નરેન્દ્ર મોદીએ આયુર્વેદ અંગેની એક કોન્ફરન્સમાં ભાષણ આપતા વૈદ્યરાજોને ફટકો મારતા એક રમુજી ટુચકો કહ્યો – એક હોટેલમાં એક ભાઈ લંચ માટે ગયા, જમવાનું ખરાબ હતું, આથી તેણે વેઈટરને બોલાવ્યો અને કહ્યું તારા મેનેજરને બોલાવ, વેઈટરે જવાબ આપ્યો – ‘સામેની હોટેલમાં જમવા ગયા છે.’ (વૈદ્યરાજોને જ આયુર્વેદમાં શ્રધ્ધા ન હોય તો દર્દીને ક્યાંથી હોય ?). જો કે આપણી મુળ વાત જુદી છે. જે તે હોટેલના મેનેજરના, ગ્રાહકને જમવાનું અલગ અને પોતાનું જમવાનું અલગ એવા બેવડા ધોરણ હતા. પ્રત્યેક વ્યક્તિ આવું જ કરતી હોય છે. મારે તમને સલાહ આપવાની હોય તો અલગ અને મારે પોતાને એ જ કાર્ય કરવાનું હોય તો અલગ. તમારા અને મારા માટેના ધોરણો અલગ. માતા-પિતા સ્વયં પુત્રની નબળાઈઓ વિષે ચોક્કસ માન્યતા ધરાવતા હોય, પણ તમે જો પુત્રની નબળાઈ વિષે ઉચ્ચારણ કરો તો તુરત જ તેના બચાવ પક્ષમાં દલીલો શરુ કરી દે. કામચોર પતિ માટે પત્ની પોતે જ ક્યારેક જાહેરમાં કહેતી ફરતી હોય પણ તમે જો પતિને કામચોર કહો તો તેના બચાવમાં જાત જાતની કેફિયતો રજુ કરી દે.
મને લાગે છે કે આ કદાચ અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનો દ્વંદ છે. ધારો કે મેં મારી અપેક્ષા મુજબના, મારા વ્યક્તિત્વના ચોક્કસ પેરામીટર્સ નક્કી કર્યા હોય અને વાસ્તવિકતા કંઈક જુદી હોય ત્યારે હું મારી અપેક્ષાને વળગી રહી, વાસ્તવિક પરિસ્થિતિને બચાવનો પ્રયત્ન કરું છું.
સ્વયંથી શરુ થતું આ સર્કલ ધીમે ધીમે મોટું થતું જાય. પ્રથમ તું ‘હું’. મારું પોતાનું એક સર્કલ. મારા કેટલાક ધોરણો મારા માટે અને એ જ કાર્યો માટે તમારા માટે અલગ ધોરણો. બીજું સર્કલ ‘હું અને મારા (કુટુંબીઓ)’. મારો પુત્ર બીજી જ્ઞાતિની છોકરી સાથે લવમેરેજ કરે તો ‘પ્રેમ’ કર્યો કહેવાય અને તમારો પુત્ર પરજ્ઞાતિમાં લગ્ન કરે તો કુટુંબનું નામ બોળ્યું કહેવાય. આવી જ રીતે આગળ સમાજ, શહેર, દેશના સર્કલો દોરાતા જાય. ભારતમાં એક બળાત્કારનો કિસ્સો ચગે તો ભારતની પ્રજા બાયલી/નમાલી અને અમેરીકામાં હજારગણા વધારે કિસ્સા બને તો પણ અમેરીકા પ્રગતિશીલ (આવું એનઆરઆઈના બ્લોગ પર લખાય છે.)

With thanks from – http://www.funnyjunk.com/funny_pictures/2697864/Oh/
પણ આ બધામાં જોઈએ તો એક જ મુદ્દો છે – મારી અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો દ્વંદ. મારો પુત્ર જ્ઞાતિમાં લગ્ન કરે એવી મારી અપેક્ષા હોય પણ જ્યારે વાસ્તવિક જુદું બને ત્યારે તેની સ્વીકૃતિ થતી નથી, છતાંય ‘મારું’ છે માટે બચાવ કરવો પડે છે, બચાવની દલીલો શોધવી પડે, જસ્ટીફાય કરવું પડે. અહી મન પર ભાર તો આવે છે, સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે, ભવિષ્યમાં કંઈક પ્રશ્ન થશે એવો ભય પણ ઉભો થાય છે, પણ તટસ્થ રહેવાતું નથી.
નોકરીમાં ટુર કરતી વખતે જે ખર્ચ કમ્પની નથી આપતી તેના રીઈમ્બર્સમેન્ટ માટે અન્ય રીતે પ્રયત્ન કરીએ, પણ જો સબોર્ડીનેટ એવું કરે તો તેના પર એક્શન લઈએ. આવા બેવડા ધોરણોના કારણે મગજ પર સતત સ્ટ્રેસ અને ભય તોળાતો રહેતો હોય છે. જાગૃત મનમાં તેની નોંધ થોડા સમયમાં ભુસાય જાય, પણ અજાગૃત મનમાં તેની યાદ હંમેશા રહેતી હોય છે.
જો પ્રયત્નો કરીને પણ એક ધોરણ જાળવીએ, તટસ્થતા કેળવી શકીએ,તો જીવન સરળ બની જાય.
કદાચ બહુ અઘરું નથી……….
સરસ મનનીય લેખ
LikeLike
” જો પ્રયત્નો કરીને પણ એક ધોરણ જાળવીએ, તટસ્થતા કેળવી શકીએ,તો જીવન સરળ બની જાય.” -સહી કહા .
વાત મુદ્દાની અને “સો ટકા” સાચી ! આ વ્યવસ્થા “દ્વંદ્વ-ગત” કુદરતી જ છે , પહેલાં “હું”-મારો સ્વાર્થ , આને અતિક્રમી
પાર ઉતરવું , એ અંગત આધ્યાત્મિકતાનું લેવલ કેટ્લું ઊંંચુ છે ? અને સાધના-તપસ્યા ની કક્ષાની અંતર ની આરત -પ્યાસ =ઝંખના ની તીવ્રતા અને માત્રા પર બધો આધાર છે . કાળક્રમે નિયમિત આતમ-નિરીક્ષણ અને સ્વ-સુધાર ની પ્રક્રિયામાંથી ” કરી ગુજરવાની જરુર” ,મહાવરાથી જાત-કેળવણી શક્ય બની શકે .અંગત-નીજી અભિરુચિ-રસનો વિષય છે.
આભાર .
LikeLike