Better late than …

લગભગ એકાદ મહીને ફરી નેટ પર આવ્યો, આથી સૌ પ્રથમ, નેટ મિત્રોને નુતન વર્ષના અભિનંદન પાઠવી દઊં. આદર્શ પરિસ્થિતિમાં તો એવું કહેવાય છે કે આપણી રોજની સવાર ઇશ્વરે બક્ષેલી એક નવી જીંદગી છે, જીવશાસ્ત્રની દ્રષ્ટિએ પણ શરીર પોતાની રીતે રાત્રિ દરમ્યાન, દિવસ દરમ્યાન આપણે તેના પર ગુજારેલા અત્યાચારોની માફી આપીને, પોતાની રીતે યોગ્ય રીપેરીંગ/રીનોવેશન કરી લે છે. આમ કંઈક ‘નવું’ તો છે, પણ આપણી સ્મૃતિ, આગલા દિવસો સાથે ફરી જોડી દઈને આપણને ‘જુના’ બનાવી દે છે. સ્વાધ્યાય પરીવાર આપણને સવારમાં ‘સ્મૃતિદાન’ કરવા ઇશ્વરનો આભાર વ્યક્ત કરવા સમજાવે છે. સામે પક્ષે જીવનની વાસ્તવિકતાના ચિત્કાર સાથે નાઝીર દેખૈયાના શબ્દોને સુર આપતા મનહર ઉધાસનો મધુર અવાજ સંભળાય –

‘ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો,

જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો. ……….’

જવા દો ! ગગનવાસીની ધરા પર આ બધુ ચાલતું રહેશે, પણ યુવા મિત્રોને વડીલ તરીકે એક સલાહ આપવાની ઇચ્છા રોકી શકાતી નથી (મફત મળે છે, લઈ લો !)

લગભગ ૨૫ વર્ષની વયથી યુવાનો જીવનમાં કંઈક કરી દેખાડવાની, કેરીયરને ટોચ પર લઈ જવાની, સમાજમાં અલગ છાપ ઉપસાવવાની મથામણમાં ચાલીસી સુધી પહોંચી જાય છે. અત્યાર સુધી પોતાના શરીર પર ધ્યાન અપાયું હોતું નથી. (અહીં બાહ્ય શરીરની વાત નથી, એના પર તો ઘણા ‘ક્રીમ’ લાગી ચુક્યા હોય છે, ડાયેટીંગના નામે ઘણા ન્યુટ્રીશનલ પદાર્થો તરછોડાયેલા હોય). સમયનો અભાવ, અનિયમિત ભોજન, થોડાક અંશે જીભના ચટકા અને થોડીક મજબુરી, સતત સ્ટ્રેસ, આ બધાના કારણે અજાણપણે પગદંડો જમાવતા રોગના પદાર્પણ થઈ ગયા હોય છે. શરુઆત એસીડીટીથી થઈ જાય. આ નાનોસુનો લાગતો રોગ બીજા ઘણા રોગોનું મુળ છે. શરીરની ઘણી બધી સીસ્ટમોને ખોરવી નાખતો રોગ છે. આપણે રોગોની ચર્ચા નથી કરવી, પણ મોર્નિંગ વોક પર જતાં ૯૦ % સીનીયર સીટીઝનો જ નજરે પડે છે. અહીં જ યુવામિત્રો કંઈક ભુલે છે. એટલીસ્ટ ચાલીસી વટાવ્યા પછીની ઢળતી યુવાનીવાળા પણ નજરે પડવા જોઈએ. રામદેવજીનું નામ સાંભળી નાકનું ટીચકું ચડાવ્યા સિવાય તેમણે સમજાવેલી સુક્ષ્મ વ્યાયામની ક્રિયાઓ પણ કરવી જોઈએ. રામદેવજીની એલર્જી હોય તો પ્રાથમીક સ્કુલમાં પીટીના પીરીયડમાં શીખવાડેલી સામાન્ય કસરતો પણ કરી શકાય. આ બધું ફક્ત અડધા કલાકનું થાય તો પણ વાંધો નથી, પાછળથી ઘણી ગોળીઓ ગળવામાંથી છુટકારો મળશે. સવારે પથારી છોડતા પહેલાં અન્યુઝવલ સ્ટ્રેચીંગ – શરીર સામાન્ય પરિસ્થિતિમાં નથી કરવાનું તેવા – કરશો તો પણ, શરીરનું સ્નાયુતંત્ર સારું રહેશે.

અને …. ખાવા-પીવામાં પણ જીભને નહીં પણ શરીરને ધ્યાનમાં રાખીને ટેવ પાડશો તો બુઢાપામાં ડાયનીંગ ટેબલ પર ‘ચાલશે, ફાવશે’ માં વાંધો નહી આવે.

ટુંકમાં મારે તમને ‘મુઝ વીતી તુઝ વિતશે, ધીરી બાપુડીયા..’ એવું નથી કહેવું પણ હજુ મોડું થયું નથી, Better late than never…..

ચાલો, કાલે મોર્નીંગ વોકમાં મળશું…. (આ લેખ વાંચી અસર થાય તો કાલે તમારા મનમાં તો સાથે હોઈશ ને !…)

4 comments on “Better late than …

  1. yuvrajjadeja કહે છે:

    વેલ સેઇડ જગદીશ અંકલ… વ્યાયામનું જીવનમાં દરેક ઉંમરે સ્થાન હોવું જ જોઈએ. અને ખાસ તો બાળપણમાં ! યુવાનીમાં વ્યાયામની આદત ત્યારે જ સરળતાથી પડી શકે જયારે બાળપણ રમતા રમતા વીત્યું હોય. આજકાલના બાળકો માટે આ યક્ષ પ્રશ્ન છે…

    Like

  2. Hiranya કહે છે:

    New day, New Life; નવો દિવસ, નવું જીવન; અને ફેલું સુખ તે જાતે નર્યા.. વિક્રમ સંવત 2071 ની શુભેચ્છાઓ…

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?