હું ભટકી ગ્યો તો !

 

નવેમ્બર-ડીસેમ્બર, ૨૦૧૧, માં કંઈક ‘લખવા’નો તાવ આવ્યો, ૧૯૮૮/૮૯ માં લખેલા કાગળો બહાર કાઢ્યા – જે પુસ્તીકારુપે છપાવવાની મંજુરી અર્થે ઓફીસમાં ઓફીસ્યલ પેપર-યુધ્ધ કર્યું હતું, છેક શ્રી જયનારાયણ વ્યાસ (એ વખતે ઈન્ડેક્ષ્ટ-બી માં હતા) સુધી વાત પહોંચાડી, કારણ કે તેઓ નોકરી કરતા હતા તો પણ તેમના પુસ્તકો પ્રકાશિત થતાં હતા. વહીવટી મેનેજરને સાથે રાખી તેમની સમક્ષ મારો પક્ષ રજુ કરી, પ્રકાશન માટે નિયામકની મંજુરી મેળવી, પણ ત્યાં સુધીમાં હાંફી ગ્યો અને લખેલી હસ્તપ્રત અંગત ફાઈલમાં ફાઈલ થઈ ગઈ.  – આટલા જુના કાગળો શ્રી જીગ્નેશભાઈને (અક્ષરનાદ) મોકલાવ્યા. તેમને રસ પડ્યો, મને પાનો ચડાવ્યો અને મેં પહેલો આર્ટીકલ મોકલી આપ્યો. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૨,એ જિગ્નેશભાઈએ નેટ પર મૂક્યો.  ત્યારપછી તો આર્ટીકલ મોકલવાનો સીલસીલો શરુ થયો. મોટી માથાકુટ ટાઈપીંગની હતી, મારો પ્રકાશનનો વ્યવસાય હતો ત્યારે વપરાતા ગુજરાતી સોફ્ટવેર કરતાં આજે વાપરવાના સોફ્ટવેરનું કી-બોર્ડ લે-આઉટ જુદું છે. શરુઆતમાં ફાવે નહીં, પણ જીગ્નેશભાઈનો ટેકો ગજબનો. તેમણે કહી દીધું – તમે ટાઈપીંગની ચિંતા કરતા નહી, લખે રાખો. લખવાનું ચાલુ રહ્યું પણ મારા લખવાના અને જીગ્નેશભાઈના સાઈટ પર અપલોડ કરવાના શીડ્યુલમાં તફાવત આવે, આથી ગુજરાતી ટાઈપીંગ શીખવા કમર કસી અને શીખ્યો. બેસ્ટબોન્ડીંગ બ્લોગ બનાવ્યો. માથાકુટ તો હતી, પણ ૧૯૯૫ થી ઇન્ટરનેટનો પરિચય અને ‘શાન્તિસંસ્થાન’ ની મારી પોતાની વેબસાઈટ બનાવીને નેટ પર મુકી હતી તે અનુભવ કામે લાગ્યો. બધા સોફ્ટવેર અલગ લાગે છે પણ કામ રળે છે. બેસ્ટબોન્ડીંગ માં માનવીય સંબંધો પર લખવું અને નોકરી દરમ્યાન શીખેલું અને અનુભવેલુ બધાને વહેંચવું એવું નક્કી કરેલ.

હવે શું શું અભિવ્યક્તિ થાય છે તે તો તમે બ્લોગ પર લટાર મારી નક્કી કરી લેજો.

આ ઇતિહાસ પછી હવે ‘ભટકવા’ની વાત કરીએ. (તમારે ઇતિહાસ વાંચવો પડ્યો, પણ એના વિના હું ભટકી ગયો કે નહી તે કેમ નક્કી થાય ?)

પહેલી વાત – મનમાં નક્કી થયું હતું માનવીય સંબંધો પર લખવું. પણ એવું થયું નહી. અન્ય લોકો શું લખે, વિચારે છે એ જાણવા કરેલ નેટ સર્ફીંગમાં વિવિધતા જોઈ અને ‘ભટકણ’ ચાલું થયું.

નેટ પર મુખ્ય બે સ્પષ્ટ વર્ગ જોવા મળ્યા. (અહીં આપણે ‘વેબસાઈટ’ની વાત નથી કરતા, પણ મારા જેવા ‘મફતિયા’ મિત્રોની વાત છે)

એક – જે રોજીંદી વાતો અને પોતાનું નામ-ફોટા વગેરે ઇન્ટરનેટ પર આવે, મિત્રો સાથે શેર થાય અને વાહ-વાહી મળે – એટલે ‘સોસીયલ સાઈટ્સ’ (એવું જ કહેવાતું હશે, ફેઈસબુક, ટ્વીટર વગેરેને ?). જેમાં મન ઉત્તેજીત અવસ્થામાં રહે, ક્યારેક કંઈક ક્રીએટીવ પણ જોવા મળે, પણ આ બધું ફેન્ટસીમાં જાય. (સારા-ખરાબ પરિણામો પણ આવે). પણ રોજબરોજના જીવનની ઘરેડમાં કોઈ ફરક નહીં,એના પર કોઈ ચોક્ક્સ અસર નહી. પરદેશોમાં એની અસર હશે કારણકે ત્યાં નેટ યુઝર્સ આપણા કરતાં વધારે છે. (આનું પ્રમાણ કોક માગશે જ !)

બીજો વર્ગ – બુધ્ધીજીવી વર્ગ. જે પોતાના બ્લોગ પર કોઈપણ વિષયને આડાઅવળા પ્રમાણો સાથે પોતાનો કક્કો ખરો કરવા અને હું બીજાથી અલગ છું એવું સાબિત કરવા મચી પડે. કદાચ કોઈ સાચી હકીકત પ્રત્યે ધ્યાન દોરે તો પણ હું સાચો સાબિત કરવા મથામણ કરે. ઘણીવાર એવું પણ બને વિજ્ઞાન જેવા વિષયનો સહારો લે, પણ જે તે સિધ્ધાંતની પુરેપૂરી સમજણ ન હોય તેથી વાંચકને કોઈક જુદી દિશામાં લઈ જાય. આ બધું જ પ્રીન્ટમીડીયામાં પણ બને જ છે. જનસામાન્ય વિચારસરણીથી અલગ રજુઆત કોઈને ‘બુધ્ધીજીવી’ બનાવી દે છે, કોઈને ‘વૈજ્ઞાનિક’ બનાવી દે છે, કોઈને ‘દાર્શનિક’ તો કોઈને ‘તત્વજ્ઞાની’. મને લાગે છે કે ‘બુધ્ધીજીવી’થી બીજા બધા સારા.

ત્રીજો વર્ગ છે પણ બહુ ‘લાઈમલાઈટ’માં નથી. જે ઉપરના બે વર્ગોની વચ્ચેનો કહી શકાય. જે ફેઈસબુક જેટલી અલ્પતા ધરાવતો નથી તો બુધ્ધીજીવીની ગુરુતા પણ ધરાવતો નથી. જે કંઈક પણ નેટ પર મુકે તે લાગણી સાથે વ્યક્ત કરે છે.પોતાનું નહી તો બીજાની વાતો જે પોતાને ગમતી હોય તે શેર કરે છે. એની કોઈ જીદ હોતી નથી, તમે એના બ્લોગની મુલાકાત લીધી તેનો આભાર તુરત વ્યક્ત કરે છે અને આનંદ પામે છે.

આ બધામાં મેં બુધ્ધીજીવી થવાનો પ્રયત્ન કર્યો એટલે ભટકી ગયો. કોઈનો બ્લોગ વાંચીએ, તેના પર ‘કોમેન્ટ’ કરી. શા માટે ? ક્યાં તો તેની ક્યારેક વાહીયાત વાતને ટેકો આપી, મને પણ એની લાઈનમાં મુકવા, તો ક્યારેક તેની વાતને કાપી નાખી મને કંઈક અલગ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. જોકે ક્યારેક ખરેખર હકીકત પણ રજુ કરી, પણ એની અસરમાં સામેવાળાની લાગણીને ઠેસ પહોંચી. (જેનો મારો ઇરાદો ન હોય.) અહીં મને એક પુસ્તિકાનું ટાઈટલ યાદ આવે છે, (‘You see, what you want to see’ મારી પાસે ક્યાંક છે પણ પુરેપૂરું વાંચ્યું નથી, કારણ કે મારું અંગ્રેજી વિશિષ્ટ છે એટલે સામાન્ય અંગ્રેજી વાંચવાનો કંટાળો આવે. તમે મનમાં મલકાઓ નહી ! કોઈ સાચી વાત કરે ત્યારે મજાક ન કરાય શું !). આ ટાઈટલ પ્રમાણે ખરેખરે આપણે જે વાંચવા ઇચ્છતા હોઈએ તે આપણને વંચાય છે. ડીસકવરી પર હ્યુમન બ્રેઈનની એક શ્રેણી આવતી હતી તેમાં આપણું મન કેવી રીતે ‘જુએ’ છે તેની વાત કરી હતી. પાકું યાદ નથી પણ એક ટેસ્ટ એવો હતો કે તમારે સ્ક્રીન પર લખાયેલા અક્ષરોના કલર કહેવાના હતા અને સ્લાઈડ્સ ઝડપથી ફરતી હતી. અક્ષરનો કલરનો જુદો હોય અને કલરનું નામ જુદુ લખેલ હોય, જેમકે સ્ક્રીન પર ‘RED’ લખાયને આવે પણ અક્ષરો ‘PINK’ કલરના હોય. હવે મારો જવાબ ખરેખર ‘PINK’ હોવો જોઈએ, પણ હું જવાબ આપું  ‘RED’. આમ મેં જે વાંચ્યું તેની મગજ પરની છાપ અને જે ખરેખર છે તે છાપ બન્ને અલગ છે. બીજો દાખલો – મેં એક કોમેન્ટમાં લખ્યું ‘મારે કોઈ સાબિતી કે સંદર્ભની જરુર નથી’ પણ વાંચનારે ‘સાબિતી’ શબ્દ વાંચી મનમાં નોંધ્યું કે ‘હું સાબિતી માગું છું’ અને એ આપવાનો પ્રયત્ન કર્યો. હું પણ જ્યારે કોઈ લેખ વાંચું ત્યારે મારા મનમાં જે હોય તે જ મને વંચાય, ખાસ કરીને જ્યારે મારા મતથી જુદું પડતું હોય ત્યારે મારા મનની વાત જ વંચાય, પાના પર લખાયેલી નહીં. આવી બધી વાતો આપણે પુર્વગ્રહો, માન્યતાઓ વગેરેની ચર્ચામાં કરેલ છે.

પણ, મને લાગે છે કે આ બધામાં મનમાં રહેલો ‘અહંકાર’ જ મુખ્ય ભાગ ભજવે છે. મારી જાતને પ્રસ્થાપિત કરવાનો મારો પ્રયત્ન એ મારો અહંકાર જ હોય શકે. (અહીં Achievement Motivation ની વાત નથી, એમાં તો અન્ય કરતાં જુદા પડવું જ પડે – એ વાત ફરી ક્યારેક)

હવે આજથી નક્કી કર્યું કે મારે ભટકવું નથી. એક નવો વર્ગ ઉભો કરવો અને ‘નિજાનંદ’ માટે જ લખવું. (‘નવો વર્ગ ઉભો કરવો’ એ મારો ‘સુક્ષ્મ અહંકાર’ જ હશે ને !).

તમને પણ આમંત્રણ છે મને મારી જાતને ખોળવામાં મદદ કરવાનું,  પ્રતિભાવો દ્વારા.

10 comments on “હું ભટકી ગ્યો તો !

  1. Prof. HITESH JOSHI કહે છે:

    Realy interesting …!
    Now we are waiting for your new article on “ACHIEVEMENT MOTIVATION”…!
    Gradually you will convert into 2nd Group of aforesaid class.
    We are waiting for the same moment…!!

    Like

  2. Prof. HITESH JOSHI કહે છે:

    Sorry I forgot “U” r already in 2nd Group….

    Like

  3. Atul Jani (Agantuk) કહે છે:

    ભટકી તો બધા જતા હોય છે પણ કોઈક નસીબદારને તેનો ખ્યાલ આવે છે.

    Like

    • jitu48 કહે છે:

      અતુલભાઈ,
      નસીબની તો ખબર નથી, સીધી દિશા શોધી શકાય તો પણ બસ છે.
      આભાર.

      Like

      • Atul Jani (Agantuk) કહે છે:

        શ્રી જીતુભાઈ,

        આ સીધી દિશા શોધવાની વાત આવે એટલે ‘બુધ્ધીજીવી’, ‘વૈજ્ઞાનિક’, ‘દાર્શનિક’, ‘તત્વજ્ઞાની’ અને અન્ય સઘળાં લેબલધારી કુદી પડશે કે મારી દિશા સાચી. હું સાચો હું સાચો.

        પછી વાદ, વિવાદ, ચર્ચા, વિચારણાંમાં એટલા પડી જાય કે મુળ મુદ્દો શું હતો તે ભુલાઈ જાય. દિશા જડે નહીં અને મનોદશા બગડી જાય.

        સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે આપણે વાતો કરનારી પ્રજા છીએ. અન્ય વિકસીત દેશોમાં કાર્ય થાય છે અને આપણે ત્યાં વાતો.

        આ ભટકણથી બચવું હોય તો બ્લોગીંગનો ઉદ્દેશ્ય મનમાં સ્પષ્ટ હોવો જોઈએ. અને તે ઉદ્દેશ્યપૂર્તીને અનુરુપ બ્લોગીંગ થાય તો ભટકવામાંથી બચી શકાય તેવી મારી નમ્ર માન્યતા છે.

        Like

  4. Dipak Dholakia કહે છે:

    જીતુભાઇ,
    તમારી વાત સાચી છે. આવા અનુભવો બધાંને થતા હોય છે. આપણા મનમાં હોય તે જ વંચાય. અર્થઘટન પણ આપણા મનમાં પહેલાં જ હોય છે.

    Like

  5. bharodiya કહે છે:

    તમે એકલા નથી ભટકતા સહેબ, બધા જ ભટકે છે. મૂળ તો ભગવાને ભૂલ કરી નાખી.
    બીબૂ નો બનાવ્યુ અને જાત જાત ના મોડલ બનાવી નખ્યા. સોફ્ટ્વેર પણ અલગ અલગ નાખ્યું. પછી અથડાય નહી તો શું કરે ? ઓલ્યો આમ તો હું કેમ આમ ? ઓલ્યાને ઓલ્યુ આવડે મને કેમ નહી ? દે ધના ધની.
    પણ મને નથી લાગતુ કે ગુજરાતી બ્લોગમા ધના ધની ચાલતી હોય. વાટકી વેવાર ચાલતો હોય એવું લાગે છે. ધના ધની થોડી તો હોવી જોઈએ. માપ કેમ નિકળે કોણ કેટલામાં છે ? ભલ ભલાનું અભિમાન ઓગળી જાય. વિચારોના ટકરાવ થી તો નવા વિચારો પેદા થાય. કોઇ પરિપૂર્ણ નથી. ગપગોળાના ગોટા જ ઉડતા હોય. ગોટાને ગળણામા ગળી નિચોડ નિકળે એ જ સાર્થક વાત હોય. આમા પછી કોઇ દોસ્તિ તુટવાનો ભય રાખે કે પોતે તોડે એ સાચો બ્લોગર નથી.

    Like

    • jitu48 કહે છે:

      ‘મોડેલ’ અને ‘સોફ્ટવેર’ વાતમાં જામો પડી ગયો !

      Like

    • Dipak Dholakia કહે છે:

      ભારોદિયાભાઈ,
      તમારી આ વાત ગમી ગઈ કે
      ” મને નથી લાગતુ કે ગુજરાતી બ્લોગમા ધના ધની ચાલતી હોય. વાટકી વેવાર ચાલતો હોય એવું લાગે છે. ધના ધની થોડી તો હોવી જોઈએ. માપ કેમ નિકળે કોણ કેટલામાં છે ? ભલ ભલાનું અભિમાન ઓગળી જાય. વિચારોના ટકરાવ થી તો નવા વિચારો પેદા થાય. કોઇ પરિપૂર્ણ નથી. ગપગોળાના ગોટા જ ઉડતા હોય. ગોટાને ગળણામા ગળી નિચોડ નિકળે એ જ સાર્થક વાત હોય. આમા પછી કોઇ દોસ્તિ તુટવાનો ભય રાખે કે પોતે તોડે એ સાચો બ્લોગર નથી”

      ચર્ચામાં આવીએ તો બધું થાય. લડાઈમાં મારીએ, તો માર પણ પડે. તૈયારી બન્ને માટે હોવી જોઈએ.

      Reply Comments

      Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?