ટાંટીયાખેંચ –

‘તારા સાહેબને કેમ કહેતો નથી ક્યાંક સારી નોકરી અપાવી દે. આમ સરકારી સ્કોલરશીપ પર ક્યાં સુધી રહેશો ?’

આ શબ્દો હતા ૧૯૭૫માં ભારતની એક પ્રખ્યાત રીસર્ચ ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટરના. શુધ્ધ ગુજરાતીના આ શબ્દો મને એપ્લાઈડ રીસર્ચ પ્રોજેક્ટ પર કામ કરવા માટે કરેલી અરજીના જવાબમાં સાંભળવા મળ્યા હતા. સ્કોલરશીપની રકમ પણ જાણી લો – મહીને રુ. ૩૦૦/- (અને એ સમયે સરકારી ક્લાર્કનો પગાર હતો રુ. ૪૫૦/-. જેના માટે ક્વોલીફીકેશન હતું એસએસસી પાસ અને સ્કોલરશીપ માટેની લાયકાત પીએચ.ડી.)

ભુતકાળને યાદ કરવામાં મુર્તજાની એક પોસ્ટનો હાથ છે. તાજેતરમાં થયેલા સંશોધન અંગે તેણે સમાચાર આપતા આનંદ વ્યક્ત કરતાં ઉધ્યોગ સાહસિકોને પોજેક્ટમાં રસ લેવા પ્રોત્સાહિત કરી સુંદર કાર્ય કર્યું, પણ ‘માંહ્યલા ગુણ મહાદેવજી જાણે’ પ્રમાણે હું જ, આજે મહાદેવજી થઈ વાસ્તવિકતાનો પરિચય કરાવી દઊં. મારો ભાણેજ પણ સારી ઇન્સ્ટીટ્યુટમાં સીનીયર સાયંટીસ્ટ છે પણ તક મળે ત્યારે ‘દેશદાઝ’ને ભુલી દેશ છોડવા તૈયાર છે. મારા કિસ્સામાં બન્યું તેનાથી મારો સંશોધનનો નશો ઉતરી ગયેલો અને મેનેજમેન્ટ ટ્રેઈનર બની ગયો, પણ આ પ્રસંગનું રહસ્ય પાછળથી જાણવા મળ્યું – મારા રીસર્ચ ગાઈડ અને ડાયરેક્ટર બન્ને એકબીજાના ‘___‘ ખેંચવામાં પડ્યા હતા.

આજે સરકાર સુધરી છે, સંશોધન માટે પૈસાનો પ્રવાહ વહેવડાવે છે, પણ સાથે સાથે રાજકારણીઓ પોતાની મુળભુત ટાંટીયાખેંચની વૃતિને પણ સંશોધન લેબોરેટરીના સંચાલકોને ‘સીંચે’ છે. ભારતના ‘બ્રેઈન ડ્રેઈન’ માટે સરકારી ફંડ જવાબદાર નહીં હોય પણ સંચાલન તો ચોક્કસ હશે જ. પ્રમોશનો માટેના માપદંડ, સંશોધનનોની ઉપયોગીતાના બદલે પ્રકાશીત કરેલા રીસર્ચપેપર્સની સંખ્યા અને લીધેલા પેટન્ટસની સંખ્યા પર આધારિત છે. કેટલાય રીસર્ચપેપર્સ માત્ર ભુતકાળના સંશોધનોના સર્વે પેપર્સ હોય છે અને પેટન્ટસ, માત્ર સંખ્યા માટે લેવાયેલા હોય છે, જેની ઉપયોગીતા હોતી નથી. યુવાન વૈજ્ઞાનિકો આ કાર્ય કરે પણ છે કારણ કે પ્રમોશનનો સવાલ છે. જેને ખરેખર સંશોધનમાં રસ છે એને વિદેશ જતા રહેવાનો મોહ થાય તેમાં ખોટું શું ? ઉપાયમાં એક રસ્તો દેખાય છે – ભારતની મલ્ટીનેશનલ કમ્પનીઓ રીસર્ચ માટે તગડા બજેટ ફાળવે. (જે કદાચ તેઓના ‘વેપારી’ સ્વભાવને અનુકુળ નહીં આવતું હોય.) ભુખ્યાજનોના જઠરાગ્‍ની જાગશે તેમ યુવાનોની દેશદાઝ પણ જાગશે એવી આશા સાથે ભારતની ઠેકડી ઉડાવતી જુની મજાક પણ વાંચી લો –

પરદેશની એક સંશોધન લેબોરેટરીના બે વૈજ્ઞાનિકો ડિનર પર એક ટેબલ પર ભેગા થઈ ગયા. એક વૈજ્ઞાનિક કંઈક ચિંતામાં હતો. બીજાએ ચિંતાનું કારણ પુછ્યું. બીજાએ જવાબમાં કહ્યું ‘દેડકાઓની એક બરણીને ઢાંકવાનું ભુલી ગયો છું, બધા દેડકા રાત્રે ઉછળી ઉછળીને બહાર આવી જશે અને લેબોરેટરીમાં વેરણછેરણ કરી નાખશે.’

‘ક્યા દેશના દેડકાની બરણી છે ?’

‘ભારતના દેડકાની’

‘ઓહો..હો ! શાંતિથી ઉંઘી જજે. સવારે બધા દેડકા બરણીમાં જ રહેશે, કારણ કે જેવો એક બહાર આવવાનો પ્રયત્ન કરશે કે બીજો તુરત તેનો ટાંટીયો પાછો બરણીમાં નીચે લાવી દેશે.’