એલર્જી –

‘વારંવાર શરદી થઈ જાય છે ?’

‘તમે એલર્જી ટેસ્ટ કરાવી લો, આથી ક્યા પદાર્થની એલર્જી છે તે જાણી શકાય.’

ગઈકાલે એક આવો સંવાદ સાંભળ્યો.

આજે સવારે ઉઠવામાં મોડું થયું અને મોર્નીંગ વોકનો કંટાળો આવ્યો, ટીવી ચાલુ કર્યું.

આસ્થા ચેનલ પર રામદેવજી યોગાસનો અને ભારતીય સંસ્કૃતિના પાઠ ભણાવતા હતા.

જો…. જો….જો ….કેટલાક મિત્રોને આગળ વાંચવાનો રસ ઘટવા માંડ્યો…મનમાં વિચાર ઝબક્યો…..

એક વેપારી બાવો ટેક્ષચોરી કરી લોકોને શ્વાસની ‘કસરત’ કરાવી ઉલ્લુ બનાવે છે, તેના વિષે વાંચવામાં શું સાર…

આ થઈ ‘માનસિક એલર્જી’ !

મને પણ ક્રિકેટની એલર્જી છે. બાવી જણા દડાની રમત રમે, એની પાછળ કરોડો રુપીયાની બરબાદી, કરોડો માનવ કલાકોની બરબાદી અને હવે તો પાછી ક્રિકેટરોની હરરાજી થાય, (પહેલાના જમાનામાં  ‘ગુલામો’ની થતી), બોલી લાગે, સીઝનમાં બરાબર ન રમે તો ભાવ ઘટી જાય. ‘પ્રોડક્ટ’ બરાબર ચાલી નહીં. બોલો !… ‘વ્યક્તિ’ હવે એક ‘પ્રોડક્ટ’ તરીકે બજારમાં વેચાય. ક્રિકેટના ચાહકોને આ વાંચી ‘મારી’ પણ એલર્જી થઈ શકે.

દરદીને તપાસનાર ડોક્ટર કહેતો હતો કે ૧૨૦ પ્રકારની એલર્જીના ટેસ્ટ થશે. મને એવું લાગે છે કે માણસોને થતી ‘માનસિક’ એલર્જી તો ૧૨૦ કરતાં ય વધુ હશે.

નવી પેઢીને જુની પેઢીની એલર્જી, વિજ્ઞાનને અધ્યાત્મની, આસ્તિકને નાસ્તિકની, ભણેલને અભણની, અમીરને ગરીબની, પશ્ચિમની સંસ્કૃતિને પૂર્વની, નોન રેસીડન્ટ ઇન્ડીયનને ઇન્ડીયનની, સંબંધોની એલર્જીનું લીસ્ટ તો બહુ લાબું થાય, કેટલી ગણશું ? પાર નહી આવે.

ટુંકમાં, એલર્જી એટલે ચશ્માવાળાની દુકાને જઈને જુદા જુદા રંગના ગોગલ્સ પહેરવા જેવું છે. પીળા રંગના પહેરીએ તો પીળું જ દેખાય અને ભુરા રંગમાં ભુરુ. દુનીયાનો ખરો રંગ જોવો હોય તો એલર્જીના ચશ્મા ઉતારવા પડે. મારે સચીન અને ધોનીને પીળા રંગમાંથી જોયા વગર ચશ્મા ઉતારીને જોવું પડે કે તેઓ આજના યુવાનોને રમતના મેદાનમાં જવા પ્રેરણા પુરી પાડે છે, નહીંતર અહીં સુરતના લહેરીઓ રવીવારે સવારમાં છ વાગ્યામાં મેદાનમાં જોવા મળે ? પછી ભલેને ટેનીસ બોલથી રમતા હોય, પણ શારીરિક કસરત તો કરે છે ને ! તમારે ય રામદેવજીને વગર ચશ્માએ જોવા પડે તેમના કારખાના ભલે ટેક્સ ચોરી કરતા હોય પણ લોકોને સ્વદેશીનું ભુત વળગાળી વિદેશી હુંડીયામણ તો બચાવે  છે ને ! લોકોને શ્વાસની કસરત શીખવાડીને પરદેશી કમ્પનીઓની દવાઓ અને તેની આડ અસરોમાંથી દુર તો રાખે છે !

ગુગલ મહારાજને એલર્જીનું પુછ્યું તો તેમણે તો જણાવી દીધું કે એલર્જીના સંબંધમાં, શરીર અને મન એકબીજામાં એવા સલવાણા છે કે ગાંઠો ઉકેલવી ટાઈમ લે તેમ છે.

કંઈ નહીં ! હમણાં તો આટલું મમળાવો, બને તો ચશ્મા ઉતારવાની ટ્રાય તો કરો, ગાંઠો ઉકેલવાનું પછી કરશું. દિ’ના ક્યાં દુકાળ છે ?

5 comments on “એલર્જી –

  1. Vinod R. Patel કહે છે:

    સુંદર માણવા જેવો લેખ .ધન્યવાદ

    Like

  2. metvision કહે છે:

    આપણે આગળ વધવા માટે કે કાંઇક નવુ કરવા માટેની કેમ એલર્જી પેદા કરી શક્તા નથી. તેને પણ એક એલર્જીનું રૂપ આપી શકાય છે.

    Like

  3. Atul Jani (Agantuk) કહે છે:

    માનસીક એલર્જીને પૂર્વગ્રહ કહી શકાય?

    Like

    • jagdish48 કહે છે:

      મને લાગે છે ઘણા બધા મુદ્દાઓમાં પુર્વગ્રહનો સમાવેશ થઈ જાય.
      માન્યતાઓ, પોતાની જાત માટેનો ખોટો ખ્યાલ, સમદ્રષ્ટિનો અભાવ, વાસ્તવિકતાથી અપરિચિત, અજ્ઞાન જેવા મુદ્દાઓ પણ આવી જાય. પણ ખાસ કરી વધુ તો ‘દંભ’ જવાબદાર હોય એવું બની શકે. મહદ અંશે વ્યક્તિ જાણકારી ધરાવતી હોય છતાં અન્યથી પોતે ‘અલગ’ છે એવું પ્રસ્થાપિત કરવા, કોઈવાર અગાઉ પોતે જે વ્યક્ત કર્યું હોય તેને વળગી રહેવા પણ આવી અજ્ઞાતપણે આવી ‘એલર્જી’ પ્રદર્શિત કરે છે.

      Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?