‘ધ્યાન ગમે ત્યારે કરી શકાય, ગમે ત્યાં કરી શકાય, ગમે તે રીતે કરી શકાય.’ આવા શબ્દો દ્વારા ધ્યાનગુરુઓ પોતાના પામર શિષ્યોને ઉપદેશ આપે છે. એક વખતના ભોજન માટેનું શાક પણ સો રુપિયાથી ઓછા ભાવે નથી મળતું, ત્યારે મોક્ષ તરફ પ્રગતિ કરાવનાર કે મોક્ષમાં ન માનનારને સુખશાંતિમાં રાખનારને ‘ધ્યાન’ સાવ મફતમાં પડે. આનંદો.. ! અને … પછી તકલીફ એ થાય કે શિષ્ય મનફાવે તેમ અને મન પડે ત્યાં ધ્યાનના પ્રયત્નો કરે, નિષ્ફળ જાય ત્યારે ‘ગુરુ વધુ શક્તિશાળી છે’ એવી શ્રધ્ધા દ્રઢ કરી પાકો ચેલો થઈ જાય. પોતે ગેરમાર્ગે દોરવાયો છે એવી શંકા પણ ન થાય. ‘ધ્યાન’ માં શરીર અને મન બંનેનો ‘યોગ’ છે આથી બંનેની મર્યાદાઓ જો સમજીએ તો નાસીપાસ થવાનો અને ગુરુ પ્રત્યેની અંધશ્રધ્ધાથી બચી શકાય. ‘ધ્યાન ગમે ત્યારે થાય’ ને વધારે સમજીએ તો, એક બાબત સૌએ નોંધી લેવી જોઈએ કે શરીરમાં એક ‘બાયો ક્લોક’ આવેલી છે, જે તમારી દરેક પ્રવૃતિની સમય-નોંધ કરે છે અને એલાર્મની રીમાઈન્ડ કરાવે છે અને સાથે સાથે એ પ્રવૃતિને અનુરુપ આંતરિક શારીરિક કાર્યો શરુ કરાવી દે છે. રોજ બપોરના બાર વાગે જમવાનું થતું હોય તો બાર વાગે એટલે બાયોક્લોક ભુખ લાગવાના સંકેત મોકલે છે અને તમને ભુખ લાગે છે. (આપણે એને ‘ટેવ’ના સ્વરુપે સ્વીકારીએ છીએ.) હવે જો એ સમયે જમવાનું મળે તો પાચનતંત્ર બરાબર કામ કરે અને ન મળે તો પણ પાચનતંત્ર એનું કામ તો શરુ કરી જ દે – હોજરીમાં પચકરસો, એસીડ છુટવાનું શરુ થઈ જાય અને તમને જમવાનું ન જ મળે, તો એસીડીટી જેવું લાગવા માંડે. આ બધી શરીરની બાયોક્લોકની કમાલ છે. હવે તમે જમવાના સમયે કે નાસ્તા સમયે ધ્યાન કરવા બેસો તો શું થાય ? પાચનતંત્રે તેનું કાર્ય શરુ કરી દીધેલું જ હોય, પણ ધ્યાનમાં તો મનને, શરીર શિથીલ કરી એક બાબત પર કોન્સન્ટ્રેટ કરવાનું છે. શરીરે તો પાચનનું કાર્ય શરુ કરેલ છે તો મન અને શરીરનો ‘યોગ’ ક્યાંથી થાય ? ધ્યાન ક્યાંથી લાગે ? રોજ દસ વાગ્યે ઉંઘી જવાની ટેવ પાડી હોય એ સમયે ધ્યાન કરવા બેસો તો શરીરની બાયોક્લોક તો શરીરને ઉંઘ તરફ જ ખેંચી જાય.
આમ ધ્યાન ‘ગમે ત્યારે ન થાય’, તમે સૌ પ્રથમ કોઈ એક ચોક્કસ સમય નક્કી કરો અને તેની ‘ટેવ’ પાડો. જેથી તેની નોંધ બાયોક્લોકમાં થઈ જાય અને ધ્યાન કરવામાં તમને શરીરનો પણ સાથ મળે. આ સમય, તમે ગમે તે નક્કી કરો, પણ તે એવો હોવો જોઈએ કે ‘શરીર’ તરફથી સહકાર મળવો જોઈએ. ધારી લો કે તમે રાત્રે દસ વાગ્યે ધ્યાનમાં બેસવાની ટેવ પાડી છે, સારું છે, પણ કોઈ વખતે ડીનર પાર્ટીમાં જવાનું થયું, ત્યાં ભારે ખોરાક લેવાયો. હવે જ્યારે તમે દસ વાગ્યે ધ્યાનમાં બેસો ત્યારે ભારે ખોરાકને કારણે શરીર તમને ધ્યાનમાં સાથ નહીં આપી શકે, કારણ કે તેનું પાચનનું વધારાનું કાર્ય ચાલુ છે. આવા સમયે ધ્યાનમાં તકલીફ પડશે તેવું સ્વીકારી લો તો વાંધો નથી, પણ નિષ્ફળતાનો વિચાર તો ન જ કરશો. એક સારુ સુચન એ છે કે ‘ધ્યાન’માં બેસવાનો સમય વહેલી સવારનો નક્કી કરો. આની પાછળ કેટલાક કારણો છે – સૌ પ્રથમ ‘માનસિક’ રીતે આપણે સ્વસ્થ હોઈએ છીએ. રોજીંદો વ્યવહાર શરુ થઈ જતા મગજ રોજીંદા કાર્યોના વિચારોમાં ગુંથાયેલું રહે છે, કોન્સન્ટ્રેટ થવાતું નથી. સુતી વખતે ધ્યાન કરો ત્યારે આખા દિવસમાં બનેલા બનાવોના વિચારોની શ્રેણી ચાલતી રહે છે. રાત્રિના સમયે ‘નિજ દોષ દર્શન’ કરી શકાય. કોસ્મીક એનર્જી સાથે સંકળાવા માટેનો ઉત્તમ સમય સવારનો છે. એક શારીરિક કારણ પણ સમજી લઈએ. મગજમાં આવેલી ‘પીનીયલ ગ્રંથી’ માંથી મેલાટોનીન નામના હોર્મોનનો સ્ત્રાવ થાય છે. આ હોર્મોનનો સ્ત્રાવ ‘અજવાળા’માં બંધ થાય છે અને વહેલી સવારે તેનું પ્રમાણ વધારે હોય છે જે ‘ધ્યાન’માં મદદરુપ થાય છે. પીનીયલ ગ્રંથીનું કાર્ય રહસ્યમય પણ છે, તેને ત્રીજી આંખ – જ્ઞાન ચક્ર સાથે પણ સાંકળવામાં આવે છે. આ બધી વધુ પડતી ટેકનીકલ બાબતો છે તેથી આપણે એમાં ઉંડા ન ઉતરીએ, પણ એટલું તો ચોક્કસ છે કે વહેલી સવારનો સમય ધ્યાન માટે ઉત્તમ છે. નરસિંહ મહેતાને યાદ કરી લો ને ! એણે પણ સવાર પડતા પહેલાની છ ઘડીનો સમય ઉત્તમ કહ્યો છે. આ બધી ચર્ચાનો સાર એટલો લઈએ કે ધ્યાન કરવાનો ઉત્તમ સમય વહેલી સવારનો છે. બીજી એક વાતની નોંધ લેવી જોઈએ કે ધ્યાનનો સમય હંમેશ માટે ‘નિયત’ રાખવો જોઈએ જેથી શરીરની બાયોક્લોકમાં આ સમયની નોંધ થઈ જાય, અને શરીર પણ મગજ સાથે ધ્યાન પ્રક્રીયામાં ‘યોગ’ કરે. હજુ પણ બે ભ્રમ રહ્યા, એને પણ ભાંગીશું હવે પછી…