ટેકો –

આજે સવારે ચાલવા જતાં માનવીમાં ક્યારેક આવી જતા જુસ્સાને સમજવા માટેનો સરસ પ્રસંગ બન્યો.

ઉનાળાની સવાર છતાં વહેલી સવારની ઠંડક ર્સ્ફુતિદાયક હતી. ચાલતાં ચાલતા આગળ થોડે દુર એક કુરકુરીયાના કાંઊ કાંઊના અવાજે ધ્યાનભંગ થયું. જોયું તો એક સાવ નાનકડા કુરકુરીયાની સામે ડાઘીયો કુતરો જાણે હમણા જ બટકુ લઈ લેવાનો હોય તેમ તાકીને ઉભો હતો. કુરકુરીયું બિચારું પુછડી બે પગ વચ્ચે દબાવી ગભરાટમાં કાંઊ કાંઊ કરતું હતું. મને થયું ત્યાં પહોંચીને ડાઘીયાને ભગાડવો પડશે. ત્યાં તો ….. સીન બદલાઈ ગયો. કુરકુરીયું પુછડી ઉંચી કરીને ડાઘીયાની સામે ભસવા માંડ્યું.

With thanks from http://us.123rf.com/

With thanks from http://us.123rf.com/

નવાઈ લાગી, એકાએક શું થયું કે કુરકુરીયામાં હિંમત આવી ગઈ ?

થોડે નજીક પહોંચતા જાણ્યું કે કુરકુરીયાની મા કાંઊકાંઊ સાંભળી આવી પહોંચી હતી. હવે પગ વચ્ચે પુછડી દબાવવાનો વારો ડાઘીયાનો હતો.

આપણું પણ આવું જ છે. (મારે પણ સાસરામાં પગ મુકતાંની સાથે જ મિયાની મીંદડી થઈ જવું પડે છે. J)

મહદ અંશે બધાજ માનવીઓ આવા ટેકાનો સહારો લેતા જ હોય છે. કોઈ પણ કામ શરુ કરતા પહેલાં કટોકટીની પળોમાં કોનો ‘ટેકો’ મળશે એની ગણત્રી કરતા હોય છે. એ કદાચ નાનપણની ટેવ પણ હોય શકે. શરુઆતમાં માના ટેકાથી કાર્યો થાય, મોટા થતા ભાઈભાંડુ, મિત્રોનો ટેકો મળે, પરણે એટલે પત્નીનો ટેકો મળે અને બુઢાપામાં દીકરા-દીકરીઓનો ટેકો મળે.

જેને નથી મળતો, એમાં બેઊ પક્ષે ભુલ છે, પણ પહેલી ભુલ તો આપણી જ.

કારણ …

આ ‘ટેકો’ એ સંપુર્ણ શરણાગતિથી પ્રાપ્ત થાય, ‘સો’ ટકા વિશ્વાસ રાખવાથી પ્રાપ્ત થાય.

બાળક સંપુર્ણપણે માને શરણે જાય, મા પર સો ટકા વિશ્વાસ રાખે ત્યારે જ સામે એવો પ્રતિભાવ પ્રાપ્ત થાય. ફક્ત થોડા વિશ્વાસ સાથે આગળ વધે તો ‘મદદ’ મળે ‘ટેકો’ નહી.

આમેય હવે તો શરણાગતની રક્ષા પણ ગઈ છે અને વિશ્વાસનું સ્થાન વિશ્વાસઘાતે લીધું છે.

મંદીરોમાં યુવામિત્રો વધારે દેખાવા માંડ્યા છે એનું કારણ કદાચ આ ટેકાનો અભાવ અને વિશ્વાસઘાત પણ હોય શકે.

ઓછામાંઓછું કામ નહી થાય તો ‘ઇશ્વરે વિશ્વાસઘાત કર્યો છે’ એવી લાગણી તો ન થાય.

સુરેશભાઈ ‘ગદ્યસુર’ માં દાદાભગવાનની ‘નિજદોષ દર્શન’ ની વાત કરે છે તેમ વિચારીએ તો વિશ્વાસઘાતની શરુઆત આપણાથી જ થઈ હોય એવું ન બને ? ફક્ત વિશ્વાસઘાતની વ્યાખ્યા થોડી સુક્ષ્મ બનાવવી પડે –

‘હું તમારા પર વિશ્વાસ ન ધરાવું’ એ વિશ્વાસઘાત નથી ?

ઓશો એ ક્યાંક કહ્યું છે ‘દુનીયા પડઘા સમાન છે’ તમે જે બોલશો તે તમને સંભળાશે… તમે અન્ય પર વિશ્વાસ મુકશો તો અન્ય તમારા પર વિશ્વાસ મુકશે. આ તો એક પ્રયોગ છે, … કરીએ તો પરિણામ મળે.

જીવન તો પ્રયોગશાળા છે કરતા રહીએ, કંઈક તો થશે !

જતાં જતાં એક સમાચાર –

બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,

સમય જેવો સમય આધીન થઈને ચાલ બદલે છે.

– રજત પાલનપુરી

આ શેરને સાર્થક કરવા કરેલા વિચારો, સ્વપ્રયત્નોનું ભાથું શ્રી સુરેશભાઈ જાનીએ ગદ્યસુર પર “બની આઝાદ” ઇ-બુક તરીકે રજુ કર્યું છે. ફક્ત વાંચવા માટે નહી પણ આઝાદ બનવામાં તેમના પ્રયોગો અને અનુભવો ઉપયોગી થાય તેમ છે.

આજે ડાઊનલોડ કરી  અજમાવી જુઓ !

3 comments on “ટેકો –

  1. Sharad Shah કહે છે:

    એક અર્થમાં કહું તો અહીં મુક્તિ અસંભવ છે. કોની મુક્તિ? કોનાથી મુક્તિ? જ્યાં હું નથી જ્યાં તું નથી ત્યાં કોણ મુક્ત થશે? કોનાથી મુક્ત થશે? પણ આ બધી વાત કદાચ ભેજાથી સમજાઈ હોય તેમ લાગે પણ ખરી પરંતુ સાચા અર્થમાં નથી સમજાઈ શકતી, અને એટલે જ કહે છે કે જેવું સત્યને શબ્દોમાં મુકો કે તે અસત્ય બની જાય છે અને છત્તાં બધા બુધ્ધ પુરુષોએ શબ્દનો ઉપયોગ કર્યો છે અને ઓશોએ તો જેવો ઉપયોગ કર્યો તેવો કદાચ બીજા કોઈ બુધ્ધ પુરુષે હજી સુધી કર્યો નથી. સ્વામી બ્રહ્મવેંદાંતજી કહે છે,”મેરી મુક્તિ નહી મૈં સે મુક્તિ.” મુક્ત થવાનુ છે તો તે ભ્રમણાઓથી. જે આપણે આપણી જાતને સમજીએ છીએ તે છીએ નહી પરંતુ પરમાત્માનુ સ્વરુપ જ છીએ. પરંતુ આપણે સમજીએ છીએ તે આપણી ભ્રમણાઓને કારણે છે, જેવી આ ભ્રમણાઓ ભાંગે છે કે આપણૂં અસલ સ્વરુપ પ્રગટે છે અને ત્યારે જ ઉદ્ગાર સરી પડે છે “અહમ બ્રહ્માસ્મિ” કે “અનલ હક.” મતલબ હું જ છું બ્રહ્મ કે ખુદા છું.
    પણ આ બધી વાતો આપણા કાંઈ કામની નથી. જે દિ આવો અનુભવ થશે તે દિ જોઈશું ત્યાંસુધી આ બધા આપણા માટે પોથીમાંના રીંગણા જ છે.આપણે ચાલવાનુ ત્યાંથી છે જ્યાં આપણે ઉભા છીએ. શિખરની વાતો અને વર્ણન સાંભળીને ભરમાવા કરતાં આપણે જે તળેટીમાં ઉભા છીએ ત્યાંથી યાત્રા કરવાનુ શરુ કરવું આપણા માટે જરુરી છે. પશુમાંથી યાત્રા કરતાં આપણે માનવ દેહ ધારણ કર્યો છે અને એક સંભાવના હવે ઉભી અવશ્ય થઈ છે કે આપણે આપણા મુળ સોર્સમાં પાછા ભળી શકીએ. અત્યાર સુધીનો ગ્રોથ હોરીઝેન્ટલ હતો હવે વર્ટીકલ ગ્રોથ કરી શકીએ છીએ તેવી સંભાવના માત્ર છે. પણ જો આપણે ઈછીએ તો જન્મો જન્મો સુધી માનવ દેહમાં જીવી પશુના લેવલે જીવી શકીએ છીએ અને ઘાંચીના બળની માફક હોરીઝેન્ટલ ફર્યા કરી શકીએ છીએ. માનવની એ સ્વતંત્રતા છે. એટલે બુધ્ધ પુરુષોની વાતો એમના માટે જ છે જેમને હવે વર્ટીકલ ગ્રોથ કરવામાં રસ છે અને પશુ રહેવામાં પીડાઓનો અહેસાસ છે. અધ્યાત્મનો માર્ગ છે વર્ટીકલ યાત્રા.
    બહાર ટેકાઓ શોધવા એ પશુતાનુ લક્ષણ છે અને આપણી અંદર પણ પશુતા ભારોભાર ભરેલી છે અને આપણે પણ બહાર ટેકાઓ શોઢીએ છીએ અને બીજાને ટેકો આપીએ પણ છીએ જેથી સમય આવે અને આપણને ટેકાની જરુર હોય ત્યારે તે આપણને ટેકો આપે. અને અપેક્ષા મુજબ જ્યારે કોઈ ટેકો નથી આપતું ત્યારે આપણે તેને ગાળો દઈએ છીએ. પણ આ બધુ પશુતાના લેવલે બરોબર જ છે અને તેના પરિણામો સુખ-દુખ આવ્યા કરવાના જ છે. પરંતુ જેમને સુખ દુખથી પાર ઉઠવું છે તેને તો પ્રત્યેક ક્ષણે અનુગ્રહથી ભરાવું પડે છે. ટેકો મળે તો અને ન મળે તો પણ. અહીં એની મરજી વગર કાંઈ સંભવ નથી અને આપણી સાથે જે ઘટે છે તે આપણા સારા માટે હોય તો જ ઘટી શકે તેવી શ્ર્ધ્ધા જન્મે પછી જ યાત્રાની શરુઆત થાય છે. ત્યાં સુધી આપણે બધા ખાલી ફીફાં જ ખાંડીએ છીએ. તે નક્કી.

    Like

  2. yuvrajjadeja કહે છે:

    હમણાં થોડા દિવસ પહેલા જ એક કામના સંદર્ભમાં મેં પત્નીને કહેલું કે આ કામ તો જ પાર પડી શકે જો કોઈનો ટેકો મળે ! ઘણા એવા કામ જે ટેકા વગર કરવા અઘરા હોય છતાં મેં એને અંજામ આપ્યા છે – કારણ કે એ વખતે ઉમ્મર નાની હતી , અને મારી ઉમ્મરના બીજા મિત્રોને હળવી પ્રવૃત્તિઓમાં જ રસ હોવાથી … એકલા અનેક કામ ને અંજામ આપ્યા છે ને આપતો રહીશ . ટેકો મળે તો એના થી રૂડું શું હોય ! પણ ના મળે તો …. http://www.youtube.com/watch?v=bR8WLwipB8c

    Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?