રણમાં મીઠી વીરડી એટલે પ્રેમ –

ગત વર્ષે આ લખ્યું ત્યારે કેટલાક મિત્રોના તીખા પ્રતિભાવ પણ આવેલા – આ બધી વાતો છે, અપેક્ષા વગર જીવન શક્ય જ નથી, સંબંધો જાળવવા જેટલો ટાઈમ જ ક્યાં છે, કોકનું ભલુ કરીએ તો ય સંબંધો કાપી નાખે છે, લોકો સ્વાર્થી છે……

આ બધુંય સ્વીકાર્ય ! જીવવાની તૃષ્ણા છે તો જ જીવન પણ છે. મારે તો વાત અસ્ત થતા સંબંધોથી મનમાં કડવાશ ઉભી ન થાય એ માટેની છે. કોકનું ભલુ કરતી વખતે પણ મનમાં તો, કોઈક રીતે મારો આભાર માને તેવી ‘અપેક્ષા’ હતી કે નહી ? નેકી કર ઔર દરીયામે ડાલ જેવું તો ન હતું ને ! હું પોસ્ટ લખું ત્યારે કોક વાંચે અને કંઈક ‘સુષ્ઠુ સુષ્ઠુ’ લખી પ્રતિભાવ આપે એવી અપેક્ષા નહી ? તમે કંઈ ન લખ્યું તો દીલ નહી દુખ્યું હોય ? અપેક્ષાઓ નામશેષ નહીં જ થાય અને એના પર રચાયેલા સંબંધો પણ અસ્તિત્વમાં રહેશે જ. વાત ખાલી આવા સંબંધોની સાથે લાગણી તાર ‘ન’ બાંધવાની છે. તાર જ ન હોય તુટવાની વાત ન આવે અને કશું તુટે નહી તો હૃદયમાં પણ કોઈ અનિચ્છનિય ઝણઝણાટી ન થાય.

આજે હવે જ શુષ્ક સંબંધોમાં આવતી ભીનાશને યાદ કરી લઈએ !

આંખ બંધ કરી, તમને કોઈએ આપેલી ‘જાદુની ઝપ્પી’ને યાદ કરો, એ સમયે હૃદયનો કોઈ ખુણો ભીનો થઈ ગયો હશે અને એ ભીનાશ આંખમાં રેલાઈને ટપકી પડી હશે, ગળામાં શ્વાસ રુંધાય ગયો હશે, જગત અને જીવનનું અસ્તિત્વ જ ઓગળી ગયું હશે. પણ આવું આલિંગન ક્યારેક અને કોઈકે જ આપેલું હોય. (બાકી તો પ્રસંગોમાં તો મુખવટો પહેરી સૌની સાથે ‘ભટકાતા’ જ હોઈ છીએને ! J ) એમાં કોઈ લેતીદેતીનો ‘વ્યવહાર’ નથી. બંને પક્ષોએ બસ આપવનું જ હોય છે. આ આલિંગન એ પ્રેમસંબંધની ઝલક માત્ર છે. નાના બાળકના માથા પર ફરતો માનો પ્રેમાળ હાથ, બાળક માટે આનંદનું નિમિત્ત બને છે. કેડબરીની ‘મીઠાશ’ની અપેક્ષા  વગર બહેનના હાથે ભાઈને બંધાતી રાખડી પ્રેમસંબંધનું પ્રતિક છે. પ્રશ્નોથી થાકી હારીને બેઠા હોઈએ ત્યારે ખભા પર મુકાયેલ મિત્રનો હાથ એ પ્રેમસંબંધની અનુભુતિ છે. આવા તો કેટલાય પ્રસંગોમાં અનુભવાતો પ્રેમ સંબંધ માનવીને જીવન જીવવાનું બળ પુરુ પાડે છે. ઘણી વખત તો આ બળ મેળવવા આપણે શાહમૃગવૃત્તિ અપનાવી શુષ્ક સંબંધોની રેતીમાં માથું છુપાવી પ્રેમસંબંધની ભ્રાંતિમાં જીવવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. અંતે તો નિરાશા સંપડે છે.

શું આપણા સંબંધો અપેક્ષા કે જરુરીયાત આધારિત જ હોય છે ? એની ચકાસણી માટે એક પ્રયત્ન કરી શકાય. આપણા સંબંધની ફ્લેશબેકમાં જઈ એક એક પ્રસંગની ફરીથી અનુભુતિ કરવી પડે અને આ અસંખ્ય ક્ષણોમાંથી કેટલીક ક્ષણો માટે આપણા હૃદયનો ખુણો ભીંજાયો હોય, એ ક્ષણો પ્રેમસંબંધની ક્ષણો જ છે, ક્યારેક એવું કશુ બનતુ નથી તો એ ક્ષણો જરુરીયાતના સંબંધની છે. આમ ઘઊંમાં કાંકરાની જેમ સંબંધોની ભેળસેળ છે.

વ્યવસાયિક સંબંધો સિવાયના સંબંધોમાં પ્રેમની અને જરુરીયાતોની ભેળસેળ હોય જ છે. સંબંધોમાં આવતી પ્રેમની ક્ષણો કેમેરાની ફ્લેશની જેમ શુષ્ક જીવનના અંધારામાં પ્રકાશ પાથરી ઓગળી જાય છે. આપણે સૌ ઇચ્છીએ છીએ કે જીવનના સંબંધોમાં પ્રેમનો પ્રકાશ ફેલાય, પણ ક્ષુલ્લક જરુરીયાતોના સંબંધોમાં જીવનભર અટવાયા કરીએ છીએ.

આમાં વાંક આપણો જ છે ? સાવ એમ પણ કહી શકાય એમ નથી કારણ કે જીવવા માટેની મજબુરીમાં પણ જરુરીયાતોના સંબંધોમાં તણાવું પડે છે. હા, પણ એટલું ચોક્કસ કહી શકાય કે આવા સંબંધોમાં લક્ષ્મણરેખાની જેમ મર્યાદારેખા બાંધી શકીએ જેથી આવા સંબંધો જરુરીયાતો સંતોષાવાની સાથે અસ્ત પામે તો દુઃખ ન થાય.

વર્તમાનયુગમાં જરુરીયાતને જ પ્રેમનો પર્યાય બનાવી દીધો છે – “નહીં માલુમ હસરત હે યા તુ મેરી મુહબ્બત હે, બસ ઇતના જાનતા હું કે મુજકો તેરી જરુરત હે” સામે પક્ષે એક જુનુ ગીત યાદ આવે છે – ‘સિર્ફ અહસાસ હે યે રુહસે મહસુસ કરો, પ્યાર કો પ્યાર હી રહને દો કોઈ નામ ન દો’ સવાલ આપણી રુહનો છે. ક્યાંય ખોવાય ગઈ છે ? ના ! ક્યાંય ખોવાય નથી ગઈ, ફક્ત તેના પર ઇચ્છા-અપેક્ષાઓના ‘પડ’ ચડી ગયા છે. તમે ક્યારેય ડુંગળીનો મધ્ય ભાગ એકલો ખાધો છે ? ખાઈ જુઓ, સાકર જેવો લાગશે પણ તેના પર તીખાશના પડ ચડી ગયા છે, ન ગમતી વાસ ફેલાવે છે.

Red-Onions

આપણા સાકર જેવા આત્મા પર અપેક્ષાઓના તીખા પડ ચડી ગયા છે અને ન ગમતી જીંદગી જીવવી પડે છે. ‘આત્મા’ શબ્દ વાંચીને ઘણાને આ વાત ઉપદેશાત્મક લાગવા માંડશે પણ આપણે આત્મા-પરમાત્માની વાત કરવી નથી કારણ કે જીવનસંધ્યાએ તમે દોડી દોડીને થાકી ગયા હશો ત્યારે હાશકારો મેળવવા તમે જ એ ઉપદેશો સાંભાળવા દોડી જશો. અત્યારે તો આપણે પ્રેમભર્યું જીવન જીવવા અને સંબંધોમાં પ્રેમ પાંગરતો જોવા ઈચ્છીએ છીએ. આવું જીવન જીવવાનો પ્રયત્ન તો કરી શકીએ ને ! કરવાનું ફક્ત એટલું કે ડુંગળીના ફોતરાઓને – અપેક્ષાઓને ઓળખવાની છે. જો એ જાણકારી મેળાવી લઈશું તો એના થકી બંધાતા સંબંધોને પણ ઓળખશું અને એવા સંબંધોની ભરતી-ઓટ કે અસ્ત વખતે કોઈ તકલીફ નહી થાય. કદાચ આનંદ ન થાય તો પણ ‘એ તો એમ જ હોય’ એવું સ્વીકારી દુઃખ તો નહી જ થાય.

અપેક્ષારહિત પ્રેમસંબંધોનો વિકાસ કરવા જેવો છે, પ્રયત્ન કરી જુઓ અને એ પ્રયત્ન પણ કરવાની ઇચ્છા ન થતી હોય તો જીંદગી આમ જ જીવાય એમ માનીને શુષ્ક જીવન પસાર કરવામાં પણ વાંધો નથી. ઇશ્વરે મોકલ્યા છે તો સમય તો પસાર કરીએ ! શું ક્યો છો?

પ્રભુ તમને યોગ્ય પ્રેરણા આપે !

સમય હોય તો પ્રેમને સમજવાની સાથે હૃદયને પણ ભીનું કરી લો –

(ફીલ્મ – ખામોશી ૧૯૬૯)

8 comments on “રણમાં મીઠી વીરડી એટલે પ્રેમ –

 1. yuvrajjadeja કહે છે:

  -મોજ પડી , ખુબ સરસ અભિવ્યક્તિ . “વર્તમાનયુગમાં જરુરીયાતને જ પ્રેમનો પર્યાય બનાવી દીધો છે ” – એકદમ સાચું કહ્યું .
  – આ ગીત મારું પણ ગમતીલું છે 🙂
  – ડુંગળીનું ઉદાહરણ ફોટા સહીત આપી ને જમાવટ કરી – બેસ્ટ પાર્ટ ઓફ ધીસ પોસ્ટ
  – “હા, પણ એટલું ચોક્કસ કહી શકાય કે આવા સંબંધોમાં લક્ષ્મણરેખાની જેમ મર્યાદારેખા બાંધી શકીએ જેથી આવા સંબંધો જરુરીયાતો સંતોષાવાની સાથે અસ્ત પામે તો દુઃખ ન થાય.” – ખુબ જરૂરી અને ઉપયોગી સુચન , પણ કહેવું સહેલું અને કરવું અઘરું જેવી વાત છે. હું પોતે આવા વિચારો કરું કે અમુક બાબતો માં પ્રેક્ટીકલ થવું જરૂરી છે , પણ જાન કે ભી અનજાન બની ને ઈમોશનલ થઇ જવાની ફિતરત લાખ પ્રયત્નો કરવા છતાય છૂટતી નથી .
  – જરૂરિયાત થી પર છે અને નિસ્વાર્થ છે આશિકી – એવો કૈક ભાવ રજુ કરતી પોસ્ટ મેં ગઈ કાલે લખેલી – http://yuvrajjadeja.wordpress.com/2013/04/20/aashiqui-2/

  Like

  • jagdish48 કહે છે:

   હંમેશની જેમ , ફીલ્મનું મોટું પોસ્ટર રીડરમાં જોઈ તારી પોસ્ટ મિસ કરી, વાંચી, બહુ ગમ્યુ હોય તો –
   પ્રેમી વગર જીવવું માત્ર અઘરું જ નહી, અશક્ય થઈ પડે. કારણ કે એની સાથે માત્ર સમય પસાર નથી કર્યો હોતો, એની સાથે સમય ભુલીને જીવ્યા હોઈએ છીએ, (ચાલીસ વર્ષ પહેલાની બગીચાની યાદ અપાવી દીધી !!!). માત્ર સાથે જીવ્યા નથી હોતા પણ એના માટે (‘જ’) જીવ્યા હોઈએ છીએ. માત્ર જીવનમાં એનું સ્થાન નથી હોતું પણ એ છે તો જીવન છે. એના માટે જ જીવન છે. એના થકી જ જીવન છે અને એની સાથે જ જીવન છે (‘Life is – of the Love, by the Love, for the Love and with the Love’) એવું માનીને ચાલનાર આશિકના જીવનમાં પોતાના પ્રેમના અસ્તિત્વ થકી જ એનું પોતાનું અસ્તિત્વ – વજુદ બનતું હોય છે.
   યુવાની પુરતુ યુવાનોને માફ, પણ પ્રેમનો વિસ્તાર જ જીવન છે.

   Like

 2. સુરેશ જાની કહે છે:

  ગઈકાલે જ ‘ A new earth’ – Eckharte Tolle માં સંબંધો વિશે વાંચ્યું અને સતત તમારો બ્લોગ યાદ આવતો રહ્યો. બનશે તો એ પાનાં સ્કેન કરીને તમને મોકલીશ.
  બને તો એ ચોપડી ત્યાંની લાયબ્રેરીમાંથી મેળવી જરૂર વાંચજો. તમને બહુ જ ગમશે.
  TA … TA…TA….

  Like

 3. Vinod R. Patel કહે છે:

  તમે ક્યારેય ડુંગળીનો મધ્ય ભાગ એકલો ખાધો છે ? ખાઈ જુઓ, સાકર જેવો લાગશે પણ તેના પર તીખાશના પડ ચડી ગયા છે, ન ગમતી વાસ ફેલાવે છે.

  ડુંગળીનું આ રૂપક ગમ્યું .

  અઢી અક્ષરના આ શબ્દ પ્રેમની માયા સમજવી અઘરી છે .

  વિડીયો જોઈ ભૂતકાળ તાજો થયો . પ્યારકો પ્યીર હી રહને દો ઉસે કોઈ નામ ન દો ..

  વાહ ! પહેલાના ફિલ્મી ગીતોમાં કેટલો સરસ કોઈ ને કોઈ સંદેશ રહેતો હતો . આ ગીત માણ્યું .

  Like

 4. jagdish48 કહે છે:

  વિનોદભાઈ,
  પહેલાંની ફીલ્મોમાં ઘણા ગીત રહેતા અને મોટા ભાગના solo performance જેવા હતા આથી શબ્દોનું મહત્વ રહેતું. નવી ફીલ્મોમાં શબ્દો કરતાં મ્યુઝીકનું મહત્વ વધી ગયું છે, ક્યારેક સારા ગીતો આવી જાય છે – (જો કે થોડું જુનુ છે)
  સાંભળી જુઓ –

  Like

 5. […] થાય કે માણસ મુળભૂત રીતે સારો છે. (અગાઊ ‘રણમાં મીઠી વિરડી એટલે પ્રેમ’ ની જેમ જ નૈતિકતા આપણને વારસામાં જ મળી […]

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s