અગાઊની પોસ્ટમાં રોલ મોડેલનો ઉલ્લેખ થયેલો. આપણા સબ કોન્સીયસ માઈન્ડની તાકાત સમજવી હોય તો આ રોલ મોડેલના મુદ્દાને ધ્યાનમાં લેવા જેવું છે. મનુષ્યને જીવતા રહેવા માટે જુદી જુદી પ્રેરણાઓ કામ કરે છે, જેમાંની મુખ્ય ત્રણ – સિધ્ધિ પ્રેરણા (Achievement motivation), સત્તા પ્રેરણા (Power motivation), સંબંધ (?) પ્રેરણા (Affiliation Motivation). દરેક વ્યક્તિ ત્રણે પ્રેરણા સાથે જીવન જીવે છે, દરેકનું પ્રમાણ જુદું જુદું હોય શકે – જેમકે ઉદ્યોગ સાહસિકો જેવા સાહસિકોમાં સિધ્ધિ પ્રેરણાનું મહત્વ વધારે હોય, નેતાઓ અને ગુરુ-મહારાજોમાં સત્તા પ્રેરણાનું પ્રમાણ વધારે હોય, જીવનમાં ખુબ નમ્ર અને જતું કરવાની વૃતિવાળા સંબંધ પ્રેરણાની અસર હેઠળ હોય.
‘રોલ મોડેલ’નો મુદ્દો સિધ્ધિપ્રેરણા સાથે સંકળાયેલ છે. હું મારો જ એક દાખલો આપી સમજાવવાનો પ્રયત્ન કરું.
આઠમાં ધોરણના વેકેશનમાં મારે ગામ ગયેલો. હવે આ વર્ષ સુધીમાં છકો-મકો, મિયાં ફુસકી, જુલે વર્નની કથાઓ, છાની છાની વાંચી વાંચીને ચશ્મા આવી ગયેલા અને કાયમી પહેરવા પડે તેવી પરિસ્થિતિ હતી. જ્યારે ચશ્મા પહે્રી બસમાંથી ગામના પાદરે ઉતર્યો ત્યારે ત્યાં ઉભેલા ગામના દરબારે કહ્યું.
‘આવો, ડોક્ટર’.
મારા દાદા અને આ દરબાર બંને સાથે જ જામનગર, જામસાહેબના આદેશથી આ ગામમાં વસવાટ માટે આવેલા, આથી અમારા ઘર સાથે ખુબ સારા સંબંધો. પણ વાત હતી ‘આવો ડોક્ટર’ ની. મારા સબ કોન્સીયસ માઈન્ડમાં આ ‘ડોક્ટર’ની છબી અંકીત થઈ ગઈ. એ જમાનામાં ગામડામાં ડોક્ટર જેવા વધુ ભણેલાઓને ચશ્મા હોય એવી ધારણા હતી, અને એથી જ દરબારથી અનાયાસે જ આવા ઉદગાર સરી પડેલા. મારા દુરના એક કાકા (હુલામણું નામ – ભલાકાકા) એ વખતે M.B.B.S. થયેલા, તેમને પણ ચશ્મા હતા. ખુબ જ મૃદુભાસી અને પ્રેમાળ હતા. આથી મનમાં ભલાકાકાની છબી અંકીત થઈ ગઈ. મોટા થઈને ડોક્ટર બનવું એવું મનમાં છપાઈ ગયું. પછી તો SSC થઈ કોલેજમાં દાખલ થયો. પ્રી-સાયન્સ (પ્રથમ વર્ષ) કરી, F.Y.B.Sc. માં ગ્રુપ નક્કી કરવાનું આવ્યું ત્યારે ‘B’ ગૃપ પસંદ કર્યું, જે પસાર થયે મેડીકલ લાઈનમાં જઈ શકાય. એ વખતે પણ મેરીટની માથાકુટ હતી. F.Y. માં 65 % આવ્યા અને મેડીકલનું એડમીશન અટક્યું 66 % એ. એક ટકાના ડીફરન્સમાં એડમીશન ન મળ્યું. ગુજરાત તો ઠીક પણ છેક શ્રીનગરની કોલેજ સુધી મેડીકલના ફોર્મ ભર્યા હતા, ક્યાંય એડમીશન ન મળ્યું. (ડોનેશનનો રીવાજ હતો કે નહીં, તેની જાણકારી ન હતી અને તેવડ પણ નહી) હવે ? વાંધો નહી ! જો B.Sc. માં ફર્સ્ટ ક્લાસ આવે તો B.Sc. પછી મેરીટ લીસ્ટમાં નામ આવી જ જાય. એટલે નક્કી કર્યું B.Sc. માં ફર્સ્ટ ક્લાસ મેળવી મેડીકલમાં જવું, બે વર્ષ બગડે તો ભલે પણ ‘ડોક્ટર’ તો બનવું જ. આમ S.Y. B.Sc. T.Y. B.Sc. ના બે વર્ષ વધુ કર્યા. જે વર્ષે B.Sc. કર્યું એ વર્ષે નિયમ આવ્યો કે B.Sc. માટે મેડીકલમાં ફક્ત દશ ટકા સીટ ફાળવવી. ફરી B.Sc. નું અલગ મેરીટ લીસ્ટ બન્યું અને અગાઊની જેમ અડધા ટકા માટે મેડીકલમાં એડમીશન ન મળ્યું. હવે ? માંહ્યલો ઝંપવા ન દે.
વાંધો નહીં ! M.Sc. માં જો ફર્સ્ટ ક્લાસ આવે તો મેડીકલમાં એડમીશન મળે. ફરી M.Sc.ના પ્રયત્ન ચાલુ થયા. આમ પોસ્ટ ગ્રેજ્યુએશનના છ વર્ષ ગયા અને મેડીકલના પાંચ જુદા. પણ પ્રથમ વર્ષમાં હાયર સેકન્ડ ક્લાસ આવ્યો અને એ જમાનામાં બે વર્ષના માર્કસ સંયુક્ત ગણત્રીમાં લેવાતા. અમદાવાદ બી.જે. મેડીકલના ડીનને પત્ર લખ્યો કે M.Sc. માં હાયર સેકન્ડ ક્લાસ આવે તો મેડીકલમાં પ્રવેશ મળશે ? એમનો હતોત્સાહ કરતો પ્રત્યુત્તર આવી ગયો – ‘Sorry’. બસ મેડીકલના દરવાજા બંધ. M.Sc. Part II માં ૫૪ ટકા આવ્યા. (યુનીવર્સીટી ફર્સ્ટને ૫૮ ટકા હતા, આજના ભણતરમાં ?)
M.Sc. થયા પણ પેલી ‘ડોક્ટર’ ની ડીગ્રીનું શું ?
પોસ્ટ ગ્રેજ્યુએશન પછી Ph.D. કરીએ તો, ડોક્ટર કહેવાય !
બસ, Ph.D. ના ગાઈડને મળ્યો, એક વિષય પસંદ કરી વિચાર રજુ કર્યો, પણ તેણે તો પોતાની પસંદગીનો વિષય આપ્યો. (જેથી પોતાના અન્ય સ્ટુ્ડન્ટમાં રીસર્ચ વર્કની હેરાફેરી થઈ શકે) પાંચ વર્ષે ગાઈડ સાથે લડી-ઝગડીને ડોક્ટરેટ કર્યું, થીસીસમાં તો ત્રણ વર્ષના રીસર્ચ વર્કનો સમાવેશ થયો, બે વર્ષના રીસર્ચ વર્કનું દાન ગાઈડના ‘યસ સર !’ સ્ટુડન્ટને દાન થયું. પણ અંતે નામ આગળ ‘ડોક્ટર’ લાગ્યું.
આઠમા ધોરણથી અશાંત થયેલું મન, હવે અંદરથી શાંત થયું. (જો કે ડીગ્રી પ્રાપ્ત થયા પછી તેનું કોઈ મહત્વ રહ્યું નહી અને નામ આગળ કોઈ દિવસ ડોક્ટર કહેવડાવવાનો આગ્રહ પણ રહ્યો નહી.)
આમ યુવાનો યોગ્ય રોલ મોડેલની પસંદગી કરી લે તો ધ્યેય પ્રાપ્તિની દિશામાં જવા આંતરીક બળ મળતું રહે.
કોઈ તેમનો અનુભવ કહેશે ?