ઘરવાપસી –

જુઓ તમને ‘ધર્માંતરણ’ની યાદ આવી ને ? જો કે મારે બીજી વાત કરવી છે પણ તમારા મગજમાં આવ્યું છે તો પહેલાં તેનો થોડો વિસ્તાર કરી લઈએ.

થોડા સમય પહેલાં સમાચાર પત્રોમાં ધર્માંતરણનો મુદ્દો ખુબ ચગ્યો, રાજકારણીઓ અને મીડીયાએ કાગારોળ મચાવી, પણ પછી શું થયું ? તેનો કોઈ અતોપતો નથી.

300 dpi SW Parra color illustration of many hands connecting together puzzle pieces, each with a different religious symbol. The Fresno Bee 2009 religious tolerance illustration interfaith diversity symbol symbols puzzle pieces hands working together team global belief god cross om shanti islam judaism; krtfeatures features; krtnational national; krtreligion religion; krtworld world; krt; mctillustration; belief; faith; values value; REL; 12000000; 12002000; 12006000; 2009; krt2009; parra fr contributed coddington mct mct2009 2009

(With thanks from http://penumbramag.com/)

પણ, આ મુદ્દો દરેકે વિચારવા જેવો તો છે જ.

‘ધર્મ એટલે શું ?’ એ વિચારવાનો સમય (?) મળતો નથી. કારણમાં તો યુવાનીમાં કેરીયર અને નિવૃતિમાં સ્વાસ્થ્ય નડતરરુપ છે. ( અને નિવૃતિમાં જે છે તે સ્વીકારી લેવાની વૃતિ અને ‘માથાકુટ’ (?) માં ન પડવાની વૃતિના કારણે ‘ધર્મ’ સમજ્યા સિવાય વિદાયવેળા આવી જાય છે.)

મને માથાકુટ કરવાની ઇચ્છા થઈ અને મેં ઇન્ટરનેટ પર થોડા ખાંખાખોળા કર્યા તેમાંથી જે ગમ્યું અને મારા વિચારો સાથે મેળ ખાતું હોય તે, પણ તમારા વિચારો જાણવા અહીં મુક્યું.

ધર્મ એટલે શું? એ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાની-મહાત્માઓ કહે છે કે, (ક્યાંક વાંચેલું)

ધર્મ એટલે અંતરની શાંતિ,

ધર્મ એટલે દુઃખમાંથી બચવાનો ઉપાય,

ધર્મ એટલે જીવનનું ચાલક બળ,

ધર્મ એટલે આત્માની ઉન્નતિનો માર્ગ,

ધર્મ એટલે પ્રેમ અને જ્ઞાનને જોડનારી કડી,

ધર્મ એટલે મનુષ્યમાં દેવત્વ લાવનારું તત્ત્વ,

ધર્મ એટલે માણસોની કસોટી કરવાનું સાધન,

ધર્મ એટલે મનુષ્યને ઉન્નતિના માર્ગમાં ઊડવાની પાંખો અને

ધર્મ એટલે કુદરતની બાજુમાં રહીને કામ કરવું તે,

એટલું જ નહીં પણ જીવ ઈશ્વરની નજીક જઈ શકે એવા માર્ગને ધર્મ કહે છે.

વીકીપેડીયા મુજબ – ઈ.સ. ૧૯૯૫માં સર્વોચ્ચ ન્યાયાલયે આપેલાં એક ચુકાદાનાં ભાગ રૂપે મુખ્ય ન્યાયાધિશ શ્રી. પી.બી. ગજેન્દ્રગડકરે કહ્યું હતું કે:

“જ્યારે આપણે હિંદુ ધર્મ વિષે વિચારીએ છીએ ત્યારે તેને વ્યાખ્યા આપવી કે તેને પુરતા પ્રમાણમાં વર્ણવો અસંભવ નહીં તો મુશ્કેલ તો થઈ જ પડે છે. દુનિયાનાં અન્ય ધર્મોથી ભિન્ન, હિંદુ ધર્મ કોઈ એકજ પેગંબર હોવાનો દાવો નથી કરતો; કોઈ એકજ ભગવાનને નથી પૂજતો; કોઈ એકજ સિધ્ધાંતનું અનુકરણ નથી કરતો; કોઈ એકજ તત્વજ્ઞાનીક વિભાવનામાં નથી માનતો; કોઈ એકજ જુથની ધાર્મિક રૂઢિઓ અને રિવાજો નથી પાળતો; આમ જોઈતો કોઈપણ પંથના ધર્મની સંકુચિત પરંપરાગત લાક્ષિકતાઓમાં નથી સમાતો. તેનું વ્યાપક વર્ણન માત્ર એક જીવનશૈલી તરીકે કરી શકાય.”

શરુઆતમાં વર્ણાવેલા ‘ધર્મ એટલે ….’ ના સર્વ મુદ્દાઓને ગણત્રીમાં લઈએ તો સ્પષ્ટ થઈ જાય કે ધર્મ એ જીવન જીવવાની શૈલી છે.

ગ્લોબલ ગુજરાત ન્યુઝમાં ચંદ્રીકાબેનનો સરસ આર્ટીકલ વાંચવા મળ્યો –

પ્રત્યેક વસ્તુનો પોતાનો ધર્મ હોય છે. તેના આ ધર્મની બાદબાકી થઇ જાય, તો તે વસ્તુનું વસ્તુત્વ જ નષ્ટ થઇ જાય. આપણે એ જાણીએ છીએ, કે અગ્નિનાં બે ધર્મ છે–દાહકત્વ અને પ્રકાશકત્વ. અગ્નિમાંથી આ મૂળભૂત ધર્મની ઉપેક્ષા કરીએ તો અગ્નિ રહે જ નહી. તે માત્ર લાકડું કે કોલસો જ હોય. આ મૂળભૂત ધર્મ, બહારથી આવતો નથી, પણ જે તે વસ્તુમાં ઓતપ્રોત હોય છે; તેને સહજ કે સ્વાભાવિક ધર્મ કહેવાય. તે દૂર કરી જ ન શકાય.

એક રીતે, ધર્મ તો આપણા અસ્તિત્વનો આધાર કે નિયમ, જે કોન્ફયૂશિસે કહ્યું છે કે, ‘આપણે જેને આપણા અસ્તિત્વને નિયમ માનીએ છીએ, તે જ ઇશ્વરીય કાનૂન છે. આને જ નૈતિક કાનૂન કહે છે. આ નૈતિક કાનૂન જયારે પ્રથામાં ઢળે છે, ત્યારે તે ‘ધર્મ’ બને છે.”

ગાંધીજીના ‘હિન્દુ ધર્મનું હાર્દ’ એ પુસ્તકના સંપાદક અને ચિંતક શ્રી વિશ્વાસ ખેર, તેના સંપાદકીયમાં નોંધે છે કે, ‘ધર્મ તરીકે ઓળખાતા નૈતિક કાનૂનમાંથી, આપણે જીવનભર, એકેય વાર, છટકી શકતા નથી. જેમાંથી છટકી જવાય, તે નૈતિક કાનૂન હોઇ ન શકે. આ કારણે જ નિતીમાન કે ધાર્મિક વ્યક્તિ પોતાના વિચાર અને આચાર પર સતત નજર રાખે છે. તે જાણે છે કે, જીવનમાં, અન્ય સર્વ છોડી શકાય પણ ધર્મ-ચ્યુતિ ન કરાય, ધર્મથી વિમુખ ન જ થવાય. આ ધર્મ જ જીવનનો આધાર છે. જે આપણને ધારણ કરે કે ટકાવે, તે ધર્મ. મનુષ્યને ‘મનુષ્ય’ તરીકેની ઓળખ આપે અને તે સ્વરૂપે તેને સ્થિરતા આપે તે છે ધર્મ.

‘આપણી બે અલ્પતાઓ ની પોસ્ટમાં મેં નૈતિકતાના સંદર્ભમાં થોડી વિચારણા કરી હતી –

માનવીનું જીવન પ્રકૃતિના આધારે છે. દરેક પ્રદેશનું પ્રાકૃતિક વાતાવરણ અલગ અલગ છે આથી એના નૈતિકતાના નિયમો પણ અલગ અલગ હોય એટલે ધર્મો પણ અલગ અલગ અસ્તિત્વમાં આવે ને !

નૈતિક સિધ્ધાંતો/નિયમોની સમજણ આપતા સ્વામી વિવેકાનંદના વિચારો

શ્રી અતુલ જાનીના બ્લોગ પર વાંચ્યા –

સ્વામીજીએ ‘વેદ’ નો પરિચય આપતા કહ્યું “’વેદ’ એટલે જુદા જુદા સમયે, જુદી જુદી વ્યક્તિઓએ શોધેલા આધ્યાત્મિક નિયમોનો કિમતી સંગ્રહ. જેવી રીતે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ પહેલાં પણ એ નિયમ અસ્તિત્વમાં હતો અને સર્વ માનવજાત એ ગુરુત્વાકર્ષણના નિયમને ભુલી જશે તો પણ અસ્તિત્વમાં રહેવાનો છે તેવી જ રીતે આધ્યાત્મિક વિશ્વને શાસનમાં રાખતા નિયમો વિષે સમજવાનું છે.”

આમ આપણું અસ્તિત્વ જ ‘ધર્મ’ છે.

હિંદુધર્મ બે ભાગમાં વહેંચાયેલો છે – ધાર્મિક વિધીઓ અને આધ્યાત્મ તત્વ. આધ્યાત્મ તત્વનો વિચાર ખાસ કરીને સાધુઓ કરતા હતા. આજે વહેવારિક જગતમાં ‘ધાર્મિક વિધીઓ’ ને ધર્મનું નામ આપી દીધું છે. એમાં જેને રસ નથી તે ‘નાસ્તિક’. પણ નાસ્તિક એ ‘ધાર્મિક નથી’ એમ કહી શકાય નહી.

ધાર્મિક વિધીવિધાનોના મુળમાં વીકીપેડીયાની ‘હિદુ ધર્મ’ની લિન્ક વાંચવા મળી –

ગુજરાતી વીકીપેડીયામાં હિંદુધર્મની ચર્ચામાં લખે છે –

“રામાનુજ, મધ્વાચાર્ય તથા ચૈતન્ય મહાપ્રભુ જેવા આચાર્યોની મહેનતથી હિંદુ ધર્મમાં ધરખમ ફેરફારો થયાં અને ભક્તિ યોગનાં અનુયાયીઓ, અમુક સદીઓ પહેલાં આદી શંકરાચાર્ય એ વર્ણવેલા ‘બ્રહ્મ’ની તાત્વિક વિભાવનાથી વિખુટા પડીને રામ અને કૃષ્ણ જેવા તાદ્રશ્ય અવતારોની ભાવાત્મક તથા લાગણીમય ભક્તિમાં રત થયા.”

આનો સ્પષ્ટ અર્થ એ થાય કે ‘ભક્તિમાર્ગ’ની શરુઆતથી મુળ ધર્મથી ફંટાઈને ક્રિયાકાંડ અને ધાર્મિક વિધીવિધાનોની શરુઆત થઈ. એમાંથી આજના ‘સંત-મહાત્માઓ’ અસ્તિત્વમાં આવ્યા, અને ધર્મ એ ‘ધંધો’ બની ગયો.

જ્યારે પણ કોઈ ક્રિયા ‘ritual’ બની જાય ત્યારે તેનું મુળ તત્વ વીસરી જવાય છે. તમે ઘણી વખત જોયું હશે, બાઈક પર સ્પીડમાં જતો યુવાન કોઈ મંદીર પાસેથી પસાર થાય ત્યારે ક્યાં તો હોર્ન મારે, ક્યાં તો માથે અને છાતીએ હાથ લગાડી માથુ નમાવે. આમાં ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાનું પ્રદર્શન લાગે, પણ ખરેખર તો એ ફક્ત ‘ritual’ થી વધુ કશું નથી હોતું. તેના મનમાં કુટીલ વિચારોનું ચક્ર ચાલુ જ હોય.

આવું આપણી ધર્મ અને ધાર્મિક માન્યતાઓનું છે. મંદીરે જવાનું બુઢ્ઢા થયા પછી જ હોય, યુવાનીમાં ભગવાનની કોઈ જરુર નથી, જે છે તે આપણે જ છીએ. ‘હું કરું’ એ સિવાય કશું નથી. આમ આપણે જીવનશૈલી અને ધર્મને અલગ કરી દીધા છે.

પાતંજલીના યોગસુત્રોમાં જીવનશૈલીની સુપેરે સમજ આપેલી જ છે. યોગના પ્રથમ બે ચરણો – યમ. નિયમ – એ જીવનશૈલીનું માર્ગદર્શન જ છે. પાંચ ‘યમ’ – સત્ય, અહીંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – જે વ્યક્તિએ પોતે સમાજના સંદર્ભમાં પાળવાના નૈતિક નિયમો છે. જ્યારે ‘નિયમ’ – શુદ્ધિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપૂજન – એ વ્યક્તિએ ‘સ્વ’ માટે પાળવાના નૈતિક નિયમો છે. આમ ‘યમ, નિયમ’ જીવનશૈલી ઘડવાનો આધાર છે.

………. અને ગાંધીજીના અગીયાર વ્રતો કેમ ભુલાય –

સત્ય , અહિંસા , ચોરી ના કરવી , વણજોતું ના સંઘરવું….
બ્રહ્મચર્ય ને જાતે મહેનત , કોઈ અડે ના અભડાવું…..
અભય, સ્વદેશી, સ્વાદ જ તજવો , સર્વ ધર્મ સરખા ગણવા….
આ અગિયાર મહાવ્રત સમજી, નમ્રપણે દ્રઢ આચરવા……

આ બધી ભેજાફોડીનું તારણ કાઢવું હોય તો –

પ્રત્યેક વ્યક્તિએ પ્રકૃતિના આધારે જીવન જીવવા માટેના નૈતિક નિયમો નક્કી કરી ‘સ્વધર્મ’નું નિર્માણ કરવું અને હિંદુ, મુસ્લિમ, શીખ વગેરે બાબતો ભુલી જઈ ‘સ્વધર્મ’નું પાલન કરવું.

અંતે….

સમીર દરજીના બ્લોગ પરથી કેટલાક સામાજીક પાપોની વાત –

(૧) સિદ્રાંત વિહોણી રાજનીતિ

(૨) શ્રમવિહીન સંપત્તિ 

(૩) નીતિવિહીન વ્યાપાર

(૪) ચારિત્ર-વિહીન શિક્ષણ

(૫) વિવેકવિહીન આનંદ

(૬) માનવતા વિહીન વિશ્રામ 

(૭) ત્યાગવિહીન પૂજા

ધર્મને સમજવાની મથામણમાં મારે ‘ઘરવાપસી’ની વાત કહેવાની રહી ગઈ (છેલ્લા ત્રણ-ચાર મહીના બ્લોગ પરની હાજરીની અનિયમિતતાનું કારણ) – આ ઘરવાપસી એટલે સુરતથી ગાંધીનગર પરત થયો, જ્યાં મેં સંસારની શરુઆત કરી અને જીંદગીના સ્ટ્રગલ અને સુખના ચાલીસ વર્ષો વિતાવ્યા હતા.

હવે …. સુખે ભજશુ  શ્રીગોપાળ……

પર્સનાલીટીના પરિમાણો –

અગાઊ આપણે પર્સનાલીટી કેવી રીતે ઘડાય તેનો થોડોક વિચાર કર્યો, પણ આપણે એકાદ-બે દેખીતા ગુણધર્મના આધારે વ્યક્તિને અતડો, વાતોડીયો, શો-મેન, ઘમંડી વગેરે જેવા ઉપનામોથી નવાજી દઈએ એ ખોટું ગણાય. વ્યક્તિની વર્તણુકમાં વારંવાર દેખાતા હોય તેવા લક્ષણો પર્સનાલીટીનો નિર્દેશ કરે છે અને એ વર્તણુક, પરિસ્થિતી આધારીત ન હોવી જોઈ એ પણ એક શરત છે. સ્મશાન વૈરાગ્યમાં દુઃખી વ્યક્તિ અતડો લાગી શકે પણ તે સમાજના અન્ય વહેવારોમાં બોલકો પણ હોય શકે. આમ વ્યક્તિની પર્સનાલીટી ખરેખર કેવી છે તે જાણવું હોય તો, ઇન્ટરનેટ પર ‘Big Five’ નું નામ ધુમ મચાવે છે એમ કહી શકાય. જરાક તેની ઝલક જોઈએ –

‘બીગ ફાઈવ’માં પર્સનાલીટીના લક્ષણોમાં પાંચ પરિમાણો જોવાની વાત છે. આ પાંચ પરિમાણોના શુધ્ધ ગુજરાતીમાં લખવામાં ભદ્રંભદ્ર જેવું થાય તેમ છે, આથી અંગ્રેજીમાં ચલાવીએ –

૧. Extraversion (sometimes called Surgency). The broad dimension of Extraversion encompasses such more specific traits as talkative, energetic, and assertive. – અહીં વ્યક્તિ ઉત્સાહી, પોઝીટીવ વિચારસરણી ધરાવતો અને વાતોડીયો હોય. એની સામેનો છેડો નિરુત્સાહી (સોગીયા મોઢાવાળો), દરેક બાબતમાં નકારાત્મક વિચારસરણી (કોઈ તબીયતના સમાચાર પુછવા પ્રેમથી ફોન કરે તોયે વિચારે- નક્કી કંઈક ગરજ લાગે છે), દસવાર વાત કરવાનો પ્રયત્ન કરો તો પણ, હા…, હું…., ના … થી આગળ ન વધે. આ બે છેડાઓની વચ્ચે દરેક વ્યક્તિ ક્યાંકને ક્યાંક ગોઠવાયેલી છે.

૨. Agreeableness. Includes traits like sympathetic, kind, and affectionate. માયાળુ, ભલા, બીજાનું વધારે વિચારવાવાળા માણસો.

૩. Conscientiousness. Includes traits like organized, thorough, and planful. સંપુર્ણ સ્પષ્ટ વિચારસરણી, આયોજનબધ્ધ કાર્ય, ચોક્કસાઈવાળી વ્યક્તિઓ.

૪. Neuroticism (sometimes reversed and called Emotional Stability). Includes traits like tense, moody, and anxious. દિવાનગી, ચિંતા, તણાવની સ્થિતિમાં જીવતી વ્યક્તિઓ

૫.  Openness to Experience (sometimes called Intellect or Intellect/Imagination). Includes traits like having wide interests, and being imaginative and insightful. ખુલ્લા દિલની વ્યક્તિઓ, નિખાલસ, સર્જનાત્મકતા, ‘જે છે તે’ સ્વીકારનારી વ્યક્તિઓ.

દરેક પરિમાણોમાં કેટલાક ગુણધર્મોનો સમાવેશ થાય છે પણ દરેક ગુણ દરેક વ્યક્તિને લાગુ પડે તેવું ચોક્કસ નથી. જેમકે હકારાત્મક વિચારસરણી ધરાવનાર ‘વાચાળ’ ન પણ હોય, તે શાંત, પણ મજબુત હોય.

big5 copy

આ દરેક પરિમાણોના બીજા અંતિમ (છેડા) પર આ લક્ષણોની વિરુધ્ધના લક્ષણો છે. દરેક વ્યક્તિ આ બે છેડાઓની વચ્ચે ક્યાંક ગોઠવાયેલી હોય છે (ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે).

આ પાંચ પરિમાણો પ્રયોગોના આધારે વર્ગીકૃત થયેલા છે આથી વિવિધ દેશોમાં, જાતિઓમાં ફરક આવી શકે. આ તો આપણી સામાન્ય સમજમાં પર્સનાલીટીની ઓળખ મળી શકે એ માટે ચર્ચા કરી છે. ખાસ તો આપણે વ્યક્તિને તેની અમુક વર્તણુકના આધારે જે લેબલો લગાડીએ છીએ તે યોગ્ય નથી. સંબંધોમાં બંધાવામાં ઉભી થતી મુશ્કેલીઓ, સંબંધોમાં તિરાડો, વિખવાદો એ બધા આ પર્સનાલીટીના ક્લેશના કારણે છે. ઘણીવખત, જે ખરેખર ભવિષ્યમાં મજબુત બની શકે તેવા  બંધાતા નવા સંબંધો આ પર્સનાલીટીના ખોટા તારણોથી બંધાતા નથી. એ જ રીતે તુટી જતા સંબંધો પણ ‘એ છે જ એવો’ એવી ધારણાઓના કારણે તુટી જાય છે. એક ટુંકી મુલાકાતમાં પર્સનાલીટીનો ક્યાસ કાઢી ન શકાય. વ્યક્તિને ઓળખવા વધુ મુલાકાતો જરુરી છે. ઉદાહરણ તરીકે મારા એક મિત્ર કાઠીયાવાડના પટેલ છે. ખુબ મહેનતુ છે અને અભણ છતાં પહેલવૃતિ અને મહેનતના આધારે પૈસાપાત્ર છે. હવે જો એ ગ્રુપમા બેઠા હોય તો રંગમાં આવી જાય અને શક્ય છે તું-તા થી વાત કરે, એ વખતે લાગે કે માન જળવાતું નથી – અવિવેકી લાગે, પણ એકલા બેઠા હોઈએ અને જે માનપુર્વક વાત કરે ત્યારે લાગે કે કેટલા વિવેકી છે, અને એમાંય આપણે જો કોઈ ભીંસમાં આવીએ  ત્યારે ખડપગે મિત્રતા નિભાવે. નાનો હતો ત્યારે બાપુજીની સાથે એમની ઓફીસે જતો ત્યારે માછીમારોનો આવો જ અનુભવ થયો છે – ‘સાહેબ, તું હવે કે’દી અમારે ગામ આવવાનો છો’ એક તો ‘સાહેબ’ અને પાછો ‘તું’. પહેલી મુલાકાતમાં તોછડાઈ લાગે, પણ પછી લાગણીનો અનુભવ થાય.

આમ ‘પહેલી નજરે પ્રેમ’ શંકાસ્પદ વાક્ય છે, એમ પહેલી મુલાકાતે ‘પર્સનાલીટી’ નું તારણ ન કાઢવું.

પર્સનાલીટીના નેટભ્રમણ દરમ્યાન સાહુજીના બ્લોગ પર એક સરસ અને સરળ ટેબલ જોવા મળ્યુ –

SIXTEEN PRIMARY PERSONALITY TRAITS :

  1. Reserved vs Outgoing
  2. Less intelligent vs More intelligent
  3. Affected by feeling vs Emotionally stable
  4. Submissive vs Dominant
  5. Serious vs Happy to Lucky
  6. Expedient vs Conscientious
  7. Timid vs Venturesome
  8. Tough-minded vs Sensitive
  9. Trusting vs Suspicious
  10. Practical vs Imaginative
  11. Forthright vs Shrewd
  12. Self-assured vs Apprehansive
  13. Conservative vs Experimenting
  14. Group dependant vs Self-sufficient
  15. Uncontrolled vs Controlled
  16. Relaxed vs Tense

આપણા – પરાયા

આજની વાત, અંદર ઝાંખવાની તક આપવા બદલ શ્રી જુગલભાઈના આભાર સાથે શરુ કરીએ.

શ્રી જુગલભાઈની પોસ્ટ –

http://jjkishor.wordpress.com/2012/07/29/vartao-6/

તકલીફ ‘આપણા’ થી જ થાય છે એવો આપણો અનુભવ છે, હકીકત છે. પણ ‘પારકે ભાણે લાડુ મોટો’ એવું નથી ? ‘આપણા’થી જ દુઃખ શા માટે થાય છે ? અંગત માણસો આપણને દુઃખ પહોંચાડવા ઇચ્છે ? આપણે અંગતને દુઃખ આપવા ઇચ્છીએ છીએ ? સાવ એવું તો નથી જ. તો તણખણું ક્યાં ખૂંચે છે ? પ્રશ્ન ક્યાં છે ?

આપણે જ ‘આપણા’ માણસોને ઓળખીએ છીએ. તેમની લાગણી, ગમો-અણગમો, પસંદ-નાપસંદ, અપેક્ષાઓ મહદ અંશે જાણીએ છીએ. એ પણ આપણાને એ જ રીતે ઓળખે છે. મને તો દુઃખ ત્યારે જ થાય જ્યારે કોઈ ‘મારી’ લાગણીને ઠેસ પહોં ચાડે, ‘મારી’ અપેક્ષા મુજબ વર્તન ન કરે.

ઝખમ તો મેં જ મને કર્યો, દુઃખ તો મેં જ મને લગાડ્યું  પણ દોષી સામેવાળો.

પરાયો મને ક્યાં ઓળખે છે.

એ તો મને એક ‘માણસ’ તરીકે ઓળખે છે.

મેં ‘આપણા’ને ‘માણસ’ તરીકે મીટાવી ‘આપણા’ બનાવ્યા.

અને પાછો દુઃખ પહોંચાડવાનો દોષ પણ દીધો.

એ ક્યાંનો ન્યાય ?

હું ભટકી ગ્યો તો !

 

નવેમ્બર-ડીસેમ્બર, ૨૦૧૧, માં કંઈક ‘લખવા’નો તાવ આવ્યો, ૧૯૮૮/૮૯ માં લખેલા કાગળો બહાર કાઢ્યા – જે પુસ્તીકારુપે છપાવવાની મંજુરી અર્થે ઓફીસમાં ઓફીસ્યલ પેપર-યુધ્ધ કર્યું હતું, છેક શ્રી જયનારાયણ વ્યાસ (એ વખતે ઈન્ડેક્ષ્ટ-બી માં હતા) સુધી વાત પહોંચાડી, કારણ કે તેઓ નોકરી કરતા હતા તો પણ તેમના પુસ્તકો પ્રકાશિત થતાં હતા. વહીવટી મેનેજરને સાથે રાખી તેમની સમક્ષ મારો પક્ષ રજુ કરી, પ્રકાશન માટે નિયામકની મંજુરી મેળવી, પણ ત્યાં સુધીમાં હાંફી ગ્યો અને લખેલી હસ્તપ્રત અંગત ફાઈલમાં ફાઈલ થઈ ગઈ.  – આટલા જુના કાગળો શ્રી જીગ્નેશભાઈને (અક્ષરનાદ) મોકલાવ્યા. તેમને રસ પડ્યો, મને પાનો ચડાવ્યો અને મેં પહેલો આર્ટીકલ મોકલી આપ્યો. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૨,એ જિગ્નેશભાઈએ નેટ પર મૂક્યો.  ત્યારપછી તો આર્ટીકલ મોકલવાનો સીલસીલો શરુ થયો. મોટી માથાકુટ ટાઈપીંગની હતી, મારો પ્રકાશનનો વ્યવસાય હતો ત્યારે વપરાતા ગુજરાતી સોફ્ટવેર કરતાં આજે વાપરવાના સોફ્ટવેરનું કી-બોર્ડ લે-આઉટ જુદું છે. શરુઆતમાં ફાવે નહીં, પણ જીગ્નેશભાઈનો ટેકો ગજબનો. તેમણે કહી દીધું – તમે ટાઈપીંગની ચિંતા કરતા નહી, લખે રાખો. લખવાનું ચાલુ રહ્યું પણ મારા લખવાના અને જીગ્નેશભાઈના સાઈટ પર અપલોડ કરવાના શીડ્યુલમાં તફાવત આવે, આથી ગુજરાતી ટાઈપીંગ શીખવા કમર કસી અને શીખ્યો. બેસ્ટબોન્ડીંગ બ્લોગ બનાવ્યો. માથાકુટ તો હતી, પણ ૧૯૯૫ થી ઇન્ટરનેટનો પરિચય અને ‘શાન્તિસંસ્થાન’ ની મારી પોતાની વેબસાઈટ બનાવીને નેટ પર મુકી હતી તે અનુભવ કામે લાગ્યો. બધા સોફ્ટવેર અલગ લાગે છે પણ કામ રળે છે. બેસ્ટબોન્ડીંગ માં માનવીય સંબંધો પર લખવું અને નોકરી દરમ્યાન શીખેલું અને અનુભવેલુ બધાને વહેંચવું એવું નક્કી કરેલ.

હવે શું શું અભિવ્યક્તિ થાય છે તે તો તમે બ્લોગ પર લટાર મારી નક્કી કરી લેજો.

આ ઇતિહાસ પછી હવે ‘ભટકવા’ની વાત કરીએ. (તમારે ઇતિહાસ વાંચવો પડ્યો, પણ એના વિના હું ભટકી ગયો કે નહી તે કેમ નક્કી થાય ?)

પહેલી વાત – મનમાં નક્કી થયું હતું માનવીય સંબંધો પર લખવું. પણ એવું થયું નહી. અન્ય લોકો શું લખે, વિચારે છે એ જાણવા કરેલ નેટ સર્ફીંગમાં વિવિધતા જોઈ અને ‘ભટકણ’ ચાલું થયું.

નેટ પર મુખ્ય બે સ્પષ્ટ વર્ગ જોવા મળ્યા. (અહીં આપણે ‘વેબસાઈટ’ની વાત નથી કરતા, પણ મારા જેવા ‘મફતિયા’ મિત્રોની વાત છે)

એક – જે રોજીંદી વાતો અને પોતાનું નામ-ફોટા વગેરે ઇન્ટરનેટ પર આવે, મિત્રો સાથે શેર થાય અને વાહ-વાહી મળે – એટલે ‘સોસીયલ સાઈટ્સ’ (એવું જ કહેવાતું હશે, ફેઈસબુક, ટ્વીટર વગેરેને ?). જેમાં મન ઉત્તેજીત અવસ્થામાં રહે, ક્યારેક કંઈક ક્રીએટીવ પણ જોવા મળે, પણ આ બધું ફેન્ટસીમાં જાય. (સારા-ખરાબ પરિણામો પણ આવે). પણ રોજબરોજના જીવનની ઘરેડમાં કોઈ ફરક નહીં,એના પર કોઈ ચોક્ક્સ અસર નહી. પરદેશોમાં એની અસર હશે કારણકે ત્યાં નેટ યુઝર્સ આપણા કરતાં વધારે છે. (આનું પ્રમાણ કોક માગશે જ !)

બીજો વર્ગ – બુધ્ધીજીવી વર્ગ. જે પોતાના બ્લોગ પર કોઈપણ વિષયને આડાઅવળા પ્રમાણો સાથે પોતાનો કક્કો ખરો કરવા અને હું બીજાથી અલગ છું એવું સાબિત કરવા મચી પડે. કદાચ કોઈ સાચી હકીકત પ્રત્યે ધ્યાન દોરે તો પણ હું સાચો સાબિત કરવા મથામણ કરે. ઘણીવાર એવું પણ બને વિજ્ઞાન જેવા વિષયનો સહારો લે, પણ જે તે સિધ્ધાંતની પુરેપૂરી સમજણ ન હોય તેથી વાંચકને કોઈક જુદી દિશામાં લઈ જાય. આ બધું જ પ્રીન્ટમીડીયામાં પણ બને જ છે. જનસામાન્ય વિચારસરણીથી અલગ રજુઆત કોઈને ‘બુધ્ધીજીવી’ બનાવી દે છે, કોઈને ‘વૈજ્ઞાનિક’ બનાવી દે છે, કોઈને ‘દાર્શનિક’ તો કોઈને ‘તત્વજ્ઞાની’. મને લાગે છે કે ‘બુધ્ધીજીવી’થી બીજા બધા સારા.

ત્રીજો વર્ગ છે પણ બહુ ‘લાઈમલાઈટ’માં નથી. જે ઉપરના બે વર્ગોની વચ્ચેનો કહી શકાય. જે ફેઈસબુક જેટલી અલ્પતા ધરાવતો નથી તો બુધ્ધીજીવીની ગુરુતા પણ ધરાવતો નથી. જે કંઈક પણ નેટ પર મુકે તે લાગણી સાથે વ્યક્ત કરે છે.પોતાનું નહી તો બીજાની વાતો જે પોતાને ગમતી હોય તે શેર કરે છે. એની કોઈ જીદ હોતી નથી, તમે એના બ્લોગની મુલાકાત લીધી તેનો આભાર તુરત વ્યક્ત કરે છે અને આનંદ પામે છે.

આ બધામાં મેં બુધ્ધીજીવી થવાનો પ્રયત્ન કર્યો એટલે ભટકી ગયો. કોઈનો બ્લોગ વાંચીએ, તેના પર ‘કોમેન્ટ’ કરી. શા માટે ? ક્યાં તો તેની ક્યારેક વાહીયાત વાતને ટેકો આપી, મને પણ એની લાઈનમાં મુકવા, તો ક્યારેક તેની વાતને કાપી નાખી મને કંઈક અલગ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. જોકે ક્યારેક ખરેખર હકીકત પણ રજુ કરી, પણ એની અસરમાં સામેવાળાની લાગણીને ઠેસ પહોંચી. (જેનો મારો ઇરાદો ન હોય.) અહીં મને એક પુસ્તિકાનું ટાઈટલ યાદ આવે છે, (‘You see, what you want to see’ મારી પાસે ક્યાંક છે પણ પુરેપૂરું વાંચ્યું નથી, કારણ કે મારું અંગ્રેજી વિશિષ્ટ છે એટલે સામાન્ય અંગ્રેજી વાંચવાનો કંટાળો આવે. તમે મનમાં મલકાઓ નહી ! કોઈ સાચી વાત કરે ત્યારે મજાક ન કરાય શું !). આ ટાઈટલ પ્રમાણે ખરેખરે આપણે જે વાંચવા ઇચ્છતા હોઈએ તે આપણને વંચાય છે. ડીસકવરી પર હ્યુમન બ્રેઈનની એક શ્રેણી આવતી હતી તેમાં આપણું મન કેવી રીતે ‘જુએ’ છે તેની વાત કરી હતી. પાકું યાદ નથી પણ એક ટેસ્ટ એવો હતો કે તમારે સ્ક્રીન પર લખાયેલા અક્ષરોના કલર કહેવાના હતા અને સ્લાઈડ્સ ઝડપથી ફરતી હતી. અક્ષરનો કલરનો જુદો હોય અને કલરનું નામ જુદુ લખેલ હોય, જેમકે સ્ક્રીન પર ‘RED’ લખાયને આવે પણ અક્ષરો ‘PINK’ કલરના હોય. હવે મારો જવાબ ખરેખર ‘PINK’ હોવો જોઈએ, પણ હું જવાબ આપું  ‘RED’. આમ મેં જે વાંચ્યું તેની મગજ પરની છાપ અને જે ખરેખર છે તે છાપ બન્ને અલગ છે. બીજો દાખલો – મેં એક કોમેન્ટમાં લખ્યું ‘મારે કોઈ સાબિતી કે સંદર્ભની જરુર નથી’ પણ વાંચનારે ‘સાબિતી’ શબ્દ વાંચી મનમાં નોંધ્યું કે ‘હું સાબિતી માગું છું’ અને એ આપવાનો પ્રયત્ન કર્યો. હું પણ જ્યારે કોઈ લેખ વાંચું ત્યારે મારા મનમાં જે હોય તે જ મને વંચાય, ખાસ કરીને જ્યારે મારા મતથી જુદું પડતું હોય ત્યારે મારા મનની વાત જ વંચાય, પાના પર લખાયેલી નહીં. આવી બધી વાતો આપણે પુર્વગ્રહો, માન્યતાઓ વગેરેની ચર્ચામાં કરેલ છે.

પણ, મને લાગે છે કે આ બધામાં મનમાં રહેલો ‘અહંકાર’ જ મુખ્ય ભાગ ભજવે છે. મારી જાતને પ્રસ્થાપિત કરવાનો મારો પ્રયત્ન એ મારો અહંકાર જ હોય શકે. (અહીં Achievement Motivation ની વાત નથી, એમાં તો અન્ય કરતાં જુદા પડવું જ પડે – એ વાત ફરી ક્યારેક)

હવે આજથી નક્કી કર્યું કે મારે ભટકવું નથી. એક નવો વર્ગ ઉભો કરવો અને ‘નિજાનંદ’ માટે જ લખવું. (‘નવો વર્ગ ઉભો કરવો’ એ મારો ‘સુક્ષ્મ અહંકાર’ જ હશે ને !).

તમને પણ આમંત્રણ છે મને મારી જાતને ખોળવામાં મદદ કરવાનું,  પ્રતિભાવો દ્વારા.

લાગણી – એક અવરોધ…..

‘મનુ ! ચાલો ઉઠો જોઈ, સાત વાગી ગયા ! આજે રજા છે તો થોડા પાઠ વધારે કરી લે.’ મમ્મીએ બુમ પાડી.

‘એને સુવા દે ને ! આજે તો રજા છે, પછી કરશે, આખું અઠવાડીયુ ભણવાનું જ છે ને !’ દાદી ઉવાચ.

………..અને જાગી ગયેલો મનુ ચાદર ખેંચી પાછો સુઈ ગયો.

દાદીનો પ્રેમ મનુને આગળ વધતો અટકાવે છે ? મારા દાદાને સો વર્ષ પહેલાં મારી પરદાદીએ પરદેશ જતાં રોકેલા કારણ – ‘મારો એકનો એક છોકરો. પરદેશ કેમ મોકલાય ? કંઈ થઈ જાય તો ? પરદેશમાં એનું ધ્યાન કોણ રાખે ?…’. પછી એમણે આખું જીવન એક નાના ગામમાં ગાળ્યું. આજે પણ આવું બને છે. ઘણા મિત્રોને મા-બાપની લાગણીને કારણે  કેરીયરનો ભોગ આપવો પડે છે.

પ્રગતિના અવરોધો તો ઘણા છે – માન્યતાઓ, પૂર્વગ્રહો, સામાજીકરણ – જેમાં નાનપણથી મોટા થતા સુધીના બધાનો – ઉછેરની પધ્ધતિ, વાતાવરણ, અભ્યાસ, સગવડો/અગવડો સમાવેશ કરી લઈએ. આ બધાનો ઉકેલ, મોટાં થતા માનવી લાવી શકે છે. અભ્યાસ ઓછો હોય તો ભણી શકે, સગવડ/અગવડ બદલી શકે, ઉછેરમાં રહી ગયેલી ખામીઓનું નિરાકરણ પણ લાવી શકે, પણ લાગણી ? એનું શું ?

હમણા મારી એક પોસ્ટની, અતુલભાઈની કોમેન્ટમાં પૂજ્યભાવની વાત થઈ. પૂજ્યભાવને મગજના પ્રોસેસરની લોજીકની એપ્લીકેશનમાં રન કરો તો બે બાબત નજરે પડે –  માનની લાગણી અને સમર્પણની ભાવના. એ બે ભેગા થાય ત્યારે ‘પૂજ્ય’નો જન્મ થાય. મારા મિત્રની હોંશીયારીને લીધે હું તેને માન આપું છું પણ તેના પ્રતિ સમર્પણ નથી તેથી તે પૂજ્ય નથી. સમર્પણ તો ત્યારે જ આવે જ્યારે આપણે કોઈને માન આપતા હોઈએ. ( અને માન તો હું ત્યારે જ આપું જ્યારે કોઈ મારા કરતાં ‘ચડીયાતું’ હોય, પછી ભલે એ કોઈ પણ ક્ષેત્રમાં હોય). નારીની પુરુષ માટેની મૂળભૂત લાગણી પોતાના કરતા ‘ચડીયાતા’ની છે. પહેલાં માન આવે અને ત્યારબાદ તેના પ્રતિ સમર્પણ આવે. પછી એ તેને સમર્પિત હોય. સામાન્ય સંજોગોમાં પત્ની, પતિને સમર્પિત હોય છે

માન-સન્માન, પૂજ્યભાવ, પ્રેમ, સુખ-દુઃખ, ગુસ્સો, નિરાશા, હતાશા, ધિક્કાર, માન્યતા, પૂર્વગ્રહ, આ બધા લાગણીના દ્રશ્યમાન સ્વરુપો (Outcomes) છે. બધાના પાયામાં લાગણી રહેલી છે. લાગણી ઉત્પન્ન ન થઈ શકે, નાશ ન પામી શકે, પણ પરિવર્તીત થઈ શકે. દુઃખની લાગણી અનુકુળ સંજોગો થતાં સુખની લાગણીમાં પરિવર્તન પામે, કે સુખની લાગણી દુઃખની લાગણીમાં પરિવર્તિત થાય. પ્રેમ ધિક્કારમાં બદલાય કે ધિક્કાર પ્રેમમાં પરિણમે. પણ લાગણી તો રહે જ. ટુકમાં લાગણી સુશુપ્ત અવસ્થામાં રહેલી છે, તે જાગૃત થઈને જેવા વાઘા પહેરે  તેવી વ્યક્ત થાય. સુખના વાઘા પહેરે તો સુખ વ્યક્ત થાય, દુઃખના પહેરે તો દુઃખ વ્યક્ત થાય. આપણે તો એવું તારણ કાઢી લેવાનું કે આપણા DNA માં લાગણીનું ‘જીન’ મોજુદ છે.

લાગણીને એક બંધન તરીકે આપણે સ્વીકાર્યું છે જ. પ્રેમ-બંધનના તો ઇતિહાસો રચાય ગયા. જ્યાં બંધન હોય ત્યાં ગતિને બ્રેક લાગે એ સ્વભાવીક છે. લાગણી તમારી પ્રગતિની ગતિને બ્રેક મારી શકે છે. કુટુંબની લાગણી તમારી કેરીયરમાં બ્રેક મારી શકે છે. આંખની ઓળખાણ તમને કાયદાઓમાં બંધછોડ કરવા મજબુર કરે. સંબંધોમાં અપાયેલી નોકરી નબળું કામ ચલાવી લેવા મજબુર કરે છે. આ બધાની ગંગોત્રી શોધો તો લાગણી સુધી પહોંચે છે. પરદેશમાં લાગણીનું તત્વ શોધવા જવું પડે છે, જો કે પરદેશી મિત્રો એમાં વધુ પ્રકાશ પાડી શકે. ત્યાં વિવેક છે પણ આપણે જેને લાગણી – આંખની શરમ તરીકે ઓળખીએ છીએ તેનો અભાવ છે.

તો શું પ્રગતિ માટે આપણે લાગણીશુન્ય બનવું ?

મિત્રો ! તમે ધારો તો પણ લાગણીશુન્ય નહી બની શકો, કારણ કે લાગણી એ ભારતીય સંસ્કૃતિનું મુળ છે. લાગણીશુન્ય બનવાની જરુર પણ નથી. માનવીય મુલ્યોમાં લાગણીનો સમાવેશ થઈ જ જાય છે. તમારે ફક્ત ‘સેન્સ ઓફ પ્રપોર્શન’ જાણવાની અને રાખવાની છે. લાગણીનું તોલમાપ ન નીકળી શકે, તેના ટકા ન કાઢી શકાય. પણ દરેક વ્યક્તિ તેની અનુભુતિ તો કરતો જ હોય છે. લાગણીના પ્રવાહમાં તણાતી વ્યક્તિને પણ ખબર હોય છે કે તણાય રહ્યો છે પણ સામા પ્રવાહમાં તરવાથી ગભરાતો હોય છે કે અન્ય કોઈ લાગણીના બંધાયેલા તંતુ થી પ્રવાહની દિશામાં જ વહી જાય છે અને હાથે કરીને પ્રગતિમાં જાતે જ અવરોધ ઉભો કરે છે. ‘Sense of proportion’ નું એક સરસ ઉદાહરણ યાદ આવે છે. ૧૯૮૦ની વાત છે. અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તાર છે જે ઝુપડપટ્ટી વિસ્તાર છે. આ વિસ્તારના મજુર વર્ગના કુંટુંબોમાં ઘરના બધા જ સભ્યો મજુરી કરતા હોય. હવે ઘરમાં પાંચ સભ્યો હોય અને દરેક સો રુપીયા મજુરી લાવે તો કુટુંબની રોજની આવક પાંચ સો રુપીયા થઈ. એ સમયમાં કોલેજોના પ્રોફેસરોની આવકની રોજની આટલી એવરેજ આવતી ન હતી. પણ સાંજે કુટુંબના સભ્યો ભેગા મળીને દેશી દારુની મહેફીલ માણે અને જુગારની રંગત જામે. સવારે ચાની રેકડી એ ચા પીવા જવું પડે કે ‘બ્રુકબોન્ડ’ની પાવલી  (પચીસ પૈસા)ની પડીકી લેવાની નોબત આવેલી હોય. પૈસા ની આવક ક્યાં અને કેવી રીતે ખર્ચવી, તેની Sense ના અભાવ માં જ્યાંના ત્યાં રહેવાનું થાય. લાગણીના કિસ્સામાં પણ આવું બની શકે. સુખ-દુઃખની, ખોટું લાગવા/લગાડવાની લાગણી વગેરેમાં પ્રમાણભાન જાળવવાનું થાય.

જો પ્રમાણભાન જળવાય તો લાગણી અવરોધ નહી પણ પ્રેરણાત્મક  બળ બની જાય.

અસ્તુ !

બેગાની શાદીમે હમ સબ દિવાને –

એક સમાચાર –

ભારતીય મૂળની  અંતરિક્ષ વૈજ્ઞાનિક સુનિતા વિલિયમ્સ ભારતિય સમય મુજબ રવિવારે સવારે ફરી એકવાર અંતરિક્ષની મુસાફરીએ જવાની છે. ….. સુનિતાનાં વતન મહેસાણા – ઝુલાસણમાં તેમની તસ્વીર સાથે વરઘોડો નીકળ્યો હતો. (વરઘોડાના ફોટોગ્રાફ સાથે)

નીચે વિકિપેડિયાની સુનિતા વિલિયમ્સની માહીતિ જુઓ –

http://en.wikipedia.org/wiki/Sunita_Williams

Williams was born in Euclid, Ohio to Deepak Pandya and Bonnie Pandya, who reside in Falmouth, Massachusetts; Deepak Pandya is a well-known neuroanatomist. Williams’ roots on her father’s side go back to Gujarat in India and she has been to India to visit her father’s family. She is of Slovenian descent from her mother’s side; therefore, she would be Indian-Slovenian American.

In September 2007, Williams visited India. She went to the Sabarmati Ashram, the ashram set up by Mahatma Gandhi in 1915, and her ancestral villageJhulasan in Gujarat. She was awarded the Sardar Vallabhbhai Patel Vishwa Pratibha Award by the World Gujarati Society, the first person of Indian origin who is not an Indian citizen to be presented the award. On October 4, 2007, Williams spoke at the American Embassy School, and then met Indian President Pratibha Patil at Rashtrapati Bhavan.

હવે સવાલ એ છે કે ઝુલાસણવાસીઓ એક અમેરીકન માટે ગામમાં સરઘસ કાઢીને, સલામતિ માટે અંખંડ દિવો રાખી ઉત્સવ ઉજવે છે. એક નારી તરીકે સુનીતાજીની સિધ્ધિઓને સલામ, પણ આ ઝુલુસ અને દિવો ? માની લઈએ કે મહાન નારી તરીકેની શ્રધ્ધાની અભિવ્યક્તિ કરી પણ ભારતિય મૂળની ચર્ચા શા માટે ? કેટલા અમેરીકનો ભારતિય વૈજ્ઞનિકોની સિધ્ધિઓ માટે દેવળમાં પ્રાર્થના કરે છે ? કે વિદેશમાં વસતા અમેરીકન મુળના વૈજ્ઞાનિકો માટે દેવળમાં જાય છે ?  ‘વસુધૈવ કુટુંબકં’ ગણી સલામતિની પ્રાર્થનાને પણ સ્વીકારી  લઈએ  તો પણ થોડું આત્મનિરિક્ષણ માગતો સવાલ નથી ? Indian Origin કેટલી પેઢી સુધી ગણવું ? આદમ અને ઇવનું મુળ મળે તો બધા માનવીઓ એક જ મુળના ન કહેવાય ?

મને સવાલ ‘ઘર કી મુર્ગી દાલ સમાન’ જેવો લાગે છે. ભારતીય વૈજ્ઞાનિકોની સિધ્ધિ માટે કોઈ જગ્યાએ પ્રાર્થના થતી સાંભાળી નથી. આ તો ‘પરદેશી એટલું સારુ’ – (પીળૂ એટલું સોનુ) જેવી માનસિકતા લાગે છે. આમાં ગુલામીની બદબુ આવતી હોય તેમ લાગે છે. વર્ષોની ગુલામીએ પરદેશીઓને માથે ચડાવવાની આદત પાડી દીધી હોય તેવી પ્રતિતી છે. અંગ્રેજોએ શાળાઓનો અભ્યાસક્રમ એવો બનાવ્યો કે જે તૈયાર થાય તે તેમના વહીવટી તંત્રમાં ક્લાર્ક તરીકે કામ કરે, આપણે એ જ અભ્યાસક્રમ અપનાવ્યો અને આજે વાઈટ કોલર જોબના માણસો તૈયાર કરીએ છીએ. ભારતનું બુધ્ધિધન ભારત છોડી દે છે કારણ કે સંશોધન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને જે છે તે સરકારી છે, તેમાં કામ કરતી વ્યક્તિઓને નોકરીની સલામતી છે, પગાર સારા મળે છે અને અર્થહીન પેપરો પ્રકાશિત કરવામાં રસ છે. ભારતના અબજોપતિ ઉધ્યોગ સાહસિકોને સંશોધનોમાં રસ નથી. આમીરખાનની – ‘થ્રી ઇડિયટ’ની વાંગડુની શાળા સ્થાપવામાં કોઈ ને રસ નથી. એજ્યુકેશન એક બીઝનેશ છે. હવે પ્રાઈવેટ સ્કુલોનો એવો ટ્રૅન્ડ ચાલ્યો છે કે સ્કુલ હાઈફાઈ ટેકનોલોજી સાથેની હોય, પણ કામ કરનાર શિક્ષકો – બે-પાંચ હજારના પગાર ધોરણવાળા. (સામાન્ય ચોકીદારોના પગારો પણ પાંચ હજારથી વધારે હોય છે.). સારા એજ્યુકેશનની અપેક્ષા ક્યાંથી રાખી શકાય ?

બીજો વિચાર એવો પણ આવે છે કે આપણે ઉત્સવપ્રિય છીએ ? ઉત્સવ ઉજવવાનું બહાનું શોધીએ છીએ ? સુરતમાં તો એવું જ છે. થોડા વર્ષો પહેલાંની વાત છે – આકાશમાં ઉલ્કાપાતનો નજારો જોવાના સમાચાર હતા, સુરતીઓએ પહેલેથી જ અગાસીઓમાં ફ્લડ લાઈટો ગોઠવી ચા-નાસ્તા અને સ્ટિરીયો સિસ્ટ્મ અને મિત્રો સાથે હલ્લા-ગુલ્લા શરુ કરી દીધા (ફ્લડ લાઈટના પ્રકાશમાં ઉલ્કાપાતનો નજારો કેવો દેખાય તે તો તેઓ જાણે). નિયત સમય પ્રમાણે ઉલ્કાપાત નજરે ન પડ્યો તો સુરતવાસીઓએ રોકેટો છોડી ઉલ્કાપાતની મજા માણી લીધી.

જો ઉત્સવપ્રિય હોઈએ તો શા માટે ? ‘અભાવ’ માં જીવીએ છીએ તેથી ? કે લાગણીશીલ છીએ તેથી ?

અને છેલ્લે મીડીયાનો પ્રભાવ ? સરઘસ કાઢીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવું ?

આ સવાલો એટલે ઉઠે છે કે જો એના જવાબ મળે તો આપણે કઈ દિશામાં જવું તે નક્કી કરી શકાય. તમારા મનમાં શું છે ? ….

 

વાતનો તંત પકડો !

‘સ્વ’ની ખણખોદમાં ડો. એરીક બર્નના ટ્રાન્જેકશલ એનાલીસીસની પ્રાથમિક જાણકારી વ્યક્તિના વ્યક્તિત્વનો ઓળખવા માટે લીધી. સતત ટીકા કરતા, હુકમ ચલાવતા માણસનો ક્રીટીકલ પેરન્ટ ઇગો સ્ટેટ વધારે હોય છે. આથી તેમની સાથે કામ કરવું હોય તો આજ્ઞાકિંત બાળક જેવું વર્તન કરી વધુ લાભ મેળવી શકાય, નર્ચરીંગ પેરન્ટ સાથે દયા/મદદ માગતા બાળકનું સ્વરુપ કામ આવે. પણ વાસ્તવવાદી એડલ્ટ સાથે આપણે પણ એડલ્ટ જ બનવું પડે. અહીં પેરન્ટ કે ચાઈલ્ડ બનવા જાઓ તો વાતચીત આગળ વધે જ નહીં. એ જ રીતે ચાઈલ્ડ સાથે ચાઈલ્ડ કે પેરન્ટ બની વર્તવું પડે. આ તો અન્ય સાથે વર્તન કરવાની સામાન્ય ટેકનીક થઈ, પણ સામેવાળાના ઇગો સ્ટેટને ઓળખવા, પહેલાં તેના વાણી/વર્તન સમજવા પડે. કોઈપણ સંવાદમાં બે ક્રિયા થાય. સામેવાળાને પ્રત્યુત્તર આપવા તમે કંઈક કહો (Verbal) કે ઇસારો (Non Verbal) કરો, એટલે કે તેને પ્રત્યુત્તર માટે ‘સ્ટીમ્યુલેટ’ કરો, એને ‘ટીએ’ની ભાષામાં ‘સ્ટીમ્યુલસ’ (Stimulus – S) કહે છે અને સામેવાળો આનો પ્રત્યુત્તર આપે એટલે તે ‘રીસ્પોન્સ’ (Response – R) બને. આ S અને R નો અભ્યાસ કરો તો તમને તમારો સંવાદ, કઈ રીતે સફળ બનાવવો તેની ચાવી મળી જાય. વધારે સ્પષ્ટતા નીચેના ચિત્રથી થશે.

 ‘કેટલા વાગ્યા ?’ (અહીં એક એડલ્ટ એ બીજા એડલ્ટને સ્ટીમ્યુલસ (S) આપ્યું)

‘ત્રણ વાગ્યા’ (અહીં બીજા એડલ્ટ એ પહેલા એડલ્ટને રીસ્પોન્સ (R) આપ્યો)

સીધો સવાલ સીધો જવાબ.

‘બહુ બાફ લાગે છે નહીં ?’ (અહીં એક એડલ્ટ એ બીજા એડલ્ટને સ્ટીમ્યુલસ (S) આપ્યું)

‘વરસાદના ઝાપટાને કારણે ભેજનું પ્રમાણ વધારે છે એટલે, (એડલ્ટથી એડલ્ટને જવાબ) અહીં જરાક પંખાની નજીક આવી જાઓ’ (પેરન્ટથી એડલ્ટને સ્ટીમ્યુલસ)

‘આભાર’ (એડલ્ટથી પેરન્ટને જવાબ)

Stimulus

Response

Parent – Parent

Parent – Parent

Adult – Adult

Adult – Adult

Child – Child

Child – Child

Child – Parent

Parent – Child

Parent – Child

Child – Parent

Adult – Child

Child – Adult

Child – Adult

Adult – Child

Adult – Parent

Parent – Adult

Parent – Adult

Adult -Parent

 ઉપરના બધામાં S અને R ની લીટીઓ દોરવામાં આવે તો કોઈ S અને R ની લીટી એકબીજાને કાપતી નથી. આવા સંવાદ (ટ્રાન્જેક્શન)ને ‘Complementary’ કહે છે અને બન્ને વ્યક્તિ વચ્ચે કોઈ વિવાદ થતો નથી. આ સંવાદો બાજુમાં દર્શાવ્યા પ્રમાણેના ઇગો સ્ટેટ વચ્ચે થઈ શકે છે. જે ઇગો સ્ટેટ પરથી સવાલ પુછાય તેને અનુરુપ ઇગો સ્ટેટ પરથી જવાબ અપાય. જેમકે પેરન્ટથી પેરન્ટને સવાલ પુછાય, તો જવાબ પેરન્ટથી પેરન્ટને અપાય. પેરન્ટથી ચાઈલ્ડને પુછાય તો જવાબ ચાઈલ્ડથી પેરન્ટને અપાય અને એ રીતે અન્ય. જો આ રીતે વાતચીત ચાલે તો કોઈ પ્રશ્નો થતા નથી. સંવાદ સરળ રહે છે. સાદી ભાષામાં માથાકુટ થતી નથી.

પણ જ્યારે S અને R ની લીટીઓ દોરવામાં આવે અને S અને R ની લીટી એકબીજાને કાપે અથવા ખૂણો બનાવે ત્યારે પરિસ્થિતિ અલગ બને છે

‘દિકરા, તારા દાખલા પૂરા કરી લીધાને ?’ લાગણીભર્યા અવાજે પિતાએ પુત્રને પૂછ્યું

‘કેમ ? તમે કાંઈ મારા ટીચર છો ?’ પુત્રે ઉધ્ધતાઈથી જવાબ આપ્યો.

અહીં પિતા નર્ચરીંગ પેરન્ટના સ્ટેટ પરથી બાળકના ચાઈલ્ડ ઇગોને પૂછે છે, જ્યારે પુત્ર પોતાના પેરન્ટ ઇગો પરથી પિતાના ચાઈલ્ડને સંબોધીને જવાબ આપે છે.

પછી માથાકુટ શરુ….

 

‘કેટલા વાગ્યા ?’ (એડલ્ટ થી એડલ્ટને સવાલ)

‘કેમ, કાંડે ઘડીયાલ બાંધતાં જોર પડે છે ?’ (પેરન્ટથી એડલ્ટને જવાબ)

અહીં  ‘S’ અને ‘R’ બન્ને વચ્ચે એન્ગલ બને છે અને સંવાદમાં કડવાશ આવે છે.

આમ ‘S’ અને ‘R’ બન્ને વચ્ચે એન્ગલ બને, કે ઉપરના ઉદાહરણ પ્રમાણે ક્રોસ થાય, ત્યારે વિસંવાદિતતા આવે છે, વાતચિત આગળ વધતી નથી.

 આ પ્રકાર કરતા પણ વધારે ખરાબ સંવાદ ‘ડુપ્લેક્સ’ પ્રકારના હોય છે

મોડા આવેલા કર્મચારીને બોસ પૂછે છે –

‘કેટલા વાગ્યા ?’

દેખીતો સવાલ એડલ્ટથી એડલ્ટને સમય જાણવાનો લાગે છે, પણ હકીકતમાં બોસ કર્મચારીને મોડા થવા અંગે ટકોર કરે છે. આપણે આને દ્વિઅર્થી સંવાદ પણ કહીએ છીએ. જે વધુમાં વધુ કડવાશ ફેલાવે છે.

શું સારુ તે તમે જાતે જ નક્કી કરી લેજો.

(આજની પોસ્ટ થોડી બોરીંગ લાગશે, હવે તમે અમને ભણવાશો ? એવી ચીડ ચડશે. પણ મારો ઇરાદો ફક્ત તમે તમારા વ્યવહારોને સમજીને વધુ સારા બનાવી શકો એ માટેના છે.)

નિષ્ઠા

નિષ્ઠા

ચારપાંચ વર્ષ પહેલાં ગુજરાત સરકારે, સરકારી કર્મચારીઓને ‘કર્મયોગી’ તાલીમ આપી. સામાન્ય રીતે બને છે તેમ સારું માર્કેટીંગ કરી શકતી કોઈ મેનેજમેન્ટ કંપની, જેણે મહદ અંશે વિદેશી મેનેજમેન્ટ ટ્રેઈનીંગ કાર્યક્રમોનું ભારતીયકરણ (ફક્ત ભાષાકીય) કરેલું હોય તેણે આખા રાજ્યના કર્મચારીઓને તાલીમ આપી જેમાં થોડા બીહેવીયર ઇનપુટસ આપ્યા. તાલીમ બાદ કર્મચારીઓમાં નજરે પડે તેવો સુધારો થયો નહી અને એકાદ દિવસ વર્તમાનપત્રમાં સરકારના તાલીમ ગોઠવનાર મુખ્ય અધીકારીએ પણ કબુલ્યું કે કર્મયોગી તાલીમ નિષ્ફળ ગઈ છે.

તમને લાગશે કે ‘નિષ્ઠા’ના હેડીંગ નીચે મેં તમારી મજાક શરુ કરી, પણ એવું નથી. આ તાલીમમાં જે કંઈ ખૂટતું હતું તે હતી નિષ્ઠાના વિકાસની તાલીમ. કદાચ આપણામાં જે કંઈ ખૂટે છે તે છે નિષ્ઠા. વિકાસશીલ દેશોમાં જે કંઈ ખૂટે છે તે નિષ્ઠા છે. જાપાન, જર્મની, ફ્રાંસ ગમે ત્યાં જાઓ, લોકો અંગ્રેજીને બાજુમાં મુકીને પોતાની ભાષામાં વાત કરે છે. કેમ ? તેઓમાં છે તેમની ભાષા પ્રત્યેની, પોતાના દેશ માટે ની નિષ્ઠા અને આપણે તો બાળકોને ‘રેઈન રેઈન ગો અવે’ શીખવીએ છીએ. શું ગુજરાતી ભાષામાં બાળગીતો અપ્રાપ્ય છે ? શિવાજીના હાલરડાની અંગ્રેજી કૃતિ તૈયાર ન થઈ શકે ? કે પછી અંગ્રેજી નામ પડે એટલે નીચી મુંડીએ પરદેશની ગુલામી આયાત કરી લેવાની ? આ તો આડવાત થઈ, મૂળ સવાલ હતો નિષ્ઠાના વિકાસની તાલીમ. પરદેશી તાલીમ કાર્યક્રમોમાં નિષ્ઠાનો સમાવેશ થતો નથી. કારણકે ત્યાં તેની જરુર નથી. કારખાનાના મજુરને માલીક સાથે ગમે તે પ્રશ્ન હોય તો પણ પોતાના કામ પ્રત્યે કોઈ બંધછોડ કરતો નથી. વીકએન્ડમાં ગમે તે કરે પણ અઠવાડીયાના પાંચ દિવસ કામચોરી નથી કરતો. એવું પણ વાંચ્યું છે કે હડતાલ પાડીને વિરોધ કરવાને બદલે વગર પગારે ઓવરટાઈમ કરીને વિરોધ વ્યક્ત કરે છે. આ બધુ શા માટે ? કાર્ય પ્રતિ નિષ્ઠા. દેશ પ્રત્યે નિષ્ઠા, કારણ કે હડતાલ પાડે તો દેશની (ફક્ત કારખાનાની નહી) ઉત્પાદકતા ઘટે. આપણે ‘બંધ’નું એલાન આપીને આપણા જ કારખાનાને નહી પણ અન્ય કારખાના પણ બંધ કરાવીએ છીએ. આપણું બૌધ્ધિક સ્તર ઉંચું છે પણ ફક્ત નિષ્ઠાનો આભાવ છે.

સૌ પ્રથમ તો નિષ્ઠા એટલે શું એ સમજવું પડે. મેં તેના ચોક્કસ અર્થ માટે મહેનત કરી જોઈ. ભગવત ગોમંડલમાં તેનો અર્થ શોધતાં ૧૪ અર્થ મળ્યા. આપણને ઉપયોગમાં લાગે તેવા – આસ્થા, એકાગ્રતા, લીનતા, પ્રીતિ, અનુરાગ, આસક્તિ, શ્રધ્ધા, ભક્તિ, વફાદારી. તેના જેવા અંગ્રેજી શબ્દો – Faith, Devotion, Loyalty, Concentration, Absorption. વિકીપેડિયા – ગુજરાતીમાં પણ પ્રયત્ન કર્યો, પણ તેના અર્થને બદલે તેનો ઉપયોગ વધારે નજરે પડ્યો – દેશ પ્રત્યે નિષ્ઠા, ધર્મ પ્રત્યે નિષ્ઠા, સમાજ પ્રત્યે નિષ્ઠા, કુટુંબ પ્રત્યે નિષ્ઠા, કાર્ય પ્રત્યે નિષ્ઠા. મારી પસંદગીનો અંગ્રેજી પર્યાય –  Integrity – the quality of being Honest and having strong moral, the state of being whole and undivided, internal consistency અને Loyalty અને  Devotion.

દેશમાં ઘણા ધાર્મિક ગુરુઓ અને સંપ્રદાયો આસ્થા, શ્રધ્ધા ભક્તિ શિખવવા મહેનત (?) કરી રહ્યા છે પણ એ બધા પોતાના તરફ – જે તે સંપ્રદાય, ગુરુ પ્રત્યે આસ્થા, શ્રધ્ધા અને પ્રભુભક્તિને ગુરુભક્તિ શીખવે છે, જ્યારે નિષ્ઠાની તાલીમમાં પોતાની જાત પ્રત્યે આસ્થા, શ્રધ્ધા રાખવાનું શીખવવાની વાત છે. જ્યાં સુધી વ્યક્તિને પોતાનામાં શ્રધ્ધા નહી હોય ત્યાં સુધી આત્મવિશ્વાસ નહી આવે અને આત્મવિશ્વાસ વગર કોઈ વ્યક્તિ કેવી રીતે કાર્ય કરી શકે ? બીજી વાત વફાદારીની આવે. વફાદારી કેવી રીતે શીખવી શકાય ? તમારે ફક્ત વફાદાર રહેવાથી મળતા પરિણામોનો અહેસાસ વ્યક્તિને કરાવવાનો રહે. વ્યક્તિ આપોઆપ વફાદાર બની રહે. છેલ્લે વ્યક્તિમાં પ્રીતિ, અનુરાગ જગાવવો પડે. એ ક્યારે જાગે ? જ્યારે વ્યક્તિને કોઈ વાત/વસ્તુ પસંદ પડે ત્યારે પ્રીતિ જાગે, આમ વ્યક્તિની પંસંદ શોધવી પડે.

આ તો તાલીમની વાત થઈ, પણ જો આપણે પણ આપણામાં નિષ્ઠા જગાવીએ તો  જીવન જીવવામાં મજા આવશે. તમારે ફક્ત તમારામાં – પોતાનામાં શ્રધ્ધા જગાવવાની છે, તમારે તમારી જાત પ્રત્યે વફાદાર બનવાનું છે, તમારી જાતને પ્રેમ કરવાનો છે.

કોઈ શક ?

બે અંતિમ છેડા –

બે અંતિમ છેડા –

આજે સવારમાં બે પડોશીઓને ત્યાંથી જુદાજુદા ગીત સંભળાતા હતા –

આસમાનસે આયા ફરીસ્તા ……. અને

ચીકની ચમેલી મહુવા ચઢાકે આયી …..

એક સંપુર્ણ ફેન્ટસી અને બીજુ સાવ વાસ્તવિક.

‘ઘણી’ જુની પેઢી અને નવી પેઢી.

(અત્યારના વરિષ્ટ નાગરિકો ‘ઘણી’ જુની પેઢીના નથી તેવી નોંધ લેવા યુવામિત્રોને વિનંતિ)

બે અંતિમ છેડા.

સવાલ એ છે કે સારું શું ? શું પસંદ કરવું ?

વર્તમાનપત્રમાં સમાચાર વાંચ્યા – ‘મોટીવેશન સ્પીકર શિવખેરાએ સુરતમાં લોકોને જણાવ્યું કે સૌથી વધુ સંબંધો સાચવે એ જ સફળ વ્યક્તિ.’

સંબંધો ક્યારે સચવાય ? બહેનપણીને બર્થ ડે પર આકાશના તારા તોડી લાવવાની વાત કરવાથી કે ખિસ્સામાં જેટલા નગદ હોય એટલી જ ગીફ્ટ આપવાથી ?

ભઈ ! કાંઈક એડજસ્ટમેન્ટ તો કરવું પડે. બે અંતિમ છેડા પર રહેવામાં સાર નથી. મધ્યમમાર્ગી બનવું પડે.

કેટલા મધ્યમમાર્ગી બનવું તે આપણે નક્કી કરવાનું છે. (‘લેટ ગો’ ની પોસ્ટ પર ફરી નજર કરી લેજોને !)

સંપૂર્ણ ફેન્ટસી કે સંપૂર્ણ વાસ્તવિકતાની જીંદગી એકલતા અપાવે છે. સંબંધો વિખેરાય જાય છે.

વિજ્ઞાન પણ એક્સ્ટ્રીમ થી દૂર રહેવા કહે છે, તેનો ટેકો –

વર્તમાનપત્રના એક રસપ્રદ સમાચાર, શિકાગોમાં થયેલ એક સંશોધન – પાતળા થવા માટે તમારા જાડા મિત્રોથી દૂર રહેવું. (કોઈ અંતિમ પાસે ન રહેવું)

આપણે ‘મહુવા ચડાકે’ રહીએ તો લોકો ‘શરાબી’ (બીજા કોઈની પડી જ નથી એમ) કહીને દૂર થશે અને ‘આસમાન’ માં રહીશું તો ‘તરંગી’ છે કહીને દૂર જશે.

વાસ્તવિક રહીએ પણ થોડી છુટછાટ સાથે, વિવેક સાથે.

મધ્યમમાર્ગનો અર્થ ‘દુધમાં અને દહીંમા’ એવો ન કરી શકાય. મારે કેટલી બાંધછોડ કરવી તેની સ્પષ્ટતા મન સાથે અને સામેવાળા સાથે થઈ જવી જરુરી છે.

જોઈ જુઓ ક્યાં સુધીનો મધ્યમમાર્ગ અપનાવી શકો છો …..

ભુત, ભવિષ્ય કે વર્તમાન ?

ભુત, ભવિષ્ય કે વર્તમાન ?

આપણે ક્યા કાળમાં જીવીએ છીએ ?

ભુતકાળ ? વર્તમાન કે ભવિષ્ય ?

વિજ્ઞાનની નવા નવા સંશોધનો વિષે જાણીએ કે બુધ્ધિજીવી લેખકોના લેખ વાંચીએ, પણ આ પ્રશ્ન મને વારંવાર સતાવે છે કે –

આપણે ક્યા કાળમાં જીવીએ છીએ ?

હમણાં હમણાં સમાચાર આવ્યા કે વિજ્ઞાને ‘ગોડ પાર્ટીકલ’ શોધી કાઢ્યો – જે આપણને ભ્રહ્માંડની ઉત્પત્તિ અંગે જાણકારી આપશે. મેં ઘણા વખત પહેલા એક વેબસાઈટ પર વાંચ્યું હતું કે એક વૈજ્ઞાનિકે બાયોલોજીકલ સેલમાં એક એવા કણની નોંધ કરી કે જે દ્રવ્ય અને શક્તિ વચ્ચેની અવસ્થા ધરાવતો હોય. ‘ગોડ પાર્ટીકલ’ ની નોંધ સામે યજુર્વેદનો સંદર્ભ આપી કહેવાય કે વેદકાળમાં આવા જ કણનો ઉલ્લેખ ‘હિરણ્યગર્ભ’ તરીકે કરવામાં આવ્યો છે.

આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ વિષે જાણી લીધું, હવે ? શું નવું બ્રહ્માંડ બનાવશું ?

ગોડ પાર્ટીકલની શોધ પાછળ જે અબજો રુપિયાનું આંધણ થયું તે સામાન્યજનના પ્રશ્નોના હલ માટે વપરાયા હોય તો ?

પ્રોટોન કણોને ઝડપ આપવા કેટલાય કીલોમીટરની લાંબી ટનેલો બનાવવાને બદલે સામાન્યજનને ચાલવા માટે સારા રસ્તાઓ ન બનાવી શકાય ?

ટનેલોની ટ્યુબમાં ચુંબકત્વ ઉભું કરવા વપરાતી વીજળીથી છેવાડાના ગામને અજવાળવાનો પ્રયત્ન ન કરી શકાય ?

જે બની ગયું છે તેની કડાકુટ કરવા કરતાં આજના વર્તમાનને સુધારવા પ્રયત્ન ન કરી શકાય ?

અમરત્વ મેળવવા દવાઓ શોધવાને બદલે આજનો માણસ ભલે સો વર્ષ ન જીવે  પણ જીવનના સીતેર વર્ષ પણ સુખચેનથી જીવી શકે તેવું ન કરી શકાય ?

કેટલાક લેખકો લગ્નસંસ્થાનું સ્વરુપ હવે કેવું બનશે ? તેની ચર્ચા કરી રહ્યા છે.

પણ ભાઈ ! હાલમાં જીવતા બે માણસો સુખશાન્તિથી જીવી શકે એવા ઉપાયો શોધવાની ચર્ચા કરવામાં શું મુશ્કેલી છે ?

બસ ! પ્રશ્નો જ પ્રશ્નો ….

સારુ છે કે બહુજન સમાજ પોતાના રોજીંદા પ્રશ્નોમાંથી ઉંચો આવતો નથી તેથી આવા મુદ્દાઓને ‘જસ્ટ થ્રીલ’ તરીકે લઈ ભૂલી જાય છે.

આ લખાણ અપલોડ કરવામાં મને તકલીફ લાગતી હતી, મને જેમ આ પ્રશ્નો તકલીફ પહોંચાડે છે તેમ અન્યને પણ આવી તકલીફ થાય તો ? પણ મારા મનનો ઇર્ષ્યાભાવ લાગી ઉઠ્યો – હું એકલો શું કામ ? ભલેને બીજાને પણ મારી જેમ દુઃખ થાય, એવી આશા પણ છે કે આવા ઘણા બધાનો દુઃખનો જ્વાળામુખી કોઈક દિવસ ફાટી નીકળશે અને કંઈક નવું સર્જન થશે.

આ પ્રશ્નોમાંથી નીકળવાનો એક વિચાર પણ આવે છે. પ્રકૃતિને જરા જીણવટથી નિહાળો –

બધું જ ‘સાઈક્લીક’ છે

બધા જ તારા, ગ્રહો, ઉપગ્રહો ગોળ છે અને ચક્રાકાર ગતિ કરે છે – જ્યાંથી શરુ થાય ત્યાં પાછા ફરે છે.

જીવ-જંતુ, માણસો જન્મે છે, વિકાસ પામે છે, મરે છે, જન્મે છે …

રોજ દિવસ ઉગે છે, મધ્યાન્હ થાય છે, સાંજ પડે છે, રાત્રી થાય છે અને ફરી દિવસ ….

અરે ! સજીવોના સુક્ષ્મ કોષો પણ નિર્માણ પામે છે, વિકાસ પામે છે અને નાશ પામે છે.

બ્રહ્માંડ પણ સર્જાયું, વિકાસિત થઈ રહ્યું છે અને નાશ પણ પામશે.

લગ્નસંસ્થા પણ અસ્તિત્વમાં આવી, વિકસિત થઈ અને નાશ પણ પામશે.

હવે જો આ ચક્ર ફરતું જ રહેવાનું હોય તો આ ચક્રના ક્યા સ્થાનની ચિંતા આપણે કરવી જોઈએ ?

તમે જ્યાં છો તેની કે તમે ક્યાં હતા કે ક્યાં પહોંચવાના છો તેની ?

મારી પુત્રીએ હમણા સમાચાર આપ્યા – “આપણે ‘લંડન આઈ’ (દેશી ભાષામાં લંડનનુ એક ખૂબ મોટું ચકડોળ) ની ગતિની પળેપળનો આનંદ લીધો હતો તેવું ….. સાથે ન થયું, તેઓ તો  કેબીનમાં બેસીને કેમેરામાં પાડેલા ફોટા જોવામાં મશગુલ થઈ ગયા, ટોચ પર પહોંચ્યા ત્યારે યાદ પણ કરાવ્યું કે જુઓ શહેર કેટલું સુંદર દેખાય છે, પણ એક નજર નાખી ફરી ફોટા જોવામાં મશગુલ”

આપણે શા માટે વર્તમાનનો આનંદ ભૂલી ભૂતકાળ કે ભવિષ્યને વાગોળીએ છીએ ?

મારુ તારણ તો એટલું નીકળે છે કે –

વર્તમાનના સુખ-દુઃખને માણવા જોઈએ.

તમારું ?