સુખ-દુઃખ

હમણાં એક મિત્રની પોસ્ટ અને ઇ-મેઈલ મિત્રોની વચ્ચે સુખ-દુઃખની વ્યુત્પત્તિના સંદર્ભમાં ચર્ચા ચલી. એમાં એક જૈન સોસાયટીના મિત્રોએ બનાવેલ બે-અઢી કલાકની ફીલ્મ વાતો થઈ અને તેની નીચે આપેલી ક્લીપીંગ્સની ચર્ચા થઈ. એનું તારણ એવું નીકળે કે સુખ એક ભ્રાંતિ છે અને દુઃખ છે તો તેના પ્રમાણમાં સુખ છે. જ્યારે કોઈ વાતનું દુઃખ મટી જાય પછી સુખ આપનારી વસ્તુ કે વ્યક્તિ પણ દુઃખદાયક થઈ પડે. ખુબ ગરમીમાંથી ઘરમાં આવીએ ત્યારે ઠંડુ સરબત સુખ આપે પણ જ્યારે એક ગ્લાસથી ટાઢક થઈ જાય પછી બીજો ગ્લાસ સુખ આપનારું સરબત દુઃખદાયક બને. આમ દુઃખ સમાપ્ત, સુખ પણ સમાપ્ત. આગળ વધીને ‘આત્મીક સુખ’ની વાતો થઈ. વચ્ચે Abraham Maslow ના ‘નીડ પીરામીડ’ની વાત કરી, પણ તે માનવીના જીવન દરમ્યાન જુદા જુદા તબક્કાઓની જરુરીયાતોને પુરી કરવામાં આવતા પ્રયત્નોને, જરુરીયાત/અપેક્ષાઓના બદલે સુખ મેળવવાના ભાગરુપે દર્શાવીને સમજાવ્યું. વધુ વિગતો શ્રી સુરેશભાઈના બ્લોગ પર –

સુખ અને દુઃખ – एक चीज़ मिलेगी वन्डरफूल !

મેં ચર્ચામાં ભાગ ન લીધો પણ મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા. સૌ પ્રથમ તો, આ બધી ચર્ચાનું તારણ શું ? એથીય વધુ, શું આવી ચર્ચા જરુરી ખરી ? સીનીયર સીટીઝનોમાં આવી ચર્ચા શું ‘ટાઈમપાસ’ છે ? શું આ બાબતો તેના બાળકોના મગજમાં ઉતારી શકવાના છે ? કે પછી હું પણ ફીલોસોફીની ચર્ચા કરી શકું એવો સુક્ષ્મ અહં છે ? (મને પણ, મનમાં થાય છે કે મારે આ બધુ લખવાની શું જરુર ? મારામાં પણ ‘અહં’ ભરેલો છે ? જે હોય તે, પણ મગજમાં ભરાયું છે તો તેનો ફ્લશ આઉટ કરી નાખી ‘હળવો બની’ જાઉં..)

સૌ પ્રથમ તો ગીતાના બીજા અધ્યાયમાં ‘આત્મા’ની વ્યાખ્યા અને સ્વરુપની ચર્ચા છે. મારી સમજ પ્રમાણે, આત્મા એક ‘Absolute’ અસ્તિત્વ હોય શકે, અને જો તેને ‘શક્તિપૂંજ’ (energy – મારી માન્યતા મુજબ) નું સ્વરુપ ગણીએ તો પણ તેને સુખ-દુઃખ લાગુ પડી શકે નહીં. જો એમ હોય તો ‘આત્મિક સુખ’ શબ્દ જ વ્યર્થ છે. આવી વ્યર્થ વસ્તુની ખોજ પણ વ્યર્થ છે. આ જગતમાં મારું અસ્તિત્વ પ્રકટ થયું પછી મને જે વસ્તુ/કાર્યમાં ‘આનંદ’ મળે તે હું કરું. એ મારા ‘અસ્તિત્વ’ ના આનંદની વાત છે. બીજી રીતે વિચારીએ તો – પરપીડનની વૃતિ ધરાવતો માણસ પોતાને કોઈ દુઃખ નથી છતાં પરપીડન કાર્યોથી સુખ (આનંદ) મેળવે છે. આમાં દુઃખ આપનાર વ્યક્તિની ‘દુઃખ’ની માત્રા ક્યાં આવી ?

કદાચ ઉપરની વીડીયો ક્લીપીંગ્સમાં ‘આત્મિક સુખ’, આવા ‘આનંદ’ ના પર્યાય રુપે વર્ણવાયો હોય.

હકીકતમાં સુખ અને દુઃખની વ્યાખ્યા મનુષ્ય જાતે બનાવે છે અથવા નાનપણમાં થતા સામાજીકરણ દરમ્યાન શીખે છે. દરેકની સુખ-દુઃખની વ્યાખ્યા અલગ અલગ છે. સો ટકા આસ્થા ધરાવતો માણસ ઇશ્વરના પુજાપાઠમાં સુખ મેળવે છે, તો નીરીશ્વરવાદી તેને વ્યર્થ ગણી તેનાથી દુર ભાગે છે.નરસિંહ મહેતાને હરીજનવાસમાં ભજન કરવામાં સુખ મળે છે, પણ નાગરજનને કોઈ હરીજનનો સ્પર્શ દુઃખ દે છે. નાના બાળકને સ્કુલમાં કોઈ મિત્રની પેન ગમી જાય તો ઝુંટવી લઈ ‘પોતાની કરવામાં’ સુખ મળે છે, પણ જ્યારે મા તેને સમજાવે કે ‘આમ ન કરાય’, તો ભવિષ્યમાં તેની કોઈ વસ્તુ ઝૂટવાય તો તેને દુઃખ થાય છે. ટૂંકમાં સુખ અને દુઃખની વ્યાખ્યા વ્યક્તિ તેના સામાજીકરણ દરમ્યાન પોતે જ ઘડે છે.

ખાસ કરીને તો આ સુખ-દુઃખ ‘શરીર’ સુધી સીમિત છે. એમાં આત્મા ક્યાંય આવતો નથી.

તો પછી ‘આત્મિક સુખ’ નું શું ?

માનવીએ કરવાનું શું ?

કશું નહી.

તમને જે કરવામાં ‘આનંદ’ આવે તે કરવું.

જો તમને લાગે કે અત્યારે જ્યાં છું ત્યાં ‘મજા’ નથી આવતી તો થેલો લઈને નીકળી પડો. તમને જો કુટુંબ-સમાજનો ‘થાંભલો’ પકડી જીવવામાં ‘સુખ’ લાગતું તો હોય તો પછી, ‘આત્મિક સુખ’ માટે શું કરવું ? એવા પ્રશ્નોમાં ગુંચવાય શા માટે દુઃખી થવું ?’ ‘થાભલો મને છોડતો નથી’ એવું વિચારી ‘દુઃખી’ શા માટે થવું.

મુળમાં, સવાલ ‘સ્વીકૃતિ’ (acceptance) નો છે. ‘તમે જે છો’ તે સ્વીકારો. તમારી ‘મર્યાદા’ઓ (limits) ને સ્વીકારો. મારાથી ‘આટલું જ થાય છે, વધુ નથી થતું’ એવું વિચારી દુઃખી ન થાવ. જો વધારે મેળવવું છે તો પ્રયત્ન કરો, પણ પોતાની લીમીટ્સ સ્વીકારી ને. તો દુઃખી નહીં થવાય. શારીરિક આનંદ મેળવવા, પ્રયત્નોથી ‘મર્યાદા’ઓ વધારી શકાય છે. પોતાની મર્યાદાઓ સ્વીકારી હશે તો નિષ્ફળતાથી દુઃખી નહી થવાય.

આપણી આસપાસના માણસો, પ્રસંગોને સ્વીકારો. તમે તેમાં ફેરફાર નહી કરી શકો. ઘરના માણાસો ‘જેવા છે તેવા’ સ્વીકારો, તકલીફ નહી થાય. સમાજના રીતરીવાજો ‘જે છે તે છે’, તેવું સ્વીકારો. રીવાજો નીભાવવામાં તકલીફ નહીં પડે. તમારે બદલાવ લાવવો છે તો બદલાવ માટે સમજાવો, તેવું વાતાવરણ ઉભું કરો, સામેવાળો ‘સ્વીકારે’ તો ‘બદલાવ’ આવશે. તમે ન બદલી શકો તે સ્વીકારો.

તમે ‘દુઃખ’ ને ‘સ્વીકારો’ તો દુઃખ, ‘દુઃખ’ નહીં રહે. ‘સુખ’ને સ્વીકારો, સુખ, ‘સુખ’ નહીં રહે.

બસ, જે છે, જેમ છે, તે છે, તેમ છે – સ્વીકારો.

જુની પોસ્ટ માં ઉમેરણ –

ઘણા વખત પહેલા એક પોસ્ટ લખી હતી ‘ તમે કોને ફોલો કરો છો ?’ (ક્લીક કરો) તેનું ઉમેરણ એક વીડીયો સંદેશ દ્વારા –

વધુ લખી નહીં શકાય – ડોક્ટર સાહેબ વઢે…. (આંખના ઓપરેશન્ના કારણે)

બીજી લિન્ક પણ મુકી છે

 

https://www.youtube.com/watch?v=fpF4DbLb9F0

પ્રેમનું પરિમાણ –

‘મારો પ્રેમ સાગર જેટલો ઊંડો છે’ કે પછી ‘આકાશના સીતારા જેટલો અસિમીત છે’ જેવા પ્રેમીજનોના કેટલાય ‘સુવાક્યો’ વારંવાર સાંભળવા મળે છે. હવે પ્રેમનું ક્વોન્ટીટેટીવ માપ તો મળતું નથી પણ સાબિતીઓ મેળવી શકાય તેમ છે. ઉપરના વાક્યો તો ‘પટાવવા’ માટે ઠીક છે, પણ ખરેખર પ્રેમ છે કે કેમ તેની ખાત્રી કેવી રીતે થાય ? પ્રેમમાં ‘ત્યાગ’ હોવો જોઈએ એવું પણ કહેવાય છે. માની લઈએ કે ‘જતું કરવું’ પ્રેમીજનને ગમતું હોય અને પોતાને પણ ગમતું હોય છતાં પ્રેમીજનને આપવું, એને ત્યાગ કહીએ. પણ એવું ન બને કે આ ‘ત્યાગ’ પ્રેમીજનને ખુશ કરવા કર્યો હોય ? એક આડવાત કરી દઊં – ઘણા લોકો પ્રેમીજનના મૃત્યુ બાદ એને ભાવતી વસ્તુનો, પોતાને ભાવતી હોય તો પણ તે ખાતા નથી. આમાં કંઈક ‘ત્યાગ’ દ્રષ્ટિમાન થાય છે. પણ સામાન્ય સંજોગોમાં પ્રેમની સાબિતી જોઈતી હોય તો શું ? જો કે પ્રેમ અનુભુતિની વાત છે, અનુભવી શકાય વર્ણવી ન શકાય.

હમણાનાં એક પ્રસંગે મને પ્રેમની સાબિતીની ઝલક દેખાડી – લાકડીના ટેકે ચાલતી નાની પોતાના દોહિત્રની પસંદના ડ્રેસ માટે ઉનાળાની ભરબપોરે રેડીમેઈડની દુકાને દુકાને રખડે અને શોધી કાઢે – એને શું કહેવું ? દોહીત્રના ચહેરા પરની ખુશીની એક ઝલક અને એક પ્રેમભર્યું આલિંગન, નાની માટે સ્વર્ગ મળ્યાની ખુશીનો અહેસાસ કરાવે. પ્રેમ માટે ‘ત્યાગ’ કરતાં આવો ‘જાતનો ઘસારો’ એ વધારે અગત્યનો નથી લાગતો ? જરાક જાતને પુછી જુઓ તમે તમારા પ્રેમીજન માટે કેટલું ‘ઘસાયા’ ? અને તે પણ કોઈ અપેક્ષા વગર. પતિ માને કે હું નોકરી કરીને પૈસા લઈ આવું તે મારી ‘જાત’નો ઘસારો જ છે ને ! મારા કુટુંબ માટે જ છે ને ! ખરેખર એવું છે ? નોકરી કે ધંધો કરવાના કારણો તપાસવા જઈએ તો પાના ભરાય જાય એટલા કારણો મળે, એમાં કુટુંબ માટેનો પ્રેમ જરાક જેટલો જ મળે.

ટુંકમાં ‘અપેક્ષા વગર, પ્રેમીજન માટે પોતાની જાતનો ઘસારો એ પ્રેમની એક સાબિતી છે.’

 

ભાષાને શું વળગે ભૂર, રણમં જીતે તે શૂર –

“મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે

ભૂંસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે

મલક કંઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ

હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.”

  • રઈશ મનીઆર

ગઈકાલે લોકોને ‘ગુજરાતી દિન’નું ભૂત વળગ્યું અને સવાર સવારમાં વોટ્સઅપ પર એક બહેને શ્રી રઈશભાઈનો સંદર્ભ આપ્યા વિના ગુજરાતી દિનની શુભેચ્છાઓ પાઠવી દીધી. રડવું કે હસવું એ નક્કી થતું ન’હોતું, કારણ કે આજના યુવા વર્ગે વોટસ અપ અને SMS માં ભાષાનો જે દાટ વાળ્યો છે એ લોકો ગુજરાતી દિનની શુભેચ્છાઓ પાઠવે છે.

પછી ભાષાનું ભૂત મને પણ વળગ્યું અને નેટ ખુંદી નાખ્યું.

મારા ઘણા જાણીતા બ્લોગર મિત્રો પણ ગુજરાતીના ઉદ્ધારની પાછળ પડ્યા છે. જોડણીમાં પણ ચેતવણી સાથે લખી નાખે ‘આ બ્લોગની ભાષા ઉંઝા જોડણીમાં લખવામાં આવી છે.’ પણ જોડણીની વ્યાખ્યા દિવ્યભાસ્કરના કોલમીસ્ટ અનિલ જોષી  ખુબ સરસ આપી – “બાકી તો હ્રદયને જોડે તે સાચી જોડણી કહેવાય. ભાષા તો વહેતો પ્રવાહ છે. એને વ્યાકરણના જડ નિયમોમાં બાંધવાનો કોઈ અર્થ નથી” ( આ જ લેખમાં અનિલભાઈએ ‘નામ’ અંગે પણ ખુબ સરસ વાત કરી છે તે મેં મારી જુની પોસ્ટ ‘‘સ્વ’ને ઓળખવાની પૂર્વ શરતો – https://bestbonding.wordpress.com/2012/08/12/preconditions/ ‘ માં ઉમેરી લીધી.)

પીન્કીબહેને ‘ભાષાને શું વળગે ભૂર’ માં ભાષાને ‘પાવર” સાથે સાંકળી લીધી. ચીનની મહાસત્તાની દોટને કારણે, દુનિયામાં અંગ્રેજીના ચલણની સામે ભવિષ્યમાં ચાઈનીઝ ભાષા Mandarinની બોલબાલા હશે તેવો વર્તારો આપ્યો.

આ વારા વાંચ્યા પછી મને ક્યાંક વાંચેલું યાદ આવ્યું – કોમ્યુટર માટે ‘સંસ્કૃત’નું ડીઝીટાઈઝેશન સહેલું છે. તો તો પછી આપણે ગુજરાતીને વળગ્યા વિના સંસ્કૃતને જ વળગવું જોઈએને ! કારણ કે દુનિયાનું ભાવી ‘ડીઝીટલ’ પર જ નિર્ભર છે. આપણા દેશમાં ‘સંસ્કૃત’ જેમની રોજબરોજની ભાષા છે એવા નવ ગામની વિગત Centre for traditional educationwww.cteindia.org જોઈ શકાશે.

આ બધા કરતા ચડી જાય તેવી વાત એ છે કે તમે જ્યારે બોલો છો ત્યારે જે શબ્દોનો ઉપયોગ થાય છે તેનું મહત્વ ફક્ત ૧૦ થી ૨૦ જેટલું જ હોય છે. આમ તો રીસર્ચ એવું પણ કહે છે કે શબ્દોનો પ્રભાવ ફક્ત સાત ટકા જેટલું જ છે. કારણ કે તમે જ્યારે વાત કરો છો ત્યારે તમારા શરીરનું હલનચલન, મોઢા પરના હાવભાવ (૫૫ %) અને અવાજનો રણકો (૩૮ %) વગેરેથી અન્ય પર તમારી વાતનો પ્રભાવ પડે છે. (જે શબ્દો બોલીએ છીએ તે ‘વર્બલ કોમ્યુનીકેશન’ અને બાકીનું ‘નોન વર્બલ કોમ્યુનીકેશન’). જો આમ જ છે તો ભાષાનું મહત્વ કેટલું ? કોઈકવાર જ એવું બને કે કેટલાક ‘શબ્દો’ દિલ સોંસરવા ઉતરી જાય, જેમ કે ‘હૃદય જોડે તે જોડણી’

nonverbal

verbal

માટે મને લાગે છે આપણે આપણી લોકબોલીને જ વળગી રહેવું જોઈએ

જતાં જતાં શ્રી વિનયભાઈ ખત્રીની સાઈનબોર્ડસની મજાક જોઈ લેવી – ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર – અખા ભગત

આસ્થા –

હમણાં શ્રી ગોવિંદભાઈના બ્લોગ અભિવ્યક્તિ પર – આસ્તિકતાનું પ્રત્યારોપણ – વાંચવા મળ્યું અને મને શ્રદ્ધા પર લખેલા લખાણો યાદ આવ્યા.

૧. શ્રદ્ધા – ૧

૨. શ્રદ્ધા – ૨

૩. શ્રદ્ધા – ૩

૪. ધર્મ – વિવેક – વિજ્ઞાન

એમાંના કેટલાક અવતરણો તાજા કર્યા.

શું શ્રધ્ધા એટલે ‘સમર્પણ’ ?

ભગવાનમાં શ્રધ્ધા એટલે ‘ભગવાન કરે તે ખરું’ – મારે કંઈ કરવાનું નહી ? અથવા તો હું જે કંઈ કરુ તેના પરીણામ પર મારો કોઈ કંટ્રોલ નહી ? ગીતામાં પણ કહેવાયું ફળની આશા રાખ્યા વિના કાર્ય કરો. તો મંદીરો જતા લોકો ફળની આશા વગર જાય છે ? બધા જ પોત-પોતાની માગણીઓનું લીસ્ટ ભગવાનને કહીને જ આવે છે. (જો કે ગીતાના શ્લોકને હું જુદી રીતે સમજું છું. ‘ફળાની આશા રાખ્યા વગર કર્મ કર્યે જા’ એમ નહીં, પણ – કર્મ કરવું એ મનુષ્યના અધિકાર ક્ષેત્રની વાત છે, મનુષ્યની ઇચ્છા હાથપગ ચલાવવાની થાય તો કર્મ થાય. તેની ઇચ્છા ન થાય તો કર્મ થાય નહીં. મનુષ્યના કર્મ કર્યા પછી જે પરિણામ આવે તે તેના અધિકાર ક્ષેત્રની બહારનું છે. કારણ કે તેણે કર્મ કર્યું પણ પ્રકૃતિ/પરિસ્થિતિ એ કર્મની ફેવરમાં છે કે કેમ ? એ મનુષ્ય નક્કી કરી ન શકે, તે પ્રકૃતિના અધિકારની વાત છે.. વિદ્યાર્થી પરીક્ષામાં સારા માર્ક લાવવા ખુબ વાંચે, પણ જવાબ માટે પ્રશ્નો નક્કી ન કરી શકે, તે પેપરસેટરના હાથની વાત છે. વિદ્યાર્થીએ તૈયાર કરેલા પ્રશ્નો ન પણ પુછાય અને પરિણામ સારું ન પણ આવે.

શું શ્રધ્ધા એટલે નાનપણથી ઠોકી બેસાડેલી ‘માન્યતા’

હમણા એક સાત વર્ષના બાળક્ને એના પપ્પાએ શંકરની પુજા કરવા બે કલાક બેસાડ્યો. પાછળથી મેં બાળકને પૂછ્યું ‘ તેં પૂજા શા માટે કરી ?’ જવાબ હતો ‘ પૂજા કરીએ તો ભગવાનના આશીર્વાદ મળે અને આપણે માગીએ તે મળે’. આ બાળક મોટું થઈને આ જ માન્યતા સાથે જીવે અને જીવનની પોતાની જરુરીયાતો માટે ભગવાન તરફ પહેલી નજર દોડાવે.

આ જ મુદ્દા પર અભિવ્યક્તિમાં લખાયેલું છે –

બાળકના ઉછેર દરમીયાન સર્વ ધર્મસમભાવનાના પાઠ ભણાવવાને બદલે અપવાદોને બાદ કરતાં મોટા ભાગે પોતાનો ધર્મ જ સૌથી શ્રેષ્ઠ હોવા અંગેનું અફીણ પીવડાવવામાં આવે છે.

બાળકોને ધર્મ સમજાવવામાં નથી આવતો; પણ ઠોકી બેસાડવામાં આવે છે.

મુળભુત રીતે ધર્મની સ્થાપના પાછળનો મુળભુત હેતુ દુનીયાની સમગ્ર પ્રજા વચ્ચે ભાઈચારો, સમ્પ, સહકાર, સદાચાર તથા પ્રેમની લાગણી દ્વારા ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના જગાવવાનો છે; પરન્તુ ધર્મની સ્થાપનાના માધ્યમથી આ હેતુ સીદ્ધ થયો હોય તેમ જણાતું નથી.

શું શ્રધ્ધા એટલે પ્રભુ પ્રતિ ‘વિવેક’ ની અભિવ્યક્તિ ?

શું શ્રદ્ધા એટલે માનવીના અવ્યક્ત ‘ડર’ (મારું શું થશે ?) નું પરીણામ ?

મારું તારણ કંઈક આવું છે –

શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ વગેરે ‘અનુભુતિ’ની વાત છે. તેનું વર્ણન ન કરી શકાય, અનુભવવું પડે.

છતાં થોડા અંશે સમજવાનો પ્રયત્ન કરીએ –

આપણી શારિરીક જરુરીયાતોની જેમ જ આપણી માનસિક જરુરીયાતો પણ હોય. પ્રેમ પામવાની, પ્રેમ આપવાની, લાગણીની અભિવ્યક્તિની, સંબંધો જોડવાની/જાળવવાની/તોડવાની, ઓળખ પ્રસ્થાપિત કરવાની, જગતની જાત જાતની હરીફાઈઓમાં પ્રથમ રહેવાની વગેરે. મોટામાં મોટી જરુરીયાત તો માનસિક તણાવમાંથી મુક્તિની છે. તણાવ ઉત્પન્ન થાય છે આપણી ઇચ્છાઓ/અપેક્ષાઓની અપૂર્તિ, ડર, ઓળખનું ખંડીત થવું, લાગણીઓ પરના ઘા વગેરેથી. શારીરિક જરુરીયાતો તો પ્રેરણાના ધક્કાથી સંતોષાય શકે. પ્રેરણાનો ધક્કો લાગે આપણે કાર્ય કરીએ અને જરુરીયાત સંતોષાય. પણ માનસિક જરુરીયાતો સંતોષવા એક વિશિષ્ટ ધક્કાની જરુરીયાત ઉભી થાય અને એ ધક્કો એટલે આપણી ‘શ્રધ્ધા’. આપણે ડરમાંથી મુક્તિ માટે કોઈ શારીરિક કાર્ય કરવાનું નથી, ડરની સામે લડવા મનને મજબુત બનાવવા અન્ય આલંબન લેવાનું છે. હવે આ આલંબન ભગવાનનું હોય શકે, કોઈ માનવીનું હોય શકે, અરે કોઈ વિચારનું પણ હોય શકે (જેમ ભૂતનો ડર ભગાવવા હનુમાનચાલીસાનો પાઠ). આસ્તિક મનુષ્ય મુશ્કેલીઓમાં ઘેરાઈ જાય ત્યારે તેને ‘શ્રધ્ધા’ ભગવાનના શરણે પહોંચાડે. નાસ્તિક મનુષ્ય વિવિધ ‘ગુરુ’ઓના શરણે પહોંચે. (આમાં મેનેજમેન્ટ ગુરુઓ પણ આવી જાય)

આમ શ્રધ્ધા એટલે આપણી એવી માનસિક જરુરીયાતો, કે જે શારીરિક કાર્યોથી સંતોષાય શકે તેમ નથી, તેને સંતોષવા લાગતો વિશિષ્ટ પ્રકારની ‘પ્રેરણાનો ધક્કો’.

જીવનમાં આગળ વધવા માટે જ્ઞાન અને શ્રદ્ધા બંનેની જરુર છે. શ્રી ગોએન્કાજી કહે છે તેમ પ્રજ્ઞા એ ચક્ષુ છે અને શ્રદ્ધા એ ચરણ છે. જ્ઞાન હોય, પણા વ્યક્તિને પોતાનામાં શ્રદ્ધા ન હોય, આ કાર્ય કરી શકીશ કે નહીં ? એવી અવઢવમાં રહેતો હોય તો આગળ ન વધી શકે અને ફક્ત કરી શકીશ એવી શ્રદ્ધા હોય અને જ્ઞાન હોય તો કોઈક જુદા રસ્તે જ ફંટાય જાય. જ્ઞાન વગરની શ્રદ્ધાને ‘અંધશ્રદ્ધા’ કહી શકાય.

તમને વાંચવું ગમ્યું હશે તેવી ‘શ્રધ્ધા’ સાથે –

નિરાશા, હતાશા, વીતરાગ –

a9d27d6e52cbc17e16f0f6abafcf3ae9

નરસિંહ મહેતા – સુખેથી સંસાર ભોગવતા હતા અને ભાભીએ ટોણો માર્યો – કામકાજ કર્યા વગર ક્યાં સુધી મફતના રોટલા ખાશો ? લાગી આવ્યું, શંકરની આરાધનામાં લાગી ગયા, શંકરે રાસલીલાના દર્શન કરાવ્યા અને કૃષ્ણભક્ત થઈ ગયા. વાલીયો લુટારો કુટુંબના પાપની ભાગીદારીમાં અસહકારને કારણે વાલ્મિકી ઋષિ થઈ ગયા. બૌદ્ધ ધર્મના સ્થાપક બુદ્ધ રાજા જેવી સંપુર્ણ સુખસાહ્યબી ભોગવી, અને સંસારના દુઃખ નજરે પડતા સંસાર અસાર લાગ્યો. જૈનોના પ્રથમ તિર્થંકર ઋષભદેવે વર્ષો સુધી રાજ કર્યું, એક અપ્સરાનું આયુષ્ય પુર્ણ થતાં અદ્રશ્ય થઈને આયુષ્યની અવધિ સમજાતા વિતરાગ બન્યા.

આવા કેટલાય કિસ્સાઓ જોતાં એવું લાગે કે ‘વિતરાગ’ નિરાશા અને હતાશામાંથી જન્મે છે. ખરેખર એવું છે ? આમ માણસ ‘બહાર’ કશુંક થતાં ‘અંદર’ તરફ વળે છે તેવું તારણ કાઢી શકાય ? એવું થાય ત્યારે તેનો અહમ કામ કરે છે ? ધાર્યું નહીં થવાની નિરાશા ધક્કો મારે છે ?

સંસારમાંથી વિરક્ત થવાના ઘણા કારણો નજરે પડે છે. જો સંસારમાં બધું સારું મળતું રહે, ધાર્યું જ થતું રહે તો માનવીને ‘અંદર’ ઝાંકવાની ઈચ્છા થતી નથી એવું લાગે છે. સ્મશાનમાં શરીરની નશ્વરતા જોઈને લોકોને સ્મશાન વૈરાગ્ય આવે છે (જો કે સુરતમાં લોકોને સ્મશાનમાં ભુસું ખાવાની ઇચ્છા જાગૃત થાય છે)

કોઈક કિસ્સાઓમાં લોકો નાનપણથી જ્ઞાનમાર્ગે કે ભક્તિમાર્ગે વળી સંસારમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરે છે.

ઓસ્ટ્રેલીયા ની મુલાકાત દરમ્યાન આંખ ના સર્જન ડો શૈલેશ મહેતા એ, આધુનિક વિજ્ઞાન અને વિતરાગ વિજ્ઞાન વિષે નીતલ દેસાઈ સાથે કરેલ રેડીયો વાર્તાલાપની MP3 file

વીકી ગુજરાતી માં વિતરાગ વિષે

 

જૈન દર્શન અનુસાર વિતરાગી દશા અને સર્વજ્ઞતા વચ્ચે સીધો સંબંધ છે. ધ્યાનના ઉચ્ચતમ સ્તરે સૌ પ્રથમ આત્મા વિતરાગ દશા મેળવે છે જેની અસર હેઠળ આત્મા સ્વપ્રત્યે ના આકર્ષણ સિવાય વિશ્વની તમામ વ્યક્તિ કે વસ્તુઓ પરનો આકર્ષણ કે મોહ ત્યાગે છે. એક વખત આ ભાવનામાં સ્થિર થતાં સર્વજ્ઞતા આવે છે.

બધા મુક્તિની આશા રાખે છે, પણ ‘ઘેર બેઠા ગંગા’ જેવું કાંઈક થાય તેવું ઇચ્છે છે.

મને તો લાગે છે કે વિતરાગ માટે કોઈક ‘ધક્કા’ની જરુર છે, તમને શું લાગે છે ?

ઇન્ટ્રોવર્ટ કે એક્સ્ટ્રોવર્ટ ? – ૨

અગાઊની પોસ્ટમાં આપણે ઇન્ટ્રોવર્ટની વર્તણુક વિષેની વાત કરી. સામાન્ય બુદ્ધિથી એવું લાગે કે એક્સ્ટ્રોવર્ટ વધારે બુદ્ધિશાળી હશે, કારણ કે પોતાના વિચારો બેજીજક રજુ કરતા હોય, પછી ભલે ખોટા હોય કે સાચા, વિચાર્યા વગરના હોય, અનુભવ વગરના હોય, પણ રજુઆતથી સામેવાળો અંજાય જાય અને તેને બુદ્ધિશાળી તરીકે પ્રસ્થાપિત કરી દે. હકીકતમાં આ બંને વ્યક્તિઓમાં બુદ્ધિમત્તાનો કોઈ તફાવત હોતો નથી. તફાવત તેમના મગજમાં થતા રસાયણના સ્રાવનો અને તેના પ્રતિ મગજની પ્રતિક્રિયાનો હોય છે.

માનવીના શરીરનો અંદરનો સંદેશા વ્યવહાર સમજવા માટે ‘નર્વ સેલ્સ’ અને ન્યુરોટ્રાન્સમીટરને સમજવા પડે. આંખે કોઈ દ્રશ્ય જોયું, પણ એ દ્રશ્યનું વિવરણ મગજ સુધી ન પહોંચી શકે તો કોઈ તેનો અર્થ નથી. મુન્નાભાઈ M.B.B.S. માં કોમામાં પડેલા વ્યક્તિની આંખો ખુલી છે, દ્રશ્ય જુએ છે, પણ તેનું વિવરણ મગજ સુધી પહોંચતું નથી અને તેથી તેનો કોઈ અર્થ નથી. આપણે દ્રશ્ય જોઈએ, તેનું વિવરણ મગજ સુધી પહોંચે છે. મગજમાં ભુતકાળના અનુભવોનું જ્ઞાન તેનું વિશ્લેષણ કરે અને હવે શું કરવું જોઈએ તેની પ્રતિક્રિયા તુરત આપે. આમ આ સંદેશોની આપ-લે કરનારા ‘વાયરો’ નર્વસેલ્સના (neurone or nerve cell) બનેલા છે. (જેમ આપણા ઇલેક્ટ્રીકના વાયરો ધાતુના બનેલા છે.) ઇલેક્ટ્રીક વાયરમાં કરન્ટ પસાર થાય ત્યારે ધાતુ ખસતી નથી, પણ તેમાંથી ઇલેટ્રોન પસાર થાય છે, જ્યારે નર્વસેલ્સ વિદ્યુતથી ઉત્તેજીત થતા  સેલ્સ છે. આ બે સેલ્સની વચ્ચે માઈક્રો જગ્યા હોય છે તેમાંથી ‘ન્યુરોટ્રાન્સમીટર’ પસાર થાય છે અને એક નર્વસેલથી બીજા નર્વસેલને સંદેશો પહોંચાડે છે. આ ન્યુરોટ્રાન્સમીટર એ એક પ્રકારના રસાયણના અણુઓ જ છે. મગજમાં રહેલા સેલ્સ પણ આ ન્યુરોટ્રાન્સમીટરની મદદથી સંદેશાની આપ-લે કરે છે. આ ન્યુરોટ્રાન્સમીટર ઘણા પ્રકારના હોય છે. આપણે ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટના તફાવતને સમજવા માટે ન્યુરોટ્રાન્સમીટરના બે પ્રકાર જ જાણવા પડે. એ બે છે – ‘ડોપામાઈન’ (Dopamine) અને ‘અસીટોકોલીન’ (Acetylcholine).

એક્સ્ટ્રોવર્ટના મગજમાં ‘ડોપામાઈન’ નામના ન્યુરોટ્રાન્સમીટરના વધારે સ્રાવ સામે મગજની પ્રતિક્રિયા અલગ પ્રકારની થાય છે. ડોપામાઈન એવું રસાયણ છે કે તે બહારથી વળતર મેળવવા જેમકે પૈસા કમાવા, સમાજમાં નામ કમાવું, પોતાનું સ્થાન મજબુત કરવું, નવું કરવા જોખમ લેવું … વગેરે માટે વધારે પ્રેરીત કરે છે. આમ ડોપામાઈનના સ્રાવની, પ્રતિક્રિયામાં મગજને અલગ પ્રકારની પ્રેરણા (motivation) મળે છે. વ્યક્તિ વધારે બોલકી થઈ જાય છે. ડોપામાઈનની જેમ બીજા ન્યુરોટ્રાન્સમીટર છે ‘અસીટોકોલાઈન’. એ પણ સુખ અને આનંદ સાથે જોડાયેલા છે, પણ તે વ્યક્તિને ઉંડાણથી વિચારવા, પ્રતિક્રિયા આપવા પ્રેરે છે. કોઈ એક વસ્તુ પર લાંબો સમય ક્રેન્દ્રીત કરે છે. આથી એ સમજાય છે કે ઇન્ટ્રોવર્ટને શાંત વાતાવરણ શા માટે પસંદ છે. આવી વ્યક્તિઓ જ્યારે પાર્ટીમા હોય ત્યારે ઘણી બધી વસ્તુઓ પર ધ્યાન આપે છે અને તેથી ઝડપથી ‘થાકી’ જાય છે.

આ ઉપરાંત આ બંને ન્યુરોટ્રાન્સમીટરની શરીરની જુદી જુદી નર્વ સીસ્ટમ પર અસર પડતી હોય છે. આપણા શરીરની નર્વ સીસ્ટમમાં ઓટોમેટીક રીતે શરીર તંત્રને ચલાવતી સીસ્ટમમાં બે ભાગ છે એક સીમ્પેથેટીક સીસ્ટમ – જેને ‘fight, flight or freeze’ તરીકે પણ ઓળખી શકાય. આ વિભાગ આપણને વધારે એલર્ટ રાખે છે, નવી પ્રવૃતિ તરફ પ્રેરે છે, શરીરને સ્ફુર્તિમાં રાખવા અવયવોને તૈયાર કરે છે. એક્સ્ટ્રોવર્ટમાં સીમ્પેથેટીક ભાગ પર ડોપામાઈનની અસર થાય છે. આ અવસ્થામાં વિચારવાનું ઓછું હોય છે, ત્વરીત નિર્ણય લેવાનો હોય છે.

બીજો ભાગ છે પેરાસીમ્પેથેટીક સીસ્ટમ – જેને ‘rest-and-digest’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિભાગ આપણને વધારે શાંત રાખવામાં ભાગ ભજવે છે. શરીર પોતાની શક્તિને સંગ્રહીત રાખે છે. સ્નાયુઓ રીલેક્સ થાય છે. અસીટોકોલીન આ વિભાગ પર અસર કરે છે. આથી ઇન્ટ્રોવર્ટ વધારે શાંત રહે છે. વધારે વિચારે છે. તે લોકો અચાનક ઉભી થતી પરિસ્થિતિમાં બહુ ઉશ્કેરાટ અનુભવતા નથી.

ઇન્ટ્રોવર્ટ-એક્સ્ટ્રોવર્ટના તફાવત સરળતાથી સમજવા Quiet Revolution સાઈટની મુલાકાત લેવા જેવી છે. જેમા આ બંનેનો તફાવત સરસ રીતે ચિત્રાત્મક રીતે સમજાવ્યો છે. નમુના રુપ –

what-its-like-in-an-introverts-head

આ ચિત્રમાં જોઈ શકીએ કે એક્સ્ટોવર્ટ બહારથી જે સંદેશો મળે તે સીધો જ મગજને પ્રોસેસ કરવા મોકલી આપે છે જ્યારે ઇન્ટ્રોવર્ટ આવેલા સંદેશાને ભુતકાળની મેમરીમાંથી પસાર કરી, પ્લાનીંગ કરી પછી મગજને પ્રોસેસ કરવા મોકલે છે. આમ સમય વધારે લે છે. એ જ રીતે સાઈટ પરના બધા ચિત્રો ખુબ સરળતાથી તફાવત સમજાવે છે.

અંતે કોઈપણ વ્યક્તિ સંપુર્ણપણે ઇન્ટ્રોવર્ટ કે એક્સ્ટ્રોવર્ટ હોતી નથી. એવું હોય તો માનસિક અસ્થિર ગણાય કે માનસિક રોગી ગણાય. આપણે બધા વચ્ચેના કોઈક પોઈન્ટ પર હોઈએ છીએ.

introvrt_extrovert

ઇન્ટ્રોવર્ટ કે એક્સ્ટ્રોવર્ટ ?

introvert_pic

સીનીયર સીટીજનો/બ્લોગરો લગભગ બધા જ મહદ અંશે ફીલોસોફી, આત્મા-પરમાત્માની ચર્ચા કરતા હોય છે અથવા ઉપદેશાત્મક ભાષામાં વાત કરતા હોય છે. ક્યારેક સવાલ થાય કે જે લોકો ફીલોસોફીની વાતો કરે છે તેઓએ ‘અંદર ઝાંખવાં’ની વાત જરુર કરી હોય. હવે જો માણસ અંદર ઝાંખે તો પછી દુનીયા સાથે, સમાજ સાથે  કેટલો સંબંધ રહ્યો હોય ? કોઈએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ પંચાતમાં શા માટે પડવું જોઈએ ? તેઓ જો ફીલોસોફી, આત્મા-પરમાત્માને સમજ્યા હોય તો તેમને અન્ય વિષે વિચાર આવે ખરો ? ઇન્ટ્રોવર્ટ ન બની જાય ? આ ‘ઇન્ટ્રોવર્ટ’ અંગે વધારે જાણવાની મથામણ કરી.

આપણે ઘણી વખત કહેતાં હોઈએ છીએ કે ફલાણાભાઈ થોડા ‘રીઝર્વ’ છે કે ‘બોલકણા’ છે. આપણે, રીઝર્વ અને બોલકણા – ઇન્ટ્રોવર્ટ કે એક્સ્ટ્રોવર્ટના પર્યાય તરીકે ઉપયોગમાં લઈએ છીએ. પણ આ બંને શબ્દો ઇન્ટ્રોવર્ટ કે એક્સ્ટ્રોવર્ટને સમજવા પુરતા નથી.

આપણે ઇન્ટ્રોવર્ટને ઓળખવા તેની વર્તણુકની કેટલીક વાતો કરીએ.

ઇન્ટ્રોવર્ટ પોતાની જાત સાથે સમય ગાળવામાં વધુ આનંદ પ્રાપ્ત કરે છે. પાર્ટીઓમાં કે ગ્રુપમાં જવાને બદલે તે પોતાની જાત સાથે રહેવાનું વધારે પસંદ કરે છે. પાર્ટીઓમાં તેઓ જલ્દી થાકી જાય છે. જ્યારે એકસ્ટ્રોવર્ટને નવી શક્તિ મળે છે.

તેની સર્જનાત્મકતા, તે જ્યારે એકલો હોય ત્યારે વધારે ખીલે છે. પ્રશ્નોના નિરાકરણ પોતાની રીતે એકલા જ લાવવાનું પસંદ કરે છે.

ઇન્ટ્રોવર્ટ સારામાં સારા ‘લીડર’ હોય છે, ગ્રુપની શક્તિઓનો સારામાં સારો ઉપયોગ કરી શકે છે, જ્યારે એક્સોવર્ટ પોતે કોઈ કાર્યની શરુઆત કરનારા હોય છે. તકલીફ એ છે કે જ્યારે ગ્રુપને મુશ્કેલીમાં અચાનક કોઈ કાર્ય માટે તાત્કાલીક સલાહની જરુર પડે તો એ વખતે ઇન્ટ્રોવર્ટ ઢીલા પડે છે. જ્યારે એક્સ્ટ્રોવર્ટ આવી મુશ્કેલ ઘડીમાં તુરત સલાહ આપી શકે છે.

તમે સ્કુલના દિવસો યાદ કરો. જ્યારે શિક્ષક કોઈ સવાલ પુછે તો અંગળી ઉંચી કરનારામાં ઇન્ટ્રોવર્ટ સૌથી છેલ્લા હોય, જ્યારે એક્સ્ટ્રોવર્ટ ‘હું’ ‘હું’ કરીને સૌથી પહેલા ક્લાસમાં આંગળી ઉંચી કરે. આમ ઇન્ટ્રોવર્ટને કોઈ શરુઆત કરનારની જરુર રહે છે. એનો અર્થ એવો નથી કે ઇન્ટ્રોવર્ટમાં જ્ઞાન ઓછું છે, પણ તેઓ જાહેરમાં આવવાનું ટાળે છે. કોઈ ચર્ચામાં તમને પુછવામાં આવે ‘તમે શું માનો છો ?’ ત્યારે સમજવું કે તમારી વર્તણુક આજુબાજુના લોકો એવો સંદેશો મોકલે છે કે ‘મારી પાસે સારા વિચાર છે’ એ લોકોને ચીટ-ચેટ કરવામાં કોઈ મજા આવતી નથી, પણ કોઈ સંબોધન કરવાનું હોય તો ખીલી ઉઠે છે.

ઇન્ટ્રોવર્ટ જ્યાં ગુસ્સાનું કે માથાકુટીયું વાતાવરણ હોય ત્યાંથી ખસી જવાનું પહેલું પસંદ કરે છે. અરે ! કોઈ સામાજીક પ્રસંગમાં હાજરી આપવા ગયા હોય ત્યારે બહાર નીકળવાના દરવાજા પાસેની સીટ પસંદ કરે છે. તેમના ફોનમાં આવતા કોલની સંખ્યા ઇન્ટ્રોવર્ટ વ્યક્તિએ કરેલા ફોનની સંખ્યા કરતાં વધારે હોય છે.

આ તો ઇન્ટ્રોવર્ટની સામાન્ય વર્તણુકની વાત કરી, પણ એની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે. એની ચર્ચા હવે પછી…..

આપણી મોટી નબળાઈ – અનુસરણ

“Your time is limited, so don’t waste it living someone else’s life. Don’t be trapped by dogma – which is living with the results of other people’s thinking. Don’t let the noise of others’ opinions drown out your own inner voice. And most important, have the courage to follow your heart and intuition.”

– Steve Jobs
(With Thanks to : https://www.brainyquote.com/)

મેં ૨૦૧૩ માં એક પોસ્ટ લખી હતી – ‘તમે કોને ફોલો કરો છો ?’. (ક્લિક કરો)

હમણાં હમણાં ફરીથી આવા જ સવાલ ઉઠવા માંડ્યા. સીનીયર સીટીજનોના વોટ્સઅપ મેસેજીસ, ઇ મેઈલ્સ, બ્લોગ પર જોઈએ તો કોઈને કોઈ ‘ગુરુ’ની પ્રશસ્તિના લેખ, તેમના વીડીયો, ઓડીયો સંદેશાઓની ભરમાર હોય છે.

આ બધાથી એક સવાલ ઉઠે છે કે આપણો સ્વભાવ ‘અનુસરણ’ નો છે કે ડર, આસ્થા કે લાલચના કારણે આપણે કોઈને કોઈ મહાત્માને શરણે પહોંચી જઈએ છીએ ?

મને લાગે છે કે અનુસરણનું મુખ્ય કારણ ‘ડર’ છે. કોઈ મુશ્કેલી આવે ત્યારે આપણે ડરી જઈએ છીએ કે હવે મારું શું થશે ? આ ‘ડર’ના કારણે આપણને કોઈનો પાલવ પકડવાની વૃત્તિ ઉભરી આવે છે, જેમ નાનપણમાં ડરી જઈએ તો માનો પાલવ પકડતા હતા. મોટા થઈને કોઈ ભગવાન કે મહાત્મા આપણું રક્ષણ કરશે કે મને સંકટોમાંથી બચાવશે એવી વૃતિથી એમના શરણે જઈએ છીએ. પણ આ વૃતિ જો વધી જાય તો માણસ પોતાનો ‘આત્મવિશ્વાસ’ ખોઈ બેસે છે. ભગવાન/મહારાજો પરની ‘આસ્થા’ને મજબુત કરી બેસે છે. મારા એક પરિચિત મિત્ર નાનામાં નાના કામ માટે જ્યોતીષની સલાહ લે છે. એક જ્યોતીષ બરાબર ન કહે તો બીજા પાસે દોડી જાય છે. હનુમાન ચાલીસાના પાઠ કર્યે રાખે છે. શીવપુજા કરે છે. તેઓ બધી રીતે સક્ષમ છે, ઉચ્ચ શિક્ષણધારી છે પણ આત્મવિશ્વાસનો અભાવ છે. આત્મવિશ્વાસનો અભાવ સામાજીક જીવનમાં પણ એકલતા આણે છે. એ મિત્ર કામના કલાકો સિવાય ઘરકુકડી થઈને ઘરમાં જ બેસી રહે છે.

ડર અને આસ્થા સિવાયનું બીજું કારણ છે – ‘લાલચ’. મોટા મોટા રાજકારણીઓ આશારામ જેવાના આશિર્વાદ લઈ આવ્યા. આ બધાનું ધ્યાન બાપુ પર નહીં પણ તેમના ફોલોઅર્સ પર વધારે. બાપુ સાથે હશે તો ફોલોઅર્સના ‘મત’ મેળવી શકાશે એવી લાલચ. રામદેવજી પ્રચાર કરશે તો મતનો ઢગલો થઈ જાય એવી લાલચ. આપણે પણ મંદીરમાં જઈને ભગવાન સાથે વ્યવહાર કરીએ છીએ. ભગવાન મારી મનોકામનાઓ પુરી કરશે એવી લાલચમાં માથું નમાવીએ છીએ.

લાલચ પર તો કાબુ મેળવી શકાય પણ ‘ડર’ પર કાબુ મેળવવો ખુબ અઘરું કામ છે. એક ઉપાય ડરનું કારણ શોધવાનો છે.  આ સિવાય બીજા માર્ગો માટે જુઓ – https://www.wakeupcloud.com/overcoming-fear/ ડરને સમજવા અને દુર કરવાના ઘણા રસ્તાઓ દર્શાવ્યા છે.

fear-quote-1

કોઈને ‘ફોલો’ કરો પણ તેમાં ઉંડા ઉતરી ના જવું જોઈએ એવું મારું માનવુ છે, તમારું ?

મારી રામાયણ –

ram-and-raven-1-1
મારી રામાયણ –
જો જો વાંચવાનું બંધ ન કરતા, કારણ કે આ પોસ્ટમાં મારી રામાયણ નથી પણ ખરેખર રામની રામાયણ જ છે, પણ મારી દ્રષ્ટિએ. હમણાં મેં એક પુસ્તિકા મંગાવી ‘मेरी गीता’. લેખકનું એવું કહેવું છે કે ભાગવત ગીતા કંઈ શ્રી કૃષ્ણ એ કહેલી ‘ગીતા’ છે ? એ તો જેમણે મહાભારત લખ્યું તેમના વિચારો ન હોય શકે ? મને આ વાતમાં તથ્ય લાગ્યું, કારણ કે મેં બે ત્રણ અનુવાદો વાંચવાનો પ્રયત્ન કર્યો, તેમાં એવો જ અનુભવ થયો. એક શ્લોકના અનુવાદમાં એક અનુવાદક ‘વિ’ ઉપસર્ગનો અનુવાદ ‘વિરોધ’ તરીકે કરે જ્યારે બીજો એ જ શબ્દનો અનુવાદ ‘વિશિષ્ટ’ કરે. હવે સાચો કોણ ? આમ મને પણ લાગ્યું કે મારે રામાયણ વિષે કંઈ લખવું હોય તો ‘મારી રામાયણ’ જ લખવું જોઈએ. જો કે આપાણે બાલકાંડથી શરુ નથી કરવું, ફક્ત રામના લંકા વિજયની વાત કરવી છે. તો ……
ભુતકાળમાં અયોધ્યા નગરીમાં રામ નામના રાજા થઈ ગયા. બહુ શક્તિશાળી રાજા હતા. એ જ સમયમાં લંકામાં રાવણ નામનો રાજા રાજ કરતો હતો. રાવણ એક ઋષી અને એક દૈત્ય કુંવરીનું સંતાન હતો. (એ વખતે આંતરજ્ઞાતીય લગ્નોનો કોઈ છોછ હતો નહીં.) આમ રાવણ બ્રાહ્મણ કુળનો પરંતુ રાક્ષસોનો રાજા બન્યો. રાવણ ખુબ જ્ઞાની હતો સાથેસાથ મહત્વકાંક્ષી પણ હતો. તેણે શંકરની ખુબ સેવા કરી, પ્રાર્થના કરી, આથી શંકરે પ્રસન્ન થઈ તેને ઘણું જ્ઞાન અને તાકાત આપી. તેને ચાર વેદ અને છ પુરાણોનું જ્ઞાન આપ્યું (લોકોએ તેને આથી દસ મસ્તકનો જ્ઞાની સ્વીકારી દસ માથાવાળો કહ્યો.) તાકાતને કારણે રાવણનો અહંમ ખુબ વધી ગયો. અહંમને કારણે તેણે શંકરના સ્થાન કૈલાસને ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ એ તો એના ગુરુનું સ્થાન હતું તેથી ગુરુએ થોડો ચમકારો દેખાડી તેનો અહંમ તોડ્યો. પણ લંકામાં રાક્ષસો તેનાથી ખુબ ડરતા. તેણે રાજ્યના વિસ્તાર માટે દક્ષિણ ભારતમાં તેના સૈનિકો મોકલવાનું શરુ કર્યું. રાવણથી દુર જઈ સેનાપતિઓ ગેલમાં અવી ગયા અને નિર્દોષ પ્રજાને હેરાન કરવા લાગ્યા. રાવણને ગુપ્તચરો દ્વારા માહિતી મળી ગઈ પણ સેનાપતિઓ દુર હોવાથી તેના પરનો કંન્ટ્રોલ ગુમાવ્યો. રાવણને નિર્દોષ પ્રજા પરના અત્યાચારો ગમ્યા નહીં અને પોતે લંકા છોડી શકે તેમ હતો નહીં કારણ કે તેનો નાનો ભાઈ રાજગાદી માટે કાવાદાવા કરતો હતો. આથી તેણે ભારતના કોઈ શક્તિશાળી રાજાની સહાય લેવાનું વિચાર્યું. તપાસ કરતા જાણવા મળ્યું કે અયોધ્યાનો રાજા રામ, તેના સેનાપતિઓ અને સૈનિકોને પાઠ ભણાવી શકે તેમ છે. તેણે એક આખો પ્લાન બનાવ્યો અને રામ સાથે હોટલાઈન પર વાત કરી. પ્લાન મુજબ રાવણ સીતાને કીડનેપ કરે અને રામ તેને છોડાવવા લંકા સુધી જાય. માર્ગમાં આવતા રાવણના સેનાપતિઓને પાઠ ભણાવતા આવે. નાશ કરતા આવે.
રામને સીતાની સેફ્ટી માટે ચિંતા થઈ આથી તેણે સીતાનું ક્લોન બનાવ્યું અને રાવણ આ ક્લોન સીતાનું કીડનેપ કરે એવું વિચાર્યું. મૂળ સીતાને ક્યાંક સલામત સ્થળે રાખવા માટે તેણે અગ્નિને બોલાવ્યા. મુળ સીતા તેને સોંપી અને કહ્યું કે રાવણનું કાર્ય પુર્ણ થયા પછી હું તમને ક્લોન સીતા આપીશ, તમે તેનો નાશ કરી મૂળ સીતા મને પરત આપજો, જેથી સમાજમાં ઉહાપોહ ન થાય.
પ્લાન મુજબ રામ, રાક્ષસ સેનાપતિઓનો નાશ કરતા કરતા લંકા પહોંચ્યા. રાવણના ભાઈ વિભિષણે જોયું કે રામ ખુબ બળવાન છે જો તેનો સાથ મળી જાય તો લંકાનું રાજ્ય મળી જાય આથી રામભક્તિનો આધાર લઈ રામની છાવણીમાં એન્ટ્રી મારી લીધી.પછી તો, રાવણ સાથે યુધ્ધ થયું, કારણ કે યુધ્ધમાં પરાજય વગર સીતાને પાછી સોંપે તો રાવણની નાલેશી થાય. યુધ્ધમાં રાવણના ‘જ્ઞાનરુપી મસ્તકોનો નાશ થવા લાગ્યો, પણ એક મસ્તક કપાય તો બીજું મસ્તક ગોઠવાય જાય. (અંગ પ્રત્યારોપણ). વિભિષણે રામને ટીપ આપી દીધી કે રાવણને મારવો હોય તો તેને ડુંટીમાં બાણ મારવું. રાવણના મસ્તકો કપાતાં તેને લાગ્યું કે મારું કુળ નાશ પામ્યું છે તો હવે સરન્ડર કરવા કરતાં મરી જવું. વિભિષણની ટીપથી રાવણ મરાયો, રામને ક્લોન સીતા પાછી મળી અને વિભિષણને લંકાનું રાજ્ય મળ્યું. રામે ક્લોન સીતાનો અગ્નિપ્રવેશ કરાવ્યો અને અગાઉ નક્કી થયા મુજબ અગ્નિએ ક્લોન સીતાનો નાશ કરી, મુળ સીતા રામને પરત કરી. ખાધુ પીધું ને રાજ કર્યું. અસ્તુ…
આ રામાયણ મેં આપણા રેશનાલીસ્ટ મિત્રોને ધ્યાનમાં રાખી લખી. જો આપણી પૌરાણિક કથાઓને આ રીતે સમજીએ તો કદાચ પૌરાણિક પાત્રોને પ્રતિકાત્મક સમજી, તેમાંથી મળતા જીવનપાઠ સમજવાનું સહેલું પડે.
તમે ટીવી જોતા હો તો ‘EPIC’ ચેનલ જોજો. તેના પર ‘દેવલોક વીથ દેવદત્ત પટ્ટનાયક’ જોજો. તેણે આપણી કથાઓને આ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેના પુસ્તકો પણ મળે છે. (http://devdutt.com/category/books)