તમે કેવી રીતે જુઓ છો ?

થોડા સમય પહેલાં ટીવી પર  હિન્દીમાં એક સંવાદ સાંભળ્યો –

“તુમને ઉસકે પાસ જો નહીં વો દેખા હે, ઉસકે પાસ જો હે વહ નહી દેખા !”

આપણે બધા આ જ કરીએ છીએ.

ખુબ ચવાઈ ગયેલું ઉદાહરણ – પાણી ભરેલા ગ્લાસનું –

અડધો ભરેલો ગ્લાસ બે રીતે જોઈ શકાય – ‘અડધો ખાલી છે’ અને ‘અડધો ભરેલો છે’

glass-of-water2

અડધો ખાલી છે – વાળા ‘ઉસકે પાસ નહી હે’ એ જુએ છે અને –

અડધો ભરેલો છે – વાળા ‘ઉસકે પાસ જો હે’ એ જુએ છે.

અંગ્રેજી ગુરુઓ પ્રમાણે – Positive Thinking and Negative thinking.

‘તમે કેવી રીતે જુઓ છો ?’ પોતાની જાતને જરા પુછી જુઓ ને ?

ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગોના સંદર્ભમાં એક છાપાનું કટીંગ ફેઈસબુક પર જોવા મળ્યું – ‘આશ્રમમાં પ્રેમલીલાઓ ચાલતી હતી. આશ્રમની સ્ત્રીઓમાં સાથે સુવાની હોડ લાગતી હતી.’

મારો લખનાર માટે એક જ સવાલ – કોલેજકાળની બહેનપણીની વાત તમે કેટલાને કરી ? જો તમારામાં એક મિત્રતા કબુલ કરવાની હિંમત નથી તો જે માણસ પોતાની અંતરંગ વાતો કહેવાની હિંમત દાખવે છે, એ હિંમતને તો સલામ કરો. તેણે કરેલા અસંખ્ય કાર્યોમાંથી આ એક જ મુદો શા માટે ઉઠાવો છો ? કેટલાક મિત્રો અભિવ્યક્તિની સ્વાતંત્રતાની દલીલ કરશે. મારો કોઈ વિરોધ નથી પણ વિવેક જેવી કોઈ ચીજ છે કે નહી ? ગુજરાતીમાં સામાન્ય રીતે ‘પ્રેમલીલાઓ’ શબ્દ કેવા સંજોગોમાં વપરાય છે ? કોઈપણ સંશોધનોમાં હંમેશા કશુંક વિવાદાસ્પદ હોય છે. મેડીકલ ફીલ્ડમાં દવાઓના સંશોધનો માટે કેટલાય સસલાઓ અને દેડકાઓ મારવામાં આવે છે એના માટે તો ‘કત્લેઆમ’ શબ્દ જ વાપરવો પડે ને ?

હમણા મેં વેબગુર્જરી પર એક લેખ લખ્યો, ( જે ચોક્કસપણે ગુજરાતીભાષા પર તો ન જ હતો,) આ લેખ ‘મેનેજમેન્ટ’ના સંદર્ભમાં હતો અને એમાં પ્રથમથી જ સ્પષ્ટતા છે કે આ વિષયમાં ગુજરાતી જ નહીં પણ અંગ્રેજી શબ્દો પણ વપરાશે કારણ કે આ લેખકોનો, ઉદેશ ‘મેનેજમેન્ટ’ના સિધ્ધાંતોને અજાણપણે ઉપયોગમાં લેતા લોકો માટે,  તેઓ જે સિધ્ધાંતો ઉપયોગમાં લે છે, તેનો પરિચય મેળવી પોતાના કાર્યો વધારે અસરકારક બનાવી શકે એ છે. આ ઉદેશની સિધ્ધિ તો ‘લોકબોલી’માં લખાય તો જ મેળવી શકાય. પણ ઘણા વાંચકોને શબ્દો અને શબ્દોના અર્થમાં રસ પડ્યો અને ક્યા શબ્દો ઉપયોગમાં લેવા જોઈએ તેની ચર્ચા મુળ વિષય કરતા વધારે કરી. (હશે ! પોતપોતાના રસનો વિષય છે.)

શ્રી કાંતિ ભટ્ટની કોલમ ‘આસપાસ’ મને ફાલતુ લાગે છે પણ ‘ચેતનાની ક્ષણે’નો પ્રસંશક છું. એટલે મારું તારણ તેમના માટે હકારાત્મક જ છે. મેં  ‘નેગેટીવીટી – પ્રસિધ્ધિની સીડી ?’ માં મારા વિચારો રજુ કરેલા છે. (સંબંધોના સંદર્ભમાં દ્રષ્ટિકોણ પર નજર નાખવા જેવી ખરી)

આ બધી ચર્ચાનો સાર એક જ નીકળે છે – આપણે મહદ અંશે ‘નકારાત્મક’ વિચારીએ છીએ, વર્તન કરીએ છીએ. આપણને ટપાકા ગણવામાં રસ છે રોટલા ખાવાને ઓછું મહત્વ આપીએ છીએ.

આ માનસિકતા મુળ શોધવા છેક બાળાપણ સુધી જવું પડે તેમ મને લાગે છે.

જાત જાતના કેટલાય રમકડાથી રમતું બાળક જ્યારે બીજાના હાથમાં બીજુ રમકડું જુએ તો તે જ મેળાવવા કાગારોળ કરી મુકે છે. પોતાની આસપાસ પડેલા રમકડાના ઢગલાને અવગણે છે. પોતાની પાસે જે  ‘છે’ તે નહીં, પણ ‘નથી’ તેની ધમાલ કરે છે. મોટા થતાં વિદ્યાર્થીને ૯૦ % આવે તે નહી પણા ૯૯ % ન આવ્યા તેનું દુઃખ છે અને માબાપ પણ જે આવ્યા છે તે નહી, પણ વધુ ન આવ્યાનું ગીત ગાય છે. આમ બાળપણમાં પડેલા ‘નથી જોવાના’ સંસ્કારને મજબુત કરે છે. શ્રધ્ધાળુઓ મોઢેથી ભગવાને જે ‘આપ્યું’ તેમાં સંતોષ માનવાની વાતો કરે છે, પણ એના કરતાં ‘અભાવ’ના ગીત વધારે ગાય છે અને પાછા ભગવાન પાસે ભીખારીની જેમ ઉભા રહી જાય છે. અત્યારે શ્રાવણ છે ને ! મહાદેવજી ભક્તોની ભીડમાં મુંજાય છે.

ટુંકમાં ‘અભાવ’માં, અડધા ખાલી ગ્લાસને જોવાની, આપણને ‘ટેવ’ પડી ગઈ છે.

સુટેવ હોત ચાલી જાત, પણ આ તો ‘કુટેવ’ છે, સુધારવી જ રહી.

ગુલામી –

(આજની પોસ્ટ એક મિત્રની ઇબુકમાં મુકવા માટેનો આર્ટીકલ છે. તમે વાંચીને ક્ષતિઓ તરફ ધ્યાન દોરશો તો ક્ષતિપુર્તિ કરી શકાશે અને તે પણ આપના આભારસહ)

‘લો પાણી પીઓ !’

‘લો ઠંડુ પાણી પીઓ !’

ઉપરના બે વાક્યોમાં તમને કોઈ તફાવત લાગે છે ?

પાણી શબ્દ સંભળાય ત્યારે એક ‘એબ્સોલ્યુટ’ વેલ્યુ સંભળાય, પણ જ્યારે ‘ઠંડુ’ શબ્દ સંભળાય ત્યારે ‘ગરમ’નો ઝબકારો મનમાં થાય જ. આમ કેટલાક શબ્દ સાંભળો ત્યારે તેનો વિરોધી શબ્દ યાદ આવે જ. બીજી રીતે કહીએ તો કેટલાક શબ્દ તેના ‘વિરોધી’નું અસ્તિત્વ હોવાનું યાદ અપાવે. ગરમ-ઠંડુ, કઠણ-નરમ, આઝાદી-ગુલામી……

આઝાદીની વાત કરો ત્યારે ગુલામી છે તેનો અહેસાસ થઈ જ જાય. વ્યક્તિ કહે ‘હું આઝાદી ઇચ્છુ છુ’ કે ‘આઝાદ બનવું છે’, એ બાબત જ દર્શાવે છે કે એ ગુલામ છે. જેલનો કેદી કહે મારે આઝાદી જોઈએ છે તો તે શારિરીક આઝાદી ઇચ્છે છે. કોઈ રુઢીચુસ્ત કુંટુંબની વ્યક્તિ વિચારે કે મારે પ્રેમલગ્ન કરવા છે, તો ‘સંસ્કાર’ આડા આવે. માનવી શારિરીક રીતે જ ગુલામ હોય છે એવું નથી, માનસિક ગુલામી પણ હોય –

સંસ્કારોની ગુલામી…..

સંબંધોની ગુલામી…..

માન્યતાઓની ગુલામી….

ટેવોની ગુલામી…

વિચારોની ગુલામી….

ભારત છોડી પરદેશ ગયા, સાડી છોડી જીન્સ પહેરવાનું આવ્યું. ‘હું જિન્સ ન પહેરી શકું, મારા સંસ્કાર ના પાડે છે.’ અરે ભાઈ ! ભારતમાં શોફર ડ્રિવન કારમાં, પોતાની રીતે અને પોતાના સમય પ્રમાણે ફરતા હતા, પરદેશમાં તો એક એક સેકંડના હિસાબે દોડવાનું છે તો સાડી પહેરી દોડશો ક્યાંથી ? કોઈ અતિથી આવે તો પ્રેમથી તેની સગવડ સાચવવા પોતાના સમય અને સુખ-સગવડનો ભોગ આપતા હતા, અહીં તો અતિથીએ કોઈને પ્રેમથી મળવા માટે પણ બે વિક પહેલા ‘એપોઈન્ટમેન્ટ’ લેવી પડશે. ‘અતિથી દેવો ભવઃ’ ભુલી જવું પડશે. યુવાન પુત્ર પોતાની પત્નીને લઈને અલગ એપાર્ટમેન્ટમાં, ઘરડા, અસહાય માબાપને છોડી રહેવા જતો રહેશે અને માબાપ મોં વકાશી જોતાં જ રહેશે. શું કરી શકે ? પરદેશના સંસ્કાર આ જ છે.

બદલાવું પડશે.

સંસ્કારોમાં ‘પરિવર્તન’ લાવવું પડશે.

સરળ સુખી જીવન જીવવું હશે તો સંસ્કારોમાં ‘પરિવર્તન’ લાવવું જ પડશે.

આવું જ માન્યતાઓનું છે. કોઈ કામ માટે બહાર નીકળ્યા, બિલાડી આડી ઉતરી, અરે ! અપશુકન થયા ! હવે કામમાં ભલીવાર નહી આવે. લગ્ન કરવા છે, મુહુર્ત જોવું પડે. આંખબંધ કરીને મનમાં ઝાંકસો તો કેટલીય માન્યતાઓ નજરે પડશે. કેટલીક એવી હશે કે તમને એ ‘માન્યતા’ છે એવું લાગશે જ નહીં, વાસ્તવિકતા જ લાગશે.

માન્યતાઓમાંથી છુટવું છે તો તેને ચકાસો. કેટલાય એનઆરઆઈના લગ્નો વગર મુહુર્તે થઈ ગાય. તુટ્યા હશે મતભેદ કે મનભેદ કારણે તુટ્યા હશે, પણ મુહુર્તના કારણે તો નહીં જ. કેટલાય કાર્યોમાં બીલાડી આડી ઉતર્યા પછી પણ સફળતા મળી હશે, અને જો અસફળ થયા હશો તો પેલી બિલાડી મગજમાં લટકતી હશે અને યોગ્ય નિર્ણય નહીં લઈ શક્યા હો તે કારણે, બીલાડીના કારણે નહીં.

માન્યતાઓને ચકાસો, એની ગુલામીમાંથી મુક્ત થશે.

સવારની ચા મળી નથી, મજા નથી આવતી, પાન/માવા/ફાકી ખાધી નથી, કામમાં સુસ્તી લાગે છે.

આ છે ટેવોની ગુલામી.

એમાંથી મુક્તિ ‘સજાગતા’ થી જ મળે. ચા ની ઇચ્છા થઈ. ચા પીવાના નુકશાનને યાદ કરો અને જાગૃત મનથી ચા પીવાનું ટાળો. કોઈપણ ટેવ, સારી કે ખરાબ, સજાગતાથી અપનાવો કે એમાંથી મુક્ત થાઓ. સવારમાં ફરવા જવાની ટેવ સારી, પણ કફની પ્રકૃતિ હોય તો ગરમ કપડામાં જાતને લપેટીને જાઓ.

એક ગુલામી એવી છે કે જીવનને છિન્નભિન કરી નાખે, સંબંધોની ગુલામી.

કુટુંબનું ધનોતપનોત કાઢી નાખે એવો પુત્ર હોય તો પણ તેને છોડી ન શકાય, કારણ કે લોહીનો સંબંધ છે. ડગલે ને પગલે માબાપને હડધુત કરતી હોય તો ય દીકરી છે, સહન કરી લેવું જોઈએ. આંગણામાં કચરો નાખી ગંદકી ફેલાવે તો પણ સમસમીને બેસી રહેવું પડે કારણ કે પાડોશી છે, કારણ કે પહેલા સગા પાડોશી. આવા કેટલાય સંબંધો નીભાવવા પડે છે એ ગુલામી નહીં તો બીજુ શું ?

તમે કોઈ નામ/શરીર ધારણ કરીને બેઠા છો તો સંબંધ છે. જો એ ન હોય તો સંબંધ કેવો ? મારા અનુભવે તો એવું લાગ્યું છે કે કદાચ આપણા મનમાં રહેલો ભય, ‘હું એકલો પડી જઈશ’ ‘મારુ શું થશે’, આપણને સંબંધો જાળવવા મજબુર કરે છે. એક વખત મનમાં નક્કી કરી લો કે ‘જે થવાનું છે, તે થશે જ’ તો આ ભય નીકળી જશે અને તમે સંબંધોમાંથી મુક્ત થઈ જશો. દુનીયાની દરેક વ્યક્તિ એક ‘સ્વતંત્ર અસ્તિત્વ’ છે, કોઈ કોઈના વગર અધુરુ નથી. (આ વિચારની ટ્રાય કરવા જેવી ખરી !)

આ દુનીયામાં મોટામાં મોટી ગુલામી ‘વિચારો’ની છે.

વિચારોમાંથી મુક્તિ માટે કેટલીય સલાહો આપવામાં આવે છે.

‘રોજ ધ્યાન કરો’, ‘થોડો સમય જાત સાથે ગાળો’, ‘વેકેશનમાં પ્રકૃતિની નજીક જાઓ’, ‘તમને ગમતી પ્રવૃતિમાં રચ્યાપચ્યા રહો’, ‘સકારાત્મક વિચારો કરો’

તમે એક વાત નોંધી છે – આ સલાહ ક્યાંથી આવે છે ?

સાધુ-મહાત્માઓ – (જેમણે દુન્યવી જવાબદારીમાંથી મુક્તિ મેળવી છે અથવા પોતાની જવાબદારી અન્ય માથે નાખી દીધી છે.)

સીનીયર સીટીજન – (જેમણે દુન્યવી જવાબદારી સામાજીક દ્રષ્ટિએ પુર્ણ કરી છે.)

ગુરુઓ, સલાહકારો  – (જેમણે સામાજીક સ્થિરતા મેળવી લીધી છે)

પણ તમારે તો ‘બે છેડા’ ભેગા કરવાના છે. તમે શું કરશો ? જાત સાથે ગાળવા સમય છે ? વેકેશન ગાળવા જવાનો સમય અને ‘તેવડ’ છે ?

તો વિચારોની મુક્તિ માટે શું થઈ શકે ?

એક જ રસ્તો દેખાય છે – અપેક્ષાઓ પર લગામ.

લગામનો અર્થ સ્પષ્ટ સમજી લો – અપેક્ષાઓ ન રાખવાની સલાહ નથી, અપેક્ષાઓ ન હોય તો જીવન જ નથી. પણ લગામ એટલે કોઈ અપેક્ષાનું વિશ્લેષણ. અપેક્ષા કેટલી જરુરી છે ? કેટલી રાખવી ? ક્યાં સુધીની રાખવી ? ન રાખી હોય તો શું નુકશાન ?

કદાચ આ પ્રકારે વિશ્લેષણ, અપેક્ષાઓ ઓછી કરવામાં, છોડી દેવામાં  ઉપયોગી થશે.

બસ પ્રયત્ન કરી જુઓ !

‘મુક્તિ’ તમારી રાહ જુએ છે !