સંબંધોમાં સ્પામ ફીલ્ટર –

ઇન્ટરનેટથી સુપરિચિત મિત્રોને સ્પામ ફિલ્ટર માટે વધુ જણાવવાની જરુર ન હોય. દરેકના મેઈલબોક્ષમાં સ્પામ ફોલ્ડર હોય જ, મેઈલ સર્વીસ સીસ્ટમને જો કોઈ મેઈલ વાંધાજનક લાગે તો સીધો જ સ્પામ ફોલ્ડરમાં ડાયવર્ટ કરી દે છે. કેટલાક જરુરી અને અગત્યના મેઈલ પણ સ્પામ ફોલ્ડરમાં જતા રહે છે. આપણા મનની સિક્યોરીટી સિસ્ટમ પણ કેટલાક સંબંધોને સ્પામ જાહેર કરી દે છે, જે કદાચ સારા પણ હોય. આપણે જો આ મનની સિક્યોરીટી સિસ્ટમની જાણકારી મેળવીએ તો કદાચ સંબંધોની સારપ માણી શકીએ.

સંબંધોની માયાજાળને સમજવામાં ઇન્ટરનેટની માયાજાળની સમજણ ઉપયોગી નીવડે તેમ છે.

આધુનિક વિજ્ઞાનની, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની દેન ગજબની છે. કોમ્પ્યુટર ઓન કરી ઇન્ટરનેટ જોડો એટલે જગતના કેટલાય કોમ્પ્યુટર સાથે જોડાઈ જાઓ. જગતના અસંખ્ય જાણ્યા-અજાણ્યા, ઇન્ટરનેટથી જોડાયેલા, વ્યક્તિઓ સાથે સંબંધ બંધાય જાય. આ સંબંધ પણ કેવો ? ઇન્ટરનેટ ઓન – સંબંધ બંધાય અને સ્વિચ ઓફ થાય અને સંબંધનો પણ અંત.

ગઈકાલની પોસ્ટમાં જોયેલા અપેક્ષાઓના સંબંધનું પણ આવું જ ! અપેક્ષાઓ જાગી – સંબંધની સ્વીચ ઓન, અપેક્ષાઓની સંતુષ્ટિ – સંબંધ પુરો. (જેમ કે આપણા વ્યવસાયિક સંબંધો)

પ્રેમસંબંધમાં પરિવર્તિત થઈ શકે એવા સંબંધોનું અકાળ અવસાન થઈ જાય છે. ઇન્ટરનેટ જોડાણ બંધ થતા અસ્ત થતો સંબંધ આપણા દિલ દિમાગને તકલીફ આપતો નથી, પણ જીવનના તુટતા સંબંધો તકલીફ કરાવે છે.

શા માટે ?

network copy

અ બાબત સમજવા માટે ઇન્ટરનેટનું માળખું ઉપયોગી થાય તેમ છે. તમે જ્યારે ઇન્ટરનેટનું જોડાણ કરો ત્યારે તમારું કોમ્પ્યુટર એક સર્વર સાથે જોડાય, આ સર્વર બીજા કેટલાક સર્વરો સાથે જોડાયેલું હોય અને બીજા સર્વરો અન્ય કોમ્પ્યુટરો સાથે જોડાયેલા હોય આમ તમારુ કોમ્પ્યુટર બીજા અસંખ્ય કોમ્પ્ય્ટરો સાથે જોડાય જાય. ધારો કે A-B-C-D-E જોડાયેલા છે. હવે A – D, C સાથે પણ સ્વતંત્ર રીતે જોડાયું હોય અને એજ રીતે D અને B, E અને B પણ જોડાયેલ હોય. અહી A અને D સંબંધ છે તો વળી D સ્વતંત્ર રીતે B સાથે પણ સંબંધ ધરાવે છે. ઘરમાં દાદા પુત્ર સાથે સંબંધમાં છે, તો વળી દાદા પૌત્ર સાથે પણ સીધા સંબંધમાં છે. આમ દાદા પુત્ર, પુત્રવધુ, પૌત્ર કે પૌત્રી બધા એકબીજા કોઈ લીન્ક દ્વારા પણ જોડાયેલ છે તેમજ સીધા સંબંધો પણ ધરાવે છે. જાણે ભગવાને બનાવેલા ‘માનવ’ કોમ્પ્યુટરો એકબીજા સાથે ‘સંબંધો’ના ઇન્ટરનેટથી જોડાયેલા છે.

આ તો સંબંધોને સમજવા ઇન્ટરનેટની આડવાત થઈ ગઈ પણ એમાં અંદર ઉતરીએ તો સંબંધોનું રહસ્ય પણ હાથમાં આવે તેમ છે. ઇન્ટરનેટ પર જોડાયેલા અસંખ્ય કોમ્પ્યુટરમાંથી પોતે, ઓફલાઈન થનારને અન્ય કોમ્પ્યુટરો સાથે સંબંધ તુટ્યાનું દુઃખ નથી. ફેસબુક પરથી ઓફ થનારને મિત્રોથી જુદા થયાનું દુઃખ નથી. (લગ્ન સુધી પહોંચનારા પંખીઓની વાત નથી થતી J ) ફેસબુક પર આપણી ફ્રેન્ડશીપ કોઈ નકારે કે આપણે કોઈને બ્લોક કરી દઈએ તો કોઈ તકલીફ થતી નથી.

તમે આવું કેમ, એ ક્યારેય વિચાર્યું ?

કારણ કે તમે એનું ‘અલગ’ (સ્વતંત્ર) અસ્તિત્વ સ્વીકાર્યું છે.

કોઈપણ વ્યક્તિ ફેઈસબુકના પોતાના પેઈજ પર જે લખવું હોય તે લખે, બ્લોગ પર જે લખવું હોય તે લખે આપણને કોઈ વાંધો નથી (કોઈવાર મનમાં ઉકળી જઈએ (આપણી નાદાનીથી) પણ સંબંધો તુટવાથી થતી તકલીફ જેવી તકલીફ થતી નથી). મુળ વાત સામેવાળાની ‘સ્વતંત્રતા’ સ્વીકારવાની છે. ફેસબુકનો ફ્રેન્ડ કે બ્લોગર મારાથી ‘અલગ’ છે ‘સ્વતંત્ર’ છે માટે કપાતો સંબંધ આપણને તકલીફ પહોંચાડતો નથી. પણ આ જ વાત આપણે જીવનમાં બંધાતા સંબંધો માટે સ્વીકારતા નથી. સામેવાળીને વ્યક્તિને પણ પોતાના વિચારો/વર્તન હોય શકે, એટલી વાત જો આપણે સ્વીકારી લઈએ તો સંબંધોમાં બાંધછોડ શક્ય બને.

આ ‘અલગતાનો અસ્વીકાર’ એ સંબંધો માટેનું આપણા મનમાં રહેલું સ્પામ ફીલ્ટર છે. આ ફીલ્ટર સારા સંબંધોમાં પણ જો આપણી ધારણા મુજબના વિચાર કે વર્તન થતા ન જુએ તો તેને સ્પામ ફોલ્ડરમાં ડાયવર્ટ કરી દે છે.

સંબંધોને સ્પામ જાહેર કરતું બીજું ફીલ્ટર છે ‘માન્યતા’. આ માન્યતાઓ એટલે જ્યારે આપણે મોટા થતાં હોઈએ (આપણું સામાજીકરણ થતું હોય) ત્યારે મળતા વિવિધ સંદેશાઓ દ્વારા મળે છે. નાનપણથી આપણે જોતા આવીએ છીએ કે વડીલો જેમ કહે તેમ કરવું, આજ્ઞાંકિત રહેવું, વડીલોની ઇચ્છા મુજબ વર્તન કરવું. બાળકો વડીલોના વચન અને વર્તનનો ભેદ નોંધી લેતા હોય છે પણ આજ્ઞાંકિત રહેવાની માન્યતાની ગોળી પીધી હોવાથી મોટા થતાં પોતાના બાળકોને પણ પિતા બાળકને ‘વિવેક’ની ગોળી પાવાને બદલે ‘આજ્ઞાંકિત’ની જ ગોળી પાય છે. જો ગોળી પીવાનો ઇન્કાર કરે તો સંબંધમાં તિરાડ. સ્ત્રીઓ અલ્પ બુધ્ધિની હોય, લગ્નસંબંધો જ્ઞાતિમાં જ હોવા જોઈએ, જ્ઞાતિ/સમાજની મર્યાદાઓ ઓળંગી ન શકાય, આવી અનેક માન્યતાઓ આપણા મનમાં ભરી પડી છે. જે સારા સંબંધો બાંધવા કે ટકાવવામાં અવરોધ ઉભા કરે છે. લગ્નસંબંધની જ્ઞાતિબહારની સારામાં સારી ઓફર આવી માન્યતાઓના કારણે સ્પામમાં ડાયવર્ટ થઈ જાય છે.

આવું જ એક ફિલ્ટર ‘પૂર્વગ્રહો’નું છે. છગનભાઈએ પોતાની સમજણ પ્રમાણે માહિતી આપી ‘મગનભાઈથી ચેતજો’ પછી મગનભાઈ આપણા ભલાની વાત કરે તો પણ મગજમાં ફ્લેશ થાય ‘ ચેતજો, એમાં એનો કોઈ સ્વાર્થ હશે’. આમ અપણે સંબંધને સંકોરી લઈએ છીએ. મેં એવા પણ તુટેલા સંબંધો જોયા છે કે જ્યાં મિત્રની નામ-રાશી પોતાની રાશી સાથે મેચીંગ નથી (રાશીનો પુર્વગ્રહ).

મારા ધ્યાનમાં એક વધુ ફીલ્ટર ‘કુટેવ’નું છે. મારા એક મિત્રને વાતવાતમાં સામેવાળાને ઉતારી પાડવાની, પોતાની મોટાઈ દેખાડવાની (કુ)ટેવ છે. આમ એમનું દિલ સાફ છે. જેને ઉતારી પાડ્યો હોય તે જો કોઈ મુશ્કેલીમાં આવે તો કંઈપણ વિચાર્યા વગર દોડી જાય, છતાં પણ સામેવાળો તો સંબંધ સંયમિત રાખે.

મહદ અંશે સંબંધો ‘સ્પામ’ નથી હોતા. આપણે ફક્ત આપણા મનમાં ‘સ્વશ્રધ્ધા’નું એન્ટીવાયરસ લોડ કરવાનું છે. તમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકશો એવી શ્રધ્ધાનું મનમાં આરોપણ કરી દો, સંબંધો સુધરી જશે. અન્યના અલગ અસ્તિત્વનો સ્વીકાર કરશો ત્યાં જ અડધી બાજી જીતી જશો. બાકીના ફિલ્ટરો દુર કરવા તો સામાન્ય બાબત છે. પ્રયત્ન કરી જુઓને !

ગુલામી –

(આજની પોસ્ટ એક મિત્રની ઇબુકમાં મુકવા માટેનો આર્ટીકલ છે. તમે વાંચીને ક્ષતિઓ તરફ ધ્યાન દોરશો તો ક્ષતિપુર્તિ કરી શકાશે અને તે પણ આપના આભારસહ)

‘લો પાણી પીઓ !’

‘લો ઠંડુ પાણી પીઓ !’

ઉપરના બે વાક્યોમાં તમને કોઈ તફાવત લાગે છે ?

પાણી શબ્દ સંભળાય ત્યારે એક ‘એબ્સોલ્યુટ’ વેલ્યુ સંભળાય, પણ જ્યારે ‘ઠંડુ’ શબ્દ સંભળાય ત્યારે ‘ગરમ’નો ઝબકારો મનમાં થાય જ. આમ કેટલાક શબ્દ સાંભળો ત્યારે તેનો વિરોધી શબ્દ યાદ આવે જ. બીજી રીતે કહીએ તો કેટલાક શબ્દ તેના ‘વિરોધી’નું અસ્તિત્વ હોવાનું યાદ અપાવે. ગરમ-ઠંડુ, કઠણ-નરમ, આઝાદી-ગુલામી……

આઝાદીની વાત કરો ત્યારે ગુલામી છે તેનો અહેસાસ થઈ જ જાય. વ્યક્તિ કહે ‘હું આઝાદી ઇચ્છુ છુ’ કે ‘આઝાદ બનવું છે’, એ બાબત જ દર્શાવે છે કે એ ગુલામ છે. જેલનો કેદી કહે મારે આઝાદી જોઈએ છે તો તે શારિરીક આઝાદી ઇચ્છે છે. કોઈ રુઢીચુસ્ત કુંટુંબની વ્યક્તિ વિચારે કે મારે પ્રેમલગ્ન કરવા છે, તો ‘સંસ્કાર’ આડા આવે. માનવી શારિરીક રીતે જ ગુલામ હોય છે એવું નથી, માનસિક ગુલામી પણ હોય –

સંસ્કારોની ગુલામી…..

સંબંધોની ગુલામી…..

માન્યતાઓની ગુલામી….

ટેવોની ગુલામી…

વિચારોની ગુલામી….

ભારત છોડી પરદેશ ગયા, સાડી છોડી જીન્સ પહેરવાનું આવ્યું. ‘હું જિન્સ ન પહેરી શકું, મારા સંસ્કાર ના પાડે છે.’ અરે ભાઈ ! ભારતમાં શોફર ડ્રિવન કારમાં, પોતાની રીતે અને પોતાના સમય પ્રમાણે ફરતા હતા, પરદેશમાં તો એક એક સેકંડના હિસાબે દોડવાનું છે તો સાડી પહેરી દોડશો ક્યાંથી ? કોઈ અતિથી આવે તો પ્રેમથી તેની સગવડ સાચવવા પોતાના સમય અને સુખ-સગવડનો ભોગ આપતા હતા, અહીં તો અતિથીએ કોઈને પ્રેમથી મળવા માટે પણ બે વિક પહેલા ‘એપોઈન્ટમેન્ટ’ લેવી પડશે. ‘અતિથી દેવો ભવઃ’ ભુલી જવું પડશે. યુવાન પુત્ર પોતાની પત્નીને લઈને અલગ એપાર્ટમેન્ટમાં, ઘરડા, અસહાય માબાપને છોડી રહેવા જતો રહેશે અને માબાપ મોં વકાશી જોતાં જ રહેશે. શું કરી શકે ? પરદેશના સંસ્કાર આ જ છે.

બદલાવું પડશે.

સંસ્કારોમાં ‘પરિવર્તન’ લાવવું પડશે.

સરળ સુખી જીવન જીવવું હશે તો સંસ્કારોમાં ‘પરિવર્તન’ લાવવું જ પડશે.

આવું જ માન્યતાઓનું છે. કોઈ કામ માટે બહાર નીકળ્યા, બિલાડી આડી ઉતરી, અરે ! અપશુકન થયા ! હવે કામમાં ભલીવાર નહી આવે. લગ્ન કરવા છે, મુહુર્ત જોવું પડે. આંખબંધ કરીને મનમાં ઝાંકસો તો કેટલીય માન્યતાઓ નજરે પડશે. કેટલીક એવી હશે કે તમને એ ‘માન્યતા’ છે એવું લાગશે જ નહીં, વાસ્તવિકતા જ લાગશે.

માન્યતાઓમાંથી છુટવું છે તો તેને ચકાસો. કેટલાય એનઆરઆઈના લગ્નો વગર મુહુર્તે થઈ ગાય. તુટ્યા હશે મતભેદ કે મનભેદ કારણે તુટ્યા હશે, પણ મુહુર્તના કારણે તો નહીં જ. કેટલાય કાર્યોમાં બીલાડી આડી ઉતર્યા પછી પણ સફળતા મળી હશે, અને જો અસફળ થયા હશો તો પેલી બિલાડી મગજમાં લટકતી હશે અને યોગ્ય નિર્ણય નહીં લઈ શક્યા હો તે કારણે, બીલાડીના કારણે નહીં.

માન્યતાઓને ચકાસો, એની ગુલામીમાંથી મુક્ત થશે.

સવારની ચા મળી નથી, મજા નથી આવતી, પાન/માવા/ફાકી ખાધી નથી, કામમાં સુસ્તી લાગે છે.

આ છે ટેવોની ગુલામી.

એમાંથી મુક્તિ ‘સજાગતા’ થી જ મળે. ચા ની ઇચ્છા થઈ. ચા પીવાના નુકશાનને યાદ કરો અને જાગૃત મનથી ચા પીવાનું ટાળો. કોઈપણ ટેવ, સારી કે ખરાબ, સજાગતાથી અપનાવો કે એમાંથી મુક્ત થાઓ. સવારમાં ફરવા જવાની ટેવ સારી, પણ કફની પ્રકૃતિ હોય તો ગરમ કપડામાં જાતને લપેટીને જાઓ.

એક ગુલામી એવી છે કે જીવનને છિન્નભિન કરી નાખે, સંબંધોની ગુલામી.

કુટુંબનું ધનોતપનોત કાઢી નાખે એવો પુત્ર હોય તો પણ તેને છોડી ન શકાય, કારણ કે લોહીનો સંબંધ છે. ડગલે ને પગલે માબાપને હડધુત કરતી હોય તો ય દીકરી છે, સહન કરી લેવું જોઈએ. આંગણામાં કચરો નાખી ગંદકી ફેલાવે તો પણ સમસમીને બેસી રહેવું પડે કારણ કે પાડોશી છે, કારણ કે પહેલા સગા પાડોશી. આવા કેટલાય સંબંધો નીભાવવા પડે છે એ ગુલામી નહીં તો બીજુ શું ?

તમે કોઈ નામ/શરીર ધારણ કરીને બેઠા છો તો સંબંધ છે. જો એ ન હોય તો સંબંધ કેવો ? મારા અનુભવે તો એવું લાગ્યું છે કે કદાચ આપણા મનમાં રહેલો ભય, ‘હું એકલો પડી જઈશ’ ‘મારુ શું થશે’, આપણને સંબંધો જાળવવા મજબુર કરે છે. એક વખત મનમાં નક્કી કરી લો કે ‘જે થવાનું છે, તે થશે જ’ તો આ ભય નીકળી જશે અને તમે સંબંધોમાંથી મુક્ત થઈ જશો. દુનીયાની દરેક વ્યક્તિ એક ‘સ્વતંત્ર અસ્તિત્વ’ છે, કોઈ કોઈના વગર અધુરુ નથી. (આ વિચારની ટ્રાય કરવા જેવી ખરી !)

આ દુનીયામાં મોટામાં મોટી ગુલામી ‘વિચારો’ની છે.

વિચારોમાંથી મુક્તિ માટે કેટલીય સલાહો આપવામાં આવે છે.

‘રોજ ધ્યાન કરો’, ‘થોડો સમય જાત સાથે ગાળો’, ‘વેકેશનમાં પ્રકૃતિની નજીક જાઓ’, ‘તમને ગમતી પ્રવૃતિમાં રચ્યાપચ્યા રહો’, ‘સકારાત્મક વિચારો કરો’

તમે એક વાત નોંધી છે – આ સલાહ ક્યાંથી આવે છે ?

સાધુ-મહાત્માઓ – (જેમણે દુન્યવી જવાબદારીમાંથી મુક્તિ મેળવી છે અથવા પોતાની જવાબદારી અન્ય માથે નાખી દીધી છે.)

સીનીયર સીટીજન – (જેમણે દુન્યવી જવાબદારી સામાજીક દ્રષ્ટિએ પુર્ણ કરી છે.)

ગુરુઓ, સલાહકારો  – (જેમણે સામાજીક સ્થિરતા મેળવી લીધી છે)

પણ તમારે તો ‘બે છેડા’ ભેગા કરવાના છે. તમે શું કરશો ? જાત સાથે ગાળવા સમય છે ? વેકેશન ગાળવા જવાનો સમય અને ‘તેવડ’ છે ?

તો વિચારોની મુક્તિ માટે શું થઈ શકે ?

એક જ રસ્તો દેખાય છે – અપેક્ષાઓ પર લગામ.

લગામનો અર્થ સ્પષ્ટ સમજી લો – અપેક્ષાઓ ન રાખવાની સલાહ નથી, અપેક્ષાઓ ન હોય તો જીવન જ નથી. પણ લગામ એટલે કોઈ અપેક્ષાનું વિશ્લેષણ. અપેક્ષા કેટલી જરુરી છે ? કેટલી રાખવી ? ક્યાં સુધીની રાખવી ? ન રાખી હોય તો શું નુકશાન ?

કદાચ આ પ્રકારે વિશ્લેષણ, અપેક્ષાઓ ઓછી કરવામાં, છોડી દેવામાં  ઉપયોગી થશે.

બસ પ્રયત્ન કરી જુઓ !

‘મુક્તિ’ તમારી રાહ જુએ છે !