પ્રેમ સંદેશ –

પ્રભુ આપણા સૌ પર તેની કરુણા અને પ્રેમ સદા વરસાવતો રહે એવી પ્રર્થના…

આવી સદાની પ્રાર્થના વેલેન્ટાઈન દિને પણ.

પણ …. પણ…

ગુલાબનો પુષ્પગુચ્છ રુપિયા બસો !

સાંભળીને પ્રભુના કરુણાના પાત્રો જાણે બદલાય ગયા.

ફુટપાથ પર રહેતા કુટુંબનો એક દિવસનો ખર્ચ, પેટભરીને ખાવાનું મળ્યાનો સંતોષ – ફક્ત પ્રેમ(?)ના પ્રદર્શન માટે વપરાય. દિલમાં ચચરે એ સ્વભાવિક છે.

આ વેલેન્ટાઈનના મુળ ક્યાં હશે ? પ્રેમનું પ્રદર્શન કરતા, દેખાદેખી કરતા યુવાનોએ આ જાણાવાનો પ્રયત્ન કર્યો હશે ? એમ સ્વભાવીક પ્રશ્ન થાય. વેલેન્ટાઈનના મુળ માટેના જવાબો પણ આશ્ચર્યજનક મળે છે –

કેથોલીક ચર્ચવાળા માને છે ઓછામાં ઓછા ત્રણ વેલેન્ટીન નામના શહીદો મળે છે જેઓની યાદમાં આ દિવસ ઉજવાય છે. એક દંતકથા તો તેને રોમનકાળ સાથે સાંકળે છે. ક્લોડીયસ નામના રોમન શહેનશાહનું માનવું એવું હ્તું કે જો કુટુંબ ન હોય તો સારા સિપાહી બને (કુંટુંબ તરફની લાગણી તેમને નબળા બનાવે) આથી તેણે લગ્ન કરવા પર પ્રતિબંધ મુકી દીધો. વેલેન્ટાઈન નામના એક પાદરીએ તેનું ઉલ્લંઘન કરી ખાનગીમાં એક લગ્ન કરાવ્યા, આથી શહેનશાહે તેનો શિરછેચ્દ કરાવ્યો, તેની સ્મૃતિમાં આ દિવસ મનાવાય છે. એક કથામાં કહેવાયું છે કે વેલેન્ટાઈને ક્રીશ્ચીયન કેદીઓને રોમન જેલમાંથી ભાગવામાં મદદ કરી તેથી તેને મારી નાખવામાં આવ્યા. એક કથા તો કેદી વેલેન્ટાઈન અને જેલરની પુત્રીની પ્રેમ કથા રુપે પણ પ્રચલીત છે. વેલેન્ટાઈને પ્રેમીકાને એક ગ્રીટીંગ મોકલ્યું અને તેમાં અંતે લખ્યું હતુ – From your Valetine – બસ ત્યારથી આ દિવસ ઉજવાય છે. એક કથા એવી પણ છે કે એક  Lupercalia નામના રોમન તહેવારને ક્રીશ્ચીયન સ્વરુપ આપવા વેલેન્ટાઈન ડે શરુ થયો. મધ્ય યુગમાં યુરોપમાં વેલેન્ટીન નામના એક સંત પણ થઈ ગયા. એક વૈજ્ઞાનિક કારણ પણ નજરે ચડે છે – યુરોપમાં પક્ષીઓના મેટીંગનો સમય મધ્ય ફેબ્રુઆરીથી શરુ થાય છે.

આ બધી દંતકથાઓમાં, પ્રેમ પ્રદર્શિત કરવાની વાતનું મહત્વ ક્યાં અને કેટલું આવ્યું ?

cupid-god-2

 

(વેલેન્ટાઈન ડે નું એક પ્રતિક આપણા ‘કામદેવ’ના પ્રતિકને મળતું લાગે છે ને ?)

ભારતીય સંસ્કૃત્તિમાં તો પ્રેમના પ્રદર્શન કરતાં સમર્પણનું મહત્વ વધારે છે. છતાંય આ જ સંસ્કૃતિના કેટલાક જીવંત પાત્રોના પ્રેમના તોફાનો, ટીખળો અને સાહસો પણ જોવા મળે છે.

આપણે એવું ન કરી શકીએ કે આપણો પોતાનો ‘પ્રેમ દિવસ’ નક્કી કરી ઉજવીએ ?

આવો દિવસ નક્કી કરવા કેટલાય પ્રસંગો ઇતિહાસમાં હાજર છે.

પ્રેમના પ્રતિક એવા શ્રી કૃષ્ણને ભગવાન બનાવી તેના પ્રેમના પ્રદર્શનોને ‘ભક્તિ’માં ફેરવી નાખ્યા. મીરાં જેવી પ્રેમમાં પાગલ નારીને, તેણીના પાગલપનને કૃષ્ણભક્તિમાં વ્યક્ત કરી. તેના પ્રેમગીતોને ભક્તિગીતોના નામ આપી દીધા. એ જ કૃષ્ણ જેણે નદીઓમાં સ્નાન કરતી ગોપીઓની રોમાંચક છેડછાડ કરી, ‘રુકમણી’નું અપહરણ કરી લગ્ન કર્યા, પરાક્રમ કરી ‘સત્યભામા’ મેળવી. આ બધાથી વધારે રોમેન્ટીક, ‘રાધા’ સાથેનો પ્રેમ. કૃષ્ણ અઠ્ઠાવીસ વર્ષની ઉંમર સુધી મથુરા/વૃંદાવનમાં હતા. આ દરમ્યાન રાધા સાથેનો પ્રેમ અને સુરદાસજી અનુસાર તેણીની સાથે ગાંધર્વ વિવાહ એ બધા પ્રસંગો આપણી સંસ્કૃતીના પ્રેમ પ્રદર્શનના ન કહેવાય ? (આપણા ઇતિહાસકારો તો ‘રાધા’ના અસ્તિત્વ પર પણ સવાલો ઉઠાવે છે.)

શ્રીકૃષ્ણનું ભગવાનપણુ, અવતારપણુ, ભક્તિ, ગીતાજ્ઞાન વગેરે બધું જ ભુલી જઈને, યુવાનો, શ્રીકૃષ્ણના જીવનમાંથી એક આવો જ એક સુંદર દિવસ પસંદ કરી તેને ‘પ્રેમ દિવસ’ (વેલેન્ટાઈન ડે) તરીકે ઉજવે તો કેમ ?

જ્ઞાનપિપાસુઓને ટુંકમાં વાંચવું હોય તો બે લિન્ક નીચે મુજબ –

http://dailyjournalonline.com/news/local/the-origins-of-valentine-s-day/article_35b81352-94b5-11e3-9792-0019bb2963f4.html

http://ancienthistory.about.com/od/socialcustomsdailylife/a/010908Lupercal.htm

When all you’ve ever known lost,

મગજભાઈ નિરવની એક પોસ્ટ પર  Life of Pi નું ટ્રેઈલર જોયું. સ્ટીરીયો સાઊન્ડ અને ફોટોગ્રાફીની મજા આવી, પણ સ્ક્રીન પર આવતા વાક્યોમાં કંઈક ખૂંચ્યુ.

‘When all you’ve ever known lost,

Find your courage’

આપણે જીવન કઈ રીતે જીવીએ છીએ ?

જ્યારે બધું ગુમાવી દઈએ ત્યારબાદ ‘અંદર’ ફાંફા મારીએ છીએ ?

પેલી લોભામણી જાહેરાતોના આધારે વસ્તુ લેવા દોડી જઈએ અને પછી સેલ્સમેન, જાહેરખબરના એક ખૂણામાં ઝીણા અક્ષરોમાં છપાયેલા શબ્દો ‘Conditions apply’ ની યાદ અપાવે.

ભીંસ પડે ત્યારે ભગવાન પાસે દોડી જઈને ?

મારા સુરતી મિત્રની જેમ ‘અત્યારે ટાઈમ જ ક્યાં છે ?’ તમારી જેમ નવરા પડશું ત્યારે વિચારશું.

એવું ….. જ … છે.

થાકી-હારી પછી વિચારવા બેસીએ છીએ, ‘સાલું ! ક્યાં માર ખાધો ?’

વૈજ્ઞાનિકો કહી કહીને ઘરડા થઈ ગયા કે ભાઈ ! તમે તમારા મગજની ક્ષમતાનો એકાદ-બે ટકા જ ઉપયોગ કરો છો. એક કાર્ડીયાક સર્જને એવી પણ માહિતી આપી છે કે જીવન દરમ્યાન મનુષ્યને તેની હૃદયની કુલ કેપેસીટીના ૨૦ % ની જ જરુર છે, જ્યારે તમે હૃદયને ૮૦ % ટકા બગાડી નાખો, પછી જ હૃદય તમને બાયપાસની કે એટેકની ફરીયાદ કરે. તો પછી મગજની નકારાત્મકતા દુર કરી સકારાત્મક વિચારોથી અને હૃદયને પ્રેમથી ભરી દેવામાં ક્યાં વાંધો છે ?

યુવાન મિત્રોની મોટી મુશ્કેલી એ છે કે વડીલોએ કહ્યું એટલે જુની પેઢીના વાક્યો અને મેનેજમેન્ટ ગુરુ કહે એટલે બ્રહ્મવાક્ય. આ મિત્રોને રામાયણ વાંચવાની શિખામણ આપીએ તો કહે એ બધું હંબગ છે, મોરારીબાપુની પ્રતિષ્ઠા વધારવાનું સાધનમાત્ર છે, કૃષ્ણની બાળપણની વાતોમાં રસ નથી, ભાગવત કથાકારને સોંપી દીધું છે, પણ એમાંથી ઘણું નવુ મળી શકે તે શોધવાનો પ્રયત્ન કરવાની તત્પરતા દર્શાવવી નથી. એક સાદો દાખલો – કૃષ્ણની બાળલીલામાં, કૃષ્ણ મથુરા દુધ વેચવા જતી ગોપીઓની મટુકીઓ મિત્રોની સાથે મળીને ફોડી નાખતા એવી વાત આવે છે. કૃષ્ણભક્તો તેને બાળલીલા કહી ફકત ગુણગાન ગાશે, પણ એને ગોકુળના દુધનો મથુરામાં થતો ‘એક્સપોર્ટ’ અટકાવવાનો પ્રયત્ન ન કહી શકાય ? (આજે ગામડાઓમાં દુધ મળતું નથી કારણ કે ‘ડેરી’ માં ભરાય છે, લોકશાહી છે ભાઈ !). કૃષ્ણની ગોકુળના બાળકોને પુરતું દુધ મળી રહે એ માટે મટકી ફોડવાની ક્રિયાને એક્સપોર્ટ અટકાવવાની ચાલ તરીકે તર્કબધ્ધ ન કરી શકાય. મિત્રો સાથે લોકોના ઘરમાં ઘુસી જઈને ‘સ્ટોર’ કરેલું માખણ ખાવાની ક્રિયાને ‘વહેચીને ખાવ’ એવો સંદેશ ન ગણી શકાય ? એવું માનતા નહી કે ‘બ્રાહ્મણ’ છું એટલે ‘ગોર મહારાજ’ બની ધર્મગ્રંથોની વકીલાત કરું છૂં, પણ ધર્મગ્રંથોને નવી નજરે જોવાનો પ્રયત્ન કરવાનું સુચન કરું છું. આમ તો તમારી આસપાસના જીવનને પણ ઝીણવટથી  જોવાનો પ્રયત્ન કરશો ધર્મગ્રંથો સુધી જવાની જરુર નહી પડે. ફક્ત મગજની ક્ષમતા તમારી કલ્પના બહારની છે એટલું યાદ રાખી, આસપાસ જે કંઈ બની રહું છે તેનું પ્રોસેસીંગ કરતા રહો, જ્યારે એમ લાગે કે CPU બહુ ગરમ થઈ ગયું છે, ત્યારે ‘વીકએન્ડ’ લઈ કુદરતના ખોળે જતા રહો. જીવનશક્તિ ફરી ભરાય જશે. જેમ વીડીયો ગેમવાળાના હીરો અમુક વસ્તુ ગ્રહણ કરી લે તો ‘એનર્જી લેવલ’ વધી જાય છે તેમ પ્રકૃતિની પાસે જતાં જ તમારું ‘એનર્જી લેવલ’ વધી જશે.

‘Life of Pi’ ના ટ્રેઈલરના અન્ય શબ્દો –

When all you’ve ever known lost,

Find your courage

A Life of adventure

A Life of hope

A Life of friendship

કશું ગુમાવ્યા વગર જીવનમાં શક્તિ, સાહસ, આશા, મિત્રતા મેળવવાનો પ્રયત્ન શું ખોટો ?

જતાં જતાં ગંગાસતી જેવી ગ્રમ્ય નારીના શબ્દો –

મેલી દો અંતરનું માન;

આળસ મેલીને આવો મેદાનમાં …..

અંતરમાંથી જેણે મર્યાદા ત્યાગી રે,

અટકે નહિ જગત વહેવાર રે …

(આજની પોસ્ટ યુવા મિત્રોને સમર્પિત)