કુંભમેળાની વિવિધ બ્લોગ પરની ચર્ચાઓ, ટીપ્પણીઓ વાંચ્યા પછી આસ્તિક-નાસ્તિકને સમજવા, મથામણ કરવાના અભરખા જાગ્યા. મગજ ખરેખર ઘુમરી ખાય જાય તેવો મુદ્દો છે. કેટલીક કોમેન્ટસમાં, પોતાને નાસ્તિક અને રેશનાલીસ્ટમાં ખપાવતા લોકો તરફથી માનવીય સંવેદનાઓનું જે રીતે હનન થયું છે તેવું તો ‘નાસ્તિક’ શબ્દના અર્થમાં કે ભાવાર્થમાં ક્યાંય જોવા મળ્યું નહી. એમાંય ‘rationalist’ શબ્દનું ગુજરાતી તો ‘સમજદાર, વિવેકી, સૂઝ ધરાવનાર’ વાંચવા મળ્યું, પણ આવા રેશનાલીસ્ટની કોમેન્ટમાં વિવેકશુન્યતા સિવાય કશુંય દ્રષ્ટિગોચર થતું નથી. કુંભમેળામાં થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલાઓને ‘મુર્ખ મૃતાત્મા’ ના વિશેષણથી નવાજવામાં આવ્યા. હશે ! હમણાં વેલેન્ટાઈન ડે ગયો છે તો તેઓને પણ પ્રકૃતિનો પ્રેમ પ્રાપ્ત થાય અને તેમનામાં માનવીય સંવેદનાઓ જાગૃત થાય એવી અભ્યર્થના.
ગુગલ સર્ચમાં ‘નાસ્તિક’ પર સર્ચ કરતાં કેટલીક બ્લોગ પોસ્ટ વાંચવા મળી. મહદ અંશે ‘નાસ્તિક’ની વ્યાખ્યા ‘ઇશ્વર’ પર કેન્દ્રિત થયેલી લાગી. છતાં ‘ઇશ્વર’ની વિરુધ્ધની દલીલોમાં વજુદ જોવું હોય અને માનવ મનની તાકાત જોવી હોય તો નાસ્તિકતા પર વીર ભગતસિંહના વિચારો વાંચવા જેવા ખરા ! ભગતસિંહને એક વૃધ્ધ કેદીએ ઇશ્વર અને ધર્મ પર વિચારવા ઇંજન આપ્યું. તેઓએ એક લેખ લખ્યો – ‘હું નાસ્તિક કેમ છું’
શરુઆત જ “એક નવો પ્રશ્ન ઉભો થયો છે. મારું, સર્વત્ર, સર્વવ્યાપ્ત ઈશ્વરના અસ્તિત્વમાં ન માનવું, તે મારા ઘમંડ અને મિથ્યાભિમાનના લીધે છે કે નહિ ?” (પાકા રેશનાલીસ્ટ ગણાય ને ! શરુઆત જ પોતાની જાતને સમજવાથી કરી !). વાંચો તેમના વિચારો –
“હું એક નાસ્તિક તરીકે, આસ્તિકોને અમુક પ્રશ્નો પૂછું છું :
જો, તમે એવું માનો છો કે સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વોચ્ચ ઈશ્વરે પૃથ્વી કે બ્રહ્માંડનું સર્જન કર્યું, તો મહેરબાની કરીને સૌ પ્રથમ મને જણાવો કે, આ દુનિયાનું સર્જન જ કેમ થયું ? આ દુનિયા કે જે પીડા-વ્યથા અને તીવ્ર ગરીબીથી ભરેલી છે, જ્યાં એક પણ વ્યક્તિ શાંતિથી એક પળ જીવી શકતો નથી.
મને એમ નહિ કહેતા કે આ જ તેનો નિયમ છે. જો તે (ઇશ્વર) નિયમોથી બંધાયેલો હોય તો તે સર્વશક્તિમાન નથી.
જ્યાં ઈશ્વરની વ્યુત્પત્તિની વાત છે ત્યાં મારો વિચાર છે કે જ્યારે માનવીને પોતાની નબળાઈ, ખામીઓ અને મર્યાદા વિષે ભાન થયું ત્યારે માનવીએ ઈશ્વરનું સર્જન પોતાની કલ્પનાઓથી કર્યું છે.
મેં ઘણા નાસ્તિકો વિષે બધી જ મુસીબતનો સામનો નીડરતાથી કરતા હોવાનું વાંચ્યું છે, તો હું ય છેક છેલ્લે સુધી મસ્તક ઉન્નત રાખીને પુરુષાતનથી ઊભો રહીશ, વધસ્તંભ ઉપર પણ.”
આ તો તમને નમુના દેખાડ્યા. મૂળનો રસાસ્વાદ લેવા તમારે રુતુલ જોશીનો ‘ચરખો’ ચલાવવો પડે. (કારણ કે મને કટ-પેસ્ટનો કંટાળો છે.)
પણ ભગતસિંહના વિચારો ‘ઇશ્વર’ને કેન્દ્રમાં રાખીને લખાયા. ખરેખર શું નાસ્તિકતા-આસ્તિકતાના કેન્દ્રમાં ‘ઇશ્વર છે ? દિવ્યભાસ્કરનો એક લેખ કહે છે –
“હકીકતે નાસ્તિક અને આસ્તિક બંને શબ્દો આપણા વ્યવહાર, સ્વભાવ અને ચરિત્ર સાથે જોડાયેલ છે. આસ્તિક શબ્દ સંસ્કૃતના શબ્દ “અસ્તિ” થી બનેલો છે જેનો અર્થ છે “છે” એવી જ રીતે નાસ્તિક શબ્દ સંસ્કૃતના જ “નાસ્તિ”થી બનેલો છે જેનો અર્થ થાય છે “નહીં” આસ્તિકનો અર્થ આશાવાદી હોવું એવું થાય છે. જે દરેક વસ્તુમાં હકારાત્મક દ્રષ્ટિકોણ રાખે છે. જે એવું માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, મૂર્તિઓમાં નહીં પણ માણસોમાં પણ છે.”
જુઓ ! અહીં પણ ભગવાનનું અસ્તિત્વ સ્વીકાર્યું પણ જુદા સ્વરુપે. ધર્મ અને સંપ્રદાયો કહે છે તેમ ‘કણ કણમાં પ્રભુનો વાસ છે.’ ટુંકમાં ‘ઇશ્વર’ નું અસ્તિત્વ છે, પણ એ ભક્તો દ્વારા માનવામાં આવતા પ્રચલિત સ્વરુપમાં (મુર્તિ કે ધર્મોના સ્વરુપે) નહીં.
પં. શ્રીરામ શર્મા આચાર્ય આસ્તિકતાને સમજાવતા કહે છે – ‘માણસની સજ્જનતા અને આસ્તિકતા – બંને ૫ર્યાયવાચક શબ્દ છે. તે એક – બીજા સાથે ભળેલા છે. કહેવા-સાંભળવામાં તો અલગ લાગે છે કે આસ્તિકતા અલગ હોવી જોઈએ અને સજ્જનતા અલગ હોવી જોઈએ, ૫ણ વાસ્તવિકતા એવી નથી.’ એમનું કહેવું છે કે સજ્જન ભલે ઇશ્વરને ગાળો દેતો હોય, તો પણ તે આસ્તિક છે.
ભગવાનની ભેજાફોડીમાં આગળ વધતા શ્રી ગુંણવંતભાઈના બ્લોગ પર જઈ ચડ્યો. મન ઠરે એવું કાંઈક ત્યાંથી મળ્યું. (આમ પોતાના વિચારોને અનુરુપ કંઈક લખાયું હોય તો મન ઠરે જ ! લાગ્યું કે ગુણવંતભાઈ મારી લેનના …. સોરી… વડીલ છે આથી હું એમની લેનનો માણસ છું. ખાનગીમાં કહી દઊં ? રસ્તા પર જતી વખતે મને પણ લોકો ‘વડીલ’ કહે છે. છે ને માભો !) તેઓ લખે છે – ‘તકરારનો વિષય ઇશ્વર નથી. તકરારનો વિષય સત્ય છે. સત્યવાન નાસ્તિક આદરણીય છે. જૂઠો આસ્તિક કહેવાતા ઇશ્વરને બદનામ કરનારો છે. મૂળે વાત સત્યાચરણની છે.’
તેઓશ્રીએ આસ્તિક અને નાસ્તિકને ‘સત્ય’ના મધ્યબિંદુથી જોડી દીધા.
“આસ્તિક મહાત્મા ગાંધી કહે છે, ‘સત્ય એ જ પરમેશ્વર.’ નાસ્તિક નિત્શે કહે છે, ‘ભગવાનનું અવસાન થયું છે.’ નિત્શે કદી પણ એમ ન કહે, ‘સત્યનું અવસાન થયું છે.’ આસ્તિકતા અને નાસ્તિકતાનું મિલનસ્થાન સત્ય છે. સત્ય શાશ્વત છે, અનંત છે અને પરમ આદરણીય છે. એ પંથપ્રપંચથી પર છે.”
ગુણવંતભાઈએ ધર્મની વ્યાખ્યા કરતા કહ્યું –
“ધર્મ એટલે રિલજિયન એવું નથી. એક જ દાખલો પ્રસ્તુત છે. ટ્રાફિકના નિયમો આપણને ક્યા ધર્મ તરફથી મળ્યા છે? એ નિયમો ન પળાય તો મૃત્યુ રોકડું! એ નિયમો પાળીએ, તો નિયમો જ આપણું રક્ષણ કરે છે. આમ જગતમાં જળવાતો ‘ટ્રાફિકધર્મ’ મહંત, મુલ્લા અને પાદરીથી પર છે. તેથી કહ્યું, ‘રક્ષણ પામેલો ધર્મ જ આપણું રક્ષણ કરે છે.’ (ધર્મો રક્ષતિ રક્ષિત:)”
ધર્મની ચર્ચામાંથી તેઓ ‘શ્રધ્ધા’માં સરકી પડ્યા –
“શું કહેવાતો રેશનલિસ્ટ સાવ શ્રધ્ધાશુન્ય હોઇ શકે? એ બહારગામ જાય ત્યારે એને ‘શ્રધ્ધા’ હોય છે કે પોતાની પત્ની બીજા પુરુષ સાથે સૂતી નહીં હોય. આવી જ શ્રધ્ધા એને ખાસ મિત્રની વિશ્વસનીયતા અંગે પણ હોય છે. આવી અસંખ્ય શ્રધ્ધાઓ પર આ જગત નભેલું છે. નાસ્તિકને અશ્રધ્ધાળુ (નોન-બીલિવર) કહેવામાં વિવેક નથી. એને પાકી ‘શ્રધ્ધા’ હોય છે કે ઇશ્વર જેવું કશું જ નથી.
શું કહેવાતો શ્રધ્ધાળુ સાવ તર્કશૂન્ય હોઇ શકે ? એ વાતમાં દમ નથી. શ્રધ્ધાળુ ભક્તાણીને પણ ક્યારેક પોતાના પતિના ગોરખધંધાની ખબર હોય છે. કહેવાતો કૃષ્ણભક્ત (વૈષ્ણવ) દુકાનમાં તર્કપૂર્ણ વ્યવહાર કરીને નફો રળતો હોય છે. તર્ક અને શ્રધ્ધા વચ્ચે બાપેમાર્યાં વેર નથી. તર્ક અને શ્રધ્ધા વચ્ચેના સહજ સમન્વયને ‘વિવેક’ કહે છે. કેવળ તર્ક કે કેવળ શ્રધ્ધા જીવનને વિવેકહીન બનાવે છે. …..વિવેકશૂન્ય આસ્તિકતા અને નાસ્તિકતા ખતરનાક છે.”
તમને લાગશે આજે ‘કટપેસ્ટવાળી’ જ છે. પણ સાવ એવું નથી આ તો મારી અઠવાડીયાની મહેનતનો રસાસ્વાદ કરાવ્યો. મારી માન્યતામાં આસ્તિક અને નાસ્તિકને સમજવામાં ‘ઇશ્વર’ ને વચ્ચે લાવવા જેવો નથી. મેં અગાઊ શ્રધ્ધામાં ઇશ્વરની ચર્ચા કરી જ છે. ‘ઉપરવાળાની’ પણ ચર્ચા કરી જ છે. આથી આસ્તિક-નાસ્તિકમાં ઇશ્વરને ભૂલી જઈને શ્રધ્ધા પર ધ્યાન આપવું યોગ્ય છે. (એથીસ્ટ/રેશનાલીસ્ટ બ્લોગરોને ‘કોમેન્ટેટરો’ પર ‘શ્રધ્ધા’ છે જ ને !). ધર્મનું રહસ્ય ‘સ્વધર્મ’ માં સમાયેલું છે.
સત્ય – સંયમ – સ્નેહ
શ્રી ગુણવંતભાઈની બંને વાત – સત્ય અને સંયમ (વિવેકનો પર્યાય ગણીએ ?) આમાં આવી ગઈ, અને મારા તરફથી પ્રેમનો ઉમેરો. જગતની દરેક વ્યક્તિ આસ્તિક પણ છે અને નાસ્તિક પણ. જ્યાં જે બાબતમાં મને શ્રધ્ધા ત્યાં આસ્તિક, જેમાં શ્રધ્ધા નહી ત્યાં નાસ્તિક.
(લાં…બુ થઈ ગયું, પણ રજામાં વાંચજો ને ! હજી ‘વીકી મહારાજ’ની વાત તો બાકી જ રહી…)
Like this:
Like Loading...