લાગણીનું મુલ્ય –

લાગણીનું મુલ્ય –

મારા એક મિત્ર નાનપણથી મુંબઈ પરા વિસ્તારમાં સ્થાઈ થયેલા, વારસામાં પિતાજી તરફથી એક ખોલી પણ મળેલી. ઉંમર થતા પિતાજી ગુજરાતના એક નાનકડા ગામના ઘરે પરત ફર્યા, સાથે નાના દિકરાને પણ રાખ્યો. મોટો દિકરો મુંબઈમાં જ રહ્યો અને સમય જતાં વ્યવસાય પણ બહોળો બન્યો. પિતાજીના દેહાંત બાદ મોટાભાઈએ નાનાભાઈ અને બહેનોની જવાબદારી સંભાળી લીધી. બધાને ભણાવી-ગણાવી જીવનમાં યોગ્ય સ્થાને ગોઠવ્યા. નાનાભાઈને પોતાની સાથે વ્યવસાયમાં જોડવાનો પ્રયત્ન પણ કર્યો, પણ નાનપણથી ગામડામાં ઉછરેલા ભાઈને શહેર અનુકુળ ન આવ્યું. ગામડામાં જ વ્યવસાય કરવાનો આગ્રહ રાખ્યો. લાડકોડથી ઉછરેલા નાનાને વ્યવસાય ફાવે નહી, છતાં મોટાભાઈ તેના ઘરની સંપૂર્ણ જવાબદારી અદા કરે. તેના બાળકોને ભણવીગણાવી મોટા કરી લગ્ન સુધીની જવાબદારી નિભાવી. આ બધી જવાબદારીઓમાં મોટાભાઈ પોતાના બાળકોના ઉછેરમાં ઉણા ઉતર્યા. મોટો પુત્ર સ્વતંત્ર મિજાજનો થયો અને પિતાને અવગણી વ્યવસાય, મુંબઈની પ્રોપર્ટીઓ વગેરે હાથ કરી લીધી અને પિતાને પાછલી ઉંમરમાં ગામડે રહેવાનો સમય આવ્યો. નાનાભાઈના બાળકો પણ મોટા થયા, ઠરીઠામ થયા, કમાતા થયા, હવે નાનાભાઈને મોટાભાઈની જરુર રહી નહીં. આથી એમને જ્યારે ગામડે રહેવા આવવાનો પ્રશ્ન ઉઠ્યો ત્યારે પિતાજીની પ્રોપર્ટીના ભાગનો મુદ્દો ઉઠાવ્યો. મોટાભાઈ પાસે હવે પોતાનું કંઈ કહી શકાય તેવું હતું નહી, કારણ કે મોટા પુત્રે મુંબઈની પ્રોપર્ટીનો કબજો સંભાળી લીધો હતો. નાનાભાઈને પણ આ વાતની સ્પષ્ટતા કરી પણ નાનાભાઈની ધારણાઓ મેં સાંભળી અને મારી વિચારશક્તિ સ્થગિત થઈ ગઈ –

“મોટાભાઈએ અત્યાર સુધી જે કંઈ કર્યું તે એણે સમાજમાં પોતાની આબરુ જાળવવા કર્યું. મુંબઈની ખોલીના કાગળમાં આજથી ચાલીસ વર્ષ પહેલાં મારી સહી લઈ પચાવી પાડવાનું આયોજન કરી લીધેલ, હવે જ્યારે કરોડ રુપીયાની વાત આવી ત્યારે કહે છે મારું મારા પુત્ર પાસે કંઈ ચાલતુ નથી. હવે આ એની ચાલ નહી હોય તેની શું ખાત્રી ? જીવનમાં બે-પાંચ લાખની મદદ કરી કરોડ રુપિયાના ભાગમાંથી બાકાત કરી નાખ્યો. ગામડાના ઘરમાં પણ એવી રીતે રીનોવેશન કરાવ્યું કે ભાગ ન પડી શકે.”

કેવી ધારણાઓ ! મોટાભાઈની મદદનો હું સાક્ષી છું. નાનાભાઈનું, તેના બાળકોનું નિઃસ્વાર્થપણે  ધ્યાન રાખતા મોટાભાઈને મેં જોયા છે. ચાલીશ વર્ષ પહેલાં, નાનકડી ખોલીના ભવિષ્યમાં એક કરોડ આવી શકે એવા પ્રોજેક્શન મોટાભાઈ કરી શકે એ મગજમાં ન ઉતરી શકે એવી વાત છે. બે ભાઈ વચ્ચેનો સંબંધ એ વ્યવહાર તો ન જ કહેવાય. માબાપ બાળકોનું ધ્યાન રાખે તેને ‘આબરુ જાળવવા ધ્યાન રાખ્યું’  એમ કહી શકાય ? માની લઈએ કે પ્રેમ નથી કર્યો અને નૈતિક ફરજના ભાગરુપે કાર્ય કર્યું, પણ એમાં આબરુ જાળવવાની વાતની ભેળસેળ કરવાની જરુર ખરી ? કોઈ વ્યક્તિ ચાલીસ-પચાસ વર્ષ સુધી આવી રીતે  નૈતિક ફરજ બજાવે ?

સવાલ એ ઉઠે છે – મોટાભાઈની જીવનભરની નાનાભાઈ પ્રત્યેની લાગણીઓનું મુલ્ય શું ?

સંબંધ એ વ્યવહારનું સ્વરુપ છે ? સંબંધોમાં વ્યવહારોની જેમ ‘લેતી-દેતી’ હોય ખરી, પણ તેની મહત્તા કેટલી ? વ્યવહારોમાં ‘લેતી-દેતી’ સાથે જો લાગણી ભળે તો ‘સંબંધ’ બને, એમ કહી શકાય ?

તમે શું કહો છો ?…..