વિજ્ઞાન – આશિર્વાદ કે શાપ ?

 

નવરાત્રી ચાલે છે અને વરસાદ થંભવાનું નામ લેતો નથી. શ્રાવણના સરવરિયા અને ભાદરવાના તાપ ભુલાઈ ગયા છે. ૠતુચક્ર બદલાઈ રહ્યું છે. કદાચ ભવિષ્યમાં શિયાળો, ઉનાળો, ચોમાસું એવું બાળકોને ભણવું જ નહીં પડે. કવિઓ માટે વસંતના વાયરા પણ ભુલાય જશે. ખેતી ગ્રીન હાઊસમાં જ થતી હશે. બાયોટેકનોલોજી એવા શાકભાજી બનાવશે કે જેને ગેસ પર પકાવવાની જરુર જ નહી રહે, સીધા, સમારી, મસાલો ભભરાવીને થાળીમાં પિરસી દેવાનું, રોટલીના બદલે એવા મશરુમ બનશે કે તવા-તાવડીની જરુર જ નહીં રહે. આગળ જઈને ફક્ત ગોળી જ ગળવાની અને એથીય આગળ વધીએ તો ‘કોઈ મીલ ગયા’ ફીલ્મના ‘જાદુ’ની જેમ સુર્યશક્તિની જ જરુર.

Science

હવે જો બધું આવું જ બને તો માણસની શી જરુર છે ? મશીન જ બની જઈએ. જે પાર્ટસ જુના થાય તે બદલતા રહેવાનું. જીવન-મરણના ફેરામાંથી મુ્ક્તિ. ધર્મથી – ધર્મગુરુઓથી મુક્તિ, સગા કે સંબંધોમાંથી પણ મુક્તિ.

આપણે અત્યારે વિજ્ઞાનને આશરે જીવીએ છીએ, કારણ કે ખુદનો ‘આશરો’ બનાવી શક્યા નથી. સવારના ‘દાતણ’ (એટલે કે બ્રશ :-)) થી માંડીને રાત્રે સુતી વખતે મેમરી ફોમનું ‘ગાદલું’ અને ઠંડક માટે એસીના સહારે સુઈ જવાનું અને છતાં પણ નીંદર ન આવે તો એક ગોળી ગળી લેવાની. ટુંકમાં વિજ્ઞાન આપણને અજગરની જેમ ગળી ગયું છે. વિજ્ઞાનની વ્યાખ્યા કરવાનું ભુલી ગયા છીએ. બાળકોની જેમ ! મા-બાપ જેમ નચાવે તેમ નાચવાનું, અને મોટા થઈને ….. વિજ્ઞાન જેમ નચાવે તેમ નાચવાનું … કોઈ ફરક નથી. નાનું બાળક પોતે શા માટે નાચે છે તે જાણતું નથી તેમ બે-પાંચ વૈજ્ઞાનિકો સંશોધનો કરી ટીવી, કોમ્પ્યુટર આપણા હાથમાં પકડાવી દે અને આપણે તેને લઈને બાળકની જેમ નાચ્યા કરવાનું.

મને લાગે છે કે વિજ્ઞાન શું છે તે સમજવાનો આપણે પ્રયત્ન જ નથી કર્યો અને તેથી જ આસ્તિક-નાસ્તિકની, આધ્યાત્મની, રેશનાલીઝમની, જુની-નવી પેઢીની, ચણભણો ચાલ્યા કરે છે. જો વિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીએ તો એ અજગરને કાબુમાં લાવવાનો પ્રયત્ન કરી શકીએ. ક્યાંક વિજ્ઞાનની એક સાદી વ્યાખ્યા વાંચેલી – ‘વિજ્ઞાન એ અનુભવોનું પધ્ધતિસરનું વર્ગીકરણ છે.’ (Science is said to be a systematic classification of experiences). આ વ્યાખ્યા પરિણામ દર્શાવે છે, હું તેમાં થોડું ઉમેરણ કરીશ – સૌ પ્રથમ તો આપણી જન્મજાત વૃતિ ‘કુતુહલ’ સવાલ ઉઠાવે આમ કેમ ? એ શોધવા આપણે પ્રયત્ન કરીએ, અનુભવો થાય, એ અનુભવોનું વર્ગીકરણ કરીએ, એમાંથી નિચોડ મેળવીએ, એ થયું વિજ્ઞાન. આમ ‘કુતુહલ’થી ઉઠેલો ‘સવાલ’ એ વિજ્ઞાનનું મુળ છે એ્વું તારણ પણ કાઢી શકાય. (જરુરીયાત એ શોધની માતા છે – એવું પણ કહેવાય છે.) હવે કુતુહલથી ઉઠેલા સવાલ પછી શરુ થાય – વિચારની પ્રક્રીયા, તાર્કીકીકરણ, વિશ્લેષણ, સંયોગીકરણ, સરખામણી  અને અંતે હાથ લાગે પરિણામ. બધાએ – ખાસ કરીને બુધ્ધીજીવીઓએ માની લીધું કે વિજ્ઞાનના કારણે જે ‘પરિણામ’ મળ્યું તે ‘સત્ય’. આ પરિણામને ‘સત્ય’ માનવાની ભુલ કરી ત્યારથી વિજ્ઞાન માથા પર સવાર થઈ ગયું. વૈજ્ઞાનિકો મહદ અંશે અગાઊની શોધો પરિણામોને ખોટા અથવા ફેરફાર, સાબીત કરતા જ રહે છે. આમ વિજ્ઞાનનું ‘સત્ય’ બદલાતું રહે છે.

વિજ્ઞાનની આ ‘સત્ય’ શોધવાની પધ્ધતિના પગલાઓ પણ જાણી લઈએ –

  • અ્વલોકન (Observation)
  • પૂર્વધારણા (Hypothesis)
  • પ્રયોગ (Experiment)
  • સિધ્ધાંત (Theory)
  • સાબિતી  (Proof)

સામાજીક વિકાસ (Civilization, સંસ્કૃતિ નહી) એ વિજ્ઞાનની આજસુધીની અગણિત શોધના પરિણામે છે. સામાન્ય ‘પૈડા’ની શોધે ઔદ્યોગીક પ્રગતિના પાયા નાખી દીધા. (માણસને તાણ – Stress માં જીવતો કરી દીધો.) ઇલેક્ટ્રિસીટીએ વિકાસની આંધી આણી, મેડીકલ વિજ્ઞાને માણસોને રોગમુક્ત બનાવ્યા (અને દવાઓની આડ અસરથી નવા રોગો પણ અસ્તિત્વમાં લાવી દીધા), એવરેજ લાઈફના વર્ષો વધારીને અને બર્થ રેઈટ ઘટાડી યુવાનોના દુનીયાને બદલે વૃદ્ધોની દુનીયા તરફ પ્રગતિ કરાવી, વિનાશક યુધ્ધ શસ્ત્રો બનાવી ‘પાવર’નું પ્રદર્શન કર્યું, સીમાઓ સ્થાપી વાડા ઉભા કર્યા. ઔદ્યોગીકરણ કરી માનવીની સામાન્ય જરુરીયાતોમાં રાહત આપી સામે પક્ષે વાતાવરણ દુષીત કર્યું. ફ્રીઓન ગેસનો ઉપયોગ કરી પરફ્યુમના ફુવારાથી તન-મનને તરબતર કર્યું પણ ઓઝોનના પ્રોટેક્ટીવ લેયરનો વિનાશ કર્યો……………

આવું તો ઘણુંબધું સારુંનરસું કાર્ય વિ્જ્ઞાને કર્યું અને હજુ કરતું જ રહે છે.

ધારો કે એવો સવાલ ઉઠાવીએ કે –

‘જો માનવી જંગલમાં આદીવાસી પરિસ્થિતિમાં જ જીવતો હોત તો વિજ્ઞાનને કારણે આજે ભય ઉભો થયો છે તે થાત ?’

આજે માનવી અટુલો થતો જાય છે, સંબંધોનું મહત્વ રહ્યું નથી, લગ્નસંસ્થા તુટી રહી છે, જે બધું આદીમાનવોમાં હતું જ. તો શું આપણે સેલફોન વાપરનારા આદિમાનવો બની રહ્યા છીએ ?

ઉદ્યોગ-ધંધામાં, નોકરીમાં, અરે … જીવનની પ્રત્યેક ઘડીએ ઉત્ક્રાંતિનો મુળભુત નિયમ – “Survival of the fittest” જો અત્યારે ચલણમાં હોય તો વિજ્ઞાનની શી જરુર ? ફરક ફક્ત એટલો કે આદીમાનવ પ્રકૃતિના સહારે ‘સ્વબળે’ જીવતો અને જીતતો, આજનો માનવ વિજ્ઞાનના બળે જીવશે. પણ જો વિજ્ઞાન ન હોત તો શું ? પ્રકૃતિ માનવ જાતને બચાવવાનો પ્રયાસ ન કરત ?

સવાલોનો અંત નથી. પણ વિચારવા જેવું તો ખરું !

હું ઇચ્છું કે મિત્રો, વિજ્ઞાનના આશિર્વાદ કે શાપના સંદર્ભમાં કંઈક જણાવે. આ પછીના પાના પર એક ટેબલ બનાવી મુકું છું. આપ કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય મુકજો, હું તેને ટેબલમાં મુકી દઈશ.

જોઈએ ! શું નિષ્કર્ષ આવે છે.

 

6 comments on “વિજ્ઞાન – આશિર્વાદ કે શાપ ?

  1. […] ‘વિજ્ઞાન – આશિર્વાદ કે શાપ ?’ વિજ્ઞાનને જાણવાનો પ્રયત્ન કર્યો. વિજ્ઞાન આશિર્વાદ છે કે શાપ એ અંગે આપનો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો. નીચેના ટેબલમાં હું મુકી આપીશ. આશિર્વાદ કે શાપ સિવાય પણ આપને જણાવવું હોય તો ત્રીજી કોલમ પણ છે જ. […]

    Like

  2. જ્યારથી માણસ ચિત્રવિચિત્ર તુક્કાઓ અને અવધારણા’ઓથી ઉપર ઉઠીને વિજ્ઞાન’માં વિશ્વાસ કરતો થયો છે અને તેને અનુસરતો થયો છે . . . ત્યારથી લઈને જો આજ સુધી વિચારીએ તો વિજ્ઞાન આશીર્વાદ જ છે ( કદાચિત એક પ્રશ્ન એ ઉદ્ભવે કે ‘ માણસજાત ‘ આશીર્વાદ છે કે શ્રાપ ? ) . . . કારણકે આખરે તો જ્યાં સુધી વિવેક અને સમજણ ટકશે ત્યાં સુધી વિજ્ઞાન સાથ દેશે અન્યથા સોથ વાળી દેશે . . .

    Like

  3. સુરેશ જાની કહે છે:

    વિજ્ઞાન/ અધ્યાત્મ કે કશાને ક્રેડિટ કે દોષ ન દઈ શકાય.
    એ બન્ને માટે જવાબદાર માનવ મન છે.

    Like

  4. babubhai કહે છે:

    siceance is very good till it is our slave and it is worst when we become slaveof it

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?