આસાન હે –

“આસાન હે”

‘Unstoppable’

How to get Unlimited Power to Achieve your Goals ?

એક એવું પણ ટાઈટલ વાંચ્યું હતું – ‘કર લો દુનીયા મુ્ઠ્ઠીમેં’

બસ ! આવા ટાઈટલ વાંચી વિચાર આવે કે –

‘કેવું સરળ છે, એક સેમીનાર એટેન્ડ કરવાનો ને દુનીયાને મુઠ્ઠીમાં લઈ લેવાની’

આપણે રાજા અને બાકીની પ્રજા…. જલસા જ જલસા….

હમણા સુરતી ઉંધીયું પર વિપુલભાઈએ સંદીપ મહેશ્વરીની એક વીડીયો લીન્ક મુકી અને પછી જોયું તો યુ-ટ્યુબ પર આવા મોટીવેશનલ સ્પીકરોના ઢગલા. પાંચ મીનીટથી બે-બે કલાકના સેમીનાર વીડીયો.

જો એમ કહીએ ‘સફળતા રસ્તામાં નથી પડી’ તો કહેશે કે ‘આ તમારા બચપણમાં પડેલા સંસ્કાર (માન્યતા) બોલે છે.’ નાનપણમાં બાળકને કોઈ કામ કરતા રોકવા માટે એવું કહેવામાં આવે કે તું હજુ નાનો છે, તને ન આવડે, તારાથી નહી થાય વગેરે વગેરે. આ શબ્દો તેને જોખમ લેતાં, નવું શીખતા રોકે અને મોટા થતાં તે કંઈપણ એચીવ કરવામાં પાછો પડે.

એકદમ સાચુ !

નાનપણમાં બાળક પ્રત્યે, માબાપનું અને અન્યનું વલણ આ પ્રકારનું જ હોય છે. તેને શીખવવાને બદલે આવા શબ્દોથી ટાળવામાં આવે છે. આથી બાળકના મનમાં આવી માન્યતા દ્રઢ થતી રહે છે. આમ પણ કહેવાયું જ છે કે મા-બાપ બનવું સહેલું નથી પણ સાથે સાથે એ પણ વાસ્તવિકતા છે કે યુવાન દંપત્તિ મજાક  મજાકમાં જ માબાપ બની જાય છે. વધુમાં ‘કેરીયર’ની દોડ પણ તેઓને બાળકોથી દુર રાખે છે.

પણા આજે યુવાનો જ્યારે આવા વીડીયો જુએ કે સેમીનાર એટેન્ડ કરે ત્યારે તેમાંથી ‘સરળ’ લાગતી વાતનો તંત પકડી રાખે છે, એમાં મહેનત કરવાની (Action) વાતને નજરઅંદાજ કરે છે.

‘Secret’  માં દર્શાવ્યા પ્રમાણે મનમાં ધારણાઓ કરી, ખોટે ખોટે ‘ફીલ’ કરી માની લે છે કે હવે દુનીયામાંથી મારે જે જોઈએ છે તે મારા તરફ આકર્ષાઈને આવી જશે. (Law of Attraction).

જો કે સંદીપ મહેશ્વરીની આ વીડીયો મને ગમી, આમ પણા એક વાત અનુભવી કે સંદીપ બીજા ટ્રેઈનર્સની જેમ શાસ્ત્રીય વાતો ન કરતા પોતાના અનુભવોને સાંકળીને વાસ્તવીકતાની સમજણ સાથે બોલે છે. જેમકે

law of attraction vs law of love sandeep maheshwari

જોવી ગમે એવી વીડીયો છે.

પણ આ જ વાત બ્રહ્માકુમારી શીવાનીએ થોડા મહીના પહેલાં ખુબ સરળતાથી કહી છે.  ટુંકા સમયમાં સાર જોઈ લેવા જેવો ખરો. (અહીં Karmica Accounts માં ન માનીએ તો તેને બાજુમાં મુકીને પણ સ્મજવા જેવું ખરું.)

ચર્ચા કરવા જેવા મુદ્દા તો છે. તમે કંઈ કહેશો ?

રોલ મોડેલ –

અગાઊની પોસ્ટમાં રોલ મોડેલનો ઉલ્લેખ થયેલો. આપણા સબ કોન્સીયસ માઈન્ડની તાકાત સમજવી હોય તો આ રોલ મોડેલના મુદ્દાને ધ્યાનમાં લેવા જેવું છે. મનુષ્યને જીવતા રહેવા માટે જુદી જુદી પ્રેરણાઓ કામ કરે છે, જેમાંની મુખ્ય ત્રણ – સિધ્ધિ પ્રેરણા (Achievement motivation), સત્તા પ્રેરણા (Power motivation), સંબંધ (?) પ્રેરણા (Affiliation Motivation). દરેક વ્યક્તિ ત્રણે પ્રેરણા સાથે જીવન જીવે છે, દરેકનું પ્રમાણ જુદું જુદું હોય શકે – જેમકે ઉદ્યોગ સાહસિકો જેવા સાહસિકોમાં સિધ્ધિ પ્રેરણાનું મહત્વ વધારે હોય, નેતાઓ અને ગુરુ-મહારાજોમાં સત્તા પ્રેરણાનું પ્રમાણ વધારે હોય, જીવનમાં ખુબ નમ્ર અને જતું કરવાની વૃતિવાળા સંબંધ પ્રેરણાની અસર હેઠળ હોય.

‘રોલ મોડેલ’નો મુદ્દો સિધ્ધિપ્રેરણા સાથે સંકળાયેલ છે. હું મારો જ એક દાખલો આપી સમજાવવાનો પ્રયત્ન કરું.

આઠમાં ધોરણના વેકેશનમાં મારે ગામ ગયેલો. હવે આ વર્ષ સુધીમાં છકો-મકો, મિયાં ફુસકી, જુલે વર્નની કથાઓ, છાની છાની વાંચી વાંચીને ચશ્મા  આવી ગયેલા અને કાયમી પહેરવા પડે તેવી પરિસ્થિતિ હતી. જ્યારે ચશ્મા પહે્રી બસમાંથી ગામના પાદરે ઉતર્યો ત્યારે ત્યાં ઉભેલા ગામના દરબારે કહ્યું.

graduate1

‘આવો, ડોક્ટર’.

મારા દાદા અને આ દરબાર બંને સાથે જ જામનગર, જામસાહેબના આદેશથી આ ગામમાં વસવાટ માટે આવેલા, આથી અમારા ઘર સાથે ખુબ સારા સંબંધો. પણ વાત હતી ‘આવો ડોક્ટર’ ની. મારા સબ કોન્સીયસ માઈન્ડમાં આ ‘ડોક્ટર’ની છબી અંકીત થઈ ગઈ. એ જમાનામાં ગામડામાં ડોક્ટર જેવા વધુ ભણેલાઓને ચશ્મા હોય એવી ધારણા હતી, અને એથી જ દરબારથી અનાયાસે જ આવા ઉદગાર સરી પડેલા. મારા દુરના એક કાકા (હુલામણું નામ – ભલાકાકા) એ વખતે M.B.B.S.  થયેલા, તેમને પણ ચશ્મા હતા. ખુબ જ મૃદુભાસી અને પ્રેમાળ હતા. આથી મનમાં ભલાકાકાની છબી અંકીત થઈ ગઈ. મોટા થઈને ડોક્ટર બનવું એવું મનમાં છપાઈ ગયું. પછી તો SSC થઈ કોલેજમાં દાખલ થયો. પ્રી-સાયન્સ (પ્રથમ વર્ષ) કરી, F.Y.B.Sc. માં ગ્રુપ નક્કી કરવાનું આવ્યું ત્યારે ‘B’ ગૃપ પસંદ કર્યું, જે પસાર થયે મેડીકલ લાઈનમાં જઈ શકાય. એ વખતે પણ મેરીટની માથાકુટ હતી. F.Y. માં 65 % આવ્યા અને મેડીકલનું એડમીશન અટક્યું 66 % એ. એક ટકાના ડીફરન્સમાં એડમીશન ન મળ્યું. ગુજરાત તો ઠીક પણ છેક શ્રીનગરની કોલેજ સુધી મેડીકલના ફોર્મ ભર્યા હતા, ક્યાંય એડમીશન ન મળ્યું. (ડોનેશનનો રીવાજ હતો કે નહીં, તેની જાણકારી ન હતી અને તેવડ પણ નહી) હવે ? વાંધો નહી ! જો B.Sc. માં ફર્સ્ટ ક્લાસ આવે તો B.Sc. પછી મેરીટ લીસ્ટમાં નામ આવી જ જાય. એટલે નક્કી કર્યું B.Sc. માં ફર્સ્ટ ક્લાસ મેળવી મેડીકલમાં જવું, બે વર્ષ બગડે તો ભલે પણ ‘ડોક્ટર’ તો બનવું જ. આમ S.Y. B.Sc. T.Y. B.Sc. ના બે વર્ષ વધુ કર્યા. જે વર્ષે B.Sc. કર્યું એ વર્ષે નિયમ આવ્યો કે B.Sc. માટે મેડીકલમાં ફક્ત દશ ટકા સીટ ફાળવવી. ફરી B.Sc. નું અલગ મેરીટ લીસ્ટ બન્યું અને અગાઊની જેમ અડધા ટકા માટે મેડીકલમાં એડમીશન ન મળ્યું. હવે ? માંહ્યલો ઝંપવા ન દે.

વાંધો નહીં ! M.Sc. માં જો ફર્સ્ટ ક્લાસ આવે તો મેડીકલમાં એડમીશન મળે. ફરી M.Sc.ના પ્રયત્ન ચાલુ થયા. આમ પોસ્ટ ગ્રેજ્યુએશનના છ વર્ષ ગયા અને મેડીકલના પાંચ જુદા. પણ પ્રથમ વર્ષમાં હાયર સેકન્ડ ક્લાસ આવ્યો અને એ જમાનામાં બે વર્ષના માર્કસ સંયુક્ત ગણત્રીમાં લેવાતા. અમદાવાદ બી.જે. મેડીકલના ડીનને પત્ર લખ્યો કે M.Sc. માં હાયર સેકન્ડ ક્લાસ આવે તો મેડીકલમાં પ્રવેશ મળશે ? એમનો હતોત્સાહ કરતો પ્રત્યુત્તર આવી ગયો – ‘Sorry’. બસ મેડીકલના દરવાજા બંધ. M.Sc. Part II માં ૫૪ ટકા આવ્યા. (યુનીવર્સીટી ફર્સ્ટને ૫૮ ટકા હતા, આજના ભણતરમાં ?)

M.Sc. થયા પણ પેલી ‘ડોક્ટર’ ની ડીગ્રીનું શું ?

પોસ્ટ ગ્રેજ્યુએશન પછી Ph.D. કરીએ તો, ડોક્ટર કહેવાય !

બસ, Ph.D. ના ગાઈડને મળ્યો, એક વિષય પસંદ કરી વિચાર રજુ કર્યો, પણ તેણે તો પોતાની પસંદગીનો વિષય આપ્યો. (જેથી પોતાના અન્ય સ્ટુ્ડન્ટમાં રીસર્ચ વર્કની હેરાફેરી થઈ શકે) પાંચ વર્ષે ગાઈડ સાથે લડી-ઝગડીને ડોક્ટરેટ કર્યું, થીસીસમાં તો ત્રણ વર્ષના રીસર્ચ વર્કનો સમાવેશ થયો, બે વર્ષના રીસર્ચ વર્કનું દાન ગાઈડના ‘યસ સર !’ સ્ટુડન્ટને દાન થયું. પણ અંતે નામ આગળ ‘ડોક્ટર’ લાગ્યું.

આઠમા ધોરણથી અશાંત થયેલું મન, હવે અંદરથી શાંત થયું. (જો કે ડીગ્રી પ્રાપ્ત થયા પછી તેનું કોઈ મહત્વ રહ્યું નહી અને નામ આગળ કોઈ દિવસ ડોક્ટર કહેવડાવવાનો આગ્રહ પણ રહ્યો નહી.)

આમ યુવાનો યોગ્ય રોલ મોડેલની પસંદગી કરી લે તો ધ્યેય પ્રાપ્તિની દિશામાં જવા આંતરીક બળ મળતું રહે.

કોઈ તેમનો અનુભવ કહેશે ?

 

જે છે તે નહી …

 જે છે તે નહીં…

‘તમે કઈ રીતે જુઓ છો ?’ માં જીવનમાં ‘હકારાત્મક’ દ્રષ્ટિકોણ અ્પનાવવો જોઈએ એવી વાત થઈ. પ્રાપ્ત થયેલા કેટલાક પ્રતિભાવોમાં શ્રી અશોકભાઈનો પ્રતિભાવ –

“ગ્લાસને અડધો ભરેલો કે અડધો ખાલી ‘જોવા’ને બદલે, તે કેટલો ભરેલો છે તે જોવાનો – વાસ્તવિકતાની, અપેક્ષાનો નહીં – ની ટૅવ પાડવી જોઇએ. અપેક્ષા હંમેશ સાપેક્ષ હોય, એટલે તે સમયના સંજોગો મુજબ તે પ્રેરક કે નિરાશાજનક પરિબળ બને……..”

આ બાબતને વધારે સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન જરુરી લાગ્યો. ‘A glass WITH water’ ‘પાણી સાથે ગ્લાસ’. આમાં ‘ભરેલો’ કે ‘ખાલી’ એવી કોઈ વાત નહીં. આ થયું ‘વાસ્તવિક દર્શન’ જે આપણે કરવું જોઈએ અને એવી ‘ટેવ’ પાડવી જોઈએ. હા ! ચોક્કસપણે વાસ્તવિક દર્શનની ટેવ જરુરી છે. આ વાસ્તવિક દર્શન પણ, હકારાત્મક લાગણી સાથે થઈ શકે. જેમકે – ‘પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે’ એ પણ વાસ્તવિક દર્શન છે – પણ ‘હકારાત્મક’ અને ‘પાણીનો ગ્લાસ અડધો ખાલી છે’ એ પણ વાસ્તવિક દર્શન – પણ ‘નકારાત્મક’. જો કે મને હંમેશા ‘સાર’ માં રસ છે શબ્દોની મારામારીમાં નહીં. પણ સિક્કાની બે બાજુઓની માફક વાસ્તવિક દર્શનની બે બાજુઓ સ્પષ્ટ કરવા ચર્ચા કરી.

હકીકતમાં તો મનુષ્ય જે છે, સામે દેખાય છે, વાસ્તવિક છે તે જોવાનું પસંદ કરતો નથી. આજે નથી તે ભવિષ્યમાં હશે એવી આશા સાથે ‘વાસ્તવિક’ દર્શનને અવગણે છે. બૌધ્ધિકો પણ વિજ્ઞાન આજે નથી કરી શક્યું તે ભવિષ્યમાં કરી શકશે એવા ‘આશાવાદ’ સાથે, ધર્મ અને આધ્યાત્મની અવગણના કરે છે ને ! માનવીના લોહીના ઘટકોની જાણકારી હોવા છતાં જીવંત માનવીઓના લોહીની જરુર પડે છે જ અને મુશ્કેલી તો ત્યાં છે લોકો લોહી વેંચીને આજીવિકા શોધે છે. જીન્સના પ્રોટીન્સની તથા રચનાની જાણકારી હોવા છતાં, જીન્સમાં ફેરફાર કરી શકાતા હોવા છતાં, જીન્સ બનાવી શકાતા નથી, છતાં આપણે ભવિષ્યમાં આ પ્રશ્નોનું નિરાકરણ થઈ શકશે એવા આશાવાદમાં જીવીએ છીએ ને ! આને આપણે આશા સાથે કે હકારાત્મક દ્રષ્ટીકોણ સાથેની વાસ્તવિકતા ગણી શકીએ.

જીવનમાં ‘આશા’ માંથી ‘અપેક્ષા’ જન્મે છે. આ આશા અને અપેક્ષા છે તો જ જીવન છે. ‘નિરાશા’ મૃત્યુ તરફ ખેંચી જાય છે. (જો કે આટલી અંતિમતા તો ન આવે પણ, જીવનની ‘આશા’માં કમી જરુર આવે.) કોઈપણ સામાન્ય વ્યક્તિ (મોટા ભાગનીવ્યક્તિઓ) હંમેશા અપેક્ષાના ઉદભવ વખતે પોતાની પરિસ્થિતિની ‘વાસ્તવિકતા’ને અવગણતી હોય છે. ભિખારી પણ  માલેતુજારના સપના જોતો હોય છે. બોલવામાં કે લખવામાં હંમેશા કહીએ કે માનવીએ પોતાની પછેડી પ્રમાણે સોડ તાણવી જોઈએ, પણ એ મુદ્દો ચર્ચાસ્પદ છે. શ્રી ધીરુભાઈ અંબાણી પ્રેટ્રોલ પંપના કારીગર તરીકેની હેસીયતથી ‘રીલાયન્સ’ની અપેક્ષા ન રાખી શકે. પણ મારે કંઈક સિધ્ધ કરવું છે એ માનસિક તૈયારી અને ભવિષ્યની સપનું તેમને ‘રિલાયન્સ’ પ્રતિ લઈ જાય. અહીં એમણે પછેડીમાંથી પગ બહાર કાઢવો જ રહ્યો. ડહાપણ એમાં છે કે એ પગ કેટલો બહાર કાઢવો અને પછેડી કેટલી લાંબી કરવી એ વિચારવું રહ્યું. એમને ‘પછેડી લાંબી કરવાનો’ વિચાર આવવો જ જોઈએ. (આ મુદ્દો ધ્યેય નિર્ધારણના ભાગરુપે છે જે અલગ વિષય છે.) સામાન્ય પરિસ્થિતિમાં અને મોટાભાગની વ્યક્તિઓ સંજોગોને આધિન હોય છે. એ જ ધનુષ અને એ જ બાણ હતા છતાં અર્જુનને એક કાબાએ લુંટ્યો હતો. પણ કેટલીક વ્યક્તિઓ ‘સંજોગોને બદલવા’નો પ્રયત્ન કરે અને ‘સફળ વ્યક્તિ’ બને છે. સફળતાનો પાયો સંજોગોને પોતાને અનુરુપ બનાવવામાં છે.

આથી, જે છે તે જુઓ, પણ હકારાત્મક વાસ્તવિક દ્રષ્ટિ રાખીને……….

સંબંધનો ‘આઈસબર્ગ’ –

‘ફર્યો ચરે અને બાંધ્યો ભુખે મરે’

આવું જ મારી સાથે થયું. મગજની ‘ટ્રાન્સ’ અવસ્થાને સમજવા ઈન્ટરનેટમાં રજળપાટ કરતો હતો. એમાં એક વ્યાખ્યા મળી જેમાં ‘આઈસબર્ગ’નો ઉલ્લેખ થયો હતો. તેમાંથી આઈસબર્ગની ઇમેજ સર્ચમાંથી એક સરસ વેબસાઈટ પર જતો રહ્યો. એમાં મેનેજમેન્ટ અને વર્કર વચ્ચેના સંબંધ પરની ચર્ચા હતી. મને લાગ્યું કે આ તો આપણા રોજબરોજના સંબંધોને સમજવામાં ખુબ ઉપયોગી થાય તેમ છે. મારી સમજણની ઝલક વાંચી તમે પણ કંઈક કહી નાખજો.

તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા અન્ય સાથે દેખાતા સંબંધ કરતાં ‘ન દેખાતા’ સંબંધ વધારે હોય છે. એકદમ ‘આઈસબર્ગ’ની જેમ. દરિયામાં બરફની શીલાના ટોચકા કરતા લગભગ દસ ગણી શીલા પાણીમાં રહેલી હોય છે. (એટલે જ ‘શીલા’ને કોઈ સમજી શકતું નથી ! 😉 ) ભલાભલા તેની ખરેખરી સાઈઝનો અંદાજ બાંધી શકતા નથી. ટાઈટેનીક જેવી સ્ટીમર બિચારી પાણીમાં ડુબી ગઈ, તો આપણું શું ગજુ ?

iceberg model

આપણે પણ સંબંધના ઢંકાયેલા ભાગને જોઈ શકતા નથી અને એના કારણે સંબંધોમાં કડવાશ ભરી બેસીએ છીએ. વધુ સમજવા એક ઉદાહરણ જ લઈએ –

પિતાપુત્રનો સંબંધમાં દેખીતો ભાગ – સમાજના શિખવાડેલા મુદ્દાઓ મુજબ. પિતાએ પુત્રને નાનપણથી મોટો કરી ‘ઠેકાણે’ (નોકરી તેમજ લગ્ન સંબંધી પણ..) પાડવો જોઈએ. પુત્રએ પિતાના ઘડપણનો ટેકો બનવું જોઈએ. પિતાની પુત્ર માટેની લાગણીઓ, માન/અપમાન, અપેક્ષાઓ, જવાબદારીઓ, જરુરીયાતોના કેટલાક મુદ્દાઓ દેખીતા એટલે કે સમાજ દ્વારા નિયત કરેલા છે તે સૌ જાણે છે. એ જ રીતે પુત્રની પિતા માટેની લાગણીઓ, માન/અપમાન, અપેક્ષાઓ, જવાબદારીઓ, જરુરીયાતોના કેટલાક મુદ્દાઓ દેખીતા એટલે કે સમાજ દ્વારા નિયત કરેલા છે તે સૌ જાણે છે.

પણ આપણે બાળકમાંથી મોટા થતાં થતાં જે કંઈ શીખીએ છીએ તેમાંથી કેટલીક બાબતો/ વિચારો, પોતાની રીતે ઘડીએ છીએ અને મગજમાં સંઘરીએ છીએ. આ વિચારો કદાચ સમાજમાં પ્રવર્તતા વિચારોથી વધારાના પણ હોય શકે, અલગ પણ હોય શકે, પણ આપણા ખુદના બનાવેલા છે એથી એ પ્રમાણે આપણું વર્તન તો થવાનું જ, ભલે તે સમાજ દ્વારા અપેક્ષિત ન પણ હોય. આ બધા જીણા જીણા વિચારો એટલા બધા છે કે તે આઈસબર્ગનો પાણીમાંનો હિસ્સો બનાવે છે, જે લગભગ દેખીતા હિસ્સા કરતા દસગણો મોટો છે.

સામાન્ય દાખલો ‘અપેક્ષાઓ’ નો જ લઈએ.

આગળ જોયું તેમ પુત્રની પિતા પાસેથી અપેક્ષા એટલી છે તે નાનપણથી તેને મોટો કરી પગભર બનાવે, જે સમાજ દ્વારા નિયત કરેલી છે. પરંતુ નાનપણથી ‘હેલીકોપ્ટરીંગ પેરેન્ટીંગ’થી (નાનપણથી માબાપ દ્વારા સતત રક્ષાભર્યા માહોલમાં) બાળક મોટું થયું હોય, તો તેઓ મોટા થાય પછી પણ માબાપનો સહારો શોધતા હોય છે. બીજી તરફ પિતા પોતાની જવાબદારી પુરી થઈ ગઈ એમ માની પુત્ર મોટો થયા પછી પોતાના જીવનમાં મસ્ત બની જાય. આઈસબર્ગના પાણીની અંદરના ભાગમાં પિતાના પક્ષે કોઈ જવાબદારી કે અપેક્ષા રહેતી નથી.

icebergBW

આમ, જોઈએ  દેખીતી રીતે તો પુત્રની અપેક્ષા પુર્ણ થઈ ગઈ છે (આઈસબર્ગની ટોચનો ભાગ), પણ તેના મનમાં હજુ પણ માબાપની રક્ષાની અપેક્ષા રહેલી જ છે (આઈસબર્ગનો પાણીની અંદર રહેલો ભાગ). તે સતત પિતાનો ટેકો ઇચ્છે છે. હવે આ અપેક્ષાઓ સંતોષાય નહી આથી તેના મનમાં સતત, ‘પિતા મારું ધ્યાન રાખતા નથી’ એવી કડવાશ ઘુંટાતી રહે છે.

આવું તો ઘણી બાબતોમાં બને છે. આપણી જાણ બહાર, અજાગૃત મનમાં અપેક્ષાઓ, ઇચ્છાઓ અધુરી રહેતી હોય છે એની સીધી અસર સંબંધ પર પડતી હોય છે.

આ આઈસબર્ગને, સુર્ય પૃથ્વીની સતત નિગરાની કરતો રહે તેમ સતત નિગરાનીમાં રાખી, તપારો આપી પીગળાવીએ તો સંબંધોમાં પાણીની પારદર્શકતા આવે.

બાકીના સુધારાવધારા તમારા માટે ……

મેં જે સંદર્ભ જોયેલો તે પણ વાંચવા જેવો છે તેમાં ‘psychological contracting’ ની વાત છે. એ પણ રસદાયક છે. ફરી ક્યારેક તેને સમજવાનો પ્રયત્ન કરશું.

સંદર્ભ – http://www.businessball.com

રણમાં મીઠી વીરડી એટલે પ્રેમ –

ગત વર્ષે આ લખ્યું ત્યારે કેટલાક મિત્રોના તીખા પ્રતિભાવ પણ આવેલા – આ બધી વાતો છે, અપેક્ષા વગર જીવન શક્ય જ નથી, સંબંધો જાળવવા જેટલો ટાઈમ જ ક્યાં છે, કોકનું ભલુ કરીએ તો ય સંબંધો કાપી નાખે છે, લોકો સ્વાર્થી છે……

આ બધુંય સ્વીકાર્ય ! જીવવાની તૃષ્ણા છે તો જ જીવન પણ છે. મારે તો વાત અસ્ત થતા સંબંધોથી મનમાં કડવાશ ઉભી ન થાય એ માટેની છે. કોકનું ભલુ કરતી વખતે પણ મનમાં તો, કોઈક રીતે મારો આભાર માને તેવી ‘અપેક્ષા’ હતી કે નહી ? નેકી કર ઔર દરીયામે ડાલ જેવું તો ન હતું ને ! હું પોસ્ટ લખું ત્યારે કોક વાંચે અને કંઈક ‘સુષ્ઠુ સુષ્ઠુ’ લખી પ્રતિભાવ આપે એવી અપેક્ષા નહી ? તમે કંઈ ન લખ્યું તો દીલ નહી દુખ્યું હોય ? અપેક્ષાઓ નામશેષ નહીં જ થાય અને એના પર રચાયેલા સંબંધો પણ અસ્તિત્વમાં રહેશે જ. વાત ખાલી આવા સંબંધોની સાથે લાગણી તાર ‘ન’ બાંધવાની છે. તાર જ ન હોય તુટવાની વાત ન આવે અને કશું તુટે નહી તો હૃદયમાં પણ કોઈ અનિચ્છનિય ઝણઝણાટી ન થાય.

આજે હવે જ શુષ્ક સંબંધોમાં આવતી ભીનાશને યાદ કરી લઈએ !

આંખ બંધ કરી, તમને કોઈએ આપેલી ‘જાદુની ઝપ્પી’ને યાદ કરો, એ સમયે હૃદયનો કોઈ ખુણો ભીનો થઈ ગયો હશે અને એ ભીનાશ આંખમાં રેલાઈને ટપકી પડી હશે, ગળામાં શ્વાસ રુંધાય ગયો હશે, જગત અને જીવનનું અસ્તિત્વ જ ઓગળી ગયું હશે. પણ આવું આલિંગન ક્યારેક અને કોઈકે જ આપેલું હોય. (બાકી તો પ્રસંગોમાં તો મુખવટો પહેરી સૌની સાથે ‘ભટકાતા’ જ હોઈ છીએને ! J ) એમાં કોઈ લેતીદેતીનો ‘વ્યવહાર’ નથી. બંને પક્ષોએ બસ આપવનું જ હોય છે. આ આલિંગન એ પ્રેમસંબંધની ઝલક માત્ર છે. નાના બાળકના માથા પર ફરતો માનો પ્રેમાળ હાથ, બાળક માટે આનંદનું નિમિત્ત બને છે. કેડબરીની ‘મીઠાશ’ની અપેક્ષા  વગર બહેનના હાથે ભાઈને બંધાતી રાખડી પ્રેમસંબંધનું પ્રતિક છે. પ્રશ્નોથી થાકી હારીને બેઠા હોઈએ ત્યારે ખભા પર મુકાયેલ મિત્રનો હાથ એ પ્રેમસંબંધની અનુભુતિ છે. આવા તો કેટલાય પ્રસંગોમાં અનુભવાતો પ્રેમ સંબંધ માનવીને જીવન જીવવાનું બળ પુરુ પાડે છે. ઘણી વખત તો આ બળ મેળવવા આપણે શાહમૃગવૃત્તિ અપનાવી શુષ્ક સંબંધોની રેતીમાં માથું છુપાવી પ્રેમસંબંધની ભ્રાંતિમાં જીવવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. અંતે તો નિરાશા સંપડે છે.

શું આપણા સંબંધો અપેક્ષા કે જરુરીયાત આધારિત જ હોય છે ? એની ચકાસણી માટે એક પ્રયત્ન કરી શકાય. આપણા સંબંધની ફ્લેશબેકમાં જઈ એક એક પ્રસંગની ફરીથી અનુભુતિ કરવી પડે અને આ અસંખ્ય ક્ષણોમાંથી કેટલીક ક્ષણો માટે આપણા હૃદયનો ખુણો ભીંજાયો હોય, એ ક્ષણો પ્રેમસંબંધની ક્ષણો જ છે, ક્યારેક એવું કશુ બનતુ નથી તો એ ક્ષણો જરુરીયાતના સંબંધની છે. આમ ઘઊંમાં કાંકરાની જેમ સંબંધોની ભેળસેળ છે.

વ્યવસાયિક સંબંધો સિવાયના સંબંધોમાં પ્રેમની અને જરુરીયાતોની ભેળસેળ હોય જ છે. સંબંધોમાં આવતી પ્રેમની ક્ષણો કેમેરાની ફ્લેશની જેમ શુષ્ક જીવનના અંધારામાં પ્રકાશ પાથરી ઓગળી જાય છે. આપણે સૌ ઇચ્છીએ છીએ કે જીવનના સંબંધોમાં પ્રેમનો પ્રકાશ ફેલાય, પણ ક્ષુલ્લક જરુરીયાતોના સંબંધોમાં જીવનભર અટવાયા કરીએ છીએ.

આમાં વાંક આપણો જ છે ? સાવ એમ પણ કહી શકાય એમ નથી કારણ કે જીવવા માટેની મજબુરીમાં પણ જરુરીયાતોના સંબંધોમાં તણાવું પડે છે. હા, પણ એટલું ચોક્કસ કહી શકાય કે આવા સંબંધોમાં લક્ષ્મણરેખાની જેમ મર્યાદારેખા બાંધી શકીએ જેથી આવા સંબંધો જરુરીયાતો સંતોષાવાની સાથે અસ્ત પામે તો દુઃખ ન થાય.

વર્તમાનયુગમાં જરુરીયાતને જ પ્રેમનો પર્યાય બનાવી દીધો છે – “નહીં માલુમ હસરત હે યા તુ મેરી મુહબ્બત હે, બસ ઇતના જાનતા હું કે મુજકો તેરી જરુરત હે” સામે પક્ષે એક જુનુ ગીત યાદ આવે છે – ‘સિર્ફ અહસાસ હે યે રુહસે મહસુસ કરો, પ્યાર કો પ્યાર હી રહને દો કોઈ નામ ન દો’ સવાલ આપણી રુહનો છે. ક્યાંય ખોવાય ગઈ છે ? ના ! ક્યાંય ખોવાય નથી ગઈ, ફક્ત તેના પર ઇચ્છા-અપેક્ષાઓના ‘પડ’ ચડી ગયા છે. તમે ક્યારેય ડુંગળીનો મધ્ય ભાગ એકલો ખાધો છે ? ખાઈ જુઓ, સાકર જેવો લાગશે પણ તેના પર તીખાશના પડ ચડી ગયા છે, ન ગમતી વાસ ફેલાવે છે.

Red-Onions

આપણા સાકર જેવા આત્મા પર અપેક્ષાઓના તીખા પડ ચડી ગયા છે અને ન ગમતી જીંદગી જીવવી પડે છે. ‘આત્મા’ શબ્દ વાંચીને ઘણાને આ વાત ઉપદેશાત્મક લાગવા માંડશે પણ આપણે આત્મા-પરમાત્માની વાત કરવી નથી કારણ કે જીવનસંધ્યાએ તમે દોડી દોડીને થાકી ગયા હશો ત્યારે હાશકારો મેળવવા તમે જ એ ઉપદેશો સાંભાળવા દોડી જશો. અત્યારે તો આપણે પ્રેમભર્યું જીવન જીવવા અને સંબંધોમાં પ્રેમ પાંગરતો જોવા ઈચ્છીએ છીએ. આવું જીવન જીવવાનો પ્રયત્ન તો કરી શકીએ ને ! કરવાનું ફક્ત એટલું કે ડુંગળીના ફોતરાઓને – અપેક્ષાઓને ઓળખવાની છે. જો એ જાણકારી મેળાવી લઈશું તો એના થકી બંધાતા સંબંધોને પણ ઓળખશું અને એવા સંબંધોની ભરતી-ઓટ કે અસ્ત વખતે કોઈ તકલીફ નહી થાય. કદાચ આનંદ ન થાય તો પણ ‘એ તો એમ જ હોય’ એવું સ્વીકારી દુઃખ તો નહી જ થાય.

અપેક્ષારહિત પ્રેમસંબંધોનો વિકાસ કરવા જેવો છે, પ્રયત્ન કરી જુઓ અને એ પ્રયત્ન પણ કરવાની ઇચ્છા ન થતી હોય તો જીંદગી આમ જ જીવાય એમ માનીને શુષ્ક જીવન પસાર કરવામાં પણ વાંધો નથી. ઇશ્વરે મોકલ્યા છે તો સમય તો પસાર કરીએ ! શું ક્યો છો?

પ્રભુ તમને યોગ્ય પ્રેરણા આપે !

સમય હોય તો પ્રેમને સમજવાની સાથે હૃદયને પણ ભીનું કરી લો –

(ફીલ્મ – ખામોશી ૧૯૬૯)

વિચારોનું વળગણ –

કેટલાક વાક્યો વાંચો –

‘ફરજવશ જીવતો છું, માટે થોડુંક નાછુટકે પેટમાં નાખું છું. હકીકતે તો કશું જ ગમતું નથી….

બાકી ક્યાં જાઊ, ભાગી જાઊ કે શું કરું ?….

વળી સાવેસાવ એકાકી જીવું છું…..

કોઈના ય ગમે તેવા કૃત્ય કે પ્રહાર પ્રત્યે ફક્ત એક જ પ્રતિભાવ – ‘ભઈ, માણસ છે !’…..

બીજા શબ્દોમાં કહું તો અંતકાળે હતાશ છું …

http://en.wikipedia.org/wiki/Major_depressive_disorder માંથી સાભાર -

http://en.wikipedia.org/wiki/Major_depressive_disorder માંથી સાભાર –

આ અવતરણો છે  –  એક વિચારકના – રેશનાલીસ્ટના – મૃત્યુની રાહ જોતા જોતા લખાયેલા છે. એમના લખાણોએ ઘણાને દિશાસુચન, નવા વિચારો, પ્રેરણા પુરી પાડી હશે. આપણે પણ આ લખાણના શબ્દોનો ઉપયોગ આપણી જાતને સમજવા કરીએ –

‘ભાગી જાઊ’, ‘એકાકી’, ‘હતાશ’ આ શબ્દો મનમાં ક્યારે ઉઠે ?

દરેક વ્યક્તિ પોતાની જાતને બીજા કરતા ‘અલગ’ માનવાનો પ્રયત્ન કરે ત્યારે ‘એકાકી’ બની જાય. દરેક સંપ્રદાયો તેમના અનુયાયીઓને એક લેબલ આપી દે – હું ‘વૈશ્નવ’, હું ‘સ્વાધ્યાયી’, હું ‘સ્વામીનારાયણી કે સતસંગી’, હું ‘જૈન’ ….. ક્યારેક વ્યક્તિઓ પોતે જાતે લેબલ ધારણ કરે – હું ‘અમીર’, હું ‘એથીસ્ટ’, હું ‘રેશનાલીસ્ટ’, હું ‘આસ્તિક’….

પણ… આ લેબલોમાં, મુળમાં રહેલા ‘માણસ’ને ભુલી જાય છે.

શું માનવીને સમાનતાની ‘એલર્જી’ છે ?

કે ‘અલગતા’નો આગ્રહ છે ?

‘એકાકી’ની અનુભુતિ ક્યારે થાય ?

જો હું બીજા કરતા ‘અલગ’ છું એવી ભાવના મનમાં જન્મે ત્યારે.

માનવીને જીવવા માટેની મુળભુત પ્રેરણાઓમાં એક  ‘Power Motivation’ છે. અહીં પાવરનો સાદો અર્થ ‘શક્તિ’ નથી પણ ‘To influence others’ એવો છે. સરળ સમજણ માટે આપણે મોટા ભાગના નેતાઓ, ગુરુ અને સ્વામીજીઓના મોટીવેશનને લઈએ તો તેમની એક પ્રેરણા ‘મારે અનુયાયીનો કાફલો હોય’. આ પાવર મોટીવેશન. (દુર ક્યાં જાઓ છો ! તમે પણ તમારા બ્લોગ ફોલોઅરની સંખ્યા પર નજર રાખો છો ને !) શક્ય છે, આ પાવરમોટીવેશન એ ‘અલગતા’નું મુળ હોય શકે ?

‘હું પણ સામાન્ય માણસ જ છું’ એવી સ્વીકૃતિ કદાચ આપણને સૌની સાથે જોડી રાખે. સમાનતા સ્વીકારવી પડે. પછી ‘એકાકીપણુ’ ન રહે. બધા સામાન્ય માણસો વિવિધ દુઃખથી પીડાય છે, કેટલાક મારાથી પણ વધારે દુઃખી હશે, હું પણ માણસ છું, મને પણ અન્યની જેમ દુઃખ, લાગણી વગેરે થાય, આ વિચાર, મને ‘હતાશ’ થતા રોકે.

આપણને ફક્ત આ ‘અલગતા’ના વિચારનું જ વળગણ છે એવું નથી. વિચારોના બીજા કેટલાય વળગણો છે જે સુખ-દુઃખ આપનારા છે. આ બધા માનવીના મગજમાં લટકતી ‘દોરી’ઓના ‘ટેકા’ છે.

અપેક્ષાઓની દોરીઓ પણ છુટી જાય તો અંતકાળનું દુઃખ ઓછું થાય.

અંતકાળ જ શું કામ ? જીવન પણ સરળ બને.

આ પોસ્ટની શરુઆતના શબ્દો છે અંતકાળની રાહ જોતા પ્રા. રમણ પાઠક ના ‘રમણભ્રમણ’ ના લેખમાંથી. (મેં ‘અભિવ્યક્તિ’ પર વાંચ્યો) આ લેખ પરનો મારો પ્રતિભાવ એ લેખકના લખાણની ટીકા સ્વરુપે નથી પણ એ લખાણમાંથી લઈ શકાય એવા બોધ સ્વરુપે છે. તેઓશ્રીએ ઘણું આપ્યું છે તો અપણે પણ એમાંથી કંઇક લેવાનો પ્રયત્ન કરીએ એવી આભારની અભિવ્યક્તિ માત્ર છે.

ગુલામી –

(આજની પોસ્ટ એક મિત્રની ઇબુકમાં મુકવા માટેનો આર્ટીકલ છે. તમે વાંચીને ક્ષતિઓ તરફ ધ્યાન દોરશો તો ક્ષતિપુર્તિ કરી શકાશે અને તે પણ આપના આભારસહ)

‘લો પાણી પીઓ !’

‘લો ઠંડુ પાણી પીઓ !’

ઉપરના બે વાક્યોમાં તમને કોઈ તફાવત લાગે છે ?

પાણી શબ્દ સંભળાય ત્યારે એક ‘એબ્સોલ્યુટ’ વેલ્યુ સંભળાય, પણ જ્યારે ‘ઠંડુ’ શબ્દ સંભળાય ત્યારે ‘ગરમ’નો ઝબકારો મનમાં થાય જ. આમ કેટલાક શબ્દ સાંભળો ત્યારે તેનો વિરોધી શબ્દ યાદ આવે જ. બીજી રીતે કહીએ તો કેટલાક શબ્દ તેના ‘વિરોધી’નું અસ્તિત્વ હોવાનું યાદ અપાવે. ગરમ-ઠંડુ, કઠણ-નરમ, આઝાદી-ગુલામી……

આઝાદીની વાત કરો ત્યારે ગુલામી છે તેનો અહેસાસ થઈ જ જાય. વ્યક્તિ કહે ‘હું આઝાદી ઇચ્છુ છુ’ કે ‘આઝાદ બનવું છે’, એ બાબત જ દર્શાવે છે કે એ ગુલામ છે. જેલનો કેદી કહે મારે આઝાદી જોઈએ છે તો તે શારિરીક આઝાદી ઇચ્છે છે. કોઈ રુઢીચુસ્ત કુંટુંબની વ્યક્તિ વિચારે કે મારે પ્રેમલગ્ન કરવા છે, તો ‘સંસ્કાર’ આડા આવે. માનવી શારિરીક રીતે જ ગુલામ હોય છે એવું નથી, માનસિક ગુલામી પણ હોય –

સંસ્કારોની ગુલામી…..

સંબંધોની ગુલામી…..

માન્યતાઓની ગુલામી….

ટેવોની ગુલામી…

વિચારોની ગુલામી….

ભારત છોડી પરદેશ ગયા, સાડી છોડી જીન્સ પહેરવાનું આવ્યું. ‘હું જિન્સ ન પહેરી શકું, મારા સંસ્કાર ના પાડે છે.’ અરે ભાઈ ! ભારતમાં શોફર ડ્રિવન કારમાં, પોતાની રીતે અને પોતાના સમય પ્રમાણે ફરતા હતા, પરદેશમાં તો એક એક સેકંડના હિસાબે દોડવાનું છે તો સાડી પહેરી દોડશો ક્યાંથી ? કોઈ અતિથી આવે તો પ્રેમથી તેની સગવડ સાચવવા પોતાના સમય અને સુખ-સગવડનો ભોગ આપતા હતા, અહીં તો અતિથીએ કોઈને પ્રેમથી મળવા માટે પણ બે વિક પહેલા ‘એપોઈન્ટમેન્ટ’ લેવી પડશે. ‘અતિથી દેવો ભવઃ’ ભુલી જવું પડશે. યુવાન પુત્ર પોતાની પત્નીને લઈને અલગ એપાર્ટમેન્ટમાં, ઘરડા, અસહાય માબાપને છોડી રહેવા જતો રહેશે અને માબાપ મોં વકાશી જોતાં જ રહેશે. શું કરી શકે ? પરદેશના સંસ્કાર આ જ છે.

બદલાવું પડશે.

સંસ્કારોમાં ‘પરિવર્તન’ લાવવું પડશે.

સરળ સુખી જીવન જીવવું હશે તો સંસ્કારોમાં ‘પરિવર્તન’ લાવવું જ પડશે.

આવું જ માન્યતાઓનું છે. કોઈ કામ માટે બહાર નીકળ્યા, બિલાડી આડી ઉતરી, અરે ! અપશુકન થયા ! હવે કામમાં ભલીવાર નહી આવે. લગ્ન કરવા છે, મુહુર્ત જોવું પડે. આંખબંધ કરીને મનમાં ઝાંકસો તો કેટલીય માન્યતાઓ નજરે પડશે. કેટલીક એવી હશે કે તમને એ ‘માન્યતા’ છે એવું લાગશે જ નહીં, વાસ્તવિકતા જ લાગશે.

માન્યતાઓમાંથી છુટવું છે તો તેને ચકાસો. કેટલાય એનઆરઆઈના લગ્નો વગર મુહુર્તે થઈ ગાય. તુટ્યા હશે મતભેદ કે મનભેદ કારણે તુટ્યા હશે, પણ મુહુર્તના કારણે તો નહીં જ. કેટલાય કાર્યોમાં બીલાડી આડી ઉતર્યા પછી પણ સફળતા મળી હશે, અને જો અસફળ થયા હશો તો પેલી બિલાડી મગજમાં લટકતી હશે અને યોગ્ય નિર્ણય નહીં લઈ શક્યા હો તે કારણે, બીલાડીના કારણે નહીં.

માન્યતાઓને ચકાસો, એની ગુલામીમાંથી મુક્ત થશે.

સવારની ચા મળી નથી, મજા નથી આવતી, પાન/માવા/ફાકી ખાધી નથી, કામમાં સુસ્તી લાગે છે.

આ છે ટેવોની ગુલામી.

એમાંથી મુક્તિ ‘સજાગતા’ થી જ મળે. ચા ની ઇચ્છા થઈ. ચા પીવાના નુકશાનને યાદ કરો અને જાગૃત મનથી ચા પીવાનું ટાળો. કોઈપણ ટેવ, સારી કે ખરાબ, સજાગતાથી અપનાવો કે એમાંથી મુક્ત થાઓ. સવારમાં ફરવા જવાની ટેવ સારી, પણ કફની પ્રકૃતિ હોય તો ગરમ કપડામાં જાતને લપેટીને જાઓ.

એક ગુલામી એવી છે કે જીવનને છિન્નભિન કરી નાખે, સંબંધોની ગુલામી.

કુટુંબનું ધનોતપનોત કાઢી નાખે એવો પુત્ર હોય તો પણ તેને છોડી ન શકાય, કારણ કે લોહીનો સંબંધ છે. ડગલે ને પગલે માબાપને હડધુત કરતી હોય તો ય દીકરી છે, સહન કરી લેવું જોઈએ. આંગણામાં કચરો નાખી ગંદકી ફેલાવે તો પણ સમસમીને બેસી રહેવું પડે કારણ કે પાડોશી છે, કારણ કે પહેલા સગા પાડોશી. આવા કેટલાય સંબંધો નીભાવવા પડે છે એ ગુલામી નહીં તો બીજુ શું ?

તમે કોઈ નામ/શરીર ધારણ કરીને બેઠા છો તો સંબંધ છે. જો એ ન હોય તો સંબંધ કેવો ? મારા અનુભવે તો એવું લાગ્યું છે કે કદાચ આપણા મનમાં રહેલો ભય, ‘હું એકલો પડી જઈશ’ ‘મારુ શું થશે’, આપણને સંબંધો જાળવવા મજબુર કરે છે. એક વખત મનમાં નક્કી કરી લો કે ‘જે થવાનું છે, તે થશે જ’ તો આ ભય નીકળી જશે અને તમે સંબંધોમાંથી મુક્ત થઈ જશો. દુનીયાની દરેક વ્યક્તિ એક ‘સ્વતંત્ર અસ્તિત્વ’ છે, કોઈ કોઈના વગર અધુરુ નથી. (આ વિચારની ટ્રાય કરવા જેવી ખરી !)

આ દુનીયામાં મોટામાં મોટી ગુલામી ‘વિચારો’ની છે.

વિચારોમાંથી મુક્તિ માટે કેટલીય સલાહો આપવામાં આવે છે.

‘રોજ ધ્યાન કરો’, ‘થોડો સમય જાત સાથે ગાળો’, ‘વેકેશનમાં પ્રકૃતિની નજીક જાઓ’, ‘તમને ગમતી પ્રવૃતિમાં રચ્યાપચ્યા રહો’, ‘સકારાત્મક વિચારો કરો’

તમે એક વાત નોંધી છે – આ સલાહ ક્યાંથી આવે છે ?

સાધુ-મહાત્માઓ – (જેમણે દુન્યવી જવાબદારીમાંથી મુક્તિ મેળવી છે અથવા પોતાની જવાબદારી અન્ય માથે નાખી દીધી છે.)

સીનીયર સીટીજન – (જેમણે દુન્યવી જવાબદારી સામાજીક દ્રષ્ટિએ પુર્ણ કરી છે.)

ગુરુઓ, સલાહકારો  – (જેમણે સામાજીક સ્થિરતા મેળવી લીધી છે)

પણ તમારે તો ‘બે છેડા’ ભેગા કરવાના છે. તમે શું કરશો ? જાત સાથે ગાળવા સમય છે ? વેકેશન ગાળવા જવાનો સમય અને ‘તેવડ’ છે ?

તો વિચારોની મુક્તિ માટે શું થઈ શકે ?

એક જ રસ્તો દેખાય છે – અપેક્ષાઓ પર લગામ.

લગામનો અર્થ સ્પષ્ટ સમજી લો – અપેક્ષાઓ ન રાખવાની સલાહ નથી, અપેક્ષાઓ ન હોય તો જીવન જ નથી. પણ લગામ એટલે કોઈ અપેક્ષાનું વિશ્લેષણ. અપેક્ષા કેટલી જરુરી છે ? કેટલી રાખવી ? ક્યાં સુધીની રાખવી ? ન રાખી હોય તો શું નુકશાન ?

કદાચ આ પ્રકારે વિશ્લેષણ, અપેક્ષાઓ ઓછી કરવામાં, છોડી દેવામાં  ઉપયોગી થશે.

બસ પ્રયત્ન કરી જુઓ !

‘મુક્તિ’ તમારી રાહ જુએ છે !

આમ જ થવું જોઈએ !

આમ જ થવું જોઈએ !

કોઈ પણ કામની શરુઆત આપણે મહદ અંશે અહીંથી જ કરીએ છીએ.

પરીણામની ધારણા સાથે કાર્યની શરુઆત ધ્યેય પ્રાપ્તિ માટે જરુરી પણ છે. કારણ કે એ જ ધારણા કાર્ય કરવાનું બળ આપે છે અને ધ્યેયપ્રાપ્તિ દિશામાં આગળ ધકેલે છે.

પણ ?

આ ધારણાને દુરાગ્રહમાં બદલાવી, આપણે ‘……..’ માં આવી જઈએ છીએ.

ખાલી જગ્યા પુરીને ?

બહુ જાણીતો અને આજના યુગનો માનીતો શબ્દ ‘સ્ટ્રેસ’.

સ્ટ્રેસની ઘણી ખણખોદ કર્યા બાદ આ બધી મથામણમાં મારે એકલાએ જ શા માટે દુખી થવું, તમને પણ ‘દુઃખી’ (?) કરવા જોઈએ. આથી આ સ્ટ્રેસની ખણખોદને સમેટીને એક પુસ્તિકાના સ્વરુપે આપ સૌ સમક્ષ મુકવાનો પ્રયત્ન કરી રહ્યો છું. શરુઆત થઈ ચુકી છે, સેમ્પલ આજની પોસ્ટમાં પીડીએફ ફાઈલ એટેચ કરેલી જ છે.

આ પીડીએફ ફાઈલ ડાઊનલોડ કરો – Stress_Ebook

stress_title

પણ એ ફક્ત એટેચમેન્ટ જ રહે નહી એ જોવાની જવાબદારી આપ સૌની છે. આ એટેચમેન્ટ આપ સૌના સુચનો માટે જ મુકેલું છે. થોડો સમય ફાળવો અને વાંચી જાઓ અને ગુજરાતી, અંગ્રેજી, હિન્દી – કોઈપણ ભાષામાં (મને બીજી ભાષા નથી આવડતી એટલે જ સ્તો !) સુચનો મોકલો એવી નમ્ર, અતિ… અતિ…અતિઅતિ.. નમ્ર વિનંતિ.

પોસ્ટના ટાઈટલને દુઃખ ન લાગે એ માટે થોડુંક –

કોઈપણ કાર્ય શરુ કરતા પહેલાં આયોજન તો થવું જ જોઈએ અને આ આયોજનમાં પરીણામની ધારણા પણ થવી જોઈએ. આપણી મુશ્કેલી એ છે કે આ ધારણાને જડની જેમ વળગી જઈએ છીએ. ખરેખર તો ધ્યેયપ્રાપ્તિના માર્ગમાં જેમ જેમ આગળ વધીએ તેમ પરીણામની ધારણાની સમીક્ષા થતી રહેવી જોઈએ અને પ્રાપ્ત થનાર પરિણામમાં કોઈ ફેરફાર કરવો પડે અને જો પરિણામ જ અગત્યનું હોય તો ધ્યેયપ્રપ્તિના આપણા માર્ગમાં ફેરફાર કરવો પડે. ધ્યેયપ્રાપ્તિ અલગ વિષય છે આથી બહુ સાઈડટ્રેક ન થતા મુળ વાત કરીએ તો પરીણામની ધારણાને વળગી રહેવાથી ‘સ્ટ્રેસ’ ઉત્પન્ન થાય છે જેની સીધી અસર આપણી કામગીરી (Parfomance) પર પડે છે. સ્ટ્રેસના બે પ્રકારો જે ‘કામગીરી’ આધારીત છે તેમાં જ્યાં સુધી ‘યુ સ્ટ્રેસ’ રહે ત્યાં સુધી કામગીરી ખુબ સારી થાય છે પણ એ જ્યારે ‘ડીસ્ટ્રેસ’ માં બદલાય ત્યારે કામગીરી ઘટી જાય છે.

મફત સલાહ –

‘આમ જ થવું જોઈએ’ એ છોડો અને

‘આમ થવું જોઈએ’ સ્વીકારો !

મમળાવો –

વર્ષો પહેલા એક વર્તમાનપત્રમાં રોડ પર ફરતી ટ્રકોની પાછળ લખાયેલ શાયરીઓ પ્રસિધ્ધ થતી હતી, તેમાંના સેમ્પલ ….

“ યે પલ ખુશીકી જન્નત હૈ, ઇસ પલ મેં જી લો દિવાને,

આજકી ખુશીયા એક હકીકત, કલ કી ખુશીયા અફસાને હૈ”

થોડુક રોમાન્ટીક ….

“લમ્હે યે સુનહરે કલ સાથ હો ન હો,

કલ મે આજ જૈસી બાત હો ન હો,

યાદો કે હસીન લમ્હે દિલમેં રહેંગે,

તમામ ઉમ્ર ચાહે મુલાકાત હો ન હો”

સરખામણી ?

સરખામણી ?

“થાય સરખામણી તો ઉતરતા છીએ,

એ છતાં આબરુ અમે દિપાવી દીધી,

એમના મહેલને રોશની આપવા,

ઝુંપડી પણ અમારી ઝલાવી દીધી.”

આપણે આવા આસિકાના મુડમાં નથી જવું, આ તો આજની પોસ્ટ લખતા આ ગઝલ યાદ આવી ગઈ.

મૂળ વાત એમ છે કે ગઈ કાલે એક ચેનલ પર પર સીરીયલ જોતાં જોતાં એક સંવાદ યાદ રહી ગયો. દીકરી એની માને કહે છે – “તું હંમેશા મારામાં પૂર્વી (બહેનનું નામ)ને શોધે છે, મારા મિત્રો ભલે હાઈફાઈ રહ્યા પણ એ બધા ‘મને’ ઓળખે છે. મારું પણ અસ્તિત્વ છે.”

(જો કે ચેનલોની સીરીયલોના પ્રોડ્યુસરો વ્યુઅરને ઉલ્લુ સમજીને જ સીરીયલો બનાવે છે, પણ આપણે તો ચેનલનું ભાડુ આપીએ છીએ. થીમ, વાર્તા કે ફોટોગ્રાફીમાં કંઈ ન મળે તો સંવાદોમાં તો કંઈક શોધવું પડે ને !)

અહીં દીકરી, મા પર કટાક્ષ કરે છે કે હું મારી બહેન કરતાં અલગ છું, મારા મિત્રોમાં મારી એક અલગ ઓળખાણ છે, મારું નામ છે, મારું અસ્તિત્વ છે. વાત સાચી છે. જો કુદરતે બે માણસોને એક સરખા નથી બનાવ્યા તો પછી સરખામણી શા માટે ? ટીવીના મ્યુઝીક/ડાન્સના લાઈવ શો માં પણ બે ગાયકો કે ડાન્સરો વચ્ચે સરખામણી કરવામાં આવે છે, માર્ક આપવામાં આવે છે. શા માટે ? જજને ગમ્યું એટલે ? જજે પોતાના કેટલાક ધારાધોરણો બનાવ્યા છે તે માપદંડની સાથે ગાયેલા ગીતને સરખાવતાં ફરક જણાય છે એટલે ? જો સંગીતના ધોરણો પ્રમાણે જ માર્કીંગ કરવામાં આવે તો બધા જજના માર્કસ સરખા જ આવવા જોઈએ. પણ એવું નથી બનતું, એનો અર્થ એ થાય કે પ્રત્યેક વ્યક્તિ પોતે પોતાના ધોરણો (Standards) નક્કી કરે છે. ટીવી જોતી વખતે હું પણ મારા ધોરણો નક્કી કરું છું અને આ જજે બરાબર માર્કસ આપ્યા અને બીજાએ ખોટા માર્કસ આપ્યા એવી સરખામણી કરું છું. મેં જે ધારણા કરી એ પ્રમાણે જે જજ માર્કસ આપે એ યોગ્ય અને બીજો અયોગ્ય ? ખરેખર કોણ સાચો ? ગીતના કલાકારની પોતાની ઓરીજીનાલીટી ન હોય ? કુદરતે બક્ષેલ આ ઓરીજીનાલીટીની સરખામણી કરનાર આપણે કોણ ?

કે પછી મારી ધારણાઓની સ્વીકૃતિ થાય એવી ‘અપેક્ષા’ રાખી કે ‘આગ્રહ’ રાખ્યો એ ખોટું ?

મને લાગે છે ‘સરખામણી’ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિની પોતાની ‘અપેક્ષા’ઓની અવગણના અન્ય દ્વારા થાય. મ્યુઝીક શોના જજ, ગાયક પાસેથી એવી અપેક્ષા રાખે કે આ ગીત તેણે આ રીતે ગાવું જોઈએ. તે ‘સંગીતના માપદંડ’ને બદલે પોતાના ‘અપેક્ષાઓના માપદંડ’ સાથે ગાનારની સરખામણી કરે અને તે પ્રમાણે માર્કીંગ કરે, અને તેથી બીજા જજ કરતાં જુદો પડે. આ જ પ્રમાણે ગાયકે પણ વિચારવાનું રહે કે જે તે જજે આપેલા માર્ક તે તેની જજની પોતાની અપેક્ષા પ્રમાણેના છે, આથી મારે કંઈ મારી ઓરીજીનાલીટી છોડી ન શકાય, પણ ખુલ્લુ મન રાખી, અન્યની અપેક્ષાઓને જાણી મારામાં સુધારો જરુર થઈ શકે. સામે પક્ષે પ્રત્યેક માર્ક આપનારે પણ જે તે ગાયકની ગાયકીની ખૂબીઓની કદર કરી પછી જ પોતાનું મંતવ્ય આપવું જોઈએ.

આ તો મ્યુઝીકના શોની વાત કરી, પણ આપણા ઘરમાં પણ માબાપ જો પોતાના બાળકો વચ્ચે સરખામણી કરે તો તેમાંથી કોઈક બાળકને નુકશાન થવા સંભવ છે. દરેક બાળકની પોતાની આગવી ઓળખ છે તે જાળવી માબાપે પ્રત્યેકની સાથે વ્યવહાર કરવો જોઈએ. ટીવી સીરીયલની મમ્મીએ એક દિકરીની સરખામણી બીજી સાથે ન કરવી જોઈએ. બન્નેને પોતપોતાની ખાસીયત છે, મા તરફથી બન્ને દીકરીઓને સરખી જ ટ્રીટમેન્ટ મળવી જોઈએ. સાસુઓએ પણ વહુઓની સરખામણી એકબીજી સાથે ન કરવી જોઈએ. (ઝી ટીવીવાળા સાસુવહુની સીરીયલો પણ આપે છે !!!!)

In short, મારું વર્તન પ્રત્યેક સાથે, અન્યની સાથે સરખામણીમાં નહી પણ વ્યક્તિગત રીતે હોવું જોઈએ અને એ પણ અન્યને તકલીફરુપ ન થવું જોઈએ. બેફામ સાહેબે ગઝલમાં આગળ પર કહ્યું છે –

‘કોઈ અમને નડ્યા તો ઉભા રહી ગયા,

પણ ઉભા રહી અમે કોઈને ન નડ્યા’

વાંચતા વાંચતા કંટાળો આવ્યો ને ! એમાંય કોઈ મફત સલાહ આપે ત્યારે તો ખાસ !

વાંધો નહી ! નીચે ક્લીક કરો

ચાલો સાથે મળીને ગઝલ માણીએ !

શું થયું હશે ?

શું થયું હશે ? મારું શું થશે ? હવે શું થશે ?

બધાના મનમાં દિવસમાં વધુમાં વધુ વખત ઉઠતા પ્રશ્નો !

ઉઠવામાં મોડું થઈ ગયું, હવે ઓફીસે ટાઈમસર કેમ પહોંચાશે ? હજુ તો ઉઠવામાં જ મોડુ થયુ છે, ઓફીસે જવામાં તો બે-ચાર કલાકની વાર છે છતાં ‘ભવિષ્ય’માં શું થશે તેની ‘પૂર્વધારણા’.

એજ રીતે જે પ્રસંગ બન્યો નથી તે અંગેની ‘ધારણા’ઓ – ‘કંઈક તકલીફ થઈ હશે તો ?’ આવું મનમાં  ધારી લઈને લગભગ બધા જ ‘તણાવ’ અનુભવે છે. આપણું મન સતત ધારણા/પુર્વધારણા કરતું રહે છે. કાર્ય કરતી વખતે પણ આગળના પરિણામો વિષે ધારણા કરતું રહે છે. જો ભૂતકાળનો અનુભવ હોય તો પરિણામો ધારેલા આવતા રહે, કાર્યનો પ્રથમ પ્રયત્ન હોય તો આપણું જ્ઞાન આપણા કાર્યના પરિણામો ધારવામાં મદદરુપ થાય, પણ આશંકાઓ મન પર કાબુ ધરાવે છે અને મહદ અંશે નકારાત્મક ધારણાઓ/વિચારો જ આવતા હોય છે. આ નકારાત્મકતાને કારણે મન પર તાણ વધે છે. કોઈ સ્વજન સમયસર ઘેર પરત ન આવે ત્યારે મહદ અંશે, ક્યાંક એક્સીડન્ટ નહીં થયું હોય ને ? એ વિચાર પ્રથમ આવે છે. વળી મન અહીંથી અટકતું નથી કેટલું વાગ્યું હશે ? કોઈ હોસ્પીટલ લઈ ગયું હશે કે નહી ? કઈ હોસ્પીટલમાં લઈ ગયા હશે ? ડોક્ટર હાજર હશે ? …. (તમે અનુભવ્યું જ હશે ! આવું જ નહી તો બીજું કંઈ ! પણ મન ધારણાઓ કરતું જ રહે છે.) એનાથી ઉત્પન થતું ‘સ્ટ્રેસ’ શરીર પર તેની અસર કરે જ છે. અહી પરિસ્થિતિ એવી છે કે જે બન્યું નથી તેની ધારણાઓ કરી આપણે ‘સ્ટ્રેસ’ અનુભવીએ છીએ.

આવા સ્ટ્રેસથી બચવાનો એક ઉપાય ‘હકારાત્મક ધારણાઓ’ છે. દરેક વખતે ખરાબ બનતુ નથી અને એવા અનુભવો ભૂતકાળમાં તમે પણ કર્યા જ હશે. ભૂતકાળમાં મોડું થયું ત્યારે – ગાડી બગડી હતી કે તમને સરપ્રાઈઝ આપવા ગીફ્ટ લેવા રોકાયા હોય કે તમને મનગમતો નાસ્તો લેવામાં વાર લાગી હોય, આવી સુખદ પ્રસંગો બન્યા જ હશે. હવે આપણે જો આવી સુખદ પૂર્વ ધારણાઓ કરીએ, તો સ્ટ્રેસ ઉત્પન્ન થવાનો સવાલ જ ઉભો ન થાય. અંગ્રેજીમાં સારો શબ્દ ‘Positive Visualization’ ઉપયોગમાં લેવામાં આવે છે. સુખદ પૂર્વધારણાઓ કરવામાં એક તકલીફ એ ઉભી થઈ શકે કે તમે હકારાત્મક પૂર્વધારણાઓને જો ‘અપેક્ષા’ઓનું સ્વરુપ આપી દો તો બીજા પ્રશ્નો ઉભા થવાની શક્યતા વધી જાય.

મન, ‘સ્ટ્રેસર’ (તણાવ ઉત્પન્ન કરનાર) ‘વાસ્તવિક’ છે કે ‘આભાસી’ (ફક્ત મનની ધારણા) એનો તફાવત (Differentiate) કરી શકતું નથી. ઉદાહરણ રુપે, દોરડી અને સાપનો તફાવત. અંધારામાં દોરડી જોઈ મન સાપની ધારણા કરી સાચા સાપના સામના વખતે શરીર જે પ્રતિક્રિયા કરવી જોઈએ એ પ્રમાણે વર્તે છે. આમ આભાસી અનુમાન મન પર તાણ ઉભુ કરે છે. પણ જો આપણે આ ‘આભાસી અનુમાન’ સુખદ કરીએ તો ? મન ને ખબર નથી કે આ અનુમાન વાસ્તવિક છે કે આભાસી ? આથી એ મગજમાં કોઈ સ્ટ્રેસ ઉત્પન્ન થવા દેતું નથી અને સ્ટ્રેસની ગેરહાજરી શરીરને તેની સામાન્ય સ્થિતિમાં રાખે છે.

પ્રોફ. રોબર્ટસન જણાવે છે કે ‘મન તમે જે વિચારો છો તે પ્રમાણે બદલાય છે.’ (“Your brain is changed physically by the conversations you have, the events you witness and the love you receive. This is true all through your life, not just when you are an infant.”) તેઓ વધુમાં જણાવે છે કે મગજ આપણા બાયોલોજીકલ ડેવલોપમેન્ટ પ્રમાણે ભલે વિકાસ પામતું હોય, પણ વિચારો તેનું ઘડતર કરે છે, આપણે આપણી બાયોલોજીના ગુલામ નથી. (આ વાત શીલ્પીઓએ પણ પોતાના શીલ્પો દ્વારા વ્યક્ત કરી જ છે)

post

હકારાત્મક વિચારો અંગે આજે બધા જ મોટીવેશનલ એક્સપર્ટસ એક સુરે વાત કરે જ છે.

આ સિવાય ‘ધારણા’ઓના સ્ટ્રેસમાંથી મુક્ત થવાનો અન્ય રસ્તો ‘ધ્યાન’ છે. જ્યારે પણ મન પર નકારાત્મક વિચારો હુમલો કરે ત્યારે આંખો બંધ કરી, ઊંડા શ્વાસ લેવાનું શરુ કરો અને નકારાત્મક વિચારોના હુમલાનો સામનો કરવા સકારાત્મક વિચારોની ઢાલ બનાવો. (‘નકારાત્મક વિચાર મારે નથી કરવાના’ એ વિચાર પણ નકારાત્મક છે, આથી એવા વિચારો પર ધ્યાન આપ્યા વગર ‘મારે સકારાત્મક વિચાર કરવાના છે’ એવું વિચારો.). રોજીંદુ ધ્યાન સ્ટ્રેસનો કાયમી ઇલાજ છે.

નિષ્ફળતાનો ભય (Fear of Failure) પણ આ ધારણાઓના તનાવનું કારણા હોય શકે. ઓછા આત્મવિશ્વાસના કારણે આપણા મનમાં ‘હું નિષ્ફળ જઈશ તો ?’ એ ભય કાયમી ઘર કરી જાય તો, ફક્ત કાર્ય કરતી વખતે જ આ ભય સતાવે એવું નથી, પણ આ ભયના કારણે આપણી ધારણાઓ પણ નકારાત્મક બની જાય. જે સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે. મનમાં આત્મવિશ્વાસ જગાવશો તો તણાવ આપોઆપ દુર થઈ જશે.

 

 

(પ્રોફ. રોબર્ટસનને વધારે જાણવા નીચેની લીન્ક પર તેમનું સંબોધન સાંભળો.)

https://vimeo.com/2473689 (part 1)

https://vimeo.com/2558555 (part 2)