યે તેરા ઘર …..

નવા વર્ષની શુભેચ્છાઓ….

ધરતીનો છેડો ઘર તો વર્ષોથી સાંભળતા આવીએ છીએ, અને ખરેખર ક્યાંયથી પણ પાછા ઘેર પહોંચીએ ત્યારે ‘હાશ’ થાય છે એ પણ હકીકત છે. દરેકની મનસા પણ ‘પોતાનું’ ઘર બનાવવાની હોય છે. યુવાનોને સલાહ પણ છે કે ચાલીસી વટાવ્યા પહેલાં પોતાના ઘરની વ્યવસ્થા વિચારી લેવી.

પણ આજે House ની નહીં ‘Home’ ની વાત કરવી છે. આજે સ્વ. ફારુકશેખને અંજલી આપતાં ‘સાથ સાથ’ જોયું.

ફીલ્મની શરુઆત ખુબ ‘ટચી’ રહી. એક યુવાનની દુનીયા સાથે લડવાની, પોતાના વિચારો પર કાયમ રહેવાની ખુમારી જોઈ ખુ્બ આનંદ થયો. આજે વડીલો પણ યુવાનોને આ જ સલાહ આપતા હોય છે અને તે પણ એવું કહીને કે ‘અમે તો અમારું ધાર્યું ન કરી શક્યા, પણ તમે તો કરી શકો તેમ છો’

મને પણ આવી સલાહ આપવાનું મન થઈ જાય. (મફતમાં આપવાનું સૌને ગમે છે… મને પણ..) પણ મારા જીવનની ફ્લેશબેકમાં જતાં લાગે છે કે મેં પણ આવા જ સપના સેવ્યા હતા, પણ જ્યારે પ્રેકટીકલ થવની વાત આવે ત્યારે સપના, ‘સપનામાં’ જ રહી જાય, બાંધછોડ કરવી પડે છે એ પણ હકીકત છે. ન કરીએ ત્યારે ઘણું સહન પણ કરવાનું આવે છે, જે મેં નોકરી દરમ્યાન અનુભવ્યું પણ છે. વડીલો એમ પણ સલાહ આપે કે ‘જમાના સાથે ઉભા રહેવાની તાકાત કેળવવી જોઈએ, પોતાની જરુરીયાતો ઘટાડવી જોઈએ’ પણ કઈ જરુરીયાત ઘટાડવી એનું કોઈ માર્ગદર્શન કરે છે ? જરુરી એવા ફોન કોલ કરો તો પણ મહીનાના ૬૦૦-૭૦૦ રુપીયા મોબાઈલ બીલ આવે, દુનીયા સાથે જોડાયેલ રહેવા છાપા વાંચીએ તો મહીને ૧૦૦-૨૦૦ રુપીયાનું બીલ આવે, ઇન્ટરનેટ વાપરો ૬૦૦-૭૦૦ રુપીયા એના જોડો, નોકરી કરવા જવાના ટ્રાન્સપોર્ટેશનના ૧૫૦૦-૨૦૦૦ હજાર જોડો…. કઈ જરુરીયાત ઘટાડવી ? દુનીયા સાથે નાતો છોડવો ?

દાદા ભગવાનનો એક મુદ્દો યાદ આવે છે… ‘એડજસ્ટ એવરીવ્હેર’. આપણે તેનો અર્થ એ કરવાનો રહે કે ‘હું જ્યાં કામ કરૂં છું એ વાતાવરણને ‘એડજસ્ટ’ થવાનું’. દાદા ભગવાન પણ વેપાર કરતાં કરતાં પોતાનો ધર્મ નીભાવતા હતા. ધર્મ વિષે આજે એક સરસ વાક્ય સાંભળ્યું – ધર્મની વ્યાખ્યા સાર્વજનીક ન કરી શકાય, દરેકને પોતાનો ધર્મ હોય છે, હોવો જોઈએ.’

આપણે પણ આપણો ‘ધર્મ’ નક્કી કરી લેવો જોઈએ અને જ્યાં પણ ‘એડજસ્ટ’ થવાનું આવે ત્યાં આપણા નક્કી કરેલા ધર્મની મર્યાદામાં રહી ને એડજસ્ટ થવાનું રહે. આ મર્યાદા બહારનું કામ નકારવું જોઈએ. શક્ય છે સહન કરવાનું આવે પણ આપના મનને-આત્માને ધર્મ અનુસર્યાનો આનંદ તો પ્રાપ્ત થાય છે એ વાસ્તવિક છે અને જીવન જીવવાનું બળ મળે છે. ‘એડજસ્ટ’ થયાનો સમય પસાર થયા બાદ પણ ‘પોતાનું’ જીવન જીવ્યાનો આનંદ રહે છે.

વર્ષો પહેલાં શ્રી પી.જી. માવલંકરના સફળ ઉદ્યોગપતિ ભાઈના (નામ ભુલી ગયો છું… સોરી !) ભારતમાં ઉદ્યોગ સ્થાપનાના અનુભવોના અંગ્રેજી પુસ્તકના ગુજરાતીકરણના પ્રકાશનની જવાબદારી નિભાવી હતી ત્યારે તેમના અનુભવો ખરેખર પ્રેરણાદાયી લાગ્યા. પરદેશથી આવી તેમણે જ્યારે અમદાવાદમાં ઉદ્યોગ સ્થાપ્યો ત્યારે એમની પ્રોડક્ટના ભાવ ભારતના બજારભાવ કરતા ખુબ નીચા હતા, પણ તેમણે પોતાની પડતર કીંમત પર ચોક્કસ નફો (ફીક્સ્ડ પ્રોફીટ) લઈને પ્રોડક્ટ વેંચવાનું નક્કી કરેલું, ભલે બજાર ભાવ વધુ હોય અને એ પ્રમાણે વધારાનો નફો પણ મફતમાં મળતો હોય. તેમની પ્રોડક્ટ બજાર કરતા સસ્તી મળતી, લોકો શંકા પણ કરતા કે, કંઈ ક્વોલીટીમાં તો ઘાલમેલ નહી હોય ને ? પણ ધીમે ધીમે લોકોને વાસ્તવીકતા સમજાણી અને ધંધાનો ખુબ વિકાસ થયો. તેમણે પોતાનો ‘ફીક્સ્ડ પ્રોફીટ’ લેવાનો ધર્મ નીભાવ્યો અને સફળતા મેળવી. આમ જો આપણે આપણો ‘ધર્મ’, બાઊન્ડરીઓ નક્કી કરી જીવીએ તો જીવન જીવવાનો આનંદ અને સફળતા (ભલે વહેલામોડી..) જરુરથી મળે છે.

આ મફત સલાહમાં તથ્ય લાગે છે ?

યુવાનોને ફરી સલાહ – ચાલીશ વર્ષ સુધીમાં ‘Home’ બનાવજો, ‘House’ નહીં, અને વધારે અગત્યનું એ કે તેને જાળવી રાખજો, નહીંતર ‘સાથ સાથ’ની હીરોઈન જેમ તમારી ‘દીપ્તી નવલ’ ઘર છોડવા મજબુર ન બની જાય….

4 comments on “યે તેરા ઘર …..

  1. ફારુક શેખ’ને પડદા પર જોવા હંમેશા ગમતા . . . એક તરીકે તેઓ ગજબનાક ગમતીલા લાગતા . . .

    ‘ ઘર ‘ વિશેની વાત જરૂર ધ્યાનમાં રખાશે અને એડજસ્ટમેન્ટ વાળી વાત પણ .

    Like

  2. Vinod R. Patel કહે છે:

    આ કેવો સંજોગ કે આ સાથ સાથ મુવી મેં ગઈકાલે રાત્રેજ જોયું।

    ફારુખશેખના અવસાન બાદ હમણા હું પણ દીપ્તિ નવલ સાથે અભિનીત એના કેટલાક જુના મુવી

    જોઈ રહ્યો છું .

    સાથ સાથ મુવી મને પણ ખુબ ગમ્યું . એનો સંદેશ સરસ છે જેનું તમે બખૂબી દર્શન કરાવ્યું છે

    આ જોડીનું મોટી ઉંમરે અભિનય કરેલ અને ફારુખનું છેલ્લું મુવી “અમાયા “પણ જોવા જેવું છે .

    આ મુવીમાં એક વિધવા માતા-દીપ્તિ અને એની આધુનિક વિચારની દીકરી અને એક વિધુર-ફારુખ

    વચ્ચે લાગણીઓ-સંબંધોનું સરસ નિરૂપણ જોવા મળે છે .ગેર સમજ દુર થતા સંબંધોનો સેતુ

    રચાય છે . એ પણ જોવા જેવું છે .

    આવા એક અદના અદાકાર ફારુખ શેખને શ્રધાંજલિ .

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?