એનર્જી ?

ચિકિત્સાની વિવિધ પદ્ધતિઓને સમજવાનો પ્રયત્ન ચાલે છે ત્યાં વચ્ચે ખુબ રસદાયક મસાલો મળી ગયો, આથી પોસ્ટ સંપુર્ણ થવાની રાહ જોય વિના, આટલું તો આપ સૌ સાથે શેર કરી નાખું છું.

સામાન્ય પડવું-આખડવું કે એક્સીડન્ટ અને આહારમાં અનિયમિતતા સિવાયની બીમારીઓ શરીરની ‘એનર્જી ડીસઓર્ડર’નું પરીણામ છે. ઘણી વખત આ ડીસઓર્ડરના કારણે જ પડવા-આખડવાનું કે એક્સીડન્ટ થતા હોય છે. પ્રત્યેક પદાર્થને પોતાની ‘ચેતના’ (Energy) હોય છે. જે સતત પદાર્થમાં ભ્રમણ કરતી રહે છે અને યુનીવર્સલ એનર્જી સાથે એક્સચેન્જ થતી રહે છે. આપણા શરીરમાં પણ આ ચેતનાનો પ્રવાહ વહેતો હોય છે, તેની ચોક્કસ દિશા પણ છે અને શરીરના કેટલાક બિન્દુઓ (acupoints) પર અનુભવી પણ શકાય છે. (‘રેકી’ની પોસ્ટમા ‘એનર્જી બોલ’ ના પ્રયોગનો વીડીયો પણ મુકેલ છે.) આપણા આધ્યાત્મિક વારસામાં ‘ચક્રો’ તરીકે વર્ણવાયેલા છે, ચાઈનીઝ ચિકિત્સામાં એક્યુપંક્ચર અને એક્યુપ્રેસરમાં પણ જુદા જુદા ‘પોઈન્ટ’ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે, પશ્ચિમી જગતના શરીર શાસ્ત્રમાં nerve plexus જ્ઞાન તંતુઓના નેટવર્કનો ઉલ્લેખ છે. આ જ્ઞાન તંતુઓમાં વહેતા શક્તિના પ્રવાહ વિજ્ઞાન ‘ઇલેક્ટ્રીકલ ઇમ્પસીસ’ તરીકે ઓળખાવે છે જ્યારે આપણે તેને ચેતના પ્રવાહ તરીકે ઓળખીએ છીએ.

હવે જ્યારે આ પ્રવાહમાં ખામી – વધ-ઘટ/અવરોધ સર્જાય ત્યારે બીમારીની શરુઆત થાય, અને જેની અસર મગજમાં રહેલા જ્ઞાનકોષો પર થાય અને અંતમાં શરીરની બાયોલોજી જાળવવા આ કોષો જે કાર્ય કરી રહ્યા હોય તે કામગીરી ખોરવાય અને રોગનો જન્મ થાય.

આમ જો શરીરની આ ચેતનાને સમજી, તેને યોગ્ય કરવામાં આવે તો ચેક રોગના મુળને જ નાબુદ કરી શકાય. આ સિદ્ધાંત પર ‘એનર્જી મેડીસીન’નું શાસ્ત્ર રચાયેલું છે. (જેની શાખાઓ ઘણી છે, પણ વધુ વિગતો હવે પછી….)

આજ તો નીચેનો વીડીયો જોઈ મારી જાતને શેર કરવાથી રોકી ન શક્યો.

આ વીડીયોમાં તો સ્ટ્રેસની રીલીફની વાત કરી છે, પણ અગત્યનું એ છે કે આપણે જાણે અજાણે પર એવી વર્તણુંક કરતા હોઈએ છીએ કે તે આપણી આંતરીક શક્તિને વધારે. જેમકે બહું મુંઝવણમાં માથે હાથ મુકવો કે કપાળ કુટવું. આ ‘ટેપીંગ’ મગજની શક્તિઓને વધારવા માટે જ થતી હોય છે, રસદાયક એ છે કે આપણી આ ક્રિયા આપણી જાણબહાર થાય છે. કોઈ ગુજરી જાય ત્યારે સ્ત્રીઓમાં આપણે ત્યાં છાતી કુટવાનો રીવાજ હતો. હકીકતમાં છાતીના મધ્યભાગે હાંસડી નીચે બે બિંદુઓ આવેલા છે જેને ટેપ કરવાથી દુઃખમાંથી હળવા બની શકાય છે.

O'Keeffe-(hands)

ગહન વિચારમાં ડુબેલા માણસને જુઓ તો તે પંજા પર હડપચી ટેકવે છે અને આંગળીઓ ઉપરની તરફ હોય છે. એમાંની મધ્યમાં (વચલી આંગળી) આંખની નીચે રહેલી હોય છે. આંખની નીચે મધ્ય ભાગમાં એક બિંદુ આવેલું છે જે દબાવવાથી મગજ વધારે એક્ટીવ થાય છે. આ ક્રિયા પણ અજાણતા જ કરીએ છીએ.

આવી ઘણી ક્રિયાઓ આપમેળે થતી રહે છે…..

છે ને કુદરતની કમાલ ………..

પુનઃજન્મ – ૨

પુનઃજન્મ – ૨

(યુવાન મિત્રોએ આજની પોસ્ટ વાંચવા તસ્દી લેવાની જરુર નથી. 😐 વરિષ્ઠ નાગરીકોએ ખાસ વાંચવી, જેથી ‘ઉપર’ જવામાં ટેન્શન ન રહે. 🙂  પણ અંતમાં આપેલી મેડીટેશનની વીડીયો બધાએ જોવી :idea:)

ડીસેમ્બરમાં મારા એક મિત્રનો મેઈલ ‘પુનઃજન્મ’ અંગેનો મળેલો, અને પોસ્ટરુપે આપ સૌને પણ તેનો રસાસ્વાદ કરાવેલ. ત્યારબાદ ખાંખાખોળા કરવાની ઇચ્છા હતી, પણ આ વિષયની એટલી બધી કોન્ટ્રોવર્સી છે કે તમે છાતી ઠોકીને તેનું ‘તારણ’ કહી ન શકો. પ્રત્યેક વ્યક્તિએ પોતાના વિચારોને જ વળગવું જોઈએ અને પોતાની રીતે સમજવા જોઈએ.

મેં પણ મારા કેટલાક તર્ક લગાવ્યા અને સમજવાનો પ્રયત્ન કર્યો કે પુનઃજન્મ શું હોય શકે ?

મેં કોઈ સંસ્કૃત સાહીત્ય વાંચ્યું નથી વાંચનભુખના કારણે જે કંઈ વાંચ્યું અને તેમાથી સમજવાનો પ્રયત્ન કર્યો તે મુજબ –

નાદબ્રહ્મની ઉપાસના કરતા મોક્ષમાર્ગમાં પ્રચલિત તર્ક મગજને ગમે એવો છે. આ તર્ક અનુસાર –

omkar

ૐ ની બીંદીને શક્તિના મહાસાગર તરીકે કલ્પવામાં આવેલ છે. તેની નીચે વિષ્ણુલોકની કલ્પના છે. ૐ કારના પાછળથી આપણા વિશ્વના પ્રવેશદ્વારની કલ્પના કરેલ છે. ૐ ની નીચેના ભાગમાં આપણો પૃથ્વીલોક છે અને ઉપરના ભાગમાં વિવિધલોકની કલ્પના છે. (આ અંગેનું સરસ પોસ્ટર છે, પણ હાલમાં મારી પાસે નથી અને ઇન્ટરનેટ પર ક્યાંય મળ્યુ નહી. આથી મેં મારી રીતે બાજુનું ચિત્ર બનાવ્યું છે.)

હવે ૐ ની બિંદીના શક્તિ મહાસાગરમાંથી શક્તિનું એક ટીપું કોઈ ‘કારણસર’ છુટું પડે, જે ‘મહાકારણ શરીર’ તરીકે ઓળખાય. જે બ્રહ્માંડમાં તરતું તરતું ૐ ના પ્રવેશદ્વારથી ૐ માં પ્રવેશે. ત્યાંથી એ પૃથ્વીલોક સુધી પ્રવાસ કરે, આ દરમ્યાન તે પોતાના મુળ શરીર (મહાકારણ શરીર)ની ઉપર બીજા લેયર્સ (શરીર) ચડાવી લે અને અંતે માનવી કે પશુ/પક્ષીના દેહનું લેયર ધારણ કરી લે. આ થયો મનુષ્ય જન્મ. આ આખા પ્રવાસ દરમ્યાન શક્તિના બિંદુએ સાત શરીર ધારણ કર્યા હોય છે.

sevenbodies

આ સાત શરીરની કલ્પના બીજા ગ્રંથોમાં પણ થયેલી છે. (બાજુનું ચિત્ર ફક્ત સાત શરીરની કલ્પનાને સમજવા માટે જ આપેલ, એમાં દર્શાવેલ થીયરી અલગ છે. ‘પિંડે તે બ્રહ્માંડે’ ના નિયમ આધારિત છે, જે અલગ વિષય છે) વિજ્ઞાન આપણા ફીઝીકલ બોડી પરના લેયર ‘સુક્ષ્મ શરીર’ ના પ્રમાણ મેળવી શક્યું છે. હવે ફરી યાદ કરો કે શક્તિનું બિંદુ કોઈ ‘કારણ’ થી છુટું પડેલ છે અને મનુષ્ય દેહ ધારણ કરવાનો હેતુ આ ‘કારણ’ ને શોધવાનો અને તેનું નિરાકરણ કરવાનો છે. આમ માનવ શરીર, એ મુળે ‘કારણ શરીર’ માટે એક ‘ઇન્સ્ટ્રુમેન્ટ’ છે. જો ‘ઇન્સ્ટ્રુમેન્ટ’ કારણ શોધી શકે તો તે ‘exit’ (મોક્ષ) માંથી નીકળી ફરી શક્તિના મહાસાગરમાં સમાય જાય, જો કારણ ન શોધી શકે તો જેમ ઇન્સ્ટ્રુમેન્ટ ઘસાય જાય અને ફેંકી દેવું પડે તેમ શરીરને ફેંકી દેવું પડે (મૃત્યુ) અને નવું ઇન્સ્ટ્રુમેન્ટ શોધવું પડે (નવો જન્મ). પાછી તેમાં કર્મની થીયરી લાગુ પાડવામાં આવે અને કર્મ પ્રમાણે નવો જન્મ થાય. (સારા કર્મો કર્યા હોય તો દેવલોકમાં જવાય અને પુણ્યોનો ક્ષય થતાં પાછા મનુષ્યલોકમાં પરત આવવાનું થાય.) ટુંકમાં મનુષ્ય દેહ જ મોક્ષ અપાવી શકે.

મારું શું માનવું છે …..

આ આખી વાર્તામાંથી મેં – ‘શરીર’, એ શક્તિનું એક સ્વરુપ છે – એ સ્વીકાર્યું છે. કારણ કે વિજ્ઞાને પણ સુક્ષ્મ શરીરને સ્વીકાર્યું છે. હવે જો માનવદેહ શક્તિના મહાસાગરનો એક ભાગ હોય તો કોસ્મીક એનર્જીનો સ્વીકાર પણ આપોઆપ થઈ જાય અને જ્યારે એનર્જીના સાગરની વાત આવે એટલે સાગરના ‘મોજા’ની વાત પણ આવે. સાગરમાં મોજાઓ ઉત્પન્ન થાય છે અને લય પામે છે. તો એવું કહી શકાય કે મોજાનું ઉત્પન્ન થવું એટલે માનવીનો જન્મ, ધીમે ધીમે મોજું મોટું થાય – માનવી પણ મોટો થાય, છેલ્લે નાનું થતા થતા (વૃધ્ધાવસ્થા) લય પામે (મૃત્યુ). આ માટે તમારે મોજું બનવાની અને લય પામવાની ક્રિયાને સ્લો મોશનમાં કલ્પવી પડશે.

waves

હવે પુનઃજન્મના વિજ્ઞાને શોધેલા દાખલાઓમાં પુનઃજન્મ પામેલા જાતકોમાં (કેમ લાગ્યું ? શાસ્ત્રીય શબ્દ છે !) બર્થમાર્ક કે વિચારો/ટેવો બીજા જન્મમાં પણ દેખાય છે. બાજુના ચિત્રમાં મેં ‘વેવ’નું ચિત્ર બનાવ્યું છે. પહેલા મોજા પર જે ટપકા મુક્યા છે તેને આપણે ‘વિચાર’ ગણી લઈએ. લય પામતા મોજા સાથે તે પણ નીચે આવે અને એ જ પાણી નવા મોજામાં પરિવર્તિત થાય ત્યારે એ વિચારો (ચિત્રમાંના ટપકા) ફરી એ જ જગ્યાએ બનેલા નવા મોજા પર જ રહે. આમ નવા જન્મમાં બર્થમાર્ક કે વિચારોનું વહન થાય. દરેક નવા બનતા મોજા પર નવો કચરો (વિચારો) ભેગો પણ થાય અને દુર પણ થાય.

રેકી અને વિપશ્યના પણ શરીરને ‘એનર્જી’ ના સ્વરુપે સ્વીકારે છે. એ અંગે વધુ વિચારો અગાઊની પોસ્ટમાં વ્યક્ત કરેલા જ છે.

https://bestbonding.wordpress.com/2012/06/02/reiki-1/

https://bestbonding.wordpress.com/2012/06/04/reiki-2/

https://bestbonding.wordpress.com/2012/06/05/reiki-3/

https://bestbonding.wordpress.com/2012/06/22/life-after-life/

ધ્યાન અને એસ્ટ્રલ પ્રોજેક્શનનો સુદર વીડીયો નીચેની લીન્ક પર છે. (સમય જોઈશે પણ જરુર જોજો)

http://www.youtube.com/watch?v=4KMUXPu4kwM

Meditation and astral projection explained

 

આપણ કોન્સીયસ વિષે બીબીસીનો નીચેનો વીડીયો પણા જોવા જેવો છે. (ટેકનીકલ વધારે છે, મને તો ટપો પડવામાં મુશ્કેલી પડી છે.)

http://www.youtube.com/watch?v=sNc52LmHgUs

BBC Documentary on Consciousness

અને છેલ્લે, ક્યાંક એક સમાચાર વાંચ્યા હતા કે વૈજ્ઞાનિકો મૃત્યુ પામતા માણસમાં કેટલો વેઈટ લોસ થાય છે એનું સંશોધન કરેલું – એટલે કે જીવતા માણસ અને મૃત્યુ પામેલો માણસ – એ બંને વચ્ચે ૨૪ ગ્રામનો તફાવત આવેલો. આમ આપણી ‘ચેતના’નું વજન ૨૪ ગ્રામ છે.

ટુંકમાં શરીરનું મહત્વ નથી, તે એક સાધન છે, અથવા તો બીજા શબ્દોમાં ઘનીભુત થયેલી ‘શક્તિ’ છે. સાધન ઘસાય જાય તેમ શરીર ઘસાય જાય અને ફરી ‘શક્તિ’માં પરિવર્તિત થાય. વિચારો પણ ‘ડેન્સ એનર્જી’ છે એ પણ શરીરના અસ્તિત્વ સાથે ફરી શક્તિ સ્વરુપમાં ફેરવાય જાય.

ઉદાહરણથી સમજવા –

હવામાં વિખેરાયેલી વરાળ –   વાદળ       –   બરફ

કોસ્મિક એનર્જી             –   સુક્ષ્મ શરીર –   શરીર

‘રેકી’ – એક વૈજ્ઞાનીક સારવાર પધ્ધતિ – (૨)

‘રેકી’ – એક વૈજ્ઞાનીક સારવાર પધ્ધતિ – (૨)

શરીર અને ઉર્જાના સંબંધ, અગાઉ આપણે વિપશ્યનાની પોસ્ટમાં જોયો છે અને ઉર્જા શરીરની ચર્ચા પણ કરી છે. આપણું શરીર એક ઘનીભૂત ઉર્જા (Dense Energy)નું સ્વરુપ છે, એમ કહી શકાય. કારણ કે અતિસુક્ષ્મ (sub atomic level) સ્તરે પ્રોટોન/ઈલેક્ટ્રોન અને એવા જ બીજા કણો સતત પોતાનું સ્વરુપ બદલતા રહે છે. કોઈ કારણસર આ ઉર્જા ક્ષીણ થાય કે નબળી પડે ત્યારે શરીરમાં માંદગી પ્રવેશે. જો માંદગી દૂર કરવી હોય તો આ ક્ષીણ થયેલી ઉર્જાની પૂર્તિ કરવી પડે. આ કાર્ય બે રીતે થઈ શકે –

૧. બહારથી જરુરી ઉર્જા આપીને,

૨. એવો ઘન પદાર્થ આપીને કે જેમાથી ઉર્જા છુટી પડીને ક્ષતિ પામેલી ઉર્જાની પૂર્તિ કરે અને માંદગી દૂર થાય. (અગાઉ આપણે જોયું જ છે કે માસમાંથી (ઘનપદાર્થમાંથી, Mass) ઉર્જા અને ઉર્જામાંથી માસ વચ્ચે પરિવર્તન થતું રહે છે.)

બીજા પ્રકારના ઉપાયોથી આપણે સૌ સુપરીચિત છીએ –

૧. એલોપથી – ચોકકસ પ્રકારના રસાયણીક પદાર્થો (દવા) આપીને ,

૨. આયુર્વેદ – કુદરતમાં મળતા પદાર્થોનો ઉપયોગ કરીને,

૩. હોમીયોપથી – મહદ અંશે ચોકકસ પ્રકારના ક્ષાર (ધાતુમાંથી બનેલા પદાર્થો) આપીને,

૪. નેચરોપથી – શરીરમાં જ ઉર્જા ઉત્પન થવા માટે યોગ્ય વાતાવરણ સર્જીને.

દરેક પ્રકારના ઉપાયોને પોતાના લાભ-ગેરલાભ છે.

(નીચે, ઉપચાર પધ્ધતિના લાભ-ગેરલાભની ચર્ચા કરી છે જે રેકીના મુળ વિષય સાથે સુસંગત નથી, પણ સ્વાસ્થ્ય પર રેકીની અસર વધારે સ્પષ્ટ થાય એ હેતુથી તમારો થોડો વધુ સમય લીધો છે.)

એલોપથીમાં સંકેન્દ્રીત (concentrated) રસાયણોનો (કાર્બનિક પદાર્થો) ઉપયોગ થતો હોવાથી, શરીરને જરુરીયાત મુજબ, તેનું પ્રમાણ જળવાતું નથી અને આપણું શરીર તેને (રસાયણને) કન્ટ્રોલ કરી શકતું નથી તેથી આડ અસર થવા સંભવ છે. જેમ ડોક્ટર દવા આપે ત્યારે, જરુર જણાય ત્યાં એસીડીટીને કન્ટ્રોલ કરવાની પણ દવા આપે છે. આમ દવા તરીકે લીધેલ રસાયણની અસર રોગ સિવાય શરીરની બીજી પ્રક્રીયા પર પણ થાય છે. લિમ્બુપાણી પીવાથી ફાયદો થઈ શકે પણ લિમ્બુનાફુલ (સાઈટ્રીક એસીડ) લેવાથી નુકશાન થાય. કારણ કે લિમ્બુપાણીમાં રહેલા કુદરતી સાયટ્રીક એસીડને આપણું શરીર કન્ટ્રોલ કરી શકે છે, પણ શુધ્ધ સાયટ્રીક એસીડને કન્ટ્રોલ કરી શકતું નથી. એલોપથીમાં જરુરી રસાયણો તુરત મળતા હોવાથી તેની અસર પણ તુરત થાય છે. આજના સ્પીડના જમાનામાં લોકો આડ અસરોને અવગણીને કે સહન કરીને પણ સમય બચાવતી એલોપથી વધુ પસંદ કરે તે સ્વભાવીક છે.

આયુર્વેદમાં તો ‘આહાર એ જ ઔષધ’ નું સુત્ર પ્રચલીત છે. કુદરતમાં મળતા પદાર્થોનો ઉપયોગ કરી આ ઉપચાર થાય છે, આથી આડ અસરો નથી પણ દવા આપનાર સારો વૈદ્ય હોવો જરુરી છે. બીજી મુશ્કેલી સમયની છે, દવા કુદરતી રીતે કાર્ય કરતી હોવાથી વધુ સમય લે છે. હોમીયોપથીમાં ધાતુ અને ધાતુના ક્ષારોનો (અકાર્બનિક પદાર્થો) ઉપયોગ થતો હોવાથી, તેને, આપણા શરીરને જરુરી એવા રસાયણમાં બદલવામાં સમય લાગે છે. જ્યારે નેચરોપથીમાં શરીરને જ રોગ પ્રતિકારક બનાવવાનું હોવાથી સમય પણ લાગે છે અને વ્યક્તિએ ખુદ મહેનત કરવી પડે છે.

આ બધાથી અલગ ‘રેકી’ની સારવાર છે.

(હવે પછીનું લખાણ મેં રેકીને સમજવા જે તર્કનો ઉપયોગ કર્યો તે આધારીત છે. કોઈ રેકી માસ્ટરને તેમાં ક્ષતિ લાગે અને યોગ્ય સુધારો સુચવશે તો લખાણ વધારે સચોટ બનાવી શકાશે.)

આ સારવારમાં ઉર્જાની પૂર્તિ સીધી ઉર્જા દ્વારા જ કરવામાં આવે છે. આથી ખૂબ ઝડપી હોવી જોઈએ. પણ એવું બનતું નથી. એનુ કારણ, રેકી દ્વારા સારવાર કરનાર વ્યક્તિમાં રહેલું છે. સૌ પ્રથમ તો આપણે એ સમજવું પડે કે જો આપણે ઉર્જાના મહાસાગરમાં તરતા હોઈએ તો ઉર્જા સીધી જ આપણને કેમ મળતી નથી ? ઉર્જાનુ વહન જુદીજુદી ફ્રીક્વન્સી દ્વારા થતુ હોય છે. દા.ત. રેડીયો સ્ટેશનો જુદીજુદી ફ્રીક્વન્સી દ્વારા તેનું પ્રસારણ કરે છે. તમારે જે સ્ટેશન સાંભળવું હોય તેની ફ્રીક્વન્સી તમારા રેડિયોસેટમાં ‘ટ્યુન’ કરવી પડે, તો જ તમે તે સ્ટેશન સાંભળી શકો. વૈશ્વિક ઉર્જા અસંખ્ય ફ્રીક્વન્સીઓ દ્વારા વહે છે. આપણા શરીરને ચોક્ક્સ ફ્રીક્વન્સીની જરુર છે. આપણે એ ફ્રીક્વન્સી જાતે ટ્યુન કરી શકતા નથી. જે વ્યક્તિ રેકી સારવાર આપે છે તે વ્યક્તિ વૈશ્વિક ઉર્જામાંથી માનવ શરીરને અનુરુપ ફ્રીક્વન્સી ગ્રહણ કરી શકે છે અને માનવ શરીરોની સરખી ફ્રીક્વન્સી હોવાના કારણે ઉર્જા તેના શરીરમાંથી આપણા શરીરમાં પ્રવેશી શકે છે. આમ રેકી આપનાર વ્યક્તિ ફક્ત વૈશ્વિક ઉર્જા અને આપણા શરીર વચ્ચે ચેનલ-પાઈપલાઈનનું કામ કરે છે. રેકી આપી શકાતી નથી તે ગ્રહણ કરવાની હોય છે. હવે પાણીની પાઈપલાઈનમાં કચરો હોય તો પાણીનો પ્રવાહ વહેશે નહી અથવા ઓછો વહેશે. રેકી આપનાર વ્યક્તિમાં જો નકારાત્મક વિચારોના અવરોધો હોય તો તેના શરીરમાં સહસ્ત્રાર ચક્ર – માથામાંથી દાખલ થતી ઉર્જાનો પ્રવાહ અવરોધાય છે અને દરદી સુધી પહોંચતો નથી, એજ પ્રમાણે જો રેકી આપનારમાં જ ઉર્જાની કમી હોય તો તેણે ગ્રહણ કરેલી ઉર્જા દરદી સુધી પહોંચવાને બદલે તેના પોતાના જ શરીરમાં વપરાય જાય છે. જવલેજ મળતા સંત-મહાત્માઓ, શરીર અને મનથી સ્વસ્થ હોય છે, તેથી તેમનો સ્પર્શ થતાં જ દરદી રોગમુક્ત થાય છે. એક બીજો મુદ્દો પણ નોંધવો જરુરી છે. જેમ રેકી આપી શકાતી નથી તેમ જો રેકી લેનારની – ગ્રહણ કરનારની ઇચ્છા રેકી લેવાની ન હોય તો પણ રેકી પ્રાપ્ત થતી નથી. આમ રેકી આપનારની ક્ષમતા અને રેકી લેનારની ઇચ્છા પર રેકીની સારવાર નિર્ભર છે.

જો રેકીમાં શ્રધ્ધા પડે તો સારા રેકી માસ્ટર પાસે ‘એટ્યુનમેન્ટ’ લઈ (દીક્ષા લઈ), રેકીની પ્રથમ ડીગ્રી મેળવી, જાતે જ પોતાની સારવાર કરવી. ઘણા ફાયદા થશે, શરીર સાથે મન પણ સ્વસ્થ થશે.

અસ્તુ !

‘રેકી’ – એક વૈજ્ઞાનીક સારવાર પધ્ધતિ – (૧)

‘રેકી’ – એક વૈજ્ઞાનીક સારવાર પધ્ધતિ – (૧)

રેકી અંગે પ્રાથમીક માહિતી તો  મેળવી, પણ તેના વૈજ્ઞાનીક આધારનું શું ?

આની શરુઆત છેક ‘કોસ્મીક એનર્જી’ના પાયાથી કરવી પડે, કારણ કે રેકીનો પાયો કોસ્મીક એનર્જી છે. અંતહીન વિશ્વમાં (‘આખું’ તો લખી નહી શકાય, કારણ કે વિશ્વના આદી અને અંતની જાણ મનુષ્યને છે જ નહી) કોસ્મીક એનર્જી ફેલાયેલી છે, એવું પણ કહી શકીએ કે વિશ્વમાં બે જ બાબતો અસ્તિત્વ ધરાવે છે – એનર્જી – Energy (ઉર્જા) અને માસ – Mass (સાદી સમજણ માટે – પદાર્થ).

આઈન્સ્ટાઈને આ બન્નેને એક સુત્રથી એક્બીજાથી રીપ્લેસ કરી આપ્યા – E = MC2. ઉર્જા (E) એટલે તો સમજણ છે જ, પણ માસ (M) એટલે શું ? (‘C’ અચળાંક – કોન્સ્ટન્ટ છે.) કોઈ પણ ઘન પદાર્થને માસ (દળ) હોય. આપણે રેકીની વૈજ્ઞાનીકતા સમજવા માટે કોઈપણ ઘનપદાર્થ જ સમજી લઈએ તો વાંધો નથી. આ બધા માટે હું કંઇ કહું એના કરતાં સ્ટીફન હોકીંગ કહે એ વધારે યોગ્ય ગણાય.

કોસ્મીક એનર્જી માટે ગુગલ સર્ચમાં ફરતાં ફરતાં Stephen Hawking ની ‘Did God Create the Universe’ વિડીયો ક્લીપ જોવા મળી. જેમાં તેણે ‘બિગબેન્ગ’ થી (વિશ્વની ઉત્પતિ એક જોરદાર ધડાકાથી (બિગબેન્ગ) થઈ એવી થીયરી છે) ઉર્જા છૂટી પડી અને તે ફુગ્ગાની જેમ ફેલાતી જાય છે, એવી વાત કરી છે. એમ પણ કહ્યું કે પ્રોટોન (સબ એટોમિક લેવલ પર માસ ધરાવતો કણ) ઉત્પન્ન થાય છે અને નષ્ટ પણ થાય છે. બીજી રીતે કહીએ તો પદાર્થનું શક્તિમાં રુપાંતર થાય છે અને ફરીથી શક્તિનુ પદાર્થમાં રુપાંતર થાય છે. આ ક્રિયા સતત ચાલતી રહે છે. નીચેની લિન્ક પર ક્લીક કરી સ્ટીફન હોકીંગની વાત સાંભળી લો. (‘ભગવાન’ની વાત ફરી ક્યારેક કરશું, હાલ પુરતું તો કોસ્મીક એનર્જીના અસ્તિત્વને સ્વીકારવાનો પ્રયત્ન કરો)

http://www.youtube.com/watch?v=AFke730NNAs

હવે આ ઉર્જાના અસ્તિત્વને સ્વીકારી લઈએ તો સાદો અર્થ એવો કરી શકીએ કે વિશ્વ ઉર્જાનો મહાસાગર છે અને આપણે સૌ – સુર્ય, ચન્દ્ર, ગ્રહો-ઊપગ્રહો, મનુષ્યો, પ્રાણીઓ, ટૂંકમાં બધું જ, આ ઉર્જાના મહાસાગરમાં માછલીની જેમ તરે છે. આ ઉર્જાના અસ્તિત્વનો અનુભવ તમારે કરવો હોય તો તમે પણ કરી શકો છો. રેકીના અભ્યાસ દરમ્યાન ‘એનર્જી બોલ’ની એક એક્સરસાઈઝ કરાવવામાં આવે છે.

નીચેની લિન્ક એનર્જીબોલ એક્સરસાઈઝની વીડીયો દર્શાવે છે.

http://www.youtube.com/watch?v=r0IzqGdncE4

ઉપરની ક્લીપ કરતાં થોડો ફેરફાર મારી દ્રષ્ટિએ જરુરી છે. જે નીચે મુજબ છે.

તમને ફાવે તે રીતે શરીર ટટાર રાખી બેસો. બન્ને હાથની હથેળીઓ છાતીથી નજીક, હૄદયના લેવલે, એકબીજાથી ચાર-પાંચ ઇંચ દૂર (વીડીયોમાં વધારે આંતર દેખાડેલું છે.), એક્બીજાની સામે રાખો. આંખો બંધ કરો અને મનને બન્ને હાથના પંજા પર કેન્દ્રીત કરો (આંખો બંધ કરવી અને મનને કેન્દ્રીત કરવું જરુરી છે. કારણ કે મન માંકડા જેવું છે, અને ખુલ્લી આંખે દુનિયા સાથેનો સંપર્ક તૂટતો નથી). ત્યારબાદ બન્ને પંજાઓને ક્લોકવાઈસ દોઢ-બે મીનીટ સુધી ફેરવો. (નાનપણમાં ‘ગાડી ચાલી’ની રમત વખતે હાથ રાખીને ફેરવતા હતા તેમ). પછી એન્ટીક્લોકવાઈસ દોઢ-બે મીનીટ સુધી ફેરવો, હવે બન્ને પંજાઓને ધીમે ધીમે એક્બીજાથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરો, આ ક્રીયા ખૂબ ધીમે ધીમે કરો, તમને લાગશે કે બન્ને પંજાઓ એક રબરબેન્ડથી બંધાયેલા છે. ધીમે ધીમે પંજાઓને નજીક-દૂર, નજીક-દૂર કરશો, તો તમે રબરબેન્ડ ખેંચતા હો તેમ લાગશે. એથી આગળ વધીને જો તમે બન્ને પંજાઓને વધુ નજીક રાખી ગોળ ગોળ ફેરવશો તો બે હથેળી વચ્ચે રબરનો દડો ફેરવતા હો તેમ લાગશે. આમ, હવે એટલું તો પાકું કે આપણી આસપાસ બધે જ ઉર્જા પથરાયેલી છે અને આપણે આ મહાસાગરમાં માછલીની જેમ તરીએ છીએ.

માછલી ઓક્સીજન મેળવવા થોડા થોડા સમયે મોં ખોલી પાણી મોંમા લે છે અને ચૂઈમાંથી બહાર કાઢે છે. આપણે પણ શ્વાસ લઈએ છીએ. ઓક્સીજનની સાથે પ્રાણશક્તિ પણ શ્વાસ સાથે અંદર લઈએ છીએ. આધ્યાત્મની ભાષામાં ‘પ્રાણશક્તિ’નો ઉલ્લેખ કર્યો છે, રેકીની ભાષામાં તેને ‘Life Force’ પણ કહે છે. વિજ્ઞાન શ્વાસોશ્વાસની ક્રિયામાં ફક્ત ઓક્સીજનનો જ ઉલ્લેખ કરે છે. પણ ફેફસામાં જતા શ્વાસમાં ફક્ત ઓક્સીજન અને અન્ય વાયુઓ જ છે અને પ્રાણશક્તિ નથી એવું ક્યાં કોઈએ સાબીત કર્યું છે ? જો આપણે ઉર્જાના મહાસાગરમાં તરતાં હોઈએ તો ફેફસામાં જતા પદાર્થની સાથે આ ઉર્જા જવાની જ છે, જેમ માછલી ઓક્સીજન સાથે દરીયાનું પાણી પણ અંદર લે છે તેમ. આમ આપણે શ્વાસમાં ઓક્સીજન સાથે પ્રાણશક્તિ પણ અંદર લઈએ છીએ એ તાર્કીક (logical) છે. હવે, આ ઉર્જા આપણા જીવવા માટે પુરતી નથી તેથી આપણે ખોરાક પણ લઈએ છીએ જેમાંથી રાસાયણીક પ્રક્રિયા વડે ઉર્જા પ્રાપ્ત થાય છે. વાતાવરણમાંથી ફક્ત પ્રાણશક્તિ શ્વાસમાં લઈ, ખોરાક વિના જીવતા, ઘણા માણસોના દાખલા છે જ.

ચુસ્ત વૈજ્ઞાનિક માનસ તાર્કિક ખુલાસા પસંદ કરતું નથી, પણ બધી જ બાબતોના વૈજ્ઞાનિક ખુલાસા મળતા નથી. પેશ છે એક નમુનો –

એકદમ ચીપકીને બાજુબાજુમાં બે નાની નળીઓમાંથી એકબાજુએથી હવા ખેંચવામાં આવે તો, વિજ્ઞાનના સિધ્ધાંતો પ્રમાણે બન્નેમાંથી હવાનો એકસરખો પ્રવાહ વહેશે અને વહેવો જ જોઈએ. પણ તમે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરી જોજો,  ક્યારેક જમણા છિદ્રમાંથી તો ક્યારેક ડાબા છિદ્રમાંથી હવા ચાલતી હશે. યોગની ભાષામાં આને સૂર્ય નાડી અને ચન્દ્ર નાડી કહે છે. (કેટલોક સમય માટે બન્ને સરખી પણ ચાલે છે) ડૉ. બાબુઓને વિનંતિ કે મેડીકલ સાયન્સમાં કોઈ જવાબ મળે તો જણાવવા વિનંતિ.

વૈશ્વિક ઉર્જા (કોસ્મીક એનર્જી) અને આપણા શરીરની વાતો થઈ, હવે આ ઉર્જાની શરીરને જરુરીયાત  અને ઉણપની પૂર્તિની વાતો આવતી કાલે …….

(ઉપરના બન્ને વિડીયો માટે યુ ટ્યુબ અને તેને અપલોડ કરનાર મિત્રોનો આભારી છું)

તારીખ – ૧૩, જાન્યુઆરી ૨૦૪૯

(તમને ટાઈમ મશીનમાં એન્ટ્રી કરાવી ભવિષ્યમાં લઈ જવાનો મારો ઇરાદો નેક છે, એટલી ખાત્રી રાખજો)

 

તારીખ  – ૧૩, જાન્યુઆરી ૨૦૪૯

સ્થળ – શહેરના પ્રખ્યાત ડૉ. ____________ (નામ તમને જે ઇચ્છા થાય તે) નો ઓરા કન્સલ્ટીંગ રુમ.

ડૉક્ટરસાહેબની બાજુમાં એક પાતળા, ખેંચાયેલી ભ્રમરવાળા ચહેરા સાથે એક બહેન બેઠાં છે. સાહેબ, દરદીનો ‘ઓરા રીપોર્ટ’ (આજના એક્સ રે રીપોર્ટની જેમ) તપાસી રહ્યા છે.

‘જુઓ બહેન, તમારી હોજરીની ઓરા કાળાશ પડતી છે. તમને આવતા જુન માસથી એસીડીટીનો રોગ લાગુ પડી શકે તેમ છે. તમે તમારા પડોશીની સતત ઇર્ષા કરતાં હોવાની શક્યતા લાગે છે. આથી ટ્રીટમેન્ટમાં ક્યાં તો તમે ઘર બદલી નાખો અથવા દિવસમાં ત્રણવાર પડોશીને મળીને તેમની વધુ પ્રગતિ માટે દિલથી શુભેચ્છાઓ પાઠવો. ચાલો નેક્સ્ટ !’

એક સતત દોડાદોડીથી નંખાય ગયેલા, આંખો નીચે કાળા કુંડાળા ધરાવતા ભાઈ પ્રવેશ્યા. ડૉક્ટર તેમનો ઓરા રીપોર્ટ તપાસી બોલ્યા, ‘તમારા હૃદય ચક્રની ઓરા નબળી પડેલ દેખાય છે, ખંભાની આસપાસ પણ ઓરાનો રંગ બદલાયેલ છે. હ્રૂદયની આસપાસ નું ઓરા ઘેરા રંગનું બનવાની તૈયારી છે. આ જ પરીસ્થિતિ રહેશે તો ત્રણેક માસમાં હાર્ટએટેક આવી શકે છે. આ તમારા સતત ટેન્શનમાં રહેવાનું પરીણામ લાગે છે. સૌથી પહેલા એ સ્વીકારી લો, કે ‘પ્રકૃતિ’ તમારા કન્ટ્રોલમાં નથી, ઘણીબધી બાબતો તમારી મરજી મુજબ થવાની નથી. આથી ‘હું ધારું તેમ થવું જોઈએ’ – એ ભૂલી જાવ. તમે તમારી સમજ પ્રમાણે નિષ્ઠાથી કાર્ય કરો. તમારી નિષ્ઠા સાચી હશે, તો પરીણામ પણ ફેવરેબલ આવશે. આથી કામકાજમાંથી દસ દિવસની છુટી લઈ પ્રકૃતિના ખોળે દસ દિવસ વિતાવો અને મેં જણાવેલ વિચારનું સતત ચિંતન કરો અને પછી ફરી કામે લાગો. રજા માટે રીપોર્ટ જોઈએ તો કાઉન્ટર પર જણાવી દો, ચાલો નેક્સ્ટ !’

વિપશ્યના વિશે લખ્યા પછી મિત્રોની ડીમાન્ડ ‘રેકી’ (Reiki) વિશે લખવાની આવી. ‘રેકી’ મુળભૂત તિબેટની એક ઉપચાર પધ્ધતિ, જે જાપાનથી ફરી વિશ્વમાં પ્રસરી. પશ્ચિમના દેશો જેને ‘Alaternate Therapy’ તરીકે ઓળખે છે, તેની વાત કરવાની છે. એમ તો પરદેશીઓ આપણા આયુર્વેદને પણ ઓલ્ટરનેટ થેરાપી જ ગણે છે, અને યુકેવાળા તો તેને ‘બાન’ પણ કરી શકે છે. (આપણું ગુલામી માનસ ભારતમાં પણ એલોપથીને મુખ્ય ગણી આયુર્વેદને ‘સાઈડ’માં જ રાખે છે.) પશ્ચિમમાં ‘રેકી’, ‘Energy Medicine’ તરીકે પણ ઓળખાય છે. રેકીને ઉપચાર પધ્ધતિમાં ફરી જીવંત કરવાનો શ્રેય જાપાનના ડૉ. મિકાઓ ઉસુઈને જાય છે. અઢારમી સદીની મધ્યની આ વાત છે. એ વખતે તેઓ ખ્રીસ્તી પાઠશાળામાં ડીન હતા. તેમના વિદ્યાર્થીઓએ સવાલ પૂછ્યો કે તમે ઈશુની તાત્કાલીક રોગ મટાડવાની શક્તિઓને સાચી ગણતા હો તો એ પધ્ધતિ અમને શીખવાડો. ડીન તરીકે બાઈબલના પ્રત્યેક શબ્દમાં શ્રધ્ધા રાખવી એ વણલખ્યો નિયમ. વિદ્યાર્થીઓ પ્રત્યુત્તર આપવા અસમર્થ ડૉ. ઉસુઈએ ત્વરિત ડીન તરીકે રાજીનામું આપ્યું અને રોગ મટાડવાની આ પધ્ધતિની શોધમાં નીકળી પડ્યા. ખ્રીસ્તી ધર્મના ગ્રન્થોમાં મેળ ન પડ્યો, બૌધ્ધ ધર્મનું શરણું લીધું, અંતે તીબેટીયન ધર્મ સુત્રોમાં આવી શક્તિનો ઉલ્લેખ અને પધ્ધતિ જાણવા મળી. એકવીશ દિવસની કઠોર સાધનાના અંતે સિધ્ધિ મેળવી. ‘રેકી’ની પ્રેક્ટીસ શરુ કરી અને લોકોને રોગ મુક્ત કરવાનું અભિયાન શરુ કર્યું.

રેકીથી સાવ અજાણ મિત્રોને જણાવી દઊં કે રેકી એક રોગનિવારક ઉપચાર પધ્ધતિ છે. જેમાં રોગ પ્રમાણે દરદીના શરીરના જે તે ભાગ પર, રેકી પ્રેક્ટીશ્નર દ્રારા સ્પર્શ કરી ‘ઉર્જા’ આપવામાં આવે છે, અને દરદીને રોગમુક્ત કરવામાં આવે છે. રેકી પ્રેક્ટીશ્નર પોતે આ ઉર્જા Cosmic Energy માંથી મેળવે છે અને દરદીને આપે છે. આ વાત વાંચવામાં કે સ્વીકારવામાં તકલીફ પડે તેવી છે. પણ ઉર્જાના પ્રવાહની વાત સંપુર્ણ સાચી  છે. મારો જાત અનુભવ છે. મેં પણ રેકી પ્રેક્ટીશ્નર તરીકેની બે ડીગ્રી મેળવી છે, અને ઇન્ટરનેટ પર તેની સત્યતાના વૈજ્ઞાનિક પ્રમાણો શોધ્યા છે.

ડૉ. ઉસુઈએ રોગ નિવારણ અભિયાન દરમ્યાન કેટલાક તથ્યો તારવ્યા અને નિયમો પણ બનાવ્યા.

૧. રેકી લેનાર વ્યક્તિને આ પધ્ધતિમાં શ્રધ્ધા હોવી જોઈએ.

૨. રેકી આપનારની આપવાની તૈયારી અને લેનારની રેકી લેવાની અને ગ્રહણ કરવાની તૈયારી હોવી જોઈએ.

૩. . રેકી આપનાર અને લેનારની વચ્ચે શક્તિનું આદાનપ્રદાન થવું જોઈએ. જેમ રેકી આપનાર ‘ઉર્જા’ આપે છે. તેમ રેકી લેનારે પણ રેકી આપનારને કંઈક પરત આપવું જોઈએ, પછી ભલે તે કોઈપણ સ્વરુપમાં હોય.

આ સિવાય પણ ડૉ. ઉસુઈએ પાંચ સિધ્ધાંતો પણ આપ્યા છે.

૧. આજે હું કુદરતની કૃપાનો આભાર માનીશ.

૨. આજે હું કોઈપણ પ્રકારની ચિંતા કરીશ નહીં.

૩. આજે હું ક્રોધ કરીશ નહીં.

૪. આજે હું મારું કામ ઇમાનદારીથી કરીશ.

૫. આજે હું દરેક જીવને પ્રેમ કરીશ અને તેનો આદર કરીશ.

(રેકીમાં ન માનવું હોય તો વાંધો નહી પણ આ સિધ્ધાંતો અમલમાં મુકવા જેવા નથી લાગતા ?)

રેકીને વિજ્ઞાનની કસોટીએ પાંચ જુને ચડાવીએ……