આસમાન ફટ પડા –

આસમાન ફટ પડા –

‘આટલું જ દુધ છે ?’

આસમાન ફટ પડા, ધરતી હીલ ગઈ !

સવારમાં પત્નીનો જરા ઉંચો અવાજ આવ્યો.

અમે બે જ જણ છીએ, સવારમાં દુધ લાવવાનું કામ મારે ભાગે છે. ફ્રીજમાં દુધના ક્વોટાની મને જાણ ન હતી અને હું ઓછું દુધ લાવ્યો હતો. હવે દુધ આખો દિવસ સોસાયટીને નાકે જ મળે છે અને ઘરમાં દુધનો પાવડર પણ છે, છતાં તપેલીમાં દુધ જોઈ ‘ક્વીક રીએકશન’ આવ્યું. (મુછમાં કે હોઠ દબાવી હસો નહી, તમારે પણ આવું થાય જ છે, કારણ ……)

અધીરાઈ !

મોટાભાગના લોકોમાં અધીરાઈ છે જ ! અને એના કારણે ક્વીક રીસ્પોન્સ આવતા જ હોય છે. ગુસ્સો આવે ત્યારે મનમાં દસ ગણવાની સોનેરી સલાહ બધાજ આપે છે, પણ ‘અધીરાઈ’ ન રાખવાની સલાહ કોઈ આપતું નથી. બધે ભાગંભાગ જ છે.

આ અધીરાઈ, ભાગંભાગ જરુરી છે ?

કે પછી થ્રી ઈડીયટ ની આપણે બધા ‘રેસ’ માં ભાગ લઈ રહ્યા છીએ ? પણ હાંસલ શું થાય છે ?

અધીરાઈ પાછળનું કારણ શું હોય શકે ?

ભય ?

અસલામતી ?

માનસિક તાણ ?

કે પછી ત્રણે – ત્રણ ?

મને તો ઉપરના ત્રણેયની અસર લાગે છે. પ્રથમ બે તો સમજવા સહેલા છે પણ માનસિક તાણનું એક સુરતી ઉદાહરણ આપી દઊ.

સુરતનો ટ્રાફીક બહુ રફ છે એવું તમે સાંભળ્યુ જ હશે અને કદાચ સુરતી હો તો અનુભવ્યું પણ હશે. એમાંય ટ્રાફીક સીગ્નલ પરની પરિસ્થિતિ તો બહુ વિકટ હોય છે. જેવું સીગ્નલ મળે કે ટ્રાફીક, જાણે ફોર્મ્યુલા વન નું સિગ્નલ મળ્યું હોય તેમ તીરની જેમ છુટે. બાજુની બાઈક સાઈઠ-સીતેરની ઝડપે ભાગે,  તમે ગભરાઈ જાઓ. પણ એ જ બાઈકવાળો આગળ જતા ખુલ્લા રોડ પર આવી ચાલીસની સ્પીડમાં આવી જાય. મને પહેલા નવાઈ લાગતી કે જે વ્યક્તિ ટ્રાફીકમાં હોય ત્યારે ઝડપથી ભાગે છે અને જ્યારે સ્પીડમાં જઈ શકાય છે ત્યારે કેમ ધીમો પડી જાય છે ? પણ પછી સમજાયું કે સુરતીઓ ‘સુરતી લાલા’ કહેવાય છે. લાઈફને એન્જોય કરવામાં માને છે. કોઈપણ માનસિક તાણ આવે તો તુરત એમાંથી છુટવાનો પ્રયત્ન કરે છે. આવી પરિસ્થિતિમાંથી મુક્ત થવાની અધિરાઈ આવી જાય છે. આજુબાજુનું ટ્રાફીકનું પ્રેસર જોઈ ત્યાંથી તુરત પલાયન થવાનો પ્રયત્ન કરે છે અને એક્સલરેટર દબાય જાય છે. (યાદ રહે, આ પલાયનવૃતિ નથી પણ માનસિક તાણમાંથી ઝડપથી છુટવાનો પ્રયત્ન છે.)

તમને નથી લાગતું ‘અધિરાઈ’ ઓછી કરવી જોઈએ ?