મારા પ્રશ્નો…

અગાઊની પોસ્ટ ‘ભગવાન છે ?’ માં તો ડેવીડભાઈની વાર્તા લખી, પણ મારા પણ કેટલાક પ્રશ્નો છે જેના જવાબ મને વિજ્ઞાનમાં કે તર્કમાં મળતા નથી. આથી હું પણ ગુંચવાઊં છું.

વિજ્ઞાન માટે એક સાદો સવાલ – સરખી ગોળાઈની બે ભુંગળીઓ બાજુ બાજુમાં રાખી સામેથી હવા ખેંચવામાં આવે તો શું થાય ? જવાબ – બેઉં ભુગળીમાંથી સરખા વેગથી હવા પસાર થાય.

હવે મનુષ્યના નાકના બે નસ્કોરા બાજુ બાજુમાં હોય છે છતાં આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે બે માંથી એક નસ્કોરામાંથી શ્વાસ ફેફસામાં જાય છે. થોડા સમય પછી શ્વાસ બદલાય છે અને બીજા નસ્કોરામાંથી અંદર જાય છે, ફરી થોડા સમય સુધી બંને નસ્કોરામાંથી શ્વાસ ચાલે છે. આમ થોડા થોડા સમયે શ્વાસ બદલાતો રહે છે. (યોગની ભાષામાં આને સુર્યનાડી, ચંદ્રનાડી અને સુશુમ્ણાનાડી એમ પણ કહેવાય છે.) અહીં વિજ્ઞાનનો નિયમ કેમ લાગુ પડતો નથી ? વિજ્ઞાન સિવાય બીજું કયું તત્વ કામ કરે છે ? પ્રકૃતિ કરે છે, તો તે કયા નિયમના આધારે આમ કરે છે ?

બીજો એક મુદો એ છે કે માનવીમાં ‘લાગણીના બંધન’ (Emotional Bonding) કઈ રીતે કાર્ય કરે છે ? ફીલ્મોમાં ઘણીવાર જોઈએ છીએ કે પ્રિયજનને કંઈ થાય તો એની સાથે લાગણીથી જોડાયેલાને તરત બેચેની લાગે, દીકરાને કંઈ થાય તો માના દિલમાં ઝટકો વાગે, બહુ વર્ષો પહેલા વાંચેલું કે રશીયન વૈજ્ઞાનીકોએ સસલી અને તેના બચ્ચા પર પ્રયોગ કર્યો હતો, સસલીને તેના બચ્ચાથી ખુબ દુર રાખી અને તેના મગજમાં ઉત્પન્ન થતા ઇલેક્ટ્રીકલ ફેરફારોની નોંધ માટેના ઉપકરણો લગાડ્યા, જ્યારે તેના બચ્ચાઓને મારી નાખવામાં અવતા હતા ત્યારે સસલીના બ્રેઈનમાં ઇલેકટ્રીકલ પલ્સમાં ફેરફાર થતા હતા. પ્રયોગ થયો, સાબિતિ મળી પણ એની સમજુતી ન આપી શકાઈ. એ જ રીતે ટ્વીન્સમાં એકને જે લાગણી થાય કે એ જ સમયે બીજાને તેવીજ લાગણી અનુભવાય છે. વિજ્ઞાને આને અતિન્દ્રિય બોધ (extrasensory perception – ESP) કહ્યું છે પણ તેની કોઈ સમજુતી આપી નથી.

આવા કેટલાક મુદ્દાઓ છે જે વિજ્ઞાન દ્વારા સમજાવી શકાતા નથી.

આમ કોઈ ‘સુપ્રીમ’ હાજર છે, જેને આપણે જાણતા નથી, પણ ‘છે’ તે તો સ્વીકારવું રહ્યું.

જીવનના સત્યના કેટલાક ક્વોટસ માટે ‘સંવેદનાના સથવારે’ પર ચક્કર મારી લેજો.