અલગ ચોકો – એક મજબુરી ?

ફેઈસબુક પર ફરતાં ફરતાં એક પોસ્ટર જોયું. એમાં નીચે ‘…….. એસોશીએસન’ લખ્યું હતું.

એસોશીએશન –  એક નોખો ચોકો.

આપણે બધા આપણા ‘ચોકા’ બનાવીને જ જીવીએ છીએને !

નાના હોઈએ ત્યારે માબાપે બનાવેલા ચોકામાં રહેવાનું, મોટા થતા ‘મારું કુટુંબ’ નો નવો ચોકો. આગલી પેઢીને એમનો વળી. જુનીપેઢી-નવી પેઢી, એક ધર્મ-બીજો ધર્મ, એક સંપ્રદાય પણ ફલાણાવાસી-ઢીકણાવાસી. આમ કેટલા કેટલા ચોકાઓ !

આવું આપણે કરીએ છીએ ?

થઈ જાય છે ? ….. કે…

મજબુરી છે ?

“આમ જ થશે, રહેવું હોય તો રહે નકર નીકળ મારા ઘરમાંથી (ચોકામાંથી).” બાપાએ દીકરાને કહી દીધું.

ચોકાની શરુઆત ‘અહમ’થી થઈ. ‘મારા’ વિચારો, ‘મારી’ મહેનત, ‘મારો’ ત્યાગ….. આ બધું ‘મારા’થી ઉભું થયું છે, એમાં ‘તારો’ સમાવેશ તો જ થઈ શકે, જો તું ‘મારા’ રંગમાં રંગાઈ જા.

 આપણો ‘અહમ’ જ અલગ ચોકો ઉભો કરવા પ્રેરે છે. જરા ઝીણી નજરે જુઓ તો કદાચ જુદું નજરે પડે તેમ છે. અહીં ‘અહમ’ કરતા ‘મમત્વ’ (having) વધારે કારણભુત થતું હશે. આ ‘મારું’ છે, તેમાં ફેરફાર કરવાનો ‘મને’ જ હક છે, આ વિચાર ‘અહમ’ ને જન્મ આપે અને છેલ્લે આપણું તારણ ‘અહમ’ નું નીકળે.

બીજો મુદ્દો, આપણાથી નવો ચોકો બની જાય છે ?

હા ! એવું પણ બને. જ્યારે મારા વિચારો, માન્યતાઓ, સિધ્ધાંતોથી મારું જીવન સરળતાથી જીવાતું હોય અને મને કોઈ પોતાના બંધનમાં બાંધવાનો પ્રયત્ન કરે ત્યારે હું મારો ચોકો આલગ બનાવી લઊં છું. એમાં ખોટું પણ શું ? પ્રત્યેક વ્યક્તિને પોતાની રીતે જીવવાનો અધિકાર છે. ફક્ત બીજાને નડવું નહી એટલું જ યાદ રાખવું ઘટે.

છેલ્લી વાત – ‘મજબુરી’માં આપણે કોઈ ચોકામાં જોડાઈ જઈએ છીએ.

આજે બલરાજ સહાનીની ફીલ્મ ‘ગર્મ હવા’ યાદ આવી ગઈ. ભારત-પાકીસ્તાનના ભાગલા વખતની વાર્તા આધારીત છે. ભારતમાં રહીને સુખેથી વ્યવસાય કરતો હીરો ભાગલા પછી મુસલમાન હોવાને કારણે જાત-જાતની મુશ્કેલીઓ અનુભવે છે. સરકારમાં શ્રધ્ધા છે, સરકાર સામે થતા આંદોલનમાં જોડાવા પણ તૈયાર નથી, અંતમાં પાકીસ્તાન જવાનું નક્કી કરે છે. પણ છેલ્લા દ્રશ્યમાં સામાન સાથે સ્ટેશન તરફની આખરી મુસાફરી વખતે સામેથી આવતું પોતાના જ વ્યવસાયીઓનું સરઘસ જોઈ ને ઘોડાગાડીમાંથી ઉતરી જોડાય જાય છે. મજબુરીથી નવા ‘ચોકા’ માં ભળી જાય છે. પ્રવાહમાં ભળી જાય છે. નદીના સામા પ્રવાહે તરવા કરતાં પ્રવાહ સાથે તરવું સરળ છે.

આપણું પણ આવું જ છે. મજબુરીથી ક્યાંક જોડાઈ જઈએ તો જીવન જીવવું સરળ બની જાય.

6 comments on “અલગ ચોકો – એક મજબુરી ?

 1. આપણો ‘અહમ’ જ અલગ ચોકો ઉભો કરવા પ્રેરે છે।

  તદ્દન સાચી વાત .અહમને જીતવો કઠીન હોય છે .ઘણા પ્રશ્નોની પાછળ અહમ પડેલો હોય છે .

  આપના મૌલિક વિચારોની તાજગી માણી .

  Like

  • jagdish48 says:

   “અહીં ‘અહમ’ કરતા ‘મમત્વ’ (having) વધારે કારણભુત થતું હશે. આ ‘મારું’ છે, તેમાં ફેરફાર કરવાનો ‘મને’ જ હક છે, આ વિચાર ‘અહમ’ ને જન્મ આપે “-
   આ વિચાર પર ચર્ચા જરુરી છે…..

   Like

 2. માણસ એક સામાજિક પ્રાણી છે.

  અને માટે જ એને જૂથ વગર ચાલ્યું નથી. પ્રાગૈતિહાસિક કાળથી ટોળીઓ, જાતિઓ, સમાજો, પરિવારો, ક્લબો, દેશો, ધર્મો, સમ્પ્રદાયો વિ.વિ. જાતજાતનાં અને ભાતભાતભાતનાં જૂથો રચાયાં છે; રચાતાં જ રહે છે . અને રચાતાં જ રહેશે.

  રેશનાલિસ્ટો આનો વિરોધ કરે છે; અને….

  એમનો પણ અલગ ચોકો. એક નવું જૂથ!

  Like

  • jagdish48 says:

   વિનોદભાઈના પ્રતિભાવના જવાબમાં જણાવ્યા મુજબ, ‘જુથ’ પણ ‘મમત્વ’ માંથી જ જન્મે ને !
   અહમનું મૂળ જો ‘મમત્વ’ હોય તો ‘અહમ’ દુર કરવા કરતાં ‘મમત્વ’ દુર કરવા પર ધ્યાન આપવું યોગ્ય ગણાય.

   Like

 3. વ્યક્તિ તરીકે આપણે એક વિશાળ પ્રજાતિના સભ્ય છીએ. આ પ્રજાતિના દરેક ઘટકના સહકાર વિના આપણે જીવી ન શકીએ. પ્રકૃતિએ જીનનો ફેલાવો કરવાની જવાબદારી વ્યક્તિગત ઘટકો પર નાખી છે.
  આમ, વ્યક્તિ તરીકે હું અલગ છું એ ખ્યાલ આપણી અંદર પ્રાકૃતિક રીતે આવે છે, પણ અહંને આપણે અન્યના સંદર્ભમાં ઓળખીએ છીએ. નાનું બાળક બોલવા લાગે ત્યારે તમે એને જે નામથી બોલાવશો તે જ નામનો ઉપયોગ કરીને એ કહેશે કે “હવે કકુ ફરવા જાય છે. હવે કકુ સૂવા જાય છે”.
  આમ અહંની એની ઓળખ પ્રાકૃતિક કરતાં વધારે નથી. પછી અનુભવે પોતાને કોણ સહાય કરે છે, કોણ બચાવે છે, કોણ ખવડાવે છે એ ખ્યાલ તરત વિકસે છે. મારું છે એવો ખ્યાલ ધીમે ધીમે સ્થાયી બને છે. પરંતુ એને દૂધની જરૂર હોય ત્યારે મા યાદ આવે, પણ ખરેખર મા નહીં એને સ્તનપાન કરાવનારી જોઈએ છે. બાળક શુદ્ધ સ્વાર્થથી પ્રેરાઈને વર્તે છે!એ જેની નજીક હોય તેનો ‘ચોકો’ તો એમ જ બની જાય છે! તે પછી એને ભાષામાં પોતાના માટે ‘હું’ વાપરવાની ટ્રેનિંગ મળે છે.

  અહં વિના મમત્વ શક્ય નથી અને અહં તો આપણી અસ્મિતા છે. એનો અંત આણવાના પ્રયત્નો નિષ્ફળ જ રહે. એ જ કારણસર મમત્વનો અંત આણવાના પ્રયત્નોમાં પણ સફળતા ન મળે. આ દિશામાં મહેનત કરવાની જ જરૂર નથી.. અહંનો વિસ્તાર એ જ એના અંતનો રસ્તો છે.

  મારા વિચારો તમને પસંદ આવશે, અથવા પસંદ નહીં આવે.. એ પસંદ આવવા કે નહીં તેનો તમારા માટે વિકલ્પ ખુલ્લો છે, પરંતુ મને પસંદ છે. કારણ? કારણ એ કે એ ‘મારા’ વિચાર છે! આવ્યું ને મારું પૂર્ણ વિરામ?

  ‘મારા’ કહ્યા પછી મારા માટે ‘પસંદ આવવા’ સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો પણ નથી!

  Like

  • jagdish48 says:

   દિપકભાઈ,
   નાના બાળકને હિંચકાવવાની જવાબદારી મળી નથી લાગતી ?
   ઘોડીયામાં હિંચોળતા લાગતું પ્રેસર પણ બાળક જાણી શકે છે અને મા ઘોડીયાથી દુર જાય અને દોરી બીજાના હાથમાં જાય અને બાળક રડવા માંડે છે, આ મારો જાત અનુભવ છે અને બીજા મિત્રોનો પણ હશે જ. આથી બાળકને ‘મા’ નહી પણ સ્તનપાન કરાવનારી જોઈએ છે એ સાથે સંમત નહી થઈ શકાય. કદાચ બાળક જ શુધ્ધ પ્રેમથી પ્રેરાઈને વર્તે છે. મોટા થતાં અન્યનું જોઈને પોતાનું ‘પઝેસીવનેશ’ વધારે છે, કદાચ શીખે છે, અને સંબંધોમાં ગણત્રીઓ શીખે છે.
   અને કદાચ ‘મારા’ કહ્યા પછી પણ તેનું મુલ્યાંકન એ ‘મમત્વ’ના અંતનું પ્રથમ પગથીયું છે.
   સરકારી ભાષામાં – ‘ફેર વિચારણા અર્થે સાદર રજુ’…. 🙂

   Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s