સ્ટ્રેસ – ૨

આજની પોસ્ટ ટેકનીકલ છે આથી વાંચવામાં ધીરજ રાખવી પડશે અને સમય પણ ફાળવવો પડશે. દામ અને નામ માટે સમય ફાળવો છો તો થોડુંક તમારા માટે પણ વિચારોને !

ગઈકાલે પોસ્ટ લખતી વખતે એવો વિચાર આવતો હતો કે ‘તણાવ મુક્તિ’ ના તો મોટીમસ ફી સાથેના સેમીનારો યોજાય છે અને તેમાં કેટલાક સીધાસાદા ઉપાયો સુચવવામાં આવે છે, જે લગભગ બધા જ જાણે છે, પણ અમલમાં નથી મુકતા. કેમ ? વિચાર્યું છે ? આ ઉપચારોમાં સામાન્ય રીતે કહેવામાં આવે કે ‘રોજ યોગ્ય પ્રમાણમાં કસરત કરો, મેડીટેશન કરો ….’ આપણે કેમ નથી કરતા ? ‘સમય જ ક્યાં મળે છે, આખો દિવસ ભાગંભાગ કરવાની હોય છે, જપીને બેસવાનું પણ નસીબ થતું નથી.’ શું આ હકીકત છે ? આનો જવાબ તો પછી વિચારશું, પણ મને એમ થયું કે જો ‘કોર્ટીસોલ’ ના કાળા કામ જાણી શકીએ તો કદાચ તણાવ મુક્તિનો બીજો માર્ગ પણ શોધી શકીએ. એ માટે મેં નર્વ સીસ્ટમને સમજવા મથામણ કરી. પણ એ તો ‘આઈસબર્ગ’ જેવું નીકળ્યું. ઉપર બરફની નાનકડી ટોચ દેખાણી પણ નીચે તો બરફનો મોટોમસ પહાડ નીકળ્યો. સામાન્ય ભાષામાં સમજવામાં નવ નેજા પાણી ચડાવવા જેવું થયું. છતાં પ્રયત્ન કરીએ.

મનુષ્યની નર્વસ સીસ્ટમના બે મુખ્ય ભાગ પાડવામાં આવ્યા છે – Central nervous system (CNS) અને Peripheral nervous system (PNS). આપણે ધારો ને ‘હેડ ઓફીસ’ અને બ્રાન્ચ ઓફીસ’ ! હેડ ઓફીસમાં એટલે કે CNS માં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે અને જ્યારે બ્રાન્ચ ઓફીસમાં એટલે કે PNS માં વિવિધ ઇન્દ્રીયોને CNS સાથે જોડતી નર્વ્સ (ચેતાતંતુઓ) અને કેટલાક ચેતા-કોષો (ન્યુરોન્સ)નો સમાવેશ થાય છે. હવે આ PNS ના પણ બે ભાગ છે – સીમ્પેથેટીક નર્વ્સ સીસ્ટમ અને પેરાસીમ્પેથેટીક નર્વ્સ સીસ્ટમ. કોર્ટીસોલના બધા ખેલનું મુળ આ સીમ્પેથેટીક નર્વ્સ સીસ્ટમ છે. શરીરની કોઈપણ ‘ઉત્તેજના’ ઓ વખતે સીમ્પેથેટીક નર્વ્સ સીસ્ટમ મહત્વનો ભાગ ભજવે છે જ્યારે પેરાસીમ્પેથેટીક નર્વ્સ સીસ્ટમ શરીરની સામાન્ય અવસ્થામાં, શરીરના જે કાર્યો ઓટોમેટીક થતા રહે છે જેવા કે પાચન, શ્વાસોચ્છવાસ વગેરે, તેને સંભાળે છે. આ બન્ને નર્વ્સ સીસ્ટમને સમજવાનો એટલે પ્રયત્ન કર્યો કે જ્યારે આપણી જ્ઞાનેન્દ્રીયોને – આંખ, કાન, નાક, ચામડી વગેરેને બહારથી કોઈ સંદેશો મળે ત્યારે તે મગજ સુધી કેવી રીતે પહોંચે. આપણે બ્રાન્ચ ઓફીસમાં કોઈ કામ માટે જઈએ ત્યારે મહદ અંશે હેડ ઓફીસની જાણકારીમાં કાર્યો થાય પણ કેટલાક કાર્યો બ્રાન્ચ ઓફીસમાંથી તુરત થઈ જાય, અને તેની જાણ પછીથી હેડ ઓફીસને થાય. એવી જ રીતે ઉપરની બન્ને નર્વ્સ સીસ્ટમો કેટલાક કાર્યો પોતાની રીતે તુરત કરી નાખે – ઉદાહરણરુપે તમારો હાથ ગરમ વસ્તુને અડે કે તુરત પાછો ખેંચાય જાય પછી મગજને ખબર પડે કે આ વસ્તુ ગરમ છે. હવે ધારી લો કે તમે દુધની ગરમ તપેલી ભૂલમાં ઉપાડી લીધી. હવે જો તપેલી છોડી દો તો દુધ ઢોળાય જાય. નુકશાન થાય. આવા સમયે મગજમાં લાભ-ગેરલાભ, નફા-નુકશાનની ગણત્રીઓ શરુ થાય. થોડીવાર હાથ બળવા દેવો (Fight) કે દુધ ઢોળાવાનું નુકશાન સહન કરવું (Flight) ? આવી પરિસ્થિતિને પહોંચી વળવા મગજમાં આ બે વિકલ્પોમાંથી એકની પસંદગીનું ‘સ્ટ્રેસ’ ઉભું થાય અને મગજમાંથી જાતજાતના સંદેશઓ અને કેમીકલ્સ છુટે. આટલું વાંચતા તમને ઘણો સમય ગયો, પણ ઉપર વર્ણવેલી પ્રક્રીયા તો આંખના પલકારા કરતાં પણ ઘણા ઓછા સમયમાં (નેનો સેકન્ડ્સમાં) થાય.

નર્વ્સ સીસ્ટમમાં થતા આ સંદેશાઓની આપ-લેની માયાજાળ સમજવા જેવી છે. સેન્સરી ઓર્ગને કંઈક સેન્સ કર્યું – ચામડીએ સેન્સ કર્યું કે તપેલી ગરમ છે – મગજમાં હાઈપોથેલેમસને સંદેશો મળે કે કોઈ કટોકટી છે, હાઈપોથેલેમસ પડોશી ‘પીચ્યુટરી ગ્રંથી’ જાણ કરે, (પીચ્યુટરી ગ્રંથીને શરીરમાં હોર્મોન ઉત્પન્ન કરતી વિવિધ ગ્રંથીઓની ‘હેડ’ કહી શકાય.) પીચ્યુટરી ગ્રંથી કેમીકલ્સ દ્વારા કીડની પર રહેલી એડ્રીનલ ગ્રંથી ને આ કટોકટીને પહોંચી વળવા શરીરને તૈયાર કરવા જરુરી એવા હોર્મોન ઉત્પન્ન કરવા સીગ્નલ મોકલે. આ હોર્મોન્સમાં કોર્ટીસોલ પણ હોય. જેવા આ હોર્મોન્સ લોહીમાં ભળે કે કટોકટીને પહોંચી વળવા – પ્રતીકાર કરવા કાર્યવાહી શરુ થઈ જાય. –

 • હૃદય અને ફેફસાની ગતિ તેજ થઈ જાય (કારણ કે કટોકટીવાળા સ્થળે વધારે ઓક્સીજન અને લોહીની જરુરીયાતને પહોંચી વળવાનું છે, બ્લડ પ્રેસર વધે)
 • શરીરના બીજા અંગોના કાર્યોને ધીમા કરી દેવામાં આવે અથવા સ્ટોપ કરી દેવામાં આવે (કારણ કે કટોકટીવાળા અંગને પ્રાયોરીટી આપવાની છે)
 • સ્નાયુઓની બ્લડ વેસલ્સને પહોળી કરી દેવામાં આવે (વધારે લોહી મળે તો સ્નાયુઓ વધારે સારી રીતે કાર્ય કરી શકે – જેમકે ભાગવાનું હોય તો પગના સ્નાયુઓને વધારે મહેનત કરવાની છે અને તેને વધારે લોહીની જરુર છે, પણ અન્ય ભાગોની બ્લડ વેસલ્સને સાંકડી કરી દેવામાં આવે અને તેને કારણે તે અંગોનું રોજીંદુ કાર્ય ખોરંભે પડે – જેમકે કીડની, પાચનતંત્ર )
 • વધારે શક્તિની જરુર છે માટે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવામાં આવે
 • એટલું જ નહી પણ જો ઇન્જરી થાય તો લોહી ઝડપથી જામી જવું જોઈએ આથી લોહીનો જામી જવાનો ગુણધર્મ વધારી દેવામાં આવે

આવા તો શરીરમાં બીજા ઘણા ફેરફારો થતા હશે. સામાન્ય રીતે આ બધી પ્રક્રીયા કટોકટીના થોડા સમય પુરતી જ થાય. પણ જો સ્ટ્રેસ લાંબો સમય ચાલુ રહે તો શરીરની સીસ્ટમ્સ ‘થાકી’ જાય અને રોગ ઘર કરી જાય. સાદો દાખલો – વારંવાર કે લાંબા સમયનો તણાવ લાંબો સમય બ્લડપ્રેસર ઉંચું રાખે, અંતે હૃદય થાકી જાય અને બીપીનો રોગ ઘર કરી જાય. લાંબા સમયનું સ્ટ્રેસ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઉંચુ રાખે અને અંતે ડાયાબીટીસ થાય. શરીરની ઓટો ઇમ્યુન સીસ્ટમ થાકી જાય અને રોગ પ્રતિકારકતા ઘટી જાય. વારંવાર થતી શરદી કે એલર્જી આનું સાદુ ઉદાહરણ છે.

શરુઆતમાં આપણે કોર્ટીસોલના ‘કાળા કામ’ ની વાત કરી, તેને દોષ દીધો, પણ ખરેખર તો તેણે કટોકટીમાં આપણા બચાવ માટે જરુરી કાર્ય કર્યું છે. પણ…..

જો તેને લાંબો સમય મહત્વ આપીએ તો બહુ મોટું નુકશાન કરે.

આમાં નવું શું છે ! કોઈને પણ વધારે મહત્વ આપો તો તે પણ ‘પેંધી’ જાય છે ને !

બચવા તો કંઈક કરવું પડશે ને ! … હવે પછી !

Advertisements

2 comments on “સ્ટ્રેસ – ૨

 1. Atul Jani (Agantuk) કહે છે:

  રાહ જોવાનું લેખે લાગ્યું. સ્ટ્રેસ વખતે શું થાય છે તે જાણવા મળ્યું. સ્ટ્રેસથી બચવું કેવી રીતે તે માટે આગામી હપ્તો કેટલા દિવસ પછી?

  Like

 2. […] સ્ટ્રેસ-૨ માં ચેતાતંત્રની ચાંપલુસી કરી, પણ સ્ટ્રેસના કન્ટ્રોલ માટે ‘કોર્ટીસોલ’ને ભુલી શકાય તેમ નથી. તકલીફ ઉભી કરે છે માટે કોર્ટીસોલને કાળાકામ કરનાર કહી ઉતારી પાડ્યો પણ ખરેખર તો કટોકટીની પળે શરીરને જરુરી છે એવા કાર્યો કરવાનું ‘પ્રાયોરીટી મેનેજમેન્ટ’ તેની પાસેથી જ શીખી શકાય. વધારે ઓક્સીજનની જરુર છે શું કરવું ? વધારે લોહીની જરુર છે, શું કરવું ? અમુક જ સ્નાયુઓને વધારે શક્તિની જરુર છે શું કરવું ? આ બધુ કોર્ટીસોલની મદદથી સીમ્પેથેટીક નર્વસ સીસ્ટમે કરી નાખ્યું, પણ તુરત પેરાસીમ્પેથેટીક નર્વસ સીસ્ટમને પોતાનું કાર્ય યાદ આવ્યું – શરીરને સામાન્ય અવસ્થામાં રાખવાનું – અને તેણે પોતાનું કાર્ય શરુ કર્યું. સીમ્પેથેટીક નર્વસ સીસ્ટમથી તદ્દન વિરુધ્ધ કાર્યો – હૃદયની ગતિ ધીમી કરવી, શક્તિનો સંચય કરવો, પણ આ કાર્યો કરવા માટે તેને ‘સમય’ની જરુર છે. પણ અત્યારે ‘ટાઈમ જ ક્યાં છે ?’ […]

  Like

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s