પાવર મોટીવેશન –

આજે જ્યારે કુદરતની સાથે સાથે રાજકારણની ગરમી ટોચ પર છે ત્યારે રાજકારણીઓના એક ગુણ – Motive તપાસવાની ઇચ્છા થઈ – Power Motivation

માનવીના જીવનના જીવવાના વિવિધ પ્રેરક બળો હોય છે. કેટલાકને સંપુર્ણ ધ્યેય આધારીત હોય, કેટલાકને લાગણી આધારીત હોય, કોઈને વળી માન્યતા આધારીત હોય. આ બધામાં, ગઈ સદીમાં મનોવૈજ્ઞાનિકોએ ત્રણ મુખ્ય પ્રેરક બળો પર વધારે ભાર મુક્યો – Achievement -સિદ્ધિ કે પ્રાપ્તિ, Power – સત્તા, સામર્થ્ય, પ્રભાવ, વર્ચસ્વ, અને Affiliation – સંબંધ, જોડાણ, સહબદ્ધતા (ગુજરાતીમાં આપણે ‘લાગણી’ ના સંદર્ભમાં પણ વાપરીએ છીએ.)

Motivation

Achievement –

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાર્યને વળગી પુર્ણ કરવામાં, ઊત્કૃષ્ટ બનાવવામાં મચી પડેલો હોય. જેમ આજનો યુવાન પોતાની કેરીયર, ધ્યેયને પ્રાપ્ત કરવા અન્ય બાબતોને ગૌણ ગણે છે અને એક જ દિશામાં પોતાનું સમગ્ર અસ્તિત્વ એમાં જ ઓગાળી દે છે.

B 5050

Power –

આવી વ્યક્તિ અન્યને કન્ટ્રોલમાં લેવાનો/રાખવાના પ્રયત્નમાં હોય છે. આ કન્ટ્રોલ એ પોલીસની જેમ દંડા શાહીનો ન પણ હોય, માનવીની લાગણીઓનો ઉપયોગ કરી કાબુમાં રાખવાના પ્રયત્ન કરે છે, જેમ સાધુ મહાત્માઓ લોકોની ધાર્મિક લાગણીનો ઉપયોગ કે રાજકારણીઓ તેમની સામાજીક સંવેદનાઓનો ઉપયોગ કરી તેમના પર વર્ચસ્વ સ્થાપિત કરે છે.

follow

Affiliation –

આ પ્રકારના પ્રેરકબળ ધરાવતા લોકો અન્ય લોકો સાથે હળવા-મળવાનું, અન્ય લોકો પોતાને પસંદ કરે એવા પ્રયત્નમાં લાગેલા રહે છે.

ડેવીડ વિન્ટર એ અમેરિકાના પ્રમુખોની મોટીવેશન પ્રોફાઈલ્સના અભ્યાસ કર્યા અને તેના આધારે જે તે પ્રમુખ ભવિષ્યમાં કઈ રીતે કાર્ય કરશે તેની આગાહી કરવાનો પ્રયત્ન કર્યો. એ માટે તેણે પ્રમુખોના વક્તવ્યોનો આધાર લીધો. અભ્યાસના આધારે કી ફેક્ટર તરીકે Power motivation ઉપસી આવ્યું. (ભારતના રાજકારણીઓનો પણ અભ્યાસ કરવા જેવો ખરો !)

Achievement motivation નો પાયો Need for Achievement છે, જેમાં વ્યક્તિ ઉચ્ચ મુલ્યોની પસંદગી કરે છે, સિદ્ધાંતોને વળગી રહેવા પ્રયત્ન કરે છે, કાર્યોમાં ઉચ્ચ ગુણવત્તાનો આગ્રહ રાખે છે, હરીફાઈમાં આગળ રહેવાનો આગ્રહ હોય છે. ઉદ્યોગ સાહસિકો માટે આ ગુણ-Need ખુબ જરુરી છે. જો કે સામાજીક ક્ષેત્રમાં રહેલી વ્યક્તિઓને આ Need માટે સમાધાન કરવું પડે છે, જેના કારણે તેઓની કાર્યક્ષમતા પણ ઘટે છે અને જે લોકો સમાધાન નથી કરી શકતા તેઓ સામાજીક ક્ષેત્રમાંથી દુર ફેંકાય જાય છે.

સામે પક્ષે ખુબ ઉચ્ચ સ્તરની Power need ધરાવતી વ્યક્તિ પોતાના શબ્દો માટે ઝગડા સુધી પહોંચી જાય છે. (આમ જ થવું જોઈએ…). સારા-નરસા અંગેની સભાનતા રહેતી નથી. બીજાને પોતાના કાબુમાં કરવા કાવાદાવાઓ કરી શકે છે.

લીડર બનવા માટે Power motivation  જરુરી છે, પણ એ વ્યક્તિમાં Achievement need પણ હોવી જરુરી છે.

આ ચુટણીમાં આપણને Achievement need સહીતનો Power motivated નેતા મળે તો ઈશ્વરકૃપા, નહીંતર કરોડોના ચુટણી ખર્ચ પછી હતા ત્યાંના ત્યાં………….

અમલ –

આ બાપુને ડહેલે લેવાયેલ ‘અમલ’ના ઘુંટની વાત નથી પણ જ્ઞાન લીધા પછી તેનું શું થયું તેની વાત છે.

કેટલીય વિભુતિઓ વિષે જાણ્યું છે કે તેઓએ જાત-જાતના અને ભાત ભાતના તર્ક આપી લોકોને ધર્મ વિષે, જીવન વિષે, જીવન જીવવા વિષે લોકોને સમજાવ્યું, અનુયાયીઓ બનાવ્યા, આશ્રમો સ્થાપ્યા, સંપ્રદાયો સ્થાપ્યા પણ એમના જીવનમાં તેઓએ શું કર્યું ?

અન્યને અભિમાન અને સંસારમાંથી વિરક્ત થઈ જવું જોઈએ એવી સલાહ આપનારા પોતે થયા ?

અનુયાયી બનાવવા કે સંપ્રદાય ઉભો કરવો એ ‘Power Motivation’ (to influence others) જ છે. જ્યાં આ પ્રકારનું મોટીવેશન હોય ત્યાં અભિમાનનો અભાવ હોય એવું શક્ય નથી. ‘સ્વમાન’ હોય ત્યાં ટકરાવ ઉભો થતો હોય છે, બીજાને પોતાની અસર હેઠળ લાવવા ‘અભિમાન’ હોવું જરુરી છે. અને અભિમાન હોય ત્યાં દંભની હાજરી પણ હોય જ. કારણ કે આ ‘ઇન્ફ્લ્યુઅન્સ’ યેનકેન પ્રકારે કરવાની હોય છે, જેમાં લોભ, લાલચ, દબાણ (સામાજીક રીતે ઉભું કરીને), જુઠાણું પણ ચલાવવું પડે (પછી ભલે તે યુધિષ્ઠિરનું અર્ધસત્ય હોય). હવે આ તર્ક પ્રમાણે,

જે તે વ્યક્તિ સંસારમાંથી વિરક્ત થવાની સલાહ આપી, પોતે સાંસારિક બાબતોમાં પડે તો તેણે પોતાના ‘જ્ઞાન’ શું ઉપયોગ કર્યો ?

વ્યક્તિએ મેળવેલ જ્ઞાન શું બીજા માટે છે ?

જે ‘જ્ઞાન’ તે બીજાને આપે છે એની સત્યતા કે યથાર્થતા કેટલી છે તે ચકાસે છે ?

જો ‘સત્ય’ની વાત કરીએ તો દરેકને પોતાનું સત્ય હોય.

આ દલીલને આધારે એવું કહી શકાય કે –

જ્ઞાન સાર્વત્રિક (universal) છે. મારે તેમાંથી મારે માટે યોગ્ય જ્ઞાન તારવવાનું છે અને મારા જીવનમાં ‘અમલ’માં મુકવાનું છે.

જ્ઞાનનો સોર્સ મહત્વનો નથી. મને કોઈ ગાલીગલોચ કરે તો પણ હું વિચારી શકું કે તેણે આમ કેમ કર્યું ? મારી ક્યાં ભુલ થઈ ? સામેની વ્યક્તિ ક્યા સ્તરની છે ? મારે એમ કરવું જોઈએ કે નહીં ?

એ જ રીતે કોઈ મહારાજ જીવન જીવવાની પધ્ધતિ અંગે શીખવાડે તો, મારે મારા અનુભવના આધારે નક્કી કરવું પડે કે આ જ્ઞાન મને ઉપયોગી છે અથવા તો મારે તેને અમલમાં મુકી અજમાવી જોવું જોઈએ.

તાજેતરમાં શ્રી અતુલભાઈએ તેમના બ્લોગ પર મુદ્રાવિજ્ઞાન ની ઇબુક મુકી. મેં વાંચી, ગુગલમાં વધુ સર્ચ કર્યું, જાતને પ્રશ્નો કર્યા કે આ સાચું છે ? સ્વાથ્ય માટે જે દાવો મુદ્રાવિજ્ઞાન કરે છે તે કદાચ સાર્વત્રિક હોય શકે. મારે મારી જાતને એના અભ્યાસમાં મુકવી જોઈએ. જો મને લાભ થાય તો તે મારા માટે સત્ય.

જ્યારે ‘અમલ’માં મુકવાની વાત આવે ત્યારે બે બાબતો સામે આવે –

મને આ જ્ઞાનમાં (મુદ્રાવિજ્ઞાનમાં) શ્રદ્ધા છે ? અને…

મારામાં જ્ઞાનને અમલમાં મુકવામાં રહેલ જોખમ (Risk taking) ઉઠાવવાની તૈયારી છે ?

જો બંને પ્રશ્નોના હકારાત્મક જવાબ હોય તો ‘અમલ’ શક્ય બને.

અગાઊ લખાયેલું શ્રી ગોએન્કાજીનું એક વાક્ય યાદ આવે છે –

જ્ઞાન ચક્ષુ છે અને શ્રદ્ધા ચરણ છે.

એને આગળ ધપાવીએ – શ્રદ્ધાના ચરણે ચાલીને ‘સત્ય’ પ્રાપ્ત કરો.

‘બિચારો’ (?) યુવાન –

યુવાન ‘બિચારો’ છે જ નહી,

સાહિત્યકારશ્રી ઝવેરચંદ મેઘાણી કહી ગયા છે –

“ઘટમાં ઘોડા થનગને અને આતમ વિઝે પાંખ,
એ અણદિઠેલ ભોમ પર યૌવન માંડે આંખ”

youth1

પણ આજના યુવાનોની ‘ચિંતા’ઓની ‘ચિંતા’ કરીએ તો, ખરેખર લાગે કે યુવાન ‘બિચારો’ છે.

અંગ્રેજી ડીક્શનરી Youth ની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે –

Youth is also defined as “the appearance, freshness, vigor, spirit, etc., characteristic of one who is young”.

ઉંમરને ધ્યાનમાં રાખીને પણ વ્યાખ્યા થાય તો ૧૬ વર્ષ થી ૨૪ વર્ષ અને આપણી બોલીમા કહીએ તો ૧૫ થી ૩૫ વર્ષ સુધીની વ્યક્તિ. અંગ્રેજી વ્યાખ્યા ધ્યાનમાં લઈએ તો ઘણા વૃધ્ધો પણ ‘યુવાન’ માં આવી જાય. (appearance સિવાય)

આજે યુવાન ‘અણદિઠેલ ભોમ પર’ આંખ માંડી શકતો નથી. એનું એક કારણ એવું હોય શકે, એની પાસે એ ‘આંખ’ નથી – દ્રષ્ટિ નથી. દિશા શુન્યતા છે. એમ કેમ છે ? ચિંતાનો વિષય છે. માનવીની કુલ ઉમરનો આ ભાગ એવો છે કે તે સમયમાં વ્યક્તિએ પોતાની જાતને જીવન સાથે લડવા માટે તૈયાર કરવાની હોય છે. વીકીપેડીયા તેને ‘Self Concept’ કહે છે. આ Self Concept તૈયાર કરવામાં માબાપ તરફથી બાળપણમાં મળેલા સંસ્કાર, સામાજીક સર્કલ – મિત્રો/સગા-સંબંધીઓ, જીવન પધ્ધતિ (life style), Culature વગેરે, અસર કરે છે. સુ.શ્રી આરતી પરીખના બ્લોગ પર એક સરસ કાવ્ય પંક્તિ વાંચવા મળેલી –

“જીંદગી ! મને નહોતી ખબર કે તું છે ગણીત,

એક પદ ખોટું તો આખો દાખલો ખોટો !”

આમ Self Concept એ જીંદગીના દાખલાનું એક પદ છે, જો એ ખોટું હોય તો જીંદગીનો દાખલો જ ખોટો ગણાય. મહદ અંશ આવું જ બને છે. આપણે સૌ ખોટા દાખલા ગણી જીવન પુરું કરીએ છીએ. કદાચ જતી જીંદગીએ ધ્યાનમાં આવે કે જીંદગીનો દાખલો ખોટો ગણાયો છે તો બહુ મોડું થયું હોય છે, સમય પુરો થઈ ગયો હોય છે, જવાબવહી આપી ચાલતા થવાનું હોય છે.

યુવાનોએ ….  અને યુવાનોની ….. Self Concept તૈયાર કરવાની ‘ચિંતા’ કરવી જરુરી છે.

સૌ પ્રથમની ‘ચિંતા’ એ છે કે જે મા-બાપ બાળપણમાં ધ્યાન રાખે છે, માર્ગદર્શન આપે છે, તે હવે, ‘તું હવે મોટો થઈ ગયો છે’ એ શબ્દો અને વિચાર સાથે પોતાનું ધ્યાન બીજે ફેરવે છે. ‘સંસ્કાર’ના શિક્ષણની મોટી સ્કુલમાંથી (ઘર) તેને એલ.સી. પકડાવી દેવાય છે. આજની નવી સ્કુલો તેની ‘સ્કીલ’ વધારવાનો પ્રયત્ન માત્ર કરે છે. સંસ્કાર શું છે એ કદાચ સ્કુલોના માહિતીપત્રમાં છપાયેલ ‘શબ્દ’ રહી ગયો છે. સ્કુલ/કોલેજમાં જવાથી સામાજીક ક્ષેત્ર વિસ્તરે છે, નવા સંબંધો વિકસે છે, પણ આ સંબંધો શું છે ? કેવા છે ? કેવા હોવા જોઈએ ? કેવી રીતે જાળવવા ? કોની સાથે રાખવા ? આ બધાનું માર્ગદર્શન માબાપ પાસેથી અપેક્ષીત છે. પણ એમણે તો મોં ફેરવી લીધું છે અને યુવાન ગુંચવાય છે. નવી જવાબદારીઓ આવી પડે છે. એ કેમ નિભાવવી તેની સમજણ તેની પાસે નથી. સંબંધોમાં જે હુંફ હોવી જોઈએ તે યુવાનો કેળવી શકતા નથી અને તેઓ ઉપરછલ્લા અને કામચલાઉ સંબંધો બાંધે છે, જે મોટે ભાગે ‘લેતી-દેતી’ના વ્યવહાર જેવા હોય છે. કામ પુરું, સંબંધ પુરો. આવા સંબંધોવાળી વ્યક્તિઓ મહત્વની સામાજીક જવાબદારીઓ – જેવી કે લગ્ન સંબંધો બાંધવા/સુપેરે ટકાવવા, જાળવવામાં નિષ્ફળ નિવડે છે.

અભ્યાસ કરાવનાર સ્કુલોની ચિંતા તો કરી પણ ‘અભ્યાસક્રમો’ પણ ઓછા ચિંતાજનક નથી. સ્કુલો બાળાકોને/યુવાનોને ઇલેક્ટ્રોનીક રમકડા તો હાથમાં પકડાવી છે અને તેને કેમ ઓપરેટ કરવા તેની ટેકનીકલ માહિતી આપી, પોતાની જવાબદારી પુરી એમ માને છે. આ રમકડાઓના યોગ્ય ઉપયોગ માટે કોઈ જ્ઞાન અપાતું નથી. માબાપ યુવાનોની જીદ સામે સ્માર્ટ ફોન લઈ આપે છે પણ તે યુવાનને ઇન્ટરનેટનો કઈ રીતે સાચો અને ક્રિએટીવ ઉપયોગ કરવો તે શીખવાડતા નથી. સારામાં સારી અંગ્રેજી સ્કુલો વિદેશી સ્કુલોના અભ્યાસક્રમો અને તેની ટેક્સ્ટ બુકો ભણાવી બાળકોને આપણા સમાજથી સંસ્કારથી દુર કરે છે. અહીં માબાપોની પણ ભુલ થાય છે. વિદેશના મોહમાં બાળકને વિદેશી કલ્ચરથી પરિચય કરાવે છે અને ભવિષ્યમાં આ દેશમાં રહીને આખી જીંદગી ‘એડજસ્ટ’ થઈ શક્તો નથી. અહીં વિદેશી કલ્ચરની ટીકા નથી પણ માનવશરીર જે વાતાવરણમાં રહે છે તેની સાથે તે એડજસ્ટ થયેલું હોય છે, હવે માનસિક રીતે તેને અલગ વાતાવરણમાં જીવાડવાનો પ્રયત્ન કરીએ તો મુ્શ્કેલી પડે તે સ્વભાવિક છે. ઠંડા પ્રદેશની વાનગીઓ તમે ગરમ પ્રદેશમાં ખાઓ તો શરીરના પાચનતંત્રમાં મુશ્કેલી આવે એ દેખીતું છે.

અભ્યાસક્રમોની ડીઝાઈન પણ એવી હોય કે જેમાં પ્રયોગો કરવાનો અવકાશ રહેતો નથી. બાળકો કે યુવાનોની સર્જનાત્મકતાને ઓછો અવકાશ રહે છે અને તેના માટે પ્રોત્સાહન પણ નથી. બે-પાંચ વીરલા મળે ત્યારે તેનું સન્માન કરી આપણે સંતોષ માનીએ છીએ.

અભ્યાસ પુર્ણ કર્યા પછી ‘કેરીયર’ પસંદગીમાં મહદ અંશે ઘેંટાઓના ટોળા જેવું હોય છે. અભ્યાસની વિવિધ શાખાઓના એડમીશનના ટ્રેન્ડ જુઓ તો જણાશે કે પ્રતિવર્ષ બદલાતા રહે છે. કોઈ વખત એક શાખામાં વધારે તો બીજા વર્ષે બીજી શાખામાં વધારે. આ કારણોસર અભ્યાસની પુર્ણાહુતી બાદ વિદ્યાર્થીનો જથ્થો બહાર આવે તે એક શાખાનો જ હોય આથી કેરીયરમાં બીનજરુરી હરીફાઈ ઉભી થઈ જાય. મને-કમને સ્વીકારેલી નોકરીમાં શું ભલીવાર આવે અને એ યુવાનનું જીવન પણ ભલીવાર વગર પસાર થઈ જાય.

સરકાર, ઉદ્યોગોમાં રુપકડા નામ સાથે HRD Department હોય છે. એમાં મહદ અંશે બીઝનેશ રીલેટેડ તાલીમ અપાય છે. જે તે વ્યક્તિની જીવન પધ્ધતિ સુધારવામાં એનો ફાળો ઓછો હોય છે.

યુવાનોની આવી તો ઘણી ‘ચિંતા’ઓ છે.

તમે પણ થોડો પ્રકાશ પાડો……. (તો યુવાનોને નીચેના ચિત્ર જેવું ભવિષ્ય મળે)youth2

રોલ મોડેલ –

અગાઊની પોસ્ટમાં રોલ મોડેલનો ઉલ્લેખ થયેલો. આપણા સબ કોન્સીયસ માઈન્ડની તાકાત સમજવી હોય તો આ રોલ મોડેલના મુદ્દાને ધ્યાનમાં લેવા જેવું છે. મનુષ્યને જીવતા રહેવા માટે જુદી જુદી પ્રેરણાઓ કામ કરે છે, જેમાંની મુખ્ય ત્રણ – સિધ્ધિ પ્રેરણા (Achievement motivation), સત્તા પ્રેરણા (Power motivation), સંબંધ (?) પ્રેરણા (Affiliation Motivation). દરેક વ્યક્તિ ત્રણે પ્રેરણા સાથે જીવન જીવે છે, દરેકનું પ્રમાણ જુદું જુદું હોય શકે – જેમકે ઉદ્યોગ સાહસિકો જેવા સાહસિકોમાં સિધ્ધિ પ્રેરણાનું મહત્વ વધારે હોય, નેતાઓ અને ગુરુ-મહારાજોમાં સત્તા પ્રેરણાનું પ્રમાણ વધારે હોય, જીવનમાં ખુબ નમ્ર અને જતું કરવાની વૃતિવાળા સંબંધ પ્રેરણાની અસર હેઠળ હોય.

‘રોલ મોડેલ’નો મુદ્દો સિધ્ધિપ્રેરણા સાથે સંકળાયેલ છે. હું મારો જ એક દાખલો આપી સમજાવવાનો પ્રયત્ન કરું.

આઠમાં ધોરણના વેકેશનમાં મારે ગામ ગયેલો. હવે આ વર્ષ સુધીમાં છકો-મકો, મિયાં ફુસકી, જુલે વર્નની કથાઓ, છાની છાની વાંચી વાંચીને ચશ્મા  આવી ગયેલા અને કાયમી પહેરવા પડે તેવી પરિસ્થિતિ હતી. જ્યારે ચશ્મા પહે્રી બસમાંથી ગામના પાદરે ઉતર્યો ત્યારે ત્યાં ઉભેલા ગામના દરબારે કહ્યું.

graduate1

‘આવો, ડોક્ટર’.

મારા દાદા અને આ દરબાર બંને સાથે જ જામનગર, જામસાહેબના આદેશથી આ ગામમાં વસવાટ માટે આવેલા, આથી અમારા ઘર સાથે ખુબ સારા સંબંધો. પણ વાત હતી ‘આવો ડોક્ટર’ ની. મારા સબ કોન્સીયસ માઈન્ડમાં આ ‘ડોક્ટર’ની છબી અંકીત થઈ ગઈ. એ જમાનામાં ગામડામાં ડોક્ટર જેવા વધુ ભણેલાઓને ચશ્મા હોય એવી ધારણા હતી, અને એથી જ દરબારથી અનાયાસે જ આવા ઉદગાર સરી પડેલા. મારા દુરના એક કાકા (હુલામણું નામ – ભલાકાકા) એ વખતે M.B.B.S.  થયેલા, તેમને પણ ચશ્મા હતા. ખુબ જ મૃદુભાસી અને પ્રેમાળ હતા. આથી મનમાં ભલાકાકાની છબી અંકીત થઈ ગઈ. મોટા થઈને ડોક્ટર બનવું એવું મનમાં છપાઈ ગયું. પછી તો SSC થઈ કોલેજમાં દાખલ થયો. પ્રી-સાયન્સ (પ્રથમ વર્ષ) કરી, F.Y.B.Sc. માં ગ્રુપ નક્કી કરવાનું આવ્યું ત્યારે ‘B’ ગૃપ પસંદ કર્યું, જે પસાર થયે મેડીકલ લાઈનમાં જઈ શકાય. એ વખતે પણ મેરીટની માથાકુટ હતી. F.Y. માં 65 % આવ્યા અને મેડીકલનું એડમીશન અટક્યું 66 % એ. એક ટકાના ડીફરન્સમાં એડમીશન ન મળ્યું. ગુજરાત તો ઠીક પણ છેક શ્રીનગરની કોલેજ સુધી મેડીકલના ફોર્મ ભર્યા હતા, ક્યાંય એડમીશન ન મળ્યું. (ડોનેશનનો રીવાજ હતો કે નહીં, તેની જાણકારી ન હતી અને તેવડ પણ નહી) હવે ? વાંધો નહી ! જો B.Sc. માં ફર્સ્ટ ક્લાસ આવે તો B.Sc. પછી મેરીટ લીસ્ટમાં નામ આવી જ જાય. એટલે નક્કી કર્યું B.Sc. માં ફર્સ્ટ ક્લાસ મેળવી મેડીકલમાં જવું, બે વર્ષ બગડે તો ભલે પણ ‘ડોક્ટર’ તો બનવું જ. આમ S.Y. B.Sc. T.Y. B.Sc. ના બે વર્ષ વધુ કર્યા. જે વર્ષે B.Sc. કર્યું એ વર્ષે નિયમ આવ્યો કે B.Sc. માટે મેડીકલમાં ફક્ત દશ ટકા સીટ ફાળવવી. ફરી B.Sc. નું અલગ મેરીટ લીસ્ટ બન્યું અને અગાઊની જેમ અડધા ટકા માટે મેડીકલમાં એડમીશન ન મળ્યું. હવે ? માંહ્યલો ઝંપવા ન દે.

વાંધો નહીં ! M.Sc. માં જો ફર્સ્ટ ક્લાસ આવે તો મેડીકલમાં એડમીશન મળે. ફરી M.Sc.ના પ્રયત્ન ચાલુ થયા. આમ પોસ્ટ ગ્રેજ્યુએશનના છ વર્ષ ગયા અને મેડીકલના પાંચ જુદા. પણ પ્રથમ વર્ષમાં હાયર સેકન્ડ ક્લાસ આવ્યો અને એ જમાનામાં બે વર્ષના માર્કસ સંયુક્ત ગણત્રીમાં લેવાતા. અમદાવાદ બી.જે. મેડીકલના ડીનને પત્ર લખ્યો કે M.Sc. માં હાયર સેકન્ડ ક્લાસ આવે તો મેડીકલમાં પ્રવેશ મળશે ? એમનો હતોત્સાહ કરતો પ્રત્યુત્તર આવી ગયો – ‘Sorry’. બસ મેડીકલના દરવાજા બંધ. M.Sc. Part II માં ૫૪ ટકા આવ્યા. (યુનીવર્સીટી ફર્સ્ટને ૫૮ ટકા હતા, આજના ભણતરમાં ?)

M.Sc. થયા પણ પેલી ‘ડોક્ટર’ ની ડીગ્રીનું શું ?

પોસ્ટ ગ્રેજ્યુએશન પછી Ph.D. કરીએ તો, ડોક્ટર કહેવાય !

બસ, Ph.D. ના ગાઈડને મળ્યો, એક વિષય પસંદ કરી વિચાર રજુ કર્યો, પણ તેણે તો પોતાની પસંદગીનો વિષય આપ્યો. (જેથી પોતાના અન્ય સ્ટુ્ડન્ટમાં રીસર્ચ વર્કની હેરાફેરી થઈ શકે) પાંચ વર્ષે ગાઈડ સાથે લડી-ઝગડીને ડોક્ટરેટ કર્યું, થીસીસમાં તો ત્રણ વર્ષના રીસર્ચ વર્કનો સમાવેશ થયો, બે વર્ષના રીસર્ચ વર્કનું દાન ગાઈડના ‘યસ સર !’ સ્ટુડન્ટને દાન થયું. પણ અંતે નામ આગળ ‘ડોક્ટર’ લાગ્યું.

આઠમા ધોરણથી અશાંત થયેલું મન, હવે અંદરથી શાંત થયું. (જો કે ડીગ્રી પ્રાપ્ત થયા પછી તેનું કોઈ મહત્વ રહ્યું નહી અને નામ આગળ કોઈ દિવસ ડોક્ટર કહેવડાવવાનો આગ્રહ પણ રહ્યો નહી.)

આમ યુવાનો યોગ્ય રોલ મોડેલની પસંદગી કરી લે તો ધ્યેય પ્રાપ્તિની દિશામાં જવા આંતરીક બળ મળતું રહે.

કોઈ તેમનો અનુભવ કહેશે ?

 

વર્તન તાલીમ –

(મિત્રો, શરુઆતની ચર્ચા શાસ્ત્રીય લાગશે પણ જો સમજી શકાય તો આપણે આપણા વર્તનને સમજી શકીએ અને આપણને જોઈએ એવા પરીણમો માટે કાર્ય કરી શકીએ, એવું મારું માનવું છે.)

માનવીનું વર્તન તાલીમથી બદલાય ? ના જવાબમાં વધું ઉંડા ઉતરતા કેટલાક નવા તર્ક સામે આવે છે.

માનવીના વર્તનને સમજવા પ્રયત્ન કરીએ તો માનવીનું કોઈપણ વર્તન તેની ઇચ્છા-આકાંક્ષાને સંતોષવા માટે હોય છે અને કોઈપણ વર્તનમાં બે મુદ્દાઓ સમાયેલા છે –

 

૧. માનવીની ઇચ્છા-આકાંક્ષાના કારણે લાગતો આંતરીક ધક્કો-પ્રેરણા

૨. આ પ્રેરણાના કારણે, ઇચ્છા સંતોષવા માટે કરવા પડતા કાર્યને કરવાની આવડત – કૌશલ્ય.

 

આમ એવું કહી શકાય કે ‘વર્તન’ થવા માટે – પ્રેરણા અને કૌશલ્ય જવાબદાર છે. જો આ બે બાબતનો સંયોગ થાય તો પરીણામલક્ષી વર્તન ઉદભવે. ફક્ત મનમાં આંતરીક પ્રેરણા હોય તો તે વર્તનમાં પરીણમતી નથી અને જે તે ઇચ્છા સંતોષવાનું કૌશલ્ય હોય પણ જો આંતરીક પ્રેરણા ન થાય તો ‘વર્તન’ પરીણમતું નથી. જેમકે મને નવા ઉદ્યોગ સાહસિકોને મદદરુપ થવાની ઇચ્છા છે, કૌશલ્ય પણ છે, છતાં ભુતકાળના અનુભવોના કારણે અંદરથી આ કાર્ય કરવા માટેનો ધક્કો લાગતો નથી. આમ જ્યાં ‘પ્રેરણા’ નો અભાવ છે ત્યાં ‘વર્તન’ થતું નથી. આ જ રીતે કાર્ય કરવાનું કૌશલ્ય હોય (ભુતકાળમાં શીખ્યા હોઈએ) પણ જો એ કાર્ય કરવાની ઇચ્છા ન થાય, જેનાથી આંતરીક પ્રેરણા ન થાય તો ‘વર્તન’ થતું નથી. આમ નીચેની શ્રેણી ગોઠવી શકાય –

Need  –  Motivation  – Skill  – Behavior

બીજા શબ્દોમાં મારા મનમાં કોઈપણ બાબત માટે, જરુરીયાત (Need) – ઇચ્છા ઉભી થવી જોઈએ, આ જરુરીયાત મનમાં એક ધક્કો – પ્રેરણા (Motivation) ઉભી કરે, હવે આ પ્રેરણા સંતોષવા માટે મારામાં કૌશલ્ય (Skill) હોવું જોઈએ, અને તો જ એ વર્તન (Behavior) માં પરીણામે અને મારી ઇચ્છાની પુર્તિ થાય.

ઉદાહરણ માટે જોઈએ તો સામાન્ય રીતે યુવાનો મહદ અંશે પોતાના મનમાં એક ‘રોલ મોડેલ’ નક્કી કરે છે. આ રોલ મોડેલને અનુસરવા માટે મનમાં ‘પ્રેરણા’ ઉભી થાય છે, પ્રેરણા સંતોષવા યુવાન કૌશલ્ય પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને અંતે તે રોલ મોડેલ સમકક્ષ બનવા પ્રયત્ન કરે છે. નાના બાળકોના મનમાં માતાઓ કે આસપાસના લોકો જાણે-અજાણે ‘રોલ મોડેલ’ ના બી્જ રોપે છે – ‘મારો દીકરો તો ‘સુપરમેન’ જેવો સ્ટ્રોંગ છે’, ‘બીલકુલ એના બાપ (કે મા) પર ગયો છે’. આમ ‘સુપરમેન’ ‘બાપ’ કે ‘મા’ એ દીકરાના મનમાં રોલ મોડેલનું સ્થાન લે છે.

અગાઊના લેખમાં શ્રી વિદ્યુતભાઈ જોશીએ ઉલ્લેખ કરેલી વર્તન તાલીમની સફળતા માટેના તત્વો જોઈએ તો સૌ પ્રથમ તો જે તે વ્યક્તિના મનમાં ‘ઇચ્છા’ જાગૃત કરવી પડે, (એના માટેની અલગ પધ્ધતિઓ છે), આ જાગૃત ઇચ્છાની તીવ્રતા વધારવા ‘પ્રેરણા’-તાલીમ આપવી પડે, આ પ્રેરણા સંતોષવા માટેનું ‘કૌશલ્ય’ પુરું પાડવું પડે. જો આટલી પ્રક્રીયા થાય તો માનવીનું વર્તન તાલીમથી અવશ્ય બદલાય. પણ આજે આપવામાં આવતી કોઈ તાલીમ આટલી લાંબી પ્રક્રીયામાંથી પસાર થતી નથી, પછી તે આજના મોર્ડન ‘મેનેજમેન્ટ’ કે ‘મોટીવેશન’ ગુરુઓ હોય કે કોઈ આવી સંસ્થાઓ હોય. વીકએન્ડમાં લોકો કુતુહલ વૃતિથી તાલીમમાં જઈ આવે અને થોડા દીવસોમાં ભુલી પણ જાય. વર્તન બદલવા ‘કાઊન્સેલર’ની સહાય લેવી જોઈએ જે લાંબો સમય જે તે વ્યક્તિના સંપર્કમાં રહે, મદદ અને માર્ગદર્શન આપે, તો માનવીનું વર્તન બદલાય.

આપની પાસે મોટીવેશન ગુરુઓથી બચવા કોઈ નવા તુક્કા છે ?

 

ટેકો –

આજે સવારે ચાલવા જતાં માનવીમાં ક્યારેક આવી જતા જુસ્સાને સમજવા માટેનો સરસ પ્રસંગ બન્યો.

ઉનાળાની સવાર છતાં વહેલી સવારની ઠંડક ર્સ્ફુતિદાયક હતી. ચાલતાં ચાલતા આગળ થોડે દુર એક કુરકુરીયાના કાંઊ કાંઊના અવાજે ધ્યાનભંગ થયું. જોયું તો એક સાવ નાનકડા કુરકુરીયાની સામે ડાઘીયો કુતરો જાણે હમણા જ બટકુ લઈ લેવાનો હોય તેમ તાકીને ઉભો હતો. કુરકુરીયું બિચારું પુછડી બે પગ વચ્ચે દબાવી ગભરાટમાં કાંઊ કાંઊ કરતું હતું. મને થયું ત્યાં પહોંચીને ડાઘીયાને ભગાડવો પડશે. ત્યાં તો ….. સીન બદલાઈ ગયો. કુરકુરીયું પુછડી ઉંચી કરીને ડાઘીયાની સામે ભસવા માંડ્યું.

With thanks from http://us.123rf.com/

With thanks from http://us.123rf.com/

નવાઈ લાગી, એકાએક શું થયું કે કુરકુરીયામાં હિંમત આવી ગઈ ?

થોડે નજીક પહોંચતા જાણ્યું કે કુરકુરીયાની મા કાંઊકાંઊ સાંભળી આવી પહોંચી હતી. હવે પગ વચ્ચે પુછડી દબાવવાનો વારો ડાઘીયાનો હતો.

આપણું પણ આવું જ છે. (મારે પણ સાસરામાં પગ મુકતાંની સાથે જ મિયાની મીંદડી થઈ જવું પડે છે. J)

મહદ અંશે બધાજ માનવીઓ આવા ટેકાનો સહારો લેતા જ હોય છે. કોઈ પણ કામ શરુ કરતા પહેલાં કટોકટીની પળોમાં કોનો ‘ટેકો’ મળશે એની ગણત્રી કરતા હોય છે. એ કદાચ નાનપણની ટેવ પણ હોય શકે. શરુઆતમાં માના ટેકાથી કાર્યો થાય, મોટા થતા ભાઈભાંડુ, મિત્રોનો ટેકો મળે, પરણે એટલે પત્નીનો ટેકો મળે અને બુઢાપામાં દીકરા-દીકરીઓનો ટેકો મળે.

જેને નથી મળતો, એમાં બેઊ પક્ષે ભુલ છે, પણ પહેલી ભુલ તો આપણી જ.

કારણ …

આ ‘ટેકો’ એ સંપુર્ણ શરણાગતિથી પ્રાપ્ત થાય, ‘સો’ ટકા વિશ્વાસ રાખવાથી પ્રાપ્ત થાય.

બાળક સંપુર્ણપણે માને શરણે જાય, મા પર સો ટકા વિશ્વાસ રાખે ત્યારે જ સામે એવો પ્રતિભાવ પ્રાપ્ત થાય. ફક્ત થોડા વિશ્વાસ સાથે આગળ વધે તો ‘મદદ’ મળે ‘ટેકો’ નહી.

આમેય હવે તો શરણાગતની રક્ષા પણ ગઈ છે અને વિશ્વાસનું સ્થાન વિશ્વાસઘાતે લીધું છે.

મંદીરોમાં યુવામિત્રો વધારે દેખાવા માંડ્યા છે એનું કારણ કદાચ આ ટેકાનો અભાવ અને વિશ્વાસઘાત પણ હોય શકે.

ઓછામાંઓછું કામ નહી થાય તો ‘ઇશ્વરે વિશ્વાસઘાત કર્યો છે’ એવી લાગણી તો ન થાય.

સુરેશભાઈ ‘ગદ્યસુર’ માં દાદાભગવાનની ‘નિજદોષ દર્શન’ ની વાત કરે છે તેમ વિચારીએ તો વિશ્વાસઘાતની શરુઆત આપણાથી જ થઈ હોય એવું ન બને ? ફક્ત વિશ્વાસઘાતની વ્યાખ્યા થોડી સુક્ષ્મ બનાવવી પડે –

‘હું તમારા પર વિશ્વાસ ન ધરાવું’ એ વિશ્વાસઘાત નથી ?

ઓશો એ ક્યાંક કહ્યું છે ‘દુનીયા પડઘા સમાન છે’ તમે જે બોલશો તે તમને સંભળાશે… તમે અન્ય પર વિશ્વાસ મુકશો તો અન્ય તમારા પર વિશ્વાસ મુકશે. આ તો એક પ્રયોગ છે, … કરીએ તો પરિણામ મળે.

જીવન તો પ્રયોગશાળા છે કરતા રહીએ, કંઈક તો થશે !

જતાં જતાં એક સમાચાર –

બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,

સમય જેવો સમય આધીન થઈને ચાલ બદલે છે.

– રજત પાલનપુરી

આ શેરને સાર્થક કરવા કરેલા વિચારો, સ્વપ્રયત્નોનું ભાથું શ્રી સુરેશભાઈ જાનીએ ગદ્યસુર પર “બની આઝાદ” ઇ-બુક તરીકે રજુ કર્યું છે. ફક્ત વાંચવા માટે નહી પણ આઝાદ બનવામાં તેમના પ્રયોગો અને અનુભવો ઉપયોગી થાય તેમ છે.

આજે ડાઊનલોડ કરી  અજમાવી જુઓ !

ખાલીપો –

હમણા થોડા દિવસ પહેલા યુકે થી દીકરી તેના પરિવાર સાથે આવી હતી. ઘર ભરેલુ ભરેલુ લગતું હતું. ચારે બાજુ તેના સામાનના મોટા મોટા બેગડા અને વધારામાં ભારતની ખરીદીના ખોખાં અને પ્લાસ્ટીકની થેલીઓ. નાનકડા ઘરમાં ચાલવા માટે જગ્યા કરવી પડતી હતી. મળવા આવનારાઓની વણઝાર, સમય ક્યાં જતો રહ્યો તેની જાણ જ ન થઈ. અઠવાડીયામાં ઘર ખાલી થઈ ગયું. બસ ‘હુતો-હુતી’ આ ખાલી ઘરમાં ‘ખાલીપો’ અનુભવતા રહી ગયા.

ભર્યું ભર્યું લાગતુ મન પણ હવે ખાલીપો અનુભવે છે.

what-is-critical-thinking

આખું ભરેલું હતું, હવે ખાલી લાગે છે. કશુંક ગુમાવ્યાનો અહેસાસ છે.

મનનો કોઈ ખુણો ખાલી થાય અને તેને પાછો ભરવા માટેની કોઈ લાગણી પણ ન થાય. એવું લાગે કે ખાલી કરનાર ત્યાં યાદોની અમીટ છાપ છોડીને ગયું. એ છાપ ભુસવાનો પ્રયત્ન કરવાની ઇચ્છા પણ ન થાય. ક્યારેક એ જ યાદો એકલતામાં મમળાવવામાં આનંદ આવે. એટલી ક્ષણો જીવંત બની જાય.

કોઈ સ્વજનના મૃત્યુ પછી પણ આવું થાય.

નોકરી કરનાર રીટાયર્ડ થાય ત્યારે પણ સહકર્મચારીઓની યાદો આવા ખુણામાં સચવાયેલી હોય.

જુનુ ઘર ખાલી કરો ત્યારે પણ એવું જ. (યાદ કરોને ‘જુનુ ઘર ખાલી કરતાં’ !)

પડોશીઓ, ગામ, શહેર ઓહો હો હો… કેટલું બધું !

મનમાં આ ખાલીપાને કારણે કોઈ ‘સ્પેશ’ તો થાય જ, પણ આ એવી સ્પેશ છે જ્યાં નવા વિચારોને સ્થાન નથી. ખાલી ખરું પણ યાદોથી ભરેલું. એવી સલાહ પણ મળે ‘જુનું ભુલી જવાનું’. હું સો ટકા સહમત નહી થાઊં, કારણ કે આ યાદો ઘણીવાર જીવવાની પ્રેરણા પુરી પાડે. વૈમનસ્યની યાદો ભુલી જવી પણ પ્રેમથી ગુજારેલી ક્ષણો તો કાયમ હૃદયમાં જડી રાખવી. એ તો જીવનનું બળ છે.

મન ખાલી છે પણ અધુરું નથી, યાદોથી ભરેલું છે.

તમે..ય.. મનનો ખાલી ખુણો ગોતી લીધોને…. !

ઉપરનું ચિત્ર ‘ફોર્બસ’ની સાઈટ પરથી સાભાર લીધું છે

http://www.forbes.com/sites/work-in-progress/2012/03/27/how-to-develop-5-critical-thinking-types/

“How to Develop 5 critical Thinking Types” લેખ વાંચવા જેવો ખરો !

થોડુંક વધારે –

હમણા કેટલાક દિવસથી મન-મગજ, યોગ, આઝાદ બનો એવી બધી ઝફા વાંચવાની/લખવાની વધારે રહી. આ બધી ગુંચવણોમાં તારણ સુધી તો પહોંચી શકાયું નહી. પણ એક નવો મુદ્દો મનમાં આવ્યો.

આપણે જીવીએ છીએ શા માટે ?

મોટીવેશનની તાલીમમાં, તાલીમ શરુ કરતા પહેલા ‘આઈસબ્રેકીંગ’ના ભાગરુપે અમે પાર્ટીશીપન્ટસને એક નોટ લખવા આપતા (મનની વિચારધારા બ્રેક કરવાને આઈસબ્રેકીંગ કહે છે, એનાથી કુતુહલતા વધે છે પરીણામે તાલીમમાં ગ્રહણશક્તિ વધે છે.) –

‘Why I am here ?’

બધા પોતપોતાની ઇચ્છાઓ, આકાંક્ષાઓ વ્યક્ત કરતા, આ નોંધનો ઉપયોગ ગોલસેટીંગમાં પણ કરી શકાય, પણ અમે ફક્ત મનને ફ્રેશ કરવા તેનો ઉપયોગ કરતા. આ નોંધનું વિશ્લેષણ કરીએ તો આનંદ આવે. તમને ઇચ્છા થાય તો પ્રયત્ન કરી જુઓ. આગળનું વાંચતા પહેલા ત્રણ મીનીટનો પ્રયોગ કરી જુઓ. બ્લેન્ક પેપર લઈ.. અરે કોમ્પ્યુટરમાં વર્ડ  ખોલીને તેમાં જ ટાઈપ કરી નાખો –

‘Why I am here’

………………..

………………….

મોટા ભાગના લોકોએ પોતાની હાલની જે ‘સ્થિતિ’ છે તેનાથી ‘થોડીક વધારે સારી સ્થિતિ’ મેળવવાની વાત લખી હશે. પેલું ગધેડાને આગળ ધપાવવાના મોટીવેશન માટે લટકાવેલા ગાજર જેવું !

donkeyandthecarrot_blogres_960

થોડુંક વધારે માટે આપણે સતત પ્રયત્નશીલ રહીએ છીએ, અને રહેવું જ જોઈએ. જીવન જીવવા માટે કોઈ અવલંબનની  જરુર છે. નોકરીયાત પ્રમોશન માટે, ધંધાદારી વધારે નફો મેળવવા, રીટાયર્ડ બુઢ્ઢાઓ પૌત્રો-પૌત્રીઓને ઠેકાણે પાડવાની આશામાં (એ પાછળનો ‘મેં કાંઈક કર્યુ’ નો અહમ સંતોષવા) તકલીફો ભોગવતા ભોગવતા પણ જીવ્યે જાય છે. (પાછા વહેમ તો એવો રાખે કે પ્રભુના હાથમાં છે બધુ ! ભઈલા અઠવાડીયું ખાવાનું બંધ કરી દે ને ! પ્રભુ લઈ જ જશે ! નકામો વસ્તીવધારાનાં આંકડાઓમાં વધારો કરશ !) અરે ! ઋષિમુનિઓ પણ જીવન જીવવા માટે  ‘મોક્ષ’ નું અવલંબન લેતા હતા.

ટુંકમાં જીવન જીવવા માટે ‘અવલંબન’ની જરુર છે.

હોવું જ જોઈએ !

મારી પાસે જે છે તેના કરતા થોડુંક વધારે હોવું એ વિચાર મને પ્રવૃતિશીલ રાખે છે.

જગત જો ગતિશીલ લાગતું હોય તો આ ફક્ત ‘થોડુંક વધારે’ ના વિચારને કારણે જ.

carrot

જીવનમાં તક્લીફો વધી હોય તો એ ‘થોડુંક’ ની જગ્યાએ ‘ખુબ વધારે’ના કારણે વધી છે. સીડી ચડવી હોય તો એક એક પગથીયું જ ચડી શકાય. વધારે જોર કરો તો ટાંટીયો ચોક્ક્સ ભાંગે.

ચોખ્ખી વાત –

આ આખી વાર્તા સામાન્યજનને લાગુ પડે છે, કંઈક ‘નવું કરવા’ની ભાવનાવાળાને નહી !

(ઉપરના બંને ચિત્રો નીચેની વેબ સાઈટ પરથી સાભાર લીધા છે.

http://nationallearning.com.au/bob-selden-163/

http://www.crossingworld.com/

મોટીવેશન વિષયમાં રસ ધરાવનારે આ સાઈટ વીઝીટ કરવા જેવી ખરી)

‘અવલંબન’ શબ્દ લખ્યો છે પણ ખરેખર ‘કારણભૂત’ (cause) વધારે યોગ્ય હશે. જે હોય તે, રોટલો ખાઓને ટપાકાનું શું કામ !

નાસ્તિક –

 

કુંભમેળાની વિવિધ બ્લોગ પરની ચર્ચાઓ, ટીપ્પણીઓ વાંચ્યા પછી આસ્તિક-નાસ્તિકને સમજવા, મથામણ કરવાના અભરખા જાગ્યા. મગજ ખરેખર ઘુમરી ખાય જાય તેવો મુદ્દો છે. કેટલીક કોમેન્ટસમાં, પોતાને નાસ્તિક અને રેશનાલીસ્ટમાં ખપાવતા લોકો તરફથી માનવીય સંવેદનાઓનું જે રીતે હનન થયું છે તેવું તો ‘નાસ્તિક’ શબ્દના અર્થમાં કે ભાવાર્થમાં ક્યાંય જોવા મળ્યું નહી. એમાંય ‘rationalist’ શબ્દનું ગુજરાતી તો ‘સમજદાર, વિવેકી, સૂઝ ધરાવનાર’ વાંચવા મળ્યું, પણ આવા રેશનાલીસ્ટની કોમેન્ટમાં વિવેકશુન્યતા સિવાય કશુંય દ્રષ્ટિગોચર થતું નથી. કુંભમેળામાં થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલાઓને ‘મુર્ખ મૃતાત્મા’ ના વિશેષણથી નવાજવામાં આવ્યા. હશે ! હમણાં વેલેન્ટાઈન ડે ગયો છે તો તેઓને પણ પ્રકૃતિનો પ્રેમ પ્રાપ્ત થાય અને તેમનામાં માનવીય સંવેદનાઓ જાગૃત થાય એવી અભ્યર્થના.

ગુગલ સર્ચમાં ‘નાસ્તિક’ પર સર્ચ કરતાં કેટલીક બ્લોગ પોસ્ટ વાંચવા મળી. મહદ અંશે ‘નાસ્તિક’ની વ્યાખ્યા ‘ઇશ્વર’ પર કેન્દ્રિત થયેલી લાગી. છતાં ‘ઇશ્વર’ની વિરુધ્ધની દલીલોમાં વજુદ જોવું હોય અને માનવ મનની તાકાત જોવી હોય તો નાસ્તિકતા પર વીર ભગતસિંહના વિચારો વાંચવા જેવા ખરા ! ભગતસિંહને એક વૃધ્ધ કેદીએ ઇશ્વર અને ધર્મ પર વિચારવા ઇંજન આપ્યું. તેઓએ એક લેખ લખ્યો – ‘હું નાસ્તિક કેમ છું’

શરુઆત જ “એક નવો પ્રશ્ન ઉભો થયો છે. મારું, સર્વત્ર, સર્વવ્યાપ્ત ઈશ્વરના અસ્તિત્વમાં ન માનવું, તે મારા ઘમંડ અને મિથ્યાભિમાનના લીધે છે કે નહિ ?” (પાકા રેશનાલીસ્ટ ગણાય ને ! શરુઆત જ પોતાની જાતને સમજવાથી કરી !). વાંચો તેમના વિચારો –

“હું એક નાસ્તિક તરીકે, આસ્તિકોને અમુક પ્રશ્નો પૂછું છું :

જો, તમે એવું માનો છો કે સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વોચ્ચ ઈશ્વરે પૃથ્વી કે બ્રહ્માંડનું સર્જન કર્યું, તો મહેરબાની કરીને સૌ પ્રથમ મને જણાવો કે, આ દુનિયાનું સર્જન જ કેમ થયું ? આ દુનિયા કે જે પીડા-વ્યથા અને તીવ્ર ગરીબીથી ભરેલી છે, જ્યાં એક પણ વ્યક્તિ શાંતિથી એક પળ જીવી શકતો નથી.

મને એમ નહિ કહેતા કે આ જ તેનો નિયમ છે. જો તે (ઇશ્વર) નિયમોથી બંધાયેલો હોય તો તે સર્વશક્તિમાન નથી.

જ્યાં ઈશ્વરની વ્યુત્પત્તિની વાત છે ત્યાં મારો વિચાર છે કે જ્યારે માનવીને પોતાની નબળાઈ, ખામીઓ અને મર્યાદા વિષે ભાન થયું ત્યારે માનવીએ ઈશ્વરનું સર્જન પોતાની કલ્પનાઓથી કર્યું છે.

મેં ઘણા નાસ્તિકો વિષે બધી જ મુસીબતનો સામનો નીડરતાથી કરતા હોવાનું વાંચ્યું છે, તો હું ય છેક છેલ્લે સુધી મસ્તક ઉન્નત રાખીને પુરુષાતનથી ઊભો રહીશ, વધસ્તંભ ઉપર પણ.”

આ તો તમને નમુના દેખાડ્યા. મૂળનો રસાસ્વાદ લેવા તમારે રુતુલ જોશીનો ‘ચરખો’ ચલાવવો પડે. (કારણ કે મને કટ-પેસ્ટનો કંટાળો છે.)

પણ ભગતસિંહના વિચારો ‘ઇશ્વર’ને કેન્દ્રમાં રાખીને લખાયા. ખરેખર શું નાસ્તિકતા-આસ્તિકતાના કેન્દ્રમાં ‘ઇશ્વર છે ? દિવ્યભાસ્કરનો એક લેખ કહે છે –

“હકીકતે નાસ્તિક અને આસ્તિક બંને શબ્દો આપણા વ્યવહાર, સ્વભાવ અને ચરિત્ર સાથે જોડાયેલ છે. આસ્તિક શબ્દ સંસ્કૃતના શબ્દ “અસ્તિ” થી બનેલો છે જેનો અર્થ છે “છે” એવી જ રીતે નાસ્તિક શબ્દ સંસ્કૃતના જ “નાસ્તિ”થી બનેલો છે જેનો અર્થ થાય છે “નહીં” આસ્તિકનો અર્થ આશાવાદી હોવું એવું થાય છે. જે દરેક વસ્તુમાં હકારાત્મક દ્રષ્ટિકોણ રાખે છે. જે એવું માને છે કે ભગવાનનું અસ્તિત્વ છે, મૂર્તિઓમાં નહીં પણ માણસોમાં પણ છે.”

જુઓ ! અહીં પણ ભગવાનનું અસ્તિત્વ સ્વીકાર્યું પણ જુદા સ્વરુપે. ધર્મ અને સંપ્રદાયો કહે છે તેમ ‘કણ કણમાં પ્રભુનો વાસ છે.’ ટુંકમાં ‘ઇશ્વર’ નું અસ્તિત્વ છે, પણ એ ભક્તો દ્વારા માનવામાં આવતા પ્રચલિત સ્વરુપમાં (મુર્તિ કે ધર્મોના સ્વરુપે) નહીં.

પં. શ્રીરામ શર્મા આચાર્ય આસ્તિકતાને સમજાવતા કહે છે – ‘માણસની સજ્જનતા અને આસ્તિકતા – બંને ૫ર્યાયવાચક શબ્દ છે. તે એક – બીજા સાથે ભળેલા છે. કહેવા-સાંભળવામાં તો અલગ લાગે છે કે આસ્તિકતા અલગ હોવી જોઈએ અને સજ્જનતા અલગ હોવી જોઈએ, ૫ણ વાસ્તવિકતા એવી નથી.’ એમનું કહેવું છે કે સજ્જન ભલે ઇશ્વરને ગાળો દેતો હોય, તો પણ તે આસ્તિક છે.

ભગવાનની ભેજાફોડીમાં આગળ વધતા શ્રી ગુંણવંતભાઈના બ્લોગ પર જઈ ચડ્યો. મન ઠરે એવું કાંઈક ત્યાંથી મળ્યું. (આમ પોતાના વિચારોને અનુરુપ કંઈક લખાયું હોય તો મન ઠરે જ ! લાગ્યું કે ગુણવંતભાઈ મારી લેનના …. સોરી… વડીલ છે આથી હું એમની લેનનો માણસ છું. ખાનગીમાં કહી દઊં ? રસ્તા પર જતી વખતે મને પણ લોકો ‘વડીલ’ કહે છે. છે ને માભો !) તેઓ લખે છે – ‘તકરારનો વિષય ઇશ્વર નથી. તકરારનો વિષય સત્ય છે. સત્યવાન નાસ્તિક આદરણીય છે. જૂઠો આસ્તિક કહેવાતા ઇશ્વરને બદનામ કરનારો છે. મૂળે વાત સત્યાચરણની છે.’

તેઓશ્રીએ આસ્તિક અને નાસ્તિકને ‘સત્ય’ના મધ્યબિંદુથી જોડી દીધા.

“આસ્તિક મહાત્મા ગાંધી કહે છે, ‘સત્ય એ જ પરમેશ્વર.’ નાસ્તિક નિત્શે કહે છે, ‘ભગવાનનું અવસાન થયું છે.’ નિત્શે કદી પણ એમ ન કહે, ‘સત્યનું અવસાન થયું છે.’ આસ્તિકતા અને નાસ્તિકતાનું મિલનસ્થાન સત્ય છે. સત્ય શાશ્વત છે, અનંત છે અને પરમ આદરણીય છે. એ પંથપ્રપંચથી પર છે.”

ગુણવંતભાઈએ ધર્મની વ્યાખ્યા કરતા કહ્યું –

“ધર્મ એટલે રિલજિયન એવું નથી. એક જ દાખલો પ્રસ્તુત છે. ટ્રાફિકના નિયમો આપણને ક્યા ધર્મ તરફથી મળ્યા છે? એ નિયમો ન પળાય તો મૃત્યુ રોકડું! એ નિયમો પાળીએ, તો નિયમો જ આપણું રક્ષણ કરે છે. આમ જગતમાં જળવાતો ‘ટ્રાફિકધર્મ’ મહંત, મુલ્લા અને પાદરીથી પર છે. તેથી કહ્યું, ‘રક્ષણ પામેલો ધર્મ જ આપણું રક્ષણ કરે છે.’ (ધર્મો રક્ષતિ રક્ષિત:)”

ધર્મની ચર્ચામાંથી તેઓ ‘શ્રધ્ધા’માં સરકી પડ્યા –

“શું કહેવાતો રેશનલિસ્ટ સાવ શ્રધ્ધાશુન્ય હોઇ શકે? એ બહારગામ જાય ત્યારે એને ‘શ્રધ્ધા’ હોય છે કે પોતાની પત્ની બીજા પુરુષ સાથે સૂતી નહીં હોય. આવી જ શ્રધ્ધા એને ખાસ મિત્રની વિશ્વસનીયતા અંગે પણ હોય છે. આવી અસંખ્ય શ્રધ્ધાઓ પર આ જગત નભેલું છે. નાસ્તિકને અશ્રધ્ધાળુ (નોન-બીલિવર) કહેવામાં વિવેક નથી. એને પાકી ‘શ્રધ્ધા’ હોય છે કે ઇશ્વર જેવું કશું જ નથી.

શું કહેવાતો શ્રધ્ધાળુ સાવ તર્કશૂન્ય હોઇ શકે ? એ વાતમાં દમ નથી. શ્રધ્ધાળુ ભક્તાણીને પણ ક્યારેક પોતાના પતિના ગોરખધંધાની ખબર હોય છે. કહેવાતો કૃષ્ણભક્ત (વૈષ્ણવ) દુકાનમાં તર્કપૂર્ણ વ્યવહાર કરીને નફો રળતો હોય છે. તર્ક અને શ્રધ્ધા વચ્ચે બાપેમાર્યાં વેર નથી. તર્ક અને શ્રધ્ધા વચ્ચેના સહજ સમન્વયને ‘વિવેક’ કહે છે. કેવળ તર્ક કે કેવળ શ્રધ્ધા જીવનને વિવેકહીન બનાવે છે. …..વિવેકશૂન્ય આસ્તિકતા અને નાસ્તિકતા ખતરનાક છે.”

તમને લાગશે આજે ‘કટપેસ્ટવાળી’ જ છે. પણ સાવ એવું નથી આ તો મારી અઠવાડીયાની મહેનતનો રસાસ્વાદ કરાવ્યો. મારી માન્યતામાં આસ્તિક અને નાસ્તિકને સમજવામાં ‘ઇશ્વર’ ને વચ્ચે લાવવા જેવો નથી. મેં અગાઊ શ્રધ્ધામાં ઇશ્વરની ચર્ચા કરી જ છે. ‘ઉપરવાળાની’ પણ ચર્ચા કરી જ છે. આથી આસ્તિક-નાસ્તિકમાં ઇશ્વરને ભૂલી જઈને શ્રધ્ધા પર ધ્યાન આપવું યોગ્ય છે. (એથીસ્ટ/રેશનાલીસ્ટ બ્લોગરોને ‘કોમેન્ટેટરો’ પર ‘શ્રધ્ધા’ છે જ ને !). ધર્મનું રહસ્ય ‘સ્વધર્મ’ માં સમાયેલું છે.

સત્ય – સંયમ – સ્નેહ

શ્રી ગુણવંતભાઈની બંને વાત – સત્ય અને સંયમ (વિવેકનો પર્યાય ગણીએ ?) આમાં આવી ગઈ, અને મારા તરફથી પ્રેમનો ઉમેરો. જગતની દરેક વ્યક્તિ આસ્તિક પણ છે અને નાસ્તિક પણ. જ્યાં જે બાબતમાં મને શ્રધ્ધા ત્યાં આસ્તિક, જેમાં શ્રધ્ધા નહી ત્યાં નાસ્તિક.

(લાં…બુ થઈ ગયું, પણ રજામાં વાંચજો ને ! હજી ‘વીકી મહારાજ’ની વાત તો બાકી જ રહી…)

નેગેટીવીટી – પ્રસિધ્ધિની સીડી ?

નેગેટીવીટી – પ્રસિધ્ધિની સીડી ?

વર્તમાનપત્રોની કોલમ્સ, બ્લોગ વાંચતા મન ઘણી વખત વિચારે ચડી જાય છે – શું પ્રસિધ્ધિ મેળવવાનો માર્ગ નકારાત્મકતા છે ? વર્તમાનપત્રના સમાચારોને નકારાત્મક અને સકારાત્મક એમ બે ભાગમાં વહેંચવાનો પ્રયત્ન કરીએ તો મહદ અંશે નકારાત્મક સમાચારોનું પ્રમાણ વધારે હશે. સકારાત્મક સમાચારો નાના અક્ષરોમાં ખુણેખાંચરે છપાય છે. ૧૬, જાન્યુઆરીની કળશ પુર્તિમાં એક મહીલા કોલમીસ્ટ ‘તમારો પર્સનલ યક્ષ આવા સવાલ તમને પુછે છે ?’ મથાળા હેઠળ કેટલાક મહત્વનામુદ્દા ઉઠાવે છે જે યોગ્ય છે જ. જેમકે “સામાજીક રુઢિઓ ખોટી હોવાનું જાણવા છતાં સમાજના ડરે, ‘કરવું પડે’, ‘વ્યવહાર સાચવવા પડે’ વગેરે કારણોસર શા માટે ચાલુ રાખીએ છીએ ? શા માટે મક્કમપણે આ કુરુઢિઓ અટકાવવાની આપણી હિંમત ચાલતી નથી” એકદમ મુદ્દાની વાત થઈ, સૌએ વિચારવું જ જોઈએ. આ મુદ્દા સાથે તેણીએ લોકોની મજબુરીની પણ નોંધ લીધી હોત તો વધુ આનંદ થાત. ૨૫-૩૦ વર્ષ પહેલા ‘શાહ’ અટકવાળા મારા એક તાલીમાર્થી સીડયુલ્ડ કાસ્ટનું પ્રમાણપત્ર લઈને આવ્યા, મેં માત્ર કુતુહલ ખાતર પુછ્યું કેમ આમ કર્યું. ‘સાહેબ, ધંધો મેં મારી મુળ અટક સાથે જ શરુ કર્યો હતો, પણ એક વર્ષ દરમ્યાન જેમની પાસે ગયો ત્યારે ફક્ત મારી અટકના કારણે કામ ન મળ્યુ. હવે ધંધો કરવો જ હોય તો મારે અટક બદલવી જ પડે નહીંતર ભુખે મરવાનો વારો આવે.’ આને શું કહેવું ? પેટ ખાતર ‘સ્વમાન’ની બાંધછોડ કરવી પડી. સામાન્યજન ‘ક્રાંતિ’નો ઝંડો લઈને જીવી ન શકે એ પણ નોંધવું  જોઈએ.

લેખના ઉતરાર્ધમાં વાત ફંટાઈ ગઈ –

“અને હવે જરાક જુદો પ્રશ્ન. આરએસએસના વડા મોહન ભાગવતે, દિલ્હી ગેંગરેપની ઘટના પછી જાત જાતના વિધાનો કરી હોબાળો મચાવ્યો……. આવી ઘટનાઓ પાછળ પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવનું પરિણામ છે. બાકી ભારતીય સંસ્કૃતિમાં તો નારીને દેવીનો દરજ્જો આપીને એનું સન્માન કરાય છે. આપણી સંસ્કૃતિ, અહાહાહા…. હવે પ્રશ્ન એ છે કે આવા લોકો જેને ભારતીય સંસ્કૃતિની ધરોહર ગણે છે એ રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં સ્ત્રીઓ સાથે અટકચાળા કે અત્યાચારો થયાનું એમણે નથી વાંચ્યું ?”

મારો નાનો સવાલ – એક વાર્તાકાર એટલું ન સમજી શકે કે વાર્તાને રસાળ અને લોકભોગ્ય બનાવવા લેખક તેમાં નાટકીય તત્વોને ઉમેરે છે ? રામાયણ અને મહાભારત જેવા ‘કથા’ ગ્રંથોમાં આવું ન બની શકે ? મેં તો આ વાર્તાઓ નાનપણમાં જ વાંચી છે અને માનવી તરીકે જીવવા માટે તેમાંથી શું સારુ મળી શકે તે ગ્રહણ કરી લીધું છે. બસ આગળ કોઈ જરુર જણાતી નથી. દુઃશાસન જેવા માણસ ચીર ખેંચે તે યોગ્ય નથી લાગ્યું અને તે સ્વીકારી લીધું, આવા પાત્રોને ભુલી ગયા, વાત પુરી. એમાં પણ લેખિકા કૈકેયીના કિસ્સાને વધારે ચગાવી તારણ લખી નાખે કે – “કદાચ ભારતીય સંસ્કૃતિના એ સુવર્ણ કાળ ગણાતા સમયથી સાવકી માતાને ખરાબ ગણવાની પરંપરા શરુ થઈ ગઈ.” બોલો ! મોટા ભાગના લોકો રામાયણમાં રામ, તેણે કરેલા પરાક્રમો, સીતાનો ત્યાગ, લક્ષ્મણ-ભરતનો રામ માટેનો પ્રેમ અને વિવેક વગેરેને યાદ કરતા હશે, કૈકેયીને નહી, સાવકી મા ને નહીં. શું ભારતમાં ડફોળ બાળકો જન્મે જે માતાનો પ્રેમ અને ધિક્કારની લાગણીને સમજી ન શકે ? આવા બુધ્ધિજીવીઓ ભરતે રામ પાસેથી અલગ થતી વખતે, સિંહાસન પર રામના પ્રતિક રુપે મુકવા ‘રામની પાદુકા’ માગી લીધી તેને, રામને ખુલ્લા પગે કરી નાખવાની ‘લુચ્ચાઈ’માં ખપાવવાનો તર્ક પણ લગાવી શકે.

અને આવી નકારાત્મકતાને ‘હાઈલાઈટ’ કરવાની જરુર જ શું છે ? એક બ્લોગર મિત્ર દિલ્હી રેપ કેસને ભારતીય સમાજની ‘નઘરોળ નપુંશકતા’ માં ખપાવી દે. મારો એક સાદો સવાલ છે કોઈક વ્યક્તિને સારું કરવા તૈયાર કરવો હોય તો તેને ‘તું મર્દ બચ્ચો છે’ એમ કહેવું જોઈએ ? કે ‘તું નપુંશક છે’ એમ કહેવું જોઈએ ? નાના બાળકને પરીક્ષા માટે તૈયાર કરતી માતાએ બાળકને ‘હોંશીયાર’ છે એમ કહેવું ? કે ‘ઠોઠ’ છે એમ કહેવું ?

આજના (૨૦-૧-૨૦૧૩) દિવ્યભાસ્કરમાં એક સકારાત્મક સમાચારની નોંધ અસ્થાને નહીં ગણાય –

“મહીલાઓની મદદ માટે એક સૈન્ય બની ગયું” લશ્કરના એક લેફટ. જનરલ (રીટાયર્ડ) શ્રી એચ.એસ. પનાગે કોઈ પણ પ્રસિધ્ધિના પ્રયત્નો વગર, પોતાનો મોબાઈલ નંબર જાહેર કરી ટ્વીટ કરી કે ‘કોઈ પણ મહીલા જો સંકટમાં હોય તો, મદદ કરવા માટે હું આ નંબર પર ઉપસ્થિત છું.’ અત્યાર સુધીમાં એમના ‘સૈન્ય’માં ૧૦૦૦ થી વધુ વોલેન્ટીયર્સ જોડાઈ ચુક્યા છે અને ચાર શહેરોમાં ‘સ્ટેન્ડ અપ ફોર ઇન્ડિયા’ પ્રસરી ચુક્યું છે. છાપાઓમાં નકારાત્મક લખાણો લખી પોતાને ‘અલગ’ સિધ્ધ કરવા કરતાં આવું કંઈક થાય એ યોગ્ય નથી ? જે લોકો કલમ ચલાવી શકે છે તે આવા લોકોની ‘વાહવાહી’ લખી અન્યને પ્રેરીત કરી શકે કે નહીં ?

મીડીયાના નકારાત્મક પ્રચારના ઘણા ઉદાહરણો છે – એક વધુ ઉદાહરણ – થોડા સમય પહેલાં મેં ચિત્રકાર એમ. એફ. હુસેનના ગુણગાન ગાતા અને ભારતીય સંસ્કૃતિને પછાત ગણતા કોલમીસ્ટની નેગેટીવીટીની વાત કહી તો, બુધ્ધિજીવી મિત્રોએ મારા ‘ક્લોસ્ડ માઈન્ડ’ નું જજમેન્ટ આપી દીધું. કેટલાક વર્ષો પહેલા પ્રકાશીત થઈને બંધ થઈ ગયેલા સામયિકના કવર પેઈજની તસ્વીર મુકું છું, નિર્ણય તમે કરજો ….

Sita_Hanuman

આમાં સામયિકના પ્રકાશક અને હુસેન બન્નેની પ્રસિધ્ધિ માટેની ‘નકારાત્મકતા’ છલકે છે, એવું નથી લાગતું ?

મારું તો ક્લોસ્ડ માઈન્ડ છે પણ તમે ‘ઓપન’ રાખીને વાંચજો.

(ખાસ કરીને કૈકેયીને વધારે જાણવાની ઇચ્છા થઈ, અને ગુગલ મહારાજને શરણે જતાં જાણ્યું કે –

http://www.indianetzone.com/13/kaikeyi.htm માં જાણવા મળે છે કે વાલ્મિકીએ કૈકેયિને એક ‘ગ્રેટ લેડી’ તરીકે વર્ણવી છે જે ખરા અર્થમાં રામને મદદ કરવા, તેમને વનમાં મોકલવાનું વરદાન માગે છે અને તે પણ પોતાની અપકિર્તિની પરવા કર્યા વગર. હવે કૈકેયી ‘સાવકી મા’ થઈ કે ‘ત્યાગ મુર્તિ’ ?

આવી બીજી પણ લીન્ક, તમને વધારે રસ હોય તો –

http://en.wikipedia.org/wiki/Kaikeyi

http://www.speakingtree.in/spiritual-articles/epics/holding-a-brief-for-kaikeyi

હજુ ‘સંસ્કૃતિ’ની ખાંખાખોળ ચાલુ જ છે, ફરી ક્યારેક ……)