બુધ્ધિવાદી વિકૃત આનંદ –

gandhiji2

સંયમના આગ્રહી પુરુષના જન્મદિને જ મારો સંયમ તુટી ગયો. દાંભિક ચર્ચાઓમાં ઉતરવું નહીં એવું કેટલાક સમય પહેલા નક્કી કરેલું, પણ આજે સંયમ તુટ્યો. ફેઈસબુક પર બે મિત્રોની પોસ્ટ વાંચી – સૌરભ શાહ અને રાઓલજી. આ રજુઆતોના પરિણામે મારી સહિષ્ણુતા ઓગળી ગઈ અને ઘણા સમયથી ચાલતી બ્લોગનિવૃતિ પણ તુટી ગઈ.

સૌરભભાઈ ગાંધીજીને યાદ કરતાં, ‘સત્યના પ્રયોગો’ને વાંચવાનો આગ્રહ કરે છે. જીવનની સફરમાં ‘કમ્પની’ મળશે એવું પણ લખે છે.

સૌરભભાઈના લખાણનો મહત્વનો ફકરો –

“ગાંધીજીનાં લખાણો (પ્રવચનો તથા પત્રો સહિત) કુલ સો મોટા ગ્રંથરૂપે ઉપલબ્ધ છે. ગુજરાતીમાં ‘ગાંધીજીનો અક્ષરદેહ’ તથા અંગ્રેજીમાં ‘ધ કમ્પલીટ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી.’ (ગુજરાતીમાં છેલ્લા ડઝનેક ગ્રંથો હજુય પ્રગટ થવાના બાકી છે). આ સો ગ્રંથો સાથે બે મોટા ગ્રંથ જેટલી નામસૂચિ, વિષયસૂચિ સામેલ છે જેથી તમને સંદર્ભ મેળવવામાં આસાની રહે. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ આ શત ગ્રંથોમાંના માત્ર એક ગ્રંથનો હિસ્સો છે, પૂરેપૂરો ગ્રંથ પણ નહીં. તમે જોઈ શકો છો કે ગાંધી વિચારો એક અફાટ સાગર છે. કદાચ એટલે જ સામાન્ય વાચક કિનારા પરનાં થોડાંક છબછબિયાંથી આગળ વધતાં ડરતો હશે. આ સો ગ્રંથ ઉપરાંત પ્યારેલાલ અને તેંડુલકરે લખેલા અનુક્રમે ચાર અને આઠ દળદાર ગ્રંથો તેમ જ બીજાં ડઝનબંધ અલગ અલગ દૃષ્ટિકોણથી લખાયેલા અંગ્રેજી, ગુજરાતી, હિન્દી તથા મરાઠી પુસ્તકો છે, જેમાંથી તમને ગાંધીજીના જીવનનાં અનેક પાસાંઓનો પરિચય થાય.”

રાઓલજી તો તેમના ‘બોલ્ડ’ લખાણો માટે બ્લોગર દુનિયામાં જાણીતા છે. તેમણે પોતાની એક જુની પોસ્ટની લિન્ક એફબી પર મુકી – ‘મહાન આત્મા, તંત્ર, બ્રહ્મચર્ય’

રાઓલજી પણ Joseph Lelyveld નામના એક પુલિત્ઝર પ્રાઇઝ વિનર પત્રકારે લખેલા પુસ્તક “Great  Soul” MAHATMA  GANDHI  AND  HIS  STRUGGLE  WITH  INDIA … નો સંદર્ભ આપી લખે છે. (ગાંધીને વાંચવો કે ગાંધી પર લખેલા પુસ્તકને વાંચવું ?) ગાંધીએ પોતાના સ્ખલનો સ્પષ્ટપણે આત્મકથામાં લખી જ દીધા છે તો પછી તેના એ સ્ખલનો પર ટીકા ટીપણી શા માટે ? ગાંધીજીએ પોતે ‘મહાત્મા’ છે એવું ક્યારે કહ્યું છે ? મારી સામાન્ય જાણ મુજબ આત્મકથા સામાન્ય માણસની જ છે. પ્રત્યેક પોતેપોતાની શક્તિ, આવડત, જ્ઞાન મુજબ જીવનમાં સ્ટ્રગલ કરે જ છે. ગાંધીજી મજબુત હશે એથી જીવનના odds ની સામે વધારે મજબુતીથી ટક્કર ઝીલી છે. પણ એમના પ્રયત્નોના લેખાજોખાં કરનાર આપણે કોણ ? મારે મારા માટે કોઈએ કરેલા કાર્યની વાત કરવી જોઈએ કે જે તે વ્યક્તિના વ્યક્તિગત જીવનની વાત કરવી જોઈએ ? ગાંધીજીએ પોતાના આંદોલનોમાં કેટલા જણાને હાથ પકડીને ખેંચી જઈને સામેલ કરેલા ? પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્ર છે જેને ઇચ્છા થઈ તે તેની પાછળ ગયા, તમને યોગ્ય નથી લાગતું, તમે ના જાઓ, તમને યોગ્ય લાગે તે કરો. પણ આંદોલનકારના વ્યક્તિગતજીવન પ્રસંગોને લઈને ટીકા શા માટે ?

કોઈપણ લેખક જ્યારે લખાણ કરે ત્યારે તેના પોતાના વિચારો, પુર્વગ્રહો, માન્યતાઓ મુજબ ઢાળવામાં આવેલું લખાણ લખાય. વધુ સ્પષ્ટતા – “ગાંધીજીના સેક્રેટરી અને અંગત ડૉક્ટર યુવાન એવા સુશીલા નૈયર એમની સાથે એક બાથરૂમમાં સ્નાન કરતા તેનો વાંધો બીજા આશ્રમવાસીઓને આવતો. બીજી બહેનોને પણ આવો લહાવો લેવો  હોય તેમને સુશીલા નૈયરની ઈર્ષ્યા આવતી.” આ લહાવો લેવો હતો કે નહીં એ અંગે આશ્રમની કોઈ બહેનોનો ઇન્ટર્વ્યુ ક્યાંય છપાયો છે ? ગાંધીજીએ લખી દીધું કે ભઈ ! મેં આવું કર્યું છે, પણ એ એમણે અજાણતા કરેલ ‘તાંત્રિક પ્રયોગ’ના ભાગરુપે હતું એ કેવી રીતે સાબિત થાય ? અને ભારતીય તંત્રને અંગ્રેજી પુસ્તકો વાંચી ક્યાંથી સમજી શકાય. (તાંત્રિક સમાજમાં સ્ત્રીને ‘શક્તિ’ પ્રાપ્ત કરવાનું સાધન માનવામાં આવતી. મૈથુનના પ્રયોગોમાં ‘સ્ખલન’ને સ્થાન હતું નહીં, જો કોઈ અઘોરી સ્ખલિત થાય તો તેને પ્રયોગોમાંથી દુર કરવામાં આવતો, આવું મેં વાંચેલું છે અને ફીઝીયોલોજીની રીતે સમજવા પણ પ્રયત્ન કર્યો છે પણ એ ચર્ચા અસ્થાને છે.)

સેક્સ શીલ્પોને યાદ કરતાં રાઓલજી લખે છે – “સેકસના શિલ્પ ખજુરાહોમાં કોણે બનાવ્યા હતા?”. માની લો કે આપણે એવો તર્ક કરીએ – આ શિલ્પો સેક્સથી ઉપર ઉઠીને આત્મામાં રમમાણ થવું એવો કોઈ સંદેશો આપતા જ નથી. આ શિલ્પો તો કારીગરોએ બનાવ્યા છે. પત્નીથી/સ્ત્રીથી વર્ષો સુધી દુર રહી શિલ્પકાર્ય કરનાર કારીગર, સેક્સના નેચરલ ફોર્સથી વંચીત કેમ રહી શકે ? આથી તેમણે કરેલી કલ્પનાઓને મુર્તિઓમાં કંડારી નહી હોય ? ખાજુરાહોના મુખ્ય ડિઝાઈનરનો કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ છે કે આ શિલ્પો કોઈ ચોક્કસ પ્રકારનો સંદેશો આપે છે ?

મુળ સવાલ એ છે કે જાહેરમાં ગાંધીજીએ કરેલા સારા કાર્યો કે તેમણે દેશ માટે આપેલા ભોગ યાદ કરવો જોઈએ કે તેમણે સાહજીક રીતે સ્વીકારેલા સ્ખલનોને યાદ કરવા જોઈએ. (બુધ્ધીજીવી કદાચ ગાંધીજીએ દેશ માટે ભોગ આપ્યો એમ કહેવાને બદલે એવું પણ કહે કે તેમણે, સર્વ કાર્ય પોતાની મહત્વકાંક્ષાઓ સિધ્ધ કરવા અને પોતાની માન્યતાઓ ઠોકી બેસાડવા કરેલું છે. )(હમણાં મોદીની અમેરીકા યાત્રા માટે એવું પણ વાંચ્યું કે મોદી જેવા તો અમેરીકામાં ઘણાય છે એમણે શું ઉકાળ્યું કે મોદી ઉકાળશે.)

સૌરભભાઈએ ગાંધીજીના શબ્દો ટાંકી સરસ લખ્યું –

“ગાંધીજી પોતાનાથી વિરુદ્ધ જેમનો મત હોય, જેમની સાથે પોતે સહમત ન થતા હોય એવા વિચારને હૃદયપૂર્વક આદર આપતા. બે વ્યક્તિઓ વચ્ચે ભિન્ન મત હોય એમાં કશું ખોટું નથી. એવું સ્વીકારીને એમણે એક વખત પોતાના સામયિક ‘યંગ ઈન્ડિયા’માં લખ્યું હતું: ‘ભિન્ન મતને કારણે એકબીજાનો દ્વેષ કરવાની કોઈ જરૂર નથી. મારા કરતાં વિરુદ્ધ મતને સ્વીકારવાની સહિષ્ણુતા મારામાં ન હોત તો હું અને મારી પત્ની કે’ દહાડાનાં છૂટાં પડી ગયાં હોત!’…”

સૌરભભાઈએ પોતાના લેખમાં બહુ જ મહત્વની વાત પણ કરી –“આ લેખમાં ટાંકેલા ગાંધીવિષયક ગ્રંથો/પુસ્તકો વાંચ્યા વિના ગાંધીવિચારોની ટીકા તેમ જ પ્રશંસા ન કરાય એવું હું નમ્રપણે માનું છું, કમ સે કમ જાહેરમાં તો નહીં જ.”

મારી સહિષ્ણુતા પીગળી ગઈ આથી આ લખાણ લખાયું, ઇશ્વર મને સહિષ્ણુ બનવા બળ આપે એવી પ્રાર્થના……….

Traffic Control –

‘તારી મા…..#***#*#*#, …..હમણાં… ઠોકી દેત ! #***#*#*#, તારો બાપ…, ગાડી દેખાતી નથી, વાહન ચલાવતા ન આવડતું હોય શું મા … #***#*#*#…. ગાડી લઈને નીકળી પડો છે……… આ જમાદારો ય …#***#*#*#… પૈસા ઉઘરાવવામાં પડ્યા છે…….

BUN270213STP2_t460

સુરતી મિત્રો #***#*#*# ની જગ્યાઓ પુરી લેશે, પણ આ સુરતી સરસ્વતી એક મિત્ર સાથે કારમાં જતાં એક જંકશન પર એક બાઈકવાળાએ ‘કટ’ મારીને બાઈક ભગાવી ત્યારે બાજુમાં બેસીને સાંભળી.

અમે શાંતિથી મિત્રના વ્યાપારિક પ્રશ્નો અંગે ચર્ચા કરતા જતા હતા, ત્યાં આ ‘કટ’ લાગી અને બધું વિખેરાય ગયું. ‘સાલો….. મગજ ખરાબ કરી ગયો….’ મિત્ર શાંત થઈ ગયા

આ બધુ સામાન્ય છે, આગળ જતાં ફ્લાયઓવર પર ઓછા ટ્રાફીકમાં પણ કારમાં શાંતિ જ રહી અને મારું મન વિચારે ચડી ગયું.

વિદ્યાર્થી પરીક્ષાનું પેપર હાથમાં લઈ ક્યાં ભુલ કરી? શું કરી શકાત ? હવે પછીના પેપર/પરીક્ષામાં કેવી રીતે લખવું તેના અંકોડા મેળવી રહ્યો હોય અને પપ્પા ‘કટ’ મારે, ‘હવે શું પેપર પકડીને બેઠા છો, વાંચવાનું કીધું ત્યારે વાંચ્યુ નહીં.’…. બસ બધું વિખેરાઈ ગયું, થયેલી ભુલની વિશ્લેષણ પ્રકિ્યા અટકી ગઈ, ભવિષ્યનું પ્લાનીંગ ભુંસાય ગયું અને શરું થયું – ક્યાં કોઈ દી’ શાંતિથી વાંચવા દો છો ? વાંચવા બેઠા નથી કામ સોંપ્યુ નથી ! ચોપડીઓ પણ પસંદગીની આવતી નથી, બીજાના પપ્પાઓના દાખલા લો છોકરાને કેવી રીતે ભણાવે છે ?’….. બસ…. ભુલની વાત, નવી રીત શોધવાની વાત, ભવિષ્ય બધું આડે પાટે ચડી ગયું.

વીકીપેડીયાના રોડ ટ્રાફીક કન્ટ્રોલના પેરેગ્રાફનો નવો અવતાર જુઓ –

Traffic control is an indoor (outdoors) occupation, night or day for long hours in all weathers, and is considered a dangerous occupation due to the high risk of being wander (struck) by passing thoughts (vehicles). Aims and decisions (Safety equipment) is vitally important. Stress and Deprassion (Fatigue) is a big issue, as tired brain (TC’s) may forget to watch their though process (traffic), or may inadvertently turn their “Stop bats” to the “Slow” position. Many beliefs, prejudices, principles (drivers) are annoyed by the disruption to their route, and some are sufficiently conflicting/confronting (antisocial) as to aim at brain (traffic controllers). Irresponsibility (Other drivers) simply don’t pay enough attention to the road, often from using their instructions by others (mobile (cell-) phones), or because they are tired from a night shift at work.

મુળ પેરેગ્રાફમાં માનસિક શબ્દોને ફીટ કરવા પ્રયત્ન કર્યો છે.

રોડ ટ્રાફીક જેવું જ આપણા મગજનું છે. રોડ પર જતા વાહનોની લંગારની જેમ વિચારોનો અવિરત પ્રવાહ મગજમાં ચાલતો રહે છે. ટ્રાફીક કન્ટ્રોલરની જેમ આપણું જાગૃત મગજ આ વિચારોનું નિયમન કરતું રહે છે. ક્યાંક ખોટું થતું લાગે તો સિગ્નલ આપતું રહે છે. આ સિગ્નલ માનવા, ન માનવાનું યુધ્ધ પણ, જુના વિચારો, માન્યતાઓ, સિધ્ધાંતો. પુર્વગ્રહોના કારણે ચાલતું રહે છે. અર્ધજાગૃત મન ટ્રાફીક કેમેરાની જેમ રોડ પર જે જઈ રહ્યું છે તેનું રેકોર્ડીંગ કરતું રહે છે. (ભવિષ્યમાં જરુર પડે ત્યારે મેમરી ચીપમાંથી પ્રોસેસીંગ માટે ડેટા પુરો પાડે છે.)

નક્કી તમારે કરવાનું છે કે તમારા ટ્રાફીક કન્ટ્રોલરને ડે એન્ડ નાઈટ ડ્યુટી કરાવવી છે ? કે વીકએન્ડની મજા કરાવવી છે ? કે ડેઈલી મેડીટેશન દ્વારા રજા આપવી છે કે કેમ ?

યાદ રાખજો, તમારો ટ્રાફીક કન્ટ્રોલર તાજોમાજો રહેશે તો ‘રોડ ટ્રાફીક’ યોગ્ય રીતે ગતિમાં રહેશે…

સારું શું – જ્ઞાન કે અનુભુતિ ?

એક જાણીતી રમુજ – એક યુવાન ડોક્ટર પત્ની પસંદગી માટે કન્યા જોવા જાય. સરસ મજાની નાજુક નમણી કન્યાને જોયા પછી અભિપ્રાય પુછતા જણાવે કે આને એનીમીક ઇફેક્ટ છે, વહેલી તકે હીમોગ્લોબીન ચેક કરાવવું જરુરી છે. આ થઈ જ્ઞાનની અસર. કન્યાની સુંદરતાની અનુભુતિ કરવાને બદલે દાક્તરી જ્ઞાનને કારણે દિશા ફંટાઈ ગઈ. (સારું થયું કે આદમ અને ઇવને જ્ઞાન ન હતું નહીંતર ???????????)

Clipart-Man-Book-Huge-Reading-Knowledge

આ તો મજાક થઈ પણ હકીકત એ જ છે કે જ્યારે વ્યક્તિ જે તે વિષયનું ‘વધારે’ પડતું જ્ઞાન ધરાવતો હોય ત્યારે તે વિષયના આનંદની અનુભુતિ કરી શકતો નથી. લીંબુ સરબત પીતો કેમીસ્ટ પેટની ટાઠક અનુભવવાને બદલે સાઈટ્રીક એસીડ અને સુગરની અસરોના વિચારમાં હોય. દરિયા કિનારે બેસીને દરીયાની વિશાળતા અને કિનારા પર ઉઠતી દરેક મોજાની અવનવી આકૃત્તિ અને મોજાઓના સંગીતમાં ખોવાય જવાને બદલે, દરિયાકિનારે ફરવા આવેલો હવામાનશાસ્ત્રી પવનની દિશા, હવામાં ભેજની ગણત્રીમાં ખોવાયેલો રહે છે.

એવું લાગે છે કે જ્ઞાન આપણા વિચારો અને લાગણીને directional બનાવી દે છે. આનંદની અનુભુતિ તો ત્યારે થાય જ્યારે વિચારો અને લાગણીઓ સ્વતંત્ર વિહાર કરતી હોય. આનંદની લહેરખી આવવાનો પ્રયત્ન કરે કે તુરત જ જ્ઞાન તેને દિશા પકડાવી દે, ‘એમાં શું ? વિજ્ઞાનના નિયમ મુજબ આમ જ થાય.’

જ્ઞાન જરુરી છે એવું પણ લાગે છે.

મારી પણ એક ખામી નજરે ચડે છે – કોઈ મુદ્દો મનમાં ઉઠે તો તેનું ડીસેક્શન કરવાની ટેવ. ગયા વર્ષે મેં એક પોસ્ટ લખેલી ‘લાગણી – એક અવરોધ’.  પણ એમ લાગે છે કે  આનંદના પ્રવાહમાં તણાઈ જવાનો અનુભવ કરવો જોઈએ, પરીણામ જે આવે તે. પણ તણાવાની ક્ષણોમાં તો આનંદ થયો ને !

મનમાં ખેંચાતાણી ચાલે  – શું સારું, જ્ઞાન કે અનુભુતિ ?

એક જવાબ તો એવો સુઝે છે કે ‘અનુભુતિથી મેળવેલું જ્ઞાન ચડિયાતું.’

તમારા મનમાં કંઈ છે ?……….

જતાં જતાં ……..

હમણાં નેટ પર ફરતાં ફરતાં ‘પ્રયાસ’ની મુલાકાતે જઈ જડ્યો અને ‘સંસ્કારનો વારસો’ નો શ્રીમતિ સુધામુર્તિ દ્વારા વર્ણવાયેલો કિસ્સો વાંચ્યો. (જોકે વાંચ્યા પછી યાદ આવી ગયું કે આ બ્લોગ પર તો ઘણી વાર આવ્યો છું. આ કિસ્સો વાંચવા જેવો તો ખરો. પણ સન્માનનીય સુધામુર્તિના છેલ્લા વાક્યને સુધારવું પડે તેમ લાગ્યું –

મુળ વાક્ય – “આ ઘટના પછી હું સમજી છું કે, આગલી પેઢી તરફથી પછીની પેઢીને દુર્ગુણો કે રોગ વારસાગત મળતા હોય તો ભલે, પણ સંસ્કારનો વારસો તો નથી જ મળતો.”

હકીકતમાં તો રોગ પ્રાકૃતિક રીતે વારસામાં મળી શકે પણ સારા કે નબળા સંસ્કારનો વારસો તો માબાપે આપવો પડે. નાનપણ પોતાના બાળકને કઈ દિશામાં લઈ જવાનું છે તે માબાપે નક્કી કરવું પડે. જુના જમાનામાં ચીનમાં નાનકડી બાળાના પગમાં નાના જોડા પહેરાવી દેવામાં આવતા જેથી મોટા થતાં યુવતીના પગ નાની બાળકી જેવા જ રહેતા. જેવું શરીરનું એવું જ બાળકના મનનું છે. તમે જે દિશામાં વાળો તે દિશામાં વળી જાય.

આ તો યુવાન માબાપોએ વિચારવાનું રહ્યું….

Listen અમાયા –

શ્રી વિનોદભાઈએ ‘Listen Amaya’ જોવાનું સુચન કર્યું, જોવાયું પણ ખરું અને ગમ્યું પણ ખરું.

મને એમાંથી મળ્યું હોય તો આજના યુ્વાનોની માનસિકતાનું નિરુપણ.

પોતાની સ્વતંત્રતા તો પ્રિય પણ અન્ય માટેની ‘પઝેસીવનેશ’.

‘સ્વતંત્રતા’ અને અન્ય પર ‘મારાપણાનો અંકુશ’ વચ્ચેનો દ્વંદ્વ.

આપણી જુની કહેવત – ‘મારું મારા બાપનું, પણ તારું મારું સહિયારું’

જો કે સાવ એવું તો નથી, પણ આંશિક રીતે એ ખરું લાગે છે.

યુવાનો થોડું આંતર નિરિક્ષણ કરી આ વાતને વધારે સ્પષ્ટ કરી શકે.

આજે નાનપણથી માબાપ પોતાના બાળકોને માર્ગદર્શન માટે પણ અંકુશમાં લઈ શકતા નથી. આજની ભણતરની પધ્ધતિ એટલી બધી બદલાઈ ગઈ છે કે માબાપ તેમાં વધુ રસ લઈ શકતા નથી અને મોંઘવારી અને બાળકોના ઉછેરના ખર્ચમાં એટલા બધા ગુંચવાયેલા રહે છે કે બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી શકતા નથી અને બાળકો પર પણ અન્ય (અભ્યાસ અને કારકિર્દીની) ‘જવાબદારી’ઓ આવી જતાં માબાપો એમના માટે શું કરી રહ્યા છે તેઓની સંવેદનઊની ‘અનુભુતી’ (feel) તેમને થતી નથી. બાળકોને પોતાની જવાબદારીઓ અદા કરવામાં માબાપે આપેલા ભોગની નોંધ, એમનું મગજ લઈ શકતું નથી. આથી જ પુરી થયેલી જવાબદારી  જાણે પોતે જ અદા કરી છે એવી ભ્રાંતિથી પોતે જ ગર્વ લઈ ‘સ્વતંત્રતા’ની ભાવનાને પૃષ્ઠ કરતા જાય છે. પણ માબાપ પરની ‘ડીપેન્ડન્સી’ના કારણે અને એમની ‘સ્વતંત્રતા’ની ભાવના માબાપ પર અંકુશ જમાવવા પ્રેરે છે.

બીજી પણ એક અગત્યની વાત એ નજરે પડી કે જીવનમાં યુવાનોએ ફીઝીકલ કમ્ફર્ટ (જેમકે ‘સેક્સ’) ને અન્ય માનવીય સંવેદનાઓમાં કરતાં વધુ મહત્વ (એવું જ કહોને કે ‘prime importance’) સ્થન આપ્યું છે.

જો કે ચોક્કસપણે તો યુવાનો આ તર્ક પર પ્રકાશ પાડી શકે.

એમનો ફાયદો પણ છે – પોતાનો બચાવ કરવાની તક….

જોઈએ કેવો પ્રતિભાવ મળે છે ……..

મમત્વ –

મિત્રોથી મને એક ફરીયાદ છે.

અગાઊની પોસ્ટમાં મેં એક તારણ કાઢ્યું – ‘અહમ’ નો જન્મદાતા ‘મમત્વ’ છે.’

પણ એને ટેકો આપવાનો કે છેદ ઉડાડવાનો પ્રયત્ન, કોઈ મિત્ર દ્વારા થયો નહી. ગરમીની અસર છે કે શું ? ઘણા મિત્રો શાસ્ત્રોના અભ્યાસુ પણ છે, આવું કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખાયેલું છે ? કે સર્વત્ર સ્વીકારાયેલું તથ્ય, મને હવે દેખાય છે ?

મારે કોઈ પ્રમાણ નથી જોઈતા, પણ આ તો આપણા સામાન્ય જીવનમાં ‘અહમ’ દુર કરવો મુશ્કેલ છે કે ‘અહમ’ દુર થતો નથી એના કારણો જાણવાનો પ્રયત્ન કરવો છે.

હવે જો ‘સ્વ’ (Being) નો પર્યાય ‘અહમ’ માનીએ તો તો દુર થવાનો નથી, કારણ કે અહી ‘Existence’ નો સવાલ છે અને જો existence જ ન હોય તો ‘દુનિયા’ રહેતી જ નથી. તો પછી, તે આત્મા-પરમાત્માની વાત થઈ જાય. અધ્યાત્મની વાત આવી જાય અને આપણી રુટીન જીવનથી અલગ વિચાર આવી જાય. (અહીં સામાન્યજન, અધ્યાત્મ અને દુન્યવી જીવનની ભેળસેળ કરી શકે તેમ નથી એ સ્વીકારવું ઘટે.) ખાસ તો મારુ તારણ – ‘અહમ’ નો જન્મદાતા ‘મમત્વ’ છે.’ અર્થહીન થઈ જાય.

જો ‘મારું’ (Having) ને ધ્યાનમાં લઈએ તો મમત્વ આવે અને એમાંથી ‘અહમ’ આવતો હોય તો અહમ દુર થઈ શકે. નથી થઈ શકતો, એનું કારણ અલગ છે. મેલેરીયાના તાવની દવા આપણે સાદા પેઈનકીલરથી કરીએ છીએ. તત્કાલ રાહત થઈ જાય છે પણ તાવ જડમૂળથી જતો નથી. ક્વીનાઈન જ ખાવી પડે અને તો જ તાવ મૂળમાંથી દુર થાય. અહમને દુર કરવા આપણે સૌ ‘સરખા’ છે એવું સ્વીકારીએ, નમ્ર બનીએ, અન્યની હસ્તિને પણ સ્વીકારીએ, મારો દોષ છે એવું પણ સ્વીકારીએ તો ય ‘મારું’ તો બાકી રહે જ. આ ‘મારું’ માંથી પેદા થતો ‘અહમ’ થોડા સમય પછી ફરી દેખા દે.

મેં તો મારા મનની તકરારને તમારા પર નાખી દિધી, હવે તો કંઈક કહો …….

અને હા ! શ્રાવણીને મળ્યા ? જતાં જતાં શ્રાવણીને પણ મળી લો.

અલગ ચોકો – એક મજબુરી ?

ફેઈસબુક પર ફરતાં ફરતાં એક પોસ્ટર જોયું. એમાં નીચે ‘…….. એસોશીએસન’ લખ્યું હતું.

એસોશીએશન –  એક નોખો ચોકો.

આપણે બધા આપણા ‘ચોકા’ બનાવીને જ જીવીએ છીએને !

નાના હોઈએ ત્યારે માબાપે બનાવેલા ચોકામાં રહેવાનું, મોટા થતા ‘મારું કુટુંબ’ નો નવો ચોકો. આગલી પેઢીને એમનો વળી. જુનીપેઢી-નવી પેઢી, એક ધર્મ-બીજો ધર્મ, એક સંપ્રદાય પણ ફલાણાવાસી-ઢીકણાવાસી. આમ કેટલા કેટલા ચોકાઓ !

આવું આપણે કરીએ છીએ ?

થઈ જાય છે ? ….. કે…

મજબુરી છે ?

“આમ જ થશે, રહેવું હોય તો રહે નકર નીકળ મારા ઘરમાંથી (ચોકામાંથી).” બાપાએ દીકરાને કહી દીધું.

ચોકાની શરુઆત ‘અહમ’થી થઈ. ‘મારા’ વિચારો, ‘મારી’ મહેનત, ‘મારો’ ત્યાગ….. આ બધું ‘મારા’થી ઉભું થયું છે, એમાં ‘તારો’ સમાવેશ તો જ થઈ શકે, જો તું ‘મારા’ રંગમાં રંગાઈ જા.

 આપણો ‘અહમ’ જ અલગ ચોકો ઉભો કરવા પ્રેરે છે. જરા ઝીણી નજરે જુઓ તો કદાચ જુદું નજરે પડે તેમ છે. અહીં ‘અહમ’ કરતા ‘મમત્વ’ (having) વધારે કારણભુત થતું હશે. આ ‘મારું’ છે, તેમાં ફેરફાર કરવાનો ‘મને’ જ હક છે, આ વિચાર ‘અહમ’ ને જન્મ આપે અને છેલ્લે આપણું તારણ ‘અહમ’ નું નીકળે.

બીજો મુદ્દો, આપણાથી નવો ચોકો બની જાય છે ?

હા ! એવું પણ બને. જ્યારે મારા વિચારો, માન્યતાઓ, સિધ્ધાંતોથી મારું જીવન સરળતાથી જીવાતું હોય અને મને કોઈ પોતાના બંધનમાં બાંધવાનો પ્રયત્ન કરે ત્યારે હું મારો ચોકો આલગ બનાવી લઊં છું. એમાં ખોટું પણ શું ? પ્રત્યેક વ્યક્તિને પોતાની રીતે જીવવાનો અધિકાર છે. ફક્ત બીજાને નડવું નહી એટલું જ યાદ રાખવું ઘટે.

છેલ્લી વાત – ‘મજબુરી’માં આપણે કોઈ ચોકામાં જોડાઈ જઈએ છીએ.

આજે બલરાજ સહાનીની ફીલ્મ ‘ગર્મ હવા’ યાદ આવી ગઈ. ભારત-પાકીસ્તાનના ભાગલા વખતની વાર્તા આધારીત છે. ભારતમાં રહીને સુખેથી વ્યવસાય કરતો હીરો ભાગલા પછી મુસલમાન હોવાને કારણે જાત-જાતની મુશ્કેલીઓ અનુભવે છે. સરકારમાં શ્રધ્ધા છે, સરકાર સામે થતા આંદોલનમાં જોડાવા પણ તૈયાર નથી, અંતમાં પાકીસ્તાન જવાનું નક્કી કરે છે. પણ છેલ્લા દ્રશ્યમાં સામાન સાથે સ્ટેશન તરફની આખરી મુસાફરી વખતે સામેથી આવતું પોતાના જ વ્યવસાયીઓનું સરઘસ જોઈ ને ઘોડાગાડીમાંથી ઉતરી જોડાય જાય છે. મજબુરીથી નવા ‘ચોકા’ માં ભળી જાય છે. પ્રવાહમાં ભળી જાય છે. નદીના સામા પ્રવાહે તરવા કરતાં પ્રવાહ સાથે તરવું સરળ છે.

આપણું પણ આવું જ છે. મજબુરીથી ક્યાંક જોડાઈ જઈએ તો જીવન જીવવું સરળ બની જાય.

સંબંધનો ‘આઈસબર્ગ’ –

‘ફર્યો ચરે અને બાંધ્યો ભુખે મરે’

આવું જ મારી સાથે થયું. મગજની ‘ટ્રાન્સ’ અવસ્થાને સમજવા ઈન્ટરનેટમાં રજળપાટ કરતો હતો. એમાં એક વ્યાખ્યા મળી જેમાં ‘આઈસબર્ગ’નો ઉલ્લેખ થયો હતો. તેમાંથી આઈસબર્ગની ઇમેજ સર્ચમાંથી એક સરસ વેબસાઈટ પર જતો રહ્યો. એમાં મેનેજમેન્ટ અને વર્કર વચ્ચેના સંબંધ પરની ચર્ચા હતી. મને લાગ્યું કે આ તો આપણા રોજબરોજના સંબંધોને સમજવામાં ખુબ ઉપયોગી થાય તેમ છે. મારી સમજણની ઝલક વાંચી તમે પણ કંઈક કહી નાખજો.

તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા અન્ય સાથે દેખાતા સંબંધ કરતાં ‘ન દેખાતા’ સંબંધ વધારે હોય છે. એકદમ ‘આઈસબર્ગ’ની જેમ. દરિયામાં બરફની શીલાના ટોચકા કરતા લગભગ દસ ગણી શીલા પાણીમાં રહેલી હોય છે. (એટલે જ ‘શીલા’ને કોઈ સમજી શકતું નથી ! 😉 ) ભલાભલા તેની ખરેખરી સાઈઝનો અંદાજ બાંધી શકતા નથી. ટાઈટેનીક જેવી સ્ટીમર બિચારી પાણીમાં ડુબી ગઈ, તો આપણું શું ગજુ ?

iceberg model

આપણે પણ સંબંધના ઢંકાયેલા ભાગને જોઈ શકતા નથી અને એના કારણે સંબંધોમાં કડવાશ ભરી બેસીએ છીએ. વધુ સમજવા એક ઉદાહરણ જ લઈએ –

પિતાપુત્રનો સંબંધમાં દેખીતો ભાગ – સમાજના શિખવાડેલા મુદ્દાઓ મુજબ. પિતાએ પુત્રને નાનપણથી મોટો કરી ‘ઠેકાણે’ (નોકરી તેમજ લગ્ન સંબંધી પણ..) પાડવો જોઈએ. પુત્રએ પિતાના ઘડપણનો ટેકો બનવું જોઈએ. પિતાની પુત્ર માટેની લાગણીઓ, માન/અપમાન, અપેક્ષાઓ, જવાબદારીઓ, જરુરીયાતોના કેટલાક મુદ્દાઓ દેખીતા એટલે કે સમાજ દ્વારા નિયત કરેલા છે તે સૌ જાણે છે. એ જ રીતે પુત્રની પિતા માટેની લાગણીઓ, માન/અપમાન, અપેક્ષાઓ, જવાબદારીઓ, જરુરીયાતોના કેટલાક મુદ્દાઓ દેખીતા એટલે કે સમાજ દ્વારા નિયત કરેલા છે તે સૌ જાણે છે.

પણ આપણે બાળકમાંથી મોટા થતાં થતાં જે કંઈ શીખીએ છીએ તેમાંથી કેટલીક બાબતો/ વિચારો, પોતાની રીતે ઘડીએ છીએ અને મગજમાં સંઘરીએ છીએ. આ વિચારો કદાચ સમાજમાં પ્રવર્તતા વિચારોથી વધારાના પણ હોય શકે, અલગ પણ હોય શકે, પણ આપણા ખુદના બનાવેલા છે એથી એ પ્રમાણે આપણું વર્તન તો થવાનું જ, ભલે તે સમાજ દ્વારા અપેક્ષિત ન પણ હોય. આ બધા જીણા જીણા વિચારો એટલા બધા છે કે તે આઈસબર્ગનો પાણીમાંનો હિસ્સો બનાવે છે, જે લગભગ દેખીતા હિસ્સા કરતા દસગણો મોટો છે.

સામાન્ય દાખલો ‘અપેક્ષાઓ’ નો જ લઈએ.

આગળ જોયું તેમ પુત્રની પિતા પાસેથી અપેક્ષા એટલી છે તે નાનપણથી તેને મોટો કરી પગભર બનાવે, જે સમાજ દ્વારા નિયત કરેલી છે. પરંતુ નાનપણથી ‘હેલીકોપ્ટરીંગ પેરેન્ટીંગ’થી (નાનપણથી માબાપ દ્વારા સતત રક્ષાભર્યા માહોલમાં) બાળક મોટું થયું હોય, તો તેઓ મોટા થાય પછી પણ માબાપનો સહારો શોધતા હોય છે. બીજી તરફ પિતા પોતાની જવાબદારી પુરી થઈ ગઈ એમ માની પુત્ર મોટો થયા પછી પોતાના જીવનમાં મસ્ત બની જાય. આઈસબર્ગના પાણીની અંદરના ભાગમાં પિતાના પક્ષે કોઈ જવાબદારી કે અપેક્ષા રહેતી નથી.

icebergBW

આમ, જોઈએ  દેખીતી રીતે તો પુત્રની અપેક્ષા પુર્ણ થઈ ગઈ છે (આઈસબર્ગની ટોચનો ભાગ), પણ તેના મનમાં હજુ પણ માબાપની રક્ષાની અપેક્ષા રહેલી જ છે (આઈસબર્ગનો પાણીની અંદર રહેલો ભાગ). તે સતત પિતાનો ટેકો ઇચ્છે છે. હવે આ અપેક્ષાઓ સંતોષાય નહી આથી તેના મનમાં સતત, ‘પિતા મારું ધ્યાન રાખતા નથી’ એવી કડવાશ ઘુંટાતી રહે છે.

આવું તો ઘણી બાબતોમાં બને છે. આપણી જાણ બહાર, અજાગૃત મનમાં અપેક્ષાઓ, ઇચ્છાઓ અધુરી રહેતી હોય છે એની સીધી અસર સંબંધ પર પડતી હોય છે.

આ આઈસબર્ગને, સુર્ય પૃથ્વીની સતત નિગરાની કરતો રહે તેમ સતત નિગરાનીમાં રાખી, તપારો આપી પીગળાવીએ તો સંબંધોમાં પાણીની પારદર્શકતા આવે.

બાકીના સુધારાવધારા તમારા માટે ……

મેં જે સંદર્ભ જોયેલો તે પણ વાંચવા જેવો છે તેમાં ‘psychological contracting’ ની વાત છે. એ પણ રસદાયક છે. ફરી ક્યારેક તેને સમજવાનો પ્રયત્ન કરશું.

સંદર્ભ – http://www.businessball.com

ખોડંગાતા સંબંધો – ૨

અગાઊના લેખમાં મિસકન્સેપ્શનની વાત કરી પણ મુળ કારણો શોધવાના બાકી રહ્યા. મિત્રોએ ઘણા સુચક પ્રતિભાવો પણ આપ્યા.

મને લાગે છે કે આ વાત છેક બાળપણથી શરુ થાય છે. નાનું બાળક ઉમરના વિકાસની સાથે સાથે મનનો પણ સાચી ખોટી વાતો અને સમજણ સાથે વિકાસ કરે છે. (સ્કુલની સમજણ તો જુદી છે) કુટુંબીજનોના વ્યવહારો જોતાં જોતાં પોતાની સમજણ સાથે જે જુએ છે તેને સ્વીકૃતિ આપે છે. ‘આમ જ થાય’ એવી ‘માન્યતા’ઓ મનમાં દ્રઢ કરે છે. આ ‘સમજણ’, ‘ગેરસમજણ’ પણ હોય ને માન્યતા ‘ગેરમાન્યતા’ પણ હોય. જીદગી દોડમાં વ્યસ્ત હોવાને કારણે માબાપ બાળકોને સાચી સમજણ કે સાચી માન્યતા શીખવવા સમય કાઢી શકતા નથી અને વડીલો ક્યાં તો ગેરહાજર (જુની નવી પેઢીના કોન્ફ્લીક્ટમાં) હોય છે અથવા તો પોતાના વિચારોમાં બાંધછોડ કરી શકતા નથી અને નવા જમાનાને અનુરુપ નવી સમજ કે માન્યતા બાળકોને શીખવી શકતા નથી. બાળકો મોટા થયા પછી જે નાનપણમાં શીખ્યા તે કેરી ફોરવર્ડ થાય છે. યુવા મિત્રોની, આજના યુગને અનુરુપ, બાળકેળવણીની જવાબદારી છે. એવું ન કહેતા કે આ ડોહાઓને ‘સલાહો’ આપવા સિવાય કોઈ ધંધો નથી)

Feel the fragrance of friendship

Feel the fragrance of friendship

આ ગેરમાન્યતાઓ અને ગેરસમજણ સંબંધોમાં અપેક્ષાઓને જન્મ આપે છે. સાસુ માને છે કે વહુએ સાડી પહેરવી, એથી ‘અપેક્ષા’ હોય કે ‘વહુ સાડી પહેરે’. હવે જો વહુ ‘સાડી’ ન પહેરે તો સાસુનો ‘અહમ’ ઘવાય અને વિખવાદ શરુ થાય અને બેઉ પક્ષો સબળા હોય તો બંને વચ્ચે સંબંધ રહે, પણ ‘ખોડંગાતો’ સંબંધ. આ તો સમજવા પુરતું ઉદાહરણ છે, બાકી સૌએ પોતપોતાની ‘ટોપી’ પહેરી લેવી. 🙂 )

આમ ગેરમાન્યતા અને ગેરસમજણમાંથી – અપેક્ષા,

અપેક્ષામાંથી અહમ અને

અહમમાંથી ખોડંગાતો સંબંધ.

જોકે આટલું પુરતું નથી. બીજા પણ કેટલાક પરિબળો એમાં ભાગ ભજવે છે. (જો કે એ બધાના મુળ તો ઉપરની વાતમાં આવી જ જાય છે.)

સંબંધોનું Labeling – આપણે આપણા મનમાં દરેક સંબંધને ઓળખવા માટે ‘ચિત્રો’ દોરી રાખ્યા છે. હું તમને કહું કે મનજીભાઈ ‘વકીલ’ છે. તમારું મન, મનજીભાઈને જોયા વગર જ એક ચિત્ર રજુ કરે – કાળો કોટ, વાતોડીયો, દલીલબાજ, ખોટું બોલવામાં ક્ષોભ ન રાખે વગેરે વગેરે. પિતાનો ‘પુત્ર’ સાથેનો સંબંધ. પુત્રનું લેબલ લાગે એટલે પિતાના મનમાં ‘પુત્ર’ તરીકેનું ચિત્ર દોરાય જાય (જે તેણે બાળપણમાં કુટુંબજનોની મદદથી મનમાં દોરેલું હોય). તેણે આમ જ કરવું ,આમ જ રહેવું… વગેરે આવી જાય. સમજુ બાપ હોય તો પુત્રના મનમાં રહેલા જુના ચિત્રમાં નવા રંગ પુરે નહીંતર બ્લેક એન્ડ વાઈટ  ચાલુ રહે, અને સાથે માથાકુટ પણ…..

જો સીક્સર જેવી કોમેન્ટ આવી – ‘સંબંધ હોય એટલે લેબલ હોય જ, બધે કંઈ થોડું ‘પ્યારકો પ્યાર હી રહને દો…’ હોય.”

Yes. પણ ભારતની પેટ્રોલ કમ્પનીઓ છાસવારે પેટ્રોલના કેમ અપડેટ કરે છે અને પ્રોફીટ મૅળવે છે ? તમે પણ ‘લેબલો’ને  અપડેટ કરીને સંબંધનો ફાયદો મેળાવોને !

બીજું સંબંધોમાં Negligence – સંબંધોમાં ઢીલા થવામાં બીજુ કારણ આ અવગણના પણ હોય શકે. તમે ભાવભીનો સંબંધ રાખ્યો હોય પણ સામે પક્ષે તેની અવગણના થતી રહે તો તમે ક્યાં સુધી સંબંધમાં જીવંતતા (liveness) રાખી શકો, પછી તમે પણ ઢીલાશ મુકી દો.

ત્રીજો મુદ્દો સ્વાર્થનો હોય શકે. ઘણા લોકોના સંબંધમાં સ્વાર્થનું તત્વ વધારે હોય. જો બેઉ પક્ષે સરખું જ સ્વાર્થનું તત્વ હોય તો વાંધો ન આવે. (કારણ કે આવા સંબંધો વ્યાપારી સંબંધ જેવા જ હોય) પણ એક પક્ષે ‘સ્વાર્થ’ દેખાય તો સામાપક્ષ તરફથી સંબંધ કહેવા પુરતો રહી જાય.

જતુ નહી કરવાની વૃત્તિ, પોતાની સરસાઈ સ્થાપિત કરવાની વૃત્તિ, સ્ટેટસ વગેરે ‘અહમ’ના અંતર્ગત મુદ્દાઓ પણ સંબંધોને લંગડા બનાવી દે છે.

આ તો ખોડંગાતા સંબંધોના મુળમાં, મારી નજરમાં આવેલા મુદ્દાઓ લખ્યા, વણજોયા તમારા તરફથી……

મૈત્રીની વ્યાખ્યા તમે પણ અહીં માણી લો.

Picture –  with thanks from –

http://lyricssentimentsandme.wordpress.com/2013/03/15/friends/

“FRIENDSHIP is the highest form of LOVE on earth.”

Enjoy friendship (as we are … 🙂 )

ખોડંગાતા સંબંધો –

હમણા એક મિત્ર સાથે મારે ત્યાં શરુ કરેલું કામ પુરુ કરવા માટે વાત થઈ અને જવાબ –

‘શું કરું જોશીભાઈ, કારીગરની માથાકુટ છે. દિવાળી વખતે લગન કરવા રજાઓ પાડતો હતો અને હવે છુટાછેડા લેવા માટે રજાઓ પાડે છે.’

બોલો ! હજુ તો નામ-સરનામાની જ જાણકારી મળી હશે, ઓળખવાનું તો બાકી હશે ત્યાં, બે મહીનામાં કેસ છુટાછેડા સુધી પહોંચી ગયો. આ સંબંધ કેવો ? કેવી રીતે બંધાયો ? મેં વધારે વિગતો મેળવી.

કારીગરે લગ્નની ઉંમર વટાવી દીધી હતી. શરુઆત રાજ્યની બહાર કામ કરતો એથી સંબંધ થતો ન હતો. નોકરી છોડી ગુજરાતમાં આવ્યો, પણ શહેરમાં ઘર ન હતું એથી ગોઠવાતુ ન હતું, એનું સેટીંગ કર્યું. એના જેવી જ ઉમર વટાવી ચુકેલ કન્યા મળી, પણ પિતા-ભાઈ ન હોવાને કારણે નોકરી કરી મા અને એક બહેનનું પુરુ કરતી કન્યા મળી. હવે વિચારો બેઉ પક્ષે કેટલા એડજસ્ટમેન્ટ કરવાના થાય ? યુવાનના અભણ માબાપ સાથે યુવતીએ ગોઠવાવાનું, બહેન અને મા તરફ્ની જવાબદારી મનમાં રહે તેથી તે તરફ પણ ખેંચાવાનું, નોકરી નહીં કરવાની એથી બહારના વાતાવરણનો સંપર્ક તુટી જાય. યુવકને પણ તેના માબાપની જવાબદારી, એથી એણે પણ તેમનું સાચવવાનું. આવા સમયે તો વડીલોની જવાબદારી વધી જાય. પણ વડીલોની દલીલ કેવી ? અમારે સમાજમાં રહેવાનું કે નહી ?

વડીલોની મોટામાંમોટી ગેરસમજ (Misconception) શું ? સમાજના નિયમો. પણ નિયમો અને કાયદા વચ્ચેનો ભેદ વડીલો ભુલી જાય છે. નિયમો એટલે વ્યક્તિએ કોઈક પરિસ્થિતિમાં શું કરવું હિતાવહ છે એનું સામાન્ય તારણ, માર્ગદર્શન છે, જ્યારે કાયદો એ પથ્થરની લકીરની જેમ – જે નિયમ છે તેનું ઉલ્લંઘન ન કરી શકાય, જો કરવામાં આવે તો શિક્ષા થાય, એવો જડ છે. નિયમ ફ્લેક્સીબલ છે. એમાં બાંધછોડ શક્ય છે અને જરુર જણાય ત્યાં કરવી પણ જોઈએ. સમાજના ‘નિયમો’ને વડીલોએ સમાજના ‘કાયદા’ બનાવી દીધા છે, અને તેથી જ પ્રશ્નો ઉભા થાય છે.

અમારા ઘરના વહુવારુ નોકરી કરે ? સમાજમાં અમારી ઇજ્જતનું શું ?

અરે ! પણ પહેલાના જમાનામાં સ્ત્રીઓ નોકરી ન કરતી કારણ કે ઘરની જવાબદારી અને કામમાંથી જ તેને સમય મળતો ન હતો અને આજે મળતી લક્ઝરી પણ ત્યારે ઉપલબ્ધ ન હતી. આથી ખર્ચ પણ ન હતો. આજે રસોઈ માટે સમય બચાવતા સાધનો મળે છે આથી સમય પણ બચે છે અને શક્તિ પણ. સામાન્ય લક્ઝરી મેળવવાનો ખર્ચ પણ વધ્યો છે તો આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓ નોકરી કરે તો ખોટું શું ?

ખોડંગાતા સંબંધોમાં મુખ્ય કારણ ‘ગેરસમજ’ (Misconception) છે.

(આ તો ત્વરીત પ્રતિભાવ છે. ખોડંગાતા સંબંધોની પિષ્ટપેષણ તો બાકી 🙂 )

સંબંધોમાં સ્પામ ફીલ્ટર –

ઇન્ટરનેટથી સુપરિચિત મિત્રોને સ્પામ ફિલ્ટર માટે વધુ જણાવવાની જરુર ન હોય. દરેકના મેઈલબોક્ષમાં સ્પામ ફોલ્ડર હોય જ, મેઈલ સર્વીસ સીસ્ટમને જો કોઈ મેઈલ વાંધાજનક લાગે તો સીધો જ સ્પામ ફોલ્ડરમાં ડાયવર્ટ કરી દે છે. કેટલાક જરુરી અને અગત્યના મેઈલ પણ સ્પામ ફોલ્ડરમાં જતા રહે છે. આપણા મનની સિક્યોરીટી સિસ્ટમ પણ કેટલાક સંબંધોને સ્પામ જાહેર કરી દે છે, જે કદાચ સારા પણ હોય. આપણે જો આ મનની સિક્યોરીટી સિસ્ટમની જાણકારી મેળવીએ તો કદાચ સંબંધોની સારપ માણી શકીએ.

સંબંધોની માયાજાળને સમજવામાં ઇન્ટરનેટની માયાજાળની સમજણ ઉપયોગી નીવડે તેમ છે.

આધુનિક વિજ્ઞાનની, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની દેન ગજબની છે. કોમ્પ્યુટર ઓન કરી ઇન્ટરનેટ જોડો એટલે જગતના કેટલાય કોમ્પ્યુટર સાથે જોડાઈ જાઓ. જગતના અસંખ્ય જાણ્યા-અજાણ્યા, ઇન્ટરનેટથી જોડાયેલા, વ્યક્તિઓ સાથે સંબંધ બંધાય જાય. આ સંબંધ પણ કેવો ? ઇન્ટરનેટ ઓન – સંબંધ બંધાય અને સ્વિચ ઓફ થાય અને સંબંધનો પણ અંત.

ગઈકાલની પોસ્ટમાં જોયેલા અપેક્ષાઓના સંબંધનું પણ આવું જ ! અપેક્ષાઓ જાગી – સંબંધની સ્વીચ ઓન, અપેક્ષાઓની સંતુષ્ટિ – સંબંધ પુરો. (જેમ કે આપણા વ્યવસાયિક સંબંધો)

પ્રેમસંબંધમાં પરિવર્તિત થઈ શકે એવા સંબંધોનું અકાળ અવસાન થઈ જાય છે. ઇન્ટરનેટ જોડાણ બંધ થતા અસ્ત થતો સંબંધ આપણા દિલ દિમાગને તકલીફ આપતો નથી, પણ જીવનના તુટતા સંબંધો તકલીફ કરાવે છે.

શા માટે ?

network copy

અ બાબત સમજવા માટે ઇન્ટરનેટનું માળખું ઉપયોગી થાય તેમ છે. તમે જ્યારે ઇન્ટરનેટનું જોડાણ કરો ત્યારે તમારું કોમ્પ્યુટર એક સર્વર સાથે જોડાય, આ સર્વર બીજા કેટલાક સર્વરો સાથે જોડાયેલું હોય અને બીજા સર્વરો અન્ય કોમ્પ્યુટરો સાથે જોડાયેલા હોય આમ તમારુ કોમ્પ્યુટર બીજા અસંખ્ય કોમ્પ્ય્ટરો સાથે જોડાય જાય. ધારો કે A-B-C-D-E જોડાયેલા છે. હવે A – D, C સાથે પણ સ્વતંત્ર રીતે જોડાયું હોય અને એજ રીતે D અને B, E અને B પણ જોડાયેલ હોય. અહી A અને D સંબંધ છે તો વળી D સ્વતંત્ર રીતે B સાથે પણ સંબંધ ધરાવે છે. ઘરમાં દાદા પુત્ર સાથે સંબંધમાં છે, તો વળી દાદા પૌત્ર સાથે પણ સીધા સંબંધમાં છે. આમ દાદા પુત્ર, પુત્રવધુ, પૌત્ર કે પૌત્રી બધા એકબીજા કોઈ લીન્ક દ્વારા પણ જોડાયેલ છે તેમજ સીધા સંબંધો પણ ધરાવે છે. જાણે ભગવાને બનાવેલા ‘માનવ’ કોમ્પ્યુટરો એકબીજા સાથે ‘સંબંધો’ના ઇન્ટરનેટથી જોડાયેલા છે.

આ તો સંબંધોને સમજવા ઇન્ટરનેટની આડવાત થઈ ગઈ પણ એમાં અંદર ઉતરીએ તો સંબંધોનું રહસ્ય પણ હાથમાં આવે તેમ છે. ઇન્ટરનેટ પર જોડાયેલા અસંખ્ય કોમ્પ્યુટરમાંથી પોતે, ઓફલાઈન થનારને અન્ય કોમ્પ્યુટરો સાથે સંબંધ તુટ્યાનું દુઃખ નથી. ફેસબુક પરથી ઓફ થનારને મિત્રોથી જુદા થયાનું દુઃખ નથી. (લગ્ન સુધી પહોંચનારા પંખીઓની વાત નથી થતી J ) ફેસબુક પર આપણી ફ્રેન્ડશીપ કોઈ નકારે કે આપણે કોઈને બ્લોક કરી દઈએ તો કોઈ તકલીફ થતી નથી.

તમે આવું કેમ, એ ક્યારેય વિચાર્યું ?

કારણ કે તમે એનું ‘અલગ’ (સ્વતંત્ર) અસ્તિત્વ સ્વીકાર્યું છે.

કોઈપણ વ્યક્તિ ફેઈસબુકના પોતાના પેઈજ પર જે લખવું હોય તે લખે, બ્લોગ પર જે લખવું હોય તે લખે આપણને કોઈ વાંધો નથી (કોઈવાર મનમાં ઉકળી જઈએ (આપણી નાદાનીથી) પણ સંબંધો તુટવાથી થતી તકલીફ જેવી તકલીફ થતી નથી). મુળ વાત સામેવાળાની ‘સ્વતંત્રતા’ સ્વીકારવાની છે. ફેસબુકનો ફ્રેન્ડ કે બ્લોગર મારાથી ‘અલગ’ છે ‘સ્વતંત્ર’ છે માટે કપાતો સંબંધ આપણને તકલીફ પહોંચાડતો નથી. પણ આ જ વાત આપણે જીવનમાં બંધાતા સંબંધો માટે સ્વીકારતા નથી. સામેવાળીને વ્યક્તિને પણ પોતાના વિચારો/વર્તન હોય શકે, એટલી વાત જો આપણે સ્વીકારી લઈએ તો સંબંધોમાં બાંધછોડ શક્ય બને.

આ ‘અલગતાનો અસ્વીકાર’ એ સંબંધો માટેનું આપણા મનમાં રહેલું સ્પામ ફીલ્ટર છે. આ ફીલ્ટર સારા સંબંધોમાં પણ જો આપણી ધારણા મુજબના વિચાર કે વર્તન થતા ન જુએ તો તેને સ્પામ ફોલ્ડરમાં ડાયવર્ટ કરી દે છે.

સંબંધોને સ્પામ જાહેર કરતું બીજું ફીલ્ટર છે ‘માન્યતા’. આ માન્યતાઓ એટલે જ્યારે આપણે મોટા થતાં હોઈએ (આપણું સામાજીકરણ થતું હોય) ત્યારે મળતા વિવિધ સંદેશાઓ દ્વારા મળે છે. નાનપણથી આપણે જોતા આવીએ છીએ કે વડીલો જેમ કહે તેમ કરવું, આજ્ઞાંકિત રહેવું, વડીલોની ઇચ્છા મુજબ વર્તન કરવું. બાળકો વડીલોના વચન અને વર્તનનો ભેદ નોંધી લેતા હોય છે પણ આજ્ઞાંકિત રહેવાની માન્યતાની ગોળી પીધી હોવાથી મોટા થતાં પોતાના બાળકોને પણ પિતા બાળકને ‘વિવેક’ની ગોળી પાવાને બદલે ‘આજ્ઞાંકિત’ની જ ગોળી પાય છે. જો ગોળી પીવાનો ઇન્કાર કરે તો સંબંધમાં તિરાડ. સ્ત્રીઓ અલ્પ બુધ્ધિની હોય, લગ્નસંબંધો જ્ઞાતિમાં જ હોવા જોઈએ, જ્ઞાતિ/સમાજની મર્યાદાઓ ઓળંગી ન શકાય, આવી અનેક માન્યતાઓ આપણા મનમાં ભરી પડી છે. જે સારા સંબંધો બાંધવા કે ટકાવવામાં અવરોધ ઉભા કરે છે. લગ્નસંબંધની જ્ઞાતિબહારની સારામાં સારી ઓફર આવી માન્યતાઓના કારણે સ્પામમાં ડાયવર્ટ થઈ જાય છે.

આવું જ એક ફિલ્ટર ‘પૂર્વગ્રહો’નું છે. છગનભાઈએ પોતાની સમજણ પ્રમાણે માહિતી આપી ‘મગનભાઈથી ચેતજો’ પછી મગનભાઈ આપણા ભલાની વાત કરે તો પણ મગજમાં ફ્લેશ થાય ‘ ચેતજો, એમાં એનો કોઈ સ્વાર્થ હશે’. આમ અપણે સંબંધને સંકોરી લઈએ છીએ. મેં એવા પણ તુટેલા સંબંધો જોયા છે કે જ્યાં મિત્રની નામ-રાશી પોતાની રાશી સાથે મેચીંગ નથી (રાશીનો પુર્વગ્રહ).

મારા ધ્યાનમાં એક વધુ ફીલ્ટર ‘કુટેવ’નું છે. મારા એક મિત્રને વાતવાતમાં સામેવાળાને ઉતારી પાડવાની, પોતાની મોટાઈ દેખાડવાની (કુ)ટેવ છે. આમ એમનું દિલ સાફ છે. જેને ઉતારી પાડ્યો હોય તે જો કોઈ મુશ્કેલીમાં આવે તો કંઈપણ વિચાર્યા વગર દોડી જાય, છતાં પણ સામેવાળો તો સંબંધ સંયમિત રાખે.

મહદ અંશે સંબંધો ‘સ્પામ’ નથી હોતા. આપણે ફક્ત આપણા મનમાં ‘સ્વશ્રધ્ધા’નું એન્ટીવાયરસ લોડ કરવાનું છે. તમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકશો એવી શ્રધ્ધાનું મનમાં આરોપણ કરી દો, સંબંધો સુધરી જશે. અન્યના અલગ અસ્તિત્વનો સ્વીકાર કરશો ત્યાં જ અડધી બાજી જીતી જશો. બાકીના ફિલ્ટરો દુર કરવા તો સામાન્ય બાબત છે. પ્રયત્ન કરી જુઓને !