સેક્સ સપ્રેસ્ડ –

દિલ્હીમાં એક કોલેજ કન્યા પર ગેંગ રેપ થયો, તેના પડઘા દેશમાં જ નહીં પણ વિદેશમાં, અરે ! બ્લોગ જગતમાં પણ પડ્યા. ‘કુરુક્ષેત્ર’ના રાઓલજીએ તો ભારતીય સમાજને ‘સેક્સ સપ્રેસ્ડ’ કહ્યો અને તે પણ હમણાનો નહી, છેક પુરાણ કાળથી ! અહલ્યા, સીતા, દ્રૌપદીના ઉદાહરણો સાથે લખી નાખ્યું કે “ભારતનો નઘરોળ સમાજ સ્ત્રીઓના માનસન્માન અને હકની બાબતમાં કાયમ ઊંઘતો જ રહ્યો છે.”  તેમને સીતા ધરતીમાં સમાય ગઈ એ પ્રસંગ યાદ આવ્યો પણ રામે, સીતાના સન્માનની રક્ષા માટે જ રાવણનો વધ કર્યો તે તર્ક ભુલી ગયા. દ્રૌપદીના જીદને મહત્વ આપવામાં જ મહાભારત ખેલાયું એ ભુલી ગયા. (પોતાની વાત સાચી સાબીત કરવા તેઓ હજુ પણ તર્ક કરી શકે કે ‘રામને પોતાની આબરુની પડી હતી તેથી સીતાને છોડાવવા લંકા ગયા’ કે ‘ભીમ પોતાનું પૌરુષત્વ દ્રૌપદી પાસે સાબીત કરવા દુર્યોધનને મારી તેનું લોહી દ્રૌપદીના કેશ ભીંજવવા લઈ આવ્યો’). મુળ વાત મનોવૈજ્ઞાનિકોની વાતનો આધાર લઈને કરીએ તો ‘We see, what we want to see’. ડ્રોંઈગ ક્લાસમાં વચ્ચે મુકેલા એક મોડેલને દરેક દિશામાંથી નિહાળતા વિદ્યાર્થીઓ જુદી જુદી રીતે દોરે છે. આવી જ વાત દિલ્હીની કન્યાના ગેંગરેપની છે. રાઓલજી ભારતીય સમાજને સેક્સ સપ્રેસ્ડ કહી ઉતારી પાડવાનો પ્રયત્ન કરે છે. તેનો માપદંડ, બળાત્કારના કિસ્સાઓને ગણતા હશે ને ? એમની જ એક પોસ્ટ પરની એક કોમેન્ટમાં, મેં દુનિયાના થતા ક્રાઈમની સરખામણીની લીન્ક આપેલ –

http://www.nationmaster.com/compare/India/United-States/Crime
http://www.nytimes.com/2011/12/15/health/nearly-1-in-5-women-in-us-survey-report-sexual-assault.html?_r=1

આ લીન્ક મુજબ ભારતમાં એક લાખની વસ્તીએ ૧.૭ બળાત્કારના કિસ્સા બને છે જ્યારે અમેરિકામાં એક લાખની વસ્તીએ ૩૦.૨ બળાત્કારના કિસ્સા બને છે. બળાત્કારના કિસ્સાઓની દ્રષ્ટીએ ક્યો સમાજ ‘સેક્સ સપ્રેસ્ડ’ થયો ? ( “બળાત્કાર આખી દુનિયામાં થતા હોય છે. પણ પશ્ચિમનો સમાજ આટલો સેક્સ સપ્રેસ્ડ નથી.” – રાઓલજી). લેખમાં આગળ વધતા લાલ અક્ષરોમાં પાછું એવું સ્વીકારે કે – “ભારતનો સમાજ સેક્સ સપ્રેસ્ડ છે તો પશ્ચિમનો સમાજ સેક્સ સ્વછંદ છે. સત્ય અંતિમ છેડાઓ પર હોતું નથી વચમાં ક્યાંક હોય છે. સત્ય બ્લેક એન્ડ વ્હાઈટમાં નહિ ગ્રે શેડ્સમાં ક્યાંક વસેલું હોય છે.” કેટલું સરસ વાક્ય છે. હવે જો સત્યને શોધવા ‘અંતિમ’ છેડાઓને છોડી ગ્રે શેડમાં શોધવું હોય તો છેક વેદપુરાણો સુધી શા માટે લાંબા થવું જોઈએ ?. મેં પણ મનમાં દુઃખ લગાડી કોમેન્ટ કરી નાખી – “ …… એવું પણ લાગે છે કે ભારતીય લોકોને જ ભારતીય સમાજ અને સંસ્કૃતિની ‘એલર્જી’ છે. બાકીના દેશોના સમાજો અને સંસ્કૃતિ જાણે આલોચનારહિત છે.”

એક અત્યંત હીચકારું કૃત્ય થયું છે એ બાબત મગજના બધા દરવાજા ખુલ્લા રાખીને સ્વીકારવું પડે એની ના નહી, પણ આ કૃત્ય પરથી એવું તારણ હરગીજ ન કાઢી શકાય કે સમાજ સેક્સ સપ્રેસ્ડ છે. “દિવ્યભાસ્કર”ના શ્રી સંજય વોરાના ચાર આર્ટીકલ વાંચવા જેવા છે – કોલમ ‘ન્યુઝ વોચ’.

તારીખ ડીસેમ્બર ૨૪ , પેઈજ ૮. “સ્ત્રીઓની સુરક્ષાના દસ જડબેસલાક ઉપાયો”

તારીખ ડીસેમ્બર ૨૫ , પેઈજ ૮. “દુષ્ટોને દંડવા ન્યાયતંત્રમાં ધરમુળથી ફેરફારો જરુરી”

તારીખ ડીસેમ્બર ૨૬ , પેઈજ ૮. “સ્ત્રીસ્વાતંત્ર્યની ભ્રામક કલ્પના જ સ્ત્રીની દુશ્મન છે”

તારીખ ડીસેમ્બર ૨૮ , પેઈજ ૮. “પુરુષમાં પડેલો હેવાન ક્યારે જાગૃત થઈ જાય છે”

પહેલા લેખમાં એક સુંદર વાક્ય છે – ‘એકાંત, અતિપરિચય, અનુકુળતા અને અંધકારમાં ઘણા પાપો થતા હોય છે, પોતાની સુરક્ષા ચાહતી સ્ત્રીએ આ બધા પ્રસંગોથી દુર રહેવું જોઈએ. (ગંગાસતીના પદ ની જેમ – “એવો કળજુગ આવશે… નરનારી એકાંતે બેસશે રે”). તેઓ એવું પણ લખે છે કે પુરુષોની જાતીય ઉશ્કેરણી કરવામાં સ્ત્રીના કામોત્તેજક વસ્ત્રો મહત્વનો ભાગ ભજવે છે. (રાઓલજી ‘મર્યાદા મનમાં હોવી જોઈએ કે કપડામાં?’ ની પોસ્ટ દ્વારા આ હકીકતની પણ મજાક ઉડાડે અને એનઆરઆઈ છોકરીઓ ભારતીય સમાજની ઠેકડી ઉડાડે કે ‘સની લિઓન ભારતીય મુળની છે તેમાં ગૌરવ લેતા હશે !’. પણ રાઓલજી કે આ છોકરીઓ નથી જાણતી કે ભારતીય મુળની પંચાત મીડીયાના પંચાતીયાઓને હશે, ‘એવરેજ’ સમાજને એની કોઈ જાણ પણ નથી અને રસ પણ નથી.) … ટુંકમાં ઉપરોક્ત ચારે ચાર લેખ વાચવા જેવા તો ખરા !

રાઓલજી આગળ લખે છે – “સેક્સ પ્રત્યેના ખોટા અવૈજ્ઞાનિક અભિગમને લઈને એક સેક્સ સપ્રેસ્ડ સમાજ પેદા થાય છે ….. શું ઉકાળ્યું બ્રહ્મચર્યની વાતો કરીને? ……. આવી ગલત ધારણાઓથી ઘણા બધા સારા ચિંતકો, મહાત્માઓ પણ મુક્ત રહી શક્યા નથી.”  અને પછી શરુ થયું મહાનુભાવોની વિચારસરણીને હીણ દર્શાવવાનું. આ પ્રકારના લખાણોથી તેમને કદાચ એવી ભ્રાંતિ થતી હશે કે હું બીજા કરતા અલગ છું, હું જે આત્યંતિક વાત કહું છું તે સત્ય છે, હકીકતમાં એવું પણ બને કે માનસિક રીતે ગુંચવાયેલ પણ હોય. (જો કે એ ગુંચવણ પ્રગટ થઈ જ જાય, એવું લખીને કે “સત્ય બ્લેક એન્ડ વ્હાઈટમાં નહિ ગ્રે શેડ્સમાં ક્યાંક વસેલું હોય છે.” ગમે તે હોય પણ મને રાઓલજીની ખેલદીલી ગમે છે, તેઓ કોઈની પણ કોમેન્ટ ‘સપ્રેસ્ડ’ નથી કરતા !)

દિલ્હીના કિસ્સામાં ભારતીય સમાજ સેક્સ સપ્રેસ્ડ છે કે નહી એ બાબતે નહી પણ મીડીયાએ મુખ્ય ભાગ ભજવ્યો હોય એવું લાગે છે. મને સવાલ એ થાય છે કે આ કિસ્સા સિવાયના આનાથી પણ વધુ ઘૃણાસ્પદ કિસ્સાઓ બન્યા છે એની ચર્ચા કેમ નથી થઈ ? થોડા વખત પહેલાં ચાર વર્ષની માસુમ બાળકી સાથે આવી જ ઘટના બનેલી અને બાળકી મૃત્યુ પામેલી, એ વખતે આટલો ઉહાપોહ કેમ ન થયો ? આરોપીઓને કડકમાં કડક સજા થાય, એવા કાયદાઓ થાય એ ઇચ્છનીય છે, પણ કાયદો થવાથી ગુનો નહી બને ? ફાંસીની સજા પામેલાઓ – કસાબ જેવા – જેલમાં બેસીને સામાન્ય પ્રજાના પરસેવાના પૈસા બગાડે છે. કેટલાયની ફાંસીની સજા હજુ લટકતી જ છે.

પુરુષમાં પડેલા હેવાનને જાગૃત થવાના કારણો માનવીના જીન્સમાં, બ્રહ્મચર્ય કે સ્ત્રી સન્માનની ભાવનામાં જ નહી પણ અન્ય સ્થળોએ પણ પડેલા હશે એ પણ તટસ્થતાથી વિચારવા જોઈએ.

Advertisements

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s