દિવાળીની રજાઓ અને વેકેશન બાદ આજે ઘણા વખતે વધુ ગમતા કાર્યમાં પરત ફર્યાનો આનંદ છે. નવા વર્ષની શુભેચ્છાઓ આપી ‘નેટ-આઊટ’ થઈ ગયો હતો, આથી મિત્રોના પ્રેમનો પ્રતિસાદ ન હતો આપી શક્યો. આપની શુભેચ્છાઓ માટે આભારી છું. આ રજાઓમાં શરીરના પંચમહાભુત ઓળખવા ‘નેચરક્યોર હોસ્પીટલ’માં રહી પડ્યો હતો. આ ‘પંચમહાભુત’ની વાત પછી, આજે દિવ્યભાસ્કરના એક લેખના સંદર્ભમાં શ્રી વિદ્યુતભાઈ જોષીને લખેલો મેઈલ કોપી-પેસ્ટ કરીને મુકું છું.
માનનીય શ્રી વિદ્યુતભાઈ,
કેટલાક ગમતા અને લગભગ નિયમિત વંચાતા કટાર લેખકોમાં આપનું નામ પણ સામેલ છે. આપના ઘણા લેખ ચોટદાર લાગે છે. આપના જેવા સિધ્ધહસ્ત લેખકને સામાન્ય વાંચકોના પ્રોત્સાહન જરુર હોતી નથી આથી ગમતા લેખ માટે મેઈલ ન કરતો હોઊં તે સ્વભાવિક છે. પણ જ્યારે કોઈ આપણા વિચારોથી અલગ રજુઆત વાંચવામાં આવે ત્યારે મનનો માંહ્યલો ખળભળી ઉઠે અને વિચારોની તલવાર લઈ પટમાં કુદી પડવાની ઇચ્છા થઈ જાય. એવું જ મારા કિસ્સામાં બન્યું – આપનો ‘દિવ્યભાસ્કર’, તારીખ ૧૭-૧૧-૨૦૧૩, ‘સમુદ્રમંથન’ માં – ‘વર્તન તાલીમ’ પર નો લેખ વાંચીને બન્યું અને એમાં પણ જ્યારે ઉદ્યોગ સાહસિકતા તાલીમની વાત કરી ત્યારે આપને મેઈલ કરવાનું પાકું થઈ ગયું. (કારણ કે મેં પણ આવી સંસ્થામાં ૨૩ વર્ષ નોકરી કરી છે. ભલે રસાયણશાસ્ત્રમાં ડૉક્ટરેટ કર્યું, પણ માનવમનના અજાણ્યા પ્રદેશોમાં ઘુમવાની નાનપણની ઇચ્છાઓ, આ સંસ્થામાં આંશિક સંતોષાઈ. શ્રી ઉદય પરીખ અને પ્રો. નાડકર્ણી પાસેથી માનવીય સંબંધો અને મોટીવેશનની એબીસીડી શીખવાની તક મળી.)
ઉપરોક્ત લેખમાંના કેટલાક વિચારો સાથે સો ટકા સહમત છું, જ્યાં નથી તે પણ નીચે પ્રસ્તુત છે.
– તાલીમ પામેલા કેટલાક લોકો સુંઠના ગાંગડે ગાંધી થઈ, પોતાની સંસ્થાઓ પણ ચલાવવા લાગ્યા. (વિ.જો.)
સો ટકા સહમત. મેં મારી સંસ્થામાં ‘ગાંધી’ નહી પણ વિદ્યાર્થી બનવાનો પ્રયત્ન કર્યો હતો, પણ નાકામ રહ્યો. (અહીં આપની સંસ્થાકીય માળખાની મર્યાદાઓની વાત સાચી રહી)
– આવી તાલીમથી વર્તન બદલી શકાય ? (વિ.જો.)

હા ! બદલી શકાય, પણ જો તાલીમને ‘ગુજરાત’ મોડેલમાં બદલવામાં આવે તો. આજ સુધી થયેલા અને થઈ રહેલા પ્રયત્નો પશ્ચિમની પ્રજા માટે તૈયાર થયેલા મોડેલ પર ચાલી રહી છે (જેમ આપણા બાળકો અંગ્રેજી સ્કુલોમાં ‘રેઈન રેઈન ગો અવે, લીટલ જોની વોન્ટસ ટુ પ્લે’ ભણે છે). એચીવમેન્ટ મોટીવેશનના પ્રો. મેકલેલેન્ડ, ઉદ્યોગ સાહસિકો માટે 13 Competences ને મહત્વ આપે છે, જેમાં Risk taking ability નો ઉલ્લેખ નથી, કારણ કે પશ્ચિમની પ્રજા નાનપણથી જ ‘સ્વતંત્રતા’ અને ‘જોખમ ઉઠાવવા’ ટેવાયેલી છે, જ્યારે ગુજરાતમાં બાવીસ વર્ષનો ‘બાબો’ પણ હોય છે. મારી ૨૩ વર્ષની કારકિર્દીમાં આમારી સંસ્થા કે અન્ય આવી સંસ્થાઓએ ‘Risk taking ability’ ને સ્કોર કરવાના કોઈ પ્રયત્નો થયા હોવાનું જાણમાં નથી. સંસ્થાઓને સરકારી ગ્રાન્ટસમાં રસ હોય છે. સંસ્થાની સફળાતા દેખાડવા માટે ફક્ત નંબર ગેઈમ ખેલાતી રહે છે. ગુજરાતના જે સમાજમાં ‘Risk taking’ ભારોભાર છે ત્યાં ઉદ્યોગસાહસિક ‘Self Organised’ નથી. જેમ કે કાઠીયાવાડના પટેલો.
– ખરેખર તો આવી તાલીમો બાદ વર્તન કેટલું બદલાયું તેનું સંશોધન કરાવવું જોઈએ. (વિ.જો.)
મને લાગે છે કે ગુજરાતના સંસ્કાર ‘સંશોધન’ના નથી અને સંસ્થાઓને પણ ફક્ત ‘Suvival’ માં જ રસ હોય છે.
– શું ઉદ્યોગસાહસિકો, સરકારી સચિવો કે પ્રધાનોને તાલીમની જરુર નથી ? (વિ.જો.)
છે જ ! પણ તાલીમ ડીઝાઈન કરતાં પહેલાં ‘Need Survey’ કરવો પડે, તાલીમ લેનારના પ્રવર્તમાન વર્તનને સમજવું પડે, પછી જે તે માટે તાલીમ યોજી શકાય. કમભાગ્યે આપણે ત્યાં એવું થતું નથી. વિદેશી રેડીમેઈડ ટાઈમ ટેબલ લઈ આવી તાલીમ ગોઠવાય જાય છે. ગુજરાત સરકારે કોઈ મોટી તાલીમ સંસ્થા દ્વારા ગુજરાતના કર્મચારીઓને તાલીમ આપવાનો ભવ્ય કાર્યક્રમ કરી નાખ્યો પણ સરકારી કચેરીઓની હાલત સુધરી નહી. મુ્ળ વાત કર્મચારીમાં ‘નિષ્ઠા’ જાગૃત કરવાની હતી જ્યારે તાલીમમાં ‘નિષ્ઠા’નો કોઈ ઉલ્લેખ જ ન હતો.
– માનવ વર્તનના ત્રણ પરિણામો છે – વ્યક્તિગત, સંસ્થાગત અને સાંસ્કૃતિક. (વિ.જો.)
સો ટકા સહમત.
પણ મારા તરફથી થો્ડી મારી સમજણ ઉમેરું તો –
ત્રણમાંથી બે પરિમાણો – સંસ્થાગત અને સંસ્કૃતિક – માનવ-વર્તનના ‘controling’ પરિમાણો કહી શકાય. ઉદાહરણરુપે, જેમ નોકરીયાત કુટુંબમાં ઉછરેલ યુવાન ઉદ્યોગસાહસિક બનવાનો પ્રયત્ન કરે ત્યારે ટેકો ન મળે, તેમ જ તેનામાં ઉદ્યોગસાહસિક બનવા માટેના કેટલાક ગુણધર્મો પણ વિકસિત ન હોય, એ સ્વભાવિક છે. પણ તેને યોગ્ય રીતે ‘Achievement Motivation’ ની તાલીમ આપવામાં આવે અને ‘Goal Clearity’ કરાવવામાં આવે તો તેનું વર્તન એવી રીતે બદલી શકાય કે જે સંસ્થાગત અને સંસ્કૃતિક પરિમાણો સામે ટકી શકે. સરકારી કચેરીઓમાં પણ જ્યાં સંસ્થાગત માળખામાં રહીને પણ ભ્રષ્ટાચાર થઈ શકતો હોય ત્યાં પ્રમાણિક માણસો મળી જ રહે છે. તમે તેને ‘અપવાદ’ કહી શકો પણ એ ‘છે’ તે હકીકત છે.
આમ હું શ્રધ્ધાપુર્વક માનું છું કે ‘તાલીમ દ્વારા માનવીનું વર્તન બદલી શકાય, જે અન્ય બે પરિમાણો – સંસ્થાગત અને સાંસ્કૃતિક – સામે ચોક્કસપણે ટકી શકે.’
બસ હવે તો મિત્રોના પ્રતિભાવોની રાહ છે…
માનનીય વિદ્યુ્તભાઈનો પ્રતિભવ તો મળી જ ગયો છે –
સ્નેહી શ્રી જગદીશભાઈ,
લેખમાં રસ લેવા બદલ આભાર . વર્તન ના ત્રણેય પરિમાણો હોય તો જ વર્તન પરિવર્તન સફળ જાય તેમ વર્તન વિજ્ઞાનીઓ કહે છે .માત્ર તાલીમ થી નહિ . આનો તર્ક સમજવો પડે .વિજ્ઞાન તર્ક પર જ ચાલે છે ને? રોથાલીસ્બર્જર અને ડિક્સન નું હોથોર્ન એક્સપેરીમેન્ટ જોઈ લેશો .વર્તન વિજ્ઞાન ના પાયામાં તે છે . આ ઉપરાંત માત્ર તાલીમથી વર્તન બદલવાના જે પ્રયાસો થયા, અને જ્યાં સંસ્થાકીય અને સાંસ્કૃતિક પરિમાણો વિરુદ્ધ હતા,ત્યાં આ ન થઇ શક્યું, તે વાત અનેક સંશોધન થી સાબિત થઇ ચુકી છે .પરંતુ જેમ જ્યોતિષમાં લોકો શ્રદ્ધા ધરાવે છે તેમ કસોટી કર્યા વિના તાલીમમાં પણ શ્રદ્ધા ધરાવે છે . પછી આ બાબત પરંપરા બની જાય છે .જેમ લગ્ન કરવા માટે વિધિ એ માત્ર કર્મકાંડ છે તેમ . પરંતુ તમે જો તમારો તર્ક સાબિત કરી શકો તો વાત સ્વીકાર્ય બને .
વિદ્યુત જોષી
Like this:
Like Loading...