નિજ દોષ દર્શન, પણ યુવાનોનું શું ? –

જૈન ધર્મ, દાદા ભગવાન દ્વારા જેના પર વધુ ભાર મુકવામાં આવ્યો છે તે પ્રતિક્રમણ.

સાદી પ્રક્રીયામાં વ્યક્તિએ પ્રતિક્રમણ દ્વારા નિજ દોષ દર્શન કરવાનું હોય છે. એવું પણ સાંભળ્યું કે મહાવીરના સમકક્ષ પહોંચવા માટે રોજના સો પ્રતિક્રમણ કરવા જોઈએ.

meditation-6

(Image taken from – http://casnocha.com/2012/08/reflections-and-impressions-from-a-10-day-meditation-course.html/meditation-6 – with thanks)

આ બધુ સમજવામાં એટલી તકલીફ પડે છે કે આ બધુ યુવાનો કરી શકે ?

જેમની પર ઘરની જવાબદારી છે, આવક-જાવકના બે છેડા ભેગા કરવાના છે, માંડ માંડ નોકરી કરે છે કે સામાન્ય રોજગાર ચલાવે છે, લક્ઝરી નહી પણ જીવનજરુરીયાત પુરી કરવાના ફાંફાં પડતા હોય એવા માણસો ‘નિજદોષદર્શન’ કરી શકે ?

ઓફીસમાંથી જવા-આવવાના માટે રિક્ષાનું ભાડું મળે છે, પણ એ પૈસા બચાવી શકાય તો સાંજના શાકભાજીનો મેળ પડતો હોય એ વ્યક્તિ નિજદોષ દર્શનમાં  ક્યો દોષ જોઈ શકે ? શું એ ઓફીસની નિયત રકમ અન્ય ખર્ચમાં વાપરે છે એ ખોટું છે ? અહીં દલીલ થાય કે તેને ઓફીસમાંથી પૈસા મળી ગયા આથી હવે તે તેના થઈ ગયા, હેતુફેર માટે વપરાયા તેમાં ગુનો નથી. શું શાસ્ત્રીય રીતે ગુનો નથી ? આવા તો અસંખ્ય દાખલા છે.

સવાલ એ આવે છે કે સામાન્ય માણસ જે રોજીરોટી માટે આખો દિવસ મહેનત કરતો હોય, માન-અપમાન સહેતો હોય અને સાંજે સામયિક કરવા બેસે ત્યારે પણ તેણે પોતાના જ દોષ જોવાના ? શું દરેક કાર્યો માટે પોતે જ જવાબદાર છે એવું સ્વીકારવું ? કુટુંબનું ભરણપોષણ એ તેની સામાજીક જવાબદારી નથી ?

વાલીયા લુટારાની વાર્તામાં, એને કહેવામાં આવે કે જા તારા ઘરના સૌને પુછી આવ કે આ ચોરી-ચપાટીના પાપમાં તે સૌ ભાગીદાર છે ? જવાબ ગમે તે હોય પણ વાલીયો જો ‘મારું’ કુટુંબ સમજી એની જવાબદારી ઉઠાવવાની મહેનત કરે તો ખોટું શું છે ?

જો બધા જ ‘મારું-તારું’ છોડી સાધુ બને તો સંસારચક્ર કેમ ચાલી શકે ?

આ બધા કરતાં એક વધારે અગત્યનો મુદ્દો એ આવે કે જો વ્યક્તિ એવું વિચાર્યા કરે ‘જે કંઈ કરું છું એમાં મારો જ દોષ છે’ તો કામ કરવાનું મોટીવેશન જ તૂટી જાય. કામ કરી જ ન શકે.

ઓફીસમાં વ્યક્તિએ ઓફીસ નિયમ અનુસાર જ કાર્ય કર્યુ હોય પણ તે બોસની ‘અપેક્ષા’ મુજબ ન હોય અને કર્મચારીને ઓફીસમેમો મળે તો એ કર્મચારીનો દોષ છે ? મારા અનુભવની જ વાત છે. ‘ફક્ત’ બોસની અપેક્ષાઓ મુજબ કામ ન કરવાની ‘સજા’માં ૨૩ વર્ષની નોકરી દરમ્યાન ૧૧ વર્ષ  કુંટુંબથી દુર રહેવાનું થયું અને અંતે કામ કરવની પ્રેરણા જ ખતમ થઈ ગઈ. અંતે મને ખુબ ગમતુ કાર્ય છોડી વહેલો રીટાયર થઈ ગયો. હવે, હું મારો શું દોષ શોધું કે સ્વીકારું ?

આ તો પ્રોફેશનની વાત થઈ, પણ ઘરમાં પણ સંબંધોનો શું ? પિતા-માતા, પત્ની-બાળકો સાથે સમાજના ઘડેલા સામાન્ય નિયમો પ્રમાણે વર્તન થતું હોય, પણ તેમાં તેમની ‘અપેક્ષા’ઓ ભળવાની જ છે. અને જો આ અપેક્ષાઓ વ્યક્તિ સંતોષી ન શકે તો તે ક્યા ‘દોષ’નું નિરિક્ષણ કરે ?

મને લાગે છે કે ‘નિજદોષ દર્શન’ થી મોટામાં મોટો અવરોધ આવતો તે – ‘વ્યક્તિમાં પોતાના માટે ‘હીનતા’ ની ભાવના ઉત્પન્ન થાય’. મંદીરોમાં ભક્તો જેમ ગરીબડા થઈને માગે કે ‘હે ભગવાન ! હું તો આધારહીન છું તું બચાવી શકે તો બચાવ’

‘ગરજ હોય તો આવ ગોતવા, હું શીદ આવું હાથ હરિ !’ ની ખુમારી જતી રહે.

(વધુ સંદર્ભ – https://bestbonding.wordpress.com/2012/07/22/god-2/)

શું આપણે સૌએ દીનહીન થઈને જીવવાનું છે ?

‘નિજ દોષ દર્શન’ ના બદલે માનવી ‘નિજ દર્શન’ કરે તો શું ?

રોજ પોતે કરેલા કાર્યોને પોતાની ‘સમજણ’ પ્રમાણે મુલવી જુએ, કોઈ જગ્યાએ કન્ફ્યુઝન લાગે તો તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરે. એટલું ચોક્કસ કે તેણે પોતાની ‘સમજણ’ કેળવવી પડે, તેમાં ‘તટસ્થ’ બનવું પડે. તટસ્થ થયા બાદ ‘દોષ’ દેખાય તો જરુરથી સ્વીકારવો જોઈએ, ભુલ કબુલ કરવી જોઈએ.

તમને ક્યું દર્શન કરવાનું ગમશે ? – ‘નિજદોષ દર્શન’ કે ‘નિજ દર્શન’ ?