આ ‘યોગા’ એટલે શું ?

(સૌ પ્રથમ જે મિત્રો માટે અંગ્રેજી કેલેન્ડરનો જ આધાર છે એવા મિત્રોને નવા વર્ષની શુભેચ્છાઓ. હમણા એક ફેઈસબુક મિત્ર – સતીશભાઈ જોશી એ ‘યોગ’ની ગરીમાની વાત છેડી અને દિવ્યભાસ્કરના રાજ ગોસ્વામીએ ૨૮ ડીસેમ્બરની રવીવારીય પુર્તિમાં (પેઈજ ૮) યોગ દિવસના અર્થશાસ્ત્રની વાત છેડી ત્યારે, જેમ ‘ધ્યાનની ભાંતિઓ’ વિષે લખવાનું થયું તેમ આ ‘યોગા’ વિષે પણ લખવાની ઇચ્છા થઈ.)

With thanks from -http://camelcityyoga.com/img/meditation.jpg

With thanks from -http://camelcityyoga.com/img/meditation.jpg

‘હું રોજ સવારે નિયમિત અડધો કલાક યોગા કરું છું.’

‘અમારી સ્કુલમાં રો જ યોગ કરાવે છે’

‘‘યોગા’ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે’

યોગાસનો કરીએ એટલે યોગ ?

પ્રાણાયમ કરીએ એટલે યોગ ? કે પછી ….

પલાઠી મારીને આંખો બંધ કરી અને ધ્યાન (?) માં બેસીએ એટલે યોગ ?

સુરતીઓની જેમ બગીચામાં જાતજાતના યોગાસન અને હાસ્યયોગ કરી, ગ્રુપમાં સેવખમણીનો નાસ્તો કરવા ચાર રસ્તે પહોંચી જવું અને પછી મિત્રોમાં કહેતા ફરવું કે ‘મને તો રોજ સવારે યોગા કર્યા વગર ફાવે જ નહીં, સવારનો એક કલાક પાકો. (એમાં અડધો કલાક સેવખમણીના નાસ્તાનો આવી જાય)

આ ‘યોગ’ નો ફાયદો ખરો ? કદાચ મિત્રોમાં બણગા ફુંકવા માટે ફાયદો થતો હશે, પણ શરીર સ્વાસ્થ્ય અને લાઈફ સ્ટાઈલનું શું ?

ક્યારેક પુછવાનું મન પણ થાય કે ‘તમે ‘યોગા’ માં શું કરો છો ?’ જવાબોમાં મહદ અંશે યોગાસનો, પ્રાણાયમ કે ધ્યાનમાં બેસવાની વાતો હોય. આ જવાબો સાંભળીને આંધળાઓના હાથી દર્શનની વાત યાદ આવી જાય.

સાદી ભાષામાં સમજવા માટે પતંજલી યોગ દર્શન કે અષ્ટાંગ યોગને શરણે જવું પડે. એમાં તો યોગના આઠ અંગ કહ્યા છે. આ આઠ અંગ ભેગા થાય ત્યારે ‘યોગ’ બને. (યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધી). હવે ફક્ત યોગાસન કરીને કે પ્રણાયમ કરીને એમ કહી શકાય કે હું રોજ ‘યોગ’ કરું છું ? ફક્ત હાથીની સુંઢનું વર્ણન કરીને સમગ્ર હાથીના દેખાવનો દાવો કરી શકાય ?

હા ! એમ જરુર કહી શકાય કે ‘હું રોજ પ્રાણાયમ કરું છું’ કે ‘યોગાસનો કરું છું.’

મારી નજરે – ‘યોગ એ માનવ ચેતનાને વૈશ્વિક ચેતના સાથે જોડવાની પ્રક્રિયા છે.’

અષ્ટાંગ યોગને બે રીતે સમજાવવામાં આવે છે – એક છે સમાધી સુધી પહોંચવાની સીદી – આઠ અંગો એ આઠ પગથીયા છે. વારાફરતી એક એક પગથીયું ચડી સમાધી સુધી પહોંચી શકાય.

બીજી સમજુતી થોડી વધારે તાર્કીક લાગે છે. યોગના આઠે અંગો સીધા આપણી ચેતના સાથે જોડાયેલ છે – જેમ આપણા શરીરના અંગો – હાથ, પગ વગેરે મુળ શરીર સાથે સીધા જોડાયેલા છે.

વધુ સમજીએ તો એક અંગ ‘યમ’ – જે મનુષ્ય એ અન્ય સાથેના વ્યવહારોમાં, પોતે સ્વનિયંત્રણ રાખવાનું છે એ બાબતો – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.

વીકીપેડીયાની સમજુતી મુજબ –

  • Ahimsa: non-violence, inflicting no injury or harm to others or even to one’s own self, it goes as far as nonviolencein thought, word and deed.
  • Satya: non-illusion; truth in word and thought.
  • Asteya: non-covetousness to the extent that one should not even desire something that is his own; non-stealing.
  • Brahmacharya: abstinence, particularly in the case of sexual activity. Also, responsible behavior with respect to our goal of moving toward the truth. It suggests that we should form relationships that foster our understanding of the highest truths. “Practicing brahmacharya means that we use our sexual energy to regenerate our connection to our spiritual self. It also means that we don’t use this energy in any way that might harm others.
  • Aparigraha: non-possessiveness; non-hoarding

જ્યારે ‘નિયમ’ માં પોતાના પર નિયંત્રણ રાખવાનું છે તે – શોચ, સંતોષ, તપસ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાન –

  • Shaucha: cleanliness of body and mind.
  • Santosha: satisfaction; satisfied with what one has.
  • Tapas: austerity and associated observances for body discipline and thereby mental control.
  • Svadhyaya: study of the Vedic scriptures to know about God and the soul, which leads to introspection on a greater awakening to the soul and God within,
  • Ishvarapranidhana: surrender to (or worship of) God.

હવે લોકો જ્યારે ‘યોગ’ કરું છું તેમ કહે ત્યારે ઉપરના બે અંગમાંથી કેટલાનું પાલન કરે છે ? દસ મીનીટ ધ્યાનમાં બેસે ત્યારે પણ ‘કોઈકની ટોપી ફેરવવાનો’ વિચાર આવતો હોય તો આ માનસિક હિંસા દ્વારા ‘અહિંસા’નો ભંગ થયો કે નહિં ?

માનવ ચેતના સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે, તેને અલગ કરી વૈશ્વિક ચેતના સાથે જોડવા માટે શરીર પર તેનો કાબુ હોવો જરુરી છે અને તે માટે ‘આસન’ અને ‘પ્રાણાયમ’ કરવા જોઈએ. દસ મીનીટ માટે શરીરના કોઈપણ હલનચન વગર બેસવાનો પ્રયત્ન કરજો, ‘સ્વાધ્યાય’ વગર નહીં બેસી શકાય. પ્રાણાયમ કરતી વખતે પણ શરીરના અમુક હિસ્સાઓનું હલનચલન થવું જોઈએ. પણ એવું બનતું નથી.

આથી મિત્રો ! હું એક કલાક ‘યોગ’ કરું છું એમ કહેવા કરતાં ફક્ત દસ મીનીટ જ કરો પણ સાચી રીતે કરો. રમદેવજીની યોગ-પ્રાણાયમની સીડી જોતી વખતે ફક્ત શ્વાસની કસરત પર કેન્દ્રીત ન થાઓ પણ એમની અન્ય સુચનાઓ ‘પ્રાણ શક્તિને મારા શ્વાસમાં ભરું છું’ ‘મારામાં પ્રાણશક્તિનો સંચાર થઈ રહ્યો છે’ એ વાક્યો પણ અગત્યના છે. એ વિચાર મનમાં રમતો હોવો જરુરી છે, અન્યથા ‘પ્રાણાયમ’ એ ફક્ત શ્વાસની કસરત બની રહે છે.

અષ્ટાંગ યોગમાં ત્યાર પછી ‘પ્રત્યાહાર’ આવે જેમાં ઇન્દ્રીયોમાંથી મનને ખેંચી લેવાની વાત છે. આ પાંચ અંગ – યમ, નિયમ, આસન, પ્રાણાયમ અને પ્રત્યાહાર, એ સામાન્ય માનવી માટે શક્ય છે એમ કહી શકાય. કારણ કે આગળના બે અંગ સિધ્ધ કરવા, જે મનુષ્યને વૈશ્વિક ચેતના સાથે જોડાઈ જવુ છે એવા યોગીઓ માટે શક્ય છે.

તો…. હવે હું રોજ ‘યોગા’ કરું છું એ બોલતી વખતે સુધારો કરજો…..

 

Traffic Control –

‘તારી મા…..#***#*#*#, …..હમણાં… ઠોકી દેત ! #***#*#*#, તારો બાપ…, ગાડી દેખાતી નથી, વાહન ચલાવતા ન આવડતું હોય શું મા … #***#*#*#…. ગાડી લઈને નીકળી પડો છે……… આ જમાદારો ય …#***#*#*#… પૈસા ઉઘરાવવામાં પડ્યા છે…….

BUN270213STP2_t460

સુરતી મિત્રો #***#*#*# ની જગ્યાઓ પુરી લેશે, પણ આ સુરતી સરસ્વતી એક મિત્ર સાથે કારમાં જતાં એક જંકશન પર એક બાઈકવાળાએ ‘કટ’ મારીને બાઈક ભગાવી ત્યારે બાજુમાં બેસીને સાંભળી.

અમે શાંતિથી મિત્રના વ્યાપારિક પ્રશ્નો અંગે ચર્ચા કરતા જતા હતા, ત્યાં આ ‘કટ’ લાગી અને બધું વિખેરાય ગયું. ‘સાલો….. મગજ ખરાબ કરી ગયો….’ મિત્ર શાંત થઈ ગયા

આ બધુ સામાન્ય છે, આગળ જતાં ફ્લાયઓવર પર ઓછા ટ્રાફીકમાં પણ કારમાં શાંતિ જ રહી અને મારું મન વિચારે ચડી ગયું.

વિદ્યાર્થી પરીક્ષાનું પેપર હાથમાં લઈ ક્યાં ભુલ કરી? શું કરી શકાત ? હવે પછીના પેપર/પરીક્ષામાં કેવી રીતે લખવું તેના અંકોડા મેળવી રહ્યો હોય અને પપ્પા ‘કટ’ મારે, ‘હવે શું પેપર પકડીને બેઠા છો, વાંચવાનું કીધું ત્યારે વાંચ્યુ નહીં.’…. બસ બધું વિખેરાઈ ગયું, થયેલી ભુલની વિશ્લેષણ પ્રકિ્યા અટકી ગઈ, ભવિષ્યનું પ્લાનીંગ ભુંસાય ગયું અને શરું થયું – ક્યાં કોઈ દી’ શાંતિથી વાંચવા દો છો ? વાંચવા બેઠા નથી કામ સોંપ્યુ નથી ! ચોપડીઓ પણ પસંદગીની આવતી નથી, બીજાના પપ્પાઓના દાખલા લો છોકરાને કેવી રીતે ભણાવે છે ?’….. બસ…. ભુલની વાત, નવી રીત શોધવાની વાત, ભવિષ્ય બધું આડે પાટે ચડી ગયું.

વીકીપેડીયાના રોડ ટ્રાફીક કન્ટ્રોલના પેરેગ્રાફનો નવો અવતાર જુઓ –

Traffic control is an indoor (outdoors) occupation, night or day for long hours in all weathers, and is considered a dangerous occupation due to the high risk of being wander (struck) by passing thoughts (vehicles). Aims and decisions (Safety equipment) is vitally important. Stress and Deprassion (Fatigue) is a big issue, as tired brain (TC’s) may forget to watch their though process (traffic), or may inadvertently turn their “Stop bats” to the “Slow” position. Many beliefs, prejudices, principles (drivers) are annoyed by the disruption to their route, and some are sufficiently conflicting/confronting (antisocial) as to aim at brain (traffic controllers). Irresponsibility (Other drivers) simply don’t pay enough attention to the road, often from using their instructions by others (mobile (cell-) phones), or because they are tired from a night shift at work.

મુળ પેરેગ્રાફમાં માનસિક શબ્દોને ફીટ કરવા પ્રયત્ન કર્યો છે.

રોડ ટ્રાફીક જેવું જ આપણા મગજનું છે. રોડ પર જતા વાહનોની લંગારની જેમ વિચારોનો અવિરત પ્રવાહ મગજમાં ચાલતો રહે છે. ટ્રાફીક કન્ટ્રોલરની જેમ આપણું જાગૃત મગજ આ વિચારોનું નિયમન કરતું રહે છે. ક્યાંક ખોટું થતું લાગે તો સિગ્નલ આપતું રહે છે. આ સિગ્નલ માનવા, ન માનવાનું યુધ્ધ પણ, જુના વિચારો, માન્યતાઓ, સિધ્ધાંતો. પુર્વગ્રહોના કારણે ચાલતું રહે છે. અર્ધજાગૃત મન ટ્રાફીક કેમેરાની જેમ રોડ પર જે જઈ રહ્યું છે તેનું રેકોર્ડીંગ કરતું રહે છે. (ભવિષ્યમાં જરુર પડે ત્યારે મેમરી ચીપમાંથી પ્રોસેસીંગ માટે ડેટા પુરો પાડે છે.)

નક્કી તમારે કરવાનું છે કે તમારા ટ્રાફીક કન્ટ્રોલરને ડે એન્ડ નાઈટ ડ્યુટી કરાવવી છે ? કે વીકએન્ડની મજા કરાવવી છે ? કે ડેઈલી મેડીટેશન દ્વારા રજા આપવી છે કે કેમ ?

યાદ રાખજો, તમારો ટ્રાફીક કન્ટ્રોલર તાજોમાજો રહેશે તો ‘રોડ ટ્રાફીક’ યોગ્ય રીતે ગતિમાં રહેશે…

ધ્યાન અને ઇલેક્ટ્રીસીટી –

dhyana_mudra

‘ધ્યાન કરતી વખતે વિચારો આવ્યે રાખે છે’ ચોખ્ખી-ચટ્ટ વાત કરનારા ચોખ્ખું જ કહી દે.

‘ધ્યાન દરમ્યાન મને તો વાઈબ્રેશનનો અનુભવ થાય છે’ ‘શરીર એકદમ હવામાં હોય તેવું લાગે છે.’

‘ધ્યાનમાં સફેદ પ્રકાશ દેખાય છે’ આવા ફીડબેક પણ મળે છે.

ગોએન્કાજીએ એમના શિબિરના એક દિવસના સંબોધનમાં એક સરસ પ્રસંગ કહ્યો છે. –

એક વિદેશીને ધ્યાન દરમ્યાનના અનુભવ વિષે પુછ્યું તો જણાવ્યું કે ‘મને ફલાણા લોકના દર્શન થયા’ પછી જે તે ‘લોક’નું વર્ણન પણ તેણે કર્યું.

શ્રી ગોએન્કાજીએ સમજાવતા કહ્યું કે તે ભાઈ જે વાત કરી રહ્યો હતો તેનું વિવેચન બૌધ્ધ ધર્મના ગ્રંથોમાં કરવામાં આવેલું છે અને આ વિદેશી ધ્યાનમાં જે ભ્રાંતિ થઈ એ અગાઉના આ વાંચનને કારણે થઈ. આમ ધ્યાનમાં વાસ્તવિકતા કરતાં ‘ભ્રાંતિ’ થવાની શક્યતા વધારે છે. કોઈક નસીબદાર પણ હશે કે તેમને ખરેખર ધ્યાનમાં સુંદર અનુભુતિ થતી હશે.

મારે તો એવા નસીબ શોધવા જવું પડે તેમ છે કારણ કે આજના ધ્યાન કરવાના પ્રયત્નમાં ‘ઇલેક્ટ્રીસીટી’ના દર્શન થયા. એક મિત્ર શ્રી હિરણ્યભાઈએ ધ્યાનને સમજવા માટેની એક લીન્ક મોકલી, જેમાં સમજાવેલું છે કે ધ્યાનમાં જ્યારે વિચારશુન્યતા પ્રાપ્ત થાય ત્યારે કોસ્મીક એનર્જી સહસ્ત્રાર ચક્રમાંથી શરીરમાં પ્રવેશે છે અને શરીરમાં ખુટતી એનર્જીની પુર્તતા કરે છે.

આ ચક્રોનું ચક્કર સમજવા જેવું છે. ક્યારેક એ ચક્કરમાં પણ પડશું પણ આજે તો વીડીયોમાં જણાવ્યા અનુસાર ‘જ્યારે મગજમાં વિચારશુન્યતા ઉત્પન્ન થાય ત્યારે કોસ્મીક એનર્જી સહસ્ત્રાર ચક્રમાંથી પ્રવેશ થાય’ એવું કેમ ? એ સવાલ પહેલો ઉઠ્યો. બીજો મુદો એ હતો કે શરીરમાં અબજોની સંખ્યામાં ‘એનર્જી ચેનલ્સ’ આવેલી છે. આ એનર્જી ચેનલ્સ કઈ ? આ બંનેના જવાબ શોધવાની માથાકુટમાં એક તર્ક હાથ લાગ્યો.

બાયોલોજીમાં એવું ભણ્યા હતા કે શરીરમાં ચેતા તંત્ર આવેલું છે અને તેની ચેતાઓ આખા શરીરમાં ફેલાયેલી છે. આ ચેતાઓ દ્વારા શરીરમાં કે શરીરની પાંચ જ્ઞાનેદ્રીયો દ્વારા થતી સંવેદનાઓ મગજ સુધી પહોંચે અને મગજ તેની યોગ્ય પ્રતિક્રિયા આપે છે. મોટા થતા થોડું વધારે જાણ્યું કે ચેતાઓમાં ‘ન્યુરોન્સ’ નો પ્રવાહ હોય છે જે મગજ સુધી સંદેશાઓ પહોંચાડે છે અને પ્રતિક્રિયાઓ માટેના સંદેશાઓ શરીરના અવયવોને પરત આપે છે.

શરીર રચનાનું આ બંધારણ જો ‘એનર્જી ચેનલ્સ’ની વાત સાથે સાંકળી લઈએ તો ઘણી સામ્યતાઓ સમજાય છે. ઇલેક્ટ્રીસીટીનો પ્રવાહ જેમ વાયરોમાં થઈને વહે છે તેમ ચેતાતંત્રની ચેતાઓમાં ન્યુરોન્સનો પ્રવાહ વહે છે. વાયરોમાં ‘ઇલેક્ટ્રોન્સ’નો પ્રવાહ છે તો ચેતાઓમાં ‘ન્યુરોન્સ’નો પ્રવાહ છે. સ્વીચબોર્ડ પર સ્વીચ દબાવીએ અને ઇલેક્ટ્રિક બલ્બ ઝળહળી ઉઠે તેમ ધગધગતા અંગારાને હાથ અડે ને તરત પાછો ખેંચાય જાય. આમ એનર્જી ચેનલ્સ તો સમજાણી પણ ‘વિચારશુન્યતા’ અને કોસ્મીક એનર્જીના પ્રવેશની વાતમાં લોચો પડ્યો.

‘વિચાર’ એટલે શું ? એ વિચારવાની ફરજ પડી.

મગજમાં જ્યારે કોઈ સંદેશો લઈને ‘ન્યુરોન્સ’ પહોંચે ત્યારે મગજના કોષોમાં ઇલેક્ટ્રીકના પ્રવાહની જોરદાર આપ-લે થાય. (મગજમાં વિચારોની ભરમાર થાય ત્યારે મગજ ‘ગરમ’ (દુઃખવું) થઈ જાય છે ને ? આ ગરમી, આ ઇલેક્ટ્રીક પ્રવાહના ઉદભવતા અવરોધના (Resistance) કારણે છે). હવે આ ઇલેક્ટ્રીક પ્રવાહને કારણે ઉત્પન્ન થયેલ વોલ્ટેજ કરતાં કોસ્મીક એનર્જીના વોલ્ટેજ જો ઓછા હોય તો ઇલેક્ટ્રીક પ્રવાહ શરીરમાંથી બહારની દિશામાં વહે. (ઇલેક્ટ્રીસીટીનો સાદો નિયમ વીજપ્રવાહ હાઈ વોલ્ટેજની લો વોલ્ટેજની દિશામાં વહે. પાણીના પ્રવાહની જેમ ! પાણી ઉંચાઈ પરથી નીચાણ તરફ વહે, માણસ પણ ‘સાત્વીકતા’ની ઉંચાઈ પરથી નીચેની દિશામાં સહેલાઈથી વહે છે ને !) હવે જો મગજમાં ‘વિચારશુન્યતા’ હોય તો મગજ ‘ઝીરો’ વોલ્ટેજ દશામાં હોય, આવા સમયે બહારની કોસ્મીક એનર્જીનો પ્રવાહ માનવ શરીરમાં સરળતાથી વહી શકે. આમ ‘વિચારશુન્યતા’નો પ્રશ્ન હલ થઈ ગયો અને તેનું એક ઉદાહરણ મળ્યું.

મારા ગામની આસપાસ ટેકરીવાળો વિસ્તાર છે. હમણાં આ ટેકરીઓ પર દોઢસો-બસો પવનચક્કીઓ બાંધવામાં આવી છે. એક વખત તેની રચના સમજવા તેના પાવર હાઉસમાં ગયો હતો. તે લોકોને બહારની ઇલેક્ટ્રીસીટીની પણ જરુર પડતી હતી. મેં કુતુહલવશ પુછ્યું ‘તમે તો ઇલેક્ટ્રીક ઉત્પન્ન કરો છો, તમારે પાવરની શી જરુર ?’ ત્યાંના એન્જીનીયરે સમજાવ્યું કે દરેક પવનચક્કીમાંથી બે વાયર પાવરસ્ટેશનમાં આવે છે. એમાંથી જ્યારે પવન હોય અને પવનચક્કીના જનરેટરમાં વીજળી ઉત્પન્ન થાય ત્યારે વીજપ્રવાહ પવનચક્કિમાંથી પાવર હાઊસમાં આવે અને અહીંથી ડીસ્ટ્રીબ્યુટ થાય, પણ જ્યારે પવન ન હોય અથવા ખુબ ધીમો હોય ત્યારે પવનચક્કીને ફેરવવા માટે પાવર હાઊસમાંથી એ જ વાયરો દ્વારા પાવર પવનચક્કીમાં જાય અને પવનચક્કીને ફરતી રાખે.

બસ આવી જ રીતે જો તમે વિચારોની ભરમાર રાખો તો વોલ્ટેજ ઉંચા રહે અને વીજપ્રવાહ (એનર્જી)નો વ્યય થાય, પણ જો ‘વિચારશુન્યતા’ કેળવી શકો તો કોસ્મીક એનર્જીની કૃપા થાય.

લ્યો બોલો ! લોકો ધ્યાન લાગી જાય તો સમાધીની સ્થિતિ પામે અને મને ઇલેક્ટ્રીસીટી દેખાય !

 

નોંધ :

વાંચકોનો રસભંગ ન થાય તે માટે ‘ન્યુરોન્સ’ના પ્રવાહની વાત સાદી ભાષામાં લખી હતી. પણ તેનો પ્રવાહ હોતો નથી, તે એક પ્રકારના શારીરીક ‘કોષ’ (Cell) હોય છે અને ચેતા આવા ઘણા કોષથી જોડાઈને બને છે. (વીજળીનો વાયર પણ ધાતુના અણુઓથી બનેલો હોય છે) આ કોષ વિધ્યુત અને રસાયણોથી ઉત્તેજીત થાય છે, ઉત્તેજીત થયેલ કોષ અને આજુબાજુના કોષ વચ્ચે રસાયણીક તત્વોના ‘આયનો’ના (દા.ત. Na+, K+ વગેરે) ફેરફારના કારણે ‘વોલ્ટેજ’માં ડીફરન્સ ઉત્પન્ન થાય છે, આ વોલ્ટેજ ડીફરન્સના કારણે ઇલેક્ટ્રીક પ્રવાહ ઉદભવે છે. આ પ્રવાહ બાજુમાં રહેલા આવા જ બીજા કોષને ઇલેક્ટ્રીકલ તેમજ રસાયણીક સીગ્નલ આપે છે, બીજો કોષ ત્રીજાને, ત્રીજો ચોથાને … આવી રીતે છેક મગજ સુધી સંદેશ પહોંચે છે અને એ જ રીતે તેનો પ્રતિભાવ/પ્રતિક્રીયા મગજમાંથી અન્ય અવયવોને પહોંચે છે. ન્યુરોન્સના પણ પાછા પ્રકાર છે. વધુ રસ ધરાવનારા માટે વીકીપેડીયાની લીન્ક –  http://en.wikipedia.org/wiki/Neuron

મારા પ્રશ્નો…

અગાઊની પોસ્ટ ‘ભગવાન છે ?’ માં તો ડેવીડભાઈની વાર્તા લખી, પણ મારા પણ કેટલાક પ્રશ્નો છે જેના જવાબ મને વિજ્ઞાનમાં કે તર્કમાં મળતા નથી. આથી હું પણ ગુંચવાઊં છું.

વિજ્ઞાન માટે એક સાદો સવાલ – સરખી ગોળાઈની બે ભુંગળીઓ બાજુ બાજુમાં રાખી સામેથી હવા ખેંચવામાં આવે તો શું થાય ? જવાબ – બેઉં ભુગળીમાંથી સરખા વેગથી હવા પસાર થાય.

હવે મનુષ્યના નાકના બે નસ્કોરા બાજુ બાજુમાં હોય છે છતાં આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે બે માંથી એક નસ્કોરામાંથી શ્વાસ ફેફસામાં જાય છે. થોડા સમય પછી શ્વાસ બદલાય છે અને બીજા નસ્કોરામાંથી અંદર જાય છે, ફરી થોડા સમય સુધી બંને નસ્કોરામાંથી શ્વાસ ચાલે છે. આમ થોડા થોડા સમયે શ્વાસ બદલાતો રહે છે. (યોગની ભાષામાં આને સુર્યનાડી, ચંદ્રનાડી અને સુશુમ્ણાનાડી એમ પણ કહેવાય છે.) અહીં વિજ્ઞાનનો નિયમ કેમ લાગુ પડતો નથી ? વિજ્ઞાન સિવાય બીજું કયું તત્વ કામ કરે છે ? પ્રકૃતિ કરે છે, તો તે કયા નિયમના આધારે આમ કરે છે ?

બીજો એક મુદો એ છે કે માનવીમાં ‘લાગણીના બંધન’ (Emotional Bonding) કઈ રીતે કાર્ય કરે છે ? ફીલ્મોમાં ઘણીવાર જોઈએ છીએ કે પ્રિયજનને કંઈ થાય તો એની સાથે લાગણીથી જોડાયેલાને તરત બેચેની લાગે, દીકરાને કંઈ થાય તો માના દિલમાં ઝટકો વાગે, બહુ વર્ષો પહેલા વાંચેલું કે રશીયન વૈજ્ઞાનીકોએ સસલી અને તેના બચ્ચા પર પ્રયોગ કર્યો હતો, સસલીને તેના બચ્ચાથી ખુબ દુર રાખી અને તેના મગજમાં ઉત્પન્ન થતા ઇલેક્ટ્રીકલ ફેરફારોની નોંધ માટેના ઉપકરણો લગાડ્યા, જ્યારે તેના બચ્ચાઓને મારી નાખવામાં અવતા હતા ત્યારે સસલીના બ્રેઈનમાં ઇલેકટ્રીકલ પલ્સમાં ફેરફાર થતા હતા. પ્રયોગ થયો, સાબિતિ મળી પણ એની સમજુતી ન આપી શકાઈ. એ જ રીતે ટ્વીન્સમાં એકને જે લાગણી થાય કે એ જ સમયે બીજાને તેવીજ લાગણી અનુભવાય છે. વિજ્ઞાને આને અતિન્દ્રિય બોધ (extrasensory perception – ESP) કહ્યું છે પણ તેની કોઈ સમજુતી આપી નથી.

આવા કેટલાક મુદ્દાઓ છે જે વિજ્ઞાન દ્વારા સમજાવી શકાતા નથી.

આમ કોઈ ‘સુપ્રીમ’ હાજર છે, જેને આપણે જાણતા નથી, પણ ‘છે’ તે તો સ્વીકારવું રહ્યું.

જીવનના સત્યના કેટલાક ક્વોટસ માટે ‘સંવેદનાના સથવારે’ પર ચક્કર મારી લેજો.

નિજ દોષ દર્શન, પણ યુવાનોનું શું ? –

જૈન ધર્મ, દાદા ભગવાન દ્વારા જેના પર વધુ ભાર મુકવામાં આવ્યો છે તે પ્રતિક્રમણ.

સાદી પ્રક્રીયામાં વ્યક્તિએ પ્રતિક્રમણ દ્વારા નિજ દોષ દર્શન કરવાનું હોય છે. એવું પણ સાંભળ્યું કે મહાવીરના સમકક્ષ પહોંચવા માટે રોજના સો પ્રતિક્રમણ કરવા જોઈએ.

meditation-6

(Image taken from – http://casnocha.com/2012/08/reflections-and-impressions-from-a-10-day-meditation-course.html/meditation-6 – with thanks)

આ બધુ સમજવામાં એટલી તકલીફ પડે છે કે આ બધુ યુવાનો કરી શકે ?

જેમની પર ઘરની જવાબદારી છે, આવક-જાવકના બે છેડા ભેગા કરવાના છે, માંડ માંડ નોકરી કરે છે કે સામાન્ય રોજગાર ચલાવે છે, લક્ઝરી નહી પણ જીવનજરુરીયાત પુરી કરવાના ફાંફાં પડતા હોય એવા માણસો ‘નિજદોષદર્શન’ કરી શકે ?

ઓફીસમાંથી જવા-આવવાના માટે રિક્ષાનું ભાડું મળે છે, પણ એ પૈસા બચાવી શકાય તો સાંજના શાકભાજીનો મેળ પડતો હોય એ વ્યક્તિ નિજદોષ દર્શનમાં  ક્યો દોષ જોઈ શકે ? શું એ ઓફીસની નિયત રકમ અન્ય ખર્ચમાં વાપરે છે એ ખોટું છે ? અહીં દલીલ થાય કે તેને ઓફીસમાંથી પૈસા મળી ગયા આથી હવે તે તેના થઈ ગયા, હેતુફેર માટે વપરાયા તેમાં ગુનો નથી. શું શાસ્ત્રીય રીતે ગુનો નથી ? આવા તો અસંખ્ય દાખલા છે.

સવાલ એ આવે છે કે સામાન્ય માણસ જે રોજીરોટી માટે આખો દિવસ મહેનત કરતો હોય, માન-અપમાન સહેતો હોય અને સાંજે સામયિક કરવા બેસે ત્યારે પણ તેણે પોતાના જ દોષ જોવાના ? શું દરેક કાર્યો માટે પોતે જ જવાબદાર છે એવું સ્વીકારવું ? કુટુંબનું ભરણપોષણ એ તેની સામાજીક જવાબદારી નથી ?

વાલીયા લુટારાની વાર્તામાં, એને કહેવામાં આવે કે જા તારા ઘરના સૌને પુછી આવ કે આ ચોરી-ચપાટીના પાપમાં તે સૌ ભાગીદાર છે ? જવાબ ગમે તે હોય પણ વાલીયો જો ‘મારું’ કુટુંબ સમજી એની જવાબદારી ઉઠાવવાની મહેનત કરે તો ખોટું શું છે ?

જો બધા જ ‘મારું-તારું’ છોડી સાધુ બને તો સંસારચક્ર કેમ ચાલી શકે ?

આ બધા કરતાં એક વધારે અગત્યનો મુદ્દો એ આવે કે જો વ્યક્તિ એવું વિચાર્યા કરે ‘જે કંઈ કરું છું એમાં મારો જ દોષ છે’ તો કામ કરવાનું મોટીવેશન જ તૂટી જાય. કામ કરી જ ન શકે.

ઓફીસમાં વ્યક્તિએ ઓફીસ નિયમ અનુસાર જ કાર્ય કર્યુ હોય પણ તે બોસની ‘અપેક્ષા’ મુજબ ન હોય અને કર્મચારીને ઓફીસમેમો મળે તો એ કર્મચારીનો દોષ છે ? મારા અનુભવની જ વાત છે. ‘ફક્ત’ બોસની અપેક્ષાઓ મુજબ કામ ન કરવાની ‘સજા’માં ૨૩ વર્ષની નોકરી દરમ્યાન ૧૧ વર્ષ  કુંટુંબથી દુર રહેવાનું થયું અને અંતે કામ કરવની પ્રેરણા જ ખતમ થઈ ગઈ. અંતે મને ખુબ ગમતુ કાર્ય છોડી વહેલો રીટાયર થઈ ગયો. હવે, હું મારો શું દોષ શોધું કે સ્વીકારું ?

આ તો પ્રોફેશનની વાત થઈ, પણ ઘરમાં પણ સંબંધોનો શું ? પિતા-માતા, પત્ની-બાળકો સાથે સમાજના ઘડેલા સામાન્ય નિયમો પ્રમાણે વર્તન થતું હોય, પણ તેમાં તેમની ‘અપેક્ષા’ઓ ભળવાની જ છે. અને જો આ અપેક્ષાઓ વ્યક્તિ સંતોષી ન શકે તો તે ક્યા ‘દોષ’નું નિરિક્ષણ કરે ?

મને લાગે છે કે ‘નિજદોષ દર્શન’ થી મોટામાં મોટો અવરોધ આવતો તે – ‘વ્યક્તિમાં પોતાના માટે ‘હીનતા’ ની ભાવના ઉત્પન્ન થાય’. મંદીરોમાં ભક્તો જેમ ગરીબડા થઈને માગે કે ‘હે ભગવાન ! હું તો આધારહીન છું તું બચાવી શકે તો બચાવ’

‘ગરજ હોય તો આવ ગોતવા, હું શીદ આવું હાથ હરિ !’ ની ખુમારી જતી રહે.

(વધુ સંદર્ભ – https://bestbonding.wordpress.com/2012/07/22/god-2/)

શું આપણે સૌએ દીનહીન થઈને જીવવાનું છે ?

‘નિજ દોષ દર્શન’ ના બદલે માનવી ‘નિજ દર્શન’ કરે તો શું ?

રોજ પોતે કરેલા કાર્યોને પોતાની ‘સમજણ’ પ્રમાણે મુલવી જુએ, કોઈ જગ્યાએ કન્ફ્યુઝન લાગે તો તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરે. એટલું ચોક્કસ કે તેણે પોતાની ‘સમજણ’ કેળવવી પડે, તેમાં ‘તટસ્થ’ બનવું પડે. તટસ્થ થયા બાદ ‘દોષ’ દેખાય તો જરુરથી સ્વીકારવો જોઈએ, ભુલ કબુલ કરવી જોઈએ.

તમને ક્યું દર્શન કરવાનું ગમશે ? – ‘નિજદોષ દર્શન’ કે ‘નિજ દર્શન’ ?

પુનઃજન્મ – ૨

પુનઃજન્મ – ૨

(યુવાન મિત્રોએ આજની પોસ્ટ વાંચવા તસ્દી લેવાની જરુર નથી. 😐 વરિષ્ઠ નાગરીકોએ ખાસ વાંચવી, જેથી ‘ઉપર’ જવામાં ટેન્શન ન રહે. 🙂  પણ અંતમાં આપેલી મેડીટેશનની વીડીયો બધાએ જોવી :idea:)

ડીસેમ્બરમાં મારા એક મિત્રનો મેઈલ ‘પુનઃજન્મ’ અંગેનો મળેલો, અને પોસ્ટરુપે આપ સૌને પણ તેનો રસાસ્વાદ કરાવેલ. ત્યારબાદ ખાંખાખોળા કરવાની ઇચ્છા હતી, પણ આ વિષયની એટલી બધી કોન્ટ્રોવર્સી છે કે તમે છાતી ઠોકીને તેનું ‘તારણ’ કહી ન શકો. પ્રત્યેક વ્યક્તિએ પોતાના વિચારોને જ વળગવું જોઈએ અને પોતાની રીતે સમજવા જોઈએ.

મેં પણ મારા કેટલાક તર્ક લગાવ્યા અને સમજવાનો પ્રયત્ન કર્યો કે પુનઃજન્મ શું હોય શકે ?

મેં કોઈ સંસ્કૃત સાહીત્ય વાંચ્યું નથી વાંચનભુખના કારણે જે કંઈ વાંચ્યું અને તેમાથી સમજવાનો પ્રયત્ન કર્યો તે મુજબ –

નાદબ્રહ્મની ઉપાસના કરતા મોક્ષમાર્ગમાં પ્રચલિત તર્ક મગજને ગમે એવો છે. આ તર્ક અનુસાર –

omkar

ૐ ની બીંદીને શક્તિના મહાસાગર તરીકે કલ્પવામાં આવેલ છે. તેની નીચે વિષ્ણુલોકની કલ્પના છે. ૐ કારના પાછળથી આપણા વિશ્વના પ્રવેશદ્વારની કલ્પના કરેલ છે. ૐ ની નીચેના ભાગમાં આપણો પૃથ્વીલોક છે અને ઉપરના ભાગમાં વિવિધલોકની કલ્પના છે. (આ અંગેનું સરસ પોસ્ટર છે, પણ હાલમાં મારી પાસે નથી અને ઇન્ટરનેટ પર ક્યાંય મળ્યુ નહી. આથી મેં મારી રીતે બાજુનું ચિત્ર બનાવ્યું છે.)

હવે ૐ ની બિંદીના શક્તિ મહાસાગરમાંથી શક્તિનું એક ટીપું કોઈ ‘કારણસર’ છુટું પડે, જે ‘મહાકારણ શરીર’ તરીકે ઓળખાય. જે બ્રહ્માંડમાં તરતું તરતું ૐ ના પ્રવેશદ્વારથી ૐ માં પ્રવેશે. ત્યાંથી એ પૃથ્વીલોક સુધી પ્રવાસ કરે, આ દરમ્યાન તે પોતાના મુળ શરીર (મહાકારણ શરીર)ની ઉપર બીજા લેયર્સ (શરીર) ચડાવી લે અને અંતે માનવી કે પશુ/પક્ષીના દેહનું લેયર ધારણ કરી લે. આ થયો મનુષ્ય જન્મ. આ આખા પ્રવાસ દરમ્યાન શક્તિના બિંદુએ સાત શરીર ધારણ કર્યા હોય છે.

sevenbodies

આ સાત શરીરની કલ્પના બીજા ગ્રંથોમાં પણ થયેલી છે. (બાજુનું ચિત્ર ફક્ત સાત શરીરની કલ્પનાને સમજવા માટે જ આપેલ, એમાં દર્શાવેલ થીયરી અલગ છે. ‘પિંડે તે બ્રહ્માંડે’ ના નિયમ આધારિત છે, જે અલગ વિષય છે) વિજ્ઞાન આપણા ફીઝીકલ બોડી પરના લેયર ‘સુક્ષ્મ શરીર’ ના પ્રમાણ મેળવી શક્યું છે. હવે ફરી યાદ કરો કે શક્તિનું બિંદુ કોઈ ‘કારણ’ થી છુટું પડેલ છે અને મનુષ્ય દેહ ધારણ કરવાનો હેતુ આ ‘કારણ’ ને શોધવાનો અને તેનું નિરાકરણ કરવાનો છે. આમ માનવ શરીર, એ મુળે ‘કારણ શરીર’ માટે એક ‘ઇન્સ્ટ્રુમેન્ટ’ છે. જો ‘ઇન્સ્ટ્રુમેન્ટ’ કારણ શોધી શકે તો તે ‘exit’ (મોક્ષ) માંથી નીકળી ફરી શક્તિના મહાસાગરમાં સમાય જાય, જો કારણ ન શોધી શકે તો જેમ ઇન્સ્ટ્રુમેન્ટ ઘસાય જાય અને ફેંકી દેવું પડે તેમ શરીરને ફેંકી દેવું પડે (મૃત્યુ) અને નવું ઇન્સ્ટ્રુમેન્ટ શોધવું પડે (નવો જન્મ). પાછી તેમાં કર્મની થીયરી લાગુ પાડવામાં આવે અને કર્મ પ્રમાણે નવો જન્મ થાય. (સારા કર્મો કર્યા હોય તો દેવલોકમાં જવાય અને પુણ્યોનો ક્ષય થતાં પાછા મનુષ્યલોકમાં પરત આવવાનું થાય.) ટુંકમાં મનુષ્ય દેહ જ મોક્ષ અપાવી શકે.

મારું શું માનવું છે …..

આ આખી વાર્તામાંથી મેં – ‘શરીર’, એ શક્તિનું એક સ્વરુપ છે – એ સ્વીકાર્યું છે. કારણ કે વિજ્ઞાને પણ સુક્ષ્મ શરીરને સ્વીકાર્યું છે. હવે જો માનવદેહ શક્તિના મહાસાગરનો એક ભાગ હોય તો કોસ્મીક એનર્જીનો સ્વીકાર પણ આપોઆપ થઈ જાય અને જ્યારે એનર્જીના સાગરની વાત આવે એટલે સાગરના ‘મોજા’ની વાત પણ આવે. સાગરમાં મોજાઓ ઉત્પન્ન થાય છે અને લય પામે છે. તો એવું કહી શકાય કે મોજાનું ઉત્પન્ન થવું એટલે માનવીનો જન્મ, ધીમે ધીમે મોજું મોટું થાય – માનવી પણ મોટો થાય, છેલ્લે નાનું થતા થતા (વૃધ્ધાવસ્થા) લય પામે (મૃત્યુ). આ માટે તમારે મોજું બનવાની અને લય પામવાની ક્રિયાને સ્લો મોશનમાં કલ્પવી પડશે.

waves

હવે પુનઃજન્મના વિજ્ઞાને શોધેલા દાખલાઓમાં પુનઃજન્મ પામેલા જાતકોમાં (કેમ લાગ્યું ? શાસ્ત્રીય શબ્દ છે !) બર્થમાર્ક કે વિચારો/ટેવો બીજા જન્મમાં પણ દેખાય છે. બાજુના ચિત્રમાં મેં ‘વેવ’નું ચિત્ર બનાવ્યું છે. પહેલા મોજા પર જે ટપકા મુક્યા છે તેને આપણે ‘વિચાર’ ગણી લઈએ. લય પામતા મોજા સાથે તે પણ નીચે આવે અને એ જ પાણી નવા મોજામાં પરિવર્તિત થાય ત્યારે એ વિચારો (ચિત્રમાંના ટપકા) ફરી એ જ જગ્યાએ બનેલા નવા મોજા પર જ રહે. આમ નવા જન્મમાં બર્થમાર્ક કે વિચારોનું વહન થાય. દરેક નવા બનતા મોજા પર નવો કચરો (વિચારો) ભેગો પણ થાય અને દુર પણ થાય.

રેકી અને વિપશ્યના પણ શરીરને ‘એનર્જી’ ના સ્વરુપે સ્વીકારે છે. એ અંગે વધુ વિચારો અગાઊની પોસ્ટમાં વ્યક્ત કરેલા જ છે.

https://bestbonding.wordpress.com/2012/06/02/reiki-1/

https://bestbonding.wordpress.com/2012/06/04/reiki-2/

https://bestbonding.wordpress.com/2012/06/05/reiki-3/

https://bestbonding.wordpress.com/2012/06/22/life-after-life/

ધ્યાન અને એસ્ટ્રલ પ્રોજેક્શનનો સુદર વીડીયો નીચેની લીન્ક પર છે. (સમય જોઈશે પણ જરુર જોજો)

http://www.youtube.com/watch?v=4KMUXPu4kwM

Meditation and astral projection explained

 

આપણ કોન્સીયસ વિષે બીબીસીનો નીચેનો વીડીયો પણા જોવા જેવો છે. (ટેકનીકલ વધારે છે, મને તો ટપો પડવામાં મુશ્કેલી પડી છે.)

http://www.youtube.com/watch?v=sNc52LmHgUs

BBC Documentary on Consciousness

અને છેલ્લે, ક્યાંક એક સમાચાર વાંચ્યા હતા કે વૈજ્ઞાનિકો મૃત્યુ પામતા માણસમાં કેટલો વેઈટ લોસ થાય છે એનું સંશોધન કરેલું – એટલે કે જીવતા માણસ અને મૃત્યુ પામેલો માણસ – એ બંને વચ્ચે ૨૪ ગ્રામનો તફાવત આવેલો. આમ આપણી ‘ચેતના’નું વજન ૨૪ ગ્રામ છે.

ટુંકમાં શરીરનું મહત્વ નથી, તે એક સાધન છે, અથવા તો બીજા શબ્દોમાં ઘનીભુત થયેલી ‘શક્તિ’ છે. સાધન ઘસાય જાય તેમ શરીર ઘસાય જાય અને ફરી ‘શક્તિ’માં પરિવર્તિત થાય. વિચારો પણ ‘ડેન્સ એનર્જી’ છે એ પણ શરીરના અસ્તિત્વ સાથે ફરી શક્તિ સ્વરુપમાં ફેરવાય જાય.

ઉદાહરણથી સમજવા –

હવામાં વિખેરાયેલી વરાળ –   વાદળ       –   બરફ

કોસ્મિક એનર્જી             –   સુક્ષ્મ શરીર –   શરીર

શું થયું હશે ?

શું થયું હશે ? મારું શું થશે ? હવે શું થશે ?

બધાના મનમાં દિવસમાં વધુમાં વધુ વખત ઉઠતા પ્રશ્નો !

ઉઠવામાં મોડું થઈ ગયું, હવે ઓફીસે ટાઈમસર કેમ પહોંચાશે ? હજુ તો ઉઠવામાં જ મોડુ થયુ છે, ઓફીસે જવામાં તો બે-ચાર કલાકની વાર છે છતાં ‘ભવિષ્ય’માં શું થશે તેની ‘પૂર્વધારણા’.

એજ રીતે જે પ્રસંગ બન્યો નથી તે અંગેની ‘ધારણા’ઓ – ‘કંઈક તકલીફ થઈ હશે તો ?’ આવું મનમાં  ધારી લઈને લગભગ બધા જ ‘તણાવ’ અનુભવે છે. આપણું મન સતત ધારણા/પુર્વધારણા કરતું રહે છે. કાર્ય કરતી વખતે પણ આગળના પરિણામો વિષે ધારણા કરતું રહે છે. જો ભૂતકાળનો અનુભવ હોય તો પરિણામો ધારેલા આવતા રહે, કાર્યનો પ્રથમ પ્રયત્ન હોય તો આપણું જ્ઞાન આપણા કાર્યના પરિણામો ધારવામાં મદદરુપ થાય, પણ આશંકાઓ મન પર કાબુ ધરાવે છે અને મહદ અંશે નકારાત્મક ધારણાઓ/વિચારો જ આવતા હોય છે. આ નકારાત્મકતાને કારણે મન પર તાણ વધે છે. કોઈ સ્વજન સમયસર ઘેર પરત ન આવે ત્યારે મહદ અંશે, ક્યાંક એક્સીડન્ટ નહીં થયું હોય ને ? એ વિચાર પ્રથમ આવે છે. વળી મન અહીંથી અટકતું નથી કેટલું વાગ્યું હશે ? કોઈ હોસ્પીટલ લઈ ગયું હશે કે નહી ? કઈ હોસ્પીટલમાં લઈ ગયા હશે ? ડોક્ટર હાજર હશે ? …. (તમે અનુભવ્યું જ હશે ! આવું જ નહી તો બીજું કંઈ ! પણ મન ધારણાઓ કરતું જ રહે છે.) એનાથી ઉત્પન થતું ‘સ્ટ્રેસ’ શરીર પર તેની અસર કરે જ છે. અહી પરિસ્થિતિ એવી છે કે જે બન્યું નથી તેની ધારણાઓ કરી આપણે ‘સ્ટ્રેસ’ અનુભવીએ છીએ.

આવા સ્ટ્રેસથી બચવાનો એક ઉપાય ‘હકારાત્મક ધારણાઓ’ છે. દરેક વખતે ખરાબ બનતુ નથી અને એવા અનુભવો ભૂતકાળમાં તમે પણ કર્યા જ હશે. ભૂતકાળમાં મોડું થયું ત્યારે – ગાડી બગડી હતી કે તમને સરપ્રાઈઝ આપવા ગીફ્ટ લેવા રોકાયા હોય કે તમને મનગમતો નાસ્તો લેવામાં વાર લાગી હોય, આવી સુખદ પ્રસંગો બન્યા જ હશે. હવે આપણે જો આવી સુખદ પૂર્વ ધારણાઓ કરીએ, તો સ્ટ્રેસ ઉત્પન્ન થવાનો સવાલ જ ઉભો ન થાય. અંગ્રેજીમાં સારો શબ્દ ‘Positive Visualization’ ઉપયોગમાં લેવામાં આવે છે. સુખદ પૂર્વધારણાઓ કરવામાં એક તકલીફ એ ઉભી થઈ શકે કે તમે હકારાત્મક પૂર્વધારણાઓને જો ‘અપેક્ષા’ઓનું સ્વરુપ આપી દો તો બીજા પ્રશ્નો ઉભા થવાની શક્યતા વધી જાય.

મન, ‘સ્ટ્રેસર’ (તણાવ ઉત્પન્ન કરનાર) ‘વાસ્તવિક’ છે કે ‘આભાસી’ (ફક્ત મનની ધારણા) એનો તફાવત (Differentiate) કરી શકતું નથી. ઉદાહરણ રુપે, દોરડી અને સાપનો તફાવત. અંધારામાં દોરડી જોઈ મન સાપની ધારણા કરી સાચા સાપના સામના વખતે શરીર જે પ્રતિક્રિયા કરવી જોઈએ એ પ્રમાણે વર્તે છે. આમ આભાસી અનુમાન મન પર તાણ ઉભુ કરે છે. પણ જો આપણે આ ‘આભાસી અનુમાન’ સુખદ કરીએ તો ? મન ને ખબર નથી કે આ અનુમાન વાસ્તવિક છે કે આભાસી ? આથી એ મગજમાં કોઈ સ્ટ્રેસ ઉત્પન્ન થવા દેતું નથી અને સ્ટ્રેસની ગેરહાજરી શરીરને તેની સામાન્ય સ્થિતિમાં રાખે છે.

પ્રોફ. રોબર્ટસન જણાવે છે કે ‘મન તમે જે વિચારો છો તે પ્રમાણે બદલાય છે.’ (“Your brain is changed physically by the conversations you have, the events you witness and the love you receive. This is true all through your life, not just when you are an infant.”) તેઓ વધુમાં જણાવે છે કે મગજ આપણા બાયોલોજીકલ ડેવલોપમેન્ટ પ્રમાણે ભલે વિકાસ પામતું હોય, પણ વિચારો તેનું ઘડતર કરે છે, આપણે આપણી બાયોલોજીના ગુલામ નથી. (આ વાત શીલ્પીઓએ પણ પોતાના શીલ્પો દ્વારા વ્યક્ત કરી જ છે)

post

હકારાત્મક વિચારો અંગે આજે બધા જ મોટીવેશનલ એક્સપર્ટસ એક સુરે વાત કરે જ છે.

આ સિવાય ‘ધારણા’ઓના સ્ટ્રેસમાંથી મુક્ત થવાનો અન્ય રસ્તો ‘ધ્યાન’ છે. જ્યારે પણ મન પર નકારાત્મક વિચારો હુમલો કરે ત્યારે આંખો બંધ કરી, ઊંડા શ્વાસ લેવાનું શરુ કરો અને નકારાત્મક વિચારોના હુમલાનો સામનો કરવા સકારાત્મક વિચારોની ઢાલ બનાવો. (‘નકારાત્મક વિચાર મારે નથી કરવાના’ એ વિચાર પણ નકારાત્મક છે, આથી એવા વિચારો પર ધ્યાન આપ્યા વગર ‘મારે સકારાત્મક વિચાર કરવાના છે’ એવું વિચારો.). રોજીંદુ ધ્યાન સ્ટ્રેસનો કાયમી ઇલાજ છે.

નિષ્ફળતાનો ભય (Fear of Failure) પણ આ ધારણાઓના તનાવનું કારણા હોય શકે. ઓછા આત્મવિશ્વાસના કારણે આપણા મનમાં ‘હું નિષ્ફળ જઈશ તો ?’ એ ભય કાયમી ઘર કરી જાય તો, ફક્ત કાર્ય કરતી વખતે જ આ ભય સતાવે એવું નથી, પણ આ ભયના કારણે આપણી ધારણાઓ પણ નકારાત્મક બની જાય. જે સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે. મનમાં આત્મવિશ્વાસ જગાવશો તો તણાવ આપોઆપ દુર થઈ જશે.

 

 

(પ્રોફ. રોબર્ટસનને વધારે જાણવા નીચેની લીન્ક પર તેમનું સંબોધન સાંભળો.)

https://vimeo.com/2473689 (part 1)

https://vimeo.com/2558555 (part 2)

સો ટકા !

‘સંદેશ’. તા. 25મી નવેમ્બર, 2012. રવિવાર. સંસ્કાર પૂ્ર્તિ. ‘ચિંતનની પળે’ કોલમમાં કૃષ્ણકાંત ઉનડકટ એ “આપણે હન્ડ્રેડ પર્સન્ટ કેમ હોતા નથી ?” એવો મુદો ઉઠાવ્યો છે. મને ખુબ ગમ્યો.

“આપણે જ્યાં હાજર હોઈએ છીએ ત્યાં આપણી કમ્પ્લીટ ઉપસ્થિતિ હોતી જ નથી. આપણી સામે કોઈ હોય છે, આપણી નજર બીજે ક્યાંક હોય છે. આપણા કાન જુદી જ જગ્યાએ મંડાયેલા હોય છે અને આપણા વિચારો વળી સાવ અલગ જગ્યાએ જ હોય છે. એ રીતે જોઈએ તો આપણે જ ટુકડે ટુકડે વહેંચાયેલા હોઈએ છીએ.” આ ટુકડે ટુકડે વહેંચાવાની વાત એકદમ ખરી છે. મનમાં આપણે વિખરાયેલાજ હોઈએ છીએ, અને એના કારણે જ ક્યાંય શાંતિનો અનુભવ થતો નથી. લેખકે તો યોગની વ્યાખ્યા પણ એવી જ કરી નાખી કે “જો તમે તમારી સાથે હો તો એ યોગ જ છે.” પશ્ચિમમાં પણ ‘યોગા’ બોલતા લોકોએ બીઝનેસમાં “whole mind theory’ રજુ કરી નાખી. બધામાં એક જ વાત છે તમે જે કંઈ કરો એ વખતે તમે ત્યાં જ હોવા જોઈએ. યોગ કે ધ્યાનની વાત કરીએ તો લોકો એવો જવાબ આપે કે એવો ટાઈમ જ ક્યાં છે, એ બધું આદર્શ તરીકે બરાબર છે પણ પ્રેક્ટીકલ નથી. ખરેખર એવું નથી. તમે જ્યારે પણ કોઈ પ્રવૃત્તિ કરો છો ત્યારે વિખરાયેલા જ હો છો, કેમ ? આનો જવાબ વૈજ્ઞાનિક રીતે મારી સમજણ પ્રમાણે આપી શકાય તેમ છે. બહુ વર્ષો પહેલા મેમરી અંગે વાંચતા વાંચતા એવું યાદ રહ્યુ છે કે આપણું મગજ જે કંઈ જુએ છે તેને નાના ટુકડાઓમાં યાદ રાખે છે. જેમ કે તમે કોઈનો ચહેરો જુઓ છો ત્યારે ચહેરાને નાના ભાગમાં વહેંચીને – આંખ, નાક, કાન, કપાળ, હોઠ દરેકને ટુકડામાં યાદ રાખો છો, જ્યારે ફરી એ ચહેરો જુઓ ત્યારે નાના ટુકડાઓને ભેગા કરી જાણીતો ચહેરો ફરી બનાવો છો. સાદુ ઉદાહરણ, નાના બાળકને જોઈને તમે ઉચ્ચારણ કરો છો કે આની આંખ એના બાપ જેવી છે, હોઠ મા જેવા છે વગેરે. આનો સાદો અર્થ એ થાય છે કે તમે મા-બાપના ચહેરાને આંખ, હોઠના ટુકડાઓમાં યાદ રાખેલા છે. આમ કોઈ પણ કાર્ય આપણા મગજમાં ટુકડાઓમાં થાય છે. ફીઝીક્સ અને કોમ્પ્યુટરની ભાષામાં ‘ડીઝીટાઈઝેશન’ થાય છે. ટુંકમાં મગજમાં બધુ વિખરાયેલ જ પડ્યું છે. એને ભેગુ કરવા ‘પ્રોગ્રામીંગ’ની જરુર હોય છે. ચહેરો યાદ કરવાનો ‘પ્રોગ્રામ’ મગજના સોફ્ટવેરમાં તૈયાર છે, આથી ચહેરો યાદ કરવા તમારે કશું કરવું પડતું નથી. આપોઆપ થાય છે.

હવે વાત છે ધ્યાન અને યોગની. આ બાબતો માટેનું ‘સોફ્ટવેર’ આપણને વારસામાં કે અભ્યાસ દરમ્યાન મળતું નથી અને તેથી જ એ આપોઆપ થતું નથી. આવા સોફ્ટવેર માઈક્રોસોફ્ટવાળા તો બનાવતા નથી અને ‘ગુરુ’ ઓ શીખવાડવા માટે ફી લે છે પણ પેટીયું રળવા અને પોતાનું મહત્વ જાળવી રાખવા સાદી ભાષામાં શીખવાડતા નથી. ધ્યાન માટે જુદો સમય ફાળવવો જોઈએ, અલગ (એરકન્ડીશન)  રુમ હોવો જોઈએ, બેઠક માટે વિશિષ્ટ આસન જોઈએ વગેરે વગેરે.

‘ધ્યાન’નું સોફ્ટવેર તમે જાતે બનાવી શકશો અને તેની સલાહ પણ મફત ! બસ થોડું આગળ વાંચો.

તમને જ્યારે સમય મળે આંખો બંધ કરી લો. બસમાં સફર કરતા હો, ઓફીસમાં કામ કરતા થાકી જાઓ, રીસેસના સમયે, બસ પાંચ-દસ મીનીટ – જેટલો સમય મળી શકે તેટલો સમય. ઘણા વિચારો આવશે, વિચારોને ના ન કહો, ભલે આવે, પણ તમે કોઈ એક વિચાર પર કોન્સન્ટ્રેટ થવાનો પ્રયત્ન કરો. બીજા વિચારો તમને ડીસ્ટ્રેક કરવા પ્રયત્ન કરશે. તમારે તેને ના નથી કહેવાની, પણ મનને કહેવાનું છે કે મારે તો આ વિચાર પર જ ધ્યાન આપવાનું છે. ધીમે ધીમે તમને એક જ વિચારમાં રહેવાની પ્રેકટીશ થઈ જશે. એક બીજો પણ રસ્તો છે. તમારા મોબાઈલમાં યુ ટ્યુબમાંથી થોડા ‘મેડીટેશનલ મ્યુઝીક’ ડાઊનલોડ કરી લો અને આંખ બંધ કરી, ઇયરપ્લગ લગાવી આ મ્યુઝીક સાંભળો (જો જો ! ભુલમાં આઈટેમ ગર્લ ડાન્સના મ્યુઝીક પર ક્લીક ન થઈ જાય). મ્યુઝીક પર કોન્સન્ટ્રેટ થવામાં પણ મુશ્કેલી પડશે, પણ થોડી વાર મગજ પર કન્ટ્રોલ કરો, જેમ જેમ મ્યુઝીક સાંભળતા જશો તેમ તેમ તેમાં ખોવાય જશો પછી આદત પડી જશે. એક વખત આવી આદતનો અભ્યાસ થશે પછી તમને કોઈ એક કાર્ય પર કોન્સન્ટ્રેટ થવાની પણ ટેવ પડશે. મગજ આપોઆપ આવું સોફ્ટવેર તૈયાર કરી લેશે. બોલો ! મફત સોફ્ટવેર મળ્યું ને ! આ કોન્સન્ટ્રેશનનો આનંદ તમને આપોઆપ ‘ધ્યાન’ કરવા તરફ દોરી જશે. હવે તમને લાગે છે કે તમારે કોઈ યોગ ગુરુ પાસે જવાની જરુર છે ? છતાંય જરુર જણાય તો આ મફતીયા ગુરુને યાદ કરી લેજો ને ! મફત માર્ગદર્શન મળશે.

નમુનાનું એક મ્યુઝીક નીચેની લીન્ક પર –

http://www.youtube.com/watch?v=u1JJb5LQw-k

સુપરમાઈન્ડ – એક ભ્રાંતિ

સુપરમાઈન્ડ – એક ભ્રાંતિ

છેલ્લી બે-ત્રણ પોસ્ટ બે કારણોસર લખાણી –

યુ ટ્યુબ પર એક માઈન્ડ ટ્રેઈનરની કોર્ષ ઈન્ટ્રોડક્શનની વીડીયો ક્લિપ જોઈને – જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ‘અમારો કોર્ષ કર્યા પછી તમારું ત્રીજુ નેત્ર ખુલ્લી જશે, તમે અહીં બેઠા બેઠા અમેરીકામાં તમારા પ્રિયજનો શું કરી રહ્યા છે તે ‘જોઈ’ શકશો.’

અને બીજી વાત, એક બ્લોગ પર ધ્યાનના સંદર્ભની પોસ્ટ પરની એક વાંચક મિત્રની કોમેન્ટમાં જણાવ્યું હતું કે તમે દરરોજ દસ મીનીટ ફક્ત ધ્યાનમાં બેસો તો તમારું મગજ ‘નિર્વિચાર’ની સ્થિતિ હાંસલ કરી લે.

મને આ બંને વાત  ‘ભ્રન્તિ’ લાગી, એથી ‘મગજ’ અને ‘મન’ ની માથાકુટમાં ઉતરવાની ઇચ્છા થઈ અને એમાંથી મહર્ષિ પતંજલીના અષ્ટાંગ યોગ સુધી જઈ ચડ્યો. (જો કે વીઝીટર્સના સ્ટેસ્ટીક્સ પરથી લાગ્યું કે ફેઈસબુકની જેમ બ્લોગ પોસ્ટ પર બહુ ગંભીરતા વાંચકો ઇચ્છતા નથી.)

માનવીના મગજ (બ્રેઈન)ની કેપેસીટીના સંદર્ભમાં વૈજ્ઞાનિકો જણાવે છે કે આપણે બ્રેઈનનો ઉપયોગ તેની ક્ષમતાના પાંચ ટકાથી પણ ઓછો કરીએ છીએ. એનો સીધો અર્થ એ થાય કે દરેક વ્યક્તિ એકસરખી જ બુધ્ધીશાળી છે, પણ બ્રેઈનનો ઉપયોગ કરવાની તેની આવડત જુદી જુદી છે. માઈન્ડ ટ્રેઈનરો કદાચ આમાંની કોઈ આવડત વધારવામાં મદદરુપ થતા હશે, પણ તેથી તમારુ મગજ ‘સુપરમાઈન્ડ’ બની જાય ? ‘સુપરમાઈન્ડ’ તમારા જીવનને સુખ-શાન્તિમય બનાવી શકે ? ગણીતના દાખલાઓ ગણવામાં કોમ્પ્યુટરો સાથે હરીફાઈ કરી શકતી વ્યક્તિઓ નીજી જીંદગીમાં સુખી હોય છે ? ત્રીજી આંખથી દુર દ્રષ્ટિ પામેલી વ્યક્તિઓનું જીવન કેવું હોય છે ? મહાભારતની વાર્તામાં સહદેવની વાત યાદ આવે છે ? તે ભવિષ્ય જોઈ શકતો હતો પણ તેને પૂછો તો જ કહી શકે એવી શરત હતી. હવે તેનું જીવન જુઓ. બળતા લાક્ષાગૃહમાંથી બહાર નીકળવાનો રસ્તો જાણતો હતો, પણ જણાવી શકતો ન હતો. કેવી દયાજનક સ્થિતિ ! આવા માઈન્ડને ‘સુપરમાઈન્ડ’ જ કહેવાય ને ! પણ શું કામનું ?

આ સુપરમાઈન્ડની સામે ‘મન’ ની શક્તિ વિષે આપણે અગાઊની પોસ્ટમાં જોયું છે. જો મનની તાકાત વધશે તો જીવન સુખ-સમૃધ્ધિમય બનશે એવી મારી માન્યતા સાથે આપ સંમત થશો જ. મનની શક્તિ ‘યોગ’ દ્વારા વધારી શકાય એ નિર્વિવાદ વાત છે. ધ્યાન એમાં અગત્યનો ભાગ ભજવે છે એ પણ હકીકત છે. પણ આજના ગુરુઓ જેમ શીખવે છે તેમ ‘ધ્યાન’ સુધી નહીં પહોંચી શકાય. અષ્ટાંગ યોગમાં જણાવ્યા પ્રમાણે ધ્યાન એ ‘યોગ’ ના આઠ અંગોમાંનુ એક છે. માનવીના બધા અંગો સાબુત હોય તો શરીર સારું પરીણામ લાવી શકે, પણ એક અંગ ઓછું હોય તો પરીણામ નબળું જ આવે. એમ યોગના આઠ અંગોમાંથી ફક્ત ‘ધ્યાન’ પર જ કેન્દ્રીત થઈએ તો ધારેલ પરીણામ ન આવે તે તાર્કીક છે. આ બાબત સમજવા ‘અષ્ટાંગ યોગ’ વિષે થોડુ જાણવું જરુરી છે. હવે પછીની પોસ્ટમાં તેનો પરીચય પામવો જ પડશે. એ પછી બધુ હલકુ-ફુલકુ ‘શેર’ કરીશું

તો પછી તમારે ‘સુપરમાઈન્ડ’ ના ભ્રમમાં રહેવું છે કે મનની શક્તિ વધારી શાન્તિમય જીવન જીવવું છે ?

મનની શક્તિ –

ગઈકાલની પોસ્ટમાં મન અને મગજના તફાવતને સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો અને મનની તાકાત સમજવાનો એક પ્રસંગ પણ જોયો. એના કરતાં પણ મનની શક્તિને વધારે સમજાવતો પ્રસંગ શેર કરવાની લાલચ રોકી શકતો નથી. ૧૯૮૦/૮૪ દરમ્યાન રાજકોટ રીજીયન સંભાળતો હતો. જુનાગઢ મારા રીજીયનમાં આવે આથી એ જીલ્લાના કાર્યક્રમોનું સંચાલન પણ મારે કરવાનું રહેતું. મોટીવેશનના એક કાર્યક્રમમાં એક તાલીમાર્થીએ મનની તાકાતનો પરિચય કરાવતો એક પ્રસંગ ક્લાસમાં શેર કર્યો. –

“રાત્રે જુનાગઢથી વેરાવળ તરફ બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે એક ટર્નીંગ પર કોઈનો મદદ માટેનો અવાજ સંભળ્યો. તપાસ કરતાં જણાયું કે વળાંકની બરાબર સામે એક અવાવરુ કુવામાંથી અવાજ આવતો હતો. મેં બાઈકની લાઈટ ચાલુ રાખી કુવા પર તપાસ કરી. એક પાણી વગરનો અર્ધો બુરાયેલો દસ-બાર ફુટ ઉંડો કુવો હતો તેમાં એક યુવાન મદદ માટે બુમો મારતો ઝાડના મૂળીયાને આધારે બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મેં તેને થોડો ટેકો કરી બહાર કાઢ્યો. તેણે કહ્યું વળાંકમાં બાઈક સ્લીપ થઈ ગઈ અને તે બાઈક સાથે પાળી વગરના આ કુવામાં પડ્યો. મેં જોયું તે બહુ લોહીલોહાણ હતો. મને લાગ્યું કે બાઈકનું તો પછી થશે પણ આને તુરત હોસ્પીટલે પહોંચાડવો જોઈએ. મેં પૂછ્યું ‘બાઈક પર બેસાશે ?’ તેણે હા પડી અને મારી પાછળ બથ ભરીને બેસી ગયો. વેરાવળ નજીક હતું. હું તેને હોસ્પીટલે લાવ્યો. ઉતરવા કહ્યું પણ તેણે સાંભળ્યું નહી. વોર્ડબોયની મદદ્થી તેને સ્ટ્રેચરમાં લીધો તે અર્ધજાગૃત અવસ્થામાં હતો. ડોકટરે તેને તપાસ્યો, મને પૂછ્યું ‘તમે આને કઈ રીતે લાવ્યા’ મેં કહ્યું ‘મારી બાઈક પર પાછળ બેસાડીને !’ ડોક્ટર તો સ્વપ્નામાં સાંભળી રહ્યો તેમ મારી સામુ જ જોઈ રહ્યો. થોડીવારે હોશ આવતા કહે ‘મજાક કરોમા ! આ માણસની કરોડરજ્જુના કેટલાય મણકા તૂટી ગયા છે. આ માણસ બેસી શકે જ નહીં’ આ સાંભળી હું સડક થઈ ગયો, મેં કહ્યું ‘ડોક્ટર ! તમે બેસવાની વાત કરો છો ? પણ મેં જ્યારે એને કુવામાંથી બહાર નીકળવામાં મદદ કરી ત્યારે તે ઝાડના મૂળીયા પકડી ઉપર આવતો હતો.’ હવે અવાક થઈ જવાનો વારો ડોક્ટરનો હતો.”

તો મિત્રો ! આ છે ‘મન’ની શક્તિ. એ અપાર છે અને કંઈપણ કરી શકે છે. ફક્ત પોતાના શરીર પર જ નહીં પણ અન્ય કોઈપણ વસ્તુ, માણસ પર કાબુ કરી શકે છે. પશ્ચિમના દેશો પ્રાચીન ભારતની હાંસી કરે છે, પણ પ્રચીન સંસ્કૃતિમાં જે તાકાત હતી તેની ધારણાઓ કરવી પણ આપણા માટે અશક્ય છે. ‘૮૧ માં મેં એક શ્રી સુરેશ સોમપુરાની એક સ્વાનુભવ કથા ‘અઘોરીઓ સાથે પાંચ દિવસ’ વાંચેલું. તેમાં અઘોરીઓ મનની શક્તિ વડે વિવિધ પ્રયોગો કરતા તેનું વર્ણન છે. ખરેખર તો અઘોરીઓ પણ જાણતા ન હતા કે આવી સિધ્ધિઓ તેઓ મનની શક્તિઓ વડે કરે છે. પણ સોમપુરાજીએ વિજ્ઞાનનો આધાર લઈને એ વાતો પુસ્તકમાં સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. ‘અઘોરી’ શબ્દથી કેટલાક વાંચક મિત્રો નાકનું ટેરવું ચડાવશે પણ તેમની જાણ માટે એક સામાન્ય ઝલક –

સોમપુરાજીએ અઘોરીઓની ‘આત્મા’ સાથે વાત કરવાની પ્રક્રીયાને ventriloquism વડે સમજાવી છે. કોઈ વ્યક્તિ હોઠ ફફડવ્યા સિવાય પણ વાત કરી શકે તે કલાને ventriloquism કહેવાય. આથી અઘોરી જ્યારે સામે પડેલી ‘ખોપડી’ સાથે વાત કરતો હોય ત્યારે ખરેખર તો ‘ખોપડી’ જ્યારે જડબું હલાવે ત્યારે અઘોરી પોતે જ હોઠ ફફડાવ્યા વગર બોલતો હોય છે. (વધુ જાણવું હોય તો યુ ટ્યુબમાં ventriloquism લખી સર્ચ કરજો, ઘણી વીડીયો ક્લીપ જોવા મળશે.) તેઓએ ‘કલ્પના યોગ’ પર લખ્યું છે.

મનની શક્તિઓ જાણવા માટે તેને ‘શરીર’થી અલગ પાડીને ઓળખવાનો પ્રયત્ન થઈ શકે અને તેમાં ‘ધ્યાન’ મદદરુપ થઈ શકે. (આ ‘ધ્યાન’ એ આજના ગુરુઓ સમજાવે છે તે નહીં. પરદેશી ગુરુઓને તો ‘નાડી વિજ્ઞાન’ની પણ માહિતી નથી હોતી અને યોગ ગુરુ બની બેસે છે. શું થાય ? બધાને ‘પેટ’ છે.)

ધ્યાન વિશે ફરી ક્યારેક !