોય એ માનવમગજનાં કુદરતી રસાયણો સાથે પણ કેવું ખૂબીથી કામ પાર પાડી શકે છે..!!

અને કેમ ના પાડી શકે?

આ તો એક સમયના મેનેજમેન્ટ ટ્રેઇનર અને બિહેવિયર કાઉન્સેલર કમ મોટિવેટર પણ ખરા. યુવાનો સાથે એમણે ઘણું કામ કર્યુ છે જે તેમને યુવા માનસના અભ્યાસ માટે અતિ સહાયરૂપ પણ થયું છે.

જેઓ ‘જન્મસંજોગે’ જામનગરમાં, ‘કાર્યસંજોગે’ ગાંધીનગર રહ્યા અને હવે ‘કરમસંજોગે’ સુરતમાં છે.

ફક્ત એપ્રિલ-૨૦૧૨થી જ બ્લૉગ લખવાની શરૂઆત કરી છે પણ વાંચતાં વાંચતાં લાગે છે કે જાણે કેટલાંય વર્ષોથી આપણી સાથે આ સંવેદન વહેંચે છે.

તેઓ કહે છેઃ

મારી આ ‘સ્વ’ની શોધમાં તમે પણ ભાગીદાર થશો તો તમને પણ તમારા વિશે કંઈક મળશે, એની મને ખાત્રી છે, કારણ કે આપણે સૌ મનુષ્યોને ભગવાને એક સરખું જ મગજ આપ્યું છે, ફક્ત જીવવાની પરીસ્થિતિઓ જુદી જુદી છે.

મનેય ખાત્રી છે કે જે મને અહીંથી મળ્યુ છે એ આપ પણ શોધી જ લેશો.

તો ચાલો એક કદમ ‘સંબંધોને સથવારે’ ǁ ૩૩ ǁ

અને યુવરાજ જાડેજા પણ કંઈક આવી વાત કહે છે –

http://yuvrajjadeja.wordpress.com/2012/12/26/%E0%AA%AC%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F-%E0%AA%AC%E0%AB%8B%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A1%E0%AB%80%E0%AA%82%E0%AA%97-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A5-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B0%E0%AA%A4/

 

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s