ઘરવાપસી –

જુઓ તમને ‘ધર્માંતરણ’ની યાદ આવી ને ? જો કે મારે બીજી વાત કરવી છે પણ તમારા મગજમાં આવ્યું છે તો પહેલાં તેનો થોડો વિસ્તાર કરી લઈએ.

થોડા સમય પહેલાં સમાચાર પત્રોમાં ધર્માંતરણનો મુદ્દો ખુબ ચગ્યો, રાજકારણીઓ અને મીડીયાએ કાગારોળ મચાવી, પણ પછી શું થયું ? તેનો કોઈ અતોપતો નથી.

300 dpi SW Parra color illustration of many hands connecting together puzzle pieces, each with a different religious symbol. The Fresno Bee 2009 religious tolerance illustration interfaith diversity symbol symbols puzzle pieces hands working together team global belief god cross om shanti islam judaism; krtfeatures features; krtnational national; krtreligion religion; krtworld world; krt; mctillustration; belief; faith; values value; REL; 12000000; 12002000; 12006000; 2009; krt2009; parra fr contributed coddington mct mct2009 2009

(With thanks from http://penumbramag.com/)

પણ, આ મુદ્દો દરેકે વિચારવા જેવો તો છે જ.

‘ધર્મ એટલે શું ?’ એ વિચારવાનો સમય (?) મળતો નથી. કારણમાં તો યુવાનીમાં કેરીયર અને નિવૃતિમાં સ્વાસ્થ્ય નડતરરુપ છે. ( અને નિવૃતિમાં જે છે તે સ્વીકારી લેવાની વૃતિ અને ‘માથાકુટ’ (?) માં ન પડવાની વૃતિના કારણે ‘ધર્મ’ સમજ્યા સિવાય વિદાયવેળા આવી જાય છે.)

મને માથાકુટ કરવાની ઇચ્છા થઈ અને મેં ઇન્ટરનેટ પર થોડા ખાંખાખોળા કર્યા તેમાંથી જે ગમ્યું અને મારા વિચારો સાથે મેળ ખાતું હોય તે, પણ તમારા વિચારો જાણવા અહીં મુક્યું.

ધર્મ એટલે શું? એ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાની-મહાત્માઓ કહે છે કે, (ક્યાંક વાંચેલું)

ધર્મ એટલે અંતરની શાંતિ,

ધર્મ એટલે દુઃખમાંથી બચવાનો ઉપાય,

ધર્મ એટલે જીવનનું ચાલક બળ,

ધર્મ એટલે આત્માની ઉન્નતિનો માર્ગ,

ધર્મ એટલે પ્રેમ અને જ્ઞાનને જોડનારી કડી,

ધર્મ એટલે મનુષ્યમાં દેવત્વ લાવનારું તત્ત્વ,

ધર્મ એટલે માણસોની કસોટી કરવાનું સાધન,

ધર્મ એટલે મનુષ્યને ઉન્નતિના માર્ગમાં ઊડવાની પાંખો અને

ધર્મ એટલે કુદરતની બાજુમાં રહીને કામ કરવું તે,

એટલું જ નહીં પણ જીવ ઈશ્વરની નજીક જઈ શકે એવા માર્ગને ધર્મ કહે છે.

વીકીપેડીયા મુજબ – ઈ.સ. ૧૯૯૫માં સર્વોચ્ચ ન્યાયાલયે આપેલાં એક ચુકાદાનાં ભાગ રૂપે મુખ્ય ન્યાયાધિશ શ્રી. પી.બી. ગજેન્દ્રગડકરે કહ્યું હતું કે:

“જ્યારે આપણે હિંદુ ધર્મ વિષે વિચારીએ છીએ ત્યારે તેને વ્યાખ્યા આપવી કે તેને પુરતા પ્રમાણમાં વર્ણવો અસંભવ નહીં તો મુશ્કેલ તો થઈ જ પડે છે. દુનિયાનાં અન્ય ધર્મોથી ભિન્ન, હિંદુ ધર્મ કોઈ એકજ પેગંબર હોવાનો દાવો નથી કરતો; કોઈ એકજ ભગવાનને નથી પૂજતો; કોઈ એકજ સિધ્ધાંતનું અનુકરણ નથી કરતો; કોઈ એકજ તત્વજ્ઞાનીક વિભાવનામાં નથી માનતો; કોઈ એકજ જુથની ધાર્મિક રૂઢિઓ અને રિવાજો નથી પાળતો; આમ જોઈતો કોઈપણ પંથના ધર્મની સંકુચિત પરંપરાગત લાક્ષિકતાઓમાં નથી સમાતો. તેનું વ્યાપક વર્ણન માત્ર એક જીવનશૈલી તરીકે કરી શકાય.”

શરુઆતમાં વર્ણાવેલા ‘ધર્મ એટલે ….’ ના સર્વ મુદ્દાઓને ગણત્રીમાં લઈએ તો સ્પષ્ટ થઈ જાય કે ધર્મ એ જીવન જીવવાની શૈલી છે.

ગ્લોબલ ગુજરાત ન્યુઝમાં ચંદ્રીકાબેનનો સરસ આર્ટીકલ વાંચવા મળ્યો –

પ્રત્યેક વસ્તુનો પોતાનો ધર્મ હોય છે. તેના આ ધર્મની બાદબાકી થઇ જાય, તો તે વસ્તુનું વસ્તુત્વ જ નષ્ટ થઇ જાય. આપણે એ જાણીએ છીએ, કે અગ્નિનાં બે ધર્મ છે–દાહકત્વ અને પ્રકાશકત્વ. અગ્નિમાંથી આ મૂળભૂત ધર્મની ઉપેક્ષા કરીએ તો અગ્નિ રહે જ નહી. તે માત્ર લાકડું કે કોલસો જ હોય. આ મૂળભૂત ધર્મ, બહારથી આવતો નથી, પણ જે તે વસ્તુમાં ઓતપ્રોત હોય છે; તેને સહજ કે સ્વાભાવિક ધર્મ કહેવાય. તે દૂર કરી જ ન શકાય.

એક રીતે, ધર્મ તો આપણા અસ્તિત્વનો આધાર કે નિયમ, જે કોન્ફયૂશિસે કહ્યું છે કે, ‘આપણે જેને આપણા અસ્તિત્વને નિયમ માનીએ છીએ, તે જ ઇશ્વરીય કાનૂન છે. આને જ નૈતિક કાનૂન કહે છે. આ નૈતિક કાનૂન જયારે પ્રથામાં ઢળે છે, ત્યારે તે ‘ધર્મ’ બને છે.”

ગાંધીજીના ‘હિન્દુ ધર્મનું હાર્દ’ એ પુસ્તકના સંપાદક અને ચિંતક શ્રી વિશ્વાસ ખેર, તેના સંપાદકીયમાં નોંધે છે કે, ‘ધર્મ તરીકે ઓળખાતા નૈતિક કાનૂનમાંથી, આપણે જીવનભર, એકેય વાર, છટકી શકતા નથી. જેમાંથી છટકી જવાય, તે નૈતિક કાનૂન હોઇ ન શકે. આ કારણે જ નિતીમાન કે ધાર્મિક વ્યક્તિ પોતાના વિચાર અને આચાર પર સતત નજર રાખે છે. તે જાણે છે કે, જીવનમાં, અન્ય સર્વ છોડી શકાય પણ ધર્મ-ચ્યુતિ ન કરાય, ધર્મથી વિમુખ ન જ થવાય. આ ધર્મ જ જીવનનો આધાર છે. જે આપણને ધારણ કરે કે ટકાવે, તે ધર્મ. મનુષ્યને ‘મનુષ્ય’ તરીકેની ઓળખ આપે અને તે સ્વરૂપે તેને સ્થિરતા આપે તે છે ધર્મ.

‘આપણી બે અલ્પતાઓ ની પોસ્ટમાં મેં નૈતિકતાના સંદર્ભમાં થોડી વિચારણા કરી હતી –

માનવીનું જીવન પ્રકૃતિના આધારે છે. દરેક પ્રદેશનું પ્રાકૃતિક વાતાવરણ અલગ અલગ છે આથી એના નૈતિકતાના નિયમો પણ અલગ અલગ હોય એટલે ધર્મો પણ અલગ અલગ અસ્તિત્વમાં આવે ને !

નૈતિક સિધ્ધાંતો/નિયમોની સમજણ આપતા સ્વામી વિવેકાનંદના વિચારો

શ્રી અતુલ જાનીના બ્લોગ પર વાંચ્યા –

સ્વામીજીએ ‘વેદ’ નો પરિચય આપતા કહ્યું “’વેદ’ એટલે જુદા જુદા સમયે, જુદી જુદી વ્યક્તિઓએ શોધેલા આધ્યાત્મિક નિયમોનો કિમતી સંગ્રહ. જેવી રીતે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ પહેલાં પણ એ નિયમ અસ્તિત્વમાં હતો અને સર્વ માનવજાત એ ગુરુત્વાકર્ષણના નિયમને ભુલી જશે તો પણ અસ્તિત્વમાં રહેવાનો છે તેવી જ રીતે આધ્યાત્મિક વિશ્વને શાસનમાં રાખતા નિયમો વિષે સમજવાનું છે.”

આમ આપણું અસ્તિત્વ જ ‘ધર્મ’ છે.

હિંદુધર્મ બે ભાગમાં વહેંચાયેલો છે – ધાર્મિક વિધીઓ અને આધ્યાત્મ તત્વ. આધ્યાત્મ તત્વનો વિચાર ખાસ કરીને સાધુઓ કરતા હતા. આજે વહેવારિક જગતમાં ‘ધાર્મિક વિધીઓ’ ને ધર્મનું નામ આપી દીધું છે. એમાં જેને રસ નથી તે ‘નાસ્તિક’. પણ નાસ્તિક એ ‘ધાર્મિક નથી’ એમ કહી શકાય નહી.

ધાર્મિક વિધીવિધાનોના મુળમાં વીકીપેડીયાની ‘હિદુ ધર્મ’ની લિન્ક વાંચવા મળી –

ગુજરાતી વીકીપેડીયામાં હિંદુધર્મની ચર્ચામાં લખે છે –

“રામાનુજ, મધ્વાચાર્ય તથા ચૈતન્ય મહાપ્રભુ જેવા આચાર્યોની મહેનતથી હિંદુ ધર્મમાં ધરખમ ફેરફારો થયાં અને ભક્તિ યોગનાં અનુયાયીઓ, અમુક સદીઓ પહેલાં આદી શંકરાચાર્ય એ વર્ણવેલા ‘બ્રહ્મ’ની તાત્વિક વિભાવનાથી વિખુટા પડીને રામ અને કૃષ્ણ જેવા તાદ્રશ્ય અવતારોની ભાવાત્મક તથા લાગણીમય ભક્તિમાં રત થયા.”

આનો સ્પષ્ટ અર્થ એ થાય કે ‘ભક્તિમાર્ગ’ની શરુઆતથી મુળ ધર્મથી ફંટાઈને ક્રિયાકાંડ અને ધાર્મિક વિધીવિધાનોની શરુઆત થઈ. એમાંથી આજના ‘સંત-મહાત્માઓ’ અસ્તિત્વમાં આવ્યા, અને ધર્મ એ ‘ધંધો’ બની ગયો.

જ્યારે પણ કોઈ ક્રિયા ‘ritual’ બની જાય ત્યારે તેનું મુળ તત્વ વીસરી જવાય છે. તમે ઘણી વખત જોયું હશે, બાઈક પર સ્પીડમાં જતો યુવાન કોઈ મંદીર પાસેથી પસાર થાય ત્યારે ક્યાં તો હોર્ન મારે, ક્યાં તો માથે અને છાતીએ હાથ લગાડી માથુ નમાવે. આમાં ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાનું પ્રદર્શન લાગે, પણ ખરેખર તો એ ફક્ત ‘ritual’ થી વધુ કશું નથી હોતું. તેના મનમાં કુટીલ વિચારોનું ચક્ર ચાલુ જ હોય.

આવું આપણી ધર્મ અને ધાર્મિક માન્યતાઓનું છે. મંદીરે જવાનું બુઢ્ઢા થયા પછી જ હોય, યુવાનીમાં ભગવાનની કોઈ જરુર નથી, જે છે તે આપણે જ છીએ. ‘હું કરું’ એ સિવાય કશું નથી. આમ આપણે જીવનશૈલી અને ધર્મને અલગ કરી દીધા છે.

પાતંજલીના યોગસુત્રોમાં જીવનશૈલીની સુપેરે સમજ આપેલી જ છે. યોગના પ્રથમ બે ચરણો – યમ. નિયમ – એ જીવનશૈલીનું માર્ગદર્શન જ છે. પાંચ ‘યમ’ – સત્ય, અહીંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – જે વ્યક્તિએ પોતે સમાજના સંદર્ભમાં પાળવાના નૈતિક નિયમો છે. જ્યારે ‘નિયમ’ – શુદ્ધિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપૂજન – એ વ્યક્તિએ ‘સ્વ’ માટે પાળવાના નૈતિક નિયમો છે. આમ ‘યમ, નિયમ’ જીવનશૈલી ઘડવાનો આધાર છે.

………. અને ગાંધીજીના અગીયાર વ્રતો કેમ ભુલાય –

સત્ય , અહિંસા , ચોરી ના કરવી , વણજોતું ના સંઘરવું….
બ્રહ્મચર્ય ને જાતે મહેનત , કોઈ અડે ના અભડાવું…..
અભય, સ્વદેશી, સ્વાદ જ તજવો , સર્વ ધર્મ સરખા ગણવા….
આ અગિયાર મહાવ્રત સમજી, નમ્રપણે દ્રઢ આચરવા……

આ બધી ભેજાફોડીનું તારણ કાઢવું હોય તો –

પ્રત્યેક વ્યક્તિએ પ્રકૃતિના આધારે જીવન જીવવા માટેના નૈતિક નિયમો નક્કી કરી ‘સ્વધર્મ’નું નિર્માણ કરવું અને હિંદુ, મુસ્લિમ, શીખ વગેરે બાબતો ભુલી જઈ ‘સ્વધર્મ’નું પાલન કરવું.

અંતે….

સમીર દરજીના બ્લોગ પરથી કેટલાક સામાજીક પાપોની વાત –

(૧) સિદ્રાંત વિહોણી રાજનીતિ

(૨) શ્રમવિહીન સંપત્તિ 

(૩) નીતિવિહીન વ્યાપાર

(૪) ચારિત્ર-વિહીન શિક્ષણ

(૫) વિવેકવિહીન આનંદ

(૬) માનવતા વિહીન વિશ્રામ 

(૭) ત્યાગવિહીન પૂજા

ધર્મને સમજવાની મથામણમાં મારે ‘ઘરવાપસી’ની વાત કહેવાની રહી ગઈ (છેલ્લા ત્રણ-ચાર મહીના બ્લોગ પરની હાજરીની અનિયમિતતાનું કારણ) – આ ઘરવાપસી એટલે સુરતથી ગાંધીનગર પરત થયો, જ્યાં મેં સંસારની શરુઆત કરી અને જીંદગીના સ્ટ્રગલ અને સુખના ચાલીસ વર્ષો વિતાવ્યા હતા.

હવે …. સુખે ભજશુ  શ્રીગોપાળ……