આનંદ થતો નથી –

આજે સ્વતંત્રતાપર્વ.

હાશ છુટ્યાનો આનંદ થવો જોઈએ,
પણ થતો નથી.

હકારાત્મકતાનો ઝંડો બહુ ફરકાવું છું, પણ આજે સ્વતંત્રતાનો આનંદ છે એવો દંભ નથી રાખવો.

વિપશ્યના સમજ્યા પછી ‘સમદ્રષ્ટિ’ની સમજણ આવી છે, પ્રયત્ન પણ કરું છું પણ કોણ જાણે કેમ આજે આનંદ નથી થતો.

રાજાશાહીનો તો ઝીરો અનુભવ છે પણ જુની વાતો વાંચી એવું લાગ્યા કરે છે કે ‘આના કરતા રાજાશાહી સારી’

આજે સવારના અશોકભાઈ મોઢવાડીયાની કોમેન્ટ વાંચી મન, આજની આધુનિક સંસ્કૃતિ જેને પછાત ગણે એવા સમયમાં જતુ રહ્યું. ભૂતકાળમાં વાંચેલો ‘થાકલો’ શબ્દ યાદ આવ્યો. ગોંડલ દરબારે (રાજા જ કહેવાતા હશે, ખબર નથી), રસ્તા પર બે ઉભી છીપર (ઓછી જાડાઈનું પથ્થરનું પાટીયુ જ સમજોને !), ઉપર એક આડી છીપર મુકી, થોડે થોડે આંતરે રસ્તાની ધારે ‘થાકલા’ બનાવ્યા હતા. એનો હેતુ જાણો તો સમજાય કે રાજા ‘સારા’ કે ‘નેતા’ ? એનો ઉદ્દેશ એવો હતો સીમમાંથી બહેનો ઘાસચારાના કે લાકડાના ભારા ઉંચકીને લાવતી હોય ત્યારે થાકલાની ઉપર ભારો મુકી, છીપરની નીચે વૈશાખી તાપમાં થોડો પોરો ખાઈ લે અને પછી કોઈની સહાય વિના ભારો માથે ચડાવી ચાલતી થાય. (મને આવડે એવું ચિત્ર બનાવ્યું છે, થોડુંક તો સમજાશે.)

thaklo લોકોની જરુરીયાતોની કેવી સાચી સમજાણ ! એ પણ ‘ફ્રી’ અને વધુમાં મેઈન્ટેનન્સ ‘ફ્રી’. આજે બીઆરટીએસના પ્રોજેક્ટ ચાલે છે પણ કોઈને સંતોષ છે ? જ્યારે ઇલેક્ટ્રીક એક નવાઈ હતી ત્યારે અંડરગ્રાઊન્ડ વાયરીંગ, કન્યા કેળવણી ફરજીયાત, અને એવું તો કેટલુંય ! આજે તો નારી સંરક્ષણના નારા છાપામાં અને નેતાઓના મુખેથી લલકારાય છે પણ નારી ક્યાં છે ? બ્લોગર મિત્રો પ્રજાને નપુંસક કહી નાખે પણ પ્રજાની મજબુરી તરફ કોઈ ધ્યાન દોરે છે ? ઉપાયો તરફ અંગુલીનિર્દેશ કરે છે ? ‘મત આપવાનો અધિકાર’ ખરો, પણ મત કોને આપવો ? સલાહકાર કોલમીસ્ટ સલાહ આપે જેનામાં ઓછું ‘ગુંડત્વ’ હોય, ઓછો ‘ભ્રષ્ટાચારી’ હોય તેને મત આપવો (ચુંટાયા પછીના પાંચ વર્ષમાં ‘માસ્ટરી’ મેળવવાની તક આપવી !). વિધાનસભા કે સંસદમાં રહી આવેલા સભ્યો કે સાંસદોના  આવક અને પ્રોપર્ટીમાં પાંચ વર્ષમાં થયેલા વધારાનું વિશ્લેષણ કરજો, સમજાય જશે. એવું કહી નાખે કે ‘તમારો મત કિંમતી છે’ પણ વાપરવાનું યોગ્ય ઠેકાણું કોઈ દર્શાવે છે ? બંધારણીય હકોની વાત થાય છે પણ – અમેરીકાના ૨૦૦ વર્ષના બંધારણમાં ૨૭ સુધારા થયા અને ભારતના ૬૩ વર્ષના બંધારણમાં ૯૭ સુધારા. કોણે કર્યા ? એવો સવાલ ઉઠાવવાની પણ ‘બંધારણીય’ સ્વતંત્રતા છે ? કેટલાક બ્લોગર મિત્રો ભારતીય સંસ્કૃતિને વખોડે છે પણ તેની પડતીના કારણો તરફ ધ્યાન કેમ દોરતા નથી ? ભારતનું બંધારણ ભારત આઝાદ થયા પહેલાં અંગ્રેજોની નિગરાનીમાં તૈયાર થયુ જેમાં મુળ સંસ્કૃતિના છોતરા ફાડવાની સંપુર્ણ વ્યવસ્થા હોય એ ગોઠવણ પર કોઈ નજર કેમ કરતુ નથી ?

http://www.youtube.com/watch?v=QjfmFjK4FyY

બહુ તકલીફ થાય છે, પણ દિશા સુઝતી નથી અને બધાની સાથે ઉભા રહી ‘સલામ’ કરવી પડે છે. તમે પણ વાંચી લો – જીગ્નેશભાઈએ આપેલી સલામની વાત –

http://aksharnaad.com/2010/02/05/salaam-by-mangesh-padgaonkar/

પણ જન્મભુમિના નાતે –

મા ભારતીની જય જય ..

10 comments on “આનંદ થતો નથી –

 1. રાજાશાહીમાં ઓછામાં ઓછું , રાજા ને તો પકડી શકાય . . . લોકશાહીમાં કોને પકડવા જાવું 😉 . . . પહેલા તો રીડરમાં ઉપરનું ચિત્ર જોઇને લાગ્યું કે જગદીશ સર , આજે ” પાઈ “ની સંજ્ઞાની વાત કરવાના હશે ! . . .

  અને રાજીવ દીક્ષિતની વાત સાથે તો મેં જયારે ભારતનું બંધારણ વાંચવાનું શરુ કર્યું ત્યારથી જ સહમત હતો , કે આમાં આતળી બધી પિષ્ટપીંજણનું કામ શું ??? . . આટલી બધી જફા તો ખાલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને હેરાન કરવામાં કામ આવશે 😦

  અને સૌથી મોટો લોચો એ કે બંધારણમાં કોઈ ખરેખર અદભુત સુધારો લાવાની સત્તા તો મફતિયા સાંસદોને જ આપી દીધી કે જે બેઠેબેઠા પોતાના પગાર વધાર્યે રાખે છે ❗

  Like

 2. ‘થાકલો’ – સરસ બનાવી કાઢ્યો. મેં એકાદ જગ્યાએ જોયેલો છે. આપની વાત સોળે સોળ આનાની છે. મારા નાનાબાપુ પણ ક્યારેક એ જ વાત કરતાં કે, આથી તો રાજાશાહી સાત દરજ્જે સારી હતી. ગોંડલબાપુનો બીજો ઉપકાર તે ’ભગવદ્‍ગોમંડલ’, ગુજરાતીનો સમૃદ્ધ જ્ઞાનકોશ.

  જો કે, દરેક ’શાહી’નાં ગુણદોષ હશે જ. પણ આપણી આ ’ઠોકશાહી’માં દોષ ઝાઝેરા ને ગુણ થોડા જેવું થયું છે. અને એમાં વળી નેતા-પ્રજા સૌનો સહિયારો વાંક છે. આ વાંક પરથી વળી આપની વાત આગળ વધે તો શું બ્લૉગર કે શું અન્ય, ઝાઝેરા વાંકદેખુ જ મળે છે. કારણ કે નિરાકરણ શોધવામાં એટલો આનંદ ન મળે, જેટલો વાંક અને વખોડમાં મળે ! (બ્લૉગ પુરતું કહીએ તો, કૉમેન્ટ્સ પણ એટલી ના મળે 🙂 )

  મારે પણ ઘણાં સ્નેહીમિત્રો સાથે ક્યારેક એ વાતે જ ડખો થાય છે કે, રોગ તો તમે બતાવ્યો, લગભગ લગભગ અમને રોગ વિશે ખબર પણ છે, પણ દવા તો બતાવો ! આપની સાથે સહમત છું, ’ઉપાયો તરફ અંગુલીનિર્દેશ’ કરવામાં કોઈને રસ નથી, માત્ર ’અંગુલી’ કરીને મજા લેવામાં જ આનંદ આવે છે !! (આને ગામઠી ભાષામાં “સ્‍હળી કરવી” કહેવાય !) મૂળે તો ઉપાય કરવો એ જવાબદારીનું કામ છે. અને જવાબદારીનો ઉલાળિયો એનું નામ જનતંત્ર. શું હું કે શું અન્ય, શું નેતા કે શું પ્રજા, મહદાંશે આપણે સૌ આ ઉલાળિયા પ્રથામાં આનંદ માણનારા છીએ. એમાં કોઈક ઈશુ આવીને કહે કે; ’પહેલો પથ્થર એ મારે….’ તો એને સત્વરે વધસ્થંભે ચડાવી દેવાનો !

  જો કે…એ ખીલા ઠોકનારાને કોણે યાદ રાખ્યા છે ? ઈશુ આજે પણ યાદ રહે છે. બસ આવી વાત અમોને ઉત્સાહ પ્રેરે છે. અને વળી પાછાં, બેક ટુ ધ સ્ક્વૅર વન ! ધન્યવાદ.

  Like

 3. yuvrajjadeja કહે છે:

  થાકલો વાળી વાત પહેલી વાર વાંચી , આપે સુંદર ચિત્ર બનાવીને સમજાવ્યું , એક સારો – શ્રેષ્ઠ શિક્ષક કલાસરૂમ માં ચિત્ર બતાવીને નિદર્શન પદ્ધતિથી સમજાવે તે રીતે 🙂 આટલી મોટી વાત મારા જેવા નબળા વિદ્યાર્થી ( પોલીટીક્સ માં મારું જ્ઞાન બહુ ઓછું ) ને સરળતાથી સમજાઈ ગઈ , એ માત્ર આપની સરળ ભાષા – સરળ સમજુતી ને કારણે

  Like

 4. “થાકલો” – મારી માટે તો પહેલીવાર સાંભળેલો શબ્દ અને તેનો સુંદર ઉપયોગ જાણીને જે-તે સમયના વહિવટકાર પ્રત્યે માન થાય તે સ્વાભાવિક છે. તમે ચિત્ર બનાવ્યું તે માટે ખાસ આભાર. (કદાચ તેના વગર સમજવું થોડું અઘરું હોત.)

  પહેલા આ દિવસો મારી માટે શ્રેષ્ઠ ઉત્સવ રહેતા. ઘર-ગાડી-દિવાલો હું જાતે તિરંગાથી શણગારતો અને આખો દિવસનો એક જ વિષય રહેતો – ‘મારો દેશ’. પરંતુ એક સ્તર સુધીની સમજણ મેળવ્યા પછી હવે ગણતંત્ર દિવસ હોય કે સ્વાતંત્ર્ય દિવસ પણ તે અંગે પોતાની જાતને ઉત્સાહિત કરી શકાતી નથી. બની શકે કે મારી ઉપર નકારાત્મક વાતો વધુ હાવી હોઇ શકે પણ હકિકતને હવે હું ભુલાવી શક્તો નથી.

  હું બંધારણમાં થતા સુધારાને આવકારું છું પણ આપણે ત્યાં થયેલા સુધારાઓએ બંધારણને સરળ બનાવવાને બદલે વધુ ગુંચવવાનું કામ કર્યું છે. દરેક મુખ્ય મુદ્દાને પેટા નિયમોમાં વહેંચી દેવાયા છે અને પેટા નિયમોમાં પણ ઘણી શરતોનો સમાવેશ થાય છે. મારા અભ્યાસ અનુસાર આપણાં બંધારણ પ્રમાણે લોકશાહીની વ્યાખ્યા કંઇક આવી કરી શકાય છે – “ભારતીય લોકશાહી એટલે સરકારી અધિકારીઓ દ્વારા, ટેક્ષ ઉઘરાવીને, પૈસા માટે, રાજકીય પક્ષ વડે ચાલતી વ્યવસ્થા”
  (Ref.: http://marobagicho.com/2012/03/02/moti-moti-vato/ )

  ભુતકાળમાં કોઇ નાજુક ક્ષણે મેં બંધારણનો સ્વતંત્ર અભ્યાસ શરૂ કર્યો હતો પણ પુરો ન કરી શક્યો. જો તમે ભારત દેશ અને તેની લોકશાહી વિશે ઉંચો મત ધરાવતા હશો તો તેમાંથી જાણકારી કરતાં હતાશા વધુ મળે તેમ છે. (કદાચ એટલે જ ત્યારે મેં તે અભ્યાસને અધુરો જ છોડી દેવો વધુ યોગ્ય માન્યો હતો.)
  ઉપરની લીંકમાં બંધારણ અને આપણી સરકારી વ્યવસ્થા વિશે કેટલીક વાતો લખી હતી. હા, મેં કોઇ સીધો ઉકેલ તો નથી જણાવ્યો પણ દરેક વાતોમાં તેનો ઉકેલ સમાયેલો છે જ પણ આપણી બંધારણ વ્યવસ્થા પ્રમાણે તે કયારેય સંભવ હોય એમ મને તો નથી લાગતું.

  # અરે, પેલાં સંસ્કૃતિને વખોડતા બ્લૉગરોમાં મારો પણ સમાવેશ થતો હશે, હે ને? (જો કે લગભગ દરેક જગ્યાએ હું મારો મત જણાવીને તેનો ઉકેલ તો સુચવતો જ હોઉ છું અને આપને કોઇ જગ્યાએ ઉકેલ ન જણાય તો મારો કાન પકડીને પુછી પણ શકો છો સાહેબ…)

  Like

  • jagdish48 કહે છે:

   રીટાયર્ડ થયા પછી શેહ-શરમ છુટી ગયા છે, કોઈ વાર તમારોય વારો ચડી જાય તો ના નહીં ! મારો વાંધો સ્વતંત્ર વિચારસરણીનો નથી, પણ કોઈ મારી-મચડીને મુદ્દાઓની સેળભેળ કરે તેનો વાંધો ચોક્કસ છે.

   Like

 5. bharodiya કહે છે:

  ૨૦૧૦ માં પોરબંદર પાસેના એક ગામના ખેડુત માજી નો લેખ આવેલો એ વખતે એમની ઉમર ૧૨૭ વરસની હતી. પત્રકારના જવાબમાં એમણે કહેલુ કે આના કરતા રાણાના રાજ સારા હતા. એ બન્ને રાજમા જીવેલા એટલે સરખામણી એમના અનુભવને આધારે કરી શકે. ભાવનગર જિલ્લાના વડિલો પણ આ જ વાત કરતા. ભાવનગર જિલ્લામાં કેટલાક ગાયકવાડી ગામો હતા ત્યાની સાસુઓ ભણેલી હોય અને નવી અવેલી વહુઓ અભણ હોય એવું પણ બનતુ. એ લોકોને ગાયકવાડી રાજ સારુ લગતુ.

  દિલ્લીની એક બહેનની વાત માનીએ તો તાજેતરમા સૌહુથી સુખી જનતા લિબિયાની હતી. એ બહેન ત્યાંની યુનિવર્સિટીમા પ્રોફેસર હતા અને ત્યાની પ્રજા સાથે એમને આત્મિયતા બંધાય ગઈ હતી. ગદ્દાફી માટે એની પ્રજા જ મહત્વની હતી, દરેક સુખ એની પ્રજાને આપ્યુ હતુ. પ્રજાને કોઇ દુખ નહોતુ. પ્રજા માટે આખી દુનિયા સાથે ટકરાવા તૈયાર રહેતો. અમેરિકાની કુટનીતિ અને મિડિયાના દુશ્પ્રચારને કારણે ભોળી પ્રજા ભોળવાય ગઈ અને બળવો કર્યો. અમેરિકાની પિઠ્ઠુ સરકાર આવ્યા પછી જરૂર જનતા પસ્તાઓ કરતી હશે.

  કોઇ પણ શાહી હોય, રાજાશાહી કે લોક શાહી, રાજા સારા હોય તો પ્રજા આનંદમા રહે નહિતો પટબળતરા.

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s