ખોડંગાતા સંબંધો – ૨

અગાઊના લેખમાં મિસકન્સેપ્શનની વાત કરી પણ મુળ કારણો શોધવાના બાકી રહ્યા. મિત્રોએ ઘણા સુચક પ્રતિભાવો પણ આપ્યા.

મને લાગે છે કે આ વાત છેક બાળપણથી શરુ થાય છે. નાનું બાળક ઉમરના વિકાસની સાથે સાથે મનનો પણ સાચી ખોટી વાતો અને સમજણ સાથે વિકાસ કરે છે. (સ્કુલની સમજણ તો જુદી છે) કુટુંબીજનોના વ્યવહારો જોતાં જોતાં પોતાની સમજણ સાથે જે જુએ છે તેને સ્વીકૃતિ આપે છે. ‘આમ જ થાય’ એવી ‘માન્યતા’ઓ મનમાં દ્રઢ કરે છે. આ ‘સમજણ’, ‘ગેરસમજણ’ પણ હોય ને માન્યતા ‘ગેરમાન્યતા’ પણ હોય. જીદગી દોડમાં વ્યસ્ત હોવાને કારણે માબાપ બાળકોને સાચી સમજણ કે સાચી માન્યતા શીખવવા સમય કાઢી શકતા નથી અને વડીલો ક્યાં તો ગેરહાજર (જુની નવી પેઢીના કોન્ફ્લીક્ટમાં) હોય છે અથવા તો પોતાના વિચારોમાં બાંધછોડ કરી શકતા નથી અને નવા જમાનાને અનુરુપ નવી સમજ કે માન્યતા બાળકોને શીખવી શકતા નથી. બાળકો મોટા થયા પછી જે નાનપણમાં શીખ્યા તે કેરી ફોરવર્ડ થાય છે. યુવા મિત્રોની, આજના યુગને અનુરુપ, બાળકેળવણીની જવાબદારી છે. એવું ન કહેતા કે આ ડોહાઓને ‘સલાહો’ આપવા સિવાય કોઈ ધંધો નથી)

Feel the fragrance of friendship

Feel the fragrance of friendship

આ ગેરમાન્યતાઓ અને ગેરસમજણ સંબંધોમાં અપેક્ષાઓને જન્મ આપે છે. સાસુ માને છે કે વહુએ સાડી પહેરવી, એથી ‘અપેક્ષા’ હોય કે ‘વહુ સાડી પહેરે’. હવે જો વહુ ‘સાડી’ ન પહેરે તો સાસુનો ‘અહમ’ ઘવાય અને વિખવાદ શરુ થાય અને બેઉ પક્ષો સબળા હોય તો બંને વચ્ચે સંબંધ રહે, પણ ‘ખોડંગાતો’ સંબંધ. આ તો સમજવા પુરતું ઉદાહરણ છે, બાકી સૌએ પોતપોતાની ‘ટોપી’ પહેરી લેવી. 🙂 )

આમ ગેરમાન્યતા અને ગેરસમજણમાંથી – અપેક્ષા,

અપેક્ષામાંથી અહમ અને

અહમમાંથી ખોડંગાતો સંબંધ.

જોકે આટલું પુરતું નથી. બીજા પણ કેટલાક પરિબળો એમાં ભાગ ભજવે છે. (જો કે એ બધાના મુળ તો ઉપરની વાતમાં આવી જ જાય છે.)

સંબંધોનું Labeling – આપણે આપણા મનમાં દરેક સંબંધને ઓળખવા માટે ‘ચિત્રો’ દોરી રાખ્યા છે. હું તમને કહું કે મનજીભાઈ ‘વકીલ’ છે. તમારું મન, મનજીભાઈને જોયા વગર જ એક ચિત્ર રજુ કરે – કાળો કોટ, વાતોડીયો, દલીલબાજ, ખોટું બોલવામાં ક્ષોભ ન રાખે વગેરે વગેરે. પિતાનો ‘પુત્ર’ સાથેનો સંબંધ. પુત્રનું લેબલ લાગે એટલે પિતાના મનમાં ‘પુત્ર’ તરીકેનું ચિત્ર દોરાય જાય (જે તેણે બાળપણમાં કુટુંબજનોની મદદથી મનમાં દોરેલું હોય). તેણે આમ જ કરવું ,આમ જ રહેવું… વગેરે આવી જાય. સમજુ બાપ હોય તો પુત્રના મનમાં રહેલા જુના ચિત્રમાં નવા રંગ પુરે નહીંતર બ્લેક એન્ડ વાઈટ  ચાલુ રહે, અને સાથે માથાકુટ પણ…..

જો સીક્સર જેવી કોમેન્ટ આવી – ‘સંબંધ હોય એટલે લેબલ હોય જ, બધે કંઈ થોડું ‘પ્યારકો પ્યાર હી રહને દો…’ હોય.”

Yes. પણ ભારતની પેટ્રોલ કમ્પનીઓ છાસવારે પેટ્રોલના કેમ અપડેટ કરે છે અને પ્રોફીટ મૅળવે છે ? તમે પણ ‘લેબલો’ને  અપડેટ કરીને સંબંધનો ફાયદો મેળાવોને !

બીજું સંબંધોમાં Negligence – સંબંધોમાં ઢીલા થવામાં બીજુ કારણ આ અવગણના પણ હોય શકે. તમે ભાવભીનો સંબંધ રાખ્યો હોય પણ સામે પક્ષે તેની અવગણના થતી રહે તો તમે ક્યાં સુધી સંબંધમાં જીવંતતા (liveness) રાખી શકો, પછી તમે પણ ઢીલાશ મુકી દો.

ત્રીજો મુદ્દો સ્વાર્થનો હોય શકે. ઘણા લોકોના સંબંધમાં સ્વાર્થનું તત્વ વધારે હોય. જો બેઉ પક્ષે સરખું જ સ્વાર્થનું તત્વ હોય તો વાંધો ન આવે. (કારણ કે આવા સંબંધો વ્યાપારી સંબંધ જેવા જ હોય) પણ એક પક્ષે ‘સ્વાર્થ’ દેખાય તો સામાપક્ષ તરફથી સંબંધ કહેવા પુરતો રહી જાય.

જતુ નહી કરવાની વૃત્તિ, પોતાની સરસાઈ સ્થાપિત કરવાની વૃત્તિ, સ્ટેટસ વગેરે ‘અહમ’ના અંતર્ગત મુદ્દાઓ પણ સંબંધોને લંગડા બનાવી દે છે.

આ તો ખોડંગાતા સંબંધોના મુળમાં, મારી નજરમાં આવેલા મુદ્દાઓ લખ્યા, વણજોયા તમારા તરફથી……

મૈત્રીની વ્યાખ્યા તમે પણ અહીં માણી લો.

Picture –  with thanks from –

http://lyricssentimentsandme.wordpress.com/2013/03/15/friends/

“FRIENDSHIP is the highest form of LOVE on earth.”

Enjoy friendship (as we are … 🙂 )

ખોડંગાતા સંબંધો –

હમણા એક મિત્ર સાથે મારે ત્યાં શરુ કરેલું કામ પુરુ કરવા માટે વાત થઈ અને જવાબ –

‘શું કરું જોશીભાઈ, કારીગરની માથાકુટ છે. દિવાળી વખતે લગન કરવા રજાઓ પાડતો હતો અને હવે છુટાછેડા લેવા માટે રજાઓ પાડે છે.’

બોલો ! હજુ તો નામ-સરનામાની જ જાણકારી મળી હશે, ઓળખવાનું તો બાકી હશે ત્યાં, બે મહીનામાં કેસ છુટાછેડા સુધી પહોંચી ગયો. આ સંબંધ કેવો ? કેવી રીતે બંધાયો ? મેં વધારે વિગતો મેળવી.

કારીગરે લગ્નની ઉંમર વટાવી દીધી હતી. શરુઆત રાજ્યની બહાર કામ કરતો એથી સંબંધ થતો ન હતો. નોકરી છોડી ગુજરાતમાં આવ્યો, પણ શહેરમાં ઘર ન હતું એથી ગોઠવાતુ ન હતું, એનું સેટીંગ કર્યું. એના જેવી જ ઉમર વટાવી ચુકેલ કન્યા મળી, પણ પિતા-ભાઈ ન હોવાને કારણે નોકરી કરી મા અને એક બહેનનું પુરુ કરતી કન્યા મળી. હવે વિચારો બેઉ પક્ષે કેટલા એડજસ્ટમેન્ટ કરવાના થાય ? યુવાનના અભણ માબાપ સાથે યુવતીએ ગોઠવાવાનું, બહેન અને મા તરફ્ની જવાબદારી મનમાં રહે તેથી તે તરફ પણ ખેંચાવાનું, નોકરી નહીં કરવાની એથી બહારના વાતાવરણનો સંપર્ક તુટી જાય. યુવકને પણ તેના માબાપની જવાબદારી, એથી એણે પણ તેમનું સાચવવાનું. આવા સમયે તો વડીલોની જવાબદારી વધી જાય. પણ વડીલોની દલીલ કેવી ? અમારે સમાજમાં રહેવાનું કે નહી ?

વડીલોની મોટામાંમોટી ગેરસમજ (Misconception) શું ? સમાજના નિયમો. પણ નિયમો અને કાયદા વચ્ચેનો ભેદ વડીલો ભુલી જાય છે. નિયમો એટલે વ્યક્તિએ કોઈક પરિસ્થિતિમાં શું કરવું હિતાવહ છે એનું સામાન્ય તારણ, માર્ગદર્શન છે, જ્યારે કાયદો એ પથ્થરની લકીરની જેમ – જે નિયમ છે તેનું ઉલ્લંઘન ન કરી શકાય, જો કરવામાં આવે તો શિક્ષા થાય, એવો જડ છે. નિયમ ફ્લેક્સીબલ છે. એમાં બાંધછોડ શક્ય છે અને જરુર જણાય ત્યાં કરવી પણ જોઈએ. સમાજના ‘નિયમો’ને વડીલોએ સમાજના ‘કાયદા’ બનાવી દીધા છે, અને તેથી જ પ્રશ્નો ઉભા થાય છે.

અમારા ઘરના વહુવારુ નોકરી કરે ? સમાજમાં અમારી ઇજ્જતનું શું ?

અરે ! પણ પહેલાના જમાનામાં સ્ત્રીઓ નોકરી ન કરતી કારણ કે ઘરની જવાબદારી અને કામમાંથી જ તેને સમય મળતો ન હતો અને આજે મળતી લક્ઝરી પણ ત્યારે ઉપલબ્ધ ન હતી. આથી ખર્ચ પણ ન હતો. આજે રસોઈ માટે સમય બચાવતા સાધનો મળે છે આથી સમય પણ બચે છે અને શક્તિ પણ. સામાન્ય લક્ઝરી મેળવવાનો ખર્ચ પણ વધ્યો છે તો આવી પરિસ્થિતિમાં સ્ત્રીઓ નોકરી કરે તો ખોટું શું ?

ખોડંગાતા સંબંધોમાં મુખ્ય કારણ ‘ગેરસમજ’ (Misconception) છે.

(આ તો ત્વરીત પ્રતિભાવ છે. ખોડંગાતા સંબંધોની પિષ્ટપેષણ તો બાકી 🙂 )