પ્રેમનું પરિમાણ –

‘મારો પ્રેમ સાગર જેટલો ઊંડો છે’ કે પછી ‘આકાશના સીતારા જેટલો અસિમીત છે’ જેવા પ્રેમીજનોના કેટલાય ‘સુવાક્યો’ વારંવાર સાંભળવા મળે છે. હવે પ્રેમનું ક્વોન્ટીટેટીવ માપ તો મળતું નથી પણ સાબિતીઓ મેળવી શકાય તેમ છે. ઉપરના વાક્યો તો ‘પટાવવા’ માટે ઠીક છે, પણ ખરેખર પ્રેમ છે કે કેમ તેની ખાત્રી કેવી રીતે થાય ? પ્રેમમાં ‘ત્યાગ’ હોવો જોઈએ એવું પણ કહેવાય છે. માની લઈએ કે ‘જતું કરવું’ પ્રેમીજનને ગમતું હોય અને પોતાને પણ ગમતું હોય છતાં પ્રેમીજનને આપવું, એને ત્યાગ કહીએ. પણ એવું ન બને કે આ ‘ત્યાગ’ પ્રેમીજનને ખુશ કરવા કર્યો હોય ? એક આડવાત કરી દઊં – ઘણા લોકો પ્રેમીજનના મૃત્યુ બાદ એને ભાવતી વસ્તુનો, પોતાને ભાવતી હોય તો પણ તે ખાતા નથી. આમાં કંઈક ‘ત્યાગ’ દ્રષ્ટિમાન થાય છે. પણ સામાન્ય સંજોગોમાં પ્રેમની સાબિતી જોઈતી હોય તો શું ? જો કે પ્રેમ અનુભુતિની વાત છે, અનુભવી શકાય વર્ણવી ન શકાય.

હમણાનાં એક પ્રસંગે મને પ્રેમની સાબિતીની ઝલક દેખાડી – લાકડીના ટેકે ચાલતી નાની પોતાના દોહિત્રની પસંદના ડ્રેસ માટે ઉનાળાની ભરબપોરે રેડીમેઈડની દુકાને દુકાને રખડે અને શોધી કાઢે – એને શું કહેવું ? દોહીત્રના ચહેરા પરની ખુશીની એક ઝલક અને એક પ્રેમભર્યું આલિંગન, નાની માટે સ્વર્ગ મળ્યાની ખુશીનો અહેસાસ કરાવે. પ્રેમ માટે ‘ત્યાગ’ કરતાં આવો ‘જાતનો ઘસારો’ એ વધારે અગત્યનો નથી લાગતો ? જરાક જાતને પુછી જુઓ તમે તમારા પ્રેમીજન માટે કેટલું ‘ઘસાયા’ ? અને તે પણ કોઈ અપેક્ષા વગર. પતિ માને કે હું નોકરી કરીને પૈસા લઈ આવું તે મારી ‘જાત’નો ઘસારો જ છે ને ! મારા કુટુંબ માટે જ છે ને ! ખરેખર એવું છે ? નોકરી કે ધંધો કરવાના કારણો તપાસવા જઈએ તો પાના ભરાય જાય એટલા કારણો મળે, એમાં કુટુંબ માટેનો પ્રેમ જરાક જેટલો જ મળે.

ટુંકમાં ‘અપેક્ષા વગર, પ્રેમીજન માટે પોતાની જાતનો ઘસારો એ પ્રેમની એક સાબિતી છે.’

 

5 comments on “પ્રેમનું પરિમાણ –

  1. Vinod R. Patel કહે છે:

    વસંત પ્રેમની ઋતુ કહેવાય છે.વસંત અને વેલેન્ટાઇન ડે સાથે આવે છે એ કેટલું સૂચક છે !વસંત એટલે પ્રકૃતીનું યૌવન .વેલેન્ટાઇન ડે એટલે યુવાનીની વસંત .

    પ્રેમ શુ છે ? એ વિશેની મારી એક અછાંદસ રચનામાંથી કેટલીક પંક્તિઓ

    પ્રેમ કહેવાની નહી પણ અનુભૂતિની વાત છે,
    પ્રેમમાં પડવાનું નહી, ઊભા થવાનું હોય છે,
    પ્રેમમાં પંખી જેમ ગગનમાં ઉડવાનું હોય છે,
    પ્રેમ દિલના દર્દોની એક અકસીર દવા છે,
    પ્રેમ વશ થઇ બહેની વીરાને રાખી બાંધે છે,
    પતિ-પત્નીનો પ્રેમ સંસારનો સાચો પાયો છે,
    દેશ પ્રેમ માટે જવાનો બલિદાનો આપે છે,
    પ્રેમાંધ સંત સાપને રસ્સી માની છેતરાય છે,
    મોહન ઘેલી મીરાંનો પ્રેમ કેવો અદભૂત છે!
    રસોઈમાં જેમ નમક એમ જીવનમાં પ્રેમ છે,
    જેણે પ્રેમ કર્યો નથી એનું જીવન બેકાર છે !

    Liked by 1 person

    • jagdish48 કહે છે:

      અનુભુતિની વાત સાવ સાચી. પણ ‘પ્રેમાંધ સંત સાપને રસ્સી માની છેતરાય છે,’ બરાબર સમજાઈ નહીં.

      Like

      • Vinod R. Patel કહે છે:

        એવી એક લોકકથા છે કે પોતાની પત્નીને મળવા માટે મોહાંધ તુલસીદાસે મગરને લાકડું માનીને નદી પાર કરવા ઝંપલાવ્યું હતું અને સાપને દોરડું માનીને તેની પત્નિના ઘરના ઉપરના મજલે સાપને પકડીને ચડી ગયા હતા.
        આમ આ વાત તુલસીદાસની પ્રેમાંધ દશા બતાવે છે.
        ફીલ્મોનો પ્રેમ જેમ બનાવટી હોય છે તેમ આવી કથાઓ પણ બનાવટી હોઈ શકે છે !

        એક હાઈકુ ..
        પ્રેમનો પંથ,
        કાંટાળો ,પણ પ્રેમી,
        પસંદ કરે

        Liked by 1 person

  2. નિરવ કહે છે:

    અપેક્ષાથી પર પ્રેમમાં પણ એક અપેક્ષા તો નિહિત હોય જ છે કે મારો પડઘો પણ ક્યારેક પડશે !

    મારા મતે પ્રેમ એટલે શું એ તો ખબર નથી પણ તેના પાયામાં સંવેદન , સન્માન અને જવાબદારી તો હોવી જ ઘટે . . પછી જે ઉગી નીકળે તેનો છાંયો અને વિસામો અવર્ણીય જ હોય .

    Liked by 1 person

    • jagdish48 કહે છે:

      નિરવ,
      જ્યારે પ્રેમના પડઘાની અપેક્ષા હોય ત્યારે તેને ‘પ્રેમ’ કહેવો કે કેમ ? મા-બાળકવચ્ચે, જ્યારે માને વિચાર આવે કે ‘મારા ઘડપણની લાકડી’ બનશે ત્યારે તે ‘વ્યવહાર’ થઈ જાય. સંવેદનાની વાત સાચી. સાર્ત્રની પ્રેમની વ્યાખ્યા વાંચેલી – પ્રેમ એટલે, એકબીજામાં’ અસ્તિત્વ’ને ઓગાળી દેવું, એ છે.

      Liked by 1 person

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?