આપણા સૌ માં આમ તો ઘણી અલ્પતાઓ છે, પણ મને લાગે છે કે બે મુખ્ય છે. – નિષ્ઠા અને નૈતિકતા. નિષ્ઠા વિષે તો અગાઊ ચર્ચા થઈ ગઈ છે. નિષ્ઠાનો સવાલ તો આપણા અંગત જીવનને વધારે સ્પર્શે છે જ્યારે નૈતિકતાના પ્રશ્નો તો આપણા સમાજ સાથેના સંબંધોને વધારે સ્પર્શે છે. (એમાંય ભારતીય મીડીયા પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કરી નૈતિક કરતાં અનૈતિક સમાચારોને વધારે ચગાવે છે.) આ નૈતિકતાને સમજવા માટેની પ્રેરણા મને અગાઊની પોસ્ટ ‘નિજાનંદ’ માં ઉલ્લેખ કરાયેલ ઇ-મેઈલમાં થી જ મળી. બ્લોગ જગતમાં થતું ‘કટ-પેસ્ટ’, બ્લોગરની નૈતિકતાનો સવાલ ઉભો કરે છે. (એક આડવાતમાં – ગોવિંદભાઈ મારુની ‘અભિવ્યક્તિ’માં રજુ થયેલી પોસ્ટ ‘મારા લેખને નજર લાગી જશે તો ?’ વાંચી હળવા થવા જેવું ખરું !) વીકીપેડીયા પ્રમાણે નૈતિકતા એ લેટીન શબ્દ – moralitas “manner, character, proper behavior” પરથી ઉતરી આવેલો છે. ‘સારુ’ કે ‘ખરાબ’ પ્રત્યે આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, આપણું વર્તન કેવું હોવું જોઈએ એ પ્રકારનો નિર્દેશ (code of conduct) એ ‘નૈતિકતા’ (moralaty) છે. નૈતિકતા અંગત કે સાંસ્કૃતિક મુલ્યો, કે આચારસંહિતા (આચરણના નિયમો) કે સામાજીક રીત રિવાજો સુચવે છે. નૈતિકતા સાચા-ખોટાનો દાવો નથી કરતી, પણ શું સાચું કે ખોટું તેનો નિર્દેશ માત્ર કરે છે. નૈતિકતા મુળ વિષે મતમતાંતરો પ્રવર્તે છે. માનવીમાં જન્મથી જ નૈતિકતા હોય છે ? કે તેના વિચારો તેને ઘડે છે ? કેટલાક માનસશાસ્ત્રીઓએ આ માટેના સરસ પ્રયોગો કર્યા છે. ત્રણથી છ માસના બાળકો – જેઓ પર અન્યના વિચારોની અસર પડવાની સંભાવના નથી અને પોતે પણ સારા કે ખરાબને વૈચારીક રીતે જુદા પાડી શકે તે્વી માનસિક શક્તિ વિકાસ પામેલી હોતી નથી – પણ ‘સારા’ પ્રત્યે પોતાનો લગાવ રજુ કરે છે. સારા-ખરાબનો ભેદ પારખે છે. એક બાળકને ત્રણ ટેડીની પપેટનો શો દેખાડવામાં આવે છે, એમાં એક પપેટ બોક્સ ખોલી રમકડું લેવાનો પ્રયત્ન કરે છે, એક પપેટ તેને મદદ કરે છે જ્યારે બીજી પપેટ બોક્સને બંધ કરી દે છે. છેલ્લી બે પપેટ બાળકની સામે લાવવામાં આવે ત્યારે બાળક મદદ કરતી પપેટ લેવાનું પસંદ કરે છે. આમ ‘સારું’ કાર્ય કરતી પપેટ બાળકને ગમે છે. (આ લખાણ વાંચવા કરતાં તમે ૧૩ મીનીટનો સમય ફાળવી યુ-ટ્યુબ વીડીયો જોઈ જ લો !)
આનો સાદો અર્થ એ જ થાય કે માણસ મુળભૂત રીતે સારો છે. (અગાઊ ‘રણમાં મીઠી વિરડી એટલે પ્રેમ’ ની જેમ જ નૈતિકતા આપણને વારસામાં જ મળી છે.) નૈતિક સિધ્ધાંતો – સામાજીક ન્યાય કે માનવઅધિકારો એ માનવીના અનુભવથી સ્વતંત્ર ઘડાયેલા છે કે માનવી પોતે ઘડે છે ? એ ચર્ચાનો વિષય છે. તાર્કિક રીતે જેની સમજુતી આપી શકાય તે સર્વમાન્ય બની શકે, પણ નૈતિક સિધ્ધાંતોની બાબતમાં આ બનતું નથી. દરેક નિયમને તાર્કિક રીતે સમજાવી શકાતો નથી, જેમ ઇશ્વર છે કે કેમ ? એવું પણ કહેવાય છે કે ‘ઇશ્વર’ છે તો નૈતિક સિધ્ધાંતો છે. જો વિજ્ઞાન જ હોય તો આવા સિધ્ધાંતોની જરુર નથી. પરંતુ બીજી રીતે સમજીએ તો મનુ્ષ્ય એ ‘સામાજીક’ પ્રાણી છે. વ્યક્તિ જો ‘એકલો’ જ હોય તો તે પોતાની રીતે સ્વતંત્ર રીતે વર્તી શકે, પોતાના અલગ વિચારો, માન્યતાઓ સિધ્ધાંતોથી જીવી શકે, પણ જો અન્ય સાથે રહેવું હોય તો તેને કોઈક બાંધછોડ કરવી જ પડે. કારણ કે અન્યને સાથે રાખવા, સામેવાળાના વિચારો, માન્યતા કે સિધ્ધાંતોની સાથે સમજુતી કરવી પડે. આ બાંધછોડને કારણે નૈતિકતાના નિયમો ઘડાય. હજુ વધારે ઉંડા ઉતરીએ તો માનવીનું જીવન પ્રકૃતિને આધારે છે. (વિજ્ઞાન આ બાબત નથી સ્વીકારતું, પોતાના હિતમાં પ્રકૃતિને નાથવાનો પ્રયત્ન કરે છે. પણ એક સાંધે અને તેર તૂટે જેવી પરિસ્થિતિ સર્જાય છે.) દરેક પ્રદેશનું પ્રાકૃતિક વાતાવરણ અલગ અલગ છે. આથી સ્વભાવિક છે કે દરેક પ્રદેશમાં રહેતા સમાજોના નૈતિક સિધ્ધંતો અલગ અલગ હોય એ સ્વભાવિક છે. જે પ્રદેશમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધારે હોય ત્યાં બહુપત્નીત્વ નૈતિક છે, પણ જ્યાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે ત્યાં બહુપત્નીત્વ અનૈતિક છે. આજે સુધારાને નામે ‘વ્યક્તિ સ્વાતંત્ર્ય’ની હવા ચાલી છે અને પ્રકૃતિના આધારે ઘડાયેલા નૈતિકતાના નિયમોને માન્ય કરવામાં નથી આવતા અને અંતે સામાજીક અશાંતિ ઉભી થાય છે. કેટલીક શક્તિશાળી વ્યક્તિઓ ચોક્કસ નૈતિક નિયમો પોતાની રીતે ઘડીને અન્યને તે પ્રમાણે વર્તવા મજબુર કરે છે. જેમ કે ધર્મગુરુઓ અમુક નિયમો બનાવી પોતાના પંથ/સંપ્રદાય ઉભા કરે છે. આ બધી અવઢવમાં હું માનું છું કે પ્રત્યેક વ્યક્તિએ પોતાની રીતે, અન્ય સાથે સહજીવન ગાળવા પોતાના નૈતિક નિયમો બનાવવા જોઈએ. આમપણ અગાઊ વીડીયોમાં સમજ્યા પ્રમાણે આપણે મુળભુત રીતે ‘સારા’ જ છીએ, તો એના આધારે શા માટે નૈતિક નિયમો ન બનાવવા ? બાકી બ્લોગીંગ તો મારી દ્રષ્ટિએ જ્ઞાનની વહેંચણીનું સાધન છે, એમાં મારું-તારું શું ? મને કંઈક ગમ્યું, મેં શેર કર્યું, તમને ગમે તે, તમે પણ શેર કરો પણ સંદર્ભ આપવો – એ નૈતિકતા. ગ્લોબલ મોરાલીટીના સર્વે જોવા હોય તો નીચે લિન્ક પર લટાર મારો –http://www.pewglobal.org/2014/04/15/global-morality/
આ પોસ્ટની PDF બનાવનાર મિત્રો માટે ઉપરની યુ ટ્યુબ વિડીયોની લિન્ક –
https://www.youtube.com/watch?v=aIc-4h9RIvY
[…] ‘આપણી બે અલ્પતાઓ’ ની પોસ્ટમાં મેં નૈતિકતાના સંદર્ભમાં થોડી વિચારણા કરી હતી – […]
LikeLike