સંબંધમાં અભિવ્યક્તિની સુક્ષ્મતા –

સંબંધમાં અભિવ્યક્તિની સુક્ષ્મતા –

તારીખ ૩ ની પોસ્ટની હીમશીલા મિત્રોને ભારી પડી હોય તેમ લાગે છે. પ્રતિભાવો તેમાં દબાય ગયેલા લાગે છે. કન્સેપ્ટ નવો છે, પચવામાં ભારે હશે, પણ ખુબ કામનો છે. જો સમજી શકાય તો સંબંધો આવતી કડવાશ, રુકાવટ, અવગણના વગેરે બાબતો સમજી શકાશે.

ઘણી વખત આપણે બે વ્યક્તિ વચ્ચેની સુક્ષ્મ વર્તણુકના વહેવારોને જોઈ શકતા નથી અથવા ધ્યાન આપતા નથી એથી ઘણું ગુમાવીએ છીએ. સંબંધમાં રહેલા તાણાવાણાની મજબુતાઈ ગુમાવીએ છીએ, અંતે ‘સંબંધમાં મજા નથી’ એવું માની લઈ સંબંધ ગુમાવીએ છીએ.

સાદુ ઉદાહરણ સમજીએ.

father-daughter holding hands

આજે મોર્નીંગવોક પર ગયો ત્યારે વર્ષો પહેલાનો એક પ્રસંગ યાદ આવી ગયો. દસેક વર્ષ પહેલાં ગાંધીનગરમાં મોર્નીંગ વોકમાં મારી નાની દીકરી સાથે હતી. વાતો કરતા કરતા અમે રોડની સાઈડમાં ચાલતા હતા. થોડી વારે બાજુમાંથી એક બસ પસાર થઈ. હું રોડ સાઈડ હતો, પુત્રી ફુટપાથ તરફ હતી. તેણે ચાલતા ચલાતા સાઈડ બદલી, હવે તે રોડ સાઈડ આવી ગઈ. ચાલતા ચાલતા ફરી વાતોમાં ખોવાય ગયા. ક્યારે સાઈડ બદલાઈ ગઈ તેનું અમને ધ્યાન ન રહ્યું. અચાનક તેણે ફરી સાઈડ બદલી. આ ચેન્જ મારા ધ્યાનમાં આવ્યો, મેં તુરંત પુછ્યું , ‘કેમ ?’

‘કંઈ નહીં’ કહી તેણે વાત ટાળી, મારી સમજણમાં તો આવી ગયુ હતું,

છતાંપણ મેં જાણવા આગ્રહ રાખ્યો ત્યારે કહ્યું –

‘આ સાઈડમાંથી વાહનો પસાર થાય છે ને એટલે.’

બસ ! હું મુંગો થઈ ગયો. મન, પુત્રીના પ્રેમને સમજવામાં ખોવાય ગયું. પિતાને પ્રોટેકશન મળે એવી માનસિક ગણત્રીએ તેણે સાઈડ બદલી. આ તેના પિતૃપ્રેમની સુક્ષ્મ અભિવ્યક્તિ ગણાય. મારા મનમાં આની નોંધ થવી જ જોઈએ, જે પિતા-પુત્રીના પ્રેમના તાણાવાણાને મજબુત કરે.

અન્ય સાથે થતા વહેવારોની આપણી કે સામેવાળાની વર્તણુંકનું સુક્ષ્મ અવલોકન થાય ત્યારે સંબંધોની આવી સુક્ષ્મતા ઉજાગર થાય છે.

તમેય એકાદ દિવસ આવા સુક્ષ્મ વહેવારોની નોંધ કરવાનું નક્કી કરો. કદાચ સંબંધના અવ્યક્ત પાસાઓ ઉજાગર થશે.

(ફોટો – http://www.tracyscamp.com/AboutUs/FatherDaughter/tabid/99/Default.aspx – સાભાર)

સંબંધનો ‘આઈસબર્ગ’ –

‘ફર્યો ચરે અને બાંધ્યો ભુખે મરે’

આવું જ મારી સાથે થયું. મગજની ‘ટ્રાન્સ’ અવસ્થાને સમજવા ઈન્ટરનેટમાં રજળપાટ કરતો હતો. એમાં એક વ્યાખ્યા મળી જેમાં ‘આઈસબર્ગ’નો ઉલ્લેખ થયો હતો. તેમાંથી આઈસબર્ગની ઇમેજ સર્ચમાંથી એક સરસ વેબસાઈટ પર જતો રહ્યો. એમાં મેનેજમેન્ટ અને વર્કર વચ્ચેના સંબંધ પરની ચર્ચા હતી. મને લાગ્યું કે આ તો આપણા રોજબરોજના સંબંધોને સમજવામાં ખુબ ઉપયોગી થાય તેમ છે. મારી સમજણની ઝલક વાંચી તમે પણ કંઈક કહી નાખજો.

તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા અન્ય સાથે દેખાતા સંબંધ કરતાં ‘ન દેખાતા’ સંબંધ વધારે હોય છે. એકદમ ‘આઈસબર્ગ’ની જેમ. દરિયામાં બરફની શીલાના ટોચકા કરતા લગભગ દસ ગણી શીલા પાણીમાં રહેલી હોય છે. (એટલે જ ‘શીલા’ને કોઈ સમજી શકતું નથી ! 😉 ) ભલાભલા તેની ખરેખરી સાઈઝનો અંદાજ બાંધી શકતા નથી. ટાઈટેનીક જેવી સ્ટીમર બિચારી પાણીમાં ડુબી ગઈ, તો આપણું શું ગજુ ?

iceberg model

આપણે પણ સંબંધના ઢંકાયેલા ભાગને જોઈ શકતા નથી અને એના કારણે સંબંધોમાં કડવાશ ભરી બેસીએ છીએ. વધુ સમજવા એક ઉદાહરણ જ લઈએ –

પિતાપુત્રનો સંબંધમાં દેખીતો ભાગ – સમાજના શિખવાડેલા મુદ્દાઓ મુજબ. પિતાએ પુત્રને નાનપણથી મોટો કરી ‘ઠેકાણે’ (નોકરી તેમજ લગ્ન સંબંધી પણ..) પાડવો જોઈએ. પુત્રએ પિતાના ઘડપણનો ટેકો બનવું જોઈએ. પિતાની પુત્ર માટેની લાગણીઓ, માન/અપમાન, અપેક્ષાઓ, જવાબદારીઓ, જરુરીયાતોના કેટલાક મુદ્દાઓ દેખીતા એટલે કે સમાજ દ્વારા નિયત કરેલા છે તે સૌ જાણે છે. એ જ રીતે પુત્રની પિતા માટેની લાગણીઓ, માન/અપમાન, અપેક્ષાઓ, જવાબદારીઓ, જરુરીયાતોના કેટલાક મુદ્દાઓ દેખીતા એટલે કે સમાજ દ્વારા નિયત કરેલા છે તે સૌ જાણે છે.

પણ આપણે બાળકમાંથી મોટા થતાં થતાં જે કંઈ શીખીએ છીએ તેમાંથી કેટલીક બાબતો/ વિચારો, પોતાની રીતે ઘડીએ છીએ અને મગજમાં સંઘરીએ છીએ. આ વિચારો કદાચ સમાજમાં પ્રવર્તતા વિચારોથી વધારાના પણ હોય શકે, અલગ પણ હોય શકે, પણ આપણા ખુદના બનાવેલા છે એથી એ પ્રમાણે આપણું વર્તન તો થવાનું જ, ભલે તે સમાજ દ્વારા અપેક્ષિત ન પણ હોય. આ બધા જીણા જીણા વિચારો એટલા બધા છે કે તે આઈસબર્ગનો પાણીમાંનો હિસ્સો બનાવે છે, જે લગભગ દેખીતા હિસ્સા કરતા દસગણો મોટો છે.

સામાન્ય દાખલો ‘અપેક્ષાઓ’ નો જ લઈએ.

આગળ જોયું તેમ પુત્રની પિતા પાસેથી અપેક્ષા એટલી છે તે નાનપણથી તેને મોટો કરી પગભર બનાવે, જે સમાજ દ્વારા નિયત કરેલી છે. પરંતુ નાનપણથી ‘હેલીકોપ્ટરીંગ પેરેન્ટીંગ’થી (નાનપણથી માબાપ દ્વારા સતત રક્ષાભર્યા માહોલમાં) બાળક મોટું થયું હોય, તો તેઓ મોટા થાય પછી પણ માબાપનો સહારો શોધતા હોય છે. બીજી તરફ પિતા પોતાની જવાબદારી પુરી થઈ ગઈ એમ માની પુત્ર મોટો થયા પછી પોતાના જીવનમાં મસ્ત બની જાય. આઈસબર્ગના પાણીની અંદરના ભાગમાં પિતાના પક્ષે કોઈ જવાબદારી કે અપેક્ષા રહેતી નથી.

icebergBW

આમ, જોઈએ  દેખીતી રીતે તો પુત્રની અપેક્ષા પુર્ણ થઈ ગઈ છે (આઈસબર્ગની ટોચનો ભાગ), પણ તેના મનમાં હજુ પણ માબાપની રક્ષાની અપેક્ષા રહેલી જ છે (આઈસબર્ગનો પાણીની અંદર રહેલો ભાગ). તે સતત પિતાનો ટેકો ઇચ્છે છે. હવે આ અપેક્ષાઓ સંતોષાય નહી આથી તેના મનમાં સતત, ‘પિતા મારું ધ્યાન રાખતા નથી’ એવી કડવાશ ઘુંટાતી રહે છે.

આવું તો ઘણી બાબતોમાં બને છે. આપણી જાણ બહાર, અજાગૃત મનમાં અપેક્ષાઓ, ઇચ્છાઓ અધુરી રહેતી હોય છે એની સીધી અસર સંબંધ પર પડતી હોય છે.

આ આઈસબર્ગને, સુર્ય પૃથ્વીની સતત નિગરાની કરતો રહે તેમ સતત નિગરાનીમાં રાખી, તપારો આપી પીગળાવીએ તો સંબંધોમાં પાણીની પારદર્શકતા આવે.

બાકીના સુધારાવધારા તમારા માટે ……

મેં જે સંદર્ભ જોયેલો તે પણ વાંચવા જેવો છે તેમાં ‘psychological contracting’ ની વાત છે. એ પણ રસદાયક છે. ફરી ક્યારેક તેને સમજવાનો પ્રયત્ન કરશું.

સંદર્ભ – http://www.businessball.com

ખોડંગાતા સંબંધો – ૨

અગાઊના લેખમાં મિસકન્સેપ્શનની વાત કરી પણ મુળ કારણો શોધવાના બાકી રહ્યા. મિત્રોએ ઘણા સુચક પ્રતિભાવો પણ આપ્યા.

મને લાગે છે કે આ વાત છેક બાળપણથી શરુ થાય છે. નાનું બાળક ઉમરના વિકાસની સાથે સાથે મનનો પણ સાચી ખોટી વાતો અને સમજણ સાથે વિકાસ કરે છે. (સ્કુલની સમજણ તો જુદી છે) કુટુંબીજનોના વ્યવહારો જોતાં જોતાં પોતાની સમજણ સાથે જે જુએ છે તેને સ્વીકૃતિ આપે છે. ‘આમ જ થાય’ એવી ‘માન્યતા’ઓ મનમાં દ્રઢ કરે છે. આ ‘સમજણ’, ‘ગેરસમજણ’ પણ હોય ને માન્યતા ‘ગેરમાન્યતા’ પણ હોય. જીદગી દોડમાં વ્યસ્ત હોવાને કારણે માબાપ બાળકોને સાચી સમજણ કે સાચી માન્યતા શીખવવા સમય કાઢી શકતા નથી અને વડીલો ક્યાં તો ગેરહાજર (જુની નવી પેઢીના કોન્ફ્લીક્ટમાં) હોય છે અથવા તો પોતાના વિચારોમાં બાંધછોડ કરી શકતા નથી અને નવા જમાનાને અનુરુપ નવી સમજ કે માન્યતા બાળકોને શીખવી શકતા નથી. બાળકો મોટા થયા પછી જે નાનપણમાં શીખ્યા તે કેરી ફોરવર્ડ થાય છે. યુવા મિત્રોની, આજના યુગને અનુરુપ, બાળકેળવણીની જવાબદારી છે. એવું ન કહેતા કે આ ડોહાઓને ‘સલાહો’ આપવા સિવાય કોઈ ધંધો નથી)

Feel the fragrance of friendship

Feel the fragrance of friendship

આ ગેરમાન્યતાઓ અને ગેરસમજણ સંબંધોમાં અપેક્ષાઓને જન્મ આપે છે. સાસુ માને છે કે વહુએ સાડી પહેરવી, એથી ‘અપેક્ષા’ હોય કે ‘વહુ સાડી પહેરે’. હવે જો વહુ ‘સાડી’ ન પહેરે તો સાસુનો ‘અહમ’ ઘવાય અને વિખવાદ શરુ થાય અને બેઉ પક્ષો સબળા હોય તો બંને વચ્ચે સંબંધ રહે, પણ ‘ખોડંગાતો’ સંબંધ. આ તો સમજવા પુરતું ઉદાહરણ છે, બાકી સૌએ પોતપોતાની ‘ટોપી’ પહેરી લેવી. 🙂 )

આમ ગેરમાન્યતા અને ગેરસમજણમાંથી – અપેક્ષા,

અપેક્ષામાંથી અહમ અને

અહમમાંથી ખોડંગાતો સંબંધ.

જોકે આટલું પુરતું નથી. બીજા પણ કેટલાક પરિબળો એમાં ભાગ ભજવે છે. (જો કે એ બધાના મુળ તો ઉપરની વાતમાં આવી જ જાય છે.)

સંબંધોનું Labeling – આપણે આપણા મનમાં દરેક સંબંધને ઓળખવા માટે ‘ચિત્રો’ દોરી રાખ્યા છે. હું તમને કહું કે મનજીભાઈ ‘વકીલ’ છે. તમારું મન, મનજીભાઈને જોયા વગર જ એક ચિત્ર રજુ કરે – કાળો કોટ, વાતોડીયો, દલીલબાજ, ખોટું બોલવામાં ક્ષોભ ન રાખે વગેરે વગેરે. પિતાનો ‘પુત્ર’ સાથેનો સંબંધ. પુત્રનું લેબલ લાગે એટલે પિતાના મનમાં ‘પુત્ર’ તરીકેનું ચિત્ર દોરાય જાય (જે તેણે બાળપણમાં કુટુંબજનોની મદદથી મનમાં દોરેલું હોય). તેણે આમ જ કરવું ,આમ જ રહેવું… વગેરે આવી જાય. સમજુ બાપ હોય તો પુત્રના મનમાં રહેલા જુના ચિત્રમાં નવા રંગ પુરે નહીંતર બ્લેક એન્ડ વાઈટ  ચાલુ રહે, અને સાથે માથાકુટ પણ…..

જો સીક્સર જેવી કોમેન્ટ આવી – ‘સંબંધ હોય એટલે લેબલ હોય જ, બધે કંઈ થોડું ‘પ્યારકો પ્યાર હી રહને દો…’ હોય.”

Yes. પણ ભારતની પેટ્રોલ કમ્પનીઓ છાસવારે પેટ્રોલના કેમ અપડેટ કરે છે અને પ્રોફીટ મૅળવે છે ? તમે પણ ‘લેબલો’ને  અપડેટ કરીને સંબંધનો ફાયદો મેળાવોને !

બીજું સંબંધોમાં Negligence – સંબંધોમાં ઢીલા થવામાં બીજુ કારણ આ અવગણના પણ હોય શકે. તમે ભાવભીનો સંબંધ રાખ્યો હોય પણ સામે પક્ષે તેની અવગણના થતી રહે તો તમે ક્યાં સુધી સંબંધમાં જીવંતતા (liveness) રાખી શકો, પછી તમે પણ ઢીલાશ મુકી દો.

ત્રીજો મુદ્દો સ્વાર્થનો હોય શકે. ઘણા લોકોના સંબંધમાં સ્વાર્થનું તત્વ વધારે હોય. જો બેઉ પક્ષે સરખું જ સ્વાર્થનું તત્વ હોય તો વાંધો ન આવે. (કારણ કે આવા સંબંધો વ્યાપારી સંબંધ જેવા જ હોય) પણ એક પક્ષે ‘સ્વાર્થ’ દેખાય તો સામાપક્ષ તરફથી સંબંધ કહેવા પુરતો રહી જાય.

જતુ નહી કરવાની વૃત્તિ, પોતાની સરસાઈ સ્થાપિત કરવાની વૃત્તિ, સ્ટેટસ વગેરે ‘અહમ’ના અંતર્ગત મુદ્દાઓ પણ સંબંધોને લંગડા બનાવી દે છે.

આ તો ખોડંગાતા સંબંધોના મુળમાં, મારી નજરમાં આવેલા મુદ્દાઓ લખ્યા, વણજોયા તમારા તરફથી……

મૈત્રીની વ્યાખ્યા તમે પણ અહીં માણી લો.

Picture –  with thanks from –

http://lyricssentimentsandme.wordpress.com/2013/03/15/friends/

“FRIENDSHIP is the highest form of LOVE on earth.”

Enjoy friendship (as we are … 🙂 )

સંબંધોમાં સ્પામ ફીલ્ટર –

ઇન્ટરનેટથી સુપરિચિત મિત્રોને સ્પામ ફિલ્ટર માટે વધુ જણાવવાની જરુર ન હોય. દરેકના મેઈલબોક્ષમાં સ્પામ ફોલ્ડર હોય જ, મેઈલ સર્વીસ સીસ્ટમને જો કોઈ મેઈલ વાંધાજનક લાગે તો સીધો જ સ્પામ ફોલ્ડરમાં ડાયવર્ટ કરી દે છે. કેટલાક જરુરી અને અગત્યના મેઈલ પણ સ્પામ ફોલ્ડરમાં જતા રહે છે. આપણા મનની સિક્યોરીટી સિસ્ટમ પણ કેટલાક સંબંધોને સ્પામ જાહેર કરી દે છે, જે કદાચ સારા પણ હોય. આપણે જો આ મનની સિક્યોરીટી સિસ્ટમની જાણકારી મેળવીએ તો કદાચ સંબંધોની સારપ માણી શકીએ.

સંબંધોની માયાજાળને સમજવામાં ઇન્ટરનેટની માયાજાળની સમજણ ઉપયોગી નીવડે તેમ છે.

આધુનિક વિજ્ઞાનની, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની દેન ગજબની છે. કોમ્પ્યુટર ઓન કરી ઇન્ટરનેટ જોડો એટલે જગતના કેટલાય કોમ્પ્યુટર સાથે જોડાઈ જાઓ. જગતના અસંખ્ય જાણ્યા-અજાણ્યા, ઇન્ટરનેટથી જોડાયેલા, વ્યક્તિઓ સાથે સંબંધ બંધાય જાય. આ સંબંધ પણ કેવો ? ઇન્ટરનેટ ઓન – સંબંધ બંધાય અને સ્વિચ ઓફ થાય અને સંબંધનો પણ અંત.

ગઈકાલની પોસ્ટમાં જોયેલા અપેક્ષાઓના સંબંધનું પણ આવું જ ! અપેક્ષાઓ જાગી – સંબંધની સ્વીચ ઓન, અપેક્ષાઓની સંતુષ્ટિ – સંબંધ પુરો. (જેમ કે આપણા વ્યવસાયિક સંબંધો)

પ્રેમસંબંધમાં પરિવર્તિત થઈ શકે એવા સંબંધોનું અકાળ અવસાન થઈ જાય છે. ઇન્ટરનેટ જોડાણ બંધ થતા અસ્ત થતો સંબંધ આપણા દિલ દિમાગને તકલીફ આપતો નથી, પણ જીવનના તુટતા સંબંધો તકલીફ કરાવે છે.

શા માટે ?

network copy

અ બાબત સમજવા માટે ઇન્ટરનેટનું માળખું ઉપયોગી થાય તેમ છે. તમે જ્યારે ઇન્ટરનેટનું જોડાણ કરો ત્યારે તમારું કોમ્પ્યુટર એક સર્વર સાથે જોડાય, આ સર્વર બીજા કેટલાક સર્વરો સાથે જોડાયેલું હોય અને બીજા સર્વરો અન્ય કોમ્પ્યુટરો સાથે જોડાયેલા હોય આમ તમારુ કોમ્પ્યુટર બીજા અસંખ્ય કોમ્પ્ય્ટરો સાથે જોડાય જાય. ધારો કે A-B-C-D-E જોડાયેલા છે. હવે A – D, C સાથે પણ સ્વતંત્ર રીતે જોડાયું હોય અને એજ રીતે D અને B, E અને B પણ જોડાયેલ હોય. અહી A અને D સંબંધ છે તો વળી D સ્વતંત્ર રીતે B સાથે પણ સંબંધ ધરાવે છે. ઘરમાં દાદા પુત્ર સાથે સંબંધમાં છે, તો વળી દાદા પૌત્ર સાથે પણ સીધા સંબંધમાં છે. આમ દાદા પુત્ર, પુત્રવધુ, પૌત્ર કે પૌત્રી બધા એકબીજા કોઈ લીન્ક દ્વારા પણ જોડાયેલ છે તેમજ સીધા સંબંધો પણ ધરાવે છે. જાણે ભગવાને બનાવેલા ‘માનવ’ કોમ્પ્યુટરો એકબીજા સાથે ‘સંબંધો’ના ઇન્ટરનેટથી જોડાયેલા છે.

આ તો સંબંધોને સમજવા ઇન્ટરનેટની આડવાત થઈ ગઈ પણ એમાં અંદર ઉતરીએ તો સંબંધોનું રહસ્ય પણ હાથમાં આવે તેમ છે. ઇન્ટરનેટ પર જોડાયેલા અસંખ્ય કોમ્પ્યુટરમાંથી પોતે, ઓફલાઈન થનારને અન્ય કોમ્પ્યુટરો સાથે સંબંધ તુટ્યાનું દુઃખ નથી. ફેસબુક પરથી ઓફ થનારને મિત્રોથી જુદા થયાનું દુઃખ નથી. (લગ્ન સુધી પહોંચનારા પંખીઓની વાત નથી થતી J ) ફેસબુક પર આપણી ફ્રેન્ડશીપ કોઈ નકારે કે આપણે કોઈને બ્લોક કરી દઈએ તો કોઈ તકલીફ થતી નથી.

તમે આવું કેમ, એ ક્યારેય વિચાર્યું ?

કારણ કે તમે એનું ‘અલગ’ (સ્વતંત્ર) અસ્તિત્વ સ્વીકાર્યું છે.

કોઈપણ વ્યક્તિ ફેઈસબુકના પોતાના પેઈજ પર જે લખવું હોય તે લખે, બ્લોગ પર જે લખવું હોય તે લખે આપણને કોઈ વાંધો નથી (કોઈવાર મનમાં ઉકળી જઈએ (આપણી નાદાનીથી) પણ સંબંધો તુટવાથી થતી તકલીફ જેવી તકલીફ થતી નથી). મુળ વાત સામેવાળાની ‘સ્વતંત્રતા’ સ્વીકારવાની છે. ફેસબુકનો ફ્રેન્ડ કે બ્લોગર મારાથી ‘અલગ’ છે ‘સ્વતંત્ર’ છે માટે કપાતો સંબંધ આપણને તકલીફ પહોંચાડતો નથી. પણ આ જ વાત આપણે જીવનમાં બંધાતા સંબંધો માટે સ્વીકારતા નથી. સામેવાળીને વ્યક્તિને પણ પોતાના વિચારો/વર્તન હોય શકે, એટલી વાત જો આપણે સ્વીકારી લઈએ તો સંબંધોમાં બાંધછોડ શક્ય બને.

આ ‘અલગતાનો અસ્વીકાર’ એ સંબંધો માટેનું આપણા મનમાં રહેલું સ્પામ ફીલ્ટર છે. આ ફીલ્ટર સારા સંબંધોમાં પણ જો આપણી ધારણા મુજબના વિચાર કે વર્તન થતા ન જુએ તો તેને સ્પામ ફોલ્ડરમાં ડાયવર્ટ કરી દે છે.

સંબંધોને સ્પામ જાહેર કરતું બીજું ફીલ્ટર છે ‘માન્યતા’. આ માન્યતાઓ એટલે જ્યારે આપણે મોટા થતાં હોઈએ (આપણું સામાજીકરણ થતું હોય) ત્યારે મળતા વિવિધ સંદેશાઓ દ્વારા મળે છે. નાનપણથી આપણે જોતા આવીએ છીએ કે વડીલો જેમ કહે તેમ કરવું, આજ્ઞાંકિત રહેવું, વડીલોની ઇચ્છા મુજબ વર્તન કરવું. બાળકો વડીલોના વચન અને વર્તનનો ભેદ નોંધી લેતા હોય છે પણ આજ્ઞાંકિત રહેવાની માન્યતાની ગોળી પીધી હોવાથી મોટા થતાં પોતાના બાળકોને પણ પિતા બાળકને ‘વિવેક’ની ગોળી પાવાને બદલે ‘આજ્ઞાંકિત’ની જ ગોળી પાય છે. જો ગોળી પીવાનો ઇન્કાર કરે તો સંબંધમાં તિરાડ. સ્ત્રીઓ અલ્પ બુધ્ધિની હોય, લગ્નસંબંધો જ્ઞાતિમાં જ હોવા જોઈએ, જ્ઞાતિ/સમાજની મર્યાદાઓ ઓળંગી ન શકાય, આવી અનેક માન્યતાઓ આપણા મનમાં ભરી પડી છે. જે સારા સંબંધો બાંધવા કે ટકાવવામાં અવરોધ ઉભા કરે છે. લગ્નસંબંધની જ્ઞાતિબહારની સારામાં સારી ઓફર આવી માન્યતાઓના કારણે સ્પામમાં ડાયવર્ટ થઈ જાય છે.

આવું જ એક ફિલ્ટર ‘પૂર્વગ્રહો’નું છે. છગનભાઈએ પોતાની સમજણ પ્રમાણે માહિતી આપી ‘મગનભાઈથી ચેતજો’ પછી મગનભાઈ આપણા ભલાની વાત કરે તો પણ મગજમાં ફ્લેશ થાય ‘ ચેતજો, એમાં એનો કોઈ સ્વાર્થ હશે’. આમ અપણે સંબંધને સંકોરી લઈએ છીએ. મેં એવા પણ તુટેલા સંબંધો જોયા છે કે જ્યાં મિત્રની નામ-રાશી પોતાની રાશી સાથે મેચીંગ નથી (રાશીનો પુર્વગ્રહ).

મારા ધ્યાનમાં એક વધુ ફીલ્ટર ‘કુટેવ’નું છે. મારા એક મિત્રને વાતવાતમાં સામેવાળાને ઉતારી પાડવાની, પોતાની મોટાઈ દેખાડવાની (કુ)ટેવ છે. આમ એમનું દિલ સાફ છે. જેને ઉતારી પાડ્યો હોય તે જો કોઈ મુશ્કેલીમાં આવે તો કંઈપણ વિચાર્યા વગર દોડી જાય, છતાં પણ સામેવાળો તો સંબંધ સંયમિત રાખે.

મહદ અંશે સંબંધો ‘સ્પામ’ નથી હોતા. આપણે ફક્ત આપણા મનમાં ‘સ્વશ્રધ્ધા’નું એન્ટીવાયરસ લોડ કરવાનું છે. તમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકશો એવી શ્રધ્ધાનું મનમાં આરોપણ કરી દો, સંબંધો સુધરી જશે. અન્યના અલગ અસ્તિત્વનો સ્વીકાર કરશો ત્યાં જ અડધી બાજી જીતી જશો. બાકીના ફિલ્ટરો દુર કરવા તો સામાન્ય બાબત છે. પ્રયત્ન કરી જુઓને !

સંબંધોમાં સમજણની ઉલઝન –

‘કેમ છો ?’

‘બસ ચાલે છે.’

ઠંડો શુષ્ક પ્રતિભાવ, પછીનો સંવાદ પણ પ્રેટ્રોલ વગરની ગાડીને ધક્કા મારતા મારતા ચલાવતા હોય તેમ નિરસતાપૂર્વક આગળ વધે. આવા પ્રતિભાવના શારીરિક, માનસિક કે અન્ય ઘણા કારણો હોય શકે. એમાનું એક કારાણ પ્રશ્ન પુછનાર સાથેનો આપણો સંબંધ પણ હોય શકે. ઉષ્માભર્યા અને નિરસ સંબંધોની જાણકારી સ્પષ્ટ કરી તેની વચ્ચે આછીપાતળી ભેદરેખા દોરી લીધી હોય તો સંબંધોના કારણે આપણા વ્યવહારો પર પડતી અસરથી મુક્ત રહી શકીએ. જો કે આપણી જરુરીયાતો/અપેક્ષાઓ આધારિત અને અપેક્ષારહીત પ્રેમ સંબંધ વચ્ચે સ્પષ્ટ ભેદ પાડવો શક્ય નથી. અપેક્ષાઓના સંબંધમાં આવતી પ્રેમસંબંધની ક્ષણો અને પ્રેમસંબંધમાં આવતી અપેક્ષાઓની ક્ષણોના તાણાવાણામાં (warp and weft) આપણું મન ગુંચવાતુ રહે છે.

આ સંબંધના તાણાવાણાને આપણે આ રીતે સમજીએ –

warp_weft

કાપડ (જીવન) બનાવવાની (જીવવાની) શાળ પર જે તાણા લાગેલા છે તેમાં શુષ્ક અને સફેદ ધાગા (અપેક્ષા) અને રંગીન અને રેશમી ધાગા (પ્રેમ) મિશ્રિત હોય છે, જ્યારે સંબંધનો વાણો આ બધા ધાગામાંથી પસાર થઈને કાપડ (જીવન) બનાવે છે. સંબંધમાં કયા ધાગા તમે વાપરો છો એ સ્પષ્ટ સમજી લો તો અપેક્ષાના સંબંધ અને પ્રેમ સંબંધને સમજવાની ગુંચવણ નહી રહે.

કુદરતે તમને કપાસ આપી દીધો છે કાપડ કેવું વણવું એ તમારા પર છે.

શુધ્ધ અપેક્ષાઓના સંબંધો તો આપણા વ્યવસાયિક સંબંધો છે. (જો કે આપણે તેમાં પ્રેમસંબંધની ભેળસેળ કરવાનો પ્રયત્ન કરી દુઃખી થઈએ છીએ. ‘આંખની શરમ પણ ન રાખી’ એવી ફરીયાદો કરતા રહીએ છીએ.) શુધ્ધ પ્રેમ સંબંધ, સામાન્ય માનવી માટે શક્ય નથી – જવલ્લે જ જોવા મળે. આપણે તો જીવન, અપેક્ષા અને પ્રેમના અંતિમ છેડાઓની વચ્ચે રહીને જ પસાર કરવાનું છે. પ્રેક્ટીકલ બનવું પડશે. જો મનને સંબંધોની સમજણ માટે ગુંચવણમાં રાખશું તો તેની સીધી અસર આપણા વ્યવહારો પર પડશે. આમ દુષ્ચક્ર ચાલતુ રહેશે.

સંબંધોમાં થતા વ્યવહારોમાં અપેક્ષિત પરિણામો ન આવે ત્યારે મને જ્યારે દિલમાં દુઃખે ત્યારે હું નાનપણમાં સાંભળેલી એક વાર્તાનો સહારો લઈને મન શાંત કરું છું. કદાચ તમને પણ એ ઉપયોગી થાય. વાર્તા કંઈક આમ છે –

એક નાનાસુના રજવાડાના ગામધણીએ દશેરાની શોભાયાત્રામાં પહેરવા માટે વિશિષ્ટ રંગનો સાફો રંગવા ગામના રંગારાને હુકમ કર્યો અને સાથે સાથે તાકીદ પણ કરી જો જે ભુલ ન થાય, ગામમાં બીજા કોઈને ન હોય એવો સાફો રંગવાનો છે. રંગારાએ તો બીજા દિવસે અનોખા રંગનો સાફો દરબારની સામે હાજર કર્યો. દરબાર તો દશેરાની શોભાયાત્રામાં વાજતે ગાજતે ઘોડેસવાર થયા. ગામની પ્રજા પર ગર્વભરી નજર ફેરવતા ફેરવતા, લોકોની ‘ઘણી ખમ્મા બાપુને’ ને સ્વીકારતા જઈ રહ્યા હતા. એક શેરીના છેડે બાપુની નજર થંભી ગઈ. એક યુવાનના માથા પર પોતે પહેરેલા સાફાના રંગનો પણ કંઈક અલગ જ પ્રકારની ચમક ધરાવતો સાફો જોયો. બાપુએ તુરત જ પેલા રંગારા અને યુવકને જેલમાં નાખવાનો અને બીજા દિવસે દરબારમાં હાજર કરવા હુકમ કર્યો.

પોતાનાથી વધારે સારો સાફો બીજા માટે રંગનાર રંગારા અને એ સાફો પહેરનાર યુવક – બંનેને પોતાના હુકમનો અનાદર કરવા માટે આકરી સજા કરવાનો બાપુએ નિર્ણય લીધો. રંગારાએ બાપુને અરજ કરી – ‘બાપુ, મારી દિકરી મારા કરતા વધારે સારુ રંગકામ કરે છે, આથી આપનો સાફો એણે જ રંગ્યો છે. આપ એને બોલાવો તો સાચી વાત જાણવા મળશે.’

રંગારાની દિકરીને દરબારમાં હાજર કરવામાં આવી. એકજ રંગના બે સરખા સાફામાંથી પેલા યુવાનનો સાફો વધારે ચમકીલો લાગે છે તેની ચોખવટ કરવા બાપુએ ફરમાન કર્યું. રંગારાની દિકરીએ નિડર થઈને જવાબ આપ્યો – ‘ બાપુ આપનો સાફો રંગતી વખતે મને તેમાંથી મળનારી મજુરી – સરપાવનો વિચાર આવતો હતો, પણ આ યુવકને હું પ્રેમ કરું છું, તેનો સાફો રંગવામાં રંગ સાથે મારા પ્રેમનો રંગ પણ ભળેલો છે. એ મારા મનનો માણીગર છે એટલે જ એનો સાફો વધારે ચમકીલો છે.’

બાપુએ પણ પ્રેમની કદર કરી અને બધાને છોડી મુક્યા. કેટલાક મિત્રો એવી દલીલ પણ કરશે જ કે “યુવતિને પણ યુવાનનો પ્રેમ મેળવવા ‘અપેક્ષા’ હતી એથી એણે સારુ કામ કર્યું.” પણ મિત્રો ! અપેક્ષાના માપદંડ હોય છે, તેને પરિણામોમાં માપી શકાય છે, પણ પ્રેમના માપદંડ કયા ? પ્રેમને કઈ રીતે માપીશું ? મારા મતે તો તે એક અનુભુતિ છે જે શબ્દોથી કે અન્ય કોઈ પણ રીતે કદી પૂર્ણપણે વર્ણવી ન શકાય. વેલેન્ટાઈન ડે ના દિવસે લાલ ગુલાબના ફુલથી કરેલું પ્રેમપ્રદર્શન એ કદાચ પ્રેમ સંબંધની શરુઆતનો માપદંડ હોઈ શકે પણ પ્રેમની અનુભુતિ તો તેનાથી અલગ વસ્તુ જ છે.

આપણે કોઈપણ સંબંધને અપેક્ષા કે પ્રેમમાં વિભાજીત નહીં કરી શકીએ પણ એટલું તો જરુર કરી શકીએ કે કોઈ પણ સંબંધમાં પ્રેમના ધાગાઓની સંખ્યા વધારીને જીવનને ઉષ્માભર્યું બનાવીએ. આમ કરવામાં તમને દેખીતું નુકસાન લાગશે, જતું કરવું પડશે, અહમ ઘવાશે પણ પરિણમ તો સારું જ આવશે.

(ઉપરનું ચિત્ર એક બ્લોગરની પોસ્ટમાંથી સાભાર લીધેલ છે

http://scelfleah.blogspot.in/2010_06_01_archive.html)

લાગણીનું મુલ્ય –

લાગણીનું મુલ્ય –

મારા એક મિત્ર નાનપણથી મુંબઈ પરા વિસ્તારમાં સ્થાઈ થયેલા, વારસામાં પિતાજી તરફથી એક ખોલી પણ મળેલી. ઉંમર થતા પિતાજી ગુજરાતના એક નાનકડા ગામના ઘરે પરત ફર્યા, સાથે નાના દિકરાને પણ રાખ્યો. મોટો દિકરો મુંબઈમાં જ રહ્યો અને સમય જતાં વ્યવસાય પણ બહોળો બન્યો. પિતાજીના દેહાંત બાદ મોટાભાઈએ નાનાભાઈ અને બહેનોની જવાબદારી સંભાળી લીધી. બધાને ભણાવી-ગણાવી જીવનમાં યોગ્ય સ્થાને ગોઠવ્યા. નાનાભાઈને પોતાની સાથે વ્યવસાયમાં જોડવાનો પ્રયત્ન પણ કર્યો, પણ નાનપણથી ગામડામાં ઉછરેલા ભાઈને શહેર અનુકુળ ન આવ્યું. ગામડામાં જ વ્યવસાય કરવાનો આગ્રહ રાખ્યો. લાડકોડથી ઉછરેલા નાનાને વ્યવસાય ફાવે નહી, છતાં મોટાભાઈ તેના ઘરની સંપૂર્ણ જવાબદારી અદા કરે. તેના બાળકોને ભણવીગણાવી મોટા કરી લગ્ન સુધીની જવાબદારી નિભાવી. આ બધી જવાબદારીઓમાં મોટાભાઈ પોતાના બાળકોના ઉછેરમાં ઉણા ઉતર્યા. મોટો પુત્ર સ્વતંત્ર મિજાજનો થયો અને પિતાને અવગણી વ્યવસાય, મુંબઈની પ્રોપર્ટીઓ વગેરે હાથ કરી લીધી અને પિતાને પાછલી ઉંમરમાં ગામડે રહેવાનો સમય આવ્યો. નાનાભાઈના બાળકો પણ મોટા થયા, ઠરીઠામ થયા, કમાતા થયા, હવે નાનાભાઈને મોટાભાઈની જરુર રહી નહીં. આથી એમને જ્યારે ગામડે રહેવા આવવાનો પ્રશ્ન ઉઠ્યો ત્યારે પિતાજીની પ્રોપર્ટીના ભાગનો મુદ્દો ઉઠાવ્યો. મોટાભાઈ પાસે હવે પોતાનું કંઈ કહી શકાય તેવું હતું નહી, કારણ કે મોટા પુત્રે મુંબઈની પ્રોપર્ટીનો કબજો સંભાળી લીધો હતો. નાનાભાઈને પણ આ વાતની સ્પષ્ટતા કરી પણ નાનાભાઈની ધારણાઓ મેં સાંભળી અને મારી વિચારશક્તિ સ્થગિત થઈ ગઈ –

“મોટાભાઈએ અત્યાર સુધી જે કંઈ કર્યું તે એણે સમાજમાં પોતાની આબરુ જાળવવા કર્યું. મુંબઈની ખોલીના કાગળમાં આજથી ચાલીસ વર્ષ પહેલાં મારી સહી લઈ પચાવી પાડવાનું આયોજન કરી લીધેલ, હવે જ્યારે કરોડ રુપીયાની વાત આવી ત્યારે કહે છે મારું મારા પુત્ર પાસે કંઈ ચાલતુ નથી. હવે આ એની ચાલ નહી હોય તેની શું ખાત્રી ? જીવનમાં બે-પાંચ લાખની મદદ કરી કરોડ રુપિયાના ભાગમાંથી બાકાત કરી નાખ્યો. ગામડાના ઘરમાં પણ એવી રીતે રીનોવેશન કરાવ્યું કે ભાગ ન પડી શકે.”

કેવી ધારણાઓ ! મોટાભાઈની મદદનો હું સાક્ષી છું. નાનાભાઈનું, તેના બાળકોનું નિઃસ્વાર્થપણે  ધ્યાન રાખતા મોટાભાઈને મેં જોયા છે. ચાલીશ વર્ષ પહેલાં, નાનકડી ખોલીના ભવિષ્યમાં એક કરોડ આવી શકે એવા પ્રોજેક્શન મોટાભાઈ કરી શકે એ મગજમાં ન ઉતરી શકે એવી વાત છે. બે ભાઈ વચ્ચેનો સંબંધ એ વ્યવહાર તો ન જ કહેવાય. માબાપ બાળકોનું ધ્યાન રાખે તેને ‘આબરુ જાળવવા ધ્યાન રાખ્યું’  એમ કહી શકાય ? માની લઈએ કે પ્રેમ નથી કર્યો અને નૈતિક ફરજના ભાગરુપે કાર્ય કર્યું, પણ એમાં આબરુ જાળવવાની વાતની ભેળસેળ કરવાની જરુર ખરી ? કોઈ વ્યક્તિ ચાલીસ-પચાસ વર્ષ સુધી આવી રીતે  નૈતિક ફરજ બજાવે ?

સવાલ એ ઉઠે છે – મોટાભાઈની જીવનભરની નાનાભાઈ પ્રત્યેની લાગણીઓનું મુલ્ય શું ?

સંબંધ એ વ્યવહારનું સ્વરુપ છે ? સંબંધોમાં વ્યવહારોની જેમ ‘લેતી-દેતી’ હોય ખરી, પણ તેની મહત્તા કેટલી ? વ્યવહારોમાં ‘લેતી-દેતી’ સાથે જો લાગણી ભળે તો ‘સંબંધ’ બને, એમ કહી શકાય ?

તમે શું કહો છો ?…..