મતિભ્રમ ?

ચિત્તને મન સાથે સરખાવ્યા પછી વૃતિને વધારે સારી રીતે સમજવાની મથામણમાં તેના પર્યાય શોધવા મહેનત કરી, પછી કેટલાક વાક્યો કાનમાં ગુંજ્યા – ‘એને મતિભ્રમ થયો છે’, ‘અવળી મતિ સુઝી છે’ ‘સવળી મતિ સુઝે તો સારુ’ ‘મત મારી ગઈ છે’. આ વાક્યો પાછળની પરિસ્થિતિઓને યાદ કરતાં લાગ્યું કે વૃતિને ‘મતિ’થી રીપ્લેસ કરી શકાય છે. (ભાષાશાસ્ત્રીઓને વાંધો લેવો હોય તો લેવા દઈએ પણ આપણે તો રોટલાથી (સમજણથી) કામ છે, ટપ ટપથી (શબ્દોથી) નહી.). મૂળ વાત, વૃતિ/મતિ બગડે તો ‘મન’ બગડે, મનની અવસ્થા બગડે, અંતે નકારાત્મક વિચારો અને લાગણીઓનો ઉભરો આવે, શાંતિ હણાય જાય અને આપણી સફર તો શાંતિની શોધની છે. (હજુ મેં ‘પરમ શાંતિ’ નથી લખ્યું, એના માટે તો મહેનત કરવી પડે પણ આ વિજ્ઞાનના જમાનામાં જ્યાં ડગલેને પગલે શારીરિક મહેનત ભૂસાઈ ગઈ હોય ત્યાં આ શાંતિ મેળવવાની મહેનત કરવાની વાત ક્યાં કરવી.)

આ વૃતિને (મતિને) બગાડનાર પરિબળોને જાણી લઈએ તો વૃતિને બગડતી અટકાવી શકાય. આ પરીબળો ક્યા ? મહર્ષિ પતંજલીએ યોગસુત્રોમાં પ્રથમ પાદ ના ત્રીસમા સુત્રમાં આ પરીબળો જણાવ્યા છે.

३०. व्याधि स्त्यान संशय प्रमादालस्याविरति भ्रान्तिदर्शनालब्धभूमिकत्वा नवस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः ।

આ બધા પરીબળોને સમજવાનો પ્રયત્ન કરીએ –

  • વ્યાધિ – મન અને શરીરની માંદગી. શરીર માંદુ પડે એટલે મન માંદુ પડે જ. શરીરને સ્વસ્થ રાખીએ તો મન પણ સ્વસ્થ રહે. શરીરને સ્વસ્થ રાખવા ખાન-પાન અને કસરત પર ધ્યાન આપવું પડે, પણ મોટી મુશ્કેલી – સમય જ ક્યાં છે ? અત્યારે ખાઈ-પી મોજ ન કરીએ તો શું બુઢા થઈને ખાશું ? (બુઢા ! બિચારા અફ્સોસ કરે, જુવાનીમાં ખાઈપી લીધું હોત તો ? હવે દાંતેય નથી ને પચતુંય નથી.). જોગીંગપાર્કના ટ્રેક પર તો રોડ કરતાંય ટ્રાફીક વધારે હોય છે અને બધે ક્યાં જોગીંગ પાર્ક મળે છે, શોપીંગ મોલ જ ઉભા છે. (હજુ તો ઇન્ટરનેશનલ મોલ આવવાના બાકી છે !) – આ પરિસ્થિતિમાં શ્રી રામદેવજી બાબાને યાદ કરવા જેવા ખરા ! તેમનું ‘યોગીક જોગીંગ’ કામ આવે, રુમમાં ૪X૪ ની જગ્યા તો મળે ને ? એટલામાં કામ રળી જાય. – જો રોળવવાની દાનત હોય તો ! અને અઠવાડીયાના એકાદ દિવસ સ્વાદનો લાભ લઈ લેવામાં પણ તબીયત પણ જળવાય રહે. મૂળ વાત ‘દાનત’ ની છે !
  • સ્ત્યાન – બહુ ઓછો જાણીતો શબ્દ છે, પણ ‘એદીપણા’ થી સર્વ પરિચિત હોય જ. કિશોર અવસ્થામાં ઘણીવાર માબાપ તરફથી સાંભળવા મળેલો હોય. સવારના મીઠા સ્વપ્નના આનંદ લેવામાં ‘હવે નવ વાગ્યા ! ઉઠ હવે ! શું એદીની જેમ ઘોર્યા કરે છે ?’ હથોડાની જેમ લાગ્યા છે ને આ શબ્દો ? શરીરનું ‘જડત્વ’, કાર્ય કરવાનું મન થતું નથી, આવા અર્થ લઈ શકાય.
  • સંશય – શંકા/કુશંકા એ મનની પ્રકૃતિ છે. જ્યારે શંકા ઉભી થાય ત્યારે વ્યક્તિનો આત્મવિશ્વાસ ડગી જાય. શંકા એ નકારાત્મક પૂર્વધારણા (Negative Assumption) કરતા વધારે ઉતરતી કક્ષામાં આવે. નકારાત્મક પૂર્વધારણા તમને તમારી ધ્યેય પ્રાપ્તિની દિશામાં આવતા ‘અવરોધ’ તરફ અંગુલીનિર્દેશ કરે છે. જેમકે વિદ્યાર્થીને પરીક્ષા પહેલા વિચાર આવે કે ‘ફર્સ્ટ ક્લાસ નહી આવે તો ?’ આ નકારાત્મક પૂર્વધારણા છે. આત્મવિશ્વાસ ધરાવતો વિદ્યાર્થી વધુ મહેનત કરશે, ક્યા વિષયમાં વધુ મહેનત કરવાની છે તેનું પ્લાનીંગ કરશે. હવે જો વિદ્યાર્થીને પોતાનામાં આત્મવિશ્વાસ ન હોય તો, શંકા ઉભી થાય, ‘ફર્સ્ટ ક્લાસ નહી આવે’ (અહીં ‘તો’ શબ્દ નીકળી જાય), ‘નકારાત્મક વિચાર’ મજબુત થઈ ‘શંકા’માં પરિવર્તિત થઈ જાય. વિદ્યાર્થીના પ્રયત્નોના બળને નબળું બનાવે છે જે આત્મવિશ્વાસને વધુ તોડી પાડે. આમ વિદ્યાર્થી એક વિષચક્રમાં ફસાય જાય. આમ સંશય મનની તાકાતને તોડી પાડતું એક સબળ પરીબળ છે.
  • પ્રમાદ – પરિણામ જાણવા છતાં ભૂલ કરવી એને આપણે બેદરકારી કહીએ છીએ. બેદરકારીનો સારો શબ્દ ‘પ્રમાદ’. મારા એક મિત્રનું વજન ખુબ વધારે છે, ટ્રેઈનર માટે પૈસા પણ ભર્યા છે, પણ જીમમાં જવામાં ‘કાલથી જઈશ’ અને કાલ ક્યારેય આવતી નથી. આ બેદરકારી એ પ્રમાદ છે.
  • આલસ્ય (આળસ) – રવીવારની સવાર ‘આલસ્ય’માં જ જાય છે, આથી એની બહુ ચર્ચાની જરુર નથી.
  • અવિરતિ – શબ્દ જરા ભારેખમ છે. વિષયોમાં આસક્તિને રતિ કહે છે. સાદી ભાષામાં વિવિધ ઇન્દ્રીયો દ્વારા મેળવાતો આનંદ. ખાસ કરીને યોગમાર્ગે આગળ વધતી વ્યક્તિએ વિષયોની આસક્તિથી દૂર થવું પડે. ‘વિરતિ’ પ્રાપ્ત કરવી પડે. હવે આ વિરતિની પ્રાપ્તિમાં વ્યક્તિ જો પાછો પડે તો ‘અવિરતિ’ થાય. યોગ સાધકે આ ‘અવિરતિ’થી બચવું પડે. પણ આપણા જેવા સામાજીક પ્રાણીનું શું ? એટલીસ્ટ વિષયોની આસક્તિ તો ઓછી કરી શકાય. જીભના ચટાકા ઓછા કરીએ એસીડીટી તો ન થાય ! કંઈ ખોટું કીધું ? (સુરતમાં એક ફાસ્ટફુડની શોપનું નામ ‘Chataka Z’ છે, આ તો જનરલ નોલેજ માટે …… ! )
  • ભ્રાન્તિ – કેવો પરફેક્ટ વર્ડ છે. મને લાગે છે કે ‘હું લેખક છું’, આ બ્લોગમાં લખું છું ને એટલે …. કેવી ભ્રાન્તિ ! મહદ અંશે બધા જ કોઈને કોઈ ભ્રાન્તિમાં જીવે છે. ઘણીવાર સંબંધોની ભ્રાન્તિ જીવવાનું બળ પુરુ પાડે છે. ફક્ત આ ભ્રાન્તિ ‘મરતે દમ તક’ અક્બંધ રહેવી જોઈએ. બાકી પપ્પાની સાથે લળી લળીને વાત કરતા પુત્રને ખુશ થઈને પપ્પા પોકેટમની ડબલ કરી આપે, એ જ પુત્રની એના મિત્ર સાથેની વાતચીત – ‘મારો બાપ જુના જમાનાનો ચીગુશ છે, તેને પટાવવામાં મહેનત પડે છે, યાર !’ – સાંભળી જાય તો શું થાય ? હાર્ટએટેક ?
  • અલબ્ધભૂમિકત્વ – આ શબ્દ યોગ માર્ગે આગળ વધતા સાધક માટે વધારે સંબંધકર્તા છે. યોગ સાધનામાં આગળ વધતા જુદા જુદા તબક્કા આવે છે. જો આ તબક્કાઓ સાધક પામી ન શકે તો તેને અલબ્ધભૂમિકત્વ કહે છે. આ શબ્દને વધારે સારી રીતે સમજવા યોગ માર્ગે આગળ વધવું પડે અને આગળ વધતા સુક્ષ્મ દ્રષ્ટિએ જોતા તેનો અર્થ સમજાય.
  • અનાવસ્થિતત્વ – આ શબ્દ પણ સાધકને વધારે લાગુ પડે. અહીં આગળ વધેલો સાધક પ્રાપ્ત કરેલા તબક્કાઓમાં સ્થિર ન થઈ શકે તો તેને અનાવસ્થિતત્વ કહે છે.

આ નવ પરિબળો આપણી મતિને બગાડનાર છે. ચિત્તની વૃતિ બગડે તો પરીણામ સારુ નથી જ મળતું. જો કે આપણે તો નવમાંથી સાતનું જ ધ્યાન રાખવું પડે. એટલું થાય તો ભલે યોગસાધનામાં આગળ ન વધીએ, પણ જીવન સાધનામાં તો આગળ વધી શકાયને ……  ?

Advertisements

આપનું અમુલ્ય મંતવ્ય આપશો ?

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s