I love tears – 2

S..o..r..r..y,

એક દિવસ મોડા આવવા બદલ, પણ સાચું કહેજો, તા. ૧૦ મીની પોસ્ટ વાંચ્યા પછી, આંસુ વહાવવા જેવું કંઈ યાદ આવ્યું ? નહીં ? તો તો તમારે ચેતવું પડશે, હજી માણસ બનવાની શરુઆત થઈ નથી.

હવે મોડા આવવા બદલ ‘ખુલાસો’ આપી દઊ. (નોકરી દરમ્યાન સાહેબોને ઘણા ખુલાસાઓ આપેલા છે, એથી આદત નથી જતી). ખરેખર તો આજની વાત મારા એક પરમ મિત્રની છે જેની પાસેથી હું ઘણું શીખ્યો છું. પણ એમની અંગત વાત છે એથી લખતા પહેલા એમની સંમતિ જરુરી હતી જે લેવામાં એક દિવસ મોડું થયું. અમારા બન્નેના જીવનમાં ઘણી સામ્યતા છે. હું એમના અનુભવોની અનુભુતિ કરી શકુ છું. આથી અનુભવ એમનો, અનુભૂતિ મારી, મારા શબ્દોમાં –

“વાત ૧૯૮૧ની, રાજકોટમાં સજા કાપતો હતો, (જેલમાં નહીં !) મોટા સાહેબોને ખુશ નહી કરવા બદલ, ઘરથી દુર રહેવાની બદલીની સજા મળી હતી.

હજી તો ત્રીસી વટાવી હતી. કુંટુંબમાં નાના બાળકો પણ ખરાં. પત્ની પણ નોકરી કરે, નોકરીના સ્થળ જુદા, એકલા રહેવું પડે. પણ આજના મોટા ભાગના યુવાન મિત્રોની જેમ મને ફક્ત કેરીયર અને કેરીયર જ. ઘર શું છે ? કેમ ચાલે છે ? આવક શું ? જાવક શું ? બાળકોના ઉછેરનું શું ? કેમ થાય છે ? કોણ કરે છે ? પત્ની પર કેટલો બોજો છે? કેટલી જવાબદારી છે ? લાગણી-પ્રેમ શું ચીજ છે ? કંઈ જ જાણકારી હતી નહીં. ફક્ત રજાનો મેળ હોય ત્યારે ઘેર બધાને ‘હલો’ કહેવા જવાનું, બીજા દિવસથી ફક્ત ઓફીસ અને ઓફીસકામ. હું ફક્ત કેરીયરલક્ષી, હું જ કંઈક છું એવા અહમવાળો, મારી વાત સાચી છે એવું સાબીત કરવા પુરાવા પણ તૈયાર રાખતો, ફક્ત પોતાની જાતને જ સિધ્ધ કરવા માગતો ‘વ્યક્તિ’ હતો. ઓફીસમાં સાહેબો સાથે ‘પેપર યુધ્ધો’ તો ચાલતા રહેતા.

એક વખત મિત્ર સાથે એક ફીલ્મ જોઈ, લગભગ ‘યારાના’, તેમાં એક ગીત હતું ‘છુકર મેરે મનકો કીયા તુને ક્યા ઇશારા’. ખબર નહી પણ ત્યારે હળવો ‘એટેક’ આવી ગયો (હૃદયનો નહી .. પણ લાગણીનો). ફીલ્મ છુટ્યા પછી કંઈ બોલી શકાય તેમ હતું નહીં મુંગા મુંગા રુમ પર જઈ પથારીમાં લંબાવ્યું. થોડીવારમાં બીજો ‘એટેક’ આવ્યો અને આંખ વરસી પડી.

ઓહો ! પત્ની પર કેટલી જવાબદારી છે ? નાના બાળકોને સાચવવાની, તેમને ખવડાવવા, કપડા અરે ! બાળોતીયાં પણ બદલવા, દસ વાગ્યા સુધીમાં રસોઈ બનાવી બધાને જમાડી, તૈયાર કરી સ્કુલ અને નર્સરી તરફ સ્કુટર લઈ જવાનું, બધાને યથાસ્થાને પહોંચાડી ઓફીસે જવાનું, સાહેબો અને આસીસ્ટન્ટ્સ સાથે ભેજાફોડી કરવાની અને સાંજે છ વાગ્યે પાછો ઉલટો ક્રમ, બધાને જુદી જુદી જગ્યાએથી ભેગા કરવા, ઘેર લઈ જવાના, રસોઈ બનાવી, જમાડી, હોમવર્ક કરાવી સુવડાવવાના. એમાં પણ સરકારી કામો – લાઈટબીલ, ટેલીફોન બીલ, કરીયાણું-શાકભાજીની ખરીદી તો ઉભી જ હોય. (પુરુષમિત્રોને યાદ અપાવી દઊં કે આટલું વાચતાં તમને કદાચ ત્રણ-ચાર સેકન્ડ થઈ હશે પણ આ કામ અંદાજીત સોળ કલાકનું થાય). આ બધા દ્રશ્યો નજર સમક્ષ ઉભરાવા લાગ્યા અને સાથે આંખમાંથી આંસુ પણ. તે દિવસે ‘મનભરી’ ને રડ્યો. હૃદય શું ચીજ છે એ ખબર પડી. ખબર પડી કે જીવન જીવવા માટે કેરીયર જ નહી, કુટુંબ પણ જોઈએ, ફક્ત મગજ નહી પણ હૃદયની પણ જરુરીયાત છે.”

મિત્રો ! આ એમના જીવનનું ટર્નીંગ પોઈન્ટ અને મારા માટે જીવનને સમજવાની, વ્યક્તિ મટી ‘માણસ’ બનવાની અમુલ્ય તક. આંસુ વહે તો લાગણીનો સાચો અર્થ સમજાય. લાગણીનો પ્રવાહ વહેવાનું શરુ થાય અને તમે જીવનની નદીમાં તરવા લાગો. જો તમે યોગ્ય દિશામાં તણાય જાઓ તો ભક્ત કવિ નરસૈયો બનો, પણ દિશાહીન તણાતા રહો ક્યાં તો ડૂબી જાઓ અથવા હતાશા-નિરાશાની કોઈક કંદરામાં ફસાય જાઓ. લાગણીના પ્રવાહમાં તણાવું આનંદદાયક છે પણ દિશાહીન ન બનાય માટે તરતા રહેવું જરુરી છે. ફીલ્મોના કેટલાક દ્રશ્યો જોતાં આજે પણ મારી આંખ ભીની થાય છે. ઘણીવાર કુટુંબીજનો ઉતારી પાડે છે. “જો ‘મધર ઈન્ડીયા’ના મા-દિકરો પરણી ગયા, પતિ-પત્ની બની ગયા અને તમે ફીલ્મમાં આંસુ વહાવ્યા. આ બધા ગ્લીસરીનના આંસું હોય, જરા દુનિયાદારી સમજો”. પણ ફિલ્મમાં મને સુનીલદત્ત અને નરગીસ નહીં, ‘મા-દિકરો’ દેખાય, એ સંબંધની અનુભુતિ થાય અને હૃદય ભરાઈ આવે. આવું ‘માણસ’ ને જ થાય ને ?

 

જતાં જતાં ‘લયસ્તરો’ માંથી મળેલી શ્રી રાજેન્દ્ર શુક્લની કવિતાની પંક્તિઓ યાદ કરી લઈએ –

 

‘અભરે ભરાઈ એવી એકેક ક્ષણ મળી છે,

કોઈ વિશેષ એને છલકાવવા ન ઈચ્છે !’

 

પણ કમબખ્ત આંસુ માનતા નથી, છલકાઈ જાય છે. તમે પણ કહોને … તમારી કોઈ આવી ક્ષણ !

 

8 comments on “I love tears – 2

  1. જોશી દાદા , કેમ બાકી મુવીઝ ની અસર 🙂

    Like

  2. jitu48 કહે છે:

    પણ જુના મુવીઝ હો !

    Like

  3. yuvrajjadeja કહે છે:

    વાહ સર, મજા પડી ગઈ. મને તો લાઈફ મા અત્યાર સુધી (બાળપણ ને બાદ કરતાં) ૪ – ૫ વખત જ રડવું આવ્યું છે, પણ રડી ને હમેશા હળવાશ ફિલ કરી છે.આપ ની જેમ હું પણ જૂની ફિલ્મો નો જબરો શોખીન છું.

    Like

  4. yuvrajjadeja કહે છે:

    અરે સર રડવાનું તો મારા સિલેબસમા જ નથી ….અને છોકરીની મેટર મા રડીએ તો બાપુ શેના? 🙂

    Like

  5. […] ‘માણસ’ હોવું જરુરી. (વ્યાખ્યા માટે વાંચી લેવું – ‘I love Tears, I love tears-2) […]

    Like

  6. મારી જીંદગી ની ચેતના કહે છે:

    એક ખંભો એવો તો હોવો જોઈએ જેની પર મન મુકીને રડી શકાય …….;-(

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?