survival of the fittest –

શ્રી વિધ્યુત જોષીનો તા. ૧૨ એપ્રિલનો દિવ્યભાસ્કરમાં આઠમા પાના પરનો લેખ “આત્મવિલોપન આજકાલ કેમ વધતા જાય છે ?” વાંચવા જેવો ખરો. રાજકોટમાં નેપાળી પરિવારના પાંચ લોકોના આત્મવિલોપનના હૃદયદ્રાવક કિસ્સાએ સંવેદનશીલ વ્યક્તિત્વને વિચારવા મજબુર કર્યું છે. શ્રી જોષીએ આપેલા આંકડાઓમાં ધ્યાનાકર્ષક આંકડો વયજુથનો છે – આપઘાત કરનારાઓમાં ૫૯.૩ % ની વય ૨૧ થી ૪૦ વર્ષની વચ્ચે છે. જીવનના જે દાયકાઓ, વધુમાં વધુ સંઘર્ષના છે એ દાયકાઓમાં આપઘાતનું પ્રમાણ વધારે છે.  બીજા અર્થમાં જોઈએ તો ‘survival of fittest’ નો મુળ મંત્ર ઉત્ક્રાંન્તિને બદલે સામાજીક ‘ઉત્ક્રાંન્તિ’ના નવા સ્વરુપે ઉજાગર થયો છે. શ્રી જોષી નિર્દેશ કરે જ છે કે સમાજનું જુનુ માળખુ તુટી રહ્યું છે, નવી ટેકાની વ્યવસ્થા પુર્ણપણે ઉદભવી નથી. ‘ટેકો’ શબ્દએ મને તાજી લખેલી પોસ્ટ ‘ટેકો’ ની યાદ આપી. કુરકુરીયાને માનો ટેકો મળ્યો અને શિયાળમાંથી સિંહ બની ગયું. અહીં પણ જો યોગ્ય ટેકો મળી ગયો હોત તો આપઘાત સુધી ન પહોંચવું પડત.  પણ….. અહીં….

મદદ કરનારનો અભાવ છે ?… કે…

મદદરુપ થવાની પરિસ્થિતિનો અભાવ છે ?

પોતાના ઘરના બે છેડા ભેગા કરવા મથતી વ્યક્તિ પાસેથી મદદની અપેક્ષા ક્યાંથી રાખી શકાય ?

નાઈટશીફ્ટમાં આખી રાત કામ કરીને સવારે ઘેર આવેલી વ્યક્તિને પડોશીને દવાખાને લઈ જવાનો હોય તો કેવી રીતે લઈ જઈ શકે ? મદદરુપ ન થયા બદલ દુઃખ અનુભવવા સિવાય શું થઈ શકે ?

દસ બાઈ દસની ઓરડીમાં રહી માંડ માંડ પુરુ કરતા છોકરા પાસેથી ગામડેથી માબાપને બોલાવી, સાથે રાખવાની અપેક્ષા ક્યાંથી રાખી શકાય ?

અહીં સમાજનું માળખું તુટી રહ્યું છે… કે..

સમાજવ્યવસ્થાને ટેકારુપ પરિસ્થિતિ બદલાય રહી છે ?

પરિસ્થિતિ બદલાઈ છે, સમાજવ્યવસ્થાએ બદલાવું પડશે.

જે સક્ષમ છે તે ટકશે. હરીફાઈમાં ટકશો તો જીવતા રહેશો.

આ મંત્ર આજે ગળથુથીમાં જ પાવામાં આવે છે.

કે.જી.માંથી જ પર્સન્ટેઈજની ગણત્રી શરુ થઈ જાય છે. બસ દોડ લગાવો, જો જીત્યા તો ટકી ગયા. પરીક્ષાના પેપર્સ સારા ન જવાને કારણે પણ ઘણા આપઘાત થાય છે. નોકરી, પ્રમોશન, ધંધો, નફો… બસ… હરીફાઈમાં આગળ રહો.

માનવીના પુર્વજ આદિમાનવો યાદ આવી ગયા. શિકાર સાથે હરીફાઈ, જીત્યા, શિકાર તમારો.

ટુંકમાં આપણે ઉત્ક્રાંન્તિના પ્રથમ પગથિયે ફરી પહોંચી ગયા  – ‘survival of fittest’

બીજા પગથીયા પર સહકારની ભાવના ખીલવવાની થશે. તો ફરી ‘સમાજ’ અસ્તિત્વમાં આવશે.

પણ આ કરશે કોણ ?

નેતાઓ ? ગુરુઓ ? કોલમ લખનારાઓ ? સીનીયર સીટીજનો ? મૃત્યુની રાહ જોતા બુઢ્ઢાઓ ?

તે બધા સલાહો આપ્યા સિવાય કશું કરવાના નથી, કદાચ કશું કરી શકે તેમ નથી.

જે વયજુથમાં વધુ અપઘાતો થાય છે તે ૨૧ થી ૪૦ વર્ષના યુવાનોએ જ આ વિચારવું પડશે. તેઓ પોતે તો હરીફાઈમાં ઝઝુમી રહ્યા છે, પણ તેઓએ પોતાના બાળકોને તૈયાર કરવા પડશે – હરિફાઈ માટે નહી પણ એકબીજાની હુંફવાળો સમાજ બનાવવા માટે. પોતે જે હરિફાઈના ભોગ બની સહન કરી રહ્યા છે તે પોતાના બાળકોને સહન ન કરવું પડે, તે માટે યુવાનોએ જ પોતાના વિચારો બદલવા પડશે. હરિફાઈમાં જીવવા કરતાં સહકારથી જીવવું વધું સારું છે એ સ્વીકારવું પડશે.

એમના બાળકોને હરીફાઈની નવી વ્યાખ્યા શીખવવી પડશે – જાત સાથે હરીફાઈ.

અન્ય સાથેની હરીફાઈ દેખીતો ફાયદો કરાવશે પણ સાથે સથે કાવાદાવા પણ શીખવશે. પણ ‘સ્વ’ સાથેની હરીફાઈ તેમને મનુષ્યત્વની ઉત્કૃષ્ઠતા પ્રતિ લઈ જશે. અન્ય સાથેની હરિફાઈનો વિચાર જશે તો સહકારની ભાવના આપોઆપ ખીલશે.

કદાચ એમના બાળકોનો યુવાકાળ થોડો ‘ડલ’ જશે પણ એ પછીની પેઢી, એક સુદઢ સામાજીક વ્યવસ્થા સ્વરુપે બહાર આવશે.

બસ, એક પેઢીએ ભોગ આપવાની જરુર છે.

કોણ તૈયાર થશે ?