આનંદ થતો નથી –

આજે સ્વતંત્રતાપર્વ.

હાશ છુટ્યાનો આનંદ થવો જોઈએ,
પણ થતો નથી.

હકારાત્મકતાનો ઝંડો બહુ ફરકાવું છું, પણ આજે સ્વતંત્રતાનો આનંદ છે એવો દંભ નથી રાખવો.

વિપશ્યના સમજ્યા પછી ‘સમદ્રષ્ટિ’ની સમજણ આવી છે, પ્રયત્ન પણ કરું છું પણ કોણ જાણે કેમ આજે આનંદ નથી થતો.

રાજાશાહીનો તો ઝીરો અનુભવ છે પણ જુની વાતો વાંચી એવું લાગ્યા કરે છે કે ‘આના કરતા રાજાશાહી સારી’

આજે સવારના અશોકભાઈ મોઢવાડીયાની કોમેન્ટ વાંચી મન, આજની આધુનિક સંસ્કૃતિ જેને પછાત ગણે એવા સમયમાં જતુ રહ્યું. ભૂતકાળમાં વાંચેલો ‘થાકલો’ શબ્દ યાદ આવ્યો. ગોંડલ દરબારે (રાજા જ કહેવાતા હશે, ખબર નથી), રસ્તા પર બે ઉભી છીપર (ઓછી જાડાઈનું પથ્થરનું પાટીયુ જ સમજોને !), ઉપર એક આડી છીપર મુકી, થોડે થોડે આંતરે રસ્તાની ધારે ‘થાકલા’ બનાવ્યા હતા. એનો હેતુ જાણો તો સમજાય કે રાજા ‘સારા’ કે ‘નેતા’ ? એનો ઉદ્દેશ એવો હતો સીમમાંથી બહેનો ઘાસચારાના કે લાકડાના ભારા ઉંચકીને લાવતી હોય ત્યારે થાકલાની ઉપર ભારો મુકી, છીપરની નીચે વૈશાખી તાપમાં થોડો પોરો ખાઈ લે અને પછી કોઈની સહાય વિના ભારો માથે ચડાવી ચાલતી થાય. (મને આવડે એવું ચિત્ર બનાવ્યું છે, થોડુંક તો સમજાશે.)

thaklo લોકોની જરુરીયાતોની કેવી સાચી સમજાણ ! એ પણ ‘ફ્રી’ અને વધુમાં મેઈન્ટેનન્સ ‘ફ્રી’. આજે બીઆરટીએસના પ્રોજેક્ટ ચાલે છે પણ કોઈને સંતોષ છે ? જ્યારે ઇલેક્ટ્રીક એક નવાઈ હતી ત્યારે અંડરગ્રાઊન્ડ વાયરીંગ, કન્યા કેળવણી ફરજીયાત, અને એવું તો કેટલુંય ! આજે તો નારી સંરક્ષણના નારા છાપામાં અને નેતાઓના મુખેથી લલકારાય છે પણ નારી ક્યાં છે ? બ્લોગર મિત્રો પ્રજાને નપુંસક કહી નાખે પણ પ્રજાની મજબુરી તરફ કોઈ ધ્યાન દોરે છે ? ઉપાયો તરફ અંગુલીનિર્દેશ કરે છે ? ‘મત આપવાનો અધિકાર’ ખરો, પણ મત કોને આપવો ? સલાહકાર કોલમીસ્ટ સલાહ આપે જેનામાં ઓછું ‘ગુંડત્વ’ હોય, ઓછો ‘ભ્રષ્ટાચારી’ હોય તેને મત આપવો (ચુંટાયા પછીના પાંચ વર્ષમાં ‘માસ્ટરી’ મેળવવાની તક આપવી !). વિધાનસભા કે સંસદમાં રહી આવેલા સભ્યો કે સાંસદોના  આવક અને પ્રોપર્ટીમાં પાંચ વર્ષમાં થયેલા વધારાનું વિશ્લેષણ કરજો, સમજાય જશે. એવું કહી નાખે કે ‘તમારો મત કિંમતી છે’ પણ વાપરવાનું યોગ્ય ઠેકાણું કોઈ દર્શાવે છે ? બંધારણીય હકોની વાત થાય છે પણ – અમેરીકાના ૨૦૦ વર્ષના બંધારણમાં ૨૭ સુધારા થયા અને ભારતના ૬૩ વર્ષના બંધારણમાં ૯૭ સુધારા. કોણે કર્યા ? એવો સવાલ ઉઠાવવાની પણ ‘બંધારણીય’ સ્વતંત્રતા છે ? કેટલાક બ્લોગર મિત્રો ભારતીય સંસ્કૃતિને વખોડે છે પણ તેની પડતીના કારણો તરફ ધ્યાન કેમ દોરતા નથી ? ભારતનું બંધારણ ભારત આઝાદ થયા પહેલાં અંગ્રેજોની નિગરાનીમાં તૈયાર થયુ જેમાં મુળ સંસ્કૃતિના છોતરા ફાડવાની સંપુર્ણ વ્યવસ્થા હોય એ ગોઠવણ પર કોઈ નજર કેમ કરતુ નથી ?

http://www.youtube.com/watch?v=QjfmFjK4FyY

બહુ તકલીફ થાય છે, પણ દિશા સુઝતી નથી અને બધાની સાથે ઉભા રહી ‘સલામ’ કરવી પડે છે. તમે પણ વાંચી લો – જીગ્નેશભાઈએ આપેલી સલામની વાત –

http://aksharnaad.com/2010/02/05/salaam-by-mangesh-padgaonkar/

પણ જન્મભુમિના નાતે –

મા ભારતીની જય જય ..