મૌલિક –

“આ મૌલિક વળી કોણ છે ?”

મારા પાડોશી નો પુત્ર છે. એમસીએ કરી પોતાનો કોમ્પ્યુટર સોફ્ટવેરનો બીઝનેશ કરે છે. જુની જાણીતી સોફ્ટવેર લેગ્વેઝીસ અને લોજીકના જાણીતા નિયમોનો ઉપયોગ કરી બનાવેલા એકાઊન્ટીંગ  સોફ્ટવેરનું વેચાણ કરે છે. મહેતાજી દ્વારા લખાયેલા હિસાબોમાં નફો-નુકશાન અને મૌલિકના સોફ્ટવેરથી તૈયાર થયેલા હિસાબોમાં પણ નફો-નુકશાન એક સરખા જ આવે છે પણ મૌલિક પોતાનું સોફ્ટવેર ‘મૌલિક’ છે એમ કહે છે.

આમાં, ગુજરાતી શબ્દ ‘મૌલિક’ની માથાકુટ કરવાની ઇચ્છા થઈ.

અંગ્રેજી-ગુજરાતી ભણતરની માથાકુટમાં ન ગુજરાતીના રહ્યા, ન અંગ્રેજી આવડ્યું (જો કે આજે લોકોને ભ્રમ હોય છે કે તેઓ અંગ્રેજી જાણે છે.) આથી પહેલાં તો ‘મૌલિક’નું ગુજરાતી શોધ્યું, બીજે ક્યા વળી ? ભગવત ગો મંડળની સાઈટ પર –

ઘણા અર્થ મળ્યા – કીમતી, મુલ્યવાન, અમુલ્ય, મોંઘું, મૂલસ્પર્શી, સ્વભાવિક મૂલગત સ્વયંપણિત, પોતાનું જ, ‘ઓરીજીનલ’, …..

કેટલાકના તો પાછા ગુજરાતી શોધવા પડે તેવા – સ્વયંપણિત – શું સમજવુ ?

(વધુ રેફરન્સ માટે ગુજરાતીલેક્સીકોનના શરણે પણ ગયો, ત્યાં પણ આ જ જવાબ)

પણ મારું કામ રળે એવું અંગ્રેજી, ‘ઓરીજીનલ’ પણ એક જવાબ પેઠે મળ્યું.

હવે કામ કર્યું અંગ્રેજી ‘Original’ નું ગુજરાતી શોધવાનું. જવાબ –

મૂળ, અસલનું, પ્રથમનું, પ્રારંભિક, તદ્દન શરુઆતનું, નવનિર્મિત, નવસર્જીત, સર્જનાત્મક, મૂળ કૃતિ,

વીકી મહારાજને ‘Oiginal’ નું પુંછ્યું – જવાબ મળ્યો …

“An original idea is one not thought up by another person beforehand. Sometimes two or more people can come up with the same idea independently.”

હવે સવાલ એ આવ્યો કે વીકીપેડીયા પ્રમાણે – ‘મૂળ વિચાર ને ઓરીજીનલ કહેવો.’ પણ …

ન્યુટનના  જન્મ પહેલા પણ સફરજન નીચે જ પડતા હતા અને કદાચ એણે ‘ગુરુત્વાકર્ષણ’નું કહ્યું ન હોત તો પણ સફરજન નીચે જ પડે. તો એમાં વળી નવું શું ? ગુરુત્વાકર્ષણ તો હતું જ. તો ન્યુટનને ગુરુત્વાકર્ષણનો મુળ વિચાર આવ્યો તેમ કહી શકાય ? કે પછી તેણે જે અસ્તિત્વમાં હતું તેને એક ‘નામ’ આપ્યું એમ કહેવાય ? હું આ ગુરુત્વાકર્ષણને ‘પ્રબળાકર્ષણ’ કહું તો ? મેં પણ તેને એક નામ આપ્યું કહેવાય ને ? પણ.. પણ.. તો ‘ઓરીજીનલ’ એટલે શું ?

કોઈ લેખક કે કવિ શબ્દોને આગળ-પાછળ, ઉપર-નીચે ગોઠવીને કંઈક લખે તો તે તેની ‘ઓરીજીનલ’ કૃતિ કહેવાય ? આમાં ભાષાના ‘શબ્દો’ તો મૂળ છે જ, ફક્ત તેની ગોઠવણ જુદી રીતે થઈ છે. જો આપણે સાહિત્યની ભાષામાં તારણ કાઢવું હોય તો એવું કાઢી શકાય કે ‘શબ્દોની ‘અભિવ્યક્તિ’ ઓરીજીનલ છે’ કે પછી બીજી રીતે કહીએ તો ‘શબ્દોની ગોઠવણને જોવાનો ‘દ્રષ્ટિકોણ’ અલગ છે.’

ભુમિતિના પ્રમેયની જેમ ઈતિ સિધ્ધમની જેમ સ્વીકારવું હોય તો “પદાર્થ એક જ હોય છે તેને જોવાની દ્રષ્ટિકોણ જુદો જુદો હોય તો દરેક દ્રષ્ટિકોણ ‘ઓરીજીનલ’ કહેવાય”.

ડ્રોઈંગના ક્લાસમાં થ્રી ડી ચિત્રો દોરતી વખતે જુદા જુદા એન્ગલથી દોરતા ચિત્રકારોની દરેકની કૃતિ ‘ઓરીજીનલ’ કહેવાય. ધારી લો કે એક જ એન્ગલ પર ઉભા રહેલા બે ચિત્રકારો ચિત્ર બનાવે તો ? બંને ચિત્રો એક સરખા જ આવે, તો શું એક ચિત્રકારે બીજાની નકલ કરી છે એમ કહેવાય ? ( વીકી મહારાજે સ્પષ્ટ કર્યું જ છે કે – Sometimes two or more people can come up with the same idea independently.)

મુળ મુદ્દે ‘ઓરીજીનલ’ એટલે એક અલગ દ્રષ્ટિકોણ થી નિહાળવું.

તમને થશે કે આ ઓરીજીનલની જફામાં પડવાનું કારણ ?

હમણા કેટલીક બ્લોગપોસ્ટ પર એવા સત્યો શોધાણા કે બ્લોગ રાઈટરો કોપી-પેસ્ટના ધંધામાં ડુબેલા છે.

હાસ્ય દરબાર પર ભરતભાઈને  પણ લખવું પડ્યું કે –

“એક જાહેર હિતમાં નિવેદન/એકરાર – મારી બધી જોકો – ક્યાંક ગુજરાતીમાં, ક્યાંક ઈંગ્લીશમાં વાંચેલી કે સાંભળેલી હોય છે, એ કે ય મારી બનાવેલી નથી.”

પણ ભાઈ ! બ્લોગરને જે કંઈ ગમ્યું, તે તેણે પોતાના શબ્દોમાં વ્યક્ત કર્યું તો એ અભિવ્યક્તિ ઓરીજીનલ માનવાનો ‘વિવેક’ દાખવીએ તો ખોટું શું ? તેણે કશીક મહેનત તો કરી છે. એની મહેનતની કદર ન કરી શકીએ તો કાંઈ નહી, પણ ટીકા તો ન કરીએ !

આજ સુધી ‘પાણી’ના દુષ્કાળની જાણ હતી પણ હવે ‘વિવેક’ના દુષ્કાળની પણ જાણ થઈ.

Advertisements

9 comments on “મૌલિક –

 1. સુરેશ કહે છે:

  આઈન્સ્ટાઈનના જન્મ પહેલા પણ સફરજન નીચે જ પડતા હતા — થોડોક વિગત દોષ. આ આઈઝેક ન્યુટનને લાગુ પડે છે.
  —————————————-
  કશું કદી મૌલિક હોતું જ નથી. સર્જનોની વાત જવા દો; આપણા જીવનની બધી સવલતો ( અર્થશાસ્ત્રની ભાષામાં જરૂરિયાતો, સગવડો અને મોજશોખની ચીજો ) હજારો/ લાખો અન્યોના પ્રદાનને કારણે આપણને મળતી હોય છે. એ માટે સદા કૃતજ્ઞતાનો ભાવ સેવવો જોઈએ.
  અને સર્જનો પણ અનુભવ / પ્રાપ્ત કરેલ જ્ઞાન પર આધાર રાખે છે. એમાં આપણી પોતાની મૌલિકતા કેટલી?

  Like

 2. Vinod R. Patel કહે છે:

  એક જ વિષય ઉપર અનેક લેખકો લેખ લખતા હોય છે એમાં કેટલીક વાતો મળતી આવતી હોય

  છે , એનો અર્થ એમ ન કરી શકાય કે એણે કોઈ બીજા લેખમાંથી ચોરી કરી છે .

  તમારી દ્રષ્ટિકોણ વાળી વાત બરાબર છે . એક જ વિષયને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોઈ શકાય અને એ જોવામાં

  કેટલીક સમાનતા પણ મળી આવે .

  ઘરેણાના નામ રૂપ જૂજવાં , અંતે તો હેમનું હેમ હોય .

  Like

 3. Harshang Pandya કહે છે:

  સરસ. વાંચવાની મઝા આવી. એક વસ્તુ નોંધવી જોઈએ કે મૌલિકતાનું પ્રમાણ કેટલું છે એ મહત્વનું છે. ન્યુટન ના વિચારમાં મૌલિકતા છે તો ઇંગ્લીશ પિક્ચરમાંથી મોટાભાગની નકલ કરી ને એક બે ગીતો બેસાડી ને દેશી સ્વરૂપ આપી દેનારા નિર્માતાના વિચારમા પણ વત્તા ઓછા અંશે મૌલિકતા છે. દ્રષ્ટિકોણ અલગ હોવો એ જરૂરી છે. પણ સાચી મૌલિકતા ત્યારે કહેવાય કે દ્રષ્ટીકોણની નવીનતા ઉડીને આંખે વળગે.

  Like

 4. jjkishor કહે છે:

  પ્લેટોએ પોતાના આદર્શનગરમાં કવિઓ/સર્જકોને દૂર રાખ્યા હતા, એમ કહીને કે આ બધા સર્જકો નકલની પણ નકલ કરનારા છે ! જગત પણ એક નકલ છે ને તેના પરથી સર્જનો કરો તો તે નકલની નકલ જ ગણાય…..

  મૌલિકતાનો મુદ્દો કલામાત્રને લાગુ પાડવાનો હોય તો કહી શકાય કે કોઈ પણ સર્જન કોઈને કોઈ વસ્તુ, બનાવ કે વ્યક્તિના આધારે જ હોય છે. માટી તો બધી જ સરખી હોય છે પણ તેને ગુંદવાની ક્રિયા, એમાં જરૂરી મેળવણો વગેરે પછી તેમાંથી જે મૂર્તિ બનશે તે તો કલાકારનાં આવડત, અનુભવ, પૂર્વજન્મની મળેલી ભેટ અને આ બધાંની ઉપર જગદીશભાઈ કહે છે તે તેનો વસ્તુ/દૃષ્યને જોવાનો આગવો દૃષ્ટિકોણ – આ બધું કૃતિમાં પ્રગટે છે જે કલાકૃતિને “અન્યથી અલગ” બનાવે છે.

  આ “અન્યથી અલગ”પણું એ જ મૌલિકતા છે. એક જ એંગલથી દોરેલાં બે ચિત્રકારોનાં બે ચિત્રો સરખાં ન હોઈ શકે એટલું જ નહીં પણ એક જ સ્થળેથી લેવાયેલી બે તસ્વીરોમાં પણ બન્ને ફોટોગ્રાફરો કશુંક બીજાથી નવું પાત્ર ઉમેરીને કે પછી કૅમેરાની સ્પીડ બદલીને કે રંગપ્રયોગ બદલીને પોતાના ફોટાને બીજાથી અલગ બનાવી દે છે !

  એક જ માટી, એક સરખી તૈયારી કરીને કુંભાર ચાકડા પર જે કૃતિઓ તૈયાર કરે છે તે ખરેખર તો કલા નહીં પણ ક્રાફ્ટવર્ક છે. કલા અને કારીગરીમાં જે ફેર છે તે મૌલિકતાના સંદર્ભે સમજવાથી કેટલીક સ્પષ્ટતા થઈ જાય છે.

  એક સરખાં ઘેટાંઓને આપણે ઓળખી શકતા નથી પણ ભરવાડ દરેકનું જુદાપણું જાણે છે. ઝાડનાં પાન એકસરખાં હોવા છતાં દરેક પાનમાં કશુંક જુદાપણુ જોવા મળી શકે….પણ તે માટેની આંખ જોઈએ. સંતો એટલે જ પ્રકૃતિના દરેક તત્ત્વને ઈશ્વરની કલા ગણે છે.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s